અકાળે વરસતું પાણી, ખેતીને ગયું તાણી! શું હોઈ શકે કિસાનની વેદનાનું સમાધાન?

- અનાવૃત-જય વસાવડા
- ખેડૂતોમાંના ઘણા હવે પહેલા જેવું લાલનપાલન પશુઓનું કરતા નથી. ઘરડા ઢોરને છૂટા મૂકી દે છે. જમીનના કસ કેમિકલ્સથી નીચોવી લે છે
छप्पर टपकता रहा मेरा फिर भी
मैंने बारिश की दुआ की
मेरे दादा को परदादा से
पिता को दादा से
और मुझे पिता से जो विरासत मिली
वही सौंपना चाहता था मैं अपने बेटे को
देना चाहता था थोड़ी-सी जमीन
और एक मुट्ठी बीज की
सबकी भूख मिटाई जा सके
इसलिए मैंने यकीन किया
उनकी हर एक बात पर
भाषण में कहे जज्बात पर
मैं मुग्ध होकर देखता रहा
आसमान की तरफ उठे उनके सर
और उन्होंने मेरे पैरों के नीचे से जमीन खींच ली
मुझे अन्नदाता होने का अभिमान था
यही अपराध था मेरा कि
मैं एक किसान था।
અ ક્ષય અને અજયની જોલી એલએલબી થ્રી ફિલ્મ હમણાં આવી, એમાં આરંભે જ એક ખેડૂતનું પાત્ર આત્મહત્યા કરે છે. (આખી ફિલ્મ જ ખેડૂતોને ખાઈ જતી પોલિટિક્સ અને કોર્પોરેટ વર્લ્ડની સાંઠગાંઠ પર છે! પણ ઓછા ખેડૂતોએ એને જોવાની તકલીફ લીધી હશે આપણે ત્યાં !) ત્યારે આ કવિતા રજુ થાય છે. આ કવિતા છે મૂળ ગજાનન માધવ મુક્તિબોધની.
મુક્તિબોધ મધ્યપ્રદેશના વાતની અને હિન્દી સાહિત્યમાં પાશ કે દુષ્યંતકુમાર જેવી દઝાડી દે એવી કવિતાઓના ક્રાંતિકારી સર્જક. ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૪ના રોજ માત્ર ૪૬ વર્ષની વયે ગુજરી ગયેલા. વિપ્લવી મિજાજે એમને તેજાબી રચનાઓ આપી પણ જોડે મુફલિસી પણ આપી. ગુજરી ગયા એવી મુફલિસીમાં કે એક જોડી ચપ્પલ પણ એમની પાસે ઘેર નહોતા. એમની અંતિમયાત્રામાં દોડીને ગયેલા વિશ્વમાં સૌથી મોંઘા ભારતીય ચિત્રકાર ગણાયેલા મકબૂલ ફિદા હુસેને આ હાલત જોઈ. એમને ભારે અફસોસ થયો કે આવો દાદૂ કવિ આમ બેહાલીમાં જીવ્યો ને મને એની ખબર ના પડી ને હું એના માટે કશું કરી ના શક્યો ! અને ત્યારથી હુસેને એ વસવસાને લીધે પોતે પગમાં ચપ્પલ પહેરવાનું કાયમ માટે છોડી દીધું ! એમને ઉઘાડપગા કહીને ચીડવનારા કે પધ્ધતિસર એમની વિરુદ્ધ ખાસ ઉભા કરાયેલા તદ્દન વાહિયાત અપપ્રચારને લીધે એમની સૂગ ધરાવતા કેટલા એક સપ્તાહ માટે પણ પોતે પગરખાં વગર ફરશે કોઈ જાતિ કે ધર્મના ભેદ વિના કોઈ પ્રતિભાને સમાજે કરેલા અન્યાય કે શોષણથી વ્યથિત થઈને ?
બસ, પાણી તો જરૂર કરતા વધુ વરસે છે પણ આંખના ખૂણે આ ભીનાશની અછત છે. આ વખતે દિવસો સુધી જે કમોસમી વરસાદ ખાબક્યો, એનો ડૂમો ગુજરાતના ખેડૂતના ગળે ભરાયો છે. ઉભો મોલ ઘણાનો ધોવાઈ ગયો. મોટા ભાગે આ સિઝનમાં મગફળી વાવી હોય. એક અભિપ્રાય એવો આવ્યો હિંમતભાઈ જેવા ખેડના અનુભવીનો કે 'અત્યારે વેલડી કે વેલેન્સિયા ગીરનારી મગફળી જ ખેતરોમા હોય કારણ કે તેમને પુર્ણ રીતે પાકતા ૧૩૦ થી ૧૪૦ દીવસ લાગે. બીજુ કે આ મગફળીનો પાલો પશૂઓ માટે બહૂ જ સારો ગણાય, પણ મગફળી ખેતરમા પલળે તોયે બહુ ફરક પડતો નથી, હા પાલો સાવ અખાદ્ય થઈ જાય જેને લીધે ખેડૂતોને બાયપ્રોડક્ટરૂપે મળતા આ રેસીડયૂની સિઝન મુજબ વીસ ટકા જેટલી નુકશાની ગણાય.'
પણ આ સાથે નાગજીભાઈ નામના ખેડુનો અનુભવ એમની જ જબાનમાં વાસ્તવિકતા સમજવા વાંચો ઃ 'અમોને હવામાન ખાતાની આગાહી મુજબ અગાઉ માહિતી હતી કે ૨૬ તારીખ થી માવઠાની શક્યતા છે પરંતુ મારે ૧૫ તારીખે મગફળી ખેંચાઈ ને પાથરા થઇ ગયા હતા જે સુકાઇ ને ૨૧ તારીખે તૈયાર થઈ ગયા હતા પરંતુ મગફળીના થ્રેશર (લીલા છોડમાંથી મગફળી જુદી કરતુ મશીન) મળવામાં ખુબ મુશ્કેલી હોય છે કારણકે એક સાથે બધાના ખળા (હાર્વેસ્ટ) ચાલતા હોય અને આ સીઝનમાં મજુરોની પણ એટલીજ અછત હોય. એટલે છેક ૨૭ તારીખે રાત્રે આઠ વાગ્યે થ્રેશર આવ્યુ અને એકાદ કલાક ચાલ્યું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે બાકીની મગફળી ઢાંકી દીધી પરંતુ એ પણ બગડી અને ખેતરમાં તુટેલી જે વીણવાની બાકી હોય તે ઉગી જાય આવું જ કપાસમાં પણ થાય. નવા ફાલના છાપ્પા ખરી જાય અને વીણવાલાયક કપાસ વરસાદના કારણે ઉગી જાય. આવું જ મરચામાં પણ. તૈયાર માલ વીણેલા અને વીણ્યા વગરના બન્ને અવસ્થામાં વરસાદ થી બગડી જાય. દરેક ખેડૂતો પાસે તૈયાર માલ નાખવાની અપુરતી સગવડના હિસાબે માલ પલળી જાય. જે સરકારના સર્વેમાં સર્વેયરોના ગળે નથી ઉતરી શકતુ તેના હિસાબે ખેડૂતો નો આક્રોશ વધારે પ્રબળ બનતો હોય છે.. આગોતરી જાણ હોવા છતા કાંઈ નથી થઇ શકતું !'
આ સમજૂતી કે પાંચ દિવસ વરસાદી ભેજવાળું વાતાવરણ અત્યારે રહે એમાં પાંચસો કરોડ જેવી નુકસાની કેમ આવે એની. જેમણે મગફળીને કાઢી લીધી છે, પરંતુ થ્રેશરમાં નાખી ડોડવા અલગ નથી કરી શકાયા તેવા ડોડવા પલળવાને કારણે કાળા પડી જાય. પરિણામે તેનો બજારભાવ નીચો રહે. આવા દાણામાં ભેજ સુકાય નહિ તો દાણો નાનો રહે અને ફોતરું મોટું લાગે તો પણ એનું અંદર વજન ઘટે. એટલે ખેડૂતો માટે ઉત્પાદન પણ ઘટશે. જે છોડવાનો પાથરો કે પશુધનનો પાલો પાથરેલો છે ખેતરમાં પણ ઢાંકીને સરખો સાચવી નથી શકાયો એને આ વરસાદના માહોલમાં ફૂગ લાગી શકે. બાફ લાગતા સ્વાદ ફરી જાય. ઉઘાડ ને તડકો જલ્દી નીકળે તો કાળી મગફળી સુકવી શકાય. પણ એવું થયું નહિ ને આ મગફળીનું તેલ પણ બહુ સારું ના નીકળે. એને પ્રોસેસ કરવું પડે લાલમાંથી પીળું કરવા!
વારંવાર સૌજન્યની શિખામણો દેતા કેટલાય ભદ્રજનોની આ મુદ્દે કોઈ સંવેદના પણ જાગી નહિ ! એ પાકની નુકસાનીનું વળતર તો ના આપી શકે, પણ આ પીડા સમજીને સધિયારાના બે શબ્દો તો કહી શકે. આમ પણ ઈલેકશન તો હજુ બિહારમાં છે. ગુજરાતમાં નહિ, એટલે સરકારે પણ તાબડતોબ દિલાસાથી કામ ચલાવ્યું છે. જો કે કૃષિમંત્રીએ ભરોસો આપ્યો છે એટલે કદાચ આ છપાય ત્યાં સુધીમાં કોઈ રાહત પેકેજ ડિક્લેર થાય એ શક્યતા છે. એ ખરું કે ક્લાઈમેટ ચેન્જને લીધે મોસમ જ હવે ગુજરાતમાં બદલાતી જાય છે, ને ચોમાસાની પેટર્ન ફરતી જાય છે એમાં ખેડૂતોની વિશાળ સંખ્યા ને પારદર્શક ગણાય એવા ડોક્યુમેન્ટેશન કે શિક્ષણનો ગ્રામ્ય ખેડૂતોમાં મોટા પાયે અભાવ જોતા સહાય યોગ્ય હાથો સુધી તરત પહોંચાડવી કોઈ પણ સરકાર માટે કઠિન છે. પણ એ ય ખરું કે પ્રધાનમંત્રી ગુજરાતના હોવા છતાં એમની જ ફસલ વીમા યોજના અરુણાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં સરખી લાગુ નથી થઇ.
પ્રિમીયમ ભર્યા બાદ ટાણે વીમો નથી મળતો એ ફરિયાદ ખેડૂતો કરે છે. અને ખોટા દાવા કરાય છે ને જે નોંધ્યો હોય એનાથી અલગ પાક લેવાય છે, હેલિકોપ્ટર સર્વેમાં ભળતા દ્રશ્યો આવે છે, એવો બચાવ સરકારે આગળ કરેલી વિમા કંપનીઓ કરે છે. ૨૦૧૭માં આ મુદ્દે કેટલાક જાગૃત ખેડૂતો કોર્ટમાં ગયા. પછી બીજા જોડાતા ૧૫,૦૪૭ જેટલા અરજદારો થયા. છેક આ ૨૦૨૫ની સાતમી ઓક્ટોબર યાને હમણાં મહિના પહેલા હાઇકોર્ટનો ચૂકાદો કિસાનોની ફેવરમાં આવ્યો કે એમને હક મુજબ વીમો મળવો જોઈએ. મળ્યો કે કેમ એ હજુ ખ્યાલ નથી. પણ આઠ વર્ષ સુધી અદાલતમાં લડવું પડે વીમા માટે તો ત્યાં સુધીમાં જે રોટેશનમાં ચાલતી આવક મુજબ ખેતી કરતા હોય એની તો કેડ જ ભાંગી જાય ને !
અગાઉ કિસાન આંદોલન વખતે વિગતે છણાવટ કરી હતી એમ વરસાદ વધુ હોય કે ઓછો, ખેડૂતની કાયમી સમસ્યા ને એનું સોલ્યુશન છે ઃ એમએસપી યાને ટેકાના ભાવ. બધા ધંધામાં વેપારી પોતાની કિંમત નક્કી કરી શકે પણ ખેતીમાં મોટે ભાગે ખેડૂત સંગઠ્ઠન અને ભણતરના અભાવે પોતાને અનુકુળ ભાવ લઇ શકતો નથી. વચેટિયા મારફતે એ વસ્તુ ગ્રાહકોને મળે ત્યારે નફાનો માર્જીન વધુ હોય છે, જેમાં ખેડૂતના ફાળે કશું મોંઘવારી વધે તો પણ આવતું નથી. આવકવેરો એને દેવાનો ના થાય તો પણ ખર્ચ ઘરમાં થાય એના પર વેરા તો મોંઘવારીમાં વધુ દેવા પડે. બીજા જોખમ પણ ખરા કુદરતી આફતો, જીવાત વગેરે.
સામે પક્ષે દલીલ એ પણ છે કે ભારતની ખેતી સાથે સંકળાયેલી વસતિ જોતા રાતોરાત એ કરવું શક્ય નથી. એટલે કોઈ પણ પક્ષ હોય બધા દેવા માફીના પેકેજ આપ્યા કરે ને અવનવી યોજનાઓ જાહેર કરે મતદારવર્ગ મોટો છે એ ધ્યાનમાં રાખીને પણ આવી અબજોના આંધણ જેવી જવાબદારી ના લે. ખેડૂતો બધા ભલાભોળા હોય છે એવું નથી. કેટલાય લુચ્ચા કે બેઈમાન હોય છે તો ખોટું બોલીને રાહત પડાવે એવું પણ બને છે. સેટેલાઈટ સર્વેમાં વાવેલો પાક દેખાય એ નોંધણીમાં ના હોય એવું પણ બને. કૃષિ ઓર્ગેનાઈઝ્ડ સેક્ટર નથી. સાયન્ટીફીક ડેટા એનો અપટુડેટ નથી. એમાં ઉસ્તાદો ઘણી ગોબાચારી કરી શકે. વળી બિયારણ, ખાત્ર, દવાઓ વગેરેની તોતિંગ કંપનીઓના સ્વાર્થ પણ હોય ને ખેતીની જમીન પર વિકાસના ઉદ્યોગો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ થાય એવું પણ બને. ખેતીમાં ઘણી વસતિ છે પણ બધી પ્રોડકટીવ નથી. સરકાર પરદેશથી અમુક ખેતપેદાશો મંગાવવાની છૂટ આપે એટલે ઘરઆંગણે ભાવ તૂટે.
આ ગજગ્રાહ કોઈ ઉકેલની દિશામાં વર્ષોથી જતો નથી. અને આપણે ત્યાં ફોરેન જેવી ટેકનોલોજી કે સ્ટોરેજ બધા પાસે નથી. આર્થિક રીતે એ પોસાય નહિ. સરકારી તંત્ર સડક કેવી બનાવે છે જેમાં નવા રોડ પર ટોલ ઉઘરાવ્યા ને રોડ ટેક્સ લીધા પછી પણ કેટલા ખાડા હોય એ કરપ્શન નજર સામે છે. એટલે કાગળભાષણમાં જે વાયદાઓ થાય છે, એ નિભાવાતા નથી. ૨૦૧૪માં એમએસપીનું વચન એમ તો અપાયેલું. પણ એ લદાખ ને રાજ્ય બનાવવા જેવું નીકળ્યું. સ્વામીનાથન સમિતિની ભલામણ છે જ અમલ કરવાનો ઈરાદો અને સગવડ હોય તો. વિપક્ષમાં હોય ત્યારે બધા ખેડૂતો માટે આંદોલન કરે, પણ સત્તામાં હોય તો ઝાઝો ફર્ક ના પડે. મોંઘવારીમાં વધારો દર વર્ષે જેમ સરકારી કર્મચારીઓને મળે એવી સિક્યોરીટી ખેડૂતને નથી. વહેવાર ચલાવવા કે જૂના નુકસાનની ભરપાઈ કરવા નવું વાવેતર કરવા દેવું કરવું પડે. ધિરાણ અમુકને ફટાફટ મળે ને અમુકને મળે નહિ એટલે વળી સરકારી સહાય પર આધાર રાખવો પડે.
આમ જ લગાન મહેસૂલના જૂના જમાનાથી ચાલ્યું આવે છે. બીજી બાજુ એ પણ છે કે સરકાર ખરીદી કરે એમાં સાંઠગાંઠ કરીને જેમતેમ માલ પધરાવી દેવાય છે. ક્વોલિટીના ઠેકાણા હોતા નથી. કેટલાક માત્ર રોદણાં રોઈ રોઈ સતત બધેથી માંગ્યા જ કરે પણ સામું કશું આપતા નથી. એમને સ્વાવલંબી કે ખુદ્દાર થવાને બદલે ઓશિયાળા થવાની આદત પડી ગઈ છે. મૂળ તો વાત નીતિ અને વિશ્વાસની છે, જેનો કાયમી દુકાળ છે. આટલું પાણી વરસે છતાં પીવાના કે અન્ય પાણીની અછત ઉનાળામાં ચાલુ થઇ જશે. જળસંચય બાબતે પણ ક્યાં એટલી જાગૃતિ કે નીતિ છે કોઈ ?
એટલે સમાધાન તો બેઉ પક્ષે ન્યાય અને પારદર્શકતા જ છે. એમએસપી, વીમો, વિદેશી આયાતો પર અંકુશ ને સ્ટોરેજ ચાર બાબતોનો ઉકેલ આમ સાદો છે, પણ એટલા પક્ષકારો છે એમાં કે પેચીદો થયો છે. અને એમાં ભીતિ મોટા ખેડૂત કરતા નાના ખેડૂતના શોષણની છે. આને આ મુદ્દો સમજવા જેવો છે. ભારતમાં ખેતી ટકાવવી હોય તો હવે અમૂલ દ્વારા દૂધમાં ત્રિભુવનદાસ પટેલ ને ડો. કુરિયને જે સહકારી મોડેલ અસરકારી બનાવ્યું એ જ આખરી ઉપાય છે. જે ગાંધીજી પહેલેથી સુચવી ગયેલા.
સમજજો. આપણે ત્યાં સંયુક્ત કુટુંબો માત્ર આદર્શોના સપનામાં છે, વાસ્તવમાં એ શક્ય નથી રહ્યા. આજે છે એ પણ આવતીકાલે નહિ હોય. તો ખેતીની જમીનો વહેંચાતી રહેવાની મિલકત વધે નહિ ત્યારે વારસદારોમાં. એ ભાગના અનંતકાળ સુધી ઉકેલાઈ નહિ તેવા ઝગડા પણ ચાલે છે. ને અમુક ખેડૂતો ક્જીયાથી કંટાળીને સંતાનોને ભણાવી ને ખેતીથી દૂર કરી દે છે. સરવાળે, ખેડૂતો વધતા જશે પણ ખેતર નાના થશે. એટલે શોષણ પણ વધશે. સચોટ ઉકેલ ભેગા મળીને ખેતી કરવાનો કે એક બનીને એની ઉપજ વેંચવાનો છે. ઈંટરનેટના યુગમાં મોબાઈલ કે ટ્રેક્ટર શીખી ગયા એમ ઓનલાઈન ટ્રેડિંગ પણ શીખી લે તો અંદરોઅંદર સ્પર્ધામાં શક્તિ વેડફવાને બદલે જરૂરી એક્સપોર્ટ પણ થાય કમાણી વધારતું.
બીજી વાત એ પણ છે કે ખેતીમાં અનીતિ વધી ગઈ છે. ઉત્પાદન માટે બેફામ ઝેરી દવાઓ નાખી જાહેર આરોગ્ય સાથે ચેડા પણ જગતાત કરી રહ્યા છે. એક ખેડૂત યુવકે કહેલું કે કોબીનાં પાંદડે પાંદડે જે દવાઓનું ઝેર છે એ જુઓ તો ધોઈને પણ તમે ના ખાવ. અમે નથી ખાતા. સસ્તા જથ્થાબંધ અનાજ કે શાકમાં જે પૈસા બચે એ તબિયત માટે ખર્ચાઈ જવાના છે. ખેડૂતોમાંના ઘણા હવે પહેલા જેવું લાલનપાલન પશુઓનું કરતા નથી. ઘરડા ઢોરને છૂટા મૂકી દે છે. જમીનના કસ કેમિકલ્સથી નીચોવી લે છે. સ્વાદ પણ પહેલા જેવો રહ્યો નથી પ્રિમીયમ કે ઓર્ગેનિક ના લો તો. દેશની વસતિ એટલી છે કે કેવળ સજીવ ખેતી પણ પોસાય એમ નથી. તો ભૂખમરો સર્જાઈ જાય. અન્નના વેડફાટ બાબતે પણ લખેલું છે, પણ કોઈ મહત્વનો ફેરફાર દેખાતો નથી. કિસને સેન્સર કરી નાખતી સરકાર પામ ઓઈલથી સંસ્કૃતિને કેટલું નુકસાન છે એ બાબતે ગાંધારી થઇ જાય છે!
અને આજે મોટા ભાગના ખેડૂતોને જ ખેતી કરવી નથી. બધા ભાગિયા રાખે છે. બહારના રાજ્યોના કે નિર્બળ કહેવાતા મજૂરો રાખે છે. પોતે પાણી વળવા જાય ને જાતે જ માટીમાં પગ મુકે એવા પરિવારો ઓછા છે. દેખરેખ રાખે ને વાડીએ બેઠા બેઠા જમીને મોબાઈલ જુએ કે ટોળટપ્પા કરે. વ્યસનો પણ વધતા જાય છે ને એના ખર્ચા પણ. કુરિવાજો કે જ્ઞાતિવાદની જડતા તો ઘટવાને બદલે ચુસ્ત થાય છે.
આવકની તંગી છે ને ખોટા ખરચા ને પરચા દેખાદેખી ને અભણ અજ્ઞાનના ઓછા થતા નથી. મહેનત કર્યા વિના મોજ કરવાની માનસિકતા છે. ગામડે ઘર સારું હોય તો પણ કોઈને સેટ નથી થવું ને નવી પેઢીની દીકરીઓને પરણવું નથી કારણ કે આઝાદીના ૭૫ વર્ષ પછી ગ્રામવિકાસના નામે ચોક્કસ નેતા કે અધિકારી કે વેપારીનો જ વિકાસ થયો છે. આરોગ્ય, શિક્ષણ અને મનોરંજનની ઉત્તમ સુવિધા ગામડે નથી.
એટલે વિકલ્પો શોધવા પડશે. ગુજરાતનું ચોમાસું હવે બદલાતું જાય છે એ પેટર્ન સમજવી પડશે. ટપક સિંચાઈ જેવી નવી વૈજ્ઞાનિક શોધખોળો ઘણી છે. શીખવું પડે સાયન્સ માત્ર બિચારા તરીકે યાચક થવાને બદલે. પાક ફેરવવા પડે ગાડરિયા પ્રવાહને બદલે. નવું ના કરે એને ઉત્ક્રાંતિ જ પતાવી દે છે. દુનિયાના ઘણા દેશોમાં ખેતી બહુ ઓછા લોકો કરે છે, બીજા બીજે જોડાઈ ગયા છે. પણ ઉત્પાદન ઉમદા ને મબલખ થાય છે. એટલે અમારા વગર શું ખાશો વાળી એંટ તો છોડવા જેવી છે. જે ખરેખર તાત હોય એ આવા ત્રાગા ના કરે. બધાનું સહઅસ્તિત્વ છે. ખેતી નહોતી આવડતી ત્યારે પણ ધરતી પર માનવજાત ટકી ગઈ તો અત્યારે કોઈ અભિમાન કરે તો બીજો એની જગ્યા મોકો જોઈ લઇ લેશે!
માટે, આ આફતથી હિંમત પણ નાં હારશો વાલીડા, ભૂકંપ ને સુનામી પછી વિશ્વયુદ્ધ ને અણુબોમ્બ પછી અરે શિકારી પશુઓ અને અદ્રશ્ય વાઇરસ છતાં આપણા પૂર્વજો જીવ્યા તો આપણે આવ્યા. મોસમ તો આવે ને જાય, મક્કમ માનવી ના ફરે ! ખેડૂત હોવું એટલે જ આશાવાદી હોવું !
ઝિંગ થિંગ
'એઆઈ બધું જ કરી શકશે, પણ અન્ન ઉગાડવા ને ખાવા તો માણસનો હાથ હજુ જોઇશે. આવડે તો ખેતીમાં અપાર તકો છે આવતીકાલે. જેમાં જોબ જવાની નથી, ઉભી થવાની છે!' ( વિશ્વનો નંબર વન અબજપતિ ટેકનોક્રેટ ઈલોન મસ્ક)

