અન્ન અને અનશન ધર્મથી રાજકારણ અને સારવારથી સૌંદર્ય સુધી પથરાયેલી ઉપવાસની સુવાસ...

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
અન્ન અને અનશન ધર્મથી રાજકારણ અને સારવારથી સૌંદર્ય સુધી પથરાયેલી ઉપવાસની સુવાસ... 1 - image


- અનાવૃત-જય વસાવડા

- જે વ્યકિત ભૂખ અને સ્વાદ જેવી પાયાની બાબતો પર પોતાની મરજી ચલાવતી થઇ જાય, એ દુનિયાનો મુકાબલો કરી શકે. 

'ભૂ ખ લાગી હોય અને રોટલાને માટે મહેનત કરી છે એમ લાગે ત્યારે જ ખાવું.' આવું કહેનારા ગાંધીજી ઉપવાસના ઓલિમ્પિક ચેમ્પિયન. પોતાના આખરી ઉપવાસ બાદ હત્યાના ૧૧ દિવસ પહેલાં તેમણે કહેલું , 'આજકાલ ઘણા લોકો વગર વિચારે ને વગર સમજે નકલ કરવા નીકળી પડે છે. તેથી મારે સૌને ચેતવવા જોઇએ કે આટલા જ વખતમાં આવાં જ પરિણામની અપેક્ષા રાખીને આવી જાતનો ઉપવાસ કોઇ શરૂ ન કરે...ઉપવાસની શરતો કપરી છે. ઇશ્વર વિષે જીવતીજાગતી શ્રદ્ધા ન હોય તો ઉપવાસ માંડી બેસવાનો કશો અર્થ નથી...ઉપવાસ માટે ઇશ્વરનો જોરદાર આદેશ તો જ મળે જો ઉપવાસનો આશય વાજબી હોય, સાચો હોય અને વેળાસરનો હોય. આમાંથી એવું પણ ફલિત થાય છે કે આવું પગલું લેતાં પહેલાં લેનારે આગળથી લાંબી તૈયારી કરવી પડે છે. તેથી મારી સલાહ છે કે કોઇ ઝટઝટ ઉપવાસ પર ન ચડી જાય.'

મહાત્માએ અગાઉ પણ સ્પષ્ટતા કરી જ છે કે 'સ્વાર્થી હેતુ માટે ઉપવાસ ન થાય. હેતુ શુદ્ધ જનકલ્યાણનો હોવો જોઈએ. ઉપવાસ કોઈના કહેવાથી ન થાય. તે માટે ઈશ્વરી પ્રેરણા થવી જોઈએ. ઉપવાસ કરતાં પહેલાં મનને શાંત, નિર્મળ કરવું જોઈએ. ઉપવાસ દરમિયાન જીવન નિરંતર પ્રાર્થનામય હોવું જોઈએ. 'પ્રભુ ! તારું જ ધાર્યું થાઓ, મારું નહિ' એ જાતની વૃત્તિ રાખી જે પૂરેપૂરો ઈશ્વરને શરણે જાય છે તે ઉપવાસને લાયક ગણાય. શાસન પ્રત્યે ઉપવાસ ત્યારે જ ઉચિત ગણાય, જ્યારે ન્યાયપ્રાપ્તિના બધા રસ્તા બંધ થઈ ગયા હોય અને સત્યાગ્રહીને લાગે કે અન્યાય ચરમસીમાએ પહોંચી ગયો છે અને એને સહન કરીને જીવવા કરતાં મરવું બહેતર છે તે વખતે, (દેખાવ માટે, યશ મેળવવા માટે કે લોકપ્રિય બનવા માટે નહિ પણ) અંત:પ્રેરણાવશ ખૂબ દુ:ખ સાથે તથા અત્યંત નમ્રતાપૂર્વક ઈશ્વરના હાથમાં પોતાનું જીવન સોંપીને ઉપવાસ કરવો જોઈએ. ત્રાહિત કે વિરોધી પર આવા ઉપવાસની કશી અસર ન થાય. ઉપવાસ હંમેશ જે પોતાની ઉપર પ્રેમ રાખતા હોય, તેમની સામે જ કરી શકાય.'

અભ્યાસ વગર ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ કરવા સહેલા નથી હો ! 

ઉંમર વઘ્યે સ્પર્શની ભૂખ ફરજીયાત ઓછી થતી હશે, પણ ભૂખનો સ્વાદ શમતો નથી હોતો! બ્રહ્મચર્ય પાળવાવાળા હાડકાં વિનાના એક અંગને નિયંત્રિત પરાણે કરી નાખે, પણ હાડકાં વિનાનું બીજુ અંગ જીભ કાબૂમાં લેવું એવા સંત શિરોમણીઓ માટે ય મુશ્કેલ હોય છે. રોટી, કપડાં, ઔર મકાનની પ્રાથમિક જરૂરિયાતોમાં છેલ્લા બે વિના જીવનારા પણ રોટી ન મળે તો ટકી શકતાં નથી. અગિયારસ- એકાદશી / આઠમ- રામનવમી- શિવરાત્રિ- દિવાસો- સોમવાર જેવા વ્રતધારીઓના પ્રતાપે 'ફળાહાર' ફરાળ થઇ ગયું અને આપણે ત્યાં ફરાળી આઇટેમ્સની એક પેરેલલ ઇન્ડસ્ટ્રી રચાઇ ગઇ આખી!

પણ એના ચટાકેદાર વર્ણન પર નિયંત્રણ રાખીને એથી ઉલટી ઉપવાસની વાતો કરીએ. કુદરતી રીતે ચોમેર ઉપવાસ- અનશનની આબોહવા વરસાદમાં આવતી ભીની માટીની ખૂશ્બુ માફક રચાઇ ગઇ છે. આખો શ્રાવણ માસ (અને એના કેટલાક ખાસ દિવસો) હિન્દુઓ માટે ફરાળી પેટીસનો સોરી, ઉપવાસનો મહિનો. મુસ્લિમોનું પંચાંગ  ફર્યા કરે જેથી રમઝાન માસ દરેક ઋતુમાં વારાફરતી આવે. પવિત્ર રમઝાન માસમાં (માર્કેટમાં ઠલવાતા સ્વાદિષ્ટ ખજૂરથી એના આગમનની ખબર બિનમુસ્લીમોને પહેલા પડે !) આખા દિવસના નકોરડા રોજા રાખવાના હોય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, પછી ઇદ ઉજવાય. જૈનોના અઠ્ઠાઇ તપવાળા પર્યુષણ આકરા, પણ જૈન ધર્મમાં સંયમનો એવો  મહિમા કે ઉપવાસ થઈ શકે. ! ગાંધીમાંથી પ્રેરણા લઈ અન્ના હઝારે કરતા એ અનશન ! શ્રાવણ પછી તરત ગણેશ ચતુર્થીના ઉપવાસ તો ખરા જ ! ચોમાસે મોસમ આવી ઉપવાસની !

સ્પિરિચ્યુઆલિટી સાથે ઉપવાસનું જોડાણ જગતભરમાં છે. એક શીખ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ નથી. બાકી જૈનોની સમાંતર ઉદભવેલા મધ્યમમાર્ગી બૌદ્ધ ધર્મમાં આકરા ઉપવાસનું તપ નથી, પણ એકટાણા કરવાનો 'વિનય' છે. (રાતથી બીજે દિવસે સવાર સુધી કશું ખાવાનું નહિ!) યોમ કિપૂર જેવા મહત્વના દિવસે યહૂદીઓમાં પણ ઉપવાસનું વલણ છે (એમાં દવા તો ઠીક, પાણીના કોગળા પણ ન કરવાના નિયમો કડક રીતે છે !) મોઝિસે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતના ઉપવાસ કર્યા અને ઇશ્વરના ટેન કમાન્ડમેન્ટસ શિલાલેખ સ્વરૂપે રચાયા. નીચે આવ્યા પછી ઇઝરાયલીઓના વર્તનથી દૂભાઇને ફરી ઉપવાસ કર્યા. કિંગ ડેવિડે બાથશેબા (જે બીજાને પરણેલી હતી)થી થયેલો પુત્ર માંદો પડતા ઉપવાસ કરેલા. 'ટેમ્પટેશન ઓફ ક્રાઇસ્ટ'નું બાઇબલ ડિસ્ક્રિપ્શન ખૂબ જાણીતું છે, જ્યારે રણમાં ઇસુએ પણ ૪૦ દિવસ-રાત ઉપવાસ કરેલા, અને પછી ગાંધીજીને ખૂબ ગમેલો 'પ્રાર્થના સાથે ઉપવાસ, અને ઉપવાસ જોડે પ્રાર્થના' વાળો સંદેશ આપ્યો હતો. લેન્ટના ૪૦ દિવસના ઉપવાસનું જબરું મહાત્મ્ય છે. 

ઇસ્લામમાં મૂળ સીરિયન શબ્દ 'અવામ' (દૂર રહેવું) છે. જેમાંથી મઘ્ય એશિયામાં રમઝાનના રોજા શબ્દ આવ્યો. ફજૂ (પ્રભાત)થી મગરિબ (સાંજ) સુધી અન્ન-પાણી-વ્યસન-દેહસંબંધ બધાનો રમઝાનના મહિનામાં ત્યાગ કરવાનો. કોઇ બીમાર હોય, પ્રવાસી હોય તો બાકીના દિવસોમાં એ ગણતરી કરે અને ગરીબને એ (રોઝા ન રાખ્યાના બદલામાં) જમાડે- એવો કુરાનનો આદેશ છે. ઇસ્લામ પણ સ્પષ્ટ છે. આ ઉપવાસ ભૂખમરો નથી. ઉપવાસ દરમિયાન ગાળાગાળી, મારામારી કશું જ કર્યા વિના નિયત સાફ પણ રાખવાની છે એનો એક હેતુ જે જરૂરિયાતમંદ છે, એને ભૂખ્યા રહેવામાં શું વીતે એની અનુભૂતિનો પણ છે. એટલે રોજું ખોલ્યા પછી વહેંચીને ખાવાનો, સાથે મળી દાવત કરવાનો મહિમા છે.

જૂના જમાનામાં વૈષ્ણવધર્મમાં ચાતુર્માસ દરમિયાન આવતી જન્માષ્ટમીએ ઉપવાસ કરે એને કરોડ જન્મોના પાપોમાંથી મુક્તિ મળે, અને ન કરે એને હજારો-સેંકડો વર્ષ સુધી ગીધ, ભૂંડ, કૂતરા, શિયાળના અવતાર મળે એવી લાલચ પ્લસ ધમકી પણ આપવામાં આવતી ! જૈનોના પર્યુષણ શબ્દનો તો અર્થ જ સાથે મળવું એ પ્રકારનો થાય છે. શ્વેતાંબર પંથકમાં ૮ દિવસ અને દિગંબરમાં ૧૦ દિવસના દાસલક્ષણા પર્યુષણ હોય છે. માસખમણ કરનારા એક મહિનાના ઉપવાસ પણ રાખે છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી જ પી શકાય. પછી પ્રતિક્રમણ, સામાયિક, સંવત્સરી અને મિચ્છામિ દુક્કડ્મ ! જેમાં ઘણા માટે યંત્રવત અને મંત્રવત કર્મ જ વઘુ રહ્યા છે, અને તંત્રવત મર્મ શ્રાવણિયા ઉપવાસની ચમત્કારિક કથાઓના મનોરંજનની માફક જ ભૂલાતો જાય છે !

શું છે એ મર્મ ? ઉપવાસ અને અનશન શબ્દનો અર્થનો તફાવત ખબર છે ?

વજન ઘટાડવા કે બીમારી હટાવવા કે આંદોલન  કરવા જેવા દુન્યવી હેતુઓ માટે ઉપવાસ ને બદલે સાચો શબ્દ સંસ્કૃતમાં પ્રાયોપવેશન છે. અશન એટલે અન્ન અને અન્નત્યાગ એટલે અનશન, મૂળ તો જૈન ધર્મમાં કર્મ-નિર્ઝરા એટલે કે બાંધેલા કર્મો ઝરી જાય એ માટે કોઇપણ પ્રકારના લાભની આશા રાખ્યા વિના આહાર અને ભોગનો ત્યાગ એ અનશન. પણ શાબ્દિક અર્થ પકડો તો આજના બધા ધાર્મિક -રાજકીય-સામાજીક ઉપવાસ એ રજુ કરે છે. અનશન એટલે અન્નનો ત્યાગ. 

સાયન્સ મુજબ આવા આયુર્વેદિક 'લાંઘણ' ( લંઘન એટલે ભૂખને, ખોરાકને લઘુ મતલબ ઓછો કરવો ) યાને નિરાહાર રહેવાને માપમાં કરવામાં આવે તો શારીરિક ફાયદા માટે બિરદાવે પણ છે. ફ્રેશ ફ્રુટ વેજીટેબલ જ્યુસના (ખાંડ વિનાના) લિક્વિડ્સ કે ફાઇબર વાળા (તળેલા નહિ એવા) રો ફૂડ્સના થોડા પ્રમાણ સાથે ફાસ્ટિંગ થાય, તો સૌથી પહેલાં ખાવાનું પચવામાં (એટલે તો ભરપેટ જમ્યા પછી નીંદર આવે !) વપરાતી શારીરિક ઉર્જા બીજા કામોમાં પણ વપરાય. જેથી બોડી ક્લિન્સીંગ માટે જરૂરી આરામ મળે. શરીરમાં જામેલો ટોક્સિક (ઝેરી) કચરો બહાર ફેંકાય. પાચનક્રિયા પર સતત વધતો જંકફૂડિયો લોડ હળવો થતાં, એ સેલ્ફ રિપેરિંગ કરી શકે. સાથે હળવી કસરત ચાલુ રહે, તો શરીરની ચરબી પણ પઘ્ધતિસર ઓગળે. 

ખોરાકનું રૂપાંતર સ્ટોરેજ માટે બોડી ગ્લુકોઝમાં કરે. પહેલા ત્રણ દિવસ પછી ગ્લુકોઝ સ્ટોરેજ માટે ચરબી ઓગાળવાનું શરીર શરૂ કરે, એ નોર્મલ છે. જેમ ઉંઘ મેન્ટલ રેસ્ટિંગ માટે છે, એમ શરીરના આંતરિક અવયવોનો થાક ઉતારવા અઠવાડિયે એકાદ દિવસનો ઉપવાસ તંદુરસ્તી જ નહિ, સ્ફૂર્તિ પણ વધારે છે. પેટ લાઇટ હોય ત્યારે મન ફ્રેશ રહે છે. ઇટ્સ વેલકમ બ્રેક, એક્સપિરિયન્સ બોલતા હૈ, રીડરબિરાદર. તાજગીનો તરવરિયો અહેસાસ. વર્ષોથી અપવાદો-સંજોગોને બાદ કરતા દિવસમાં એક જ વાર ભર્યે ભાણે જમવાનું રૂટિન પણ રિલેકસેશન એન્ડ ફિટનેસ માટે બેઠાડુ લાઇફસ્ટાઇલમાં ખાસ્સા સ્માઇલ્સ આપે છે. 

અત્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની બોલબાલા છે. ૧૬ કલાક પાણી સિવાય કશું જ નહી ખાવાનું ને આઠ કલાકમાં કે ખાવું હોય એ ખાઈ લેવું. ઘણા ૧૪:૧૦ તો ઘણા ૨૦:૪ પણ કરે. કોઈ વળી ૫ દિવસ ખાય ને ૨ દિવસ ના ખાય, એવું કરે. એનાથી વજન તો ઘટે છે. પણ લેટેસ્ટ રિપોર્ટ એવા છે કે લાંબા ગાળે હૃદય નબળું પડવાનું જોખમ અમુકને રહે. માફકસરના ઉપવાસથી આંતરડામાં પાચન વધારતા બેક્ટેરિયા વધુ રહે. જૂની જામેલી સડેલી અશુદ્ધિ સાફ થતા ડેટોકસ થાય અને આમે શરીરને જરૂરી આરામ મળે. નવા કોષો બને ને ઉપવાસ દરમિયાન જૂના કોષો આપોઆપ ખવાઈ જાય એટલે તાજગી લાગે. સાચવેલા ગ્લુકોઝનું દહન પૂરું થતા કેટોસિસ પ્રક્રિયા શરૂ થાય સ્ટોર થયેલી ફેટ તૂટયા બાદ. બીપી ડાયાબિટીસ કન્ટ્રોલ થાય. પણ તાસીર ઓળખી, ડોક્ટરની સલાહ લઈને માપમાં કરો તો ફાયદા થાય. બાકી આડેધડ ડાયટિંગ ખાતર ફાસ્ટ કરવાથી શરીર ટેવાઈ જાય ને વધુ ચરબી ડિપોઝિટ કરીને રાખે ! ક્યારેક મસલ માસ ઘટી જતાં,  પોષક દ્રવ્યોના અભાવે તંદુરસ્તી બગડે.

આ થયું અનશન. રાંધેલા ખોરાકનો ત્યાગ કરી શક્તિનો નવસંચાર વચ્ચે વચ્ચે કરવાની પ્રક્રિયા. શરીરની સાફસફાઇ માટે, એનર્જેટિક એક્ટિવિટી માટે અને ગાંધીજીના સવિનય કાનૂનભંગ માટે પણ ગાંધીજી તો ભૂલની જાતને સજા આપવા માટે શુઘ્ધિકરણ કે પ્રાયશ્ચિતરૂપે પણ ઉપવાસ કરતા. મુદ્દો એ હતો કે જનતા પર એમના ઉપવાસની અસર થતી. ભારતના લશ્કરને મળેલા વિશેષાધિકારો સામે વર્ષોથી ભૂખહડતાળ પર ઉતરેલી મણિપુરની ઇરોમ શમલાને આવું ભ્રષ્ટાચાર જેવો પબ્લિકને કનડતો મુદ્દો ન હોઇ જનસમર્થન નહોતું. ગુમનામીમાં ગંગા પ્રદૂષણ ખાતે હોસ્પિટલમાં ગુજરી ગયેલા 

સ્વામી નિગમાનંદ સાથે પણ આવું થયેલું. હમણાં લદ્દાખમાં ઉપવાસ પર ઉતરેલા પેલા બિચારા બુદ્ધિમાન સોનમ વાંગચૂકના ઉપવાસની નોંધ ના લેવાતા એમણે જાતે જ સંકેલો કરવો પડેલો ! 

ભારતમાં રાજકીય ક્રાંતિ કે સામાજીક જાગૃતિ માટે અનશન બહુ બધા થયા છે પણ આઝાદી પહેલાં ૧૯૨૯માં જેલમાં ક્રાંતિકારી જતીન દાસ એવી રીતે ૬૩ દિવસે ગુજરી ગયેલા, એ પછી આઝાદ ભારતમાં તેલુગુ ગાંધીપ્રેમી પોટ્ટી સીતારામુલુ પ૧ દિવસના ભાષાવર પ્રાંતરચના માટેના ઉપવાસ પછી ગુજરી ગયેલા, એ બાદ જાહેર ઉપવાસમાં ભાગ્યે જ કોઇ મર્યું હશે. બાબા રામદેવ જેવા યોગથી રોગ ભગાવવાના દાવા કરનારાઓ તો એક સપ્તાહમાં ઉપવાસ કરવા જતા પોતે જ એલોપથિક હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ ભેગા થઇ ગયા હતા ! (એફવાયઆઇ: ફરીવાર દેશ-દુનિયાનું ઘ્યાન ખેંચનાર અનશનનું 'અન્નાસ્ત્ર' ગાંધીજીના વિચારોમાં ના માનતા હરિલાલે પણ ઉપાડેલું. હવે તો કેટલાય દેશોના ચળવળકારો 'હંગરસ્ટ્રાઇક' કરે છે.

આ થયું મેડિકલ, પોલિટિકલ, સોશ્યલ અનશન. તો મેન્ટલ, સ્પિરિચ્યુઅલ ઉપવાસનું શું ?

વાસ એટલે રહેઠાણ (એટલે ઘર એટલે નિવાસ) ઉપ એટલે પાસે. (ઉપવસ્ત્ર-છાતીની પાસેનું વસ્ત્ર, હૃદયથી નજીક એવી પ્રેયસી !) ઉપ-વાસ એટલે કેવળ આહારત્યાગ નહીં. ફરજિયાત અમુક.દિવસની વિધિ નહી. ચૈતસિક ઉપવાસ એટલે પોતાની જાતની પાસે રહેવું, ભીતરમાં ઉતરવું, ચિત્ત  શુદ્ધ કરી એકાગ્ર થવું ! અન્નત્યાગ તો એ માટેનું એક પ્રોપ છે, ડાન્સિંગ ગર્લને એક પોલ જોઇએ સ્ટેજ પર તેમ !

મહાવીરે ઉપવાસને બાહ્ય તપમાં લીધું. પણ એનું કનેકશન ઇનર સેલ્ફ સાથે ય છે. આમ તો આપણું ઘણું શારીરિક કામ 'ઓટોમોડ'માં ચાલે છે. ઘણીવાર વાહન ચલાવતા કે ચાલતા ચાલતા આપણું ઘ્યાન બીજે હોય તો ય હાથ-પગ એની મેળે યોગ્ય એકશન કરે જ છે. પણ સચેત બનીને ક્યારેક ચાવવાનું કે પાંપણો પટપટાવવાનું કામ કરી જુઓ. બે-ત્રણ મિનિટમાં દિમાગ થાકીને બીજે દોરવાઇ જશે ! આઘ્યાત્મિક સાધનાપથમાં બે બાબતો પર જગતભરની સંસ્કૃતિઓ ભાર મૂકે છે. એક છે જાગરણ (નરસિંહ યાદ આવે છે ને ? રાતની પાછલી ખટઘડીમાં સાધુ પુરૂષે સૂઇ ન રહેવું ! કર્મનો મર્મ  લેવો વિચારી !) સૂફીઓમાં આખી આખી રાતો જાગવાની પરંપરા છે. અને બીજુ છે ઉપવાસ. સાવ ખોરાક બંધ કરી કે તદ્દન મામુલી, સાદા, થોડા ખોરાક પર જીવીને એક જગ્યાએ એકાગ્ર બની ધ્યાનસ્થ થવું.

આમ કેમ ? કારણકે આ લખ્યું ને વાંચ્યું એમ એકાગ્ર બનવું સહેલું નથી. તો ધ્યાન, મેડિટેશન, આત્મસાક્ષાત્કાર, એન્લાઇટનમેન્ટ કેમ થાય ? વિજ્ઞાાન ભૈરવતંત્રમાં શિવ-પાર્વતીને એના નુસખાઓ બતાવે છે, (શ્રાવણ માસમાં મંદિરે દોડીને દૂધની ટબુડી ચડાવી, બિલિપત્ર આંખે અડાડનારા ભક્તજનો એમની આંખોનો ઉપયોગ આવા અભ્યાસમાં કરી, જીવમાં તો શિવ શોધતા નથી !) ગીતાની સ્થિતપ્રજ્ઞાતા જેવું જ વર્ણન છે. શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે છે. આ આપમેળે થતાં ઘટનાક્રમની વચ્ચેની એક ક્ષણ એટલે સ્વયંની ઓળખાણ! મહોબ્બત અને નફરતના અંતિમો વચ્ચે સ્થિર ઉભા રહેવું એટલે કેવળજ્ઞાાન! રાગ-વૈરાગની સાઠમારીથી મુક્ત વિતરાગ બનવું, એ નિર્વાણ! (એટલે જ ઋષિઓમાં પ્રાણાયામ આવ્યું!)

બહુ અઘરૃં લાગ્યું? રજનીશ જેવું મેગામાઇન્ડ એને સરળ કરી નાખે છે. પેટ પ્રકૃતિ છે. મન સંસ્કૃતિ છે. ભોજન બંધ થાય, એટલે એ મેળવવા માટેની આર્થિક પ્રવૃત્તિ પર થોડી બ્રેક લાગે. શરીર હળવું થાય, અને મન પ્રફુલ્લિત થાય. માટે ઉપવાસ એ છે કે જેમાં અંદરના સ્પંદનો અને સંવેદનો એટલા ખીલે કે બારી બહાર પડતો વરસાદ અંદર અનુભવી શકાય, અને પછી ખાવાનું યાદ જ ન આવે! ઉપવાસ કરીને એ 'વ્રત'ની ભેટ ઇશ્વરને આપવાની નથી, પણ વઘુ સ્વસ્થ થયેલા 'ચિત્ત'ની ભેટ પ્રભુને આપવાની છે! મોઢેથી ખાવાનું બંધ હોય પણ મનમાં ભોજનનું ચિંતન ટવેન્ટી ફોર બાય સેવન, નિરંતન ચાલ્યા કરે, તો એ ઉપવાસ નથી. 'ઉપહાસ' (હાંસીપાત્ર નાટક) છે. અમુક સંતો તો એવા પ્રયોગો કરતા કે આજે આવી સ્થિતિ કુદરતી ઉભી થશે (જેમ કે કાળો બળદ મળશે, તો જમીશ નહીં તો ભોજન છોડીશ) માટે આજે જમવું કે નહીં, એ જાતે નક્કી નહીં કરવાનું- નિયતિ નક્કી કરે! પણ રજનીશના કહેવા મુજબ આવા રેન્ડમ એકસપેરિમેન્ટસને ત્યારના અમુક અંધભકતોએ જડ નિયમો કરી નાખ્યા. (જેમ કે આજે સફેદ વસ્ત્રવાળા ઘેરથી ભોજન લેવું- એવું અગાઉથી એનાઉન્સ થાય, એટલે ભકતો જ રેડી હોય!) મુદ્દો ફકત સ્વાદ છોડવો એ નથી, એનાથી વઘુ રસપ્રદ વૈચારિક ભૂમિકા પકડવી એ છે!

અને એ માટે ધર્મમાત્રમાં એક અગત્યના 'સ્ટેપિંગ સ્ટોન' તરીકે ઉપવાસ એક વિચાર હતો. જે હવે નર્યો આચાર છે. એના સામાજીક, શારીરિક, રાજકીય ફાયદાઓ થાય છે પણ એનાથી ચૈતસિક શિખરે બહુ ઓછા બેસી શકે છે. પણ જે કોઇ પરમાત્માના રહસ્યને પામી ગયા, એવા સહુ કોઇ પ્રબુદ્ધથી પયગંબરોએ 'સેલ્ફ કંટ્રોલ' યાને આત્મસંયમની બુનિયાદી પ્રેકટિસ તરીકે ઉપવાસનું મહત્વ સ્વીકાર્યું છે. જે વ્યકિત ભૂખ અને સ્વાદ જેવી પાયાની બાબતો પર પોતાની મરજી ચલાવતી થઇ જાય, એ દુનિયાનો મુકાબલો કરી શકે. આપણે ઇન્દ્રિયોના ગુલામ નથી, માલિક છીએ. ઉપવાસ એ સ્વામીત્વ સ્થાપિત કરવાનો શાંત રિયાઝ છે. સોડમ આવે એમ જમવા લલચાતા સ્વાદીલા બનવાનું નથી. પણ કમાન્ડ દેવાનો છે, પેટને, જીભને, મનને- આઇ એમ ધ બોસ! હું ચુંબન કરૃં તો મારી મરજી, ધારૃં તો હું રોકી પણ શકું. હું ભોજન કરૃં તો ય મારી મરજી, ધારૃં તો છોડી પણ શકું. અને એક વાર એ સ્વીચ ઓફ થાય, પછી ઓટોમેટિક ઓન ન થાય, એટલી સ્થિરતા આવી જવી જોઇએ! ઉપવાસ પરાણે કષ્ટ આપીને દેહને નબળો પાડવા માટે નથી, મનને મજબૂત બનાવવા માટે છે!

પણ આપણે તો જીભના ચટાકાવાળા. સામા ને રાજગરા, સાબુદાણા ને બટાકા વગેરેથી ફળાહારને બદલે 'ફરાળ' આખી સૃષ્ટિ બનાવી કાઢી ! વેફરથી પેટીસ, શિંગથી શિખંડ જેવી વાનગીઓ ભરપેટ માણવા કેટલાય તો ઉપવાસ કરે છે ! અમેરિકાને જો 'ફાસ્ટફુડ નેશન' કહેવાયું હોય, તો ભારતને 'ફાસ્ટિંગ નેશન' કહી શકાય ખરૃં? એફ થી શરુ થઈને વચ્ચે ત્રણ અક્ષરો આવે બાદમાં આઇએનજી અંગ્રેજીમાં લાગે એવા બે શબ્દોની પ્રેક્ટિસમાં ભારત ચેમ્પિયન છે. એક ખાનગીમાં કરીને વસતિ વધારે છે, બીજું જાહેરમાં કરી ચરંબી ઘટાડી પુણ્ય વધારવાની અપેક્ષા રાખે છે ! પાછા ફરાળી વાનગીઓમાં ભેળસેળ કરવામાં ધર્મ આડો નથી આવતો ! 

ફાસ્ટ ઓર સ્લો, પ્રેક્ટિસ સેલ્ફ કન્ટ્રોલ. એ છે તનોબળ સાથે મનોબળ વધારતી શક્તિ ! પણ એ માટે કઠોર નિયમો કરતા કડક આત્મનિયંત્રણ જોઈએ.

ઝિંગ થિંગ

ભારતીય ઉપવાસ હંમેશા તિથિ મુજબ ગણાય એટલે સૂર્યોદયથી સૂર્ર્યોદય એનો દિવસ ગણાય. પણ અંગ્રેેજી કન્દ્ર મુજબ ૧૨ વાગે રાતના ઉપવાસ છોડી દેવાની જાતને અને પછી ભગવાનને છેતરવાની ચાલાકી કરીને ભક્તિ તો આપણે જ કરી શકીએ હો ! ખીખીખી ન.


Google NewsGoogle News