- અનાવૃત-જય વસાવડા
- લડવાની ત્રેવડ હોય એટલે કંઈ નાની નાની વાતોમાં ઝગડી ન પડાય કે ઉછીના કજીયા ના લેવાય.
- આંખો ખુલ્લી હોય ને ઈન્ટરનેટ મફત હોય એટલે સ્ક્રીનમાં ઠલવાય એ બધું જોવાનું ફરજીયાત નથી!
''ઈન પર્સ્યુટ ઓફ ગ્રેટ વી ફેઈલ્ડ ટ્રુ ડુ ગુડ !''
આ તો એક ફિલ્મમાં ડાયલોગરૂપે સાંભળેલું. ફિલ્મ તો ભૂલાઈ ગઈ, પણ ક્વોટ યાદ રહી ગયું. જીવનનો મર્મ સમજવા માટે લાંબા લાંબા બોરિંગ હથોડાછાપ ઉપદેશોની જરૂર નથી. આવા નાનકડા પણ ચોંટદાર બોધિવાક્યો બ્રેઇન સર્કિટ બદલાવવા પૂરતા છે. મોટી દીવાલ સાથે અથડાઈને જે ખતમ ન થાય, એ નાનકડી બુલેટ મર્મસ્થાનમાં લાગે તો ઉડી જાય ! વિચારોનું પણ એવું જ છે. કોઈ સરોવરની પાળે ટળતી સાંજે શોરબકોરથી દૂર કેવળ ટહુકાઓ, પવન અને પાણીના ધ્વનિની કંપનીમાં હૂંફાળા હાથે કોઈ વ્હાલસોયી વ્યક્તિ ગાલ પંપાળીને કશુંક કહે ને કોળિયો લસરક ગળે ઉતરે, એવી રીતે વાતો કહેવાય તો અસર કરે. ધોધમાર વરસાદ તબાહી લઈ આવે, પણ ધીમી ધારનો વરસાદ કશુંક ખીલવે, ઉગાડે ને જીવન આબાદ કરે.
તો આ વાક્ય એવું ચળકતું વિચારબિંદુ છે. કાયમ આપણે મોટા મોટા (ને ઘણી વાર ખોટા ખોટા અસંભવ) સપના જોઈએ છીએ. એમાં ક્યારેક એટલો સમય કે ઉર્જા બરબાદ થાય, કે જે ખરેખર કરી શકતા હોઈએ એ પણ ન થાય. અલ્ટીમેટ એવા દેખાવ-સ્વભાવ, સન્મતિ-સંપત્તિ, હાઇટ-હેલ્થ, ફેસ-ફ્રેમ, બધાં જ ચેકબોક્સ ટિક થાય એવા લાઈફ પાર્ટનરની તલાશ કરો તો જે આપણી જેમ જ થોડીક કમીઓ ધરાવતા સારા ઓપ્શન્સ હોય એ ચૂકાઈ જાય ! પછી શાહબુદ્દીન રાઠોડના જોકની માફક અક્ષરજ્ઞાન આપવાની તૈયારી સુધી સમાધાન કરવું પડે ! વિશાળ મહેલ બનાવવાની લાહ્યમાં ડિસન્ટ ફલેટ ખરીદવાની સસ્તાઈ પણ સરકી જાય એવું. બધું ઉત્તમ જ થાય એ સારી વાત છે, પણ શ્રેષ્ઠતાની ઉંચાઈની જીદમાં સારું થઈ શકે એ ચૂકાઈ જાય એ ખોટી વાત છે. શિખર પર પહોંચવાની ઉતાવળમાં તળેટીના મનોરમ્ય દ્રશ્યો ચૂકી ન જવાય એનું ધ્યાન રાખવું !
બસ, આવા જ મોટા થતા બાળકોને પણ ડિપ્રેશન અને એગ્રેશનથી દૂર એવા સમતોલ મનુષ્યને બનાવે, એવી બ્યુટીફૂલ, પોએટિક છતાં એકદમ ઈઝી વાક્યોથી બનેલી સાઇઝમાં મોટી, કન્ટેન્ટમાં નાની છતાં વજનદાર કિતાબ 'જસ્ટ બિકોઝ'ની વાત ગયા રવિવારે નવા વરસના 'લાઈફલોંગ એજ્યુકેશન' તરીકે ગયા રવિવારે પૂર્તિમાં છેડેલી. 'સ્પેક્ટ્રોમીટર'નો એ લેખ વાંચી આમ સ્વતંત્ર છતાં એના અનુસંધાન જેવો આ લેખ વાંચો, જેમાં 'જસ્ટ બિકોઝ' બૂકના કેટલાક વાક્યોથી મનમાં ઉઠેલી વિચારભરતીના મોજાં સમાવ્યા છે !
***
''જસ્ટ બિકોઝ ધે લેટ યુ ડાઉન, ડઝન્ટ મીન યુ ગોટ્ટા ગેટ લો, જસ્ટ બિકોઝ ધે આર કલમ્ઝી, ડઝન્ટ મીન ધે હેવ નો ફલો !''
કવિ યાને અહીં અભિનેતા લેખક મેથ્યુ મેકોનહે એવું કહેવા માંગે છે કે બીજાઓ આપણને નબળાનકામા ગણે કે ખોટા, આવડત વિનાના, નિષ્ફળ કે ગમાર માને એટલા માત્રથી એવા આપણે થઈ નથી જતા. એ એમનો અભિપ્રાય છે, વાસ્તવ નહિ. મોટે ભાગે આવા બીજાઓને વગર કારણે ઉતારી પાડવામાં 'કિક' અનુભવતા જજ-મેન્ટલ જડસુઓ એવા ખુદ પોતે જ હોય છે. ક્યારેક ફ્રેમમાં ફિટ ન થાય, એવા લોકોને ના-લાયક કે ખરાબ માની લેવામાં આવે છે. પણ કોઈ જરા ભેજાંગેપ કે ઘેલા લાગે, ધૂની તરંગી કે ખુદમાં ખોવાયેલા લાગે, ચાલુ ચીલાથી ઉફરાં (અલગ) ચાલે કે વિચિત્ર નિર્ણયો લઈ જીવે, બહુ સોશ્યલાઇઝિંગ ના કરે કે વિચિત્ર વસ્ત્રો પહેરે સમજી ન શકાય એવી વાતો-વર્તન કરે એવા લોકો પણ પોતાની રીતે હોંશિયાર જ હોય છે. જસ્ટ, એ બહુ સોફિસ્ટિકેટેડ નથી હોતા. બનાવટી નમ્રતા નથી બતાવી શકતા વારંવાર કે બહુ બધી દલીલો નથી કરતા. પણ એવા લોકોનું કામ ઉત્તમ હોઈ શકે છે. એ બહારથી અસ્તવ્યસ્ત લાગે, પણ અંદરથી નિજમસ્ત હોઈ શકે !
''જસ્ટ બિકોઝ યુ કેન પુલ ઈટ ઓફ, ડઝન્ટ મીન ધેટ યુ શુડ ડુ ઈટ. જસ્ટ બિકોઝ યુ ફેઈલ્ડ, ડઝન્ટ મીન ધેટ યુ બ્લ્યુ ઈટ !''
આ સુવર્ણસુક્તિનો ઉત્તરાર્ધ યાને લેટર ડીફ પાર્ટ સમજ્યો તો સહેલો છે. તમે કોઈ બાબતમાં બે-ત્રણ પ્રયાસોમાં અસફળ થાવ, તો કાયમ ફેઇલ જ જાવ એવું ન હોય. ક્યારેક નાના મેચોમાં નિષ્ફળ ખેલાડી ટુર્નામેન્ટની મોટી મેચોમાં હીર બતાવે છે. અમુક સ્થાનિક ચૂંટણીઓમાં ગાફેલ નેતા અગત્યની ચૂંટણી જીતી શકે છે. કોઈ પ્રોજેક્ટમાં અમુક સેટબેક્સ આવે, એટલે આખો પ્રોજેક્ટ ખતમ થઈ જાય, એવું નથી હોતું. કલાસમાં અમુક વસ્તુ ના આવડે તો પરીક્ષામાં સરખા માર્ક ના આવે, એવું નથી થતું. કીપ ઓન ગોઈંગ ઈફ યુ નો ઈટ.
પણ પહેલા ભાગની વાત તો આફરીન આફરીન છે. આ ગલતી ઘણા લોકો કરે છે ને એમને એનો અહેસાસ પણ નથી હોતો ! તમે કોઈ બાબત કરી શકતા હો, તમને એ આવડે એનો મતલબ એ નથી કે એ કરવી જ. સામે ચાલીને એમાં ધસી જવું. દરેક વખતે બધી વાતના જવાબ ખબર હોય તો પણ દેવાના ન હોય. અમુક બાબતો બીજા કરતા હોય તો ચૂપચાપ એમને કરવા દેવી. તમને ડ્રાઇવિંગ આવડતું હોવાનો મતલબ એ નથી કે પૈસા ચૂકવીને ટેક્સી કરો, અને ડ્રાઇવિંગ પણ તમે જાતે જ કરો ! લડવાની ત્રેવડ હોય એટલે કંઈ નાની નાની વાતોમાં ઝગડી ન પડાય કે ઉછીના કજીયા ના લેવાય. કોર્પોરેટ વર્લ્ડમાં તો અમુક આવડત છુપાવવાની હોય, નહિ તો બીજાનું પ્રોફેશનલ કામ પણ તમારી માથે આવે ! લખતા તમને આવડે તો કંઈ કોઈનો ય નિબંધ કે કંકોત્રીઓ લખવામાં વખત વેડફાય નહિ ! લર્ન ટુ પિક અપ. ચૂઝ. સિલેક્ટ કરો શું કરવું છે એ, ને શું નથી કરવું એ. પછી સમય બચશે ! આંખો ખુલ્લી હોય ને ઈન્ટરનેટ મફત હોય એટલે સ્ક્રીનમાં ઠલવાય એ બધું જોવાનું ફરજીયાત નથી !
''જસ્ટ બિકોઝ ધે સે ઈટંસ સો, ડઝન્ટ મીન ઈટ હેપન્ડ ટુ મી !''
એવું તો ઘણીવાર થયું હશે કે કોઈ વ્યક્તિ કે સંસ્થા બાબતે ગોસિપ કરનારા લોકો ચેતવે કે 'જોજો એમાં પૈસા નહિ મળે, એ તમને નહિ ફાવે!' દરેક માણસની પોતાની લિમીટેશન હોય. એને જે અનુભવ થાય એ જ તમને થાય એવું જરૂરી નથી. એ સમયની સ્થિતિ અલગ હોય કે મુડ જુદો હોય. એકદમ ઓથેન્ટિક સલાહ સિવાય મજબૂત સબૂત વિના સાંભળેલી વાતો પર બહુ ભરોસો કરવો નહિ. ઘણું તો ધારી લીધેલું જૂઠ લોકો સત્યના સ્વાંગમાં ફેલાવતા હોય છે. કોઈ સુંદર અલ્લડ છોકરી જોઈને આપોઆપ એના ચરિત્ર વિશેની મનઘડંત કહાનીઓ માની લે છે. કોઈ સફળ માણસને નીચું દેખાડવા સ્ક્રીઝોફ્રેનિક દર્દીની માફક આધારહીન વાર્તાઓ ફેલાવવા લાગે છે. પોલિટિકલ પાર્ટીઓના આઈટી સેલના ગોરખધંધા જ મોટું રહસ્ય શોધી કાઢ્યું હોય. એવા સ્વાંગમાં જાગૃતિ ને સચ્ચાઈના નામે ખોટી પટ્ટી પઢાવવાનું હોય છે. ક્યારેક માણસ પોતાને ખબર ન હોય, એમાં બીવીને ભેખડે ભરાવી દે. ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને કે પછી સાચું ઇન્વેસ્ટમેન્ટ થંભાવીને ! તો દિખાવો પે મત જાવ, અપની અક્કલ લગાવ!
'જસ્ટ બિકોઝ વી ડિસએગ્રી, ડઝન્ટ મીન ધેટ યુ આર રાઈટ, જસ્ટ બિકોઝ ઇટ્સ ડાર્ક ડઝન્ટ મીન ઇટ્સ નાઈટ !'
પરફેક્ટ ! ક્યારેક લોકો અસહમતીના નામે પોતાનો ખોટો આપણી પાસે ઘૂંટાવવા આવી ચડે છે. અલગ અભિપ્રાયનો અર્થ એવો નથી કે કાયમ એ સાચો જ હોય. ક્યારેક કજીયાનું મોં કાળું કરવાના ઇગ્નોરવાદી વલણથી કે ક્યારેક ક્યાં નકામી લમણાંઝીક કરવી એવા ભાવથી સાચા હોવા છતાં સારા માણસો ડિસએગ્રી હોવાનો દેખાવ સૌજન્ય ખાતર કરે છે, એમાં તો ઘણી વાર અધૂરપ ધરાવતી સામી વ્યક્તિ પોતાને સાચી ને અસહમતીના નામે વિવેક દર્શાવતી વ્યક્તિને ખોટી સાબિત કરવા મથે છે ! દરેક વખતે અંધારું થાય એટલે રાત જ હોય એવું જરૂરી નથી. ટ્રેન ટનલમાંથી પસાર થાય તો પણ અંધારું લાગે ને ગ્રહણ કે વરસાદમાં પણ ધોળે દહાડે અંધારું થાય. જે ટેમ્પરરી હોય. બધી ડાર્કનેસથી ડરવાનું ન હોય !
'જસ્ટ બિકોઝ એ હેન્ડ ઈન ક્લીન્સ્ડ, ડઝન્ટ મીન ધેટ ઇટ્સ ફિસ્ટ!'
સાદો અનુવાદ એ કે મુઠ્ઠી ભીડાયેલી હોય, એનો અર્થ એવો નથી કે મુક્કો જ મારવા કોઈ આવતું હોય ! ક્યારેક બંધ મુઠ્ઠીમાંથી કોઈ છુપાવેલી સરસ મજાની ગિફ્ટ પણ નીકળી આવે ! દરેક વખતે જે દેખાય કે સંભળાય એ જ સત્ય હોય એ જરૂરી નથી. ક્યારેક શંકા ખોટો અવિશ્વાસ પેદા કરે.
ક્યારેક આપણું હિત ઇચ્છનારી કે કરનારી વ્યક્તિ ઝટ પરખાતી ઓળખાતી નથી. પણ આપણે કારણ વિના એનાથી ચડામણી કે આશંકાના આધારે અંતર કેળવી લઈએ છીએ. રોંગ પ્રેક્ટિસ. બધી વાતમાં ગૂઢ કાવતરાં જ જુઓ. બંધ મુઠ્ઠીઓ પાછળની ખુલ્લી હથેળીઓ જુઓ.
'જસ્ટ બિકોઝ યુ ફોલો ધેટ ડઝન્ટ મીન યુ આર નોટ એ લીડર, જસ્ટ બિકોઝ આઈ કીપ વિનિંગ, ડઝન્ટ મીન ધેટ આઈ એમ ચીટર !'
જેબ્બાત. પોઈન્ટ ઈઝ કોઈના સદ્ગુણ કે સદાચારથી તમે એને આદર આપો, કોઈની કોઈ બાબતને આદર્શ માનીને અનુસરો, ક્યાંકથી પ્રેરિત થઈ કોઈના ચાહક બનો એટલે તમે અનુયાયી ઘેંટા નથી બની જતા. એ બધા સાથે તમારા આગવા વિચાર, પોતીકું વ્યક્તિત્વ અને તમારા ફિલ્ડ પૂરતું નેતૃત્વ હોઈ શકે છે. નમ્રતા ને સૌજન્યથી ઝૂકતી વ્યક્તિઓ એમના ભદ્રકાના સંસ્કાર બતાવે છે. પણ એમનામાં ટટ્ટાર ખુમારીની ખુદ્દારી પણ સાથોસાથ હોઈ શકે છે, જ્યાં એ ખુદમુખત્યાર બની કોઈને ગાંઠતા નથી !
અને વારંવાર એવું જોયું છે કે કોઈ જેન્યુઈનલી ટેલેન્ટેડ હોવાને કારણે એની જાતમહેનતે સફળ હોય, તો પણ એને ફિક્સર માની લે છે. કીર્તિ કેરાં કોટડાં જાતે રચનાર અને ધીરે ધીરે પોતાની પ્રતિભાને લીધે લોકપ્રિયતાની ટોચે પહોંચનારને તો બધા સાયકોઝ કંઈક ભળતા જ કારણે આગળ વધ્યા એમ માને છે. આમાં એમનો ઇગો સંતોષાય છે કે આ એ કોઠાકબાડા કરી આગળ વધ્યા, બાકી અમે પણ એ કરી શકત. બધા પુરસ્કૃત વિજેતાઓ મેનિપ્યુલેટિવ હોય છે, એવું નથી. બધા ઉચ્ચ કક્ષાએ ઓળખાણ ધરાવતા એ વટાવી ખાતા હોય એવું પણ નથી. દરેક મેચ ફિક્સ હોય એવું એ જ કહેતા હોય, જે ખુદ જુગાર રમતા હોય છે, ગ્રાઉન્ડ પર જઈને રમત નહિ !
'જસ્ટ બિકોઝ આઈ હેડ રીધર નોટ, ડઝન્ટ મીન આઈ ડોન્ટ ટેઈક રિસ્કસ'
મૂળે પરદેશી 'ચેમ્પિયન્સ'ફિલ્મની બેઠ્ઠી નકલ એવી આમિરખાનવાળી 'સિતારેં જમીં પર' ફિલ્મમાં એક ડાયલોગ હતો. 'સબ કા સપના અપના નોર્મલ હોતા હૈ !' એમ જ, જેને ટેકરી પર ચડવામાં કે ભૂસ્કો મારવામાં ડર લાગતો હોય એ એટલામાત્રથી જ 'ફટ્ટુ' હોય એવું જરૂરી નથી. એણે નોકરી છોડી દેવાનું સાહસ બતાવ્યું હોય. ટ્રાફિકમાં વાહન ચલાવવામાં મૂંઝાઈ જતી વ્યક્તિ સ્ટેજ પર હજારો આંખો સામે આત્મવિશ્વાસથી પરફોર્મ કરવા ધસી જતી હોય. ઇન શોર્ટ, કોઈ વ્યક્તિ અમુક બાબતોમાં પાછળ પડે કે અજાણ હોય, એટલે બધી બાબતોમાં ડબ્બા હોય એવું જરૂરી નથી !
'જસ્ટ બિકોઝ ઇટ્સ ફિક્શન, ઇટ ડઝન્ટ મીન ઇટ કાન્ટ ટ્રુ !' એવું ક્વૉટ પણ મેથ્યુ મેકોનહેના આ બહેતરીન પુસ્તકમાં છે ! એટલી ય કથાઓની કલ્પના જેવું હકીકતમાં બન્યું છે ! અને આ સચ્ચાઈના રણકાને લીધે જ આ વાતો ગમી જાય છે ! વિચાર જોઈ શકાતો નથી, પણ નિરીક્ષણનું બળ મળે તો એની અદ્રશ્ય ધાર આપણને કાપીને ઘડી શકે છે ! મલ્ટીપલ પર્સ્પેક્ટિવ ઇઝ લાઈફ કારણ કે કુદરત કશું એકસરખું રચવામાં માનતી નથી !
ઝિંગ થિંગ
'તમે સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર હો એનો અર્થ એવો નહિ કે જીતવા પણ તૈયાર છો !'
(મેથ્યુ મેકોનહે)


