Get The App

પ્રભાવશાળી પર્શિયાથી ઇસ્લામિક ઇરાન : ઇતિહાસમાંથી જડતો વર્તમાન !

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
પ્રભાવશાળી પર્શિયાથી ઇસ્લામિક ઇરાન : ઇતિહાસમાંથી જડતો વર્તમાન ! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- પર્શિયા એ જ ઇરાન. વિશ્વની સૌથી પહેલી મહાસત્તા ! જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ, જર્મનીનું આજ જેવું અસ્તિત્વ નહોતું ત્યારે પહેલું સુપરપાવર કલ્ચર પર્શિયન હતું !

ગુ લાબ, દિલ, કાગળ (કાગઝ), જગ્યા (જગહ), જિંદગી, આશિકી, રૂમાલ, દફતર, ખુશ્બૂ, રોજ, મહિના, સાબ, ચીજ, દુકાન, કિતાબ, મેદાન, દોસ્ત, બચ્ચા, જવાન, મર્દ, દીવાના, બદનામ, ઇમાન, ખૂબસુરત, નોકરી, દરબાર, દવાખાના, તહસીલ, જમીનદાર, સફેદ, હરગીઝ, નોકરી, દરબાર, દવાખાના, તહસીલ, જમીનદાર, સફેદ, હરગીઝ, કૂર્તા, પનીર, શાયદ, શાનદાર, રંગ, હમેશા, અંદર, દૂર, ખાલી, ખરાબ, તાજા, પાસે, ગરમ, ગંદા, બીમાર, સાંકડું (સંકરા), સુસ્ત, શહેર, તારાજ, રદ્દી, મારું (મેરા), તમારું (તુમ્હારા), હમ, હમલા, જવાબ, કોશિશ, બરબાદ, આબાદ, મવાલી, સલામ, સુબહ, કુલ્ચા, પુલાવ, સમોસા, કુલ્ફી.... અરે, હિન્દુ અને સરકાર શબ્દો પણ હિન્દી અને ગુજરાતી વગેરે ભાષામાં આવ્યા એ મૂળ કઈ ભાષાના છે ?

જવાબ છે : પર્શિયન યાને ફારસી ! જી હા, આપણે શુદ્ધ સ્વદેશીકરણ કરીએ તો લખીબોલી જ ન શકાય એટલા શબ્દો આપણી રોજીંદી (આ પણ !) બોલચાલની ભાષામાં પર્શિયન છે. ભાષાશાસ્ત્રીઓની નજરે સંસ્કૃત ને પર્શિયન ઇન્ડો-યુરોપિયન કૂળની સગી બહેનો જેવી ભાષા છે. (અરેબિક નહિ, એનું કૂળ સીમેટિક) છે. ઇનફેક્ટ, ઇરાનમાં ઇસ્લામ અંગિકાર થયા પછી છેક ૧૯૩૫ માં પર્શિયા મુકી ઇરાન નામ ધારણ કર્યું. એ ઇરાન શબ્દનો અર્થ પણ આર્યોની ભૂમિ થાય છે !

શબ્દો જ નહિ, સ્વાદમાં પણ ફારસી અસર છોડી શકાય એમ નથી. તંદૂર (તાનૂર) પર્શિયન અસર છે. નાન, કુલ્ચા ને કબાબ પણ. જલેબી (ઇમરતી), બરફી, ગુલાબજાંબુ, સમોસા, બિરિયાની, ફાલુદા, નાન, રાયતા, કોફતા અને શીરા યાને હલવા પણ પર્શિયન ઇમ્પેક્ટ છે આપણી થાળીમાં ! ખાનપાનની ચીજોમાં કેસર, કિશમિશ, બદામ, પિસ્તાનો ઉપયોગ અને દૂધ ફાડીને પનીર એ પણ ઇરાનની ભૂમિ પર્શિયાથી ભારત આવેલી અસર છે ભારતમાં.

આ પર્શિયા એ જ ઇરાન. વિશ્વની સૌથી પહેલી મહાસત્તા ! જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ, જર્મનીનું આજ જેવું અસ્તિત્વ નહોતું ત્યારે પહેલું સુપરપાવર કલ્ચર પર્શિયન હતું ! સાઠેક હજાર વરસ જૂની તો સંસ્કૃતિ. ઇ.સ. પૂર્વે ૫૫૦ માં એક સમ્રાટ થયેલો ત્યાં. જેનું નામ હતું સાયરસ ધ ગ્રેટ ! એણે આસપાસના બધા જ ઇલાકા પર ફતેહ મેળવીને એક વિરાટ સામ્રાજ્ય ઉભું કરેલું. ભારતનો કાશ્મીર પંજાબ તરફનો ભાગ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ગલ્ફ યાને અખાતી પ્રદેશના તમામ દેશો, ઇઝરાયેલ, પેલેસ્ટાઈન, રશિયાથી અલગ પડેલા તઝાખીસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કી, ઇરાક, સીરિયા, ઇજીપ્તનો અમુક ભાગ, યમન, લેબેનોન, લીબિયા, ઓમાન, બહેરીન વગેરે બધા આજના દેશો પર્શિયન સામ્રાજ્ય નીચે આવતા.

સાયરસ ગ્રેટ એટલે કહેવાયો કે એ સમયમાં એને માત્ર જીતતા નહિ, જીતેલા પ્રદેશો પર રાજ ચલાવતા પણ આવડતું ! એ સહિષ્ણુ હતો. જે પ્રદેશ જીતાય એની સ્થાનિક આસ્થા ને સંસ્કૃતિને ખતમ કરવામાં ના માનતો, એટલે એના પ્રભાવમાં મોટો પ્રદેશ રહ્યો. પર્શિયાના સુવર્ણયુગનો એ આરંભ હતો. આજે જેના અવશેષો જોવા મળે એવી ભવ્ય રાજધાની પર્સીયોલિસ ત્યારે બની. સાયરસ બાદ દરાયસ અને એનો વારસદાર પેલો '૩૦૦' ફિલ્મમાં જોવા મળે એ ઝેરેક્સસ (જેણે એથેન્સ અને સ્પાર્ટા જેવા લડાયક ગ્રીક વિસ્તારો ધૂળ ચાટતા કરેલા એ જ પર્શિયન સામ્રાજ્ય ! માત્ર ગાલીચાઓ ત્યાં બનતા એવું નહિ. સિંચાઈ અને ટપાલ, મુદ્રિત સિક્કાઓ આ બધાનો આરંભ પર્શિયન સામ્રાજ્ય અને સંસ્કૃતિથી થયો.

એ ગાળામાં જ પર્શિયામાં અગ્નિની પૂજા શરૂ થઈ અને ઝોરોષ્ટ્રીયન ફેઈથ આવી, જે જરથુ્રષ્ટનો ધર્મ અપનાવનાર ઇરાનીઓ યાને પારસીઓ ગુજરાત ભાગીને આવ્યા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આસ્થા જે હોય તે પર્શિયન જીન્સની પહેચાન પારસીઓને જોઈને પણ મળે. સોહામણા, ગોરા, કળા અને વિજ્ઞાનમાં રસ લેનારા, ધંધામાં કાબેલ, સ્વભાવે ઉદાર, હસમુખા અને ઝિંદાદિલ. વર્ષો સુધી જેનો ઝંડો લહેરાતો રહ્યો જેમાંથી પ્રિન્સ ઓફ પર્શિયા જેવી વિડિયો ગેઈમના ટાઈટલ આવ્યા એ પર્શિયાને હરાવ્યું એટલે તો મેસેડોનિયાનો યુવાન એલેકઝાન્ડર 'ધ ગ્રેટ' કહેવાયો ! પાછલા તબક્કામાં રોમનો સાથે લડી લડીને પર્શિયનો થાકેલા. ક્રિશ્યિચનો ત્યાં પહોંચે એ પહેલા જ અરેબિયાના પાડોશમાંથી ઇસ્લામ ત્યાં પહોંચી ગયો. ઇસ્લામ અંગીકાર કરેલું પર્શિયા પણ તુર્કીથી અલગ પડયું. એની ખાનપાનની આદતો, સંગીત, કળા, સંસ્કૃતિ બધું અલગ હતું. આજે પણ ઇરાની મુલ્લારાજને ચીડ હોવા છતાં જગતની સર્વશ્રેષ્ઠ ફિલ્મો ઇરાની ફિલ્મ મેકર્સ બનાવે છે. જાણીતા સર્જકો કે અભિનેતા અભિનેત્રી ત્યાં રહેતા નથી. ગયા વર્ષે કાનમાં ફિલ્મ ફેસ્ટિવલનો સર્વોચ્ચ એવોર્ડ ઝફર પતાકીને મળેલો. એમને કટ્ટરવાદી ઇરાની ઇસ્લામિક રાજે જેલમાં નાખેલા. નજરકેદમાં પણ રહ્યા ને મોબાઈલથી 'સ્મગલિંગ' કરી પોતાની ફિલ્મ સરહદ પાર પહોંચાડી ! માજીદ મજીદ કે અબ્બાસ કિઅરોસ્તામી જેવા ફિલ્મમેકરો તો જગવિખ્યાત.

બેક ટુ હિસ્ટ્રી, પર્શિયામાં ઇસ્લામની એન્ટ્રી થઈ. ઇશ્વર અને એની પ્રાર્થના પદ્ધતિ ફરી. પણ ઇજિપ્તની જેમ પ્રાચીન સંસ્કૃતિનો વારસો એટલો સમૃદ્ધ અને સ્ટ્રોંગ હતો કે એમાં કોઈ ફેરફાર ઝાઝો ન થયો. ખુમારી ને ખાનદાની યથાવત્ રહી. ઇરાન અને અરબ પાડોશી હોવા છતાં એક ન બન્યા. એક અંતર રહ્યું. આજના અરબી અખાતી પ્રદેશો પેટ્રોલિયમ પછી વધુ સમૃદ્ધ ને આધુૂનિક બન્યા. પણ પર્શિયા અને મેસોપોટેમિયા (ઇરાક) તો પહેલેથી જ મહાન સામ્રાજ્યો હતા. અરેબિયન નાઈટ્સની કહાનીઓ પણ મોટે ભાગે એ વિસ્તારમાં આકાર લે છે ! ત્યાં કેલિગ્રાફી, મ્યુઝિક, તસવીરો, રોમેન્ટિક બ્યુટીની આઝાદમિજાજી આ બધું રહ્યું. એમાં પણ ધીરે ધીરે ઇરાન અસ્લામમાં શિયાઓનો પ્રદેશ બનતો ગયો.

એ અલાયદો ઇતિહાસ છે કે ઇ.સ. ૬૩૨ માં હઝરત મોહમ્મદ પયગંબરના નિધન વખતે એમણે કોઈ વારસદાર નીમ્યો નહોતો. પણ ઇસ્લામના નેતૃત્વ માટે જે ખલીફાઓ આવ્યા, એ એમના સાથી રહેલા પરિવારમાંથી આવ્યા. એમના જમાઈ અલી નવા આગેવાન થશે, એવું ઘણાને લાગતું અને એ ધર્મની શીખ બાબતે વિદ્વાન પણ ગણાતા. પણ પયગંબરના સસરા અને મિત્ર અબુ બક્ર આવ્યા. પછી ઉમર, ઉથમાન (ઉસ્માન ?) આવ્યા. અલી સાથે ગજગ્રાહ ચાલતો રહ્યો. (ઉમરના સમયે ઇરાનમાં પર્શિયાની લાઈબ્રેરી કુરાનથી અધિક મહત્વનું કશું નથી, કહીને સળગાવી દેવાઈ !) અલીને ચોથા ખલીફા બનાવવામાં આવ્યા પણ લડાઈઓ પયગંબરના જ અન્ય સગાઓ સાથે (જેમકે પત્ની આયેશા) ચાલુ રહી. અલીની પણ ૬૬૧માં હરત્યા થઈ. એમના દીકરા હસન થોડા મહિના ખલીફા રહ્યા પણ પછી દમાસ્કસને રાજધાની બનાવનાર મુઆવિયાએ એ ગાદી આંચકી લીધી.

મુઆવિયા વારસદાર તરીકે કોઈને નીમે નહિ, પિતા અલીની નિંદા બંધ કરાવે ને પ્રજાના પૈસે અય્યાશી ન કરે જેવી શરતો મૂકીને અલીના હુસને સુલેહ કરી. પણ મુઆવિયાએ શરતભંગ કરીને પોતાના વારસદાર તરીકે યઝાદની ઘોષણા કરી. હસનના ભાઈ અને અલીના બીજા દીકરા એટલે પયગંબરના જ ગ્રાન્ડચાઈલ્ડ ગણાય એવા હુસૈને એને અનૈતિક ગણી પડકારી. યઝાદ મુઆવિયા બાદ ગાદીએ આવ્યો ત્યારે હુસૈને પોતાના પરિવાર ને સાથીઓ સાથે કૂચ કરી એને હટાવવા પણ દગાથી કરબલાના (આજનું ઈરાક) મેદાનમાં હુસેન પર મોટું દળકટક ઉતરી આવ્યું. મહાભારતના અભિમન્યુની જેમ પરાજય નિશ્ચિત હોવા છતાં અને મોત આવે એમ હોવા છતાં હુસેને ન્યાય  ખાતર લડવાનું પસંદ કર્યું. નજીકના ૭૨ સ્વજનો સહિત એ પોતે પણ ખુદાને પ્યારા થઈ ગયા. પણ શહીદ કહેવાયા. એ ઈમામ હુસૈન જેનો મોતનો માતમ હજુ મનાવવામાં આવે છે. ઈઝરાયેલે હુમલો પણ એ આસુરા કહેવાતા રમઝાનના દિન આસપાસ ગોઠવ્યો હતો.

અહીંથી ઈસ્લામના મુખ્ય બે ફાંટા પડયા. શિયા અને સુન્ની. શિયા શબ્દમાં જ શિષ્યવાળી ઝાંય છે ! અર્થ પણ એવો જ છે ! અલીના શિષ્યો એ શિયા ! જેમ કુરાન ગ્રંથસ્થ પયગંબરસાહેબના અવસાનના વર્ષો બાદ થયું, એમ આ ખલીફાઓના સંઘર્ષે ઈસ્લામના ત્યાં સુધીમાં બે ભાગ પાડી દીધા. જોકે, ઈમામ ગણાયેલા હુસૈનની શહાદત તો બધા ઈસ્લામિક ફાંટામાં આદરથી જોવાય છે. પણ પછી બીજા કેટલાક ભેદ થયા. ઈરાકના અમુક ભાગ અને ઈરાનમાં શિયા મુસ્લિમોએ વધુ વસવાટ કર્યો ને મક્કામદીના બાજુ સુન્ની મુસ્લિમો વધ્યા. ઈસ્લામ પાળતા દુનિયાના મુસ્લિમોમાં શિયા ત્રીસેક ટકા જેટલા અને એમાં પણ ઈરાન, ઈરાક પછી ભારતીય ઉપખંડમાં વધુ. એટલે તાજેતરમાં ઈઝરાયેલ અમેરિકાની મિસાઈલ સ્ટ્રાઈકમાં આયાતોલ્લાહ અલી ખામેનાઈનું મૃત્યુ થયું, ત્યારે એ માત્ર ઈરાનના સુપ્રિમ લીડર હતા એટલું નહિ, શિયા મુસ્લિમોના એ વિશ્વભરના ધાર્મિક વડા પણ હતા. કંઈક એશે પોપ જગતભરના રોમન કેથોલિક ક્રિશ્ચિયન્સના હોય એમ જ !

અહીં એ વાતનો જવાબ જડી જાય કે ભારતમાં કેમ ઘણા મુસ્લિમોએ ઈરાનના સુપ્રિમ લીડર યુદ્ધમાં મોત મળે એનો માતમ મનાવ્યો ! એ ઈરાન દેશ કરતા વધુ શિયા પંથના ધાર્મિક વડા તરીકે હતો. જેમ દાઉદી વોહરા કોમ્યુનિટીમાં સૈયદના સાહેબ હોય કે ઈસ્માઈલી ખોજા કોમ્યુનિટીમાં આગાખાન હોય એવી રીતે. કોઈ ભારતીય ગુજરાતી એનઆરઆઈ તરીકે અમેરિકન નાગરિક હોય પણ પરિવારમાં બીએપીએસ સ્વામીનારાયણ પંથનું પાલન હોય ને પ્રમુખસ્વામી મહારાજ ગુજરી જાય તો દુ:ખ અનુભવે એવું કંઈક. વળી, ખામેનાઈનું મહત્ત્વ એ રીતે શિયા મુસ્લિમોમાં વધે કે એમાં બારમા ઈમામ પછી સર્વોચ્ચ વડા ઈમામ આવ્યા નથી !

આ કથા પણ ઈન્ટરેસ્ટિંગ છે. ઈમામ હુસૈનની શહાદત બાદ ઈમામો એક પછી એક આવતા ગયા એમાં અગિયારમા ઈમામ હસન અલ અસ્કરીને ત્યાં ઈરાકમાં પુત્ર તરીકે બારમા ઈમામ અલ મહદીનો જન્મ ઈ.સ. ૮૬૯માં થયો. પિતાના દેહાંત બાદ ૫ વર્ષની ઉંમરે એ ૮૭૪ની સાલમાં ઈમામ જાહેર થયા, ને ત્યારથી ગાયબ થઈ ગયા ! એવું કહેવાય છે કે એ હજુ જુવે છે પણ અદ્રશ્ય રહે છે, તે કયામત (જજમેન્ટ ડે)ના દિવસે ઈસુ ખ્રિસ્તની માફક બધાના સારાનરસા કર્મોનો ન્યાય તોળવા પ્રગટ થશે ! રેશનલ દિમાગને ગળે ન ઉતરે એવી કથા છે, પણ સાર એ કે એ જીવંત મનાતા હોઈ શિયા ફિરકામાં નવા ઈમામ આવવાની વાતનો નવમી સદીથી છેદ ઉડી ગયો !

એમાં જ શાહ રઝા પહેલવીના ઈરાનમાં પેલા રૂઓલ્લાહ ખૌમેની શિયા પંથના પૂજનીય ધાર્મિક વડા ગણાયા. આ હમણા વિદાય થયા એ ખામેનાઈ નહિ, પણ આ સલમાન રશદી પર મોતનો ફતવો કાઢનારા ખૌમેની જે ૧૯૭૯ના રિવોલ્યુશન બાદ ઈરાનની રાજગાદીએ ચડી ગયા ને ઈરાનને ઈસ્લામિક શરિયા લો મુજબનું રાષ્ટ્ર બનાવી દીધું એમના વડવા ઉત્તરપ્રદેશના બારાબંકીના મૂળ હતા ! જેમ તાલિબાનોનું ઓરિજીનલ કનેક્શન અફઘાનિસ્તાનમાં નહિ, પણ યુપીના દેવબંદમાં છે એમ ! ખૌમેની સમયે જ એમના સેકન્ડ ઈન કમાન્ડ ગણાયેલા ખામેનાઈ એમના વારસ ગણાયા ને એના પછી ૧૯૮૭થી ઈરાનની રાજનીતિમાં મુખ્ય ભૂમિકામાં આવ્યા ત્યારથી અને ૧૯૮૯માં સુપ્રિમ લીડર બન્યા પછી ઈરાનના સર્વસત્તાધીશ તરીકે ગોઠવાઈ ગયા હતા ઉલેમાઓની કાઉન્સિલ બનાવીને ઈમાનની વાતો એમની ધર્મ પૂરતી રહી. બાકી સત્તા ભોગવવામાં બીજા કડપૂતળી પ્રમુખો એમની મરજી મુજબ આવ્યા ને ગયા કરે પણ ખામેનાઈ સર્વોચ્ચ ધાર્મિક વડા તરીકે ફાઈનલ રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખે.

એ શાસનની ભૂમિકા ક્યાંથી શરૂ થઈ એ રસપ્રદ ઈતિહાસ છે. ફિરદારસીના શાહનામામાં અનેક શાસકોના વર્ણન છે, એ ઈરાનમાં શાહોનું રાજ હતું. એ વખતના પ્રભાવશાળી તુર્કીના સામ્રાજ્ય કરતા અલગ રાજાશાહી. આ અત્યારે અચાનક વહાબી-તબલિગી ટાઈપ ચુસ્ત મઝહબપરસ્ત ઈસ્લામનો દોર છે. પણ તુર્કી કે ઈરાન કે સ્પેન કે ઈરાકમાં ઈસ્લામિક શાસનનો જે સુવર્ણયુગ હતો એ ખાસ્સો લિબરલ હતો. કળા અને વિજ્ઞાનની કદર હતી. સ્ત્રીઓ વાળ કે મોં ઢાંકીને ન ફરતી. એના પેઈન્ટિંગ્સ પણ ખૂબસુરત બનતા હિજાબ નકાબ વિના.

૧૯૦૫માં ઈરાનમાં શાહની દેખરેખ નીચે જ મજલિસ એટલે સંસદ સ્થપાઈ. જો કે મુખ્ય દૌર શાહ યાને સમ્રાટના હાથમાં. એમાં જ પર્શિયા તરીકે મશહૂર પ્રદેશનું નામ ૧૯૩૫માં બદલીને ઈરાન કરાયું. એમાં સૌથી અગત્યનો વળાંક આવ્યો બીજા વિશ્વયુદ્ધ બાદ ! પણ અત્યારે તો સમજવા જેવું એ છે કે હમાસ, હિઝબુલ્લાહ અને હૂતી જેવા ઉદ્દામવાદી હિંસક સંગઠનોને લીધે યમન, લેબેનોન, ગાઝા અને હવે ભાગી ઘૂટેલા અસદના સમર્થનને લીધે સીરિયામાં અસ્થિરતાનું કલંક જેની માથે હતું, અને ઈરાનમાં જ મહિતા વિરોધી મઝહબી અભિગમને લીધે જેમની વિરૂધ્ધમાં દેખાવો થતા હતા, ઉંમરને લીધે પણ વિદાય નિશ્ચિત ગણાતી હતી, એવા ખામેનાઈની શહાદતને લીધે એ જીવતા કરતા મૃત વધુ મૂલ્યવાન થઈ ગયા !

સીધી સરખામણી એમની ઈમામ હુસૈનના કરબલા સાથે થઈ ! શહીદ શબ્દ પાછળનો મૂળ ભાવ માત્ર લડતા લડતા મરાયા કે ક્રાંતિકારી કે 

સૈનિક હતા એ નથી. મોત નિશ્ચિત હોવા છતાં સિદ્ધાંત ખાતર અડગ રહીને એને આવકારવું એ છે ! એ ન્યાયે ગાંધીજી, ભગતસિંહ, લિંકન, માર્ટીન લ્યુથર કિંગ, બધા શહીદ છે. જાણતા હોવા છતાં મોતના ડરથી નિર્ણય ફેરવી ભાગ્યા નહિ. ખામેનાઈ અચાનક જુલમી સિતમગરમાંથી હુસૈનની હારોહાર આવ્યા કે અમેરિકા ઈઝરાયેલ પતાવી દેશે એ ખબર છતાં દાદાગીરી સામે ઝૂક્યા નહિ - દેશની સંપ્રભુતા ખાતર ટટ્ટાર રહ્યા. ભાગ્યા નહિ.

આ આજે ઓછો ચર્ચાતો ઈતિહાસ ને એમાંથી નખાયેલા આજની પનોતી અને યુદ્ધના મૂળિયા બાબતે, ઈરાન ઈન્ડિયા કનેકશન વધુ ડીપ ડાઇવ કરીશું નેકસ્ટ સન્ડે રવિપૂર્તિમાં. ત્યાં સુધી ખાલી એટલું યાદ રાખજો કે ઈરાનમાં શિયા પંથના વિવિધ પવિત્ર ગણાતા ચરિત્રોની મજાર છે, પારસી યાને મૂળ જરથોસ્તી પ્રજાના પણ પવિત્ર ધાર્મિક સ્થળો છે. ઘણા એવા પારસીઓ ઈરાન જાય પણ છે. આરંભે જોયું એમ ઈરાની કલ્ચરથી પ્રભાવિત મુઘલ જેવા શાસકોએ ભારત પર રાજ કર્યું છે, ને વેપાર પણ જૂનો છે. નજીકના મિત્ર તરીકે ઈરાન સાથે આપણું નેચરલ કનેકશન વધુ છે. અત્યારે એની સામે પડેલા સાઉદી અરબ, યુએઈ, ઓમાન, કતર વગેરે રાષ્ટ્રો મુખ્યત્વે સુન્ની મુસ્લિમોના શાસનમાં છે. એટલે શિયા ઈરાન સામે એમને જૂનો હિસાબ છે ! ને ઈઝરાયેલે એ જ પાસો ફેંકીને એમને ભેગા રાખ્યા છે !

ઈતિહાસ ઘણી વખત વર્તમાનનું રૂપ લઈ જીવંત થતો રહે છે ! એવું શું થયું કે આજે લોકશાહીની દુહાઈ દેતા અમેરિકાએ જ ઈરાનની લોકશાહી ઉથલાવી ? ઓવર ટુ નેકસ્ટ સ્પેક્ટ્રોમીટર !

ઝિંગ થિંગ

ફિરદૌસીના 'શાહનામા'માં એક એવા શાહની કથા છે, જેને લોકપ્રિયતાને લીધે લોકોએ ખૂબ ભેટસોંગાદો આપી. એટલી ભેટો કે એના ઢગલાને લીધે એનું આસન ઉંચે ઉંચે ને જતું ગયું. એટલું ઉંચે કે એને પ્રજાનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો ! ને એટલે જ એ ધડામ દઈને જમીન પર પટકાયો ! (બધા જ શાસકો માટે ધડો લેવા જેવી બોધકથા !)