Get The App

2025ના 25 વેકેશન વિડીયોનું ચેકલિસ્ટ!

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
2025ના 25 વેકેશન વિડીયોનું ચેકલિસ્ટ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ફિલ્મ કમ્પલિટ અનનોન જોવા જેવી છે. બે ફૂટડી ગર્લફ્રેન્ડ સાથે નોબેલ જીતીને પણ એમાં એ સ્વીકારવા હાજર ના રહેલા અલગારી જીનિયસના શરૂઆતના વર્ષો છે

(૧) કાલી કાલી રાત : ના હોરર ફિલ્મ નથી. ૧૯૫૧ની ૭૫ વર્ષ જૂની ગણાય એવી 'સૈયાં' ફિલ્મનું બ્લેક એન્ડ વ્હાઈટ સોંગ છે. મધુબાલા પડદા પર આમે કાયમ જોવી ગમે. આમાં તો એકદમ સુંદર લાગે છે. પણ લતા મંગેશકરે ગયેલા આ વિડીયોની મજા છે, જીનિયસ ગણાયેલા (અને નૌશાદથી ક્યાંય વધુ ઓરિજીનલ) સજ્જાદ હુસેનના કમ્પોઝીશન માટે. એક હોન્ટિંગ મેલોડી. એ પણ ક્યાંયથી કોપી નહિ એવી. વિરહની ટીસ જન્માવતી. (<https://youtu.be/aJX9xTOJIjI?si=R0amUbExRfcQGgpM> )

(૨) નેચર બોય: ગયા રવિવારે ફિલ્મોનું જે પહેલું લિસ્ટ આપ્યું એમાં 'અનટેમ્ડ હાર્ર્ટ' જોઈ ? એ ફિલ્મનું બ્લેક સિંગર નેટ કિંગ કોલે ગાયેલું ગીત છે આ, અંદર દિલમાં કશુંક હચમચાવી દે એવું. આ વિડીયોમાં વળી કોઈ ચાહકે એકદમ સ્પષ્ટ સંભાળતા અંગ્રેજી શબ્દોની કવિતાને પરોવી છે એક ચાહકે ફિલ્મના દ્રશ્યોને સરસ રીતે એડિટ કરીને ધ્યાનથી સાંભળજો. એક જાદૂઈ દિવસે અમે દુનિયાભરની વાત કરી એમાં ધ ગ્રેટેસ્ટ થિંગ યુ એવર લર્ન ઈઝ જસ્ટ ટુ લવ એન્ડ ટુ બી લવ્ડ ઇન રિટર્ન. (<https://youtu.be/8EETM2lfLdI?si=WjwVBzTjo8It7A1M>)

(૩) લાલ પરી: યો યો હની સિંઘ અનેક ચઢાવ પછી સળંગ ઉતારના દૌરમાંથી ડ્રગ્સ છોડી, ટોક્સિક રિલેશનમાંથી બેઠો થઇ પાછો આવ્યો ને આવતાવેંત એટલું તો બતાવી દીધું કે કેચી પાર્ટી સોંગ્સમાં બાપ કોણ છે આફ્ટરઓલ! હાઉસફૂલ ફાઈવનું આ સોંગ બધી લલનાઓના વળાંકો પર પિક્ચરાઈઝ પણ અદ્ભુત થયું છે. ઓલરેડી વારંવાર સાંભળવું ગમે એવું હોઈને બ્લોકબસ્ટર છે. (<https://youtu.be/KGn-erOG-Bs?si=Ww7739ZIyGfDxEzX>) 

(૪) અમિતાભ બચ્ચન વીર સંઘવી: વીર સંઘવી એક ઉત્તમ ઈન્ટરવ્યૂઅર. મૂળ ગુજરાતી પણ સરસ અંગ્રેજીમાં ઈન્ટરવ્યુ લે. અને લખે પણ. આજકાલ ખાલી ખાલી ટવીટ કે એફબી પોસ્ટ માટે ઘણા લોકોમાં હાસ્યાસ્પદ થયેલા પણ મૂળ તો અત્યારની સ્થિતિ પર કટાક્ષ કરીને હતાશા કાઢતા બડે બચ્ચન સાહેબની ડ્રીમ લાઈફ લાગતી જિંદગીનો ઓલમોસ્ટ એક દસકો નિષ્ફળતાઓમાં ગયો. આ ઇન્ટરવ્યુંમાં ભાગ્યે જ હૈયું ખોલી વાત કરતા અમિતાભના એ દિવસો અને એના દર્દ અને એમાંથી બેઠા થવાના ને ફરી મજબૂત થવાના સંઘર્ષની કહાની કોઈ મોટીવેશનલ બૂક કરતા વધુ પ્રેરિત કરે એવી છે. જેમ કે, અમિતાભ એમાં કહે છે કે એક બાબતમાં કોઈ કારણથી ગોથું ખાઈને રિજેક્ટ થાવ પછી પબ્લિક બધી જ બાબતમાં તમારી ખામીઓ શોધવા લાગે ને સલાહો દેવા લાગે. પણ પ્રોબ્લેમ્સ જ તમારી સ્ટ્રેન્થનો ય પરિચય કરાવે. (<https://youtu.be/qXAmptqIIg?si=qp9ljAxgP-lDANXh>)

(૫) સેટરડે નાઈટ ફીવર ઓપનિંગ: બીગીઝ, સ્ટેઈંગ અલાઈવનો સાદ ને નાદ અને આખી શેરી ખિસ્સામાં નાખીને નીકળ્યો હોય એવો અલ્લડ આકર્ષક યુવક જોન ટ્રાવોલ્ટા. હજુ પણ ગૂઝબમ્પ્સ યાને રૃંવાડા ઉભા કરી દે એવી ટાઈટલ સિક્વન્સ. (<https://youtu.be/VmHNMif29MU?si=LxkpK0VzKcpCFl9J>)

(૬) ઇંગ્લિશ નટ વિથ શશી થરૂર: આજકાલ થરૂર સાહેબ ન્યુઝમેકર છે ને અચાનક દેશને એમના માટે પ્રેમ વધી ગયો છે. બાકી, ૨૦૦૯માં એમને તો બેસ્ટ લીડર ગણેલા કોંગ્રેસના. આપણા દેશમાં એક ચોક્કસ પ્રજાતિ એવી વસે છે જેને કેસરિયા ખેસની એપ્રુવલ મળ્યા બાદ જ માણસ દેશભક્ત લાગે છે. એના વિના કાયમ વામપંથી કે ગદ્દાર કે  અર્બન નક્સલ જ લાગે છે મોટાભાગના ઇન્ટલીજન્ટ ગ્લોબલ લોકો. એમાં પણ વિદેશ જાય ને સુંદરીઓનો પ્રેમ પ્રાપ્ત કરે તો આસપાસના લોકો પણ છૂપી જલનમાં ભડભડ બળવા લાગે. શશી થરૂર પહેલેથી જ બ્યુરોક્રેેટ એસ. જયશંકરસાહેબ કરતા બેહતર કોમ્યુનિકેટર છે અને એ સારું કહેવાય કે વડાપ્રધાને પક્ષાપક્ષી વિના એમની યોગ્ય પસંદગી ઓપરેશન સિંદૂર બાબતે ભારતનો પક્ષ મુકવા માટે કરી. આ વિડીયો ૧૫ મિનીટનો છે પણ એમાં એમના અંગ્રેજી વિશેના અગાધ જ્ઞાનના મોજાં ઉછળે છે. કેટલા અંગ્રેજી શબ્દોના મૂળ ભારતમાં છે ને કેવા કેવા શબ્દો છે જે અંગ્રેજીમાં ભારતમાં જ બોલાય છે એ જાણવા જરૂર જુઓ આ વિડીયો ! (<https://youtu.be/AyEDo4Jf0KM?si=-8YRFnQXeJMBEspC>)

(૭) લેટ ધેમ ગો: મેલ રોબિન્સ રિલેશનશિપ એક્સપર્ટ તરીકે સાંભળવા ગમે એવું નામ. સરળ ભાષામાં સ્પષ્ટ વાત કરી નારી. આ વિડીયો એમની ચેનલ પર નથી, પણ એમની સ્પીચમાંથી ટુકડો કાપ્યો છે. સાથે શબ્દો ટાઈપ થયેલા આવે. પણ મૂળ વાત એનો મેસેજ છે. જીવનમાં એકલા હોવા કે થવાથી ગભરાવું નહિ. કાયમ બીજા કોઈની જરૂર પડે એવી આધારિત જિંદગી ના જીવવી. રિલેશનના નામે કેટલું સહન થાય કે શું ગમે એની એક લાઈન મક્કમ બનીને દોરી દેવી. ને ના ફાવે એ લોકો કદાચ અંતર કેળવીએ એનાથી અકળાઈને જતા હોય તો જવા દેવા. પરાણે અંતરમાં એમની જગ્યા નાં કરવી ! (<https://youtu.be/AyFYohtRB5E?si=I9ZZy9V2u_F02mfg>)

(૮) નરેન્દ્ર મોદી અમીર ખુશરો: આ વર્ષે મુઝફ્ફર અલીનો જશ્ને ખુશરો કાર્યક્રમ થયો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂફી ઓલિયાઓ ઉપર સ-રસ અને રસાળ પ્રવચન આપ્યું હતું. એક સમયે પૂરું સમજ્યા વગર જ ઉદ્દામવાદી ટ્રોલીયાઓની ઝપટે છાપ તિલક સબ છીન લિયો મો સે નૈના મિલાઈકે જેવું ખુશરોનું ગીત અર્થનો અનર્થ કરાયેલું ચડેલું. તબલાં જેવા વાદ્યની ભેટ જેમને લીધે મળી એ ખુશરો અને સૂફી ધારા બાબતે વડાપ્રધાને આ મનનીય પ્રવચન આપેલું. સાંભળવા ને સમજવા જેવું (<https://youtu.be/FcFzSaJyiEY?si=RH4Bv-42zPZrkdoG>)

(૯) સ્વર કાકલી: આપણા સર્વકાલીન શ્રેષ્ઠ સિતારવાદક પંડિત રવિશંકર અને વિશ્વવિખ્યાત વાયોલીનવાદક યહૂદી મેન્યુઈને ૧૯૬૭માં આ રાગ તિલંગ પર આધારિત જુગલબંધી કરેલી. જેને ૧૯૬૮માં મ્યુઝિક માટે ગ્રેમી એવોર્ડ મળ્યો. સાંભળવાનો તો જલસો પડશે ને વર્ઝન પણ રિમાસ્ટર્ડ છે. (<https://youtu.be/98tr6PXib74?si=3tg7gfqnuOGY_q3_>)

(૧૦) ગુડ સેક્સ એક્પ્લેઇન્ડ ઇન ૧૦ મિનિટસ: હા, બરાબર વાંચ્યું છે. આ કોઈ બાથવોટર સોપ લોન્ચ કરનારી સિડની સ્વીનીને નહતી બતાવતો ઈરોટિક હોટ વિડીયો નથી. ડા. એમિલી નાગોસ્કી બહુ ઓછા પણ પસંદ કરેલા શબ્દોમાં સેક્સ બાબતે ેબ્રેઈન ઓર્ગેઝમ આવે એવી સાચી સારી વૈજ્ઞાનિક અને સાંવેદિક વાતો કરે છે. (<https://youtu.be/eqX38J9ya1I?si=4oW_nCra79cJOXeW>)

(૧૧)ગેસ્ટ ઇન ન્યુઝરૂમ ચેતન ભગત: ભાદરવાના ભીંડાની માફક ઠેરઠેર જે પોડકાસ્ટ ફૂટી નીકળ્યા છે, એમાં આ એક સૌરભ દ્વિવેદી વાતો કરવા બેસે એમાં મહેમાન કૈંક અલગ જ રંગમાં ખુલતા દેખાય છે. જલસો પડે છે લાંબા વિડીયો જોવાનો પણ. તાજેતરમાં જાવેદ અખ્તર, નાના પાટેકર અને પરેશ રાવલની આ સિરીઝમાં મુલાકત જોવાની મજા આવી. સૌરભ આમ પણ અર્ણવ ગોસ્વામી અને રવીશ કુમાર જેવા બે છેડાની વચ્ચેનું મધ્યબિંદુ છે. સાહિત્યિક સ્પર્શ સાથે મંદ મુસ્કાન સાથે વાતો કરે એમાં હોમવર્ક હોય છે અને ત્વરિત કશુક નવું પૂછવાની તાકાત પણ. એમાં આ ચેતન ભગત વાળો એપિસોડ એટલે આ રજાઓમાં જોઈ નાખવો કે એમાં સ્ટુડન્ટ લાઈફ અને કરિઅરની ટિપ્સ સરસ છે. ચેતન ભગત પોતાના જીવનમાંથી કશુંક લખે ત્યારે એ કહાની ફ્રેશ ને ટ્રેેન્ડસેટર બનતી. પછી ફિલ્મી દુનિયા અને રાજકીય મહત્વાકાંક્ષાઓમાં ખોવાતા ગયા. આમ એક ચાલક પ્રોફેશનલ ખરા એટલે વાતમાં પ્રામાણિક પારદર્શકતા કરતા વધુ સ્માર્ટનેસ દેખાય પણ ઘણા રસપ્રદ ઓબ્ઝર્વેશન એમના હોય છે, જે માણવાનું કાયમ ગમે. લેખન જવા ડો, જીવનને હોશિયાર નજરથી જોતા શીખવે.   (<https://youtu.be/vzpJh0-KaV8?si=RmGOLMAmqUuQB5L>)

(૧૨) ક્રિએટીવ માઈન્ડસ બિહાઈન્ડ યોર ફેવરિટ એડ્સ: આ ગુડ એડ્સ મેટર આખી ચેનલ જ સ્પેશ્યલ છે , પણ બીજી પ્રોડક્ટની એડની જેમ એનું પ્રમોશન એટલું નથી થયું ! કારણ કે લોકોને જમવામાં જેટલો રસ પડે છે એટલો રસોઈની પ્રક્રિયામાં ભાગ લેવાનો પડતો નથી. પણ આ વિડીયો સાચે જ એક માસ્ટરક્લાસ છે જેમને રસ પડે ક્રિએટીવ બાબતોમાં એમના માટે પણ અને આમ પણ ઇન્ટેલીજન્સ ને સ્ટીમ્યુલેટ કરે એવી વાતો છે. (<https://youtu.be/J195hlcsykU?si=irKP82Py7SpPxcEj>)

(૧૩) ભ્રમ ટ્રેલર: ભ્રમ કે પછી લખાયું છે એમ ભરમ ફોર એ ચેન્જ કોમેડી કે ફેમિલી નહિ પણ ગુજરાતી થ્રીલર મૂવી છે. ફિલ્મ લખાય છે ત્યાં સુધી જોઈ નથી પણ અહીં તો મુદ્દો છે એનું ટ્રેલર. બહુ ઓછી ગુજરતી ફિલ્મોના (ઇન ફેક્ટ હિન્દી કે અંગ્રેજી ફિલ્મોના પણ ) ટ્રેલર એવા આવે છે કે એ જુઓ તો ફિલ્મ જોવાની ઉત્કંઠા જાગવા ને બદલે પોણી વાર્તા જ ખુલ્લી પડી જાય. ત્યારે આ ટ્રેલર ગમ્યું રસ જગાવતું ને ભલે બજેટ લોકલ હોય પણ વાર્તા ઇન્ટરનેશનલ લેવલની હોવાની છાપ પાડતું.(<https://youtu.be/kxpPSb4t9rU?si=rF_Tqz5rs27agUED>)

(૧૪) વિવેક અગ્રવાલ રાજ શામાની: આપણે ત્યાં અન્ડરવર્લ્ડ બાબતે એસ. હુસેન ઝૈદી એક બ્રાંડ ગણાય છે પત્રકાર તરીકે પણ ગુજરાતીમાં ય એના વિષે લખનાર જોરદાર પત્રકારો હોય છે. એની વે જેટલા યંગ પોડકાસ્ટવાળાઓ ફૂટી નીકળ્યા છે એમાં આ રાજ શામાણીનું કામ વ્યવસ્થિત લાગે. હોમવર્ક કરે, સરખું સાંભળે, વાતમાંથી વાત કાઢે, જીજ્ઞાસા દેખાય. અહીં પત્રકાર વિવેક અગ્રવાલે જેને બધા ભૂલવા લાગ્યા છે ફિલ્મોમાં પણ ને એક સમયે રિયાલીટી હતું એવા મુંબઈ અન્ડર વર્લ્ડ, ડાન્સ બાર વગેરે મસાલેદાર વિષયો પર ચટાકેદાર વાતો કરી છે. (<https://youtu.be/a5z3Mu313k4?si=yrp5hARufERacuOZ>)

(૧૫) નિકી અનેજા સિદ્ધાર્થ કન્નન : ફિલ્મી પોડકાસ્ટમાં સિદ્ધાર્થ કન્નન પાસે બહુ એક્સક્લુઝીવ કન્ટેન્ટ આવે. કશું પૂછે નહિ તો પણ બધા ખુલીને વાતો કરે એની જોડે. સાંભળે રસથી ને ટાપશી પૂર્યા કરે તો પણ ગેસ્ટ બસ ખુલ્યા જ કરે. વર્ષોના સંપર્કો ને નો નોનસેન્સની છાપ કારણભૂત હશે. મુદસ્સર અઝીઝ જેવા બહુ જાણીતું નામ ના ગણાય એવા ડાયરેક્ટર હોય કે સોનમ કે રૂખસાર જેવી આજે ભૂલાઈ ગયેલી નાયિકાઓ હોય. અહીં એમ જ નિકી અનેજાનો ઈન્ટરવ્યુ છે જેની એક વાતનો તો આધાર બનાવી લેખ લખેલો. રિલેશનશિપ બાબતે, ફેમિલી લાઈફ બાબતે ને ગ્લેમર વર્લ્ડમાં રૂપાળી છોકરીઓએ કેવી રીતે જાત સાચવીને સમાધાનોથી બચવું એ બાબતે સરસ વાતો છે. સાંભળજો  (<https://youtu.be/duOW8J5K2TI?si=c0ogzMZR-U0ZmRRi>) 

(૧૬) તિગ્માંશુ ધુલિયા સ્મિતા પ્રકાશ: એએનઆઈ માટે કરેલો આ લેખક દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાનો ઈન્ટરવ્યુ વિતેલા આખા વર્ષનો શ્રેષ્ઠ ખજાનો લાગે એવો છે ! સવાલ સાધારણ. શરૂઆતમાં એની એ ડલ રૂટીન લાગતી વાતો પણ તિગ્માંશુ જેનું નામ. ધીમે ધીમે પોતે જ બાજી હાથમાં લઈને જે ફટકાબાજી કરી છે... આહાહા. એકસાથે કેટલી બધી ઈનસાઈટ ખુલી જાય આપણી ! મસ્ટ સી, મસ્ત સી. (<https://youtu.be/UNPgBA2MbNM?si=D6LfkcmrCQfGbwoq>)

(૧૭) ઘોર અંધારી રે: પાર્થિવ ગોહિલ માનસી પારેખ ગુજરાતનું ક્રિએટીવ કપલ. જરા વેગળા વિષયો પર હાથ અજમાવે. એમની નવી ફિલ્મ 'શુભચિંતક' ડ્રામા ટાઈપ પણ સસ્પેન્સ રિવેન્જ થ્રીલર રિલીઝ થઇ છે. જેમાં સ્વપ્નીલ જોશી, મેહુલ બુચ, તુષારિકા, વિરાફ વગેરે કલાકારો સાથે સાથે આડીઅવળી ના ભટકતી કથા છે. એ પહેલા આ જાણીતા ગરબાને જે રીતે એમણે ને એમની ટીમે શણગાર્યો છે, એ મજા પડી ગઈ. ઝમકુડીના સોંગની જેમ કેચી બની જાય નવી જનરેશનમાં. (  <https://youtu.be/vlcaxAXon5A?si=x06fVEA3iQkddjdq> )

(૧૮) ટ્રુથ એબાઉટ ફાસ્ટિંગ: એરિક બર્ગ આમ તો ડોક્ટર પીએચડીવાળા, પણ ભલભલા એમડી ડોકટરોને હંફાવે એવું નોલેજ છે એમનું હેલ્થ બાબતે. પાક્કો રિસર્ચ કરીને ચાલુ ચીલાની માન્યતાઓને પડકારે એવા. ડાયાબીટીસ કે લીવર બાબતે આપણા ઘણા વિદ્વાનો એમની જ બેઠી કોપી કરીને વાતો કરે છે. પણ વોટ્સએપ મેસેજોમાં ઘણા ગપ્પા ભળી જાય છે. ઓટોફજી યાને ઉપવાસ કરીને પણ વધુ યુવા થવાના નુસખા પાછળનું અસલી સાયન્સ જાણવું હોય તો જરૂર જુઓ. (<https://youtu.be/vhmtoAYVRSo?si=0dinEP1ugCw9kKLK>) 

(૧૯) બ્લોઇંગ ઇન ધ વિન્ડ: બોબ ડાયલનનું આઇકોનિક સોંગ. હમણાં જ ટિમોથીએ એનો રોલ જીવતો કર્યો. ફિલ્મ કમ્પલિટ અનનોન જોવા જેવી છે. બે ફૂટડી ગર્લફ્રેન્ડ સાથે નોબેલ જીતીને પણ એમાં એ સ્વીકારવા હાજર ના રહેલા અલગારી જીનિયસના શરૂઆતના વર્ષો છે. આ ક્લીપમાં એનો સીન ને પછી સોંગ છે. સાંભળો તો ખરા. સ્ત્રીમિત્રના ટોણા પછી જીવતું થતું સંગીત. ( <https://youtu.be/H6F0p2iAu8s?si=pfWwEvf3HTwNbvc6>)  

( ૨૦ ) અશ્મિ: આ ગુજરાતી શોર્ટ ફિલ્મ થોડી વધુ શોર્ટ હોત તો વધુ અસરકારક બની હોત પણ અનુજ ટાંકે ધરખમ ધર્મેન્દ્ર ગોહિલ અને પ્રતિક રાઠોડને લઈને જે વાત માંડી છે પિતા પુત્રના સંબંધની એ સુંદર ને સંવેદનશીલ રીતે ઈમોશનલ છે. જોવા જેવી.(<https://youtu.be/GL1HaCcAV8E?si=TUFZOu1NwiB3pVH7>)

(૨૧) કબીર પીવત રામરસ ઓશો: ઓશોના ઓડિયો બધા સચવાયા છે, પણ વિડીયો બહુ ઓછા જળવાયા છે ખાસ તો હિન્દીમાં. અહીં ચંદ મિનિટો સાંભળો તો અલ્ટીમેટ ક્વોલિટી કોને કહેવાય વિચાર અને વાણીની એ ખબર પડી જાય. કાવ્યમય રીતે કેવળ પોથીપંડિત અને અનુભવનો ભેદ સ્પષ્ટ કર્યો છે. ને આદત મુજબ ખુમારીથી આગવી વાતો પણ કરી છે. (<https://youtu.be/HjRvf_c55yY?si=FzKKn3E_rvX25H15>)

(૨૨) આહા ટમાટર બડે મજેદાર: નાના બચ્ચાંઓમાં સુપર પોપ્યુલર એવા આ ગીતના અનેક વર્ઝન છે પણ એમાં આનું ગાયન ને એનીમેશન બેઉ ફાંકડું છે. એક વાર સાંભળ્યા પછી મગજમાં ગુંજવા લાગે સતત એવો જાદૂ છે આમાં ! (<https://youtu.be/6rRRAVSilss?si=V04HaE1KeQaU8xPw>)

(૨૩) વીજળીના ચમકારે: કોઈ ગીતના શબ્દો અને એ ગાય એના કંઠમાં કૈંક મિસ્ટિક કશીશ હોય કોઈ ગેબી તત્વની તો કેવી રીતે જકડી રાખે એનો અવર્ણનીય પુરાવો હોય તો આ સોંગ. શબનમ વીરમણિનું કબીર પર કોઈ હરતીફરતી યુનિવર્સિટી જેવું કામ અને ગંગાસતીના અલગારી ઓલિયા મિજાજની ફૂંક એમના ઉચ્ચારો પાછળ છોડીને એક ગજબ ખેંચાણ પેદા કરે છે ! (<https://youtu.be/FYvTc71mpPI?si=9U-SqoynZfrhEhq9> )

(૨૪) હૌસર વિકેડ ગેમ્સ: આ વિકેડ ગેમ્સ એટલે તો લાઈફટાઈમ જેટલા ગીતો સાંભળ્યા એમાં ટોપ થ્રીમાં આવે એટલી હદે ગમતું ગીત. પણ એનું આ વર્ઝન મ્યુઝિકલ તૈયાર થયું એ પણ કેટલી હદે અદ્ભુત છે ! લાજવાબ. વિડીયો પણ એવો. એ જ ઈશ્કના રંગ, એ જ તડપ, એ જ દીવાનગી ને એ જ પ્લેઝરમાં ડોકાતું પેઈન. એક વાર સાંભળવાથી તો ધરાશો નહિ એવો વિડીયો ! (<https://youtu.be/0C-dNgypA5M?si=on2RDjvqsgDa0BRD> )

(૨૫) પેલ પેલ મૂન: ઓહોહો, આહાહા. ઓહોઆહા. શું ફિલ્મ બની છે સિનર્સ. ને શું સોન્ગ્સ છે એના. એમાં બે ગીત લેસ્લી અને આ પેલ પેલ મૂન એટલે જાણે શેતાનનું આમંત્રણ પણ સ્વીકારીને નાચવા મજબૂર કરે એવા બિન્દાસ ફ્રીડમના સોન્ગ્સ. આ પેલ પેલ મૂન લોસન વાળું વર્ઝન સાંભળો એટલે આફ્રિકન ડ્રમ સાથે અમેરિકન જેઝનો જે ઘૂંટો રેપથી રોક સુધીના તાલ ને બૂટના અવાજ સાથે ઉભાક્કર્યો છે જાણે મધરાતે પોકારતું કોઈ ગુફાનું પોલાણ. (<https:/youtu.be/ 1AOydLHGMnY?si=WTfc6qEPuXgLQHNm>) 

ઝિંગ થિંગ 

'આપણું જીવન કોઈ એક ઘટનાથી બનતું નથી. આપણા જીવનની વ્યાખ્યા આપણી પસંદગીનો સરવાળો છે !'

(મિશન ઈમ્પોસિબલ ૮ ફાઈનલ રેકનિંગનો સંવાદ )

Tags :