- અનાવૃત-જય વસાવડા
- નવું કશુંક કરવું છે ? તો આપણા જૂના ખજાના પાસે જાવ. આપણે ત્યાં દરેક લગ્ન એક ધૂળેટી છે. જગતના બધા રંગો એમાં જોવા મળે
કિમપિ કિમપિ મન્દં મન્દમાસત્તિયોગાદ્
અવિરલિતકપોલં જલ્પતોરક્રમેણ ।
અશિથિલપરિરમ્ભ-વ્યાપૃતૈકૈકદોષ્ણોર્-
અવિદિતગતયામા રાત્રિરેવ વ્યરંસીત્।।
ભાવાર્થ : ''એકબીજા સાથે એકદમ ધીમા અને મધુર અવાજમાં આમ-તેમ વાતો કરતા હોવાને લીધે બેઉના ગાલ એકબીજાને સ્પર્શતા હતા, એકમેકને પ્રગાઢ આલિંગનમાં જકડી રાખ્યા હતા, રાતના પ્રહરો ક્યાં પસાર થઈ ગયા તેની કોઈ જ ખબર ન રહી, અને રાત જાતે જ પૂરી થઈ ગઈ!'' (ભવભૂતિ, ઉત્તરરામચરિતમ્, અંક ૧, શ્લોક ૨૭)
જ્યારે ભવભૂતિએ પહેલીવાર આ શ્લોક લખ્યો, ત્યારે તેમણે છેલ્લી પંક્તિ આ રીતે લખી હતી : ..રાત્રિરેવં વ્યરંસીત્. આનો અર્થ થાય છે : ''રાત આવી રીતે પસાર થઈ.''
પણ ભવભૂતિએ તેમની આ હસ્તપ્રત સમકાલીન અને ભારતવર્ષના શ્રે કવિ એવા અસ્સલ ધુરંધર કાલિદાસને સમીક્ષા માટે આપી, ત્યારે કાલિદાસે આ રચનાના ખૂબ વખાણ કર્યા પરંતુ એક નાનકડો, અદભુત સુધારો સૂચવ્યો : એવં (આવી રીતે) શબ્દમાંથી 'અનુસ્વાર' દૂર કરીને તેને એવ ( જાતે જ) લખવું.
આ નાના ફેરફારથી પંક્તિ આ રીતે બદલાઈ ગઈ : ...રાત્રિરેવ વ્યરંસીત્. આ સુધારા સાથે, શ્લોકનો અર્થ વધુ રસિક બની ગયો ! ''રાત જાતે જ પસાર થઈ ગઈ.'' આ ફેરફાર રોમાન્સને ખૂબ જ સુંદર રીતે વધારે છે ! પ્રેમીજનો એકબીજાની વાતો, આકર્ષણ, મિલન અને એકાંત આલિંગનમાં એટલા ડૂબેલા હતા કે એ સુખમાં સમયનો કોઈ અર્થ જ ન રહ્યો, અને રાત પોતાની મેળે જ જાણે ગાયબ થઈ ગઈ.
આ છે ભારતનું એક સનાતન તત્વ : પ્રેમ, રસિકતા અને મિલનનો શૃંગાર !
વિરાટ કોહલીની ટીટવેન્ટી વર્લ્ડ કપ વિજય સમયની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો બે કરોડ પચ્ચીસ લાખ વ્યુઝનો રેકોર્ડ, અભિનેત્રી રશ્મિકા મંદાણા સાથી અભિનેતા વિજય દેવરકોંડાને પરણી ગઈ ત્યારે એના ફોટોઝની પોસ્ટમાં માત્ર ૪૮ કલાકમાં બે કરોડ ત્રીસ લાખ વ્યુઝ ક્રોસ થઇ જતા તૂટી ગયો !
એવું શું હતું એ વિરોશના વેડિંગ લૂકમાં ? વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાણાએ કહેલું કે એમની જોડીને આ વિરોશ નામે ઓળખવામાં આવે ! સાચ્ચે જ શંકર પાર્વતીની જોડી જેવું સોહે છે આ યુગલ, અને કોઈ ઝાકઝમાળ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ચાલી રહી હોય એવી ડ્રીમલાઈક તસવીરો રિલીઝ કરી છે એમના વર્ષોના પ્રણય બાદ સંપન્ન પરિણયની. રૂપનો રેશમબાગ એવી રશ્મિકા તો રસગુલ્લું જ લાગે હીરોઇનોના દુકાળમાં. અને વિજય મરદ કસુંબલ લાગે છે મૂછો અને કસાયેલી કાયા સાથે. રેડ, સિલ્વર, ગોલ્ડન... જાણે ચાંદામામા સ્પેશ્યલ ક્લાસિક ઈન્ડિયા ! પણ એની વાત કરતા પહેલા બેઉએ ઓનલાઇન એકબીજાને જે પ્રેમપત્રો આજે પાઠવ્યા છે એ ખાસ વાંચવા જેવા છે !
રશ્મિકા લખે છે : ''હેલો માય ડાર્લિંગ્સ'' , હવે હું તમારી ઓળખાણ કરાવું છું ''મારા પતિ'' સાથે!
એ માણસ જેણે મને સાચા પ્રેમનો અહેસાસ કરાવ્યો, એ માણસ જેણે મને શીખવ્યું કે સાચી શાંતિ શું છે! એ માણસ જેણે મને રોજ કહ્યું કે મોટા સપના જોવા બિલકુલ યોગ્ય છે, અને મને સતત એવો વિશ્વાસ અપાવ્યો કે હું મારી કલ્પના કરતાં પણ ઘણું વધારે મેળવવાને લાયક છું!
એ માણસ જેણે મને બિન્દાસ મન મૂકીને નાચતા ક્યારેય નથી રોકી. એ માણસ જેણે મને બતાવ્યું કે મિત્રો સાથે પ્રવાસ કરવો એ દુનિયાની સૌથી શ્રે મજા છે, ટ્રસ્ટ મી, હું આ માણસ પર આખું પુસ્તક લખી શકું છું!
હું હંમેશા જેવી સ્ત્રી બનવા માંગતી હતી, બિલકુલ તેવી જ બની ગઈ છું, કારણ કે તેં જ મને આજે એવી બનાવી દીધી છે! હું ખરેખર ખૂબ નસીબદાર છું! વિજ્જુ, મારા દિલમાં તારા માટે જે લાગણીઓ છે તેને વર્ણવવા માટે મારી પાસે હંમેશા શબ્દો ઓછા પડે છે! મેં તને આ વાત
હંમેશા કહી છે!
પણ તને ખબર છે, અચાનક જ મારી બધી જ સફળતાઓ, સંઘર્ષો, ખુશીઓ, દુ:ખ, આનંદ, મારી જિંદગી - આ બધું જ હવે વધારે સાર્થક લાગે છે - અને એનું કારણ તું છે - તું આ બધાનો સાક્ષી છે.. આ બધાનો સૌથી મોટો હિસ્સો છે! હું તારી પત્ની બનવા માટે, તારી પત્ની હોવા માટે, તારી પત્ની કહેવડાવવા માટે ખૂબ ખૂબ ખૂબ ખૂબ જ ઉત્સાહિત છું! હવે તો બસ પૂરેપૂરો જલસા પાર્ટીનો સમય છે!
ચાલ, આપણે સાથે મળીને દુનિયાની સૌથી સુંદર જિંદગી જીવીએ! આઈ લવ યુ!''
અને વિજય ઉવાચ : ''એક દિવસ, મને એની બહુ યાદ આવી.''
એવી રીતે યાદ આવી કે જાણે એ મારી સાથે હોત, તો મારો આખો દિવસ કેટલો સુંદર બની ગયો હોત. જાણે એ મારી સામે બેઠી હોત, તો જમવાનો સ્વાદ પણ મીઠો અને પૂરો લાગત. જાણે એ મારી સાથે હોત, તો કસરતનો થાક પણ કોઈ સજા નહીં, પણ એક મજા બની ગયો હોત.મને બસ એની જરૂર હતી - હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, પણ એ જ શાંતિ અને 'પોતાના ઘર' નો અહેસાસ પામવા માટે.
અને એટલે જ... મેં મારી બેસ્ટ ફ્રેન્ડને જ મારી પત્ની બનાવી દીધી!''
***
કેટલીક જોડીઓ એવી હોય છે કે જેમના લગ્નના ફોટા જોઈને મનમાં આપોઆપ થાય છે, ''ભવોભવના ભળેલા''. રશ્મિકા અને વિજયના લગ્નના ફોટા જોઇને અચાનક ભારત સજીવન થઇ ગયું હોય એવું લાગ્યું ! નવી પેઢીને વખોડયા વિના, એમના નવા ટ્રેન્ડસને પણ અપનાવીને, લવ મેરેજ કરીને, ફિલ્મની ગ્લેમરલાઈનમાં રહીને પણ કેટલી હદે મૂળિયાં જીવંત સાચવી શકાય છે એની મિસાલ હતું આ લગ્ન. એક તો હવે જેનો ઓવરડોઝ બધા જ વેડિંગમાં થાય છે એવું પંજાબી ને રાજસ્થાની લગ્ન નહોતું, એ જ મોટી રાહત. બીજું, સેલિબ્રિટી ફેશન ડિઝાઇનરોએ હિંદુસ્તાની દુલ્હનને વેસ્ટર્ન એવા ઓફ વ્હાઈટ ને સિલ્વર લૂકમાં ઢાળી દીધેલી એમાંથી માંડ મુક્તિ મળી અને અગેઇન રેડ વિથ લોટસ ઓફ ગોલ્ડ ઈઝ ઇન ટ્રેન્ડ ! ત્રીજું, વરરાજાને સૂટ ગયા પછી આ ગરમ ધૂળિયા દેશમાં ભારેખમ વર્કવાળી શેરવાનીમાં ફિટ કરી ને બાફેલા બટાકા જેવો કરી નખાતો હતો એમાંથી માંડ સૂકૂનભર્યું રિલેક્સેશન થયું.
જસ્ટ એ ફોટો જુઓ તો એમાં રંગો તો બે જ દેખાય સોનેરી ને લાલ. પણ ત્રીજો રંગ રૂપેરી ઝાંય ઉપરાંત વિજયના પૌરુષનું ભળેલો લાગે. આમે મરદ લાગે એવા ઘણાખરા હીરો દક્ષિણ ભારત પાસે જ છે. પણ આ લગ્નમાં જે રીતે આંકડા ચડાવી મૂછોના કાળી દાઢી પણ જંગલી જેવી નહિ સરસ ટ્રીમ કરેલી રાખીને વિજયે માત્ર આઈવરી યાને હાથીદાંત જેવી રૂપેરી ધોતી અને અંગવસ્ત્ર જેને ઉત્તરીય કહેવાય એ લાલચટ્ટક પહેરીને પોતાની ચોસલાં પડે એવી કસાયેલી કાયા ખુલ્લી રાખી, એ ટ્રેન્ડસેટર છે ! આપણે મોટા ભાગના ગુજરાતી પુરુષોએ લગ્ન પહેલા ફાંદ ઘટાડવાના બ્યુટી પાર્લરના બ્રાઈડલ મેક અપ જેવા જીમના ફેરા ફરવા પડે આમ કરવું હોય તો !
પણ એવા સુડોળ બાંધા અને ઊંચાઈ પર પણ કેવા ઘરેણા પહેરેલા વિજયે. જાણે પ્રાચીન શિલ્પમાંથી સજીવન કોઈ દેવપુરુષ ! આપણે ત્યાં તો પુરુષ માટે પણ કેટલા અલંકારો યાને આભૂષણ હતા ભારતમાં એ યાદ દેવડાવ્યું. કમરે કંદોરો, કાનમાં કુંડલ, વીંટી અને કડા, કાંડે ને બાવડે સોનાના રત્નજડિત બ્રેસલેટ, ગાળામાં વિવિધ હાર, કપાળે ચંદનકુમકુમ તિલક, પગમાં પણ કડાં, અને પગમાં અળતા જેવી લાલાશ ! શ્રી જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા તેના સોનાના ઘરેણાંમાં લેયર્ડ હાર, કડા, બાજુબંધ, ઇયરિંગ્સ, પાયલ અને ધોતીને બાંધી રાખતો એક પહોળો 'ઓડ્ડીયાણમ' બેલ્ટ સામેલ હતો. ઘરેણાંમાં રહેલી હાથીની ડિઝાઇન ડહાપણનું પ્રતીક હતી, જ્યારે વાઘની ડિઝાઇન ચપળતા દર્શાવતી હતી. ઊંડા નકશીકામે દરેક ઘરેણાંને એક અનોખો ઉઠાવ આપ્યો હતો. તેણે બે ભારે ગળાના હાર પણ પહેર્યા હતા એક 'કાસુ માલા' (સોનાના સિક્કાનો હાર) અને એક લાંબો 'હારમ'. રજવાડી વનસિંગાર હતો આંધ્રની કથાઓ સાથે જોડાયેલો.
ભારતીય પરંપરામાં સ્ત્રીની માફક પુરુષ સૌંદર્ય પણ એટલું જ વૈભવશાળી અને ઉત્સવમય રહ્યું છે. આપણા રામ કે હોય કે પછી શ્રીકૃષ્ણ કે વિષ્ણુના મંદિરો જુઓ. તેમની આકૃતિ હંમેશા મુગટથી લઈને પાયલ સુધી અલંકારોથી સુસજ્જિત હોય છે. કારણ કે આ અલંકારો માત્ર આભૂષણો નથી, આપણી સનાતન સંસ્કૃતિની સમૃદ્ધિ, સૌંદર્યબોધ અને શક્તિનો ઉત્સવ છે ! આપણા રાજવીઓ એટલે પ્રભાવી દેખાતા !
આ ખાસ પ્રસંગ માટે રશ્મિકાએ અનામિકા ખન્ના દ્વારા ખાસ ડિઝાઇન કરાયેલી, ઘાટ્ટી લાલ બોર્ડરવાળી કિરમજી લાલ રંગની સિલ્ક સાડી પસંદ કરેલી. જે વિજયના અંગવસ્ત્ર સાથે મેચિંગ હતી. આ સાડી પર એન્ટિક ગોલ્ડ વર્કમાં મંદિરોના ગર્ભગૃહ અને પવિત્ર આકારોની ટ્રેડીશનલ ટેમ્પલ ડિઝાઇન ભરવામાં આવી હતી. રશ્મિકાએ પણ શ્રી જ્વેલર્સની જ સાતેક કરોડના સોનાની ટેમ્પલ જ્વેલરી પહેરી હતી : ચંપાસરાલુ (કાનની સાંકળ), માથાપટ્ટી, બાજુબંધ, કમરબંધ, પાયલ, હાથફૂલ અને વાળમાં ગૂંથેલા અદભુત 'જડા બિલ્લા' (માથાથી ચોટલા સુધીના ઘરેણાં)નો સમાવેશ થતો હતો. ડિઝાઈન એવી હતી કે ભપ્પી લહેરી કે કાઠીયાવાડી સિનરિયા જેવી ઓવર ના લાગે બેઉમાંથી એકેની. બંનેએ પોતાના કપાળ પર હળદરવાળા દોરાથી બંધાયેલું સોનાનું આભૂષણ 'બાસિકમ' ધારણ કરીને મેચિંગ તિલક કરેલું, ઇન સિંક લાગે યુગલ એવું.
રશ્મિકાની સાડીની બોર્ડર પર હૈદરાબાદના ઐતિહાસિક સ્થાપત્યના કોતરેલા ગર્ભગૃહ અને આધ્યાત્મિક આકારોવાળી અત્યંત બારીક 'ટેમ્પલ-હાઉસ' ડિઝાઇનનું ભારે ભરતકામ કરવામાં આવ્યું હતું. સાડીના પાલવ અને પાટલીઓ (પ્લીટ્સ) બંનેમાં સળંગ ગોલ્ડન જરીનું શાનદાર કામ જોવા મળતું હતું. એટલું જ નહીં, સાડીની પાટલીઓ પર પણ નાજુક ફૂલો અને આપણા ભવ્ય વારસાને દર્શાવતી સુંદર પેટર્ન વણાયેલી હતી. સાડીને ખૂબ જ સુઘડ અને પાટલી પાડીને એના માખણ જેવી માંસલ દેહ પર ડ્રેપ કરવામાં આવેલી જેના કારણે તેની સુંદર બોર્ડર એકદમ ઉભરીને આંખે વળગે !
કન્યાનો બ્લાઉઝ ભારે વર્કવાળો હોવા છતાં પણ બેલેન્સ્ડ હતો. તેમાં સોનેરી દોરાનું ઝીણું ભરતકામ હતું અને તેની સ્લીવ્સના છેડે નાના-નાના સુંદર લટકણ જોયા ધ્યાનથી ? નેકલાઈન પણ રશ્મિકાની લેયર્ડ જ્વેલરી (એક પર એક પહેરેલા હાર) સાથે એકદમ પરફેક્ટ રીતે મેચ ! જેની શરૂઆત ગળાને અડીને રહેતા ચોકરથી થતી હતી. તેની નીચે પારંપરિક પેન્ડન્ટવાળા લાંબા 'હારમ' શોભી રહ્યા હતા. આ રીતે એકસાથે પહેરેલા ઘરેણાં જરાય અસ્તવ્યસ્ત નહોતા, લૂકને વધુ ઊંડાણ અને ઉઠાવ આપે એવા હતા. એના ઝુમકા પણ એલિગન્ટ હતા. વચ્ચે પાંથી પાડેલા વાળમાં પારંપરિક માગટીકો ખૂબ જ સુંદર રીતે ગોઠવાયેલો હતો. તેણે આજકાલ છોકરીઓ ભૂલી ગીન છે પણ જે સૌંદર્ય અચૂક નિખારે એવી એક નાજુક નથણી પણ પહેરેલી. હાથમાં સોનાની બંગડીઓના થપ્પા ! પણ પોશાકને પૂર્ણતા આપતી હતી એની નજાકત.
ફ્રેશ અને ગ્લોઈંગ મેકઅપમાં આઈલાઈનર વધારે પડતી ડ્રામેટિક નહોતી. એક નાનકડા લાલ ચાંદલાએ તેના લૂકમાં ક્લાસિક બ્રાઈડલ ટચ ઉમેર્યો હતો. તેના હોઠનો રંગ (લિપસ્ટિક) એકદમ નેચરલ ટોનમાં રાખવામાં આવ્યો હતો, જેથી તેના પોશાક અને ઘરેણાં વધુ ઉભરી શકે. રશ્મિકાએ પોતાના વાળને નેચરલ વેવ્ઝ (હળવા વળાંકવાળા) રાખીને તેમાં તાજા મોગરાના ફૂલો ગૂંથ્યા હતા. તેણે ન્યૂડ લિપ્સ અને ડયૂઈ (નૈસર્ગિક ચમક ધરાવતી) સ્કીન સાથે
પોતાનો મેકઅપ એકદમ સિમ્પલ અને મિનિમલ રાખ્યો હતો. પણ સૌથી સુંદર મેક અપ હતો એની આંખોમાં ઉઠેલી મનના માણીગરને પામવાના આનંદની ભરતી. હરખનો હિલોળો અને લજ્જાની લાલી સાથે સંતોષનું સ્મિત !
પરંપરાગત દક્ષિણ ભારતીય પોશાકમાં આ યુગલે તેલુગુ અને કોડવા પરંપરાઓનું પાલન કરીને સાત ફેરા લીધા. ફૂલો, કેળના પાન, નાળિયેર વગેરેથી શણગારેલા મંડપમાં ક્લાસિક અને ઇકો-ફ્રેન્ડલી સજાવટ હતી. આ વિધિમાં દિવ્યતા હતી. તેમાં ફાઇવ-સ્ટાર જેવો ક્લાસ હતો, પરંતુ નબીરાછાપ ભપકો કે છીછરાપણું નહોતું ! કોડવા સમુદાયના લોકો પશ્ચિમ ઘાટના સ્થાનિક મૂળ નિવાસીઓ. આ સમુદાયમાં બોલાતી ભાષા 'કોડવા તક્ક' એ દ્રવિડિયન મૂળની ભાષા છે. કોડવા લોકો મોટેભાગે કર્ણાટકના કૂર્ગના. કોડવા જાતિ ક્યારેય વર્ણવ્યવસ્થાનો હિસ્સો નથી રહી. રશ્મિકા કોડવા છે. સેના, રમતગમત, વેપાર, ફિલ્મ અને બેન્કિંગ ક્ષેત્રે પ્રગતિશીલ છે આ જાતિ.
સાદા કોડવા લગ્નોમાં પૂર્વજો, પ્રકૃતિ અને પરિવારના આશીર્વાદને કેન્દ્રમાં રાખવામાં આવે. આમાં કન્યા પરંપરાગત રીતે સિલ્કની સાડી પહેરે, જેમાં પાટલી આગળની જગ્યાએ પાછળની બાજુએ હોય. આ શૈલી તેમના સમુદાયના લડાયક અને બહાદુર ભૂતકાળને દર્શાવે. એક ફોટામાં દેખાય એ કોબ્બારી બોન્ડમ એટલે હાથમાં નાળિયેર લઈને રશ્મિકાની બ્રાઇડલ એન્ટ્રી. આ કુમળું નાળિયેર સમૃદ્ધિ, પવિત્રતા અને ફળદ્રુપતાના પ્રતીક તરીકે રાખવામાં આવે. એમાં હલ્દી કે મેહંદીની રસમ ના હોય. પણ રશ્મિકાએ મેંદી મુકેલી. મંગલા સ્નાનમમાં લગ્નજીવનમાં ડગલું માંડતા આ યુગલને ખરાબ નજરથી બચાવવા માટે બંનેના ગાલ પર કાળા રંગનું નજરિયાનું દિષ્ટી ચુક્કા ટપકું કરાયેલું. બાસિકમ, પેલ્લી બોટ્ટુ, જીલકર્રા બેલ્લમ, અદ્દુતેરા બધું હતું જુના રીવાજો મુજબ આ મોડર્ન યુગલના લગ્નમાં. અને એમણે અમદાવાદ સહીત ભારતના ઘણા શહેરોમાં મીઠાઈ અને ૧૪ જાણીતા મંદિરોમાં એક દિવસનો પ્રસાદ પણ શુભ પ્રસંગે વહેંચેલો !
રશ્મિકા અને વિજય મૂળ ફિલ્મી ફેમિલીના નથી સંઘર્ષ કરી આગળ આવ્યા છે. ફેમિલી જોડે રહે છે. આ યુગલે નવી પેઢી માટે એક શાનદાર આદર્શ આપ્યો, ફિલ્મસ્ટારની ફેશનની નકલ ને ટ્રેન્ડ સેટ થાય એવો કે લગ્નોમાં રંગો ને અલંકારો માટે પ્રાચીન ભારતના વારસા પાસે જાવ ! અગણિત આકર્ષણ છે એમાં. વળી, આ બેઉ કંઈ મોડર્ન ફેશનના વિરોધી નથી. રશ્મિકા એકદમ શોર્ટ ડ્રેસ પણ પહેરે છે. પણ લગ્ન એમણે ભારતની ભવ્યતા ઝીલતા કર્યા ! કારણ કે રૂપ અને શણગારની, ઉત્સવ અને આનંદની પરંપરા પણ આપણે ત્યાં હતી. જેમાં પ્રેમ અને નર નારીના મિલનનું સેલિબ્રેશન હતું. બધું કંઈ ધર્મના નામે અરસિક થઈ જવાનું નહોતું ભારતમાં જે આજે ઠસાવી દેવાય છે. રોમેન્ટિક ભારત આખું એક ગાયબ કરી દેવાયું છે અભણ જડસુઓ દ્વારા ! અમુક ડિઝાઈન માત્ર ભૂતકાળ નથી, એને રજુ કરતા આવડે તો એમાં રાતુંસોનેરી ભવિષ્ય છે. જે યાદ કરાવે કે આપણે કોણ છીએ ! નવું કશુંક કરવું છે ? તો આપણા જૂના ખજાના પાસે જાવ. આપણે ત્યાં દરેક લગ્ન એક ધૂળેટી છે. જગતના બધા રંગો એમાં જોવા મળે. પ્રણયથી બે દેહનું કાયમી મિલન થાય એનો જલસો કંઈ જેવોતેવો થોડો હોય !
વેડિંગની આલીશાન દેખાડાની શો બાજી વચ્ચે ઉદયપુરમાં થયેલા આ લગ્ન ભારતીય પૌરાણિક કથાઓના કોઈ સુંદર પાના જેવા લાગી રહ્યા હતા. ભવોભવ યાને ઇન એવરી લાઈફટાઈમ એમની કોતરેલી થીમ હતી. એમની જોડે ૨૦૧૮માં પહેલી ફિલ્મ જેમાંથી એ પ્રેમમાં પડયા એનું નામ હતું ગીતગોવિંદ. તો જયદેવના ગીતગોવિંદને યાદ કરીએ...
રાધાવદનવિલોકનવિકસિતવિવિધવિકારવિભઙ્ગમ્ । જલનિધિમિવ વિધુમણ્ડલદર્શનતરલિતતુંગતરઙ્ગમ્ ।। હરિમેકરસં ચિરમભિલષિતવિલાસમ્ । સા દદર્શ ગુરુહર્ષવશમ્વદવદનમનઙ્ગવિકાસમ્ ।।
અર્થાંત, જેમ પૂર્ણિમાના તેજસ્વી ચંદ્રને જોઈને સમુદ્રમાં મોટા મોજાં ઉછળે છે, તેમ જ રાધાના સુંદર મુખકમળના દર્શન માત્રથી શ્રીકૃષ્ણના હૃદયમાં પ્રેમના અનેક ભાવો જાગૃત થયા. રાધાએ જોયું કે લાંબા સમયથી આ મિલનની પ્રતીક્ષા કરી રહેલા શ્રીહરિના મુખ પર અત્યંત આનંદ અને મદન યાને કામદેવનો આકર્ષક પ્રભાવ છવાયેલો છે !
કુર્યાત્ત સદા મંગલમ વિરોશ ! ગુલાલ ગાલોમાં અને મેઘધનુષ આંખોમાં રહે !
ઝિંગ થિંગ
किसी कली, किसी गुल, किसी चमन में नहीं
वो रंग है ही नहीं... जो तेरे बदन में नहीं ।
(फरहत एहसास)


