Get The App

ગયે ઝખ્મ જાગ મેરે સીને આગ, લગી સાંસ સાંસ તપને...

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ગયે ઝખ્મ જાગ મેરે સીને આગ, લગી સાંસ સાંસ તપને... 1 - image


- પ્રેમમાં અધૂરપનો અગ્નિ : તેરી કાયનાત, મેરે ખાલી હાથ, ઔર તાર તાર સપને

- અનાવૃત-જય વસાવડા

- પ્રેમનું જેમ કારણ નથી હોતું તેમ પ્રેમનું કોઈ મારણ પણ નથી હોતું અને પ્રેમનું ક્યારેય મરણ પણ નથી હોતું, પ્રેેમમાં તો બસ સ્મરણ હોય છે. 

'હું સૂતો હોઈશ પથારીમાં. 

એવો દેખાવ કરીશ કે

મોત દરવાજે દસ્તક દે છે.

મારા છેલ્લા શ્વાસો ચાલે છે. 

બધા પાડોશીઓ એકઠાં થશે

મને છેલ્લીવાર જોવા.

પણ જ્યારે એ આવશે, 

ત્યારે કોઈ હકીમની જરૂર નથી.

એ જાણતી જ હશે

કે હું શા માટે માંદો છું !'

આ ગુજરાતીમાં એઆઈ વિના ઉતારેલી કવિતા મૂળ ઈજિપ્શ્યન છે. ૩૩૦૦ વર્ષ પહેલાની ! ખાસ્સી પોપ્યુલર હશે ત્યારે પણ. કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓએ અલગ અલગ ત્રણેક જીર્ણ પેપિરસ (વૃક્ષની છાલમાંથી બનતા મિસરની સંસ્કૃતિએ શોધેલા 'કાગળ') પર એ શોધી છે. અને માટીની તકતી પર પણ. મતલબ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા પણ ટીસ તો એ જ હતી કે હું જેને દિલ ફાડીને મહોબ્બત કરું છું એ મને ભાવ કેમ નથી આપતી ! ધમાકેદાર ધુરંધરમાં જે કારવાં કિ તલાશ હૈ વાળી કવ્વાલી નવા વર્ઝનમાં છે એમાં પણ એ ક્લાસિક લાઇન હતી જ ને કે જો દવા કે નામ પે દે ઝહર, વો ચારાગર કિ તલાશ હૈ ! 

મહામહિમ મિર્ઝા ગાલિબે પણ ૨૦૦ વર્ષ પહેલા આ જ અનુભવ કર્યો હશે કલેજું ચીરતો ને એટલે લખ્યું હશે : પીનસ મેં ગુજરતે હૈ જો કૂચે સે વો મેરે, કાંધા ભી કહારોં કો બદલને નહીં દેતે ! અહીં અંગ્રેજીવાળું પીનસ (લિંગ )સમજીને અશ્લીલ અર્થો ન કાઢતા. આ ઉર્દૂનું પીનસ એટલે પાલખી. એ મારી માશૂકા પાલખીમાં બેસીને નીકળી છે, મારી ગલી આવી ત્યાં પાલખી ઊંચકવાવાળા ને થાકીને ખભા બદલવાનો ટાઇમ થયો પણ એ એવું કરવા નથી દેતી ને કહે છે ફટાફટ આગળ ચાલો. આ તો પેલાનું ઘર છે એ ગલી છે. અહીં પાલખીમાં બંધ પડદે પણ જરાવાર રોકાવું નથી ! યે બેરૂખી કમબખ્ત ! 

એ જ સવાલ ત્રણેક દાયકા પહેલા 'દિલ તો પાગલ હૈ'માં યશ ચોપરાએ કરિશ્મા પાસે પેલો ક્લાસિક ડાયોગ બોલાવીને કર્યો 'બૂરા તો વો હૈ' વાળો સીન. જેમાં શાહરૂખ માધુરી માટે કુછ કુછ ફીલ કરે છે, પણ કરિશ્મા માટે નહીં. પણ કરિશ્મા શાહરુખ પાછળ ક્રેઝી પગલિદીવાની છે. ને ઈશ્વરને કોસે છે કે તું જ ખરાબ છો. દિલ આપે છે, ફીલિંગ આપે છે પણ એકને બીજા માટે બીજાને ત્રીજા માટે ત્રીજાને પહેલા માટે કે વળી કોઈ ચોથા માટે, એવા ગૂંચવાડા તું જ બનાવે છે. તારી બનાવેલી દુનિયામાં ભૂલ છે, ભગવાન. તે પ્રેમ બનાવ્યો પણ એ થાય ત્યારે એનો પડઘો પડે એવું હૈયું ન આપ્યું સામે, ને પડખું એકલા ફરતા વીતી ગયું જીવતર એની પ્રતીક્ષામાં. ને જવાબ તો એ જ જડયો. આઈ ડોન્ટ ફીલ ધેટ ફોર યુ. મૈંને તુમ્હેં ઉસ નજર સે નહીં દેખા. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. ને આવું કહી ફ્રેન્ડશિપ પણ મોટે ભાગે લાગણીશીલ છોકરીઓ છોડે નહીં, એટલે નરમાં ના-લાયકમાંથી નાયક બનવાની આશાના ઝાંઝવાના જળ જેવો તંતુ લટકતો જ રહે ! 

આ જ મુદ્દો હતો ૧૨ વર્ષ પહેલા આવીને ખચ્ચ કરતા તીરની જેમ ઘાયલ વન સાઈડેડ લવના પ્રેમીઓની આરપાર નીકળી ગયેલી 'રાંઝણા'નો. અને એનું જ રિવિઝન છે એ જ ટીમે (લેખક હિમાંશુ શુક્લા, દિગ્દર્શક આનંદ રાય, ઇન્ટેન્સ લવે ધનુષ, ગીતકાર ઈર્શાદ કામિલ, સંગીતકાર એ આર રહેમાન) બનાવેલી 'તેરે ઇશ્ક મેં' નો. 

તમને ક્યારેય પ્રેમ થયો છે ? 

જ્યારે તમને નહાતી વખતે, સાબુનાં ફીણમાં કોઈ આકાર, કોઈ ચહેરો - તમારો પહેરો ભરતો દેખાય તો માનવું કે તમે પ્રેમમાં છો. જ્યારે સામે જ ઉભેલી, રૂમઝૂમ ડોલતી મોગરાની ડાળખી -એકાએક કોઈ નમણો હાથ બનીને તમારી સામે ઝુલવા લાગે તો માનજો કે તમે પ્રેમમાં છો. જ્યારે કપડા બદલતા, બંધ બારણે પણ એકાંતમાં કોઈ તમને ધારી-ધારીને એકધારું તાકી રહ્યું છે અને લજ્જાનો એક મજાનો લીસોટો તમારાં મજ્જામાં, તમારાં મગજને ઝંકૃત કરી જાય, ઝણઝણાવી જાય તો માનજો કે તમે પ્રેમમાં છો. જ્યારે કોઈનાં ફ્લાઈંગ કિસનાં નિશાન, તમારાં ગાલની શાન બની જાય ત્યારે માનજો કે તમે પ્રેમમાં છો. 

કોઈની ગેરહાજરીમાં એની હાજરીનો નિરંતર થતો એહસાસ એટલે પ્રેમ. મળવાની તાલાવેલી, મિલનની ઝંખના એટલે પ્રેમ. 

પ્રેમ કોઈ ચોક્કસ કારણનો મોહતાજ નથી હોતો. એ તો બસ અકારણ થઈ જાય છે અને પછી કાયમ રહે છે કબર પરનાં સુકાઇ ગયેલા ઘાસની માફક. એટલે જ તો પ્રેમનું જેમ કારણ નથી હોતું તેમ પ્રેમનું કોઈ મારણ પણ નથી હોતું અને પ્રેમનું ક્યારેય મરણ પણ નથી હોતું, પ્રેેમમાં તો બસ સ્મરણ હોય છે. પ્રેમમાં તો માશૂકાની આંખ જ આશિકનું દર્પણ હોય છે. 

કોઈને ચાહવું, કોઈનાં ઈશ્કમાં ખોવાઈ જવું, કોઈની આશિકીમાં વલોવાઈ જવું - બધાનાં નસીબમાં નથી હોતું. કેમ કે, પ્રેમ એક એવો રસ્તો ઓળંગવાનું આહવાન છે કે, જેમાં રસ્તા વચ્ચે કોઈ ઝિબ્રા ક્રોસિંગ નથી હોતા. જેમાં રસ્તો ક્રોસ કરતી વખતે, ડાબેજમણે કે આજુબાજુ જોઈને, સંભાળી - સાવચેત બનીને, મંથરગતિએ ડગલા ભરવાની છૂટ નથી મળતી.

પ્રેમ તો એક વિરલ ક્ષણે, વીજળીનાં ચમકારે, ઘડીનાં છ્ઠ્ઠા ભાગમાં માશૂકની આંખમાં મોતીની માફક પરોવાઈ જવાની ઘટના છે. એકવાર પરોવાઈ ગયા પછી... આશિક તો માશૂકનાં હાથની તસ્બીહ (માળા) બની જાય છે... પ્રેમમાં તો તન નહીં પણ જતન હોય છે. અવિરત - અથાક - સાશ્વત જતન.

જય ઈશ્કેશ્વર ! 

આ જિગર પર કોતરકામ કરી દેતું સુંદર લખાણ ભેરૂ કવિ ઇલિયાસ શેખનું છે. એકદમ અસલ. એકદમ રોયલ. આવો પ્રેમ જેને થયો એ સડક પરનો મુફલિસ હોય તો પણ રજવાડી જીવન જીવ્યો ગણાય. ટ્રેજેડી ત્યારે છે કે એ વન વે થાય ને તમારો સિગ્નલ ખૂલે પણ સામે ફાટક ન ખૂલે ને તમે ધડામ દઈને અથડાઈ પડો. એટલે તેરે  ઇશ્ક મેં ફિલ્મ ભૂલાઈ જશે ત્યારે પણ જે એક સીન નહીં ભૂલાય એવા મોહમ્મદ ઝિશાન અય્યુબના ક્લાસિક કેમિયોનો અણીદાર ડાયલોગ છે : પ્રેમ મેં મૃત્યુ હૈ, મુક્તિ નહીં ! 

અસલ રાંઝણાની આ અમુક અંશે નકલ હોઈને મૂળ જેવી ઇમ્પેક્ટ નથી. એકવાર જીવાય જો છેલ્લે ખેંચાયેલા સીન સહન થાય તો. એમાં કહેવાયું એમ આવો એ પ્રેમ અનુભવ મારી આખરી પેઢી તરીકે ! પણ એ હૃદયને કાર્ડિયાક એરેસ્ટ કરી લે તો સોલિડ પંચ આમ છતાં છે, કારણ કે આજકાલ જે સાઉથ બોમ્બેના સુંવાળા છનુડાછનુડીઓ ફિલ્મો બનાવતા થઈ ગયા છે એમની બ્રેક અપની, એમાં આ રો ઇન્ટેન્સિટી નથી જે ધનુષની કહાનીમાં છે. પછી કુંદન હોય કે શંકર. (કાશ સોનમ કે કૃતિ ને બદલે કોઈ મૃણાલ ઠાકુર કે નેહા શર્મા હીરોઈન તરીકે હોત તો ફના થવાનું પણ કંઈક વસૂલ લાગે. ઈશ્કના નામે આવતી ધીમી ચિબાવલી સ્ટોરીઝમાં ડિપ્રેશન તો હોય છે, પણ આમાં હોય એવું પેશન નથી હોતું ! પેલા કમીનાપન વાળા ડાયલોગથી પ્રેરિત થાવ તો હમારી તરહ આશિકી તો કરોગે મગર હમારી તરહ ફના નહીં હો  પાઓગે ! કેટલાકને લવમાં સમાગમની આઆઆહ સાંભળવા મળે ને કેટલાક ને રિજેક્શનની આહનો દાહ મળે. 

એટલે જ તેરે ઇશ્ક મેં જોઈને એને ઘોળીને પી જતા ઇન્વેસ્ટમેન્ટના રાઈટર કેતન લાખાણી ઇશ્ક બાબતે પણ કેવું લાજવાબ લખે છે : 'છોકરો પ્રેમ કરે અને છોકરી પ્રેમ ના કરે. પ્રેમ જેવું કઈક બીજું કરે અને જયારે ભીહ પડે ત્યારે દોસ્તીનું ગાજર આપી દે. છોકરી ના પાડે ત્યાં સુધીમાં છોકરો બરબાદ થઈ ગયો હોય. હાય યે ફ્રેન્ડ ઝોન.

પ્રેમની પેલે પાર દુનિયાદારી નામની એક વસ્તુ છે. વાંક તો છોકરાઓનો જ. છોકરીની એક સ્માઈલ પર ફિદા શું કામ થવું? એનો અજાણ્યો સ્પર્શ એટલો વ્હાલો કેમ લાગે? એની સાથે વાતો કરતી વખતે સમય કેમ થંભી જાય? બસ,થઇ ગયો પ્રેમ. હવે આઘો જાય તો તરસ્યો રહે અને નજીક જાય તો ડૂબી જાય. છોકરા હંમેશા ડૂબવાનું પસંદ કરે. આવા પ્રેમમાં પુરુષ કાં તો આબાદ થઇ જાય યા તો બરબાદ થઇ જાય. મોટાભાગે બરબાદ થઇ જાય. 

'તેરે ઇશ્ક મે' એટલે ફ્રેન્ડ ઝોનનું વિકરાળ સ્વરૂપ. તમે એક છોકરીને પ્રેમ કરો છો પણ તેને પ્રેમિકા નથી કહી શકતા. તમને જાકારો આપે છે પણ બેવફા નથી કહી શકતા. છોકરી પાસે દરેક સુખ સાહ્યબી અને છોકરા પાસે છે તો માત્ર કોઈને દિલ ફાડીને પ્રેમ કરવાની તૈયારી. છોકરો ઈમોશનલ અને છોકરી પ્રેક્ટિકલ. છોકરી પોતાની જગ્યાએ ખોટી નથી. પણ છોકરાનો પ્રેમ એટલો ભયંકર ઘાટો હોય કે છોકરી હા જ ના પાડી શકે. કારણકે પ્રેમનો આવો લાલ ઘાટો રંગ એણે ક્યારેય જોયો જ નથી. જે કાંઈ પણ બને છે એ બંને પાત્રો માટે પહેલી વાર બને છે. છોકરાએ પહેલી વાર કોઈને બેહિસાબ પ્રેમ કર્યો છે. અને છોકરીને પહેલી વાર કોઈએ બેહિસાબ પ્રેમ કર્યો છે. માટે બંનેમાંથી કોઈને પણ આવો ઉગ્ર પ્રેમ સંભાળવાનો કોઈ અનુભવ નથી. 

જ્યાં હાઈ ફ્રિકવન્સી પ્રેમ હોય ત્યાં છોકરી પણ એ વાઈબ્રેશનથી બચી તો ના જ શકે. ભલે છોકરીની મરજી ના હોય. સ્પષ્ટ ના પાડી હોય તો પણ એક અજીબ ખેંચાણ અનુભવાય જ્યાં દુનિયાદારીના સમીકરણો કામ નથી કરતા. સાચા પ્રેમની તાકાત છે આ. છોકરી તમને થપ્પડ મારી શકે, તમને જાકારો આપી શકે. તમે આ બેમાંથી કાંઈ નહિ કરી શકો. પણ ગુલાલને તમારા આંસુઓમાં ઘોળીને છોકરીના બંને ગાલ પર લગાડી શકો. એક આશિક તરીકે તમારો હક છે આ. માંગમાં સિંદૂર ભલે કોઈ બીજો ભરે, પણ એ ગુલાલના ડાઘ એમ નહિ જાય, હંમેશા રહેશે. એ પણ શું યાદ રાખશે કે કોઈ આવ્યો હતો જિંદગીમાં અને બેપનાહ ઇશ્ક કરીને જતો રહ્યો..

આ કોઈ 'તુજમેં રબ દિખતા હે' વાળો દૈવી પ્રેમ નથી. 

આ કોઈ 'તું મેરી નહિ હો સકતી,તો કિસીકી ઔર નહિ હો સકતી' વાળી દાદાગીરી પણ નથી. અહીંયા આંસુઓથી લખાયેલો એક સવાલ છે કે : મને પ્રેમ થયો તો તને કેમ ના થયો?'

પ્રેમનું આયુષ્ય એ વાત પર નિર્ભર છે કે એ કરેલો છે કે થયેલો ! ફિલ્મમાં અમુક વળાંકો એવા છે કે એ ગળે ઉતરે ને દિલમાં ચોંટે એ માટે અસર ઊભી કરતા મેં કારણો આપતા સીન્સ ખૂટે છે.  પ્રેમ તો મોસમ જેવો છે. એકમાં ચોમાસું વરસે ત્યારે બીજે ઉનાળો ચાલે. ને કોરી ફ્રેન્ડઝોનની ગરમીમાં ધીરે ધીરે વ્હાલના વરસાદી વાદળો ઘેરાય ત્યાં સામે વળી શિયાળાનું  ઠંડુગાર હિમ જામી ગયું હોય. એકને પ્રેમ હોય ને બીજાને થાય નહીં એ એક વાત. એકને પ્રેમ ચિક્કાર હોય ત્યારે બીજાને ન થાય પણ પછી એના બંધ દરવાજા ખુલે ત્યારે પ્રેમ કરનારનો ઝરો બાષ્પીભવન થઈને ઝીરો થઈ ગયો હોય એમ પણ બને. મતલબ પેલી લાજવાબ તૂર્કી ફિલ્મ અસ્ક મેવિસિમી જેવું કંઈક. પ્રેમ બેઉને થાય એકમેક માટે, પણ એક જ સમયે નહીં, અલગ અલગ 

સમયે ! 

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, આફ્ટરઓલ. 

***

લવ સ્ટોરીના નામે ક્રૂર  કાતિલ હિંસક ખૂંખાર એનિમલ જોવા પડે કાં પેલા જીગરના ગર વગરના છોતરાં જેવા બે બ્લ્યુ ટિક મેસેજમાં ન થાય એવા ઓનલાઇન બેસી 'લાસ્ટ સીન' જ્યાં કરતા પરપોટાં જેવા ડિજિટલ ડોબા જોવા પડે. એમાં એક જ શુક્રવારે વેગળી રીતે મહોબ્બતન ગુજરા જમાના યાદ કરાવતી ફિલ્મો આવે એ જ રસભોગ છે. 'તેરે ઇશ્ક મેં' અને 'ગુસ્તાખ ઇશ્ક' જોડે આવી. વિભુ પુરીની આ ફિલ્મ 'પીવીટી' છે. પ્રાઇવેટના અર્થનો શબ્દ. અંગતની ઓળખાણ એકાંતમાં કરાવે એવી તો ખરી જ. કોલાહલ વિનાની, ભીતર કોઈ સ્મરણનો ચોપડો ઉઘાડી પાના ફેરવે એવી. પણ પી ફોર પોએટિક. વી ફોર વિન્ટેજ. ટી ફોર ટેન્ડર. કાવ્યાત્મક, મૂલ્યવાન પ્રાચીન અને નાજુક. 

જેમાં લવ સ્ટોરી તો એક બહાનું છે. ગુલઝાર ને વિશાલના ગીતો માધ્યમે પ્રેમ તો વિજય વર્મા ને નસીરુદ્દીન શાહના પાત્રો ખતમ થવાને આવેલા વીતી ગયેલા સમયને પ્રેમ કરે છે.

 એ ઇશ્ક બદલતા માર્કેટપ્રોફિટ યુગમાં ગુસ્તાખી જ તો છે. મહીન ઝહીન ભાષા, કવિતા ને શાયરીની બારીક સમજ સાથે ગહેરાઇ અને મનમાં સચવાયેલા પણ જીવનમાં ખોવાઈ ગયેલા કાળખંડને આઈ લવ યુ કહેવાનો સાહસિક પ્રયાસ અને સહિયારો પ્રવાસ છે. અને એનો જ ફિલ્મ પૂરી થયા પછી પણ અધૂરી યાત્રા બાબતે વિચારતા કરી દેતો સંવાદ છે :

ઇસ દુનિયા મેં સબ સે ફિઝુલ કામ ક્યા હૈ, ઉસ કે બારે મેં સોચના જો આપ કે બારે મેં સોચતા ન હો ! 

શોટ ! લેકિન, મગર, કિન્તુ, પરંતુ... (શીર્ષક : ઈર્શાદકામિલ) 

ઝિંગ થિંગ

निकम्मा बेफिजूल मगर फिर भी कबूल ह

उल जलूल इश्क़ ये, उल जलूल 

ना कोर्इ फायदा है, ना कोर्इ भी असूल

उल जलूल इश्क ये, उल- जलूल

लडखाते हैं, डगमगते हैं

उस गली में हम बहक जाते हैं

मुस्कुराते हैं खामखाह

झेंप जाते है. खामखाह

दो दिलों के कोर्ट में मुकदमा है र्इश्क

कभी गुस्ताखियां, कभी छोटी-सी भूल

उल-जलूल र्इश्क ये, उल-जलूल

आंखों आंखो में कुछ तो कहते हैं

इक गुटरगू सी करके जाते हैं

ओ, कोई खत है या कोई संदेसा

क्यों कबूतर यूं गुनगुनाते हैं

गोलगप्पे हैं गालों में

प्यार छलका है प्यालो में

अधजगी-सी- आंखो में सुरमा है इश्क

मेरी नादानिर्यां, मेरे खयाबों की धूल

उल-जलूल इश्क ये, उल-जलूल

(ગુલઝાર, ગુસ્તાખ ઈશ્કના અદ્રુત ગીતના શબ્દો)

Tags :