Get The App

નીરજ નામ હૈ મેરા...નીરજ ચોપરા!...

Updated: Aug 10th, 2021

GS TEAM

Google News
Google News
નીરજ નામ હૈ મેરા...નીરજ ચોપરા!... 1 - image


- મૈં વો 'ભાલા' હૂં જો તાકત સે તકદીર કો તોડ દૂં!

- અનાવૃત-જય વસાવડા

- દેશના શ્રેષ્ઠીઓને અહેસાસ થયો કે થોડીક 'કૃપા' અહીં બીજી રમતોના ખેલાડીઓ પર પણ વરસાવી શકાય છે. સરકાર જાગી કે પ્રોત્સાહન અન્ય રમતવીરોને બિરદાવવાનું રાખવાથી ય ઈન્ટરનેશનલ ઈમેજ બિલ્ડિંગ થાય છે...

रग रग धक धक

रग रग धक धक

रखी धीरज तब तक

मिला नीरज जब तक

रग रग धक धक

रग रग धक धक

स्वर्ण कलश ये भारत का

उमडा सैलाब ये चाहत का

रग रग धक धक

रग रग थक थक

एसी लगन से देखो, फेका भाला

नया इतिहास क्षण में लिख डाला

खोला शस्त्र से वो सदींयो का ताला

सहस्त्र सूर्यो का किर हुआ उजाला

रग रग धक धक

रग रग धक धक

हर देश के पार लहेराया तिरंगा

और जनगणमन की गुंजी गंगा

न पलट के देखा, न मचाया दंगा

बस एकध्यान दौडा मस्त मलंगा

रग रग धक धक

रग रग धक धक

चरम शक्ति से किंया प्रचंड प्रहार

भीतर के भय का कर दीया संहार

जैसे वायु का वस्त्र हुआ तारतार

वैसे अमर ये पल ना आये बारबार

रग रग धक धक

रग रग धक धक

अंकुश में भुजा, दृढसंकल्प चहेरा

स्वयं में समाया एक स्वप्न गहरा

खेल का भावि युवा सुनहरा

पांच चक्रो का विश्वरथ ठहरा

रग रग धक धक

रग रग धक धक

यही है बाहुबली कोई शक ?

पुरुषार्थ की आंखो मे चमक

ओलिम्पिक हेमचंद्रक

एथलेटिक्स का पदक

रग रग धक धक

रग रग धक धक

रखी धीरज तब तक

मिला नीरज जब तक

रग रग धक धक

रग रग धक धक

ભા રત વિવિધતા અને વિરોધાભાસોથી છલકાતો દેશ છે. પણ અમુક અમુક સમયે એવી મોમેન્ટ, ક્ષણ આવે છે, જ્યાં વીજળીના ચમકારે પરોવાતા ગંગાસતીના મોતીની માફક આખો દેશ, અરે સરહદ પાર રહેતા મૂળ ભારતીયો પણ એક થઈ જાય છે ! ૧૯૮૩ અને ૨૦૧૧ના વિશ્વકપ વિજયની ક્ષણો યાદ કરો ક્રિકેટની. કે પછી અમિતાભ બચ્ચનનો કૂલીનો એક્સિડન્ટ, અબ્દુલ કલામનું રાષ્ટ્રપતિ બનવું, કરીઅરની શરૂઆતમાં સાનિયાનો શારાપોવા સામે મેચ, પ્રિન્સનું ખાડામાં પડવું, નિર્ભયાની બળાત્કાર-હત્યાની અરેરાટી - આમાં આપણે યુદ્ધની વાત નથી કરતા પણ એ સમય જેવી જ અચાનક એકતાનો જે કરન્ટ આવે, એની વાત કરીએ છીએ. ઘણું પોઝિટિવ હોય ત્યારે પણ, નેગેટિવ હોય ત્યારે પણ. કોરોનાના - આરંભે પણ અદ્રશ્ય વાઈરસે થોડા દિવસો દેશને એકજૂટ કરી દીધો હતો. યાદી બહુ લાંબી થાય આવી મોમેન્ટસની, પણ આપણે વાત કરીએ લેટેસ્ટની.

૭ ઓગેસ્ટની શનિવારની એ સાંજ, જ્યારે ઓલિમ્પિકના ટ્રેક એન્ડ ફિલ્ડ, એથ્લેટિક્સમાં આઝાદી પછી ૧૨૧ વર્ષે અચાનક સોનું વરસ્યું ભારતમાં. એક ૨૩ વર્ષના બેફિકરા મસ્ત ગભરૂ જવાન નીરજ ચોપરા દ્વારા. દેશમાં સોનાના શિખરો ધરાવતા મંદિરો છે, પણ એ ઘડીએ એ નાનકડું ગોળાકાર સ્વર્ણ પતાસું ગોલ્ડ બોન્ડ કે સુવર્ણ આભૂષણો ભરેલી પેટીઓ કે લગડીઓ ઈંટો કરતા વધુ તેજસ્વી, યશસ્વી અને મધમીઠું લાગ્યું. દેશમાં તિરંગી લહરમાં માથાબોળ તરબોળ થવાનો ખુમાર એકધારા કોરોનાના નેગેટિવ ન્યુઝના, મંદી અને મોંઘવારીમાં પીસાતી પબ્લિકને બે ઘડી જાણે બધુ ભૂલાવી દેતા ટ્રાન્સમાં લઈ ગયો. ભલે ભાલાફેંકની આમ રમત જાણીતી નહિ, જેવેલીન થ્રોના નિયમોની બહુ બધી કોઈ ખબર નહિ, પણ જેમ પહેલા પ્રેમના પહેલા સ્પર્શની અમથેઅમથી મજા પડે એમ જબ્બર જલસો પડયો, જ્યાં શબ્દો ખૂટી પડે ! અને માંડ એ હેંગએવરને નિતારવા કવિતા તરીકે ઓળખાય એવી આગળ લખેલી તુકબંદી રચાઈ ગઈ અંદરના એક ધક્કે મધરાતે આ ગદ્યલખવૈયાથી પદ્યમાં ! અનુભૂતિ તો સઘળાની એક જ, રગ રગ ધક ધક.

સલામ નીરજ ચોપરા. નયે ભારત કા નૌજવાન. દૂધમલિયો ગણાય રીતસર એવો એ યુવક રાતોરાત કરોડો દિલોની ધડકન બની ગયો. છ ફીટની હાઇટ, કસાયેલી કદાવર કાયા, હરિયાણવી ગામઠી મસ્તીનું ચહેરા પર છલકાતું ભોળપણ અને આંખોમાં કોઈ પણ ભોગે લક્ષ્યવેધ કરવા માટે સજ્જ પડકાર ઝીલવા તૈયાર શાણપણ. ચોપડાઓ ઈતિહાસના કાયમ માટે નવા ચીતરાય એ સિધ્ધિ એણે મેળવી લીધી. જ્વલંત જયનાદ ! રાજપૂતાના રાઈફલ્સનો સૂબેદાર નીરજ ચોપરા છે, એ તો સમાચારમાં વાંચી લીધું હશે. પણ ઈન્ડિયન આર્મી માટે રાજપૂતાના રાઈફલ્સ રણે ચડે ત્યારે એનો જયઘોષ, વોરક્રાય કહેવાતું મર્દ જવાનોને કસાયેલા જંગમાં રંગ બતાવવાનો પાનો ચડાવતું સૂત્ર શું છે જાણો છો ? વીર ભોગ્યા વસુંધરા. ધરતીને બહાદૂરો જ ભોગવી શકે છે !

એ એકલવીર નીરજ ચોપરા. મરદનું ફાડિયું. પાસા પાડેલો કદાવર હીરો. દોડ લેતી વખતે પિંડી અને જાંઘની ચુસ્ત માંસપેશીઓમાં ફૂલાઈને તંગ થતું એનું જબ્બર જોશ અને બાવડા પર ચડેલા ગોટલા પર ધસમસતા રક્તવાહિનીઓના ધોધમાંથી ગતિ પકડતી એ મરદ કસૂંબલ રંગ ચડેની રણભેરીથી પવન સામે ગર્ભગૃહમાં મૂકાયેલા દીવાની સ્થિર જયાત જેવી સ્વયંપ્રકાશિત ઊર્જા ! આહાહા. એ ૮૭.૫૮ મીટર. ભલે ઓલિમ્પિક કે નીરજનો ઓલટાઈમ બેસ્ટ રેકોર્ડ નથી એ. પણ લાઈફટાઈમ એ રેકોર્ડ કોઈ કિતાબ કે સ્ક્રીન નહિ, ભારતવર્ષની છાતી પર સોનેરી શાહીનું છૂંદણું બનીને છપાઈ ગયો છે. એ ૮૭.૫૮ મીટર સુધી ભાલો જાય એ માટે આ દેશે ઓલમોસ્ટ સવાસો વર્ષ આંખે હાથ ધરીને તાપમાં નેજવું કરીને જોબનિયાંના જમાનાના મનના માણીગરની રેગિસ્તાનમાં પ્રતીક્ષા કરતી કરતી કરચલીયાણી થયેલી ડોશી જેવી તરસ રાખી હતી. અચાનક રામ આવ્યા ને શલ્યાની અહલ્યા થઈ એમ ચેતન આવ્યું કે ના, વર્લ્ડ લેવલે એથ્લેટિક્સમાં, રિપિટ એથ્લેટિક્સમાં આપણે ય કશુંક કરી શકીએ છીએ.

બહુ મોટું અંતર કપાઈ ગયું એ ૮૭.૫૮ મીટરથી. દેશના શ્રેષ્ઠીઓને અહેસાસ થયો કે થોડીક 'કૃપા' અહીં બીજી રમતોના ખેલાડીઓ પર પણ વરસાવી શકાય છે. સરકાર જાગી કે પ્રોત્સાહન અન્ય રમતવીરોને બિરદાવવાનું રાખવાથી ય ઈન્ટરનેશનલ ઈમેજ બિલ્ડિંગ થાય છે. વાલીઓ સફાળા આંખો ચોળતા થયા કે ઝાઝા માર્કસ વિના ય ખેલકૂદમાં કરિયર જો ટોચ પર જાય તો છપ્પર ફાડ કે ધનવર્ષા થઈ શકે છે. ચિત્ર ગીત પર વિચિત્ર મોઢાં બનાવી રાતોરાત ફોલોઅર્સ ઉસેડતી જનરેશનમાં તણખો પડયો કે કશુંક એકચ્યુઅલ મેદાન પર જઈને કરવાથી પણ એકઝાટકે મિલિયન ફોલોઅર્સ ગ્લોબલી મળે છે. બંદા યે બ્રાન્ડ હો ગયા.

ભલે નીરવને ઈનામો મળતા, ભલે કેવી રીતે એ તોફાની કાનુડાની જેમ મધપૂડામાંથી મધ પાડતો, માખણ ને પરોઠા ખાતો, ભેંસોના પૂંછડી આમળતો રખડતો ને સંયુક્ત પરિવારમાં ગોળમટોળ અગિયાર વર્ષની ઉંમરે કોઈ સરપંચ કહીને બધા ચીડવતા, એમાંથી રનિંગ કરવા કાકા જોડે સ્ટેડિયમમાં ગયો ને ત્યાં વજન ઉતારવાના ધ્યેય સાથે નવું સપનું જેવલીનન થ્રોઅર બનવાનું ચડાવી આવ્યો જેવી એની દાસ્તાનો વારંવાર કહેવાતી. ભલે એ બહાને યુધિષ્ઠિર કે રાણા પ્રતાપને યાદ કરાતા. ભલે એને જરૂર ન હોય એવા કરોડો એના ઘેર ઠલવાતા, ભલે ૨૩ વર્ષનો છ ફીટનો એ ગ્રીક ગોડ જેવો ઓલિમ્પિયન કરોડો યુવતીઓનો ડ્રીમ ક્રશ બની જતો. ભલે ભલે ભલે. તો જ કોઈને કોઈ ગુમનામ ખૂણે બેસીને થશે કે નીરવ બનવામાં તો ફાયદો છે. અને ફાયદો દેખાય ત્યાં જ કાયદો સમજવાની કમભાગ્યે આપણા દેશને આદત છે. ત્યારે આસપાસ ખટપટ ને અન્યાયના, મોટા શહેરોની વૈભવી ચકાચૌંધમાં અંજાઈ જતાં નાના ગામડાઓના, નેગેટિવ થોટસને આપઘાત-ડિપ્રેશનમાં વેડફાતી જવાનીના કાદવમાં નીરજ (એટલે જ કમળ) કીલે, એ એક મોટીવેશન છે. પેશનથી એકશનમાં વર્ષો ઈન્વેસ્ટ કરવાનો ટેસ્ટ ડેવલપ કરવાનું !

કોઈ આવી ગગનભેદી સફળતા એક ક્ષણમાં કશુંક ફેંકો ને મળી નથી જતી. એ સેકન્ડોમાં ભાલો ૮૭.૫૮ મીટર દૂર ગયો એ પાછળ નીરજનું એક દસકાનું તપ છે. એને ચૂરમું ને મીઠાઈઓ બહુ ભાવે, પણ ઓલિમ્પિકના છ મહિના જરાકે ય સ્નાયુઓ સુસ્ત ન થાય માટે એનાથી દૂર રહેલો. હા, એથ્લેટસ માટે પાણીપુરી બેસ્ટ સ્ટ્રીટફૂડ છે, એવું એ એના ઈન્ટરવ્યૂમાં જ કહી ચૂક્યો છે. ને બહુ બધા બંધનોની જૂના વારસાના નામે ઠોકાઠોક કરતા આપણા રૂઢિચુસ્ત ને જડસુજુનવાણી હથોડાછાપ સમાજના દંભ ને દોઢડહાપણ ચીરવા આવા ફળા (તીક્ષ્ણ અણી)દાર ભાલાની બહુ જ જરૂર છે. જે ચોખલિયાવેડાંને તોડે. બુદ્ધિબુઠ્ઠાઓ દરેક વાતમાં એમની ધાર્મિકતા ને રાજકીય ગમા-અણગમાના ચોકઠાં ફિટ કરવા ન દોડે, એ માટે નીરજ જેવા રિયલ ગ્લોબલ યુવાઓ જોઈશે. ઈનફેક્ટ, મીરાબાઈ ચાનુ, પી.વી. સિંધુ, લવલીના, રાની રામપાલની વિમેન્સ હોકી ટીમ, મનીપ્રીતસિંહની મેન્સ હોકી ટીમ, રવિકુમાર દહિયા, બજરંગ પુનિયા જેવા બધા જ. કોઈ જીત્યા. કોઈ સહેજમાં હાર્યા. પણ દરેક નવી જવાનીના ઝંડાધારીઓ છે.

 એ જજ-મેન્ટલ નથી. જ્ઞાાતિ-ધર્મ-કોમના ભેદ થકી એમની આસ્થાને 'ડિફાઈન' નથી કરતા. પિઝા ય ખાય ને દાળ-ભાત પણ ખાય. એમના પરદેશી હરીફો એમના મિત્રો છે. વિદેશીઓ એમના કોચ છે. જીન્સ પહેરવામાં શરમાતા નથી ને મોબાઈલ પર ગીતો સાંભળતા સાંભળતા નાચી લે છે. કોઈ મનપ્રીત હિન્દુ મુસ્લીમ લવમેરેજ કરે કે કોઈ લવલીનાના ગ્લોવ્ઝ ઉતરે ત્યારે એના નેઈલપોલિશની ઝલક દેખાઈ જાય કે ત્યારે એ ચેમ્પીયન પણ આપણા જેવા રિયલ માણસ હોવાનો અહેસાસ થાય છે. જે પણ જરૂરી છે.

પણ વાત આપણે એ સામાન્ય પરિસ્થિતિમાંથી આવી અસામાન્ય પરાક્રમ દેખાડતી સફળતાની કરતા હતા. ચહેરા, પસંદ, ખોરાક, ઉંચાઈ, રાજ્ય, નામ, જેન્ડર, ગેઈમ બધું ભલે અલગ હોય. આ રેસિપી એક જ હોય છે. જેની શરૂઆત અચાનક જીવનમાં વળાંક આવે, એવા સપનાથી થાય છે. આવું કંઈક હટ કે કરવું છે. કેમ ? નામ ને દામ મળે એટલે ? બધી રમતોમાં એ ઓલિમ્પિક લેવલ સિવાય હોતા ય નથી. તો ? ગમે છે, ફાવે છે, મજા આવે છે અને આવડે એવું લાગે છે એટલે.

આ ચાર બાબતો ફરીને વાંચવી. સપનું માત્ર કોઈની દેખાદેખી કે ગ્લેમર નથી. એને આવા ચાર પાયાનો આધાર હોય તો આગળ ચણતર થાય. એ ચણતર છે, સપના પછીની સાધના. જેમાં આંખો મીંચીને સૂઈ જવાનું નથી. એ ખોલીને શીખવાનું છે. શરૂઆતમાં નવું અઘરું જ લાગે, પણ યોગ્ય તાલીમ ને ન મળે ગુરૂ તો કે ત્યાં સુધી આતમરામને ગુરૂ બનાવી બસ એકધારી પ્રેક્ટિસ થકી સેલ્ફ કરેક્શન કરતા કરતા સુધરવાનું છે. જાતને સપનાને લાયક ઘડવાની છે. પણ સપના ને સાધનાથી વાત પુરી નથી થતી. પછી થોડી સમતા જોઈએ. નાની મોટી હારજીતની વિચલીત નહિ થવાનું. સફળતા હાથતાળી આપી - છટકી જાય તો ય શક્તિ ખૂટવા નહિ દેવાની. અચાનક મળી જાય તો બહેકીને ખુદ પરનો સંયમ ખોઈ નહિ નાખવાનો. વધુ મોટું વિઝન મક્કમપણે જોતા રહેવાનું. ક્ષમતા વધારતા જવાની. સપના, સાધના, સમતા પછી આવે સ્થિરતા. લાંબા ગાળા સુધી ટકી રહેવા માટેની ધીરજ. ઉતાવળે આંબા ન પાકેની સમજ. તરત નિશાન પાર ન પડે તો ય થાક્યા કંટાળ્યા વિના ફરી ફરી બેઠા થયા કરવાનું ને બહુ ઇમોશનલ પેઈન અનુભવ્યા વિના શાંતિથી ભૂલો સુધારીને કેપેસિટી બેહતર બનાવવાની. પછી મળે એ સજ્જતા. કોઈ પણ સ્થિતિમાં બેસ્ટ પરફોર્મ કરવાની ત્રેવડ એ સજ્જતા. ને આ પાંચ રિંગ ઓલિમ્પિકની જેમ પુરી થાય ત્યારે ગોલ્ડ મેડલ મળે એ સફળતા.

બે રસપ્રદ જાણકારી નીરજ ચોપરાની સફળતા વખતે યાદ કરવા જેવી છે ટૂંકમાં. એક તો છે ઈન્ટરેસ્ટિંગ જીકે. ૧૨૫ વર્ષમાં આમ તો અભિનવ બિન્દ્રાને શૂટિંગમાં ઇન્ડિવિજ્યુઅલ મળેલો અને હોકીમાં ટીમ ગેઈમને મળેલો જે એથ્લેટિક્સ ન ગણાય એટલે નીરજનો પ્રથમ મેડલ ગણાય મોડર્ન ઓલિમ્પિકમાં. પણ રાષ્ટ્રગાન વાગે ને રાષ્ટ્રધ્વજ લહેરાય એ પાવરપેક ફીલિંગમાં પહેલો જ હોવા છતાં ટેકનિકલી ભારતમાં જન્મેલા એક એથ્લેટે ૧૨૧ વર્ષ પહેલા પેરિસ ઓલિમ્પિકમાં ૨૦૦ મીટર રેસ, ૨૦૦ મીટર હર્ડલ રેસમાં બે સિલ્વર મેડલ મેળવેલા. કલકત્તામાં ૨૩ જૂન ૧૮૭૫માં જન્મેલા બ્રિટિશર નોર્મન પ્રિચાર્ડને ખાતે એ પણ જશ છે. જો કે, ત્યારે બ્રિટિશ ઈન્ડિયા હતું તે નોર્મન પ્રિચાર્ડ ખુદ પછી અમેરિકાવાસી થઈ નામ બદલી નોર્મન ટ્રેવર કરી એક્ટર થયેલો અને ૧૯૨૯માં ગુજરી ગયેલો ૩૦મી ઓક્ટોબરે લોસ એન્જલ્સ ખાતે.

અને બીજું આપણા ડાયરા ડોલાવતું શૌર્યગીત ઃ હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું. 'બરછટ જોર બરાડ ભીમ ભારત બછૂટયો, કરે ક્રોધ કરતાંત શંખ લેવા કર ત્રૂટયો...' જેવી ઘણી ધુ્રબાંગ ધુ્રબાંગ જોમવંતી પંક્તિઓ ધરાવતા એ ગીત પાછળ ઈતિહાસ સાંગના પ્રકારનો છે. સાંગ એટલે જેવલીન જેવો લાંબો ને તીર જેવા ફળાને બદલે અણી ધરાવતો ભાલો. જામ રાવળ અને ભાણ જેઠવા અને બેઉ વચ્ચેના સાથીદારોના યુધ્ધનો ઇતિહાસ તો કોઈ ટકાટક વેબ સીરિઝ જેવો છે. પણ કચ્છથી નીરજ જેવડી ઉંમરમાં આયુષ્યની પચ્ચીસીમાં જુવાન મહેરામણજી આવ્યા પિતાને બદલે તો ટોણો સાંભળવો પડયો કે ખાંડાના ખેલ છે, માસીને ઘેર લાડવા દાબવાના નથી. મે'રામણજી મૌન રહ્યા પણ દ્રઢ સંકલ્પ કરી લીધો.

જામ રાવળના પક્ષે તોગાજીના અદ્ભુત પરાક્રમને જોઈને ભાણ જેઠવાએ જામને ભાલો પોરવી દેવાની હાકલ કરી જેનું બીડું કરશન જાંબવેચાએ ઉપાડયું. કાસદ (મેસેન્જર)ના રૂપમાં એણે સામી છાવણીમાં જઈ ભૂલમાં હરધોળજીને જામ માની ભાલો પોરવ્યો અને હાહાકાર થતા તળાવમાં નહાતા મહેરામણજી પોતિયાભેર પોતાની ઘોડી પટ્ટી પર સવાર થયા અને એમાં હોય એટલું જોર પટ્ટી ઘોડીએ કરી અંતર કાપીને લગોલગ છલાંગ લગાવી ત્યારે પુરું જોર કરીને મેરામણજીએ આંખોના ડોળા ને આંતરડા બહાર આવે (એટલે સ્નાયુઓ ખેંચાઈ જાય, મસલ સ્ટ્રિંગ) એમ સાંગ તોળીને શત્રુને ઘોડા સહિત એ 'પોરવી' દીધી. એમાં રચાયું 'હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું'ને એટલે ભેટ બાંધે જોર લગાવી પ્રહાર કરતી વખતે પેટે કપડું શૂરવીરો!

પણ પી.ટી. ઉષાએ સંતોષથી કહ્યું કે ૩૭ વર્ષ પહેલા સેકન્ડના સોમા ભાગથી ૧૯૮૪ની એલ.એ. ઓલિમ્પિકમાં એ મેડલ ચૂકી ગઈ, એનું 'વટક' વાળી દીધું અંતે એથ્લેટિક્સનો મેડલ મેળવી નીરજે એ આખા દેશની ફીલિંગ છે. એ થ્રો પણ એકદમ કમ્પોઝ કરેલી કોઈ સિમ્ફની જેવો હતો.

હજુ આપણે ત્યાં ખેલાડીઓ તો છે, તમામ પડકારો પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. પણ ટ્રેનિંગની ગરબડો છે. મેડલ વિજેતા મીરાબાઈ હોય કે સિંધુ, હોકી ટીમ હોય કે નીરજ ફોરેન કોચની ટ્રેનિંગ છે. કોઈ પાર્ક સાંગ, કોઈ શુઆર્ડ મરાયન, કોઈક ગ્રેહામ રીડ, કોઈ ડો. એરોન, કોઈ યુવે હોન, કોઈ ક્લાઉસ બાર્ટોનિટ્ઝ હોય છે ફાઈનલ કિલર વિનર ઇન્સ્ટિંક્ટનો ટચ આપવા. માઈન્ડસેટ બદલવા માટે આ સુવર્ણચંદ્રકને પાયામાં રોપીશું તો ભવિષ્યમાં આદિત્યો ઝળહળશે ખેલાડી. યુવક-યુવતીઓના બચપણથી. જેમાં પોલિટિક્સ નહિ હોય, પણ ટ્રેનિંગ ટ્રિક્સ હશે!

અને નીરજ ચોપરાના એક ઘા એ ઇતિહાસ ચીરીને ભવિષ્યનું નિશાન જાતમહેનતે પાર પાડયું એ પળનો આનંદ અનુભવતા રહ્યા આપણે એ જ તો છે સ્પોર્ટસ, જેનું મેજીક પ્રેક્ષકને ખેલાડી બનાવી દે છે! પછી વાહિદ અલી વાહિદની કવિતાની જેમ - ફૈંક વહાં તક ભાલા જાયે! માણસ શરીરની મર્યાદા મનથી - વળોટી જાય, ત્યારે ગોલ્ડન ચેમ્પીયન બને!

ઝિંગ થિંગ

'એથ્લીટ માટે પરસેવાની દુર્ગંધ એ કીમતી પરફ્યુમ છે.' (ચેતન જેઠવા)

Tags :