ભારતની વિવિધતામાં એકતાનો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર : શાહરૂખ ખાન!
- અનાવૃત-જય વસાવડા
- માણસ ગોરો, કાળો હોઈ શકે. હિન્દુ, મુસ્લિમ હોઈ શકે. પણ આત્મા નહિ. મહત્વનું એ છે કે તમારી અંદરનો આત્મા કેવો છે ? સારા-ખરાબના ચુકાદા બહારના લેબલને બદલે અંદરના ગુણ-અવગુણથી અપાય એ દુનિયા વધુ સલામત છે.
ભા રતના ભાગલા બાદ અહીં આવીને છવાઈ ગયેલા ફિલ્મમેકર બલદેવ રાજ યાને બી. આર. ચોપરાના સુપુત્ર અને મહાભારત બનાવનાર રવિ ચોપરા પણ સ્વર્ગસ્થ થઈ ગયા. એમના પત્ની રેણુ ચોપરાએ એક પોડકાસ્ટમાં થોડા મહિના પહેલા એક કિસ્સો કહેલો કે, રવિના નિધન બાદ અમારા દીકરાને 'ઇત્તેફાક' ફિલ્મ બનાવવી હતી પણ આર્થિક મુશ્કેલી હતી. જે તે વખતે બી. આર. ચોપરા અને શાહરૂખના ફેવરિટ યશ ચોપરાના સંબંધ પણ એટલા મધુર ન્હોતા રહ્યા. રેણુની ઓફિસ શાહરૂખની ઓફિસ પાસે. એ ત્યાં ગયા લોન માંગવા. સ્ક્રિપ્ટ કે પેપર્સ કશું જોયા વગર શાહરૂખે તરત મદદ કરી. પૈસા ઉધાર આપ્યા ને ક્રેડિટ પણ ના લીધી.
ફિલ્મ એ અક્ષય ખન્નાવાળી સારી બનેલી. રોકાણ રિકવર થયું. રેણુ વ્યાજ સહિત લોન ચૂકવવા ગયા ત્યારે શાહરૂખે પૈસા બાબતે જાલિમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમણે પગે લાગી વ્યાજની રકમ લેવાનો ઇન્કાર કરી એટલું જ કહ્યું કે 'યે હરામ હૈ મેરે લિયે....' રેણુએ કહ્યું કે શાહરૂખે તો ક્યાંય એની ઉદારતાનો ઉલ્લેખ નથી કર્યો પણ મારે કરવો જોઈએ એટલે હું સામેથી કહું છું ! આવી જ વાત અકાળે અમિતાભ સાથે ખૂબ કામ કરતા સંગીતકાર પતિ આદેશ શ્રીવાસ્તવને ગુમાવનાર અભિનેત્રી વિજયેતા પંડિતે પણ હમણાં કહેલું કે આદેશની ચડતી એની જોડે રહેનારા ઘણા દોસ્તોએ મોઢા ફેરવી લીધા પણ મારો દીકરો સ્ટ્રગલ કરે છે એમાં જોડે ખાસ કામ ન કર્યું હોવા છતાં શાહરૂખે એની ભલામણ બાબતે મદદ કરેલી !
શાહરુખનો દૂરનો મામો પાકિસ્તાન આર્મીમાં હોય તો એના મસાલેદાર ન્યુઝ બને પણ એના સગા સસરા (ગૌરીના પિતા) રમેશચંદ્ર છીબા ઇન્ડિયન આર્મીના કર્નલ હતા એ કોઈને 'જીના ઇસી કા નામ હૈ' જોઇને પણ યાદ પણ નહિ આવે. એનો બાપ ફ્રીડમ ફાઇટર હતો અને માતા પિતાના લગ્ન આઝાદ હિન્દ ફોજમાં સુભાષબાબુ જોડે રહેલા કર્નલ લક્ષ્મીએ કરાવેલા એ ભૂલી જવાશે. શાહરૂખ એક માનસિક અસ્વસ્થ એવી અપરણિત બહેન લાલારૂખને દાયકાઓથી પોતાની ઘેર કોઈ ઉંચી ઉંચી ફેંક્યા વિના ચુપચાપ હથેળીમાં રાખીને એને સાચવે છે, એ ય અમુક ટીકાખોર ટણપાઓને ખબર નહિ હોય.
ખેર, આ યાદ એટલે કરાવ્યું કે ઘણી વાર કોઈ સન્માન સર્જકતા કરતા વધુ સ્વભાવને લીધે થતા હોય છે. કબૂલ કે રિલીઝ વખતે ધમાલ મચાવી ગયેલી પણ ઘણાને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ક્રાંતિનું સ્ટેન્ડ લેતી લાગેલી ને પેલા આર્યનને ટ્રેપ કરવા જતા જૂઠ બાબતે નાર્કોટિક્સમાંથી ફેકાઈ ગયેલા સમીર વાનખેડે પર સીધો ડાયલોગ મારતી ( બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર ) જવાન કરતા શાહરૂખને ઘણો વ્હેલો નશનલ એવોર્ડ મળી જવો જોઈતો હતો. દિલ સે થી ચક દે ઈન્ડિયા જેવી ઘણી ફિલ્મો માટે. અત્યારે એવોર્ડ મળ્યો એ માટેની જ્યુરીના પ્રમુખ આશુતોષ ગોવારીકરે કદાચ 'સ્વદેશ' માટે શાહરૂખને યોગ્ય હોવા છતાં એવોર્ડ ન મળ્યો એની કદર મોડેથી કરવા આપ્યો હશે કે પછી બટકબોલા સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહેલું કે કતારમાં મોતની સજામાંથી ભારતીય સેનાના નિવૃત્ત આઠેક અધિકારીઓને વિદેશ મંત્રાલયે હાથ ઊંચા કર્યા બાદ શાહરૂખના સોફ્ટ પાવરથી છોડાવ્યા હતા એનો ઋણસ્વીકાર હોય કે ઓપરેશન સિંદૂર બાદ જેમ ભારતનો કેસ મજબૂત કરવા બધે વિપક્ષના નેતાઓ પણ મોકલ્યા એમ આપણી એકતાનો સ્ટ્રોંગ મેસેજ દેવાનો હોય !
જે હોય તે, અનેક ઉત્તમ ફિલ્મો બાદ રેવેનન્ટ માટે લિયોનાર્દોને ઓસ્કર મળ્યો ત્યારે એ એની એક ફિલ્મ ને બદલે આખી કરિઅરની કદર ગણાઈ ગઈ એમ અંતે નેશનલ એવોર્ડને શાહરૂખ મળ્યો ત્યારે ભારતની છાપ તો સારી પડે જ કે આ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવી મઝહબી કટ્ટરતા કરતા અલગ છે. આમ પણ પ્રિય ત્રણ પુસ્તકમાં એક રામાયણ ગણાવતો આપણો એસઆરકે પરદેશમાં સુપર પોપ્યુલર છે, એટલે બ્રાન્ડિંગ તો વિદેશમાં દેશનું વધે જ.
ને એટલે વર્ષો પહેલા ઈન્ડિયા ટુડે કોંકલેવમાં એણે મેસ્મેરાઇઝિંગ સ્પીચ આપેલી યાદ આવી ગઈ ! 'ધર્મ અને કળા' જેવા ગહન વિષય પર એની ઈન્ટેલીજન્સ અને ઈમોશન્સની સલામી આપવી પડે તેવી સાબિતી એમાં છે. કાન જ નહિ, મન દઈને સાંભળવી પડે એવી એની ફન, ફિલોસોફીથી છલોછલ વાણીના આસ્વાદની ઝલક જરા માણો, કોઈ ચેનલચતુર ધર્મઘુરંધર કરતાં ખૂબ ઊંચી દાર્શનિક વાતો એણે કરી છે ! ટેઈક આ લૂક, ઓવર ટુ શાહરૂખ.
***
''આપણે એક અચોક્કસ દુનિયામાં જીવીએ છીએ. જ્યાં આપણા અનેક ભાઈઓ-બહેનો અસલામતીમાં રાત્રે સૂઈ શકતા નથી. નવેમ્બર ૨૬ (૨૦૦૮)ના મુંબઈમાં હુમલો થયો ત્યારે હું અસ્વસ્થ હતો. કેટલાંક લોકો ભાગ્યશાળી હતા, કેટલાક નહોતા. અને આપણી દીવાલો ગમે તેટલી ઉંચી કરીએ, વધુ કૂતરાઓ સિક્યોરિટી માટે રાખીએ - એક વાત સ્પષ્ટ છે. આપણા માટે છૂપાવાની જગ્યા નથી. વી આર ઓલ વલ્નરેબલ !''
આ પરિસ્થિતિમાં આપણે નવી નજરે જોઈ શકીએ કે કળા આપણા જીવનમાં કેટલો ફેરફાર કરી શકે. પહેલા તો, શા માટે કળા આપણું ધ્યાન ખેંચે છે ? કળા આકર્ષે છે નવી પેટર્ન, ટેકસ્ચર, કલર, (મ્યુઝિકલ) નોટ, રિધમ કે લાઈટ-ડાર્ક શેડ્સથી ગોપીકૃષ્ણ કે અસ્તાદ દેબૂના ડાન્સ સ્ટેપ્સ, રહેમાનનું સંગીત કે હુસેનના ચિત્રો, દિલીપકુમાર કે અમિતાભ બચ્ચનનો અભિનય - બઘું આકર્ષે છે કારણ કે આપણી ભીતરમાં ઉંડે ઉંડે ધરબાયેલી કશીક સંવેદનાઓ સપાટી પર આવી જાય છે, જ્યારે આપણે આપણી પસંદગીની કળા અનુભવીએ છીએ. અને ખૂબ સૂક્ષ્મ પણ ખૂબ મહત્ત્વનું એક વધુ કારણ છે - બ્યુટી. સૌંદર્ય અપરાજીત છે. એને માપી શકાતું નથી, પણ પ્રેમની માફક એ આપણો કબજો લઈ લે છે, અને પ્રેમની માફક જ એ ક્યાંથી આવે છે તે હું જાણતો નથી. પણ જ્યારે એ જોઉં છું, ત્યારે એને ઓળખી શકું છું. સૌંદર્ય મારા પર જાદૂ કરે છે. એ કોઈ માનવસર્જીત કળાકૃતિનું હોય કે પછી પછી પ્રકૃતિનું હોય ! ચિત્રનું હોય કે સંગીતનું.... બેલે ડાન્સ, કે ખીલેલું કોઈ પુષ્પ, દોડતો ઘોડો કે પછી ધુમ્મસાચ્છાદિત
કોઈ પર્વત.
તો પછી કળાનો નફરત, વેદના કે ખોટ સાથે શો સંબંધ ? કળા સાથેનું આપણું મિલન આપણને બદલાવે છે. થોડા સમય માટે આપણા કાયમી ભય અને અનિશ્ચિતતાના માહોલથી આપણને દૂર લઈ જાય છે. આર્ટથી કંઈ હિંસા, માંદગી કે યુદ્ધો અટકવાના નથી, પણ એ આપણને એક નવી જગ્યાએ લઈ જઈ શકે છે. બીજા કાળમાં નવા દ્રષ્ટિકોણ સાથે ! કળા આપણને બદલાવી, ઘૂમાવી એક આગવી આઝાદીનો શ્વાસ આપે છે. જે ભલે હંમેશા ટકે નહિ, પણ એ આપણને તરોતાજા કરે, જેથી આપણે પેલી નફરત સામેની લડાઈમાં ફરી ઝઝૂમી શકીએ ! અને એ જાણીએ કે માત્ર એ (હિંસા, ધિક્કાર, વિકૃતિ) જ વાસ્તવિકતા નથી. ભગવાનના મહાન સર્જનમાં સારું અને ખરાબ, પ્રેમ અને નફરત, સૌંદર્ય અને ખાલીપો, પીડા અને આનંદ બંને હોય છે. જીવવાની પાયાની તરકીબ છે, આ બાબતોને ઓળખવી. આપણા જીવનના અંધારા અને અજવાળાને નકારવા નહિ, પણ તેને ઓળખવા !
બીજી યુક્તિ છે લાઈટ એન્ડ ડાર્કનેસ વચ્ચે એક આપણો માર્ગ કંડારવાની, જેથી આપણે ઠેબાં ખાઈને પડી ન જઈએ. ત્રીજી તરકીબ છે - જો કદાચ પડી જઈએ, ભલે વારંવાર ગબડી પડીએ - પણ ફરી ઉભા થઈ, નવેસરથી ચાલવાનું શરૂ કરી યાત્રા ચાલુ રાખીએ !
અને આ સફરમાં કળા ચાવીરૂપ ભૂમિકા ભજવે છે - આપણને 'રિચાર્જ' કરવાની ! જેથી નફરતથી છલોછલ જીંદગીના અચોક્કસ માર્ગ પર ચાલવાની આપણામાં તાકાત આવે. આપણી આસપાસની દુનિયામાં ઘણીખરી નફરત પ્રગટપણે કે પરોક્ષ રીતે આપણી ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી છે. ખોટા અર્થઘટનો, ખોટી પ્રસ્તુતિ, ખોટું માર્ગદર્શન, ખોટી સમજણ. જાપાનીઝ માન્યતા છે કે કળા ધર્મની માતા છે.
'રિલિજયન' શબ્દનું લેટિન મૂળિયું છે 'રિલિજેર...મતલબ, એક કરવું. કળાની કૃતિઓને કુદરતનું અફાટ સૌંદર્ય આપણને જગાડે છે, ખળભળાવે છે, ઉત્તેજીત કરે છે, જેથી આપણી અંદર ઉંડે પડેલી લાગણીઓ સંતોષાય. ધર્મ પણ જીંદગીના અલગ-અલગ ટુકડાઓ, વિરોધાભાસી કે સમાન, ને જોડે છે.' બઘું જ સરવાળે એક યુનિવર્સલ, સાર્વત્રિક ઐક્ય રચે છે. શું કળા માણતી વખતે આપણે ધર્મને વચ્ચે લઈ આવીએ છીએ? શું એ હિન્દુએ રચી કે મુસ્લીમે તેના પરથી તેના ગમા-અણગમા નક્કી થવા જોઈએ ? હું જુવાન હતો ત્યારે એવું નહોતો કહેતો કે માઈકલ જેકસનને નહિ સાંભળું કારણ કે એ ખ્રિસ્તી છે. અને એ મિકાઈલ (આ બોલાયું ત્યારે જેકસન જીવતો હતો, અને એણે ઇસ્લામ અંગીકાર કર્યાની અફવા ઉડી હતી) બન્યો એટલે હવે એ સારો કળાકાર થઈ ગયો !
અમેરિકા અત્યારે વિશ્વનો સૌથી લોકપ્રિય દેશ નથી. પણ હજુ યે મારા દીકરાના સુપરહીરોઝ ત્યાંથી આવે છે. પેલો દારૂડિયા આળસુ આફ્રિકન હેનકોક પણ ! આઇપીએલ કંઈ કળા નથી. પણ એક મનોરંજનનો મંચ છે, જ્યાં બધા દેશો એક ડ્રેસિંગ રૂમમાં ભેગા થઈ જાય છે. હું જન્મે મુસલમાન છું, આસ્થાથી ઈસ્લામિક છું અને છતાં હિન્દુ બહુમતીવાળા દેશનો બહુ મોટો સ્ટાર છું. શું આ એક હકીકત પૂરતી નથી કે આપણે કળાને ધર્મના પૂર્વગ્રહો વિના પણ સહેલાઈથી સ્વીકારી શકીએ છીએ ?
આપણા ધર્મને તો પછી શું થયું છે ? ક્યારથી મંદિરના ઘંટારવ અને ચર્ચના બેલ, મિનારા પરથી થતી અઝાન અને બૌદ્ધ મંત્રગાન, યહૂદી ગીતકથાઓ અને આફ્રિકન ડ્રમ્સમાંથી આ વિરોધાભાસી ધિક્કારનું બેસુરું સંગીત વાગવા લાગ્યું ? મધર આર્ટ કયાં પોતાના સંતાન ધર્મને શિક્ષણ આપવામાં કાચી પડી ?
કદાચ એટલે કે તમે અને હું એવું માનીએ છીએ કે શાંતિ એટલે યુદ્ધ પર પ્રતિબંધ. ત્રાસવાદનો અંત. રાસાયણિક શસ્ત્રોથી મુક્તિ. આપણે બધા ખોટા છીએ. આ તો શાંતિની માણસે બનાવેલી વ્યાખ્યા છે. ઈશ્વરની શાંતિની વ્યાખ્યા છે - જ્યારે તમે કોઈ સરસ દ્રશ્ય નિહાળો છો, રમણીય હરિયાળી-પર્વતો જુઓ છો ત્યારે તમારામાં અનુભવાતું સૌંદર્ય ! જ્યારે તમે નદીઓના વહેવાનું સંગીત સાંભળો, પંખીઓનો કલરવ કે સૂફી કવિતા સાંભળો ત્યારે અનુભવાતી લાગણી. જ્યારે તમે કોઈ પવિત્ર મહામાનવોની વાર્તા સાંભળો કે શ્રદ્ધાથી કોઈ તમારા મનપસંદ સત્સંગમાં બેસો ત્યારે અનુભવાતો સ્નેહ ! આ પણ કળા છે. ભલેને બધાની આસ્થા અલગ અલગ હોય - એ સીધી જ સંવેદનોના ઊંડાણને સ્પર્શે છે. અલ્લાહ કરૂણામય છે, એ હિંસક લડાઈને 'પવિત્ર' ન કહી શકે ! ભગવાન કૃપાલુ હૈ, દયાલુ હૈ, મુક્તિ દિલાતે હૈ. મંદિર ઔર મસ્જીદ નહિ તુડવાતે હૈ ! બાઈબલ કોઈ તમાચો મારે તો નવો ગાલ ધરવાનું કહે છે, નવી ક્રેઝ શરૂ કરવાનું નહિ. પ્રભુએ આપણને કળા આપી છે. શાંતિના સાધન તરીકે ધિક્કાર-તિરસ્કારને જીતી સંવાદિતાથી જીવવા માટે.
કમનસીબે, અત્યારની આ નફરતને કળા નિયંત્રિત કરી શકે તેમ નથી. સંતુલન મેળવવામાં બહુ લાંબો સમય લાગશે. કદાચ એના પ્રયત્નોમાં આપણે બધા ખતમ પણ થઈ જઈએ. પણ કળા તેના તમામ રંગો વ્યક્ત કરીને આપણને તક આપે છે - જીંદગીની બહેતર બાજુ નિહાળવાની. હું માનું છું આપણે એને જીવનશૈલી તરીકે સ્વીકારવી જોઈએ ! એ પહેલાં કે બહુ મોડું થઈ જાય, કળાના સહારે આસપાસ ભરડો લઈ ગયેલી નફરતમાંથી થોડી પળો મનને દૂર વાળવું જોઈએ. માતા કળા પોતાના સંતાન ધર્મને સતત ધૃણા, દ્વેષના માર્ગે ચાલતું જોઈ રડી રહી છે. અને પિતા ઈશ્વર શાંતિ, સૌંદર્ય અને પ્રેમને તક આપવા માંગે છે.
જો આપણે એકબીજાને મારી નાખવા જ માંગતા હોઈએ, તો એમ કરીએ, પણ ભગવાનના નામનું એ માટે ઓઠું લેવાનું પ્લીઝ, બંધ કરીએ. આ જરા હિન્દી ફિલ્મો જેવી વાત છે, પણ મને ફિલ્મસ્ટાર તરીકે ખુશી થશે જો કોઈ તેને સમજી શકશે !''
***
એ પછીની પ્રશ્નોત્તરીમાં પણ એ રાબેતા મુજબ કટાક્ષમય નિખાલસતાથી બોલ્યો હતો. એણે કહ્યું 'કળા તમામ પ્રશ્નોનું સમાધાન નથી. પણ તેનાથી કુદરતના રહસ્યની નજીક આવી શકાય છે. પોતાની જાતને આપીએ એટલું બીજાને આપતા શીખી શકાય છે. સંદેશાઓ માટે પોસ્ટ ઓફિસ છે, મનોરંજન માટે ફિલ્મો કળામાં દરેક વખતે સંદેશ હોય જ, એવું જરૂરી નથી.'
ઈસ્લામ અંગે પણ એણે રોકડી વાતો કરી. 'હું મુલ્લાના નહિ, અલ્લાના ઇસ્લામમાં માનું છું.' વાળા સ્ટેટમેન્ટનો બચાવ કરતાં તેણે કહ્યું - 'હું મુસ્લિમ છું, પણ મોડર્ન મુસ્લિમ છું. ઠીક છે, જોક કરું છું, પણ ગંભીર વિચારો ય કરું છું. યંગસ્ટર્સ એમાંથી કશુંક શીખી શકે. મુસ્લિમ હોવું એ ખરાબ બાબત નથી. હું ખાન છું, ને હું ત્રાસવાદી નથી. શું દરેક આવા મુસ્લીમ બનીને દાખલો ન બેસાડી શકે ?
ફેમસ થવામાં કશું ખોટું નથી. પણ તમે એ માટે વધુ ડિઝર્વિંગ (યોગ્ય) રસ્તો પસંદ કરો એ સાચું છે. સિનેમાથી લોકોના ડ્રેસની સ્ટાઈલ બદલાવી શકાય છે, પણ વિચારો નહિ ! લોકો બદલાવા માટે નહિ, સમસ્યાઓથી ભાગવા માટે ફિલ્મો જુએ છે !અધ્યાત્મ અંગત બાબત છે, અંદરથી આવે. મારે માટે અભિનય અધ્યાત્મ છે, બીજા માટે બીજું કંઈ. કોર્પોરેટ કલ્ચર બધું પૈસા અને વળતરથી જુએ છે, સુસ્મિતા સેનને સાડીમાં જોવાનો કે પીળા ફુલોને જોવાનો આનંદ નહિ ! આપણું કોઈ ઘટના પ્રત્યેનું રિએકશન, આપણું શિક્ષણ દર્શાવે છે !
હા, હું મુસ્લિમ છું. ઇટ્સ ફેન્ટાસ્ટિક ! એન્ડ ઈટ્સ ફેન્ટાસ્ટિક ટુ બી હિન્દુ અને ક્રિશ્ચિયન ટુ. શ્રદ્ધા એટલે એક બાબતની અનેક રીતે થતી ઉપાસના. ધર્મ એટલે વિવિધ શ્રદ્ધાનું સંયોજન. જેમ અલગ ખોરાક કે અલગ ભાષા હોય, એમ અલગ-અલગ શ્રદ્ધા હોય. એમાં આટલું માનસિક બીમાર કટ્ટરવાદી વલણ શું રાખવું ? હું કેથોલિક સ્કૂલમાં ભણ્યો, તેનું મને ગૌરવ છે. દિલ્લીની રામલીલાની વાનરસેનામાં હું ભાગ લેતો. બહુ મજા આવતી. મને તો બધા ધર્મો ગમે છે. મારી પત્ની ગૌરી હિન્દુ છે. મારા બાળકો (આર્યન, સુહાના) બિસ્મિલ્લાહ અને ગાયત્રી મંત્ર બંને બોલે છે. એ મને બહુ સુંદર લાગે છે. કુરાનના શબ્દો અને બાઈબલ, તોરાહ, ગીતામાં મને ફરક લાગતો નથી. એક જ વિચારના જુદા જુદા અનુવાદો છે. તો પછી આટલા ઝગડા શા માટે, ભલા ? પ્રેમ અને સારપની નવી-નવી નવલકથાઓ એટલે જાત-ભાતના ધર્મો !'
માણસ ગોરો, કાળો હોઈ શકે. હિન્દુ, મુસ્લિમ હોઈ શકે. પણ આત્મા નહિ. મહત્વનું એ છે કે તમારી અંદરનો આત્મા કેવો છે ? સારા-ખરાબના ચુકાદા બહારના લેબલને બદલે અંદરના ગુણ-અવગુણથી અપાય એ દુનિયા વઘુ સલામત છે. કારણ કે, આ સિક્યુરિટીના કોચલામાં કેદ ભયભીત દુનિયા કોઈ એલીયન્સે નહિ, આપણે જ સર્જી છે. આપણા જ કર્મોથી આ અવિશ્વાસ રચાયો !'
જેબ્બાત. નિષ્ફળતા બાદ હતાશાના વિચારો દૂર કરવા કચરો સાફ કરવા જેવા નાના નાના કામ કરવા જેવી સેલ્ફ થેરેપી અજમાવતા શાહરૂખનું જીનિયસ બ્રેઇન ફાંકોડી ફોરવર્ડિયા મેસેજોમાં સમાય કે સમજાય એમ નથી ટ્રોલિયાઓને. સમાજને ને ડહાપણની વાત કહેતા કલાકારોની આજે છે એટલી જરૂર ક્યારેય નહોતી. શાહરૂખખાન પોતે જ એક નેશનલ ટ્રેેઝર છે !
ઝિંગ થિંગ
'હું કોઈ યુવાનને કહેતો જ નથી કે તમે કાયમ સમાજસેવા કરો. હું કહું છું કે તમારા સપના પુરા કરો. જે કંઈ બનવા માંગતા હો એ બનો. મોટું ઘર લો, લાંબી ગાડી લો. પણ પછી મનના એક ખૂણે સતત યાદ રાખો કે આ ધરતી પર તમારા જન્મ પાછળ કોઈક ઉમદા હેતુ તો છે. માણસ બનીને માણસ માટે કંઈક સારું કરવાનો... ' ( શાહરૂખ ખાન )