Get The App

ટેરિફ ટેરરના કસોટીકાળમાં ઈતિહાસનું ટેરિફિક અર્થશાસ્ત્ર !

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ ટેરરના કસોટીકાળમાં ઈતિહાસનું ટેરિફિક અર્થશાસ્ત્ર ! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- ભારત સહિત આખું જગત અનેક બાબતે કોઈને કોઈ રીતે ચીન પર આધારિત છે. એની તમામ દોન્ગાઈ છતાં જખ મારીને આપણે ખુલીને એનો વિરોધ બોલી પણ શકતા નથી. 

- આડેધડ ટેરિફને લીધે અમેરિકન બજારમાં ઓલરેડી વધેલો ફુગાવો હજુ વધી શકે એમ છે. એટલે નુકસાન એને પણ જશે.

૧૭ ૫૪ની સાલમાં પેરિસ ખાતે રાજા લુઈ પંદરમા એકદમ ચિંતાતુર બેઠા હતા. સમય આર્થિક બેહાલીનો હતો. ફ્રાન્સના માઠા દિવસો હતા. કોઈ રીતે અર્થતંત્રની દરિદ્રતા કાબૂમાં આવતી નહોતી અને પ્રજામાં રોષ વધતો જતો હતો. ત્યારે રાજવી સલાહકાર ફ્રાંકો ક્વેસ્નેએ એમને ચીનના અદ્ભુત દાર્શનિક એવા મહાત્મા કોન્ફ્યુશ્યસ ( જેમની વિચારધારા મૂળ ભારતીય તત્વદર્શન સાથે ઘણે અંશે મળતી આવતી હતી )ની યાદ દેવડાવી. કોન્ફ્યુશ્યસનો એક જાણીતો સિદ્ધાંત બહુ ઊંડી આધ્યાત્મિકતાવાળો હતો. 'દરેક માણસના કર્મ એની નીયતિ નક્કી કરે છે. એના જજમેન્ટ લેવા એ આપણા કર્મ ને સમયનો બગાડ લેવા છે. એટલે જેને જે કરવું હોય એ કરવા મુક્ત કરી દો. આપોઆપ એને અંદરથી સત્ય સમજાશે , તો જ એ સત્ય તરફ વળશે.' ( વાર્યા ના વળે એ હાર્યા વળે ટાઈપ ).

ફ્રાન્કોએ આખી વાતને ઇકોનોમિકસમાં ઉતારી દીધી. ફ્રેન્ચમાં એક વાક્ય કહ્યું જે પાછળથી બિઝનેસ મેનેજમેન્ટમાં આજે પણ ભણવું પડે છે. એ હતું : 'લૈસે ફેરે, લૈસે પાસે'. યાને જેને જે ઉત્પાદન કરવું હોય એની છૂટ, જેને જે વેંચવું હોય એની છૂટ. રાજ્યે વચ્ચેથી હટી જવાનું. કોઈ ટેરિફ નહિ, કોઈ ટેક્સ નહિ. બસ જેની માંગ હોય ખરીદવા માટે, એ બનાવી શકો ને એને પહોંચાડી શકો એટલે વેપાર શરુ. પહેલી નજરે ભલે રાજ્યને આવક ના થાય પણ પ્રજા સમૃદ્ધ થવા લાગે. એટલે પરોક્ષ રીતે દેશ પણ શ્રીમંત થાય. 

કમનસીબે, ફ્રાન્સના નસીબ નબળા હતા. શરૂઆતમાં તો આ મુક્ત અર્થતંત્રના સ્ટીરોઈડથી પરીસ્થિતિ સુધરી. પણ એમાં દુકાળ પડયો. કોઈ બંધન તો હતા નહિ એટલે સંઘરાખોર અને નફાખોર વેપારીઓએ પ્રજાને ભૂખે મરતી છોડીને તગડી આવક થાય એવી નિકાસ બેરોકટોક ચાલુ રાખી. આવકની અસમાનતા અને નિરંકુશ અરાજકતા એટલી હદે વધી કે અંતે ફ્રાન્સમાં રાજાશાહીને ફગાવી દેતી સુખ્યાત રાજ્યક્રાંતિ થઇ. 

પણ આ ફ્રી માર્કેટ મૂડીવાદ ઉર્ફે કેપિટાલિઝ્મના વર્તમાન સ્વરૂપનું જે પારણું ત્યાં બંધાયું હતું એના જોરે એડમ સ્મિથ અને જોન મેનાર્ડ કેઈન્સ જેવા અર્થશાસ્ત્રીઓએ 'નવી દુનિયા' તરીકે આખા જગતની તરછોડાયેલી કે મૂળ વતન છોડી ચૂકેલી પ્રજાના ઉર્ફે ઈમિગ્રન્ટસના સપનાની ભૂમિ યાને અમેરિકાને આર્થિક રીતે મહાસત્તા બનાવી દીધું. એ કથા અલગ ને લાંબી છે, પણ એમાંથી જે ગ્લોબલ ઈકોનોમી ઉભી થઇ એ વત્તે ઓછે અંશે હવે જગતને પ્રભાવિત કરતી થઇ ગઈ છે. વર્તમાન ભારત અમેરિકાવાળી ટેરિફની મડાગાંઠ પણ મૂળ તો એને આભારી છે.

શરૂઆતમાં ફ્રાન્સના ફિયાસ્કાએ બતાવ્યું એટલે બધાને લાગ્યું કે મુક્તબજારનો વિશ્વવેપાર સાવ જ નિયંત્રણ વગર સફળ નહીં થાય. એ જોતા ઉદભવ થયો ટેક્સ નામના ભાઈની મોટી બહેન ટેરિફનો. દરેક દેશ પોતાના હિતને ધ્યાનમાં લઈ અને પોતાના ઉદ્યોગો કે ઉત્પાદનને સુરક્ષા આપવા બહારથી આવતી વસ્તુઓ પર ચોક્કસ રકમનો કર નાખી શકે અને એ રીતે રક્ષણ ઉપરાંત આર્થિક કૃતિનું સંકટ ન થાય એ માટે વધારાની આવક ઊભી કરી શકે, એ ટેરિફના મુખ્ય હેતુ. 

***

ગ્લોબલાઇઝેશન શરૂઆતમાં યુરોપ અમેરિકાને ફળ્યું. બહારના દેશોમાંથી સીધી જ જોઈએ એ ચીજ મામુલી ભાવે મળી જાય. આઉટસોર્સિંગને લીધે સસ્તી મજૂરી ને પ્રદૂષણની પણ ફિકર નહીં. બસ, નફો ચડાવી, બ્રાન્ડિંગ કરી ઊંચા દામે વેંચો ને એશ કરો. યુરોપે છતાં પણ બેલેન્સ રાખ્યું. પર્યાવરણ અને લોકલ પ્રોડયુસર યાને સ્વદેશીના પ્રમોશન પર ધ્યાન આપ્યું. અમેરિકાએ કન્ઝયુમર ઇઝ કિંગ સમજી એને ખુશ કરવાનું ચાલુ રાખ્યું. 

અમેરિકા જેવા તવંગર બનેલા પશ્ચિમી દેશોને એમ હતું કે ઇનોવેશન એમની પાસે છે, તો એમના બિઝનેસને ઉની આંચ નહીં આવે ને ટેરિફ પર બહુ ધ્યાન નહીં દેવું પડે. પણ પ્રોડક્શનની કેપેસિટી અને એનાથી વધુ એ માટે મહેનત કરવાની દાનત ઓછી થતાં પ્રવાહ પલટાઈને ઊલટો વહેવા લાગ્યો ! યુરોપમાં એટલી વસતિ નથી રહી જે લેબર ફોર્સ બને ને અમેરિકા લોકશાહીમાં એવું હરામ હાડકાનું થતું ગયું કે ત્યાં બહારથી આવતા લોકો સિવાય પેઢીઓથી રહેતા લોકોમાં પરસેવો પાડવો પડે એવું કામ કરનારા ઘટતા ગયા. 

૧૯૯૧ ના નરસિંહરાવવાળા આર્થિક ઉદારીકરણ વખતે સ્વદેશીના ચુસ્ત સમર્થકો જેને બાઘડો ઠેરવતા હતા એ ડંકેલ ડ્રાફ્ટ અને ડબલ્યુટીઓ ને લીધે બધા અમેરિકા જેવી મહાસત્તાઓ ઇસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ નાના વિકાસશીલ ગણાતા મુખ્યત્વે એશિયાઈ દેશોને ખાઇ જશે એવી આશંકા હતી. એટલે કોકાકોલા થી લઈ મિસ વર્લ્ડ સુધીનો વિરોધ ચાલતો હતો એને કોઈ દુષ્ટ જાદુગરે મોકલેલા અસુરો ગણીને. પણ થયું એનાથી ઉલટું. 

૯૦ના એ દાયકે દુનિયાએ પહેલા સેટેલાઇટ ટેલિવિઝન પછી ઇન્ટરનેટ ને પછી ૨૧મી સદીના આરંભે મોબાઇલની ક્રાંતિ જોઈ. આ પરિવર્તને ગેપ ભૂંસીને ઈક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ઊભું કરી દીધું, ને ખાસ તો નવી પેઢી સ્માર્ટ થતી ગઈ. એમાંના ઘણા વિદેશ ભણ્યા, રહ્યા ને સ્વદેશ આવ્યા. એમણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ બિઝનેસ શરૂ કર્યા. સૌથી વધુ લાભ એનો ચીને લીધો. કારણ કે એ એવો સામ્યવાદી દેશ હતો, જ્યાં ફેક્ટરીઓમાં સામ્યવાદી લેબર યુનિયનને દાંત કે નહોર ન્હોતા. શાસન એકહથ્થુ ને શિસ્ત જન્મજાત મોંગોલિયન પ્રજામાં ચીંઘ્યું કામ ચીવટથી કરવાની. 

અમેરિકાની સ્થિતિ એવી થવા લાગી કે જે બ્રિટિશ રાજ સમયે ભારતની થયેલી. એક સમયે વિવિધ હુનર ઉદ્યોગમાં ઉત્પાદનને લીધે જીડીપીમાં ટોચ રહેલો દેશ ધીરે ધીરે કાં તો બીજાઓની તિજોરી ભરવા મજૂરી કરતો થઈ ગયો ને મુખ્યત્વે ઉત્પાદકોની બજાર મટીને ગ્રાહકની બજાર થઈ ગયો. આઝાદીની ઇમોશનલ ચળવળમાં ચકોર ગાંધીજીએ આ ગાબડું પારખીને સ્વદેશીની અહાલેક જગાવી. સરહદ પર સેનાને હરાવવા કરતા પણ બ્રિટિશરો માટે આ અઘરી લડાઈ હતી,કારણ કે ભારતના કાચા માલને પ્રોસેસ કરી ઊંચી કિંમતે ભારતને જ વેચવાની એમની રમત પર પાણી ફરી વળતું હતું.

એમ જ અમેરિકા પોતાના ઔદ્યોગિક ને કૃષિ ઉત્પાદનનો કસબ ભૂલીને કેવળ કન્ઝયુમર કન્ટ્રી થયો ને એને માલ વેંચી વેંચીને ચીને આર્થિક વિકાસ વધારવાનો શરુ કર્યો. ચલે તો ચાંદ તક જેવી મજાકિયા કહેવતો જેના નકલી માલ માટે વપરાતી હતી એ ચીને અસલી માલના મેન્યુફેકચરિંગનું મહાસામ્રાજ્ય ઉભું કર્યું ત્યારે આપણે વેલ્ફેર સ્ટેટની વાતોમાં ગાડી રીતસર નજર સામે આળસ, કામચોરી, ્રભ્રષ્ટાચાર અને નેતાઓની નાદાનીને લીધે ચૂકી ગયા. અમેરિકા શું, ભારત સહિત આખું જગત અનેક બાબતે કોઈને કોઈ રીતે ચીન પર આધારિત છે. એની તમામ દોન્ગાઈ છતાં જખ મારીને આપણે ખુલીને એનો વિરોધ બોલી પણ શકતા નથી. ચીને તો પેરેલલ પોતાની બ્રાંડસ પણ બનાવી લીધી ડિજીટલ જગતમાં અમેરિકાની જ કોપી કરીને. આપણે ટિકટોક બેન કરી સર્જીકલ સ્ટઈક કર્યાનો સંતોષ લઈએ, પણ સામે એની જગ્યા અમેરિકન મેટાની રીલ પૂરી દે. આ તો જમણા ખિસ્સાનું કાણું પૂરવા ડાબા ખિસ્સામાંથી ટુકડો ફાડવા જેવી વાત થઇ. પણ આપણે સમયસર જાગ્યા જ નહિ. 

અમેરિકામાં જાગૃતિના નામે ઓવર સેક્યુલર સત્તાધીશો ગાફેલ જ રહ્યા ને નવો ચહેરો કે વિકલ્પ પણ આપી ના શક્યા એટલે ઓબામા પછી ડોનાલ્ડ ટ્રમ્પને કુલ બે વાર ચાન્સ મળ્યો. એમનું દર્દનું નિદાન સાચું હતું અને એટલે 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'ની વાત ત્યાં સ્થાનિક મતદારોના મોટા વર્ગને જબરદસ્ત અપીલ કરી ગઈ, ગાંધીની સ્વદેશી ચળવળ માફક. પણ ઉપચારમાં એમને બહુ ેબ્રેક નથી. નક્કર જ્ઞાાનવિજ્ઞાાનને બદલે તરંગ ને તુક્કા પર ચાલવાની ટેવ છે, ને વગર વિચાર્યે વધાવવાવાળા અંધભક્તો ત્યાં પણ કંઈ ઓછા નથી.

અમેરિકાનું આજે પણ એક કર્ણના કવચ જેવું અમોઘ રક્ષાકવચ છે, યુએસ ડોલર. એને પાડવા ઉપર જ ચીન, રશિયા અને યુરોપિયન યુનિયનનો ડોળો છે. અમેરિકાને ભૌગોલિક અને લશ્કરી રીતે યુધ્ધમાં હરાવવાનું શક્ય નથી. પણ ડોલરના ચલણ પર વિશ્વને વિશ્વાસ છે. દુનિયા આખી એ તરત સ્વીકારે ને સમજે છે. એમાં કારોબાર થાય છે. ક્રિપ્ટો પણ આ ગઢના કાંગરા હજુ હલાવી શક્યો નથી. લોકો ડોલર હાથમાં આવે તો સોનાની જેમ ભવિષ્ય માટે આશાવાદી બનીને બચાવે છે. એના જોરે અમેરિકન સરકાર તોરમાં છે. પણ અમેરિકન નિકાસ વધારવી હોય તો એ માટે અતિ મજબૂત ડોલર પણ સારો નહી. દીનાર ને પાઉન્ડ જેવી હાલત થાય. 

ટ્રમ્પજીને આયાત નિકાસના આંકડા બધા દેશો સાથે સરખા કરી નાખવા છે. જેટલાનો માલ અમને વેંચો, એટલાનો જ અમને સામો તમને વેંચવા દો. આવું વિચિત્ર અર્થશાસ્ત્ર આફ્રિકામાં પણ ચાલે નહિ. એટલે તો ઈલોન મસ્ક ભડકીને ટીકાકાર થઇ ગયા. અગાઉ એક સદી પહેલા અમેરિકાએ હજારો ચીજો પર ટેરિફ નાખેલી, એમાં તો દેશ આખો વર્ષો સુધી મંદીમાં ધકેલાઈ ગયો હતો ૧૯૩૦ આસપાસ ! આડેધડ ટેરિફને લીધે અમેરિકન બજારમાં ઓલરેડી વધેલો ફુગાવો હજુ વધી શકે એમ છે. એટલે નુકસાન એને પણ જશે. મનોબળ ગમે તેટલું હોય પણ દિવસોનો ખાટલે સૂતેલો દર્દી રાતોરાત પહેલવાન ના થઇ જાય, એમ ટેરિફ આવી રીતે અસામાન્ય લાદી દેવાથી અમેરિકા ફટાફટ ફરી ઉત્પાદક નહિ બની શકે. ઉલટું, ગ્રાહકો પર કરબોજની અસર ત્યાં આવતા માટે ચીજો ઝડપથી મોંઘી બનતા બેહાલી વધશે. એટલે વહેલું મોડું એણે પણ ઝૂકવું પડશે. ધંધાની ભાષામાં ઉંચો ભાવ કહી પછી નીચે બાર્ગેઇન કરીને સોદો પાર પાડવો પડશે. યુક્રેેન યુદ્ધ ને એ તો ઉપર ઉપરના બહાના છે, મૂળ તો અમેરિકાનાં નવા ભાવ ને નવી કડક શરતો વખતે બધા વધુ ઝૂકેલા રહીને સ્વીકારે પાગલપનનાં ભયથી, એનો તાશીરો હોઈ શકે છે. 

***

આપણે જાણતા નથી ને ઘેર બેઠાં ખાલીખોટા અનુમાનો દોડાવવાનો પણ અર્થ નથી. પણ ગલઢેરાં જે ડહાપણ ગળથૂથીમાં આપી ગયા હતા 'રાજા, વાજા અને વાંદરા'વાળું એવું કશુંક સાંજે કશુંક કહ્યા પછી સવારે નવું કશું શું કહેશે એ પોતે પણ ના જાણતા હોય એવા યુએસ પ્રેસિડેન્ટસાહેબ સાથેના સંબંધોના સમીકરણમાં થયું છે. એમને બીજી વાર જીતાડનાર એવા અબજપતિ ઈલોન મસ્ક સાથે આજે એમને બોલવે વહેવાર નથી. અહીં કલમથી કેસરિયા કરીને નીકળ્યા હોય એવા ભોટ પત્રકારો પણ વારંવાર અમેરિકાના આ બાબતે વર્ષોથી સાચું લખતા બોલતા બોલ્ડ એવા આઝાદ મીડિયાને ટ્રમ્પવિરોધી કહીને વામપંથી અને એજેન્ડાખોર ને ડીપ સ્ટેટ ને કંઈક પટ્ટીઓ પઢાવ્યા કરતા હતા. કારણ કે ત્યારે જંગ જીત્યો રે મારો કાણિયો રે જેવી હવા હતી, પણ વહુ ચલે તબ જાણિયો રે નો ફેઝ આવવાને વાર હતી. (આ દેશી કહેવતનો અર્થ નથી ખબર ? અરે કયા સંસ્કૃતિ કિ બાત કરેગા રે તૂ !) 

આપણે જેના નુકસાન પણ સહન કર્યા છે, એ નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ યાને આપણે જગતના કોલ્ડ વોરના ધુ્રવોથી અળગા રહેવાનું. સારાસારી રાખવી પણ સોડયમાં લપાઈ નહિ જવાનું - અત્યારે ઉપયોગી લાગે. કારણ કે પ્રેમનો પણ ધારો છે, કોઈ પાત્ર તરફ અચાનક આપણે અઢળક ઢળી પડીએ, પછી એમની આપણા ઝૂકવાની અપેક્ષાઓ વધી જાય ને કોઈ નાનકડો ઇન્કાર પણ એમના ઇગોને એ ધારી લીધેલી આસાની અને અપેક્ષાઓ પૂરી ના કરે એટલે ઈગો હર્ટ થઇ જાય ! કદાચ કશુંક એવું ભેદી બન્યું છે, જેને લીધે વાત વણસી છે. કદાચ વ્યક્તિગત કોઈક અંટસ પડી છે, જેમાં ખટાશ બે દેશ વચ્ચે શરુ થઇ છે. એનઆરઆઈઓ પણ બધા ખુલીને બહુ બોલી શકે એમ નથી. અચાનક સ્વદેશ કરતા સ્વઅસ્તિત્વનો સવાલ પહેલા આવી ગયો છે. 

એટીટયુડ નવાસવા કોઈ બતાવે ત્યારે શ્રુડ યાને ખંધા લોકોને ચચરે તો પણ એ જાહેરમાં દલીલો કરીને બતાવે નહિ, પોતાનો વારો આવે એની રાહ જુએ. ને પછી બીજા પાસે દાવ લેવા માટે કાનભંભેરણી કરે કે મોકો જોઈ કાંડા આમળે. વટ કરવા માટે પહેલા આંતરિક મજબૂતાઈ જોઈએ. આપણે અન્ય દેશો સાથે થોડી વધુ તુમાખી કરવાને ખુદ્દારી માનતા હતા, કારણ કે ફોલ્ડરિયાઓ એમાં ઝૂમી ઉઠતા હતા.

પણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિ વોટ્સએપમાં ફેલાવતી ફાંકાબાજ થિયરીઓ પર ચાલતી નથી એટલે ગુનેગાર હોવા છતાં પાકિસ્તાન જે રીતે ડિસ્કાઉન્ટ મેળવી ગયું, ને કોરોનામાં અળખામણા થવા છતાં ચીનને ઉલટી રશિયાની મૈત્રી મળી, એ જોતાં આપણે ડેમેજ કંટ્રોલ તરીકે વિપક્ષી નેતાઓના મંડળ પરદેશમાં મોકલ્યા. વડાપ્રધાન મોદીસાહેબ કોમ્યુનિકેશન બાબતે પાવરધા અને ટાઈમિંગ બાબતે વિચક્ષણ છે, એટલે હજુ પણ આશા રાખી શકાય કે અમેરિકા સાથે ખાનગીમાં કોઈ સંતલસ થઇ શકશે. અમેરિકા માટે કૃષિ કે ડેરી સેક્ટર ખોલી ના શકાય, પણ લિમિટેડ ખોલવું પડે તો પટ્ટી પઢાવી શકાય મેસેજિંગ નેટવર્કનો ઈલેકશન સિવાય ઉપયોગ કરીને પણ કે એ પ્રોડક્ટ બહિષ્કારના નારા લગાવ્યા વિના પણ ખાસ અડવી નહિ. ભલે કંટાળીને ભાગી જતા ! અલબત્ત, સામે પણ સરપંચ થવાના શોખીન ભા છે, એટલે આવા સમાધાન માટે ક્યાંક છાને તો ક્યાંક જાહેરમાં થોડું નમીને એમને મોટાભા બનાવીને એમનો અહં સાચવવો પડશે એવું લાગે છે. અક્કડ રહેવાનું યુદ્ધની હાકલો જેવું છે, શરૂઆતમાં સારું લાગશે, પણ ધીરે ધીરે કઠશે. ગત રવિવારના લેખમાં ચર્ચેલુ એમ બીજું તો જવા દો, જીમેઈલ ને વોટસએપ વિના, ઇન્ડિક ફોન્ટ અને માઈક્રોસોફ્ટ, એપલ, એન્ડ્રોઈડ વિના જનતા ત્રાહિમામ પોકારી જાય. કોવિડનું લોકડાઉન પણ નેટના જોરે કાઢેલું અહીં બધાએ !

પણ જાગ્યા ત્યારથી સવાર. આત્મનિર્ભર છીએ નહિ પુરા તો બનવા માટેનો મોકો જરૂર છે આ. ભારતની કુલ એક્સપોર્ટ એક અંદાજ મુજબ ૪૬૦ અબજ અમેરિકન ડોલરની ચીજવસ્તુઓની છે ને ૩૭૦ અમેરિકન ડોલરની સર્વિસીઝની છે. સર્વિસીઝમાં આપણે વધુ કાઠું કાઢી શકીએ એમ છીએ. આપણામાં ઇંગ્લિશ અને એડજસ્ટમેન્ટ હવે જન્મજાત છે. અમેરિકા આપણી એકસપોર્ટના ૩૩%નું માર્કેટ છે, જેમાં ખોટ જાય તો પણ બીજા અપર ક્લાસ ઈકોનોમી ધરવતા જાપાનથી જર્મની જેવા બે ડઝન દેશો બીજા ૬૬%માં છે. આપણા પર  ભરોસો મુક્ત આફ્રિકાના દેશોમાં નવી બજાર મળી શકે એમ છે. યુરોપ તરફ આપણે ફરવા તરફ ને ટેકનિકલ જોબ તરફ જ ફોક્સ રાખ્યું છે. પણ યુરોપમાં ભારત ઘણું મેન્યુફેક્ચરિંગ કરીને આપી શકે એમ છે અને આપણી એગ્રો પ્રોડક્ટ્સને પણ વધુ બજાર મળે એમ છે.

પ્રોસ્પેરિટી ને પ્રાઈડ દરેક વખતે સાથે ચાલી ના પણ શકે. આપણે સતત અંદરોઅંદર કોમવાદ કે જ્ઞાાતિવાદના નામે લડીએ છીએ. હિંદુ મુસ્લિમ કે દલિત સવર્ણમાં જેટલી ભૂતકાળને યાદ કરવામાં ઉર્જા વેડફી, એમાં તો ભવિષ્યનું નિર્માણ ઘણું થઇ શકત. રગશિયા ગાડાં જેવા કરપ્ટ વહીવટને, શિક્ષણ અને ન્યાયને પોલિટીકલ ફાયદા વિના સુધારવા પડે. ટુરિઝમ ને સિનેમા જેવા સોફ્ટ પાવરમાંથી દુબઈ અને ફ્રાન્સની જેમ આવક ઉભી કરવી પડે. સાઉથ કોરિયા કે ઇસ્ટોનિયા કે નોર્વે જેવા નવા દોસ્તો બનાવી ટેકનોલોજી ટાઈ અપ કરવા પડે. વિદેશીઓને આક્રમણ સમજી ધિક્કારવાના વલણથી અને સંસ્કૃતિના નામે સતત ઊંચા દેખાવાના અહંકારથી કોઈ અહીં લાંબુ ના ટકે. નવી પેઢીને થોડી પાર્ટીથી પ્રે સુધીની મોકળાશ આપીને ફ્રીડમ માટે બહાર જતી રોકવી પડે. સનાતનના નામે ધાર્મિકતાનો અતિરેક છોડી, વિજ્ઞાાન તરફ ધ્યાન આપવું પડે. આપણા મિડલ ક્લાસને વધુ મજબૂત બનાવી આથક રીતે ખર્ચવા માટે પ્રેરવો પડે. જીએસટીના નવા દર એ દિશાનું સાચું પગલું છે. 

થઇ તો ઘણું શકે, પણ ટેમ્પો ટેમ્પરરી હશે, તો ઠેરના ઠેર ભટકાઈશું !

ઝિંગ થિંગ 

'સમજવામાં સૌથી અઘરું કોઈ ગણિત હોય તો એ ટેક્સ છે !' 

(બ્રહ્માંડના રહસ્યો ઉકેલવામાં કાબેલ જીનિયસ આલ્બર્ટ આઇન્સ્ટાઇન )