વેકેશન વેબખજાનો : સાઈટ્સ, પ્રોફાઈલ્સ, સિરીઝ ને એવું બધું !
- અનાવૃત - જય વસાવડા
- સૌમ્ય, શાંત, સ્વસ્થ એવા ન્યુઝએન્કર ક્યાં છે આજકાલ હવે? ટીવી ન્યુઝ જર્નાલિઝમ પાસે ટીઆરપી છે પણ ક્રેડિબિલીટીની પાળ પીટાઈ ગઈ છે
વે કેશન પૂરું થવા આવ્યું અને ભણવાનું શરુ. પણ સતત ડિજીટલ દુનિયાને લીધે વાચન વીંખાઈ ગયું એવી ફરિયાદો કરનારા ને વારતહેવારે આપણે બદલાતી ડિજીટલ સૃષ્ટિમાં ધુબાકા મરાવ્યા કરીએ છીએ કે એમને પણ ખબર પડે કે આ ય કેવો મસમોટો ખજાનો હવે સ્માર્ટફોનને લીધે ખિસ્સાવગો છે ! તો હાજર છેસાઈટ્સ, સોશ્યલ મીડિયા પ્રોફાઈલ્સ, સિરીઝની યાદી જેમાં ક્યાંક મોજ છે તો ક્યાંક જ્ઞાનની ખોજ!
(1) samalochan.com: એક સમય હતો કે હિન્દી સાહિત્યના સારિકા ને હંસ જેવા મેગેઝીન્સ પૂરબહારમાં આવતા. ધર્મયુગ ને સાપ્તાહિક હિન્દુસ્તાન અને કાદમ્બરી પણ સાહિત્યની વાતો કરતા... હવે આ એક સાઈટ છે, જેમાં કશીક ઉત્તમ ગુણવત્તા વાળી હિન્દી સાહિત્યની નવી કલમોની વાર્તાઓ અને કવિતાઓ જાણવામાણવા મળે. અમુક તો લઘુનવલ જેવી વાર્તાઓ મળે. સાહિત્યમાં રસ હોય ને યુવા લેખિની કેવી છે ભારતના હિન્દી સાહિત્યની એની દરકાર હોય એમના માટેનું સરનામું.
(2) zooniverse.org : સેન્સ ઓફ વન્ડર એન્ડ ફયુ ક્લિક્સ એવું જેના હોમપેજ પર લખાયેલું હોય એ સાઈટમાં ડૂબકી લગાવવાની મજા જ પડવાની હોય. આ એક્ચ્યુઅલી એક વિરાટ ગ્લોબલ પ્લેટફોર્મ છે. જેમાં સંખ્યાબંધ ટોપિકસ પર કામ કરનારા એક્સપર્ટ રિસર્ચર્સ સાથે કોઈ ડિગ્રી વિના પણ કોઈ શિખાઉ કનેક્ટ થઇ શકે ને પોતાના સંશોધનો મૂકી શકે ! વિઝડમ ઓફ ધ ક્રાઉડની ટેગલાઈન તળે તમારો પ્રોજેક્ટ પણ તમે મૂકી શકો.
(3) theconversation.com : ગ્લોબલ સિટીઝન બનવા દુનિયા વિષે વધુ જાણવું છે ? જાણીતી સાઈટ તો બધા જુએ. પણ આ થોડી ઓછી જાણીતી સાઈટ પર લટાર લગાવી જુઓ. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે 'છૂટાછેડા' કેમ થયાથી લઈને હાથની પકડના આધારે તબિયતની તંદુરસ્તી કેમ ખબર પડે એવી રેન્જના વિષયો પર કંઈક ને કંઈક જાણવા મળશે. જાપાનીઝ વોકિંગથી લઈને આર્ટિફિશ્યલ સ્પર્મ અને મોંઘા પર્સથી વાન ઘોઘના ચિત્રો સુધીની વિગતો જડશે !
(4) afar.com : મેગેઝીન તો અમેરિકાથી શરુ થયું છે, પણ જગતમાં જેમને રખડપટ્ટીનો શોખ છે ને કોઈ જાણીતી જગ્યાએ જઈને પણ અજાણ્યા ખૂણા શોધવા છે એમને માટે કલ્ચરલ ટ્રીપની અવનવી વિગતો આમાંથી મળી રહે એમ છે. ફોટો પણ સરસ મળે. હા દરેક ટ્રાવેલ સાઈટ પર પેરેસાઈટની જેમ ઘુસી જતા માર્કેટિંગ આર્ટિકલ્સને મનોમન ફિલ્ટર કરતા આવડવા જોઈએ તો કૈંક વિશેષ જડયા કરે.
(5) rekhtagujarati.org : રેખ્તાની સાઈટ ઉર્દૂ સાહિત્યને દેવનાગરી લિપિમાં આપવા માટે ને એમાં ચીવટથી ક્વોલિટી કલેક્શન મુકવા માટે સુપરપોપ્યુલર બની. એના પ્રકાશનો પણ થયા ને અલગ અલગ સાહિત્યની ભારતીય ભાષાઓમાંથી એણે ડિજીટલ આર્કાઇવ્ઝ પણ બનાવી. સંગીત અને સાહિત્યના રસિકજન એવા આપણા મૂળ ગુજરાતી સોલિસીટર જનરલ તુષારભાઈ મહેતાની ભાષાપ્રીતિને લીધે રેખતા ગુજરાતીમાં પણ અવતરિત થઇ છે એના ડિજીટલ જશ્નને લઈને. હજુ તો એની કદાચ વિસ્તરણ થશે પણ અમુક કૃતિઓ મુકાઈ છે.
(6) theuselessweb.com : આ નેટ પર નવરા બેઠા ટીપી યાને ટાઈમ પાસ ફન કરવા માટે એક અલાયદું સર્ચએન્જીન જ છે. તમને દરેક વખતે કોઈ હટકે ફન સાઈટ તરફ લઇ જાય જયાં તમે રમી શકો. મેન્ટલ સ્ટ્રેસ ઓછો પણ થાય ને ક્યારેક દિમાગની ધાર પણ તેજ થાય!
(7) littlealchemy2.com : આ બાળકો માટેની અનોખી વેબસાઈટ છે. એમાં મૂળ ચાર કુદરતી તત્વો યાને ફોર એલીમેન્ટ્સ અર્થ, વોટર, એર એન્ડ ફાયર સાથે મળીને અલગ અલગ ચીજોનું 'નિર્માણ' કરવાનું છે ! એનિમેશન ફન સાથે. એકમાંથી બીજું બને ને બીજામાંથી ત્રીજું. લાવારસથી લઈને ડીએનએ સુધી ! જે ભણવામાં કંટાળાજનક લાગે એ અહીં એક એક્ટીવિટી ગેઈમના સ્વરૂપમાં હોઈને ભારે રસપ્રદ લાગે ! અને જો કોઈ સર્જનહાર હોય તો આપણી આસપાસનું વિશ્વ પંચમહાભૂત ( પાંચમું ફિલોસોફિકલ આપણા વારસામાં આકાશ, સ્પેસ ) માંથી ખરેખર અણુ અણુ થતું કેમ બન્યું એનો અંદાજ આવે !
(8) hindwi.org : આ હિન્દી કવિતા માટે એક છલકાતો રત્નાકર છે. વિષયવાર ને કવિના નામવાર પણ મળી આવે અવનવી રચનાઓ. જુઉના બિહારી કે વિદ્યાપતિ જેવા કવિઓની રચનાઓ અલાયદી એમાં વાંચવા મળે. અને પ્રેમચંદથી ફણીશ્વરનાથ રેણુ સુધીનું ગદ્ય (એટલે પ્રોઝ) પણ વાંચવા મળે. એકમાંથી બીજું ખુલતું જાય તો કલાકો વીતી જાય વાચકો માટે તો !
(9) asoftmurmur.com : ઓનલાઈન જગતમાં કેવા કેવા ભેજાંઓ પડયા છે ! આ સાઈટ જુઓ. માત્ર સાઉન્ડ ઈફેક્ટ પર બનાવી છે. કોઈ કામ કરતા કરતા બસ વરસાદ સાંભળો કે તેમાં પવન ઉમેરો કે એમાં પંખીડા ને તમરાં બોલે એવું કરો... ધીમો ગુંજારવ ના સાર્થક કરે એવું કામ છે અહીં. સહેલું ને અસરદાર.
(10) neildegrassetyson. com : ગુજરાતીમાં હજુ ઘણા કાર્લ સેગન કે સ્ટીફન હોકિંગની બુક્સમાં જ અટવાયેલા રહે છે સ્પેસ બાબતે. પણ એ અને બીજા વિજ્ઞાનને મોજમસ્તી સાથે સમજવું હોય તો અત્યારે વર્લ્ડ ફેમસ નામ નીલ ટાયસનનું છે. ભાષા પણ રસાળ ને જ્ઞાન અપરંપાર. એમની આ સાઈટ બહુ અપડેટ નથી થઇ પણ એના એસે સેક્શનમાં જઈને લ્હાવો લૂંટવા જેવો ખરો !
(11)facebook.com/sanjayzee.sinha : નિધિ કુલપતિની નિવૃત્તિ વખતે જ મગજમાં આવેલું કે સૌમ્ય, શાંત, સ્વસ્થ એવા ન્યુઝએન્કર ક્યાં છે આજકાલ હવે ? ટીવી ન્યુઝ જર્નાલિઝમ પાસે ટીઆરપી છે પણ ક્રેડિબિલીટીની પાળ પીટાઈ ગઈ છે. એવામાં આ ખાસ્સા સિનીયર છતાં ઓલ્ડ નહિ નેવા ટીવી પત્રકારની એફ્બી પોસ્ટ વાંચવાની મજા એટલે આવે કે એમાં એ પત્રકારત્વ વિષે ખાસ લખતા નથી. પણ બહુ કોઈ એક સાઈડ લીધા વિના અલગ અલગ બાબતો પર પોતાના વિચારો, નિરીક્ષણો અને અનુભવો લખે છે. સનસનાટીની ઝણઝણાટી કે સતત પોલિટીકલ થવાની ખુજલી વિના તમને ધીમી ધારણા વરસાદમાં ભીંજવે એવી પોસ્ટ્સ.
(12) facebook.com/votreART: કોઈ લાંબી વાત નહિ. બસ સરસ તસ્વીરો અને ચિત્રો. કલાત્મક દ્રષ્ટિ ધરાવતા. અવનવા રંગો અને વિષયો સાથે. એક પછી એક જોયા કરો ને ક્રિએટિવ માઈન્ડ બિરદાવ્યા કરો !
(13) facebook.com/AconsciousRethink : લાઈફમાં કશુંક વિચારવા માટે વ્યસ્તતા વચ્ચે ઠહરાવની જરૂર લાગે, સરસ ક્વોટ વાંચવાનું મન થાય ત્યારે લટાર મારવા જેવું પેજ.
(14) instagram.com/sydney_sweeney : સિડની સ્વીનીની તો કાયદેસર ધૂમ મચી છે જગતમાં ! એની પ્રાઈમ એસેટ્સ જેવા વક્ષ પર ફિલ્મી ના હોય એવા મેગેઝીનમાં ખાસ લેખો લખાય છે જાણે હોલીવૂડનાં દુકાળિયા ઠૂંઠા વચ્ચે ઘનઘોર ઘટા ખીલી હોય ! હમણાં એના બાથવોટરનો લિમિટેડ એડિશન સોપ બહાર પડયો ! ફિલ્મો પણ એક પછી એક આવે છે ને સરસ કામ કરે છે. ને પોતાના ફિગર બાબતે જરાય શરમ વિના સહજ ને મીજીલી છે એ બહુ રંગીન વાત છે આ બ્લેક એન્ડ વ્હાઈટ થતા જમાનામાં ! કરોડો ફોલોઅર્સ ઓલરેડી છે જ. દ્રશ્ય અને દર્શનની ધન્યતા !
(15) instagram.com/7second.riddles : ઝાઝો સમય નથી પણ રોમાંચક વિસ્મય સાથે થોડો સેલ્ફ ડાયલોગ પણ કરવો છે ? બસ આ પેજ પર નયનરમ્ય ગ્રાફિક સાથે સવાલો મુકવામાં આવે છે. જેમકે શાળામાં સાવ નકામું શું શીખ્યા ? કે પછી આ યાદીમાંથી માત્ર ત્રણ બાબત સાથે રાખવી હોય તો શું રાખશો ને કેટલાક પઝલ તો ખરા જ.
(16) instagram.com/historyinmemes : મિમ એટલે સ્પેલિંગ જોઈ મેમે બોલાઈ જાય એવા ડીજીટલ વિડીયો કે ઈમેજ જેમાં થોડી રમૂજ હોય. પણ અહીં મસ્તીની સાથે ફેક્ટસના પાઠ પણ ભણાવવામાં આવે છે. વોટ્સએપ વિષ વિદ્યાલયની ફેક્ટરી જેવા ગપ્પા નહિ ને ભણવાનું બોરિંગ લાગે એવું પણ નહિ.
(17) instagram.com/rohshah : સ્ટેન્ડ અપ કોમેડી બહુ ચર્ચામાં રહી હમણાં હમણાં. પણ આ ભાઈ (કદાચ ગુજરાતી હશે ?) મસ્ત વિડીયો બનાવે છે નાનાની નાની રોજીંદી બાબતોથી લઈને નેશનલ હેડલાઈન્સ પર બહુ ડંખે નહિ એવી હ્યુમરનો ટચ અને અમુક વન લાઈનર મસ્ત બોલવાની શૈલી પછી ગંભીર છતાં રમતિયાળ.
(18) x.com/JamesLucasIT : જ્ઞાન એ પણ સરસ ફોટો સાથે જોઈતું હોય તો આ પ્રોફાઈલ ફોલો કરવા જેવો છે. અલગ અલગ જગ્યાઓની સફર પણ થઇ જાય એમાં. ઇતિહાસથી વિજ્ઞાન બધું રસાળ સરળ રીતે જાણવા સમજવા મળે.
(૧૯) (19) x.com/TrungTPhan : કદાચ એઆઈની એક કંપની બનાવનાર આ મહાશય બિઝનેસ અને ટેકનોલોજી પર બહુ બધું સરસ કન્ટેન્ટ શોધી લાવે છે અને પોતે પણ લખે છે. લેટેસ્ટ શું ચાલી રહ્યું છે એના માટે સમજણ કેળવે એવો પ્રોફાઈલ.
(૨૦) (20) x.com/culturaltutor : જેમનો બેઝિક વાચનથી આગળ ગ્રોથ જ નથી થયો એવા લોકો કાયમ રોયા કરતા હોય છે કે પહેલા જેવા ગુજરાતીમાં જ્ઞાનવિજ્ઞાનના પ્રકાશનો રહ્યા નથી. વાત તો સાચી છે પણ બદલાતા જમાનામાં એની ઘણી ધારાઓ હવે ઓનલાઈન વહે છે. માત્ર એક લીટીની ટેગલાઈન 'બ્યુટીફૂલ એજ્યુકેશન' ધરાવતો આ પ્રોફાઈલ એક્સ પર એટલી રસપ્રદ રીતે વિસ્મય ઉભું કરી વિષયમાં પ્રવેશ કરાવે છે કે ખબર પડે કે આપણે માતૃભાષામાં કયો અભિગમ મિસ કરીએ છીએ !
(૨૧) વિડા ઃ મેક્સિકન અમેરિકન અભિનેત્રી મેલિસા બરેરા (સ્ક્રીમ, એબીગેઈલ) અદ્ભુત દેખાય ને મજબૂત એક્ટિંગ કરે. રિયલ લાઈફ રોમાન્સ પણ પતિ સાથે ઈર્ષા થાય આજના જમાનામાં એવો કરે. એની આ સિરીઝ થોડા વર્ષ જૂની એના મેક્સિકન સ્પેનિશ માહોલની છે. હોટમહોટ ઈરોટિક સીન ઉપરાંત ભૂતકાળની સફર કરાવતી બાંધી રાખતી ડ્રામેટિક સ્ટોરીલાઈન છે.
(૨૨) વન હન્ડ્રેડ ઈયર્સ ઓફ સોલિટયુડ ઃ નોબેલ પ્રાઈઝ વિનર ગેબ્રિયલ ગાર્શિયા માર્ક્વેઝ્ની આ ૧૯૬૭ની સ્પેનિશ નવલકથા હજુ મોડર્ન લિટરેચર ને આર્ત ના સમજાય એમને ૨૦૨૫માં પણ અઘરી લાગે એવી છે. એ જોરદાર કથા ફિલ્મને બદલે વેબ સિરીઝને અનુકુળ છે, તો આ રહી ૧૬ એપિસોડની શ્રેણી બનવાની હતી એની ફર્સ્ટ સીઝન આઠ એપિસોડની. ક્લાસિક કહાની ઘેર બેઠા માણવાનો ચાન્સ.
(૨૩) બ્લેક, વ્હાઈટ એન્ડ ગ્રે ઃ દેખીતી રીતે ડોક્યુમેન્ટ્રી જેવી લાગતી અને એ રીતે જ જાણી જોઇને શૂટ થયેલી આ સિરિયલ ખરેખર કાલ્પનિક છે. પણ આબેહૂબ વાસ્તવિક લાગે એમ જકડી રાખે છે ક્રાઈમ થ્રિલર તરીકે. એડોલસન્સ રીયાલીસ્ટિક રીતે શૂટ થઇ એવું માનો તો આ સ્વદેશી કસબ પર પણ નજર નાખજો.
(૨૪) સક્સેશન ઃ લેવિશ પ્રોડકશન. કિઆરે કલ્કીનની લાજવાબ એક્ટિંગ ને ગજબ ક્લાઈમેક્સ. વારસાની લડાઈ વાળી જમાના જુઉની થીમ પણ જોવાની મજા પડી જાય એવી રજૂઆત.
(૨૫) તબ્બર ઃ પવન મલ્હોત્રા અને સુપ્રિયા પાઠક. પંજાબી માહોલ. ( તબ્બર શબ્દ જ પંજાબી છે. તબ્બર એટલે પરિવાર). અને દ્રશ્યમ જેવો બુદ્ધિથી મોટી વગદાર તાકાતને હંફાવવાનો પ્લોટ. જસ્ટ વોચ. મસ્ટ વોચ.
ઝિંગ થિંગ
નથી વિક્રમ, ઊડીને બેસશે વેતાળ કોના પર?
અને એ વારતાનો મૂકશે રસથાળ કોના પર?
ન લઈએ તો મળે છે પત્ર મોકલનારને પાછો,
ન લઉં હું તો તમે દીધેલ જાશે ગાળ કોના પર?
અરે દુર્ભાગ્ય! તારો પાડ માનું એટલો ઓછો!
તું જો ના હોત, નિષ્ફળતાનું ઢોળત આળ કોના પર?
મને વરસાદનું ના આપ આશ્વાસન ઓ ચોમાસા!
હું તો જાણું જ છું પડવાનો છે દુષ્કાળ કોના પર
તણખલા ઘાસના ઝઘડી પડયા છે અંદરોઅંદર,
ફકત એક વાત ઉપર કે ઝૂકી છે ડાળ કોના પર!
મળ્યા છે બે જણા એવા મુકામે એવી હાલતમાં,
નથી સમજાતું ઢોળાશે કયો ભૂતકાળ કોના પર!
(અનિલ ચાવડા)