Get The App

મજબૂત મૂવી મેકર મનોજકુમાર .

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
મજબૂત મૂવી મેકર મનોજકુમાર                                 . 1 - image


- સમય કી ધારા મેં ઉમર બહ જાની હૈ... જો ઘડી જી લેંગે વહી રહ જાની હૈ !

- અનાવૃત-જય વસાવડા

- મનોજકુમારની મજા એ હતી કે ભારતીયતાની સંવેદના એમની ફિલ્મોમાં ધબકતી પણ એ કામણગારા શૃંગારરસ વિનાની શુષ્ક ન્હોતી અને પોતાના ગૌરવના નામે બીજાઓને નફરત શીખવાડતી કટ્ટર ન્હોતી!

ભા રતમાં ફિલ્મલેખન માટેનો પહેલો નેશનલ એવોર્ડ મનોજકુમારને મળેલો, એ રેકોર્ડ બહુ ઓછા લોકોને ખબર હશે. એ ફિલ્મ હતી ભગતસિંહના અંતિમ દિવસોનું બયાન કરતી 'શહીદ.' એક પણ પુસ્તક ત્યારે ભગતસિંહનું ઉપલબ્ધ નહોતું. જાતે જ એ જવાન અભિનેતાએ રિસર્ચ કરેલો. એની વે, એ ફિલ્મ જોઈને વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ એમને પોતાના સૂત્ર 'જય જવાન, જય કિસાન' પરથી ફિલ્મ બનાવવાનું કહ્યું. ૧૯૬૪માં લખનૌ રેડિયો પર આનંદ ચતુર્વેદીનું એક નાટક આવેલું 'આવાઝ.' એમાં ગામ અને શહેરની થીમ હતી. મૂળ હરિકૃષ્ણ ગોસ્વામી પણ દિલીપકુમારની 'શબનમ' ફિલ્મમાં એમણે ભજવેલા પાત્રના નામ પરથી મનોજકુમાર નામ રાખનારા મનોજકુમારે સિમ્પલ બટ ઇફેક્ટીવ પોઈન્ટ ઉમેર્યો : લોકો કહે છે કે દાલરોટી કમાવા ખેતી મૂકીને શહેરમાં જવું છે, તો એ તો ખેડૂત ઉગાડે છે, સરહદ પર લડતા જવાનો પણ ગામડામાંથી વધુ આવે છે.

અને 'ઉપકાર' ફિલ્મનું કામ શરૂ થયું. લોકો સંતાનોનું નામ પ્રાણ ના રાખે, એ હદે વિલન તરીકે મશહૂર પ્રાણને પોઝિટિવ રોલમાં મલંગચાચા તરીકે પ્રસ્તુત કરી આખી એમની ઇમેજ મનોજકુમારે ફેરવી નાખી. પર્સનલી ફેવરિટ અને હિન્દી સિનેમાના ઉત્તમોત્તમ ગીતોમાંનું એક 'કસ્મે વાદે' મનોજકુમારે પ્રાણ પર શૂટ કર્યું. કિશોરકુમાર ગાવાના હતા ત્યાંથી મન્નાડે પસંદ કર્યા. પણ એમની ફિલ્મો સફળ હતી, ત્યારે એમાં મુખ્ય કારણ હતું સ્ટ્રોંગ ઇમોશનલ ડ્રામા ! અને કેવળ સ્ટોરી જ નહિ, સોંગ્સથી પણ બોલિવૂડના માંધાતા મૂવીમેકર્સ ડ્રામા પ્રસ્તુત કરી શકતા હતા, સ્ક્રીનપ્લે આગળ વધારી શકતા હતા. જેમાં મનોજકુમારની લેગસી તો ફિરોઝ ખાન, યશ ચોપરા અને સુભાષ ઘાઈની પહેલા શરૂ થયેલી. અત્યારે તો હિન્દી ફિલ્મોમાં સંગીતનું જ સત્યાનાશ વળી ગયું છે. ને હાથે કરીને પોતાની જે એક સ્પેશ્યાલિટી હતી, એ ઇન્ડસ્ટ્રીએ ગુમાવી દીધી છે.

તો, એ વખતે ફિલ્મોને સીરિઝો જોઈને નહિ, પણ જીવાતી જિંદગીમાંથી પ્લોટ શોધનારા લોકોમાં મનોજકુમાર અવ્વલ હતા. એમની લગભગ બધી ફિલ્મો એમણે લખી. પણ એકે કોઈ ફોરેન ફિલ્મ કે ઈવન કોઈ નોવેલમાંથી ઉઠાવેલી નહોતી ! એમની નકલ ઘણાએ કરી, એ અલગ વાત છે. સુભાષ ઘાઈએ આ લખવૈયાને વાતચીતમાં કહેલું કે મ્યુઝિક અને મેસેજ સાથે એન્ટરટેઈનમેન્ટ દેવાની એમની ડાયરેકશનની શૈલીમાં એ મનોજકુમારથી ખાસ્સા પ્રભાવિત હતા ને એમની 'ફોર્મ્યુલા' કહો કે શૈલીને એમણે ટેમ્પલેટ તરીકે લઈને પોતાની ફિલ્મો રચવાની શરૂઆત કરી હતી !

બેક ટુ ઉપકાર. એના સંગીતકાર કલ્યાણજી-આણંદજી આપણા કચ્છની બંધુબેલડી એ સમયે કોઈ શો માટે જ્યાં ગુજરાતીઓ પહેલેથી જ વસતા એ આફ્રિકા ગયેલી. ટાન્ઝાનિયામાં બાર્કલેઝ બેન્કમાં કામ કરતો એક જુવાન એમને મળેલો. એણે એ ઇન્ટરનેટ અગાઉના યુગમાં આ ગુજરાતી સંગીતકારોને મેઘદૂતના યક્ષની જેમ સંદેશવાહક તરીકે કામ સોંપ્યું. વાત એમ હતી કે એ યુવક બેન્કની નોકરી કરી થોડા પૈસા કમાવા આફ્રિકા એટલે આવેલો, કે એ એક છોકરીને પ્રેમ કરતો હતો. એને એણે ૨૫ પૈસાનો સિક્કો શુકનમાં આપીને વાયદો કરેલો કે એ કમાઈને આવશે, અને એની જોડે લગ્ન કરશે. આફ્રિકાથી સંપર્ક થતો નહોતો તો એણે આ બે ભાઈઓને કહ્યું કે મુંબઈ એ છોકરીને મળીને કહે કે એ જરૂર આવશે પૈસા ભેગા કરીને પરણવા, એ એની રાહ જુએ.

આ મેસેજ દેવા ગીતકાર ઇન્દીવર જોડે આણંદજીભાઈ ગયા તો ખબર પડી કે છોકરી તો બીજે લગ્ન કરવાની છે, એની કંકોત્રી પણ છપાઈ ગઈ છે ! હવે આ જવાબ કેવી રીતે સામે પહોંચાડવો ? વળતી સફરમાં એમાં આણંદજીભાઈ બોલી ગયા : કસ્મે વાદે, પ્યાર વફા સબ બાતેં હૈ. ને ઇન્દીવરે કહ્યું કે લાઈન આવે છે આના પરથી, ગાડી ગોળ ગોળ ફેરવ્યા કરો ઘર નજીક છે પણ ઉતરીશ તો મગજમાંથી નીકળી જશે ! અને સિચ્યુએશન મુજબ ડ્રામા ક્રિએટ કરવાના માસ્ટર મનોજકુમારે તરત જ એ ગીત પકડી લીધું, ને કહ્યું કે સીટમાંથી એક માણસ ઉભો નહિ થાય ! બાય ધ વે, પછી એ યુવકે પણ ભારત આવી ફિલ્મ બનાવી. 'ડોન'નો ચંદ્રા બારોટ ! મનોજકુમારને સ્ટોરી જ નહિ, શોટ ટેકિંગ અને એડેટિંગની પણ ચુસ્ત સમજ હતી. એમની ફિલ્મોની સૌથી મોટી ખાસિયત એ હતી કે એમાં વિલનને ખતમ કરવાના મિશન કરતા વધુ સેલ્ફ ઇન્ટ્રોસ્પેકશન યાને આંતરખોજ આવતી. 'પૂરબ ઔર પશ્ચિમ'માં એમણે ભારતની વાતો કરી છે પણ પશ્ચિમને ગાળો નથી ભાંડી. જે લોકો ગ્લેમર એન્ડ મનીના આકર્ષણમાં પોતાના મૂળિયાં ભૂલી પરદેશી થઈ જાય છે, એમના પર આંગળી ચીંધી છે. એટલે તો ભાગલામાં લાદેન પકડાયા પહેલા રહેતો એ ઓબોટાબાદમાં પેદા થઈ દિલ્હીના રેફ્યુજી કેમ્પમાં આવી ગયેલા, અને એમાં મોત, મારામારી, માંદગી બધું સહન કરતો પરિવાર જોવા છતાં, મનોજકુમારનો રાષ્ટ્રપ્રેમ કદી કટ્ટરવાદ ના બન્યો !

યસ, અક્ષયકુમાર પહેલાના આ અસલી ભારતકુમારની સાથે આખી એક પેઢી ફિલ્મી દુનિયામાં આવી, જેમણે તો ભાગલાની વાતો ફોરવર્ડ થતાં વોટ્સએપ મેસેજીસમાં નથી વાંચી. પણ એની દર્દનાક કરૂણતા જાતે જખમોમાંથી દૂઝતા લોહીથી વેઠી છે. છતાં એ લોકો કેવળ કોઈના મુસ્લિમ કે અન્ય ધર્મના હોવાને લીધે નફરત કરે એવા વિચારો સશક્ત માધ્યમ એમના હાથમાં હોવા છતાં ફેલાવ્યા નહિ !

ઇન્ટરેસ્ટિંગ છે નહિ ? જેમણે ભાગલાનું દર્દ નજર સામે વેઠયું એ રાજ કપૂર હોય કે દેવ આનંદ ને એમના ભાઈઓ, યશ ચોપરા-બી.આર. ચોપરા હોય કે મનોજકુમાર...અને એવી બીજા અનેક...એમણે કદી ગાંધીજીને ખોટેખોટા જવાબદાર ઠેરવીને ગાળો નથી આપી. એમણે પાકિસ્તાનના નામે મુસ્લિમો માટે ધિક્કારની ભાવના નથી ફેલાવી ! ઉલટું એમણે તો કોમી એકલાસ વાતો કરી. મુસ્લિમ સોશ્યલ નિકાહ બનાવનાર બી.આર. ચોપરાએ જ લાજવાબ મહાભારત ટીવી પર બનાવ્યું. મનોજકુમારે ભાઈચારાનો પૈગામ આપ્યો. મુસ્લિમ કલાકારો સાથે કામ કર્યું. એમણે ભારતીયતાનું પ્રચંડ ગૌરવ કર્યું કે લોકોએ એમનું નામ દેશ સાથે જોડયું. પણ એમણે એ સન્માનને જવાબદારી ગણીને એનો રાજકીય ઉપયોગ ના કર્યો.

રેફયુજી કેમ્પમાં રહેતા ત્યારે માને હોસ્પિટલમાં દાખલ કરેલી અને સાયરનો, દંગાફસાદનો શોરબકોર બધું સાંભળીને એવા અવાજો સામે એક છૂપો રોગ થયેલો જે 'શોર' ફિલ્મમાં મનોજકુમારે પડદા પર બતાવ્યો. હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ ટોપ ટેન સોંગની યાદીમાં મૂકી શકાય એવું 'ઈક પ્યાર કા નગ્મા હૈ...' જેવું આલાતરીન ગીત ધરાવતી 'શોર'માં જબરો મેલોડ્રામા હતો, પણ ટિપિકલ મનોજકુમાર સ્ટાઇલથી હટ કે આજની ઈરાનિયન ફિલ્મોમાં જોવા મળે એવી ડેપ્થ પણ હતી. એ ફિલ્મ ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીના વિરોધમાં મનોજકુમારે કુરબાન કરી દીધી ! અને ૨૦૨૧માં મનોજકુમારે શાસક ભાજપની પણ ટીકા કરી કે હું દરેકને પ્રેમ ને સન્માનથી મળું છું. પણ ભારતના રાષ્ટ્રવાદના નામે સતત ચાલતું હિન્દુ-મુસ્લિમ પોલિટિક્સ મને પસંદ નથી. હું આ દેશના કિસાન ને જવાન સામે ઝૂકી જાઉં, પણ રાજનેતાઓ સામે નહિ. મારી ફિલ્મો સરકારી પૈસે નથી બની. સરકાર તો એમાંથી ટેક્સના પૈસા લઈ જાય છે. મારી ફિલ્મો આ દેશના સામાન્ય માણસે ચલાવી છે. એ રેંકડીવાળો હોય કે રીક્ષાવાળો. એ મજૂરણ સ્ત્રી હોય કે શિક્ષિકા. હું એ જનતાનો કર્ઝદાર છું. મારી ભારતની વ્યાખ્યા સાંકડી નથી. એમાં આસ્થા જરૂર છે, પણ અતિધાર્મિકતા નથી.

આમ જ મનોજકુમારે ઈન્ટરવ્યૂમાં 'ક્રાંતિ' ફિલ્મની કહાની કહેલી. મૂળ તો 'નયા ભારત' નામની ફિલ્મ બનાવવાના હતા ગુલામીથી આઝાદી સુધીની સફર વર્ણવતી. પણ કટોકટી બાદ એમને વિચાર આવ્યો કે ભારતની જે આઝાદીની લડત થઈ, એમાં ત્યારના મોટા ભાગના રાજાઓનવાબો અંગ્રેજોના જુલ્મ સામે એટલું નથી લડયા, જેટલું સામાન્ય ભારતીય નાગરિક લડેલો ! એમણે મુલાકાતોમાં કહ્યું કે, ૧૯૫૭ બાદ મોટા ભાગના શાસકો તો અંગ્રેજો સાથે ગોઠવાયેલા રહ્યા. પણ ભગતસિંહ હોય કે મહાત્મા ગાંધી - માસ મૂવમેન્ટ તો જનતાએ ઉભી કરી ક્રાંતિની. ભારત ગામડાઓમાં છે, તે ગામડું ખેતી આધારિત છે તો અંગ્રેજોના સિતમ ને લૂંટ સામે એક કિસાન (ફિલ્મમાં દિલીપકુમારનું પાત્ર) કેવી રીતે લડે એ મુખ્ય મુદ્દો હતો. પણ મનોરંજક રીતે કેમ એ દેખાડવો એની એમને હથોટી હતી.

ક્રાંતિના પણ ગીતો જમાવટવાળા હતા આજ પણ ગણગણવા ગમે એવા. એનો વિચાર લઈ એ દિલીપકુમાર પાસે ગયા. મનોજકુમાર તો પહેલેથી દિલીપકુમારના જબરા ફેન. સાથે 'આદમી'માં કામ પણ કરેલું. દિલીપકુમાર વધતી ઉંમરને લીધે ત્યારે ફિલ્મો નહોતા કરતા. એમના ભાઈ હોસ્પિટલમાં હતા, તો એમણે મનોજકુમારને કહ્યું કે 'વાર્તા સાંભળતા તો ત્રણેક કલાક થાય ને મારે તો હોસ્પિટલ જવાનું છે.' મનોજકુમારે કહ્યું કે 'ત્રણ કલાકની તો ફિલ્મ હોય. નેરેશન એટલું લાંબુ એ કરે, જેની પાસે સ્ટોરીની સેન્સ ન હોય.' પછી એમણે દસ-પંદર મિનિટમાં વાર્તા કહી. દિલીપકુમારે થોડો વિચાર કરી આઈડિયા બાબતે કહ્યું 'જમીન અચ્છી હૈ.' મનોજકુમારે તરત કહ્યું 'આપ હલ લેકે જોત દેંગે તો ફસલ ભી અચ્છી રહેગી !' અને ક્રાંતિ ફિલ્મથી દિલીપકુમારનો ધમાકેદાર કમબેક થયો સેકંડ ઈનિંગ્સમાં જેમાં વિધાતા, મશાલ, દુનિયા, કર્મા, શક્તિ, ધરમ અધિકારી, ઈઝ્ઝતદાર જેવી ઘણી ફિલ્મો આવી.

મુદ્દાની વાત એ કે મિસ્ટર ભારત મનોજકુમાર માત્ર ભારતની વાહવાહી જ નહોતા કરતા. એ મૂળ વારસાનું, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોનું જરૂર ગૌરવ કરતા. પણ હૈ પ્રીત જહાં કી રીત સદા કે જબ ઝીરો દિયા મેરે ભારતને કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે. જેવું લલકારતા મનોજકુમારે સડી ગયેલી સીસ્ટમ ને તંત્ર સામે અવાજ પણ ઉઠાવેલો. એમણે સમાચાર વાંચ્યા કે દિલ્હીમાં એક વિદ્યાર્થીએ પોતાની ડિગ્રી એમ કહીને ફાડી કે આનાથી નોકરી નથી મળતી. અને એમણે ભ્રષ્ટાચાર સામે સવાલો કરતી 'રોટી, કપડા ઔર મકાન' બનાવી. ઝિન્નતની દો ટકિયા કી નૌકરી સોંગની ભીની કમર ભૂલાય નહિ એવા મસાલા વચ્ચે એમની વાત પ્રજા તરીકે ઈમાનદાર બનવાની હતી. એમને સીન ક્રિએટ કરતાં આવડતું. અમિતાભની પરખ કરી એનો પહેલો સ્ક્રીન ટેસ્ટ લેનારા મનોજકુમારનો એમાં સીન છે. કેવળ ઈમાનદારીના ભાષણને બદલે એમાં ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ બતાવી રૂપિયા માટે ઝમીર ગિરવે રાખતા ભાઈના હાથમાંથી રૂપિયા લઈ બાજુના તળાવમાં ઘા કરી કહે છે કે 'તુમ તો રૂપિયો કે લિયે શહીદ હો ગયે !' પંચ આમ આવે સ્ક્રિપ્ટમાં. પંડિતજી તરીકે ભારતના પ્રાચીન ગ્રંથો વાંચનારા મનોજકુમારે એટલે જ દોસ્તો સલીમ-જાવેદને સ્ટોરી-સ્ક્રીનપ્લેની ક્રેડિટ ક્રાંતિમાં આપી, પણ ભાગ્યે જ 'રિટન બાય સલીમજાવેદ'ની ફિલ્મમાં થાય એવું થયું - ડાયલોગ એમણે લખ્યા ! ને કહાનીનો ઘાટ પણ એમની રીતે ઘડયો.

પણ એ પક્કડ એમની ભાઈ રાજીવ ગોસ્વામી માટે ફિલ્મો બનાવવામાં ઢીલી થતી ગઈ. 'પેઈન્ટર બાબુ' અને 'દેશવાસી' ફિલ્મોમાં ય ગીતો તો મસ્ત જ હતા, પણ ફિલ્મો આઉટડેટેડ હતી. મૂળ 'કળિયુગ કિ રામાયણ' તરીકે બનાવવા ધારેલી મનોજકુમારની ફિલ્મનો વિશ્વ હિન્દુ પરિષદે જ વિરોધ કર્યો, અને આજીવન ભારત સમર્પિત મનોજકુમાર બહુ દુ:ખી થયા. મોટી ઉંમરે ગુજરી ગયાના ત્રણ વર્ષ પહેલાના ઈન્ટરવ્યુઝમાં પણ ભેંસ આગળ ભાગવતનો શું ફાયદો એવા બખાળા કાઢતા હતા. એ કહેતા કે મને રાગ દરબારી પસંદ છે પણ હું ઈન્સાન દરબારી નથી. જોકે, કલયુગ ઔર રામાયણ તરીકે રિલિઝ થયેલી એ ફિલ્મ જ કંગાળ અને હથોડાછાપ ઉપદેશાત્મક બનેલી.

પણ મનોજકુમારનો આઈડિયા એમાં એવો હતો કે આપણે પયગંબર કે ભગવાનના નામ પરથી સંતાનોના જે નામ રાખીએ, એમાં એવા સંસ્કાર આપીએ છીએ ? પણ 'કલર્ક'માં અશોકકુમાર વતનપ્રેમના ગીત સાંભળે એમાં હાર્ટએટેક જતો રહે 

એવા દ્રશ્યો સિરિયસ હોવા છતાં આજીદખાન જેવાના શોમાં દેખાડેલું એમ નવી પેઢીને ફની લાગ્યા. ઘણા અન્ય દિગ્દર્શકોની જેમ ઉંમર વધતા મનોજકુમારનો બદલાતા ઓડિયન્સ સાથેનો કનેક્ટ તૂટી ગયો. પોતે પણ પોતાના કેરિકેચર જેવા બનતા ગયા. દાડમ જેવી ત્વચાવાળો, ઉર્દૂ શાયરી ને સંસ્કૃત શ્લોક બોલતો, હોમિયોપથીનો એકટિંગ કરતા કરતા ડોક્ટર બનેલો જુવાન હેન્ડસમ ચહેરો રહ્યો નહિ. એક્ટર તરીકે પણ સાજન, વો કૌન થી, ગુમનામ જેવી સસ્પેન્સ ફિલ્મો કરી જમાનાથી આગળ રહેનાર ક્રિએટીવ સોલ પાછળ રહી ગયો. એમણે સમયસર એકિઝટ કરી ને દીકરાને એસ્ટાબ્લિશ કરવાના બહુ ધખારા ના કર્યા. કોઈ પૂછે તો કહેતા કે હવે ફિલ્મોમાં ડાયરેક્ટર કરતાં વધુ નિર્ણય તો કોસ્ચ્યુમ ડિઝાઈનરથી કોરિયોગ્રાફર લે છે ! એમને એ સંતોષ હતો કે મા-બાપ, ભાઈ-બહેન અને પોતા માટે કુલ ત્રણ લાખ કમાવા આવેલો, એનાથી ઘણુ વધારે મળ્યું. બચપણમાં ફિલ્મ જોવા ગયા ને બે-ત્રણ ફિલ્મોમાં પાત્રોને મરતા જોઈને એ ફરી કેમ જીવતા થાય એની નવાઈ લાગી એમને. બાળસુલભ અલબત્ત જવાબમાં માતાએ કહ્યું કે મરીને જીવન થાય એ તો ફરિશ્તા કહેવાય. અને મરીને જીવી શકાય એ માટે એમણે ફિલ્મોમાં આવી ફરિશ્તા થવાનું નક્કી કર્યું. માનો જવાબ સાવ ખોટો નહોતો. સુંદર શબ્દો ધરાવતા સુમધુર ગીતો અને એમના ફોર્મવાળા સુવર્ણકાળમાં બનાવેલી ફિલ્મો થકી મનોજકુમાર જીવતા જ રહેશે. દો પલ કે જીવન સે એક ઉમ્ર ચુરાની હૈ, પરછાંઇયા રહ જાતી... રહ જાતી નિશાની હૈ... જીંદગી કુછ ઔર નહિ તેરી (સર્જક) મેરી (ભાવક) કહાની હૈ ! સલામ, ભારત !

ઝિંગ થિંગ

જીવન જિયે તો ઐસા જીયે

જિસમેં કુછ આસ તો હો

ક્રિષ્ન કી થોડી લીલા હો

રામ કા કુછ વનવાસ તો હો !

(મનોજકુમાર)

Tags :