દેશ : ભારત... વર્ષ : 2047... રાજ્યો : 47?
- અનાવૃત-જય વસાવડા
- ઘણાને આજની સ્થાનિક સરકાર કરતાં નાના રજવાડાની જૂની રાજાશાહી કેમ સારી લાગે છે ? ભારતમાં રાજ્યો વધવાથી સમસ્યા વધતી નથી, રાજકારણીઓ વધવાથી સમસ્યાઓ વધે છે!
- પ્રજાને એક રાષ્ટ્રમાં ફકત બંધારણ નથી જોડી રાખતું... પ્રજાને જોડે છે સંતોષકારક વહીવટ ! આજે કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવા એની જ કવાયત થઈ રહી છે.
ભ વિષ્યમાં નજર નાખતાં પહેલાં જરા ભૂતકાળ જોઈ લઈએ.
વારંવાર વિવિધતામાં એકતાનું ગીત જે ભારત દેશ માટે ગાવામાં આવે છે, એ ભારત આસ્થાને બાદ કરતા સાંસ્કૃતિક કે રાજકીય રીતે ક્યારેય એક રહ્યું નથી ! કોઈ કુશળ કે શક્તિશાળી રાજા આવે એટલે એનો સૂરજ તપે ત્યાં સુધી બધા એક છત્ર નીચે... પછી વટાણાની જેમ વેરાઈ જાય ! એમાં પણ બ્રિટિશ શાસન નીચે જે ભારત એકાધિકાર નીચે હતું, એટલો વિસ્તાર અશોકથી અકબર લગીના કોઈ સમ્રાટોની હકુમત તળે નહોતો. પણ બ્રિટિશ રાજ સામે જેટલા લડયા એ પોતપોતાના રાજ્યો માટે. એકછત્ર એક બંધારણ નીચેના સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર માટે નહિ. એ વિચાર તો ગાંધીજીની આગેવાની નીચે ઘડાયો ને એને આકાર ગાંધીશિષ્ય સરદારે મેન ઓફ યુનિટી બનીને આપ્યો !
પણ એ ભારતના રજવાડાના એકીકરણ પછી પણ ભાષાવાર રાજ્યરચના માથાના દુઃખાવા જેવી હતી. જેના ઇતિહાસ માટે લેખ નહિ પુસ્તક જોઈએ અને એ લખાયા પણ છે ત્યારે વિડિયો જોઈને અભ્યાસ કરવાની સીસ્ટમ ન્હોતી એટલે. આઝાદી વખતે આજનું આંધ્ર કે આસામ કે ગુજરાત કે મધ્ય પ્રદેશ આજના જેવું નહોતું. શરીરમાં કોષ સતત બદલાતા રહે એમ ભારતના રાજ્યોના ઘાટ ફરતા રહ્યા છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયથી ભારતને રાજયોમાં વિભાજિત કરવાની સમસ્યા સ્પ્રિંગની માફક ઊછળ્યા કરે છે. એ વખતે ત્રણ મુખ્ય 'પ્રેસિડેન્સી' હતી. બંગાળ પ્રેસિડેન્સીમાં આજના બાંગ્લાદેશ સહિત ઉત્તર-પૂર્વનાં સઘળાં રાજ્યો હતો. ૧૯૦૩માં ભારતનો તત્કાલીન ગૃહસચિવ હર્બટ રિસલેએ ભાષાના આધારે બૃહદ બંગાળ રાજ્યનાં બે ફાડિયાં કરવાનો પ્રસ્તાવ રાખેલો. પછી બંગ-ભંગ આંદોલનના પ્રતાપે એ નિર્ણય મોકૂફ રહ્યો. ૧૯૧૨માં બિહાર ઓરિસાનો અલગ પ્રાંત રચાયો. ૧૯૩૬માં ઓરિસાને બિહારથી અલગ પડાયું.
આ અગાઉ ૧૯૧૮માં મોન્ટેગ્યુચેમ્સફર્ડ રિપોર્ટમાં એવું સૂચન હતું કે, ભારતમાં નાત-જાત કે ભાષાના આધારે રાજયો રચવાં જોખમી સાબિત થશે, અને બદલે નાના-નાના વહીવટી એકમો રચવા, ૧૯૨૮માં પંડિત મોતીલાલ નેહરુએ જનતાની ઈચ્છા, ભાષા, વસતિ, ભૂગોળ અને આર્થિક બાબતો જેવાં અનેક પરિબળોને અનુલક્ષીને રાજયરચના કરવાની ભલામણ કરી. ૧૯૩૧માં ઓડોનીલ પંચે એનું સમર્થન કર્યું. ૧૯૩૬માં સાંપ્રદાયિક આધાર પર સિંધ પ્રાંત પણ રચાયેલો.
૧૯૪૮માં દા૨ કમિશને ભાષાવાર રાજ્યરચનાનો વિરોધ કરેલો, પણ એ જ સમયે રચાયેલી સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ અને પટ્ટાભીસીતારામૈયાની સમિતિએ કાંગ્રેસે છેક ૧૯૧૮માં બહોળા જનસંપર્ક માટે ઉઠાવેલા ભાષાવાર રાજ્યરચનાના મુદ્દાને સ્પષ્ટ સમર્થન આપ્યું. પછી પ૦ જેટલી રિયાસતોના મિશ્રણથી બનેલા હિન્દુસ્તાનનો આકાર બેડોળ બાળક જેવો હતો. ક્યાંક હૈદરાબાદ કે મૈસૂર જેવાં જંગી રાજયો હતાં, તો ક્યાંક રજવાડાના નામે મુઠ્ઠીભર ગામડાંઓ જ હતાં !
આઝાદી વખતે સંવિધાનસભાએ બ્રિટિશકાળના વખતમાં ગવર્નર સંચાલિત 'પ્રાંત' ગણાતાં રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મુંબઈ, મધ્યપ્રદેશ અને પંજાબની સાથે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, ત્રાવણકોર કોચીન, પતિયાળા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન (પેપ્સુ), મધ્ય ભારત, રાજસ્થાન (રાજપૂતાના), સૌરાષ્ટ્ર, અજમેર, કચ્છ, દિલ્હી, ત્રિપુરા, કુર્ગ, મણિપુર, વિલાસપુર, ભોપાલ, હિમાચલ પ્રદેશ અને વિન્ધ જેવા વિસ્તારો તથા આંદામાન-નિકોબાર જોડયા.
૧૯૫૩માં તેલુગુ ભાષાના અલગ રાજ્યના પ્રખર સમર્થક શ્રીરામુલુ ઉપવાસ દરમ્યાન જ ગુજરી જતાં તાકીદે હૈદરાબાદ તથા મદ્રાસના થોડા-થોડા ટુકડાઓ જોડી અલગ આંધ્ર બનાવવામાં આવ્યું. પછી ૧૯૫૫માં જસ્ટિસ ફઝલ અલી કે.એમ.પાણિકર તથા હૃદયનાથ કુંઝરુના વડપણ નીચે રાજ્ય પુનર્ગઠન પંચ રચાયું, જેણે અગાઉના ૨૯ ભાગને ૧૬ રાજય તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવ્યા.
૧૯૫૬માં ૧૪ રાજ્ય અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશ થયા. '૬૦ના દાયકાની શરૂઆતમાં જ ગોવા નામનો કેન્દ્રશાસિત પ્રદેશ તથા મહાગુજરાત આંદોલન'ના પ્રતાપે ગુજરાત તથા મહારાષ્ટ્ર સર્જાયા. ૧૯૬૬માં પંજાબના હિન્દી ભાષી ક્ષેત્રમાંથી હરિયાણા બન્યું. પૂર્વ ભારતમાં અનેક ભિન્ન કબીલાઓનો શંભુમેળો 'આસામ'ના ટાઇટલ નીચે અંદરોઅંદર ખખડયા કરતો હતો. પછી ૧૯૬૩માં નાગાલેન્ડ, ૧૯૭૧માં મેઘાલય, ૧૯૭૨માં ત્રિપુરા અને મન્નિપુર, ૧૯૭૫માં સિક્કીમ અને ૧૯૮૬માં મિઝોરમ રચાયા. હિમાચલ, ગોવા, દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યમાં રૂપાંતરિત થતા ગયા. ૨૦૦૦ના અંત અગાઉ ઉત્તરાંચલ, ઝારખંડ અને છત્તીસગઢ રચાયા. એમ આજે કુલ ૨૮ રાજ્યો ને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે એ તો ગૂગલ પણ કહેશે.
એ નહિ કહે એવી વાત એ કે ભારતના તજ્જ્ઞા રશીદુદ્દીન ખાને 'રાજ્ય' શબ્દ કાઢી પ૮ જેટલા વિભાગોનો નકશો પણ તૈયાર કર્યો છે. તો અમેરિકન વિદ્વાન જોસેફ શ્વાત્સબર્ગે રાજ્યો કારી વિવિધ જિલ્લાઓના સંયોજનનું સૂચન કર્યું છે. ઇમરજન્સી સારવાર માટે ભારત આ મુજબ રાજયોનું ફર્સ્ટ લેવલ આપરેશન થઈ શકે :
મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ ઉપરાંત મધ્ય ભારત, મહાકૌશલ અને વિધ્ય... ઉત્તરપ્રદેશમાં ઉત્તરાખંડ પછી પૂર્વાચલ, રૂહેલખંડ, બુંદેલખંડ અને અવધ... બિહારમાં ઝારખંડ સિવાય મગધ, મિથિલા અને ભોજપુર... રાજસ્થાનમાં મેવાડ અને મારવાડ... મહારાષ્ટ્રમાં વિદર્ભ, કોકણ, મરાઠવાડા અને મુંબઈ... આંધ્રમાં તેલંગાણા,... બંગાળમાં ગોરખાલેન્ડ,... આસામમાં બોડોલન્ડ... ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ,... જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ, કાશ્મીર ખીણ અને લદ્દાખ... તમિલનાડુ તથા કર્ણાટકના બબ્બે ભાગ ઇત્યાદિ.
ના રે... પ્રાયમરી સ્કૂલમાં હિસ્ટ્રી ટેસ્ટ માટેનો મસાલો અહીં પીરસવાનો ઇરાદો બિલકુલ નથી. પણ આટલી સંક્ષિપ્ત છતાં સચોટ માહિતી એટલે જરા વિસ્તારથી લખી કે, વારતહેવારે નવાં રાજ્યો બનાવાથી 'ભારતની એકતા અને અખંડિતતાનો ગરાસ લૂંટાઈ જશે, એવી કાગારોળ કરનારા હૈયાફૂટયાઓને ઈશ્વર નહી તો ઇતિહાસ જરા સદબૂધ્ધિ આપે !
જગતમાં કોઈ દેશનો નકશો હમેશ માટે અવિચળ કે આબેહૂબ રહ્યો નથી... રહેતો નથી ! અંગૂઠા જેવડા યુગોસ્લાવિયાથી મહાવિરાટ રશિયામાં તો મને-કમને નવાં રાષ્ટ્રો પણ ધડાધડ સર્જાઈ ગયા છે, અને આપણે રાજ્યોની રોકકળ કરીએ છીએ ! ૧૭૭૬માં અમેરિકાનો શિલાન્યાસ થયો ત્યારે માત્ર ૧૩ સંસ્થાનો (રાજ્યો) અસ્તિત્વમાં હતાં... આજે પ૦ રાજ્યો છે ! છતાંય ફ્લોરિડા જેવું એક રાજ્ય એના પ્રમુખની ચૂંટણીમાં બેલેટનું બલેન્સ જાળવવામાં નિર્ણાયક બની જાય, એવી સ્થિતિ કાયમ માટે દૂર કરવાની ભલામણ ટી.વી. સ્ટુડિયોમાં ગાજતા યમીસ્ટ એનાલીસ્ટો ઊછળી ઊછળીને કરી રહ્યા છે !
જેની સમૃદ્ધિ અને સફળતા જોઈને ભારતીયો 'સ્ટમ્પડ' થઈ જાય છે એવા સિંગાપોરની વસતિ છે ૩૫ લાખ... સ્વિટ્ઝર્લન્ડની વસતિ છે ૭૩ લાખ... અને ઉત્તરાંચલ અગાઉના ઉત્તરપ્રદેશની ૧૯૯૧માં ગણાયેલી વસતિ હતી આશરે ૧૪ કરોડ ! આજથી વીસ વર્ષ અગાઉ ૯ કરોડ ૩૦ લાખની વસતિ ધરાવતા બિહારના પટના જિલ્લાની જ વસતિ ૩૬ લાખ હતી... જેમાં એ સમયે આશરે ૩૮ લાખની વસતિ ધરાવતું આખું ન્યૂઝીલેન્ડ સમાઈ જાય ! અરે, અમદાવાદની વસતિ આજે કેન્યાથી વધુ હશે !
અને વિસ્તાર છત્તીસગઢ અગાઉના મધ્યપ્રદેશનો ૪,૪૩,૪૪૬ ચોરસ કિલોમીટરનો પથારો એટલે આખા યુનાઇટેડ કિંગડમ (બ્રિટન એન્ડ કંપની) કરતાં લગભગ બમણો ! જાપાન અને જર્મનીનો વિસ્તાર અનુક્રમે મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતાં કંઈ ખાસ વધારે નથી ! જર્મનીમાં લગભગ સાડા આઠ કરોડની જનસંખ્યા સામે ૧૬ રાજયો છે... એ ગણતરીએ આપણે ત્યાં એનાથી બારગણી વસતિ હોઈ ૧૯૨ રાજ્યો હોવા જોઈએ ! એ રીતે જ ૩૩ કરોડની આબાદી સામે ૫૦ રાજ્યો ધરાવતા અમેરિકાની ત્રિરાશી લાગુ પાડીએ તો દોઢ અબજની વસતિએ ભારતમાં ૧૭પથી વધુ રાજયો હોવા ઘટે !
આમ પણ અહીં તો રાજકોટ જેવા નાના ગણાતા જિલ્લામાં આખું નેધરલેન્ડ સમાઈ જાય... બાય ધ વે, જાપાન કે કુવૈત કે સિંગાપોર વગેરે ટચૂકડા દેશોની ચલણ ગિલ્ડર અમેરિકન ડાલરની હારોહાર દોડે છે ! ઇસ્ટોનિયા કે સાઉથ કોરિયા કે તાઇવાન જેવા નાના દેશોની ટેકનોલોજીકલ વિકાસની વાત લઈએ તો ભારતનો કુલ વિસ્તાર ૩૨ લાખ સ્કવેર કિલોમીટરથી વધુ છે... પણ આપણાથી સાયન્સમાં અનેક રીતે આગળ ઇઝરાયલનો વિસ્તાર ૨૦,૭૭૨ સ્ક્વેર કિલોમીટર જ છે ! ૪૧,૦૦૦ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં ૨૨ ર્કોન (રાજ્યો) ધરાવતાં સ્વિટ્ઝર્લેન્ડની સાપેક્ષે તો ભારતમાં ૧૬૦૦ રાજયો જોઈએ !
ઝાઝી વાતના ગાડાં ભરાય. કેબીસીના તાવડે ગરમ ભજીયાની જેમ ચાલતી જીકેની કોઈ બૂક લઈ ભારત સાથે ફ્રાન્સથી બેલ્જિયમ સુધીનાં રાષ્ટ્રોની વિગતો સરખાવતા જજો ! હા, ચીન કે દક્ષિણ આફ્રિકામાં પ્રચંડ વસતિ કે વિસ્તાર છતાં ઓછાં રાજયો છે જ... પણ ત્યાની પ્રજા, નેતાઓ તથા સમાજજીવનની લાક્ષણિકતાઓ આપણા કરતાં ઘણી જુદી (અને ઘણી સારી !) છે, એ પણ વિચારવું રહ્યું. આપણે ત્યાં તો આર્થિક અને સામાજિક અસમાનતાઓનો બોજો ઓછો હોય, તેમ રાજયરચનામાં પણ એક બાજુ આગળ વર્ણવ્યાં તેવા તોતિંગ રાજ્યો છે અને બીજી બાજુ ૧૯૯૧માં ૪.૧ લાખની વસતિ ધરાવતું સિક્કિમ કે માત્ર ૩,૦૭૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતાં ગોવા જેવા ટચૂકડાં-ભચૂકડાં રાજ્યોનો ઢગલો છે !
એક બાજુ ભારતનું બંધારણ સમાનતાની વાત કરે છે... બીજી બાજુ રાજ્યસભા કે જ્યાં નામ મુજબ રાજ્યના જ પ્રતિનિધિઓ હોય છે ત્યાં.. બે તૃતીયાંશ બહુમતી માત્ર ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર, તામિલનાડુ, બંગાળ (બાંગ્લાદેશ રચાયા પછી બંગાળ આગળ પશ્ચિમ લખવાનો અર્થ ખરો ?) અને મધ્યપ્રદેશ, એ ૭ રાજયોના પ્રતિનિધિઓમાં ૧૨ એપોઇન્ટેડ મેમ્બર્સ ઉમેરતાં જ પૂરી થઈ જાય છે ! રાજયસભામાં નાનામાં નાના રાજ્ય અને મોટામાં મોટા રાજયના પ્રતિનિધિત્વનો તફાવત ૧ વિરુદ્ધ ૩૪ જેવો અકલ્પનીય છે !
આવા પારાવાર ગરબડ ગોટાળા ટાળવા હોય તો એક વિકલ્પ એ છે ૩ કરોડથી વધુ વસતિનાં રાજયો ન જ રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. કરુણતા એ છે કે, આપણે ત્યાં દરેક નવી વાત એટલી મોડી સ્વીકારવામાં આવે છે કે એની કોઈ સારી અસરનો લાભ મળતો જ નથી ! એમાં પણ જો ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરી આખા દેશને વર્ષો સુધી જાન-માલનું નુકસાન પહોંચાડો, તો અને તો જ નવું રાજ્ય મળે - એવો વણલખ્યો નિયમ થતો ગયેલો મજબૂત મોદીયુગ પહેલા. મણિપુરમાં આજે પણ ચાલે છે એમ ક્યારેક આખા દેશનાં ગામે-ગામો અને વસાહતી કબીલાઓ - અંદરોઅંદર પોતાની સ્વતંત્રતા માટે નિરર્થક આંતરવિગ્રહ કરતા હશે ! પ્રજાને એક રાષ્ટ્રમાં ફકત બંધારણ નથી જોડી રાખતું... પ્રજાને જોડે છે સંતોષકારક વહીવટ ! આજે કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવા એની જ કવાયત થઈ રહી છે.
ઘણા પોથીપંડિતો રાજવી વિઘટનથી ઊભાં થતાં આર્થિક અસંતુલનનો ડારો આપે છે. દુનિયાના કોઈ પ્રદેશ પાસે બધા જ આર્થિક સ્રોત ઉપલબ્ધ હોતા નથી. પાણી, વીજળી, ખાધાખોરાકી, વેપાર વાણિજ્યનો નફો ઇત્યાદિનાં યોગ્ય નિયંત્રણ, વિતરણ, સંરક્ષણ અને તટસ્થ સંતુલન જાળવવા માટેસ્તો કેન્દ્ર સરકાર છે ! એ સિવાય ફેડરલ સ્ટ્રકચરમાં ખરેખર સેન્ટ્રલ ગવર્નમેંટનો આ જ રોલ મુખ્ય છે.
વાસ્તવમાં તો લોકશાહી દેશમાં કેન્દ્ર સરકારનું કાર્ય 'કો-ઓર્ડિનેશન કમિટી'નું હોય છે. આપણે ત્યાં તો પંચાયતી રાજનો આખો આદર્શ જ શીર્ષાસન પામી ચૂક્યો છે. પંચાયતોમાં પણ વિકેન્દ્રીકરણને બદલે સ્થાપિત હિતોનું કેન્દ્રીકરણ જ વધે છે. આપણા સંવિધાનમાં મૂળભૂત રીતે કેન્દ્રના અધિકારમાં ૯૭ બાબતો, રાજયોના અધિકારમાં ૬૬ બાબતો અને બંનેના સમાન અધિકારમાં ૪૭ બાબતો હતી. આજે કેન્દ્રિય અધિકારમાં ૯૯ બાબતો અને સમાન અધિકારોવાળી પર બાબતો મળી ૧૫૧ ક્ષેત્ર છે, જયારે રાજ્યો પાસે માત્ર ૬૨ ક્ષેત્ર છે ! ( અને આ વિગત પણ જૂની મળી છે ! ) કારણ કે સમાન અધિકારવાળા ક્ષેત્રમાં પણ એવો નિયમ છે કે, જો કેન્દ્ર અને રાજ્યના કાનૂન વચ્ચે વિરોધાભાસ જણાય તો કેન્દ્રનો કાનૂન આખરી ગણવો ! આજે જીએસટી તો ખરો જ. પણ ઉદ્યોગ, કૃષિ, મત્સ્યઉઘોગ, જમીન, જળ-સંરક્ષણ, સિંચાઈ, આવાસ, ગ્રામીણ વિકાસ જેવાં કેટલાય ક્ષેત્રોમાં રાજય સરકારની ભૂમિકા કેન્દ્રના હજૂરિયા જેવી જ રહી છે... આ બધાં જ ક્ષેત્રો સ્વાતંત્ર્ય સમયે રાજ્યોના તાબામાં રખાયેલાં ! પરિણામ ? પ્રજાથી પ્રતિનિધિ વધુ દૂર... પ્રજાનો સરકાર પર વધુ રોષ ભારતમાં ભૂતકાળમાં 'રબ્બર સ્ટેમ્પ' મુખ્ય મંત્રીઓ અને રાજ્યપાલોએ દરેક રાજ્યને કેન્દ્ર પર શાસન કરતાં રાજકીય પક્ષની દોરીએ નાચતી કઠપૂતળી જેવું બનાવી દીધું છે. રહી વાત સાંસ્કૃતિક વિભાજનની... અહીં તો મોરબીથી મહેસાણા જાવ ત્યાં બોલી બદલાઈ જાય છે ! ખાનપાન કે રસરુચિની રીતે તાલુકાઓમાં પણ એકતા દેખાતી નથી ! જોકે, ભારતમાં પંજાબ, કેરળ કે હરિયાણા જેવાં નાનાં રાજ્યોએ વધુ વિકાસ સાધ્યો હતો, તો ત્રિપુરા કે મેઘાલય જેવાં બચૂકલાં સ્ટેટ્સમાં ધબડકો હતો ત્યારે ! હવે સમજાય છે કે, ઘણાને આજની સ્થાનિક સરકાર કરતાં નાના રજવાડાની જૂની રાજાશાહી કેમ સારી લાગે છે ? ભારતમાં રાજ્યો વધવાથી સમસ્યા વધતી નથી, રાજકારણીઓ વધવાથી સમસ્યાઓ વધે છે !
ઠીક છે, પણ લોકસભાના રિહર્સલ જેવી રાજ્યોની ચૂંટણીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી પર પ્રજાનો અતૂટ વિશ્વાસ સિદ્ધ કર્યો છે, એમ રાજ્યો ને કેન્દ્રની વન નેશન વન ઇલેક્શન પોલિસી તરફ જવું કે કેમ એ યાદ દેવડાવ્યું છે. એ ડિબેટ અલાયદો લેખ માંગી લે એવી છે. પણ વાસ્તવિકતા એ છે કે ભારતની સતત વધતી જતી વસતિના પ્રમાણમાં વહીવટી પ્રતિનિધિત્વ વધારવા સંસદ ને ધારાસભાના પ્રતિનિધિઓ વધારવાની તાતી જરૂર છે. અમુક જગ્યાએ તો અમુક નેતાઓ સાચવવા નવી ખુરશી ઊભી કરવા નવા રાજ્ય બનાવવા પડે એવી વાતો છે. કરુણતા એ છે કે હજુ એક રાષ્ટ્ર બનીને આઝાદીના અમૃતપર્વ પછી પણ આપણે નદીના પાણીની વહેંચણી ઉકેલી નથી શકતા. ભાષાભેદના ઝગડા તો હતા જ, જ્ઞાતિ વિભાજનને લીધે ભારતને એક રાષ્ટ્ર નકશામાં તો દેખાય છે, પણ સ્વભાવે હજુ એક બનતું નથી. જો ટીમ ઇન્ડિયા બની જાય તો રાજ્યોની સંખ્યા ગૌણ થઈ જાય. અને વિકાસ મુખ્ય થઈ જાય !
ઝિંગ થિંગ
'આપણે જેટલા એક એટલા અભેદ, જેટલા અલગ એટલા ડગમગ' ( જે. કે.. રોલિંગ)