ભગવાને ઘડેલી નહિ વિજ્ઞાને આપેલી સુંદરતાનું મૃગજળ અને 'મેકઓવર'ની માર્કેટ!
- અનાવૃત-જય વસાવડા
- સૌંદર્યમાં 50 ટકા મહત્ત્વ ગૌરવર્ણ અને નમણાશનું હોય તો 50 ટકા મહત્ત્વ આત્મવિશ્વાસભર્યા પ્રસન્ન વ્યક્તિત્વ અને સુડોળ ઘાટીલા શરીરનું છે
વ રસે દહાડે આપણે ઘરની સાફસફાઈ કરીએ છીએ. સાજસજાવટમાં ફેરફાર કરીએ છીએ, પણ મોટે ભાગે દર વરસે પ્રસંગો-તહેવારોમાં પડાવેલા આપણા ફોટોગ્રાફ્સ નીરખજો... ન મળે તો ફૂલસાઈઝ મિરર સામે ઊભા રહીને જાતને જોયા કરો. આપણામાં, આપણી હેરસ્ટાઈલ, ડ્રેસિંગ સેન્સ, શૂઝ, એક્સેસરીઝ ઈત્યાદિમાં વધતી ઉંમર સિવાય કંઈ મોટા ફેરફારો થતા રહે છે ? મોટા ભાગે નહિ ! આપણે તો એવા સોગિયા સમાજમાં જીવીએ છીએ, જ્યાં ઘણી ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિઓ સતત સફેદ કપડાં પહેર્યા કરવામાં જ કોઈ મોટી તપસ્યાનું ગૌરવ અનુભવતી ફરે છે ! થેન્ક ગોડ, હવે મોક્ષને બદલે મેકઓવરમાં રસ પડે છે ઘણાબધાને.
ગ્લેમરવર્લ્ડમાં જોકે, મેકઓવરના પાયોનિઅર ઉર્ફે પાયાના પથ્થર બનવાની ક્રેડિટ સંજય દત્તને આપવી પડે. આ નશાબાજ સૂકલકડી પહેલવાને બોડી બિલ્ડિંગ તો કરી બતાવ્યું જ, પણ જ્યાં ચાર-ચાર દાયકા સુધી એક જ દિશામાં પાથી પાડીને વાળ ઓળતા લોકો 'કલ્પનાશીલ' ગણાતા હોય... એવા મુલકમાં લાંબા-ટૂંકા વાળની અવનવી હેરસ્ટાઈલ આપી. આમીરખાન પણ રિયલ લાઈફમાં સતત દેખાવ બદલાવતો રહ્યો.
સેલિબ્રિટીઝ તો બુરખો પહેરીને મેકઓવર કરાવવા ક્લીનિકમાં જાય એવી હાલત હોય છે. નવા સવા ડોક્ટર કે ટેકનિશીયનને જાણીતી હસ્તી ક્લાયન્ટ બન્યાનો હરખ થાય, પણ ફાયદો ન થાય ! પોતાની સુંદરતામાં કુદરતની કરામત કરતા ટેકનોલોજીની ટ્રિક્સ વધુ છે, એની ટીપ જાહેરમાં કોણ આપે ?
પરંતુ, અપર મિડલ ક્લાસમાં આજે આ બધી 'ટેકનોબ્યુટી સ્ટાઈલ'નો જબરો પ્રભાવ છે. નબળા મનોબળવાળા લોકોને પ્રેશર ફીલ થાય છે આસપાસના અભિપ્રાયોનું. પેલી અગ્લી ડકલિંગ વાળી સિરિયલની જસ્સી પણ બ્યુટીફુલ દેખાય એને જ નોર્મલ ગણે છે જગત ! કોલેજીયન ટીનેજર્સ 'ફેસ કોન્ટુરિંગ' કરવા મેટ્રોસિટીઝમાં ધસી આવે છે. વધુ પડતો ચરબીદાર ચહેરો એમાં શાર્પ થાય છે અને અણિયાળો પાતળો ચહેરો જરા ચમકદાર, ભરાવદાર થાય છે. જડબાની રેખાઓમાં સર્જરી વિના, ઈન્જેકશન્સ/ મેક-અપ દ્વારા ફેરફાર કરી ગોળાકાર ચહેરાને બદામ આકારનો કરવામાં આવે છે. ચહેરાના સ્નાયુઓ શરીરના સ્નાયુઓના પ્રમાણમાં વધુ નાના અને નાજુક હોય છે. વળી ખરતા વાળને લીધે વિસ્તરતું કપાળ લવેબલ લૂકમાં પંચર પાડી દે છે. અલબત્ત, પ્રોફેશનલી આવી સારવાર લેનારાઓમાં સરપ્રાઈઝલી જુવાનિયાઓ ઓછા છે. એમના જીન્સ અને શરીરના કોષો ઊર્જાથી ફાટફાટ થતા રહે છે, પણ ખરો ધસારો પાંત્રીસી વટાવી ચૂકેલા મધ્ય વયસ્કોનો હોય છે.
આપણે ત્યાં મોટે ભાગે પૈસા કમાતી સફળ કેરિયર બનાવતા - બનાવતાં સહેજે ય ૩૦-૪૦ વર્ષની ઉંમર થઈ જતી હોય છે. પછી લોકોના અભિપ્રાયો લેવાની કે ધારી ધારીને પોતાની જાતને આયનામાં જોવાની ફૂરસદ અને સગવડતા મળે છે. બેડોળ દેખાવ સુધારીને ફરી ભૂતકાળનો થનગનાટ મેળવવાની તમન્ના જાગે છે. પોકેટમાં રહેલા પાકીટનું વેઈટ વધી ગયું હોય છે. કાળના ચક્ર સામે ઘૂરકિયા કરવાનો ચાન્સ શા માટે ઝડપી ન લેવો ?
મેકઓવર માત્ર ફિઝીકલ જ નહિ, પણ ઘણા કિસ્સાઓના ઈમોશનલ ટ્રાન્સફોર્મોશન પણ બની રહે છે. 'ફેમ ગુરુકુળ'ની રૂપરેખા કે 'ઈન્ડિયન આઈડોલ'ના અભિજીતના જમાનામાં પણ એમના લૂક સફળતા પછી બદલાતા હતા. હવે મોનાલિસા મેળામાં માળા વેંચતી હીરોઈન થાય તો મહિનાઓમાં ફૂલફટાક થઈ જાય છે. ગૂ્રમિંગની પ્રોફેશનલ એજન્સીઝ હોય છે. દરેક આવા નાના ગામથી જાણીતા બનેલા ના જોજો. આવ્યા ત્યારે કેવા હતા... અને આજે કેવા 'સુપર સ્ટાઈલિસ્ટ' દેખાય છે ! આવું જ મિસ ઈન્ડિયા ટાઈપની કોન્ટેસ્ટમાં પણ બને છે. કારણ કે, નાના ગામોમાંથી આવનાર ઘણા સ્પર્ધકોનું આવા શો કે ઈવેન્ટ માટે ખાસ એક્સપર્ટસ દ્વારા 'વોક ટુ ટોક' સુધીની ટ્રેેનિંગ કરવામાં આવે છે. જેમ સૂટ પહેરવાથી શૂઝ પહેરવાથી જરાક શક્તિનો અહેસાસ થાય, એમ ચાર્મિંગ પર્સનાલિટી અને ડેશિંગ લૂક લઈને બહાર નીકળો તો વધુ 'કોન્ફિડન્ટ કોમ્યુનિકેશન' કરી શકો ?
રિમેમ્બર, લિપસ્ટિક, નેઈલપોલિશના શેડ્સ બદલાવવા કે ટાઈ પહેરવી ને ગોગલ્સ ચડાવવા એટલે 'મેકઓવર' કરવો એવું નથી. મેકઅપ અને મેકઓવર વચ્ચે ફેર છે. તમે અંદરથી જે છો એનું વ્યવસ્થિત અને આકર્ષક રીતે બહારથી થતું 'પ્રેઝન્ટેશન' એ મેકઓવર છે. અમીષા પટેલ વાળ વગર વિચાર્યે રંગાવ્યા પછી ડાકણ જેવી લાગે છે. પોદળા જેવો કોઈ જીન્સ-ટી-શર્ટ ચડાવે તો છાણા જેવો જ દેખાય ! મસ્તી ખાતર જે ગમે તે કરી શકાય છે પણ એ ચેન્જ કે સ્ટાઈલ સ્ટેટમેન્ટ નથી. પાતળી પેન્સિલ જેવી છોકરીઓ હોરિબલ મિનિસ્કર્ટ પહેરે ત્યારે એમની 'સ્ટ્રેન્થ'ને બદલે 'વિકનેસ' ઉડીને આંખે વળગે ! વ્યક્તિ, વિચાર, શોખ, કામ, વ્યવસાય, અંગત રસરૂચિ, આસપાસનું વર્તુળ... બધાને ધ્યાનમાં લઈ લૂક સ્માર્ટ કરવાનો અને એ પણ સમય-સંજોગો મુજબ સતત બદલાવતા રહેવાનું શીખવું ! સાડી પહેરતા હો તો કેપ્રી અને ટયૂબ ટોપ પહેરવાનું એડવેન્ચર કરો અને કુર્તા-જીન્સ પહેરતા હો તો સાડી પહેરવાનું સાહસ કરો ! ડેર ટુ બી ડિફરન્સ... સેક્સી ટ્રેન્ડી એન્ડ અપમાર્કેટ !
ભારતીય નર-નારીને અત્યાર સુધી બચપણથી એવું શુષ્ક ધાર્મિકતાની અસર નીચે ઠસાવી દેવામાં આવતું કે તમો બહુ જ રૂડારૂપાળા, ફૂલફટાક, ફેશનેબલ, ચાર્મિંગ બનીને બહાર નીકળો - એ તો પાપ છે. સાદગી અને મર્યાદામાં જ પૂણ્ય છે. અંગત સ્વજનો સામે જ તમારું રૂપ ખુલ્લું મૂકાય, બાકી ઢંકાયેલા રહેવાય. સ્ત્રીઓ જ નહિ, પુરુષો પણ આવું માને છે. લઘરવઘર અને જૂનવાણી, ઉદાસીન રંગો (જેને લોકો 'એક્ઝિક્યુટીવ' કલર્સ માને છે, એ તો ખરેખર 'એક્ઝિટ' યાને મોતના બોઝિલ રંગો છે !)થી લથબથ વસ્ત્રોમાં બહાર નીકળતા પુરુષો પણ ગુનેગાર કહેવાય. એ બીજાની નજરમાં કુરૂપતાના દ્રશ્યો રમતા મૂકીને મૂડ બગાડી નાખે છે. કુદરત રંગબેરંગી અને મદહોશ વરસાદી કે વાસંતી વાતાવરણ સર્જે, ત્યારે આપણી આંખો અને આત્મા આનંદથી નાચી ઊઠે છે ને ? ફૂલોના ગુલદસ્તા કેમ રંગબેરંગી બનાવવા ગમે છે ? અરે, ધાર્મિક કાર્યક્રમોની કંકોત્રી પણ કેવી ભપકાદાર બને છે ? શિશુને પણ બહાર લઈ જતા પહેલા તૈયાર કરો તો કેવું રૂડું લાગે છે ? સુંદરતા કંઈ પાપ નથી. જાત માટે નહિ, તો જગત માટે ખૂબસુરત બનવું પડે.
અત્યાર સુધી આ જ શબ્દ 'સુંદર' હોવાનો પર્યાય ગણાતો : ખૂબસુરત એટલે સુરત યાને ચહેરો સુંદર. ચહેરો સુંદર એટલે વ્યક્તિ સુંદર એવું માનનારાએ જાણી લેવું કે એ જે વર્ગમાં છે એને 'જૂની પેઢી' કહેવાય છે. આજે કદર કેવળ સુંદર ચહેરાની જ નથી. શેપમાં રહેલા પરફેક્ટ ફિગરની છે. દાઢી-બાવડા-અવાજ (પુરુષ હો તો), બ્રેસ્ટ-હિપ્સની ગોળાઈ (સ્ત્રી હો તો) અને છરહરું પેટ, ચુંબકીય ચાલ, ખુશનુમા સ્મિત, સપ્રમાણ દાંત, રસઝરતાં હોઠ, ચુસ્ત સાથળ, ચમકતી કૂમળી ત્વચા, પાણીદાર આંખ, રંગબેરંગી વાળ, ધનુષની જેમ વાંકા વળેલા ખભાને બદલે ટટ્ટાર કરોડરજ્જુ (સ્ત્રી-પુરુષ બંને માટે) આજે બહાર નીકળતા પહેલા 'ધારણ' કરવાનો શણગાર છે. કપડાં પહેરવાની વાત તો પછી આવે છે. સદભાગ્યે જનરેશનનેકસ્ટ પાસે વેલ ટોન્ડ બોડી છે. ઉઘાડો રાખી શકાય એવું દુરસ્ત તન છે.
આ તો જેમની પાસે કુદરતી જ આ બધું છે, એની વાત છે, પણ નથી એનું શું ? પહેલી વાત ઘૂંટી રાખો : સૌંદર્યમાં ૫૦ ટકા મહત્ત્વ ગૌરવર્ણ અને નમણાશનું હોય તો ૫૦ ટકા મહત્ત્વ આત્મવિશ્વાસભર્યા પ્રસન્ન વ્યક્તિત્વ અને સુડોળ ઘાટીલા શરીરનું છે. કસરત અને ફીલગુડ મૂડ ઉપરાંત ઉપરવાળાની પ્રોડક્ટમાં 'કરેક્શન' આજે થોડા ઘણા અંશે શક્ય છે. તમે કપડાં સાથે આજે 'મેચિંગ' કોન્ટેક્ટ લેન્સીઝ પહેરીને આંખોના રંગો અવસર મુજબ બદલાવી શકો છો. વાળની સ્ટાઈલ જ નહિ, રંગો બદલાવી શકો છો. કાળામાંથી સોનેરી વાળ તો સમજ્યા, પણ સફેદ પટ્ટાઓની 'ઈન થિંગ' સ્ટાઈલ જોતાં હવે કાબરચીતરા વાળની સફેદી ઘટાડવાના ટેન્શનમાં વધુ વાળ ધોળા કરવાની જરૂર નથી. એને મેંદીથી લાલને બદલે બ્લ્યુ કે પર્પલ કરી શકાય છે ! અરે વાળ જ નવા ઉગાડી શકાય છે જો માથે ટાલ પણ ગજવામાં માલ હોય તો !
કાંડા, બાવડાં અને ડોકમાં કંઈક રસપ્રદ આભૂષણ પહેરીને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બદલાવી શકાય છે. એવું જ આગવું મહત્ત્વ 'ટેટુઝ'નું છે. કોઈ આદિવાસી છૂંદણા ચીતરાવે તો આપણે એને 'લોકસંસ્કૃતિ' કહીને અડધાઅડધા થઈ જઈશું, અને આપણા કુંવર-કુંવરીઓ પોતાની અતૃપ્ત કે તૃપ્ત ઝંખનાઓની કળાત્મક અભિવ્યક્તિ કરતા ટેટૂઝ ચીતરાવે તો આપણે એમને સાક્ષાત શેતાન માની લઈશું ! મેકઓવરમાં હવે નાક-કાન ઉપરાંત નાભિ અને હોઠ નીચેની ચીબૂક વીંધાવવાના પણ મદમસ્ત વાયરા ચાલે છે. ઈટ્સ જસ્ટ ફેન્ટસ્ટિક્લી અપીલીંગ ! હા જીભનું પિયર્સિંગ રિસ્કી છે. ને બધું બધા પરમેનન્ટ ટેટૂ એક ઉંમર પછી ચામડી લબડી જાય ત્યારે ભૂતાવળ જેવા લાગે છે.
પણ વાત આટલેથી અટકતી નથી. ના, આપણે ખર્ચાળ અને થોડીક જોખમી એવી કોસ્મેટિક સર્જરીની વાત નથી કરતા. આજે બીજી ઘણી કેમિકલ થેરોપી અને બ્યુટી ટ્રીટમેન્ટ આવી ગઈ છે. જે સર્જરી વિના જ સુંદરતાનો 'મેક ઓવર' કરી દે છે. સ્ત્રી ચુંબનની અદામાં પોતાના લિપ્સ વ્હીસલિંગ કરતી હોય એમ વાળે, એ કાતિલ અદાને 'પાઉટ' કહે છે. આજે થોડા હજારમાં આ 'પાઉટ' ઈન્જેક્શનથી સોહામણુ બનાવતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ ચાલે છે ! એવી જ રીતે હસતી વખતે કરચલી ન પડે અને મારકણી મુસ્કુરાહટ બને એ માટે 'લાફ લાઈન' સુધારતી ટ્રીટમેન્ટ ખમતીધર સેલિબ્રિટીઝ કરાવે છે ! દાંત પણ નવા બેસાડાય છે કે કુદરતી ન લાગે એવા સફેદ થઈ શકે છે. લાઈપોસેક્શનથી ચરબી નીકળે છે અને ટમી ટકથી પેટની લચકી ગયેલી ત્વચા ટાઇટ થઈ શકે છે. રહાઈનોપ્લાસ્ટીથી નાક સરખું થાય છે. પુરુષ દાઢીમાં હેર ટ્રન્સપ્લાન્ટ કરાવે છે તો સ્ત્રીઓ વજાઈનોપ્લાસ્ટીથી બાળકને જન્મ આપ્યા બાદ કે મોટી ઉંમર પછી પણ કુમારિકા જેવો ચુસ્ત યોનિમાર્ગમેળવે છે ને એમાં પણ નોન સર્જિકલ લેસર આવી ગયું છે ! સિલિકોન ઇમ્પ્લાન્ટથી સ્ત્રીઓ ચાટી કે નિતંબની ઉભાર વધારે તો પુરુષો સર્જરીથી ત્યાંની ચરબી ઘટાડે એ બધું જ થાય છે હવે. કોઈ કબૂલે નહીં પણ આ જબ્બર ધંધો ચાલે છે એજ્યુકેશન જેવો.
એક અલાયદો લેખ જોઈએ બ્યુટી જાળવી રાખવા માટે બજારમાં શું શું ચાલી રહ્યું છે એ માટે. એક અંદાજ મુજબ વાર્ષિક છ ટકાના દરે વધતી આ એન્ટી એજિંગ ઇન્ડસ્ટ્રીનું વોલ્યુમ ૫૦ અબજ ડોલર (રૂપિયા એનાથી ૮૬ ગણા વધુ !) નું છે ! અમેરિકામાં અમુક કોસ્મેટિક ટ્રીટમેન્ટ કડક કાયદાને લીધે ન થાય તો પાડોશી મેક્સિકોમાં અમેરિકનો માટે ક્લિનિક ખુલી ગયા છે.
જેમાં કેવળ બહારથી ચોપડવાના કોસ્મેટિક્સ નથી. મેડિકલ પ્રોસીજર હોય છે, જે ઘણી વાર ડોકટરને બદલે બ્યુટી પાર્લરવાળા કરે છે ! હોલીવુડથી હિંદુસ્તાન આવેલો એક ક્રેઝ ફ્રેશ દેખાવા માટે આઈવી ડ્રિપનો છે. હવે તો ફિલ્મ-ટીવી એક્ટર્સ ચહેરા ઉપરાંત પણ 'રિજુવિનેશન' (કાયાકલ્પ) કરાવતા થઈ ગયા છે. જેમ વ્યક્તિ સુંદર એમ મોડેલિંગ એક્ટિંગ જેવા પ્રોફેશનમાં એ સફળ થાય. જેમ સફળ થાય એમ વધુ પડતા મેક-અપ, લાઈટિંગ, મુસાફરી, ઉજાગરા, સ્ટ્રેસ અને વ્યસનોની નિરંકુશ કુટેવો નો ભોગ બને. એમ એ સુંદરતા ઝડપભેર ગુમાવે. એ ટકાવીને વધુ ને વધુ રૂપવાન બનવા ઘણી સેલિબ્રિટીઝ તો માને કે દેખાવ 'અપટુડેટ' હશે, તો એ કમાઈ લેવાશે ! થાક અને કેમિકલ્સ એનો ટેક્સ નાની ઉંમરે પણ વસુલે. વાળ સફેદ થાય ને ખારે, આંખો નીચે કાળા કુંડાળા થાય, કરચલીઓ વધે. ત્યારે જે એન્ટીઓક્સિડન્ટસ નોર્મલ ખોરાક ફ્રૂટ્સ, ડ્રાયફ્રુટ્સ, વેજિટેબલ વગેરેમાં નેચરલ મળે એને બદલે એના ઇન્જેક્શન આવે છે.
ઇન્જેક્શન તો બોટોક્સ કે રેસ્ટેલીનના ઈન્જેક્શનથી હાથ કે ચહેરા પરની કરચલીઓ અને આંખની ફરતેના કૂંડાળા ચુટકી બજા કે ગાયબ કરી દેવાય એ તો 'જગજાહેર રહસ્ય' છે ! સૌથી મોટી ઇન્ડસ્ટ્રી અત્યારે આ બોટોકસની છે. ડોનાલ્ડ ડક જેવા થવા લાગ્યા હોંઠો જ્યાં દેખાય એ નેચરલ નથી એટલું સમજી જવાની પારખુ નજર ભાડે નથી મળતી. બોટૉક્સ એ બીજું કશું નથી. ચહેરાના ચોક્કસ સ્નાયુઓને પેરેલાઇઝ્ડ સામે ચાલીને કરવામાં આવે છે. જી હા, લકવાગ્રસ્ત. જેથી એ કરચલી વિના ટાઇટ રહે ને ભરાવદાર લાગે. આ રીતે ટ્રીટમેન્ટ કરાવનાર અમુક ભાવભંગિમાઓ કરી ન શકે. મોઢું પૂરું ન ખોલી શકે. કારણ કે તાણીને જુવાન દેખાડેલી ચામડી વધુ ખેંચાય તો દર્દ થાય !
શેફાલી જરીવાલા પ્રમાણમાં નાની ઉંમરે વિદાય થઈ એમાં પણ કાજોલ જેવાની ત્વચા અચાનક બ્લોચ કરી હોય એમ શ્યામથી ગૌર થાય એવા ઇન્જેક્શન ગ્લુટાથિયોનના સેલિબ્રિટીઓ લે છે ! જેમ કરણ જોહર જેવા માટે ગુસપુસ ચાલે છે કે ડાયાબિટીસન ઇલાજ કરવા માટે શોધતા વજન ઘટાડવામાં કામ લગતી ઓઝેમ્પિકનો ફાળો છે એવું જ ગ્લુટાથિયોનનું છે. ક્રોનિક ફેટી લીવર કે કીમોથેરેપીની આડઅસર વખતે એ અપાતું. આજે એ મેલનિન કણોનું ઉત્પાદન ઘટાડી સ્કિન ફેઅર કરવા વપરાય છે ! આવી બાબતોની ટ્રાયલ થઈ હોય એ પણ પ્રાણીઓ ઉપર. મનુષ્યોનો ડેટા તો ઘણા વર્ષે મળે. એટલે સાઇડ ઇફેક્ટ બાબતે હજુ પૂરી સ્પષ્ટતા નથી. પણ તન છુપાવીને ઢાંકવાના જમાના ગયા. હવે એને સજાવીને રજૂ કરવામાં કોઈ શરમ નથી લાગતી. એ જ ધરમ કરમ લાગે છે. ગુડ. પણ પરફેક્ટ જ બોડી જોઈએ એ આગ્રહ છે બધાનો. બેડ.
કસરતથી પરસેવો પાડવાને કે ખાણીપીણીમાં ધ્યાન રાખવાને બદલે લોકોને રૂપિયા ખર્ચી રૂપ ખરીદવું છે. જ્યાં સુધી કોઈ સ્ટાઈલ આઈકોનની કોપી કરી ઓરિજિનાલિટી ગુમાવીને લોકોને 'બીજા જેવા' સુંદર બનશે, 'પોતાના જેવા' નહિ ત્યાં સુધી આ માર્કેટ વધવાનું છે ભલે ગમે તેવા જોખમનો ગણગણાટ થાય !
ઝિંગ થિંગ
'કુદરત ને માણસ વચ્ચે ફરક એ છે કે સુંદર દેખાવા માટે પ્રકૃતિએ ઓપરેશન કરાવવા નથી પડતા !'
(સ્કોટ વેઇસ્ટફિલ્ડ)