અમેરિકા-યુરોપ-યુક્રેન-રશિયા દિલ ભી નહીં દિયા, ઔર દર્દ લે લિયા!
- અનાવૃત-જય વસાવડા
- ટ્રમ્પ માને છે કે રશિયા ચીન તરફ ઢળે એના કરતા એને જ પાર્ટનર બનાવી આખી દુનિયા વહેંચી ખાઈએ!
ક કળાટક્વીન કંગનાએ આડેધડ સ્ટેટમેન્ટ ઠોકાઠોક કરી ચારેબાજુ એવા બાવળીયા વાવ્યા છે કે ઘડીઘડી ચૂંટાયેલા સાંસદના નિવેદન પક્ષના નથી, એવી પ્રવકતાઓએ ચોખવટ કર્યા કરવી પડે છે. ઈમરજન્સી નામનો ચીંથરાનો ચંદરવો એવો ઉભડક ને બોગસ બનાવ્યો કે ઈન્દિરાના અધકચરા વખાણને લીધે ભાજપને ના ગમે, ને અધકચરી ટીકાને લીધે કોંગ્રેસને ના ગમે. પબ્લિક તો સ્માર્ટ હતી. જોવા જ ના ગઈ.
તો ગાંધીજી વિશે બ્રેક વગરના બકવાસ બાદ મુનવ્વર ફારૂકીને પોતાના સ્વહસ્તે ઈનામ આપી સન્માનિત કરનાર કંગનાબેનનું તો કંઈ ઠેકાણુ નહિ, કઈ દિશામાં રોકેટ ફૂટે. પણ એવા એક બોગસ આક્ષેપમાં નામજોગ બોલવામાં તેઓશ્રીને શબ્દોની બાબતમાં જબ્બરદસ્ત ચોકસાઈ ધરાવતા જાવેદ અખ્તરે હડફેટે લઈને કેસ કરી દીધો. તાજેતરમાં ચાર વરસે કંગનાએ કોર્ટમાં લડવાને બદલે સમાધાન કરી લીધું ને નિવેદન આપી જાવેદ અખ્તરના બે નહિ, ચાર મોઢે વખાણ કર્યા ને આગામી ફિલ્મના ગીતો પણ એમની પાસે લખાવવાની ઈચ્છા જાહેર કરી ! નેચરલી, આમાં કોણે ઝૂકવું પડયું એ પાવલીછાપ પાથરણા પાથરનારા દાડિયા મજૂરોને ના સમજાય, પણ બાકીના સમજી જાય !
હવે યુક્રેન-અમેરિકા-રશિયામાં આ કંગના-જાવેદ કેમ આવી ગયા એવો સવાલ થતો હોય તો ઝેલેન્સ્કી-ટ્રમ્પની બેઠકના સેક્યુલર અમેરિકન મીડિયાએ ચગાવેલો રે લોલનો ગરબો ઝીલવાને જ લાયક હશો, એમ સમજવું ! હીહીહી. પોઈન્ટ એ છે કે મોટું બેકિંગ ના હોય, ત્રેવડ ના હોય તો બોલવાના નામે મજબૂત માથાઓ સામે એકધારી હોશિયારી કરવા ના જવાય ! પછી લિમિટ બહાર વાતનું વતેસર કરો તો કાં ફાંકાફોજદારી કરી ટંગડી ઉંચી રાખવી પડે, કાં જેમતેમ કરી માફામાફીથી સંકેલો કરવો પડે. યુક્રેન વોર શરૂ થઈ ત્યારે આખા મામલાની મડાગાંઠ શું છે, એ વિશે સવિસ્તર લખેલું. એનું રિપિટેશન કર્યા વિના આ કોકડું હજુ ક્યાં ગૂંચવાયું છે, એનું આકલન કરીએ. મરવું-મારવું આસાન નથી હોતું, દુનિયાના દરેક યુધ્ધો તો ડાળીએ પાકેલા (જે મોટે ભાગે સડેલા) ફળ છે. પણ એના મૂળિયા અગાઉ નખાઈ ગયેલા હોય છે. આપણે એટલે સરળ સમજૂતી ખાતર ભારેખમ શબ્દાવલિ ને સમીકરણો વિના ટાઈમ ટ્રાવેલ કરીએ.
***
બીજા વિશ્વયુદ્ધમાં 'એલાઈડ-ફોર્સ' તરીકે અમેરિકા ને રશિયા સાથે મળીને હિટલરના નાઝી સૈન્ય સામે લડયા. જીત્યા એમાં યુરોપના બ્રિટન સિવાયના મોટા ભાગના દેશો તો હારેલા હતા. અમેરિકા ને રશિયાનો સિંહફાળો હતો. અમેરિકા તો બહુ મોડું અસ્તિત્વમાં આવ્યું. પણ રશિયા, ચીન, જાપાન, જર્મની, તુર્કી, બ્રિટન વગેરે દેશો પ્રકૃતિએ જ વિસ્તારવાદી. માર ખાઈને ઠમઠોરાયેલા બ્રિટન ને જાપાને તો 'આ અબ લૌટ ચલે' લલકારી વાવટા ઉતારી લીધા. જર્મની ને તુર્કી પાસે પહેલા જેવું સામ્રાજય રહ્યું નહિ. ચીન તો એ વખતે અંગ્રેજોની શાતિરદિમાગથી ઓપિયમ વોર (અફીણના રવાડે ચડી બરબાદ થયેલી પ્રજા) જેવા નુસખાઓથી પાયમાલ હોઈ કાઠું કાઢી શકે એમ નહોતું. વધ્યા વિજેતાઓ અમેરિકા ને રશિયા.
પ્રકૃતિગત રીતે પણ બે 'દોન ધુ્રવ', પોલ્સ એપાર્ટ. માનસિકતા જુદી, ખાનપાન જુદા. સામાજીક માહોલ અલગ. સાહિત્ય પણ અલગ. ભૌગોલિક લોકેશન અલગ. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન) જેવી અડધો ડઝન સંસ્થાઓ અને કેપિટાલિઝમને બ્રાન્ડ બની ગયેલા કોર્પોરેટ કલ્ચરથી ગ્લોબલાઈઝેશનના નામે પગપેસારો શરૂ કર્યો. રશિયાએ સામ્યવાદના વૈચારિક ઓઠાં નીચે પોતાની સેના જ્યાં હતી, એ વિસ્તારમાં નવા પ્રકારનો સામ્રાજયવાદ ફેલાવ્યો. પૂર્વ જર્મની, હંગેરી, ચેક રિપબ્લિક, પોલેન્ડ વગેરે દેશોથી આગળ ચીન કે ઉત્તર કોરિયા પણ આવી ગયા એમાં. અમેરિકાને પડખે ક્યુબા સામ્યવાદી થઈ રશિયાની સોડમાં ભરાયું, એમાં અમેરિકાને કેવી ક્યુબન મિસાઇલ ક્રાઇસીસ થઈ જે પ્રમુખ કેનેડીના સંયમને કારણે ભડકો ન થઈ, એની તો હજુ પણ પોપ્યુલર ફિલ્મો બને છે. રશિયા ત્યારે સાયન્સમાં પણ આગળ હતું, કારણ કે ધર્મ ને ધાર્મિકતામાં સમય બરબાદ કરવાનો નહોતો. અમેરિકાની સીઆઈએ કે ઈઝારાએલની મોસાદ કે બ્રિટનની એમઆઈ મિક્સ જેવી અડધો ડઝન જાસૂસી સંસ્થાઓની 'કોલ્ડ વોર' સામે એકલી રશિયન કેજીબી ટક્કર લેતી હતી, જેમાંથી જ વર્તમાન સર્વેસર્વા વ્લાદીમીર પુતિનનું ઘડતર થયું છે.
તો આ શીતયુદ્ધમાં દુનિયા પર કબજો કરવા પોતપોતાની રીતે કેપિટાલિઝમ અને કોમ્યુનિઝમની વિચારધારા આગળ કરી બંને મહાસત્તાઓ મથતી હતી. અફઘાનિસ્તાનની હોળી પણ એમાં જ સળગી. સામ્યવાદ કરતા મૂડીવાદ વધુ પ્રાકૃતિક છે. ભોગવિલાસની લાલસા મનુષ્યમાં જન્મજાત છે. વેપાર ખીલ્યો એમાં જ દુનિયામાં પરસ્પર વ્યવહાર ખીલ્યો. એટલે રશિયા વિજ્ઞાનમાં અવકાશથી અણુશસ્ત્રો સુધી પહોંચ્યું પણ અર્થતંત્ર જક્કી નેતાઓએ બરબાદ કર્યું ને એ તૂટતા અંતે સોવિયેત સંઘનું વિઘટન થયું ને ૧૫ નવા દેશો બન્યા. મોટા ભાગના ટચૂકડા. પણ ટેકનોલોજીનો વારસો ગળથૂથીમાં લઈને આવેલા (જેમ કે, ઇસ્ટોનિયા) એમાં એક હતું યુક્રેન.
હવે આ યુક્રેનનું ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્વ કાશ્મીર કે તિબેટ જેવું હતું. યુક્રેન નામનો અર્થ જ 'સરહદી વિસ્તાર' એવો થાય ! રશિયાનો દબદબો હતો ત્યારે પણ એને કંઇ પરાણે ભેળવી દેવાયું નહોતું. બલ્કે આજનું રશિયા કહેવાય એ દેશની સ્લાવ લોકોએ સ્થાપના કરી એમનું નગર કીવ એ જ યુક્રેનની વર્તમાન રાજધાની છે. અગાઉ સવિસ્તર લખ્યું એમ યુક્રેન રશિયાએ ગેસથી ઘઉં જે વેચવું હોય જગતને એના માટેનો એક મોટો ટ્રાન્સપોર્ટ ઝોન પણ છે. એના અમુક વિસ્તારમાં રશિયન બોલતા લખતા અને રશિયા સાથે ઇમોશનલ કનેકશન ધરાવતી વસતિ વધુ છે. ૨૦૧૪માં આ જ ભડકો થયો.
પણ ૨૦૧૪ની વાત કરતા પહેલા ૨૦૦૪માં જઇએ. યુક્રેનનની સંસદમાં એક કાયદો આજથી ૨૧ વર્ષ પહેલા પાસ થયો કે 'નાટો'ની સેના ગમે ત્યારે ત્યાં ઉતરી શકે. હન્ડ્રેડ પર્સન્ટ પરમિશન. નાટોનું મેમ્બર યુક્રેન નહોતું તો પણ.
હવે આ નાટો શું એવું હજુ પણ થતું હોય તો એના નામનું આખું લપસીંદર ને તવારીખ તો ગૂગલ પણ તમને કહેશે પણ ટૂંકો સાર એટલો કે અમેરિકાએ ઉભું કરેલું આ સંરક્ષણ સંધિનું બગલબચ્ચું છે. એક કાંકરે બે પંખી. યુરોપમાં પણ અમેરિકાનો પગપેસારો રહે ને પુરાણા દુશ્મન રશિયા પર પણ સંયુક્ત સેનાનો 'ચેક' રહે. ૩૨ દેશોનું આ સંગઠન છે, જેમાં કોઈ પણ એક સભ્ય દેશ પર હુમલો થાય, તો બાકીના કરારબધ્ધ છે કે એના રક્ષણ માટે આવે.
હવે દેખીતી રીતે એમ લાગે કે અલગ સ્વતંત્ર થયા પછી ભાગ માંગી છૂટો થયેલ ભાઈ એની મરજી મુજબ જીવે. એમાં બાપ પણ દખલ ના કરી શકે, ના કરવી જઇએ. પણ એમ ઘર નોખા કર્યા પછી પોતાના જ બાપ-ભાઈ સાથે સુમેળથી રહેવાને બદલે એના શત્રુઓને, એમને વખોડનારાને બોલાવી પાર્ટી કરવા લાગે તો ક્યાંથી સહન થાય. આપણને આનો અનુભવ છે. કજીયાનું મો કાળું કરવા ભારતના ભાગલા (સૌથી પહેલા સરદારે, ગાંધીજીએ નહિ. દસ્તાવેજો જોઈ લો !) સ્વીકાર્યા, તો જમીન ગુમાવી ને દુશ્મન મેળવ્યા એવો ઘાટ થયો. ઝગડો દૂર થઇ પછી હળીમળીને રહેવાને બદલે તાલિબાનો પેદા કરી પાકિસ્તાને ત્રાસવાદની નિકાસ શરૂ કરી ! બોર્ડર પર જ કોઇને છૂટકારો ઝટ થાય નહિ ! કંકાસ ઉલટો વધી ગયો !
એ જ રશિયાને બીક છે. યુક્રેન સ્વતંત્ર થઇ યુરોપની સોડમાં લપાઈ જાય, એમાં રશિયાનું અસ્તિત્વ જોખમમાં આવે. નાટોનું સભ્યપદ એને મળે, જેની ઝેલેન્સ્કીને તમન્ના છે, અને અમેરિકાનો ટેકો મળે તો અમેરિકા ત્યાંનો ખનીજભંડાર લઇ લે એ તો પછીનો સોદો થયો. પછી પોતાનો અમેરિકા ત્યાં શસ્ત્રભંડાર ઠાલવે. રશિયાની ભાગોળે નિશાન તાકી હથિયારો ગોઠવે. હવે સેકન્ડોમાં રશિયા પર હુમલો થઇ શકે. જ્યારે અમેરિકા તો છેટે છે, તરત વળતો જવાબ ત્યાં ના પહોંચે ! સાવ અડોઅડ પાડોશમાં માથાકૂટ થાય એમાં જોખમ વધુ રહે. રાતના કોઈ બારી તોડી ઘૂસી આવે. બીજા શહેરમાં બેઠેલા સાથે થાય તો સામસામા ભેગા થવાનો પ્લાન કરવો પડે. એટલે સોશ્યલ નેટવર્ક પર ભારત બહાર રહેતા જ્ઞાનીઓ ને જેને સ્વદેશમાં રહેતી હોય પણ શેરીમાં ય કોઈ ઓળખતું ના હોય એવા હાંસિયામાં હરખપદૂડા થતા હોંશીભિખારીઓ આમ બોલો ને તેમ લખોના ક્રાંતિકારી હાકલાપડકારા વધુ કરતા હોય છે. એમને કોઈ ઇમિજીએટ ચેલેન્જ કે ડેન્જર હોય જ નહિ !
તો રશિયાની રહી સહી આબરૂ જતી રહે ને કદાચ પ્રદેશ પણ. ચેચેન્યા બાદ ૨૦૦૪થી આ ધૂંધવાટને લીધે રશિયાએ યુક્રેનના ક્રીમિયા પર હુમલો કરી પોતાનામાં ભેળવી દીધું. હવે ત્યાં આમે સનાતન સંઘર્ષ ચાલતો હતો. એક વર્ગ ઝેલેન્સ્કીને જેમનું પીઠબળ છે, એ એમ માને છે કે રશિયન ભાષા, સંસ્કૃતિ ભૂલી જાવ. નવું યુક્રેન આપણું છે. ક્રીમિયા ને ડોનબાસમાં રહેનારા લોકો સરહદી રીતે રશિયન જ હતા તો એમને રશિયન વારસો છોડવો નહોતો. આપણે ત્યાં હજુ ઉર્દૂ ભૂલી જાવ કે સંસ્કૃત રદ કરો કે હિન્દી કાઢી નાખો કહો તો કેવી બબાલ થાય ? યુક્રેને રશિયન ભાષા જ સત્તાવાર રીતે કાઢી નાખેલી. રશિયાએ ક્રીમિયા પોતાના આધિપત્યમાં લીધું તો નાટોમાંથી કોઈ લડવા ના આવ્યું. ૨૦૧૪માં ધાંધલધમાલ બધાએ કરી તો રશિયાએ કહ્યું કે જનમત કરી લો. ૯૦% વસતિએ કહ્યું કે અમારે રશિયા જોડે રહેવું છે ! અને ક્રીમિયા રશિયાનું થઇ ગયું. ડોનબાસ રહી ગયું ને કહેવાય છે કે ત્યાં યુક્રેનની યુરોપતરફી સરકારોએ ભારે જુલમ ગુજાર્યો સ્થાનિક લોકો પર. કહેવાય તો એમ પણ છે કે ઝેલેન્સ્કીને ટીવી સિરિયલના કોમેડી રોલમાં પ્રેસિડેન્ટ બનાવી અંતે રિયલ પ્રેસીડેન્ટ બનાવવાનું એક મોટું વેસ્ટર્ન વર્લ્ડનું કાવત્રુ હતું. પણ આવી કાન્સ્પિરસી થિયરીઝ આપણે વોટ્સએપિયા આઈટીસેલિયા ચક્રમો પર છોડી દઈએ.
તો યુક્રેને ફરી સત્તાવાર નાટો મેમ્બર થવાની ચહલપહલ કરી (જેનો વિરૂદ્ધ યુરોપના જ સાતેક દેશોએ કર્યો) એટલે રશિયાએ અંતે 'બોસ કૌન હે, માલુમ હૈ ક્યા' કહી હુમલો કર્યો. આવા દરેક મિનિ કે મેગા યુદ્ધોમાં તડાકો અંતે વેપારીઓને જ પડતો હોય છે. અમેરિકાના હોય કે ફ્રાન્સના. પુતિને હવે સુપરપાવર બનેલા ચીન જોડે પણ દોસ્તી વધારી. અમેરિકાએ પ્રચંડ ફંડ રોકી બચુકલાં યુક્રેનને યુદ્ધમાં ટકાવી રાખ્યું ભીષ્મ પિતામહ જેવું રશિયા અને શિખંડી યુક્રેનને આગળ ધરી અર્જુનની જેમ તીર ચલાવતું અમેરિકા સામસામે. તો યુદ્ધ તરત અટકે કેવી રીતે. કેટલાય યુદ્વવિરામ થયા અને ગયા.
હવે બધા ગાલાવેલાવેવલાવાયડા ટ્રમ્પની ઉદ્ધતાઈ ને ભાષાની વાત કરશે પણ ટ્રમ્પ અને મસ્ક તો પુષ્પા ટુ માટે જ આવ્યા છે ફ્લાવર નહિ, ફાયરના એટીટયુડ સાથે. જેમ સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો ભૂલીને અકોણા એક્ટીવિસ્ટો ગુજરાતના રમખાણની વાત કરે, એમ ૪૫ મિનિટની ચર્ચામાં ઉપરાષ્ટ્રપતિ વેન્સે ઝેલેન્સ્કીને એમ કહ્યું કે, અમે તમારી આટલી મદદ કરી તો તમે આભાર ના માનો ? તો 'ટઇડ' થઈને ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'અમેરિકાને સમજાતું નથી કે આગળ શું થવાનું છે ?' એને ધૂંધવાટ હશે કે રશિયા ટ્રમ્પે સીધી વાત કરી, પોતાને લીધા વિના પણ ટ્રમ્પે કહ્યું કે, 'ભઈલા, તારી પાસે અત્યારે બાજી રમવાના પત્તા જ નથી એટલે સીનસપાટા રહેવા દે. અમારું અમે ફોડી લઈશું તું તારું કર. તું ટકેલો છો અમારી સહાય પર. હવે હું રશિયા વતી ગેરેન્ટી આપું એ સ્વીકારીને યુદ્ધ પૂરું કર, સમાધાન કર, બાંધછોડ કર નહિ તો આમને આમ કેટલાય નિર્દોષ લોકો મરતા રહેશે ને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે !'
વાતનો તરીકો ભલે ઘણાંને અસભ્ય લાગે, વાત અસત્ય નથી. યુરોપમાં દેશો નાના પણ પોતાની પ્રોડક્ટસ ને ભાષા ને કલ્ચર માટે ગૌરવ વધુ લે. અમેરિકા મુક્ત બજારને લીધે બધાને સ્વીકારે, ને એને લીધે જગત આખામાં રસ લે ને પોતાનો પ્રભાવ પાથરે. એમાં એકબીજાના હિત ટકરાવાના. ઝેલેનસ્કીને આગળ ધરી યુરોપિયન યુનિયને ટ્રમ્પ સામે કાગારોળ આ 'અમે સાડી સત્તરવાર ઉંચા ખાનદાનના' કહીને મચાવી છે. પણ ટ્રમ્પ પાસે સ્પષ્ટ જનાદેશ છે. ભલે ઝેલેન્સ્કીને પ્રજાનું સર્મથન હોય, અત્યારે યુક્રેનમાં ઇલેક્શનને બદલે
માર્શલ લૉ છે, કટોકટી લાગુ છે. કહે છે કે કરોડોના ફંડના હિસાબ ખુલ્લા પડે ચૂંટણી થાય તો. યુરોપની ૭૦% પાવર સપ્લાય રશિયા જ આપે છે. યુરોપને સીધું યુદ્ધ લડવું હોત તો ૨૦૧૪માં રશિયા સામે લડયું હોત. એને બીક એ છે કે જો પુતિનનો હાથ ઉપર રહે તો રશિયાનો ખતરો આખા યુરોપ પર ભવિષ્યમાં આવે. યુક્રેન પાસે પરમાણુ હથિયારો ભરપૂર હતા રશિયા સામે બેલેન્સ રાખવા. ટ્રમ્પ અગાઉની અમેરિકન સરકારોએ ખાસ રક્ષણ આપી એ છોડાવ્યા કે અમે લડી લઈશું જરૂર પડશે તો. પણ ટ્રમ્પ કહે છે કે પારકી લડાઈમાં ઘરના છોકરા ઘંટી ચાટે છે તો મદદની લિમિટ હોય. એનો મેસેજ દેશી કહેવાતા ઝેલેનસ્કીને ક્લીયર છે : પાદવાની પહોંચ નહિ, ને તોપખાનામાં નામ ન લખાવાય !
તો આખી આ મડાગાંઠમાં કંગનાનું શું કામ ? એટલુ જ કે પીઠબળની વાતો કરનારા લડાઈમાં સાથ તો સ્વાર્થ વિના ભાગ્યે જ આપે. ને જોરમાં પડકાર કરી દો પછી બળિયો સામેવાળો હોય તો મોકો જોઈને મહત્તમ ફાયદો થાય એમ એની જોડે ફૂટનીતિ, ડિપ્લોમસી, વાતચીત જે કહો તે- સમાધાન સ્વીકારી લેવામાં શાણપણ છે. આ અને આવા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં થોડું સત્ય યુક્રેન, થોડું અમેરિકા ને થોડું રશિયાના પક્ષે છે. પ્રોબ્લેમ એ છે કે ટેક્નોક્રેટસ હબ યુક્રેન સાઇઝ અને જાતે કાંડા કાપી નાખ્યા પછી તાકાતમાં બાકીના બેને પહોંચી વળે એમ નથી. ભારતે સરકારો બદલી તો ય પોતાના અણુશસ્ત્રો છોડયા નથી, એટલે બધા દાબમાં છે. ટ્રમ્પ માને છે કે રશિયા ચીન તરફ ઢળે એના કરતા એને જ પાર્ટનર બનાવી આખી દુનિયા વહેંચી ખાઈએ ! કાયમી ઉકેલ એક જ છે જે મિત્ર મોઇનખાન સૂચવે છે : યુક્રેનને સ્વીત્ઝર્લેન્ડ જેવો નવો બફર ઝોન બનાવી જીયોપોલિટીકલ બેલેન્સ જાળવવું !
ઝિંગ થિંગ
'બહુ બધું બોલવા છતાં પણ કશું જ ના કહેવાની કળા એ અડધો ફૂટનીતિનો વિષય છે !' (વિલ દૂરાં)