Get The App

અગર વો પૂછ લે હમ સે, કિસ બાત કા ગમ હૈ.... તો ફિર કિસ બાત કા ગમ હૈ, અગર વો પૂછ લે હમસે !

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News
અગર વો પૂછ લે હમ સે, કિસ બાત કા ગમ હૈ.... તો ફિર કિસ બાત કા ગમ હૈ, અગર વો પૂછ લે હમસે ! 1 - image


અનાવૃત - જય વસાવડા

જીવનમાં જરૂર એકબીજાને હૃદય આપો, પણ એને બંધ દાબડીમાં સાચવી ન રાખો. સાથે રહીને પણ પરસ્પરને મોકળાશ આપવી, એ પરિપક્વ પ્રેમ. મોટા દેવાલયોના સ્તંભો પાસેપાસે હોય છે, એક જ છતનો બોજ ઉંચકે છે. છતાં ય અડોઅડ ટકરાતા નથી. બે મોટાં વૃક્ષો એક જ બગીચામાં હોય છે, પણ એકબીજાની સતત છાયામાં વિસ્તરી ન શકે

Somebody hold me too close

Somebody hurt me too deep

Somebody sit in my chair

And ruin my sleep

And make me aware

Of being alive, being alive

Somebody need me too much

Somebody know me too well

Somebody pull me up short

And put me through hell

And give me support

For being alive

Make me alive

Make me confused,

mock me with praise

Let me be used, vary my days

But alone is alone, not alive!

Somebody crowd me with love

Somebody force me to care

Somebody let me come through

I'll always be there

As frighened as you

To help us survive

Being alive

Being Alive !

નેટફલિક્સ પરથી ઓસ્કારલેવલ સુધી પહોંચી ગયેલી ફિલ્મ 'મેરેજ સ્ટોરી'માં ક્લાઇમેક્સ પહેલા આ બ્યુટીફુલ લવસોંગ આવે છે. મેરેજ સ્ટોરી નામ ધરાવતી એ ફિલ્મ વાસ્તવમાં તો 'ડિવોર્સ સ્ટોરી' છે ! વર્ષો પહેલા આવેલી 'ક્રેમર વર્સીસ ક્રેમર' ફિલ્મ (હિન્દી ઉઠાંતરીમાં કેટલાક જાણીતા નામો ઃ પ્યાર ઝુકતા નહીં, કાશ, અકેલે હમ અકેલે તુમ, થોડુંક રાજા હિન્દુસ્તાની, થોડુંક ચલતે ચલતે)ની આધુનિક રિમેક હોય એવી એ ફિલ્મમાં મેરેજની જેમ જ કોણ સાચું ને કોણ ખોટું એ જજમેન્ટ પાસ કરવું અઘરું છે. ડાયરેક્ટરે કેમેરા જાણે રિયલ લાઇફમાં ગોઠવી દીધો છે.

પણ આ સોંગ એમાં વિચ્છેદ પામેલો છતાં 'પેઇનફુલી કનેક્ટેડ' એવો પતિ દોસ્તોની પાર્ટીમાં ગાય છે, એ મૂળ તો 'કંપની' નામના બ્રોડવે મ્યુઝિકલનું છે. જેમાં ૩૫ વર્ષના સીંગલ હીરો બોબીની વાત હતી. જે એના ગુ્રપમાં અલાયદો પડી જતો. કારણ કે અન્ય પરણીત મિત્રોની લાઇફમાં એ 'કંપની' આપવાવાળું કમ્પેનિયન  નહોતું !

વસંતમાં વેલેન્ટાઇનના રેડ રોઝની માદક મહેક ફેલાતી હોય ત્યારે 'બીઇંગ એલાઇવ' યાને જીવતા રહેવું કોને કહેવાય એ માટે આ ઇઝી ઇંગ્લિશ લવ સોંગ ફરીફરી વાંચવા જેવું છે. દરેક કોઇક ને કોઇક તો એવું મનોમન ઝંખે, જે એને ઉચ્છવાસનો ગરમાટો કે હૃદયના ધબકાર સંભળાય, એટલી પાસે આવીને પકડી રાખે. જેને તમે ફરતેની કાંટાળી વાડ હટાવી ેએટલા નજીક આવવા દો, કે એ તમને હર્ટ કરી શકે ! જેના અચાનક રોકવાના પ્રયાસો છતાં ય મધરાતે ટપકી પડતા વિચારો તમારી ઊંઘ ઊડાડી દે. અને એવું કોઇક જીવનમાં આવે ત્યારે આપણને જીવતા હોવાનો અહેસાસ થાય.

એ 'સમવન સ્પેશ્યલ' જેને આપણી બહુ જરૂર હોય, જે આપણને આપણાથી ય વધુ સાંગોપાંગ જાણી ગયા હોય, જેના લીધે આપણો આફતમાંથી ઉગારો ય થાય, ને જેને લીધે નરક જેવી યાતનાઓ ય વેઠવી પડે, પણ એ એમના જ સહારે સહન થઇ જાય ! જે ભલે આપણને કન્ફ્યુઝડ કરી દે, આપણી પ્રશંસાને બદલે ઠેકડી ઊડાડે, દિવસો ઉંધાચત્તા કરી નાખે ને રસકસ ચૂસી લે... પણ એકલા રહેવા કરતાં આવો ચીરફાડ કરતો સંગાથ આપણને જીવંત રાખે. સ્નેહરશ્મિ યાદ આવી જાય ઃ એકલ પાંખ ઊડાય ના, એકલ નહિ હસાય... એકલ રવિ (સૂર્ય) નભ (આકાશ) સંચરે, (તો) એની ભડકે  બળતી કાય !

કોઇ એવું જે પ્રેમના પૂરમાં તમને તણાવીને તરબોળ કરી દે, તમને કાળજી લેવા માટે અંદરથી જ મજબૂર કરી દે, જે પોતાની ભીતર તમને પ્રવેશવા દે, અને કટોકટી આવે તો ભલે ગભરાયેલી ફફડતી અવસ્થામાં પણ જોડે ઊભા રહે - આવું કોઇ પ્રેમી હૈયું મળે તો જ લાગે કે આ ધરતીનો ધક્કો વસૂલ થયો, અને આપણે એકની એક ઘટમાળમાં પરોવાઇને મરી નથી ગયા. હજુ તો જીવતા છીએ !

સરળ સાદા શબ્દોમાં કેવી અદ્ભુત વાત કહી જાય છે આ પોએમ ! કોઇ પણ પરફેક્ટ ક્યારેય હોતું નથી, પણ પ્રેમની દ્રષ્ટિને લીધે પરફેક્ટ લાગી શકે છે. ઉણપ બધામાં હોવાની જ. નક્કી તો એ કરવાનું કે કોની ઉણપને ય આપણે સ્વીકારીને ચાહી શકીએ ? અધૂરી ખાલી જગ્યાઓની તિરાડો કેવળ પ્રેમની લુગદીથી પુરાતી હોય છે ! 'તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે...' સુરેશ દલાલ પ્રેમના ચકચૂર 'ચેટિંગ'ને  કાવ્યમાં પરોવી ગયા છે.

બ્યુટી લવની એન્ટ્રી ટિકિટ હોય તો બાતચીત આખી ફિલ્મ છે ! પ્રેમમાં દરિયાના ભરતી-ઓટ જેવા બે તબક્કા કોમ્યુનિકેશનમાં આવે. એક જેમાં બસ કારણ વગર અવનવી, આડીઅવળી, અમસ્તી મસ્તીભરી વાતો કરવાનું મન થાય. અને બીજો જેમાં બસ રાતના એકાંતમાં હળવે હળવે ચાલતા મૌન સંવાદ થતો હોય ! અને નિતાંત સુંદર ફિલ્મ (ડાયરેક્ટેડ બાય કેપ્ટન અમેરિકા ક્રિસ ઈવાન્સ) 'બિફોર વી ગો'માં કેવી સરસ એ ક્ષણ ઝીલી લેવામાં આવી છે ઃ અને એવી રાતના અંતે તમને કશુંક કહેવાનું બહુ જ મન થાય, પણ ના. ખામોશ. એ નાજુક પળોને બોલીને બગાડી ન નાખો. એવું કશું નહિ હોય, જે એ પ્રિયજનની જાણ બહાર હશે. એને ખબર જ હશે, એ વાતની. બસ એનો હાથ પકડો હળવું ચુંબન કરો અને આભાર માનો કે આપણી પોતાની જાત સિવાય પણ કોઇને પ્રેમ કરતાં એના થકી શીખવા મળ્યું !  આ જ તો  છે, જીવનનો ખરો મર્મ !

એટલે તો કલાપી જીગર પરના અપાર જખમ અને દાહની ફરિયાદ છતાં ય લખી ગયા ઃ બહુ ય રસ છે મને, હૃદય છે હજુ તો અહો !.. અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો !... ભલે મૃદુ રહી, સહી સૌ જખમ છેક ચૂરો થતું... કઠિન  ન બનો હૃદય એ જ ઈચ્છું,  પ્રભુ !

રાઇટ. પ્રેમભંગ બહુ જલદ એસિડિક બળતરા છે. તો ય એ વેદના સારી. દિલ દુઃખે તો છે, દુભાય તો છે. મતલબ, આપણે લાશ નથી. હજુ જીવંત છીએ. ને હૃદય કઠોર બની બધાને જાકારો આપી દે, એના કરતાં થોડું માસૂમ, થોડું ભીનું હશે તો ક્યારેક કોઇ અન્યને આવકારો આપી શકશે. ભલે તૂટતું, ભલે કોચવાતું, ભલે પીસાતું, ભલે મસોતાંની માફક નીચોવાતું. પણ પથરા જેવું કઠોર હોય એવા લોજીકલ બ્રેઇન કરતાં સિનેમા જોઇને રડી પડતું નરમ દિલ ઉત્તમ. એ હશે તો ક્યારેક પ્યારના બુખાર, સોરી, ખુમારમાં સાંભળેલા જોક પણ વધુ હસાવી જશે, સંગીત ફરીફરી સાંભળવાનું મન થશે. કોઇક બીજાના પુસ્તકના પાના જેવી કોરી જીંદગી કરતા આડાઅવળા લીટા તાણેલું પોતાનું પાનું સારું ! લવનો ટચ થશે તો કારખાનામાં ભૂખરાં મકાનોમાં ય ગુલાબી ઝાંય દેખાશે. જાણે ફેફસાંમાં વધુ ઓક્સિજન ભરાતો હોય એવી તાજગી આવશે. વાદળોમાં ચિત્રો દેખાશે અને ન ભાવતી વાનગીઓ પણ વિચારમગ્ન અવસ્થામાં ખવાઇ જશે !

હા, આવા વધુ કોમળ દિલોની આજની કઠિન અને કઠોર દુનિયામાં જરૂર છે. જેમનામાં રોમાન્સની ફોરમ આવતી હોય. જેમના માટે ચાંદની બની હોય એવું લાગે. જેમના હોવાથી ઉનાળાની બપોરે સ્નોફોલ થયાની ટાઢક મળે. જેમની પાસે કાનમાં કહેવા જેવી ધીમી વાતો અને એના પડઘા ઝીલી શકતા કાન હોય.

પ્રેમ સ્વીકારો પછી કોઇ પ્રેમ કેવી રીતે કરે, એ માટેની શરતો મુકવાની ન હોય. એમાં વહેતા જવાનું હોય. એની તડપને ય માણતા જવાની હોય. વિનોદ જોશી કહે છે ને ઃ હમ્બો હમ્બો આંખમાં ઝીંકું માઝમ રાત, પરોઢિયે પોંખાય સૂરજ તારા નામનો !

કૃષ્ણ સ્વર્ગમાંથી લઇ આવ્યા હોવાની માન્યતાને લીધે જેનું નામ 'હરિશ્રીંગાર' પણ છે, એવા પારિજાત યાને શેફાલીના નાજુક શ્વેત-કેસરી દાંડલીના ફુલો પાછળની એક મનલુભાવન પ્રેમકથા ય છે. પોએટિકલી રોમેન્ટિક.

એક નાજુક નમણી રમણી હતી. એ તેજસ્વી સૂર્યના પ્રેમમાં પડી. સૂર્ય એને ચુંબન કરે એ વિચારમાં જ એ શરમાઇને રાતીચોળ થઇ જતી હતી. એ પ્રફુલ્લયૌવના રાજકુમારીના મહેલે સૂર્યનું આગમન થયું. આસપાસ વસંત વગર મોસમે ખીલી ગઇ અને વાતાવરણ ટહૂકાઓથી ગુંજી ઊઠયું.

 મોસમના ઋતુચક્રો અગનગોળા સમા આદિત્યના ધરતી પર આવવાથી ખોરવાઇ ગયા. સૂરજને અહેસાસ થયો કે વધુ વખત રોકાવાથી તો પૃથ્વી પર પ્રલય આવી જશે, એટલે એ વિદાય થયો. લવ-સિક સુંદરી એની પાછળ ઘેલી થઇને છેક સ્વર્ગ સુધી દોડી પણ ત્યાંના અત્યંત ચમકદાર તેજમાં બળીને ભસ્મ થઇ ગઇ. એ ભસ્મ જ્યાં ધરતી પર પડી ત્યાં સુંદર સુગંધ આવવા લાગી ! એમાંથી ખીલ્યું વૃક્ષ પારિજાતનું ! જેના શ્વેત પુષ્પોની દાંડલી કેસરી એટલે એના હૃદયના કેન્દ્રમાં સૂર્યના કિરણો જ હતા ! કહેવાય છે કે ચોમાસામાં કામ ઓછું હોઇને સૂર્ય વાદળો હટે ત્યારે પારિજાતને મળવા આવે છે, સાંજ પડયે અને પછી પરોઢ પહેલા જતી વખતે એને વિદાયનું ચુંબન કરે છે, ત્યારે પારિજાતમાં કેલીના મદહોશ ઉન્માદનું લખલખું આવી જાય છે, અને નવવધૂની સેજની માફક સવારે નીચેની જમીન પર ફુલોની પથારી પ્રભાતના સૂર્યના સ્વાગત માટે બિછાઇ જાય છે !

કેવું મજાનું કલ્પન ! બસ, એટલે જ વધતી જતી ટેકનોલોજીના આ યુગમાં ય 'પ્રેમપદારથ' બચાવીને રાખવાનો છે. એના ગીતો સિતારના તાર તૂટે તો ય અંતરથી ગાવાના છે. બધું જ આંગળીને ટેરવે હોય એવી ડિજીટલ દુનિયામાં ઈશ્ક આપણને સ્પર્શની ભાષા શીખવશે. ભાર ઉતારીને હળવા થવાશે. મહોબ્બતનો ખરો કસબ જ 'ડિફેન્સલેસ' થવામાં છે. એક એવા સંબંધમાં વગર પાંખે ઊડવાનું - જ્યાં ખુલાસા કે બળાપાને સ્થાન ન હોય. જ્યાં કોણ સાચું, કોણ ખોટું એની લાંબી ડેવિલીશ ડિબેટ ન હોય. જ્યાં પોતાનાં બચાવની વાત જ ન હોય. કારણ કે આપણા અસ્તિત્વના અહંથી વિટાર કોઇ વ્યક્તિ લાગે, ત્યાં સહજ શરણાગતિ  પ્રગટે.

પણ પ્રેમ એ ગુલામી નથી. મુક્તિ છે. બંધન નથી, ઊડાન છે. ખલીલ જીબ્રાન લખી ગયા છે કે ઃ જીવનમાં જરૂર એકબીજાને હૃદય આપો, પણ એને બંધ દાબડીમાં સાચવી ન રાખો. સાથે રહીને પણ પરસ્પરને મોકળાશ આપવી, એ પરિપક્વ પ્રેમ. મોટા દેવાલયોના સ્તંભો પાસેપાસે હોય છે, એક જ છતનો બોજ ઉંચકે છે. છતાં ય અડોઅડ ટકરાતા નથી. બે મોટાં વૃક્ષો એક જ બગીચામાં હોય છે, પણ એકબીજાની સતત છાયામાં વિસ્તરી ન શકે. રેઇનર મારિયા રિલ્કે જેવા ધુરંધરે આ સત્યની સાહેદી એવું કહીને આપી કે પ્રેમીઓએ એકબીજાના એકાંતના ચોકીદાર બનવાનું છે. સજોડે સ્વંતંત્ર ! કોઇને સ્પેસ આપવી એનો અર્થ એના પર ભરોસો કરવો. બકૌલ રિલ્કે, પ્રણય કોઇ પથરો નથી કે કાયમ એવો ને એવા જ રહે. એ તો રોટીનો લોટ છે, જેને રોજ નવેસરથી તૈયાર કરવો પડે છે !

અમેરિકામાં રૂથ અને હરોલ્ડ નામના બે વ્યક્તિઓ પ્રાથમિક શાળામાં મળ્યા, હળ્યા. પછી મોટા થઇને પ્રેમમાં પડયા. ૬૫ વર્ષ સુધી દાંપત્યજીવન ચાલ્યું. છ બાળકો થયા. અંતે વૃદ્ધાવસ્થામાં હેરોલ્ડની યાદશક્તિ ઘટી ગઇ, રૂથ મોતના બિછાને આવી ગઇ. હોસ્પિટલમાં મરણશય્યા પરની પત્ની પાસે ઘરડો પતિ બેઠો રહ્યો હાથ પકડીને, અને બીજી સવારે એ ગુજરી ગયો અને બપોરે પત્ની ! જાણે સ્વર્ગમાં પ્રિયાના સ્વાગતની પૂર્વતૈયારી માટે ગયા હોય !

આ પ્રેમલગ્ન અને પછી લગ્નપ્રેમના આવા તો અઢળક ઉદાહરણો છે. દિલ દા મામલા હૈ. બહુ ઓછાને ખબર હશે કે પોતાના સૂફી અને વેદ-ઉપનિષદના જ્ઞાાતા મોટા ભાઇ દારા શિકોહના હત્યારા ધર્માંધ મુઘલ શાસક ઔરંગઝેબે માત્ર બાપ શાહજહાં જ નહિ, એની દીકરી જેબુન્નિસા (ઝેબ-ઉન-નિસ્સા)ને પણ આજીવન નજર કેદ કરી હતી ! નામ જેવા કવિયત્રી, પ્રેમ અને કળાના ગુણો ધરાવતી ઝેબુન્નિસાની મા દિલરસ બાનો ઈરાની / પર્શિયન હતી. પિતાને બદલે મોટા કાકા (દારા શિકોહ)નો વારસો મળ્યો હોય એમ ઝેબુન્નિસાને ભાષા, ચિંતન, કવિતા, વિજ્ઞાાન, જ્યોતિષ એ બધામાં રસ પડતો. એની શેરોશાયરીનો આખો દીવાન (સંગ્રહ) એણે લખ્યો ઃ દીવાન-એ-મકફી (મકફી એટલે  અદ્રશ્ય). એની ગઝલોમાં લવ એન્ડ ફ્રીડમની  થીમ રહેતી.

''હું એની સામે ઝુકું છું પણ મુસ્લિમ નથી. એની પ્રતિમાની પૂજા કરું છું પણ હિન્દુ નથી. ગળામાં એનો હાર પહેરું છું પણ (જનોઇધારી) બ્રાહ્મણ નથી. હું તો છું પ્રેમની કોયલ'' એવી પંક્તિઓ એણે રચેલી ! એ ક્યારેય પરણી નહિ. પણ દંતકથા એવી છે કે ઔરંગઝેબે કેદ રાખેલા છત્રપતિ શિવાજીના વ્યક્તિત્વથી અંજાઇ એ એના પ્રેમમાં પડેલી. વિવેકપૂર્વક શિવાજીએ એનો પ્રેમપ્રસ્તાવ નકાર્યો. ઔરંગઝેબ આ કારણે દીકરી પર ખફા થયો. પણ ઝેબુન્નિસા અમુક કવિઓના સંપર્કમાં રહી હોવા છતાં પરણી નહિ. બગાવતી બેટીને બાપે ૨૦ વર્ષ કિલ્લામાં દાસી મિયાંબાઇ સંગ પૂરી રાખી. એવું કહેવાય છે કે પ્રેમની નિષ્ફળતા બાદ મીરાંની જેમ એ કૃષ્ણભક્ત બની ગઇ હતી !

ફિલ્મી સ્ટોરીનો પ્લોટ ધરાવતી ઝેબુન્નિસાની કબર પણ વર્ષો પહેલા દિલ્હીમાં રેલ્વેલાઇન નાખવા માટે ઉખાડી દેવાયેલી. ધર્મઝનૂની અને ક્રૂર ઔરંગઝેબને નેગેટીવલી પણ યાદ કરનાર દુનિયા દારા કે ઝેબુન્નિસા જેવા પ્રેમપુજકોને ભૂલી જાય છે ! હત્યા યાદ રાખીએ, ને હૈયાં ભૂલી જઇએ એ કેવું ?

;;;

વેલેન્ટાઇન ડેની ભારતમાં કોઇ જરૂર નથી. પણ એટલે એને ધરાર માતૃ-પિતૃ પૂજાદિન કે શહીદદિન ઠસાવી દેવાની વાત પણ ભારતીય સંસ્કૃતિની નથી. આ કેવળ યૂથ સાથેનો ડિસ્કનેક્ટ અને ફ્રસ્ટ્રેટેડ લઘુતાગ્રંથિ છે આપણી. વેલેન્ટાઇનનો વિરોધ કરતા પ્રેમનો વિરોધ શરૂ થઇ જાય છે. વસંતોત્સવ ઉજવીને સ્વદેશી પ્રેમપર્વને જાપાનીઝ ચેરી બ્લોસમ સાકુરાની જેમ ઈન્ટરનેશનલ કરવાને બદલે આપણે તો તાલિબાની કોપીપેસ્ટ કરી પ્રેમનો જ વિરોધ કરવા લાગીએ. ભલેને બધા જ ઈશ્વરોના પ્રેમલગ્ન થયા હોય ભારતમાં ? લવની એલર્જી ધરાવતો સૂગાળવો સમાજ રૂગ્ણ જ રહેવાનો. જે શૃંગારિક છે, એ કાતિલ-બળાત્કારી ન હોઇ શકે. સૌંદર્યની પૂજા કરનાર એને પરાણે વીંખી ન શકે. સ્પર્શમાં ય કરન્ટ લાગતો હોય વિજાતીય પાત્રના એ સમાજ સ્વસ્થ વિચારો  પચાવી ન શકે.

પાઉલો કોએલ્હો કહે છે 'કારણ નહિ આપું કારણ મને ગમે છે'ની અદામાં કે કોઇ પ્રેમ કરો તો બસ કરે છે. એ માટે કારણની જરૂર નથી. ફિટ્ઝરાલ્ડે એવું કહ્યું કે ઇન્ટીમસીમાં જે બીમાર થયો, એ કદી સાજો નથી થવાનો. પણ આ દર્દમાં જ લિજ્જત છે. હા, આપણી ગેરહાજરી જેને અસર ન કરે એને આપણી હાજરીથી ય ફરક નથી પડવાનો એ યાદ રાખવું. પ્રેમની દિવ્યતા પરસ્પર એ થાય તો છે, બાકી કેવળ ભવ્યતા જ વધે. 'રઘુવંશ'માં 'નાસૌ ન કામ્યૌ.... ભિન્નરૂચિર્હિ લોકઃ' શ્લોકમાં કાલિદાસ ઈન્દુમતીના સ્વયંવરમાં પરમ સત્ય વદે છે. આ રાજા કામના કરવા જેવો નહોતો એવું નથી (લાયક હતો) ને ઈન્દુમતીને સારું જોવાની પરખ નથી એવું ય નથી (એ ય હોશિયાર પ્રેમાળ છે) પણ પ્રત્યેક વ્યક્તિની રૂચિ જુદી જુદી હોય છે. મતલબ, ક્યારેક જોડી બહારથી કમાલ કી લાગે પણ ભીતરથી કોઇને લવ કનેકશન ન બને માટે લેટ ધ  ફીલિંગ્સ ફ્લાય. ડોન્ટ ક્રાય, જસ્ટ ટ્રાય. પ્રેમ છે તો પૃથ્વી છે. પ્રેમ હશે તો માણસજાત ટકશે. પતંગિયાઓ ઊડાડો શોભિત દેસાઇની રચનાથી...

ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !

એક છોકરી કેવું અદ્ભૂત જાગે છે !

બર્ફીલી ચાદર હમણાં જ

પથરાઇ છે જળની લહેરો પર,

એક શાશ્વત સ્પર્શનું ગીત

રજુ થાવા તત્પર છે અધરો પર,

આંખો દ્વારા અપેક્ષાઓને તાગે છે !

એક છોકરી કેવું અદ્ભુત જાગે છે !!

પુરુષત્વમાં ઓગાળવાની ક્ષણ પર

ખુદને જયારે લાગે છે.

ત્યારે ચોર્યાશી  લાખ જનમથી

પર એ મને બનાવે છે,

ખીંટી ઉપર ખુદની ઇચ્છા ટાંગે છે !

એક છોકરી કેવું અદ્ભુત જાગે છે !!

ડ્રિન્ક લવ. રૂહાની બાબતોની શાંતિ છોડો, રૂમાની થવાનો વસવાટ અનુભવો. પેરિસમાં આજે ય જેમના નામનું એરપોર્ટ ટટ્ટાર ઊભું છે એ ચાર્લ્સ દ ગોલે એમની દીકરીને લખેલું 'જે તને પુષ્પ આપીને કહે કે તને ચાહું છું તેમ કહે તેને સ્માઇલ આપજે. તારા વિના રહેવાશે નહિ ને તું ના પાડીશ તો આપઘાત કરીશ એવું કહેનારને ભાવભરી વિદાય આપજે. પણ જે કશું બોલ્યા વિના માત્ર તારી પાસે રહેવાના છુપા પ્રયત્નો કરે અને તમારી નજર મળે ત્યારે જેના હાથમાંથી કોફીનો કપ છલકાઇ કે ઢોળાઇ જાય, તેને વધુ ગંભીરતાથી પારખજે,  ઓળખજે.  તે તને  પ્રાપ્ત કરે એ સૌભાગ્ય હશે.'

હેપી વેલેન્ટાઇન્સ ડે ઇન એડવાન્સ.


- ઝિંગ થિંગ -

'મને લાગે છે દુનિયાના આરંભથી આજ સુધી એક પણ એવો મહાપુરૂષ નહિ થયો હોય, જેને કોઇ એકાદ સ્ત્રીએ સાચે સ્વરૂપે ન પારખ્યો હોય. એક સાચું સ્વરૂપ  એટલે !  સ્નેહના  ટાયલાં ખોળતો વેવલો છોકરો.'
(ઝવેરચંદ મેઘાણી)

Tags :