નેકી પર ચલે, ઔર બદી સે ટલે ...એસે હો હમારે કરમ !
- અનાવૃત-જય વસાવડા
- તત્વચિંતનનો અભ્યાસ ભલે ઓછો હોય, પણ માનવતાની લાગણી વધુ હોય એ આપોઆપ પુણ્યશાળી બનવાના છે. કારણ કે એમની પૂજા એમના કર્મો છે.
''હું આશ્રમના કામે મારું વાહન લઈને જતો હતો ત્યાં મધરાતે મેં એ બાલિકાને જોઈ. ક્ષત વિક્ષત શરીર. જેતેમ કરીને માંડ ચાલતી હતી. લથડિયાં ખાતી હતી. વાઈરલ વિડિયોમાં બધાએ જોયું છે, એમ એણે નીચે કશું જ પહેર્યું નહોતું ( વાંચો, હેવાનોએ નીચે કોઈ વસ્ત્ર રહેવા નહોતું દીધું!) પગ એને બ્લીડિંગ થતું એટલે લોહીથી ખરડાયેલા હતા. એને તો મદદ માંગવાના પણ હોશકોશ રહ્યા નહોતા. પણ મેં તરત ઉભા રહીને પહેલા તો મારું જ ઓઢેલું વસ્ત્ર કાઢીને એને તરત પહેરવા આપ્યું. એણે બીતા બીતા એ લીધું. ને ઝટ વીંટાળી દીધું. એની આંખોમાં ભય હતો. એ એકદમ ડરી ગઈ હતી ને કોઈ પાસે આવે તો પણ ફફડી જતી હતી. આંખો સુઝી ગઈ હતી. ચહેરો પણ ઘાયલ હતો. દુષ્ટોએ એને મારવા કોશિશ કરી હશે એવું લાગ્યું. મેં એને નામ પુછયું, વિગતો પૂછી. પણ સરખા જેવાબ દેવા જેવી એની હાલત નહોતી. હોશમાં હોવા છતાં આઘાતથી સ્તબ્ધ બની ગઈ હતી.
મેં તરત દીકરીને પાણી પીવડાવ્યું. ચા પીવડાવી. એની ભાષા સરખી સમજાતી નહોતી. એને ઘરનું સરનામું લખવા કાગળ પેન આપ્યા, સ્વજનોના નંબર ડાયલ કરવા મારો મોબાઈલ આપ્યો. પણ એ કશું લખી ના શકી. બહુ જ મૂંઝાયેલી અને પીડાયેલી અવસ્થામાં હતી. મારી પાસે નમકીન દલીયા પડેલો ભોજનમાં. એ એને ખાવા આપ્યો, તો ખૂબ ભૂખી હશે અને થાકેલી હશે તો તરત ખાઈ ગઈ. પછી એને થોડોક મારા પર ભરોસો બેઠો બાકી એને દર્દ થતું હોય એમ બી જતીં હતી બીજાઓને જોઇને. કોઈ નજીક આવે તો મારી પાછળ લપાઈ જતી. મેં પોલીસ ને ૧૦૦ નંબર ડાયલ કર્યો પણ કોઈ જવાબ ના મળ્યો. અંતે અમારા મહારાજજીને કહી મહાકાલ થાનામાં વાત કરાવી. ફરી એમણે સુચના આપી ત્યાં કોલ લગાવ્યો પોલીસને અને ૨૦ મિનીટ પછી પોલીસ આવી ત્યારે ખરાઈ કરી બાળકીને સોંપી, એના હાથમાં થોડા પૈસા મુક્યા. ત્યાં સુધી એને વિશ્વાસ પડયો એટલે જરા શાંત થઇ બેસાડી હતી.''
એએનઆઈ ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યુ આપતી વખતના આ શબ્દો છે આચાર્ય રાહુલ શર્માના. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે કરપીણ બળાત્કાર બન્યો એ ૧૨ વર્ષની માસૂમ બાળકી પીંખાયા પછી પીડાતી, ઠોકરો ખાતી, અર્ધનગ્ન અવસ્થામાં ભટકતી રહી કલાકો સુધી સડકો પર ! લોકોએ વિડીયો ઉતાર્યા ને વાઈરલ કર્યા. પણ કોઈ એની વહારે ના આવ્યું. કોઈએ એને તન ઢાંકવા કટકો કપડું પણ ના આપ્યું. ના ખબર પૂછયા કે પાણી પીવડાવ્યું. આમાંના ઘણા એવા હશે કે એમની ઝંડીધારી પ્રોફાઇલો પર જય સનાતનના રાષ્ટ્રવાદી સ્ટીકરો રાખી ફરતા હશે. દ્રૌપદી વસ્ત્રહરણમાં ચીર પૂરનારા કૃષ્ણનું નામ લેતા હશે ને પૂજા કરતા હશે. મહાકાલની નગરીમાં આવો કળિયુગી કાળ જોઇને મહાદેવને ક્રોધમાં તાંડવ કરવાનું મન થયું હશે. પણ શિવમંદિરના જ આ પૂજારીએ ભગવાન ભોળાનાથની લાજ રાખી.
તમે જો વિડીયો જુઓ તો પુજારી પણ કોઈ મોટી ઉંમરના વડીલ નથી આચાર્ય રાહુલ શર્મા લબરમૂછિયા લાગે એવા જુવાન છે. બળાત્કારના આરોપી તરીકે પકડાયેલા સંભવતઃ રીક્ષાવાળો ભરત સોની પણ એટલી જ ઉંમરનો હશે. જેણે બકરીઓ ચરાવા નીકળેલી આ દીકરીને લાગ જોઈ ઉઠાવી લીધેલી. ભરતના વ્યથિત પિતા રાજુભાઈએ તો દીકરાના પાશવી અત્યાચાર પર અફસોસ પ્રગટ કરી કહ્યું એ હું એને જોવા જેલ કે હોસ્પિટલ પણ ગયો નથી ને જવાનો નથી. અમારા પરિવારની દીકરી સાથે આવું થયું હોત તો ?
ખેર, પુજારી રાહુલ શર્મા વિડીયોમાં જુઓ તો સાધારણ સ્થિતિના યુવાન છે. નાની એવી એમની સાદી ઓરડી છે. મહાદેવનું એક ચિત્ર ને એક ગુરુજીની મૂર્તિ છે. આશ્રમ શબ્દ સાભળીને આપના ફાઈવ સ્ટાર ધંધાદારી ધર્મગુરુઓનું ચિત્ર બ્માંગ્જમાં આવે એવો કોઈ ભીડ ભેગી કરતો ને ભવ્ય ઉત્સવો મનાવતો ભપકાદાર આશ્રમ પણ નથી. પુજારીની લેવી જોઈએ એટલી આ સત્કાર્ય બદલ નોંધ પણ બધાએ લીધી નથી. કૌભાંડો કરીને કરોડો બનાવતા રાજકારણીઓએ સમાચાર આવ્યા એ સાથે લાખો નહિ તો કામ સે કમ એકાવન હજારની પણ દક્ષિણા આ માનવધર્મની લાજ રાખનાર આસ્થાવાન આત્માને આપી હોય એવું હજુ સુધી જાહેર થયું નથી., પૂજા કરવા માટે અગિયારસો ધરી દેનાર પબ્લિકે પણ એમની શરમ ઢાંકનાર આચાર્ય રાહુલ શર્માને જોઈએ એટલા વાઈરલ નથી કર્યા.
આ છે હીરો. હિંદુત્વનો અસલી સનાતન ચહેરો. પૂજારી વ્હાલા, તમારે હાથે તો તો સાક્ષાત દેવીપૂજા થઇ ગઈ ! તમે તો કુરુસભા બની ગયેલા સવારથી સમાજ વચ્ચે ચીર પૂરી દીધા હે હરિ... અને કૂળ ઈકોતેર તમે તાર્યા રે વૈષ્ણવજન બનીને પરાઈ પીડ જાણીને. તમને એક રોલ સેલ્યુટ ભારતના નાગરિકની !
આ જુવાન શિવભક્ત પુજારીં છે ખરો હિંદુ.
સાચો હિંદુ એ નથી જે ધર્મના નામે માની કૂખમાંથી પેદા થયા હોવા છતાં સ્ત્રીઓના મુખ પણ જોવાથી ભડકે, અને વાસનાથી દૂર રહેવાના દંભમાં પોતે જ્યાં જાય ત્યાં ભગવી સાધુતાના નામે મહિલાઓને બેઠી હોય તો પણ ઉઠાડી, મર્યાદાના નામે પાછળ ધકેલી એમનું સદાય છૂપું અપમાન કરતો ફરે. સારું છે ને કે મહિલાઓએ નજીક ના આવવું ને મોઢું ના જોવું એવી મર્યાદાવાળા કોઈ સાધુજન બિચારી પીડિતાને ના મળ્યા સામે, નહિ તો વાતચીત કરી મદદને બદલે મોં ફેરવી લેત ! ખેર,સાચો હિંદુ તો એ છે કે કોઈ શેતાનની હવસનો શિકાર બનેલી નારીનું રક્ષણ કરવા દોડે. એની સાથે વાત કરે. કોઈની શરીરભૂખમાં તરફડતી કબૂતરીને મુક્ત કરીને એના પેટની ભૂખને શાંત કરતુ ભોજન આપે. અજાણી વ્યક્તિને માનવતાના નાતે જળ પીવડાવે, એના હાલહવાલ જોઇને ખબરઅંતર પૂછે. એને રઝળતી મુકવાને બદલે એની સુખાકારી ને સલામતીની યથાશક્તિ વ્યવસ્થા કરે.
આ છે ગાંધી જેની વાત કરતા એ રામરાજ્યનો રહેવાસી. આડેધડ વિકાસ અનિયંત્રિત વિકૃતિ લઇ આવે છે, ત્યારે જે પોતાના કર્મોને સંભાળીને સાત્વિકતાના રસ્તે ચાલવાની મથામણ કરે છે, એ સનાતનનો સાધક છે. જે ગરીબોની મદદ કરવા માટે પોતે અમીર ના હોય તો પણ દોડે છે, એ સનાતનનો પુજારી છે. નવરાત્રિ આવે કે ફિલ્મો આવે એમાં સંસ્કૃતિને નામે સ્ત્રીઓની મોડર્ન ફેશન પર ટીકા કરવાને બદલે કે લવ મેરેજના વિરોધી થઇ પોતે જ મોટી કરેલી દીકરીઓને મોતને ઘાટ ઉતારવાની તાલિબાની સંકુચિતતાના કોપીકેટ કચરાઓના કે પછી શિવ કે કૃષ્ણ કે માતાજીના વારસાના કોઈ સાચા અભ્યાસ વગર શૃંગારરસિકતાને વખોડવા પરદેશી મોબાઈલ મચડયા કરે એવા દેખાડાના જેહાદીઓના નકલચી નમુનાઓ નહિ, પણ સરાજાહેર કોઈ દીકરીની ઈજ્જત ઢાંકવાનું કર્તવ્ય કરનાર ખરો હિંદુ છે ! સનાતન એ શીખવાડે છે, કે બીજાના કર્મોના જજ બનતા પહેલા ખુદના કર્તવ્યોનું આત્મનિરીક્ષણ કરીને એને કસોટીએ ચડાવો. વિવેકથી વર્તીને પરગજુ બનીને કોઈના દુઃખ દૂર કરે એ ધાર્મિક છે, કોઈને ધર્મના નામે પાછળ પડીને પરેશાન કરે એ તો અહંકારી છે.
જેનામાં સંવેદના અને કરુણા જ ના હોય, જેનામાં સત્યના પડખે ઉભા રહેવાનું સાહસ ના હોય, જેનામાં પોતાના સિવાય બીજા માટે નાતજાતના ભેદ વિના ઉદારતા અને પ્રેમ ના હોય, જે નિર્દોષોના આંસુ ના લૂછી શકે અને ભૂખ્યાને જમાડી ના શકે, એ ગમે તેટલા પૂજાપાઠ કે વ્રતજપતપ કે ઈબાદતપ્રેયર કંઈ પણ કરે, ખરો ધાર્મિક જીવ ના હોય. જે કોઈ જુએ છે કે વખાણે છે કે કશુંક મળવાનું છે એવા સ્વાર્થ વિના કેવળ અંતરાત્માના ઇશારે સત્કર્મ કરે, સદભાવ રાખે અને સહાય કરે એ ભારતમાતાનું અસલ સંતાન છે. આવા હિન્દુએ પોતાના વારસાનું ગૌરવ અનુભવવા માટે બીજાની સાથે સરખામણી નથી કરવી પડતી. પોતાના મૂલ્યોની શ્રેતા સાબિત કરવા માટે અન્ય ધર્મોને ધરાર દુશ્મન માનીને એના માટે ઝેર ઓક્યા કરવાની નેગેટીવિટીમાં જ લાઈફ બરબાદ નથી કરવી પડતી. એ સાધુ હોય છે જગતનું કલ્યાણ ઈચ્છતા, માણસાઈ અને ભલમનસાઈના ઓલિયા. તકસાધુ નથી હોતા જે કોઈની ટ્રેજેડી કે વેદનામાં પોતાનો ફાયદો જુએ. મીડિયા માઈલેજ કે પોલિટિકલ ગેઇન મેળવવા ધર્મનો ઉપયોગ કરી લે. સ્વર્ગના ધર્મઝનૂનમાં એટલા પાગલ થઇ જાય કે ધરતી પર માણસ બનવાનું જ ભૂલી જાય !
સનાતન આસ્થા તો માનવતામાં હોય ત્યારે જ શાશ્વત બનીને સદાય ટકે. જ્યાં બીજાઓ તરફ સતત નજર અને સરખામણી રહે એ છૂપો ડર અને પ્રગટ અહં બતાવે છે. અને અસલ હિંદુ તો અભય હોય, નિષ્કપટ નિરાભિમાની નિખાલસ હોય. કારણ કે એ માત્ર ભીતરના ભેરુ એવા અંતરના ઈશ્વરની સાક્ષીએ જીવતો હોય. કોઈને પાડી દેવા કે કોઈને નીચા દેખાડવા નહિ ! એ અન્યાય સામે ડર્યા વિના ટટ્ટાર રહે ને સત્ય ખાત્ર પોતાનો સ્પષ્ટ અવાજ ઉઠાવે. પણ એ માત્ર મોટી મોટી ને ખોટી ખોટી વાતો ના કરે એનું કટોકટીની કસોટીમાં આચરણ કરે.
હમણાં જ કોઈ કારણ પણ નહોતું છતાં વોટસએપ, ટેલિગ્રામ, યુટયુબ વગેરે પર ઉભરાતી ઝેરની ફેકટરીઓને લીધે જેનું બ્રેઈનવોશ ( ખરેખર તો સ્કલવોશ કહેવાય, બ્રેઈન હોય એ થોડા ગમે તે ગપ્પા ચાટી જાય મોબાઈલમાં મફત આવતા ! ) થયેલું એવા રેલ્વે કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ કોઈ ઘટનાના ટ્રિગર વિના, કોઈ કારણ વિના બસ એમ જ ખાર ખાઈને માત્ર મુસ્લિમ હોવા ખાતર કે એમનો બચાવ કરવા ખાતર નિર્દોષ મુસ્લિમોની હત્યા કરી નાખી હતી. આ તો ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના બદમાશબેવકૂફ મુસ્લિમોના વર્ગ જેવા થવાની હલકટ હલકાઈ થઇ. જેમાં કટ્ટરવાદ કોઈ જ તર્ક કે તથ્ય વિના માત્ર ધર્મના નામે કોઈને મારવાનું જાયઝ ઠેરવે ! શિખરેથી ખાઈમાં ગબડવું એ આનું નામ. આપણે આવા ઠોઠિયાઠોબારાનો વિરોધ કરતા કે મજાક ઉડાવતા એના જેવા થઇ જવાનું છે ? તો એ તો ધર્મનો ભાગાકાર અને અધર્મનો ગુણાકાર થયો ! પવિત્ર સનાતની જીવ શુષ્ક ના હોય અને ક્રૂર પણ ના હોય. થઇ જ ના શકે. અનિવાર્ય ના હોય ત્યાં સુધી હિંસા રામ, કૃષ્ણ, બુદ્ધ , મહાવીરના વારસદારોમાં ના આવે. એનું કારણ કાયરતા નથી, જીવન અને પ્રકૃતિ પ્રત્યેની કરુણા છે.
નફરત તમને ધાર્મિક બનાવી શકશે, પવિત્ર નહિ બનાવી શકે. અસત્ય તમને લોકપ્રિય બનાવી શકશે, શુદ્ધ નહિ બનાવી શકે. કર્મ પર જ જોર છે એવા આપણા ઋષિઓના વારસાએ એટલે જ સ્વનિરીક્ષણના ધ્યાનને તપ કહ્યું. તત્વચિંતનનો અભ્યાસ ભલે ઓછો હોય, પણ માનવતાની લાગણી વધુ હોય એ આપોઆપ પુણ્યશાળી બનવાના છે. કારણ કે એમની પૂજા એમના કર્મો છે. આજકાલ સનાતનના નામે વહેતી ગંગામાં લિટરલી ડૂબકી મારી પાપ ધોવાને બદલે કરવા નીકળેલા જડસુ કીપેડ કીડાઓ ભારતની વ્યાખ્યા નથી. એ સડેલ સાઈબરસંતરાઓ તો મોદીજી કે ભાગવતજી જે પ્રેમ અને પરિશ્રમની,કોઈના દુષ્કર્મો સિવાય એમની આસ્થાની વિવિધતા માટે અંગત નફરત ના કેળવવાની અને બધાને સાથે રાખી આવતીકાલનું રાષ્ટ્રનિર્માણ કરવાની વાત કરે છે, એને પણ ગાંઠતા નથી. એ તો દર્શનને બદલે ઘર્ષણમાં પડયા છે. અભ્યાસને બદલે અહોભાવમાં રમે છે. જાગૃતિને બદલે જૂઠ ફેલાવે છે. એવી પાગલ માનસિકતા આતંકવાદનું વાવેતર કરે, અખિલાઈનું નહિ. આવા અલેલટપ્પુઓ એટલે જ ગાંધીબાપુ કે મોરારિબાપુનું હિન્દુત્વ માપવા નીકળે ત્યારે મંકોડા મહાસાગર માપવા નીકળ્યા હોય એવું હાસ્યાસ્પદ લાગે છે !
પરદુઃખે ઉપકાર કરે અને મન અભિમાન ના આણે એનું મન દરપન કહેલાયે... એ પ્યાર કા સાગર બની શકે. એ બૂરાઈના વાવાઝોડામાં ભલાઈના દીપ પ્રગટાવી શકે. એ દૂસરોં કી જય સે પહેલે મન વિજય કરીને ખુદ કો જય કરી શકે. એની પાસે એટલી શક્તિ હોય કે મન ક વિશ્વાસ કમજોર ના થાય. એમની મુઠ્ઠીમાં આશાનું મોતી છે કે ભલે રોબોટની ઈન્ટેલીજન્સ વધે, ઇન્સાન સાવ ઇડીયટ નથી થયો. એ ધબકતા દિલની ગવાહી આપી એક મહાકાલના હિંદુ પૂજારી આચાર્ય રાહુલ શર્માએ.
શરમાવાનું તો સમાજે છે કે એ ભલા સત્કર્મીનું સન્માન આપણે સરખું કરી નથી શક્યા. લુખ્ખાઓ હેડલાઈનમાં જગ્યા રોકે છે, એટલી લાખેણાઓ હેડમાં રોકતા નથી. આ સારપને જો વધુ હાઈલાઈટ કરીશું તો આપણને પેલા ભરત જેવા બળાત્કારીઓ ઓછા મળશે અને રાહુલ જેવા પુજારીઓ વધુ મળશે !
ઝિંગ થિંગ
જો હું રોકી શકું એક હૃદય ભાંગવાથી,
જો હું ઘટાડી શકું એક જીવનનું દર્દ,
કે શીતળતા આપું એક પીડાના દાહને
એક ઘાયલ બેશુદ્ધ પંખીને
ફરી મૂકી શકું એના ટહુકતા માળામાં
તો મારું જીવતર વેડફાઈ નહિ જાય !
(એમિલી ડિકિન્સન)