Get The App

રાકેશ બેદી અને 'કર્નલ' સેન્ડર્સ .

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
રાકેશ બેદી અને 'કર્નલ' સેન્ડર્સ                         . 1 - image

- કરિઅરને ઉંમર સાથે સંબંધ નથી, કામ લોકોને ગમે એવું એકધારું કરો, તો એક દિવસ નામ બની જશે!

- અનાવૃત-જય વસાવડા

- તમારી ખૂબીઓ ઓળખો એમ મર્યાદા પણ સમજો. જે બાબતમાં જોર થતું હોય એમાં થાય. જેમાં ટેલેન્ટ કે સ્કિલ ના હોય એમાં ઠેકડા મારવા જાવ તો 70 નહિ, 700 વર્ષ જીવીને પણ કંઈ નામ ના થાય. 

૧૬ વર્ષનો છોકરો હાર્લેન્ડ સેન્ડર્સ અમેરિકામાં ૧૯૦૬માં કાકાની ભલામણથી સ્ટ્રીટકાર કંપનીમાં કંડક્ટર તરીકે નોકરીએ રહ્યો. પછી લશ્કરમાં ભરતી થયો. ક્યુબામાં ઘોડાગાડી ચલાવી. સધર્ન રેલ્વે વર્કશોપમાં લુહારના મદદનીશ તરીકેની નોકરી કરી. બે મહિના પછી લોકોમોટિવ્સ એન્જિનોની સફર પૂરી થયા પછી રાખની ટ્રે સાફ કરવાની નોકરી મળી. સેન્ડર્સે પ્રગતિ કરી અને ફાયરમેન (સ્ટીમ એન્જિનમાં કોલસો નાખનાર) બન્યો. યુનિયનબાજી અને બિમારીને લીધે ૩ વર્ષ પછી કંપનીએ એને કાઢી મુક્યો.

પછી સેન્ડર્સને નોર્ફોક એન્ડ વેસ્ટર્ન રેલ્વેમાં મજૂરીનું કામ મળ્યું. લગ્ન પછી પત્રવ્યવહારથી કાયદાનુ ભણતર શરુ કર્યું. થોડા સમય પછી, સેન્ડર્સે લિટલ રોકમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી, જે તેમણે ત્રણ વર્ષ સુધી કરી. કોર્ટ રૂમમાં પોતાના જ અસીલ સાથે થયેલી પછી પ્રેક્ટિસ બંધ કરી.

સેન્ડર્સભાઈ ફરી ઘેર આવી પેન્સિલવેનિયા રેલરોડ પર મજૂર તરીકે કામે લાગ્યા. બાદમાં પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની માટે જીવન વીમો વેચવાની નોકરી મળી. જીદ્દી ને આકરો સ્વભાવ ફરી નડી ગયો ને એ નોકરીમાંથી પણ ગડગડિયું મળ્યું. પછી ન્યૂ જર્સીની મ્યુચ્યુઅલ બેનિફિટ લાઇફ કંપનીમાં સેલ્સની નોકરી કરી.

૩૦ વર્ષની વયે,નોકરીમાં ના ફાવેલા સેન્ડર્સે એક ફેરી બોટ કંપની શરુ કરી, માઇનોરિટી શેરહોલ્ડર બની ગયો. આ ફેરી રાતોરાત સફળ થઈ ગઈ. પણ સેન્ડર્સ ઠરીઠામ થઇ બેસે નહિ. પોતાની ફેરી બોટ કંપનીના શેર ત્યારના ૨૨,૦૦૦ ડૉલરમાં વટાવી દીધા અને આ પૈસાનો ઉપયોગ એસિટિલીન લેમ્પ બનાવતી કંપની સ્થાપવા માટે કર્યો. એ બિઝનેસ સુપર ફ્લોપ થઇ ગયો. ફરી મિશેલિન ટાયર કંપની માટે સેલ્સમેન તરીકે કામ કરવા કેન્ટુકીના વિન્ચેસ્ટર જવું પડયું. તો મિશેલિનનો લોકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ થતા ત્યારે તેમણે નોકરી ગઈ.૧૯૨૪માં સ્ટાન્ડર્ડ ઓઇલ ઓફ કેન્ટુકીના જનરલ નિકોલસવિલેમાં પેટ્રોલ પંપનું સર્વિસ સ્ટેશન ચલાવવા કહ્યું. એ સ્વતંત્ર કામ ફાવ્યું પણ અમેરિકામાં ગ્રેટ ડિપ્રેશનવાળી મહામંદી આવતા ૧૯૩૦માં આ સ્ટેશન બંધ થઈ ગયું.

ત્યારે શેલ ઓઇલ કંપનીએ સેન્ડર્સને વેચાણની અમુક ટકાવારી કંપનીને ચૂકવવાની શરતે, નોર્થ કોર્બિન, કેન્ટુકીમાં ભાડા વિના એક પેટ્રોલ પંપ સર્વિસ સ્ટેશન ચલાવવા માટે આપ્યું.સેન્ડર્સે ત્યાં ચિકનની ને અન્ય ભોજન પીરસવાનું શરૂ કર્યું. લોકોની જીભે એનો ચટાકો વળગ્યો. 

૧૯૩૯માં સેન્ડર્સે નોર્થ કેરોલિનાના એશવિલેમાં એક મોટેલ ખરીદી. ૧૯૪૦માં ૫૦ વર્ષની વયે સેન્ડર્સે પ્રેશર ફ્રાયરમાં ચિકન તળવા માટેની તેમની 'સિક્રેટ રેસિપી' શોધી. પણ ડિસેમ્બર ૧૯૪૧માં બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ઝુકાવતા પેટ્રોલીયમનું રેશનિંગ શરૂ થયું. પ્રવાસન પડી ભાંગતા, સેન્ડર્સની મોટેલ ઠપ્પ થઇ ગઈ. ફરી સિએટલમાં સુપરવાઈઝર તરીકે કામ કરવું પડયું. બાદમાં ટેનેસીમાં શસ્ત્રો બનાવતા એક સરકારી કારખાનામાં કાફેટેરિયા ચલાવવાનું કામ મળ્યું.

છેક ૧૯૫૨માં, ૬૨ વર્ષની વયે સેન્ડર્સે પોતાની રેસિપી વેંચવા કાઢીને એની પહેલી ફ્રેન્ચાઇઝી આપી, જે ધંધો કામિયાબ રહ્યો. વેચાણ વધતા બેઠી કમાણી આવી. એટલે એ રેસિપીને બ્રાન્ડેડ બનાવવા પોતાની જૂની રેસ્ટોરાં વેંચીને ઓફિસ લીધી. ત્યારે ૧૦૫ ડોલર આવતા બચત અને સોશ્યલ સિક્યુરીટીમાં સિનીયર સિટીઝનના વ્યાજ તરીકે. આવક વધારવા સેન્ડર્સે મુસાફરી શરુ કરી. ઘણીવાર પોતાની કારની પાછળની સીટ પર સૂઈ જતા, અલગ અલગરેસ્ટોરાંમાં જઈને પોતાનું સ્પેશ્યલ ચિકન રાંધીને ખવડાવવાની ઓફર કરતા. સ્ટાફને ગમે તો ત્યારે જ ફ્રેન્ચાઇઝી આપવા માટે નિગોસિએશન ચાલુ.

આ કામ એવું તો ચાલ્યું કે ધીરે ધીરે અમેરિકા તો શું, પરદેશમાં પણ આઉટલેટસ ધમધોકાર ચાલવા લાગ્યા. સેન્ડર્સનો ચહેરો જ કંપનીનો લોગો બની ગયો ! નિવૃત્ત થવાની ઉંમરે બિઝનેસે ભરચકક બિઝી કરી દીધા. ૧૯૬૪માં ૭૩ વર્ષે સેંકડો દેશોમાં પથરાયેલો કારોબાર સંભાળવા કોર્પોરેટ સેટ અપ જરૂરી હોઈને એ વેંચી નાખ્યો. પછી પણ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા ને મોટી ઉંમરે પણ પેલો ગુસ્સો ગયો નહિ. પોતાના નામવાળી પ્રોડક્ટ વેંચતી કોઈ પણ જગ્યાએ જાય ને ક્વોલિટી ખરાબ દેખાય તો માલિકી વેંચી નાખી હોવા છતાં ત્યાં જ તાડૂક્વા લાગે ભડકીને. એટલે ગ્રાહકોનો ભરોસો ઓર વધી ગયો ને એમને ગર્વનરે સ્નામાંનમાંઆપેલા કર્નલ કેન્ટુકીના હુલામણા નામે શરુ થયેલ નામ ને લોગોમાં એમનો ચહેરો આજે પણ એ અતિસફળ ધંધામાંથી  ફર્યો નથી જેની અનેક ફ્રેન્ચાઈઝી ભારતમાં પણ છે. 

નામ કેન્ટુકી ફ્રાઈડ ચિકન ઉર્ફે કેએફસી. પણ આમાં સમજવાનો પાઠ એ કે ઘણા કામ ફેરવ્યા બાદ રાંધવાનો ધંધો તો ચાલીસેક વર્ષે પકડી લીધો હતો પણ એમાં અસલી કમાણી ને કામિયાબી મળતા ઉંમર સિત્તેર સુધી પહોંચી ગયેલી ! એટલે ઉંમર વધતી હોય પણ જે તે લાઈનની સ્કિલ અને આવડત પકડાઈ ગઈ હોય તો હતાશ થયા વિના એમાં આગળ વધતા રહેવું કોને ખબર નસીબ આડેના પાંદડા હટાવતું વાવાઝોડું રિટાયર્ડ થવાની ઉંમરે આવે !

૭૧ વર્ષે અભિનેતા રાકેશ બેદીની કારકિર્દીમાં ધુરંધર આવ્યું એમ ! 

***

બોંગો. આ ૨૩ મીનીટની ફિલ્મ પાછળથી 'જાને ભી દો યારો' અને 'નુક્કડ'થી ફેમસ ગુજરાતી દિગ્દર્શક કુંદન શાહે બનાવેલી. સુરેશ ઓબેરોય અને સતીશ શાહ સાથે એમાં રાકેશ બેદી નામનો યુવાન પણ હતો જે આપણા ઘણા ઉમદા કલાકારો-સર્જકોની માફક ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ પૂનાથી આવેલો. કુંદન એન્ડ કંપની પણ ત્યાંની. જો કે આ ફિલ્મ કોઈને ખબર પણ નથી. પછી ત્યારે શોલે મેગા બ્લોકબસ્ટર હોવાને લીધે એના પ્રોડયુસર જી.પી. સિપ્પીને મળીને 'અહેસાસ' ફિલ્મમાં નાનકડો રોલ મેળવ્યો. પણ રિલીઝ થઇ સંજીવકુમારવાળી 'હમારે તુમ્હારે' ૧૯૭૯માં પહેલી ફૂલ લેન્થ ફિલ્મ તરીકે. જેના સેટ પર એ યુવાનના કામથી પ્રભાવિત આપણા ગુજરાતી હરિભાઈ યાને સંજીવકુમારે એમને લોનાવાલાથી મુંબઈ સુધી ખાસ એમને માટે રાહ જોઇને એમની મર્સીડીઝમાં લિફ્ટ આપી હતી! પછી તો સાઈ પરાંજપેની લાજવાબ ફિલ્મ'ચશ્મે બદદુર'માં લોકો ઓળખતા થઇ ગયા અને ટીઆરપીના જમાના પહેલાની સિરિયલ 'યે જો હૈ જિંદગી'માં તો જલસો કરાવી દીધો ને રાકેશ બેદી જાણીતું નામ થઇ ગયા. 

એન્જીનિયર પિતાના એ પુત્રે પરીક્ષાની તૈયારીને બદલે મોનો એક્ટિંગ કોમ્પીટીશનની તૈયારી કરી હતી પણ એની એ એક્ટિંગ જોઇને ખુશ થઇ ગયેલા કેમિસ્ટ્રી ટીચરે પ્રેક્ટિકલના માર્ક આપી એમને પાસ કરી દીધેલા. પણ રાકેશકુમારને સમજાઈ ગયું કે આપણું કોલિંગ સાયન્સ નથી, અભિનય છે. ફિલ્મો, સિરીયલો, નાટકો બધું જ કર્યું એમણે. હજુ પણ કરી રહ્યા છે. કહેતા રહે છે કે 'બીજા માધ્યમોમાં કામ ઓછુંવત્તું થાય પણ મેં થિયેટર છોડયું નથી. રંગમંચ યાને નાટકો તમને ધાર પર રાખે અને એટલે કાયમ મનથી યુવાન રાખે. એ છરીની ધાર જેવું છે. તમે કામ ના કરો તો કાટ લાગી જાય. પણ કામ કરો તો ચળકાટ ઝાંખો ના થાય!'

જી હા, રાકેશ બેદીને લીડ રોલમાં લઈને વેબ સિરીઝ જાન જી લોન્ચ થઇ, ફેન્ટાએ એમને જાહેરાત આપી દીધી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ! અથાણાથી લઈને ફેસ્ટીવલ સુધીના પ્રમોશન કોન્ટ્રાક્ટ મળવા લાગ્યા. એમના જૂના ઈન્ટરવ્યુ કે ફોટા ખોદકામ કરીને લોકો નેટ પર ફેરવવા લાગ્યા. એમની જોડે એમનું નાટક જોઈ સેલ્ફી પડાવવા ભીડ વધતી ગઈ ને 'બચ્ચા હૈ તુ યાર મેરા' વાળો ડાયલોગ તો ફરમાઈશ જ નહિ, નેશનલ ક્રેઝ બની ગયો ! કેટલા હોર્ડિંગ બની ગયા સ્લોગનની જેમ એના પર. ડિલીવર જ એક કુશળ અભિનેતા તરીકે એમણે એવી રીતે કરેલો કે એમાં કોમેડી આવે પણ છતાં મૂળ પાત્ર એક ખંધા ખેલાડી રાજકારણીનું છે એની કુટિલતા પણ આવે! આ બહુ જટિલ મિશ્રણ છે ને જેવા તેવા અભિનેતાથી થાય પણ નહિ. જરાક આમતેમ થાય તો આખા પાત્રાલેખનની પાળ પીટાઈ જાય. 

પણ રાકેશ બેદીને આવો અઘરો ને મોટો રોલ એક કોમેડિયનની ઈમેજ છતાં કેવી રીતે મળ્યો ? એના જવાબમાં પણ એક મોટીવેશનલ સિક્રેટ છુપાયેલું છે. આદિત્ય ધરની ઉરી વાળી ફિલ્મમાં એક સીન માટે એક કેરેક્ટર બતાવવાનું હતું એમાં એમને ઓફર થી. માત્ર એક સીન માટે શૂટિંગ કરવા છેક સર્બિયા જવાનું હતું. મુસાફરીમાં સમય બગડે, થાક લાગે ને સામે કોઈ એવો નોંધપાત્ર રોલ નહિ. પણ રાકેશ બેદીએ કોઈ મોટા રોલની અપેક્ષા વિના પણ એ કામ સ્વીકાર્યું. એમાં લાઉડ કોમેડી નહોતી કરવાની. દિલથી શોટ આપ્યો. પછી તરત દિગ્દર્શક આદિત્ય ધરે આવીને કહ્યું કે 'સર, બહુ સરસ અભિનય કર્યો આપે. આમાં તો વધુમાં નથી હવે. પણ હું યાદ રાખીશ ને તમને કોઈને કોઈ રીતે આનું વળતર જરૂર આપીશ!' અને ધુરંધરનો તગડો રોલ એવો આવ્યો કે ખુદ નાયક રણવીરસિંહે ેટ્રેલર લોન્ચમાં કહ્યું કે રાકેશ બેદી તો એક્ટિંગની આખી ઇન્સ્ટીટયુટ છે, એમની જોડે સ્ક્રીન સ્પેસ શેર કરવામાં હું ગૌરવ અનુભવું છું !

આ વાત કહેતી વખતે રાકેશ બેદી કહે છે કે સીનીયોરિટીને આગળ કરીને મેં હવા રાખી હોત એક સીનના રોલ કરવા બાબતે અને ના પાડી હોત તો આવી જોરદાર ભૂમિકા મને મળી ના હોત. જી હા, લાઈફમાં ઘણી વાર તમને નાની તક મળે એમાં પણ તમારી બેસ્ટ આપો તો અચાનક મોટા ચાન્સના દરવાજા ખુલી જાય ! લોકો ઘણી વખત નાના કામને મોટું નથી ગણતા. એમાં વેઠ ઉતારે. કશુંક મોટું હોય ત્યાં જ બેસ્ટ આપવું એવું વિચારે. પણ એક એક પગથિયા ચડી ચડીને જ શિખર સુધી પહોંચાય છે એમ ના વિચારે ! સીધા હેલિકોપ્ટરમાં લેન્ડ થવાના સપના જુઓ તો પણ એમાં ઓક્સિજન લેવલ જળવાશે નહી ને માર્ગના અવનવા દ્રશ્યો દેખાશે નહિ ને એ યાત્રા લાંબી ટકશે પણ નહિ ! 

ખંત યાને પર્સીસ્ટન્સ એક અદ્ભુત શબ્દ છે. એવો જ બીજો મેજિક વર્ડ છે  : કન્ઝીસ્ટન્સી યાને સાતત્ય. બેઉ જોડે જોડે ચાલે છે. ભલે તરત કદર ના થાય કે વળતર ના મળે. આપણે આપણું શ્રેષ્ઠ જ રોજેરોજ આપવાના પ્રયાસ કરવાના. કિસ્મત છપ્પર ફાળે ત્યારે પણ એ ઝીલવા આપણે નીચે હોવા તો જોઈએ ને. એમ માનીને ઉત્તમ કામ કર્યા કરવાનું. આજના જમાનામાં ક્યારે શું વાઈરલ થાય એનો કોઈ ભરોસો નથી. પણ એ માત્ર પીઆરથી નથી થતું. એકધારી મહેનત જોઈએ એની પાછળ. સતત સારું કામ કાર્ય કરવું પડે, અને એ માટે કોઈ ના જુએ તો પણ સારું કામ કરતા રહેવાની ધગશ જોઈએ. કશોક ફાયર જોઈએ અંદર ઉંમરને પણ ઓવરટેક કરતો ! ગિફ્ટેડ લોકો પણ હોય છે, આદિ શંકરાચાર્યથી લઈને વૈભવ સૂર્યવંશી સુધીના, સાવ નાની ઉંમરે તેજ ઝગમગે એમનું એવા. મિડીયોકર લોકો પણ હોય આખી જિંદગી બીજાના ઓછાયામાં જ પસાર કરનારા. અને એવા પણ સિતારા હોય જે સંધ્યાટાણે વધુ રંગો ફેલાવે !

રાકેશ બેદી તો વિજય તેન્દુલકરના ચેલેન્જીંગ કહી શકાય એવા નાટકો આજે પણ કરે છે. મિર્ઝા ગાલિબ એમના પ્રિય શાયર. એમના શેર જ્યારે જ્યારે ડાઉન ફિલ થાય ત્યારે પ્રોત્સાહન આપે એવું કહીને એક શેર રેખ્તાના ઈન્ટરવ્યુમાં યાદ કરીને કહે છે કે 'તમે મારું બધું જ ચોરી શકશો, પણ હસરત એ તામીર યાને આગળ વધવાની જે મારી ખ્વાહિશ છે, ખ્વાબ છે એ મનોબળને મારી પાસેથી લૂંટી નહિ શકો ! આજે પણ એમને કમલ હાસનવાળી 'એક દૂજે કે લિયે' માટે ચક્રવર્તીનું પાત્ર ભજવેલું એ જીવનનું શ્રેષ્ઠ કામ લાગે છે. આજે પણ રાજ કપૂરની ઘેર ગયા ને ફિલ્મો બાબતે એમણે જે જ્ઞાન આપ્યું એની વિદ્યાર્થીની જેમ નોટ્સ બનાવી એ એમની પાસે છે. એમ જ નથી કોઈ સ્પેશ્યલ તાળીઓ ને તારીફ મેળવી જતું. ગુણીરામ હોય કે ફિલ્મી ચક્કર, તારક મહેતા હોય કે શ્રીમાન શ્રીમતી, ભાભીજી ઘર પે હોય કે યસ બોસ સિરીયલોમાં પણ એકધારું એકસરખી ગુણવત્તાનું કામ. ગદર એક પ્રેમ કથા હોય કે દિલ હૈ કિ માનતા નહિ, ટિપિકલથી જુદા રોલ કર્યા. પણ રાકેશ બેદી બીજું પણ એક સત્ય સમજી ગયેલા. જે વારંવાર કહેતા રહ્યા છે કે મારા લૂક્સને લીધે મને કોઈ હીરો ના બનાવે એ હું આવ્યો ત્યારથી ૫૦ વર્ષથી સમજતો હતો. 

પોઈન્ટ. તમે તમારી ખૂબીઓ ઓળખો એમ મર્યાદા પણ સમજો જો લાંબી રેસના ઘોડા થવું હોય તો. જે બાબતમાં જોર થતું હોય એમાં થાય. જેમાં ટેલેન્ટ કે સ્કિલ ના હોય એમાં ઠેકડા મારવા જાવ તો ૭૦ નહિ, ૭૦૦ વર્ષ જીવીને પણ કંઈ નામ ના થાય. આ સમજણ વિના મહેનત કર્યા કરવાથી દરવાજા ખુલે નહિ પણ બંધ થઇ જાય. કેએફસીના કેન્ટુકી કર્નલ સેન્ડર્સ પણ આયખાના સાતમા દાયકે સફળ એટલે થયા કે કેટલીય પછડાટ ખાધા પછી એમને ખબર પડી કે પોતાની આવડત કેમાં છે. અને એમાં સતત એ પબ્લિક વચ્ચે રહીને ચકાસતા રહ્યા ફીડબેક. ગાંધીજી પણ દાંડીકૂચ વખતે ૬૧ વર્ષે 

ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની ગયા. પણ એ કોઈ એમની પહેલી લડત નહોતી. અગાઉ જનજાગૃતિને આઝાદીના ક્ષેત્રે ભારતમાં તો ઠીક સાઉથ આફ્રિકામાં પણ સત્યાગ્રહના અનુભવો લઇ પાક્કી ધાર કાઢેલી. તમારી લાઈફટાઈમ લાઈમલાઈટ મોમેન્ટ એમ જ નથી આવતી. ધીરે ધીરે ટીપે ટીપે એનું સરોવર ભરાય છે. એનર્જી ભેગી થાય તો બ્લાસ્ટ થાય ત્યારે લાઈટ મોટી થાય ! 

ધુરંધરના જમીલ જમાલી માટે પણ રાકેશ બેદીએ પાકિસ્તાની લીદ્રોના બોલવાના લહેકાનો સ્ટડી કરેલો. કાર્ટૂન કેરેક્ટર ના થાય પણ એની વગ પણ દેખાય એમ કટાક્ષ કે કાતિલ રૂથલેસનેસ બતાવી આસપાસ જે થાય એના બાબતે, સિનેમાના પડદે ધુરંધર ધડબડાટી મચાવી દે એ લાગે. પણ રિયલ લાઈફના ધુરંધર રાકેશ બેદી જેવા હોય છે, જે સમજે છે કે બચવા માટે પાવર કરતા મહત્વનો છે તમે જે કરો એના પર તમારો કન્ટ્રોલ. લાંબી રમત રમવાની ધીરજ. ફાઈટીંગ કરવાથી જીત મળતી હશે, પણ સમય પારખીને અક્કલથી કામ લેનાર જીત ભોગવી શકે છે. એ માટે કડવાશ વિના કામ કરતા રહેવું પડે, ફરિયાદ વિના દર્દ સહન કરવું પડે.

પણ હિંમત ના હારવી. કોઈ વાર ૫૦ વર્ષ એક ફિલ્ડમાં કાઢયા બાદ પણ તપસ્યાનું ફળ મળતું હોય છે. સફળ થવું હોય તો સ્મરણ રહે : તપસ્વી ગીતાસારની જેમ સતત ફળ સામે નથી જોતો, કાયમ કર્મ કર્યા કરે છે ને પોતાને અપગ્રેડ કરતો રહે છે !માણસ વૃદ્ધ થઇ શકે, સપનાઓ ઘરડા નથી થતા !

ઝિંગ થિંગ 

'જો તમારી ઉંમર વધતી નથી, તો તમે મરી ગયા હશો !'

- ( લિઝા રે)