Get The App

મોટી હતાશા સામે એક છોટી સી આશા!: વ્હાલ પર વિધાતા પણ વરસી પડે છે!

Updated: Jan 3rd, 2023

GS TEAM


Google News
Google News
મોટી હતાશા સામે એક છોટી સી આશા!: વ્હાલ પર વિધાતા પણ વરસી પડે છે! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- દરેક હેપી એન્ડિંગ કોઈ કરુણાંતનો વચલો ભાગ છે. 

- જીવનનો અસલી અર્થ કે હેતુ છે, આનંદ. એકલો નહિ, પણ પરસ્પરનો આનંદ.

૨ ૦૨૨નું વર્ષ બરાબર વિદાય લેવામાં હતું ને કોરોનાની રિ-એન્ટ્રીના વાદળ ઘેરાતા હતા, ત્યારે કાળા આભમાં રૂપેરી વીજળી જેવા એક સમાચાર ચમક્યા. મિરેકલ બેબીના જન્મના !

વાત જાણે એમ છે કે બ્રિટનમાં એક દંપતી. જેમ્સ જેફરસન લવડે અને એની પત્ની બેથની. બંને પ્રેમીઓ જવાન. આવતીકાલના સપના આંખોમાં આંજીને રોમેન્ટિક કપલ બન્યા હતા. ત્યાં અચાનક એમના મીઠડા દાંપત્ય પર બોમ્બ ફૂટયો ! જેમ્સને હોચકિન્સ લિમ્ફોમા તરીકે ઓળખાતું કેન્સર થયું. જેમાં જીવનરક્ષક ગણાય અને ખુદ કેન્સર કે અન્ય બીમારીઓ સામે લડે એવા શ્વેતકણોનો જ નિરંકુશ વધારો થતાં કેન્સર થાય. ફટાફટ જેમ્સની કીમોથેરેપીં શરુ થઇ. યુગલને થયું કે કશું અઘટિત બને એ પહેલા જેમ્સ પ્રમાણમાં સ્વસ્થ છે, ત્યાં એક બાળક તો પેદા કરવું જોઈએ. કોને ખબર પાછળથી શું થાય ?

તો બેથની કેન્સરગ્રસ્ત પતિથી પ્રેેગનન્ટ થઇ. થોડા મહિના પછી એની તબિયત લથડવા લાગી. એને થયું કે પ્રેેગનન્સીને લીધે હશે તકલીફ. પણ ટેસ્ટ કરાવતા ખબર પડી કે પતિને થયેલું એ જ હોચકિન્સ લિમ્ફોમા કેન્સર હવે એને ય થયું છે ! હસબન્ડ વાઈફના જીન્સ તો સરખા હોય નહીં. માટે આવો કિસ્સો રેર ગણી શકાય. ફડક એ પણ પેઠી બેથનીને કે માનો બાળક માટેના પ્રયાસોમાં કોઈ રીતે જેમ્સના શરીરમાંથી કેન્સર પણ ભીતર પહોંચી ગયું, તો ગર્ભનું બાળક તો જન્મતાવેંત જ બીમાર કે મૃત હોઈ શકે ! વળી એને જન્મ આપવા જેટલી તબિયત સારી રહેશે ? કેન્સરની દવાઓ ગર્ભ પર આડઅસર તો નહીં કરે ને ! 

જેમ્સની સારવાર કરતા અનુભવી ડોક્ટર સલીમ શફીકે જ હવે બેથનીની સારવાર શરુ કરી. હજુ હમણાં સુધી કેન્સરગ્રસ્ત પતિનો પડછાયો બનીને એની સંભાળ લેતી સંગિની ખુદ હવે કેન્સર પેશન્ટ હતી ! પતિ ય ઝઝૂમે કેન્સર સામે. હવે તો એકમેકની સંભાળ લેવી પડે એ સ્થિતિ આવી ગઈ અને એ ય બંને કીમોની વેદનામાંથી પસાર થતાં હોય ત્યારે વળી ચિંતા આવનાર બાળકની શૂળની જેમ ભોંકાયા કરે અંતરમાં !

પણ રામ રાખે એને કોણ ચાખે એવું સાવ અમસ્તું જ થોડું કહેવાયું છે ? પુરા મહિના બાદ બેથનીએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો ! બાળકીમાં કોઈ રોગનું નામોનિશાન નહોતું ! પતિપત્નીને ટૂંકા ગાળામાં એકસરખું કેન્સર થાય એ જો રેર ઘટના હતી તો એમને નાર્ર્મલ બેબી થાય એ રેરેસ્ટ ઓફ રેર ઘટના ગણી શકાય. ડો. શફીકે કહ્યું કે એમની ૨૫વર્ષની પ્રેક્ટિસમાં એમણે કદી આવો કિસ્સો જોયો તો શું સાંભળ્યો પણ નથી ! ટ્રેજેડીમાં ટર્નિંગ પોઈન્ટ તો એવો આવ્યો કે બાળકીના જન્મ સમયે જ પતિ પત્ની બંનેની કેન્સર ટ્રીટમેન્ટ પૂરી થઇ, જે સફળ રહી અને હવે બંને એ નાનકડી ઢીંગલીને ઉછેરવા રોગમુક્ત થઇ ગયા છે મેડિકલ સાયન્સની નજરે !

એટલે હૈદી નામ પાડવામાં આવ્યું છે, એ બાળકીને 'મિરેકલ બેબી' કહેવાય છે ! નાનકડું મીઠડું ચમત્કારનું પોટલું ! જાણે પોતાના અવતરણ બાદ ઉછેર માટે એ ઉપરવાળા પાસેથી ખુદનું જ નહિ, પણ મમ્મી પપ્પાનું પણ આયુષ્ય માંગીને લઇ આવી એ નન્હી પરી ! પોતે ય નોર્મલ અને હેલ્ધી હૈદીના કુમકુમ પગલે પેરન્ટસ પણ ફિટ ! એકઝાટકે હતાશાના મેલ પર જાણે બચુકલી આશાનું પોતું ફરી વળ્યું. ટગર ટગર મા બાપ સામે જોતી એ બચ્ચીને ખબર જ નથી હજુ કે એ એવું સુખ લઈને આવી છે જીવનમાં !

વેલ, નવા વર્ષનું કે નવી કોઈ પણ શરૂઆતનું આવું પણ હોઈ શકે. અચાનક પવન ફરે ને પ્રવાહ પલટાય. અણધાર્યું કશુંક ખરાબ પણ થાય ને વળી અણધાર્યું કશુંક સારું પણ થાય ! એક રીતે જુઓ તો દરેક હેપી એન્ડિંગ કોઈ કરુણાંતનો વચલો ભાગ છે. મોત નિશ્ચિત છે, તો છેલ્લે બધી હેપી સ્ટોરીમાં પણ ખાધું, પીધું ને રાજ કીધું કહેવાય એ પાત્રો ય અંતે તો વૃદ્ધ થઈને ગુજરી જ જવાના છે. સો ઓલ સ્ટોરીઝ આર ઇવેન્ચ્યુઅલી ઓલ્વેઝ હેવિંગ ટ્રેજિક એન્ડ ! 

પણ એમાં મેજિક એ જ કરવાનો છે કે આપણો કોઈ વરસો કે લેગસી આપણે છોડતા જઈએ એ આખરી વળાંક આવે એ પહેલા, કે સરસ યાદો બનાવીએ ને આપીએ, કશુંક સરસ જીવીએ અને જીવાડીએ. આપણે ના હોઈએ તો પણ દુનિયા નહી, તો આસપાસના કોઈ સ્વજનો આપણા માટે ખુશ થાય એવું કશુંક કરતા જઈએ ! મિરેકલ બેબીં ફરી વાર ગવાહી પૂરે છે, કે સઘળું તૂટી પડતું હોય એમ લાગતું હોય ત્યારે મોટી ધમાલ વિના પણ હળવેકથી તકદીર ફેવરમાં ફરી શકે છે. બસ, મક્કમ મનોબળ રાખી મુકાબલો કરવાનો અને કર્મયોગી બનીને સતત સાચી દિશામાં સારો પ્રયત્ન કરતા રહેવાનો !

દરેક મૃત્યુ પછી એક જીવન છે. દરેક સુર્યાસ્ત પછી એક સૂર્યોદય છે. દરેક વીતેલા વર્ષ પછી એક આવનારું વર્ષ છે. યુ નેવર નો, ગાડી આખી ભસ્મીભૂત થઇ જાય એમાંથી પંત હેમખેમ બહાર આવી શકે છે. દેવદૂતો પાંખો લઇ સ્વર્ગમાંથી ઉતરે એવું નથી. ન ઓળખતો કોઈ રોડવેઝનો ડ્રાઈવર જમદૂત સામે બાથ ભીડી એક જીવન કટોકટીમાં બચાવી શકે છે. 

;;;

૧૯૬૬માં અગાઉ ચેમ્પિયન બન્યા બાદ બ્રાઝિલે ફૂટબોલના ફિફા વર્લ્ડ કપમાં નાક કપાવ્યું પછી એના સરટોચના સ્ટાર પેલેએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. પણ સ્થાનિક સ્તરે ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું. નવેમ્બર ૧૯૬૯માં મરાકાના સ્ટેડિયમમાં મેચ રમતા રમતા એણે એક અભૂતપૂર્વ અને વિરાટ સિદ્ધિ મેળવી. એક હજારમો ગોલ કર્યો. એ દિવસે વળી બ્રાઝીલનો નેશનલ ફ્લેગ ડે. રમત ૨૦ મિનીટ માટે જશ્ન મનાવવા માટે રોકી દેવામાં આવી. બધાને થયું ઓલરેડી એ વખતે જ વિશ્વવિખ્યાત સાબિત થઇ ચુકેલા અને બ્રાઝિલ માટે બે વર્લ્ડ કપ જીતી ચુકેલા ખેલાડી તરફથી હવે નિવૃત્તિની જાહેરાત થશે. બસ, ઈનફ. ધ એન્ડ. 

પણ પેલેએ 'જાને કિતની ઉડાન બાકી હૈ, ઇસ પરિંદે મેં અબ ભી જાન બાકી હૈ' જેવી હામ હૈયે રાખી આટલું સારું રમાય છે તો એક વિશ્વકપ ઓર સહી કહીને સન્યાસ પાછો ખેંચ્યો ! ૧૯૭૦ના વર્લ્ડ  કપમાં ધુરંધર નીવડી બ્રાઝિલની ટીમ જે આજે ય ફિફાના ઇતિહાસમાં બેસ્ટ ગણાય છે ને બધા મેચ રમીને ગોલ કરીને વિશ્વ વિજેતા થવા સાથે ત્રણ વર્લ્ડ કપનો આજે ય ભવ્ય લાગતો અદ્ભુત વિક્રમ પેલે એ પોતાના નામે અંકિત કર્યો ! આજે એના નિધન બાદ પણ એ જ યાદી કરવામાં આવે છે. બસ, ફૂલસ્ટોપને વેઇટ કહેવાની જીજીવિષા થકી ! ક્યારેક સંધ્યાટાણે અજવાળું વધુ રોશન કરે છે. 

જેમ કે, લિયોનાલ મેસ્સી. જન્મના થોડા વર્ષો બાદ એના પરિવારને ખબર પડી કે આ બાળકને ગ્રોથ હોર્મોન ડેફિશયન્સી છે. જેમાં માણસની શારીરિક વૃદ્ધિ અકાળે એક તબક્કા પછી અટકી જાય. પણ મેસ્સીઈના દાદીએ એનો આત્મવિશ્વાસ ટકાવ્યો અને સારવાર માટે ઉલટું સારી ક્લબ મળે એ માટે વધુ ઉત્તમ ફૂટબોલ રમવા પ્રોત્સાહન આપ્યું. જે ઊર્જા કુદરતે આપેલી મર્યાદા પર ધૂંધવાટ કાઢવામાં વેડફાઈ જવાની હતી, એ હવે મેદાન પર આગળ વધીને કારકિર્દીમાં ઊંચા થવાની તમન્નામાં વપરાવા લાગી. 

એમાંથી નામ,દામ, પ્રેમ અને ઇતિહાસમાં અમર લોકચાહના બધું જ મળ્યું. મેસ્સી નાની ઉંમરે જાણી ગયો કે ફાઈટ કઈ દિશામાં આપવાની છે. પોતે બદલાવી ના શકે એવી બાબતોમાં ધરાર જીદથી લડયા કરવાથી માત્ર હતાશા હાથ લાગે. પણ એને બદલે બદલી શકાય એવી બાબતોમાં લડત આપો તો તમારી નીચાઈ લોકો ભૂલી જાય એટલી ઊંચાઈ કશુંક સ્પેશ્યલ શીખી કે જીવીને કર્મના જોરે જ મેળવી શકો. આવડત માત્ર હિંમત રાખવા પુરતી જરૂરી નથી. કઈ બાબતે હિંમત રાખવી એ પણ સમજાય એ અસલી આવડત છે. 

તો ભલે વીતેલા વર્ષ સુધી કશું ના થયું હોય મનગમતું. એ ભૂલી આપણે જઈએ અને દુનિયા પણ ભૂલે એનો એક જ રસ્તો છે. એ ખંખેરીને નવું કશુંક યાદગાર કરવા માટે મથવાનું શરુ કરો. નવા બ્લોકબસ્ટરથી પાછલી ફ્લોપ ફિલ્મ ભલે હિટ ના થાય, પણ ઢંકાઈ જરૂર જાય !

;;;

૩૧ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આ લેખ લખતા પહેલા ભારતીય નેટફ્લિકસ પર જેનો છેલ્લો દિવસ હતો એવી એક ફ્લોપ ગયેલી પણ ફેન્ટાસ્ટિક ફિલ્મ જોઈ 'હેડ ફૂલ ઓફ હની'. મૂળ ૨૦૧૪માં આ જ નામથી જર્મન ફિલ્મ બની હતી, અને એ જ ડાયરેક્ટરે રિમેક કરી. આજના ભાગમભાગ જમાનામાં આપણા ઘરડાં થતાં જતાં મા-બાપ કોઈ ફર્નિચર નથી, એમને જીવનના અંતિમ તબક્કામાં ખુશ રાખવા માત્ર માણસો રાખવાને બદલે પોતાની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને પણ એમની જોડે એમને ગમતી વાતોમાં સમય પસાર કરવો એવી લાખેણી વાસ્તવિક શીખ મનોરંજક રીતે ફિલ્મમાં આપવામાં આવી છે. 

ફિલ્મમાં વૃદ્ધ પત્નીના અવસાન બાદ એકલા અલ્ઝાઈમરની અવસ્થાને લીધે બધું ભૂલવા લાગતા અને એને લીધે ખુદથી ખિન્ન રહેતા દાદાને દીકરા વહુ જોડે તો લઇ આવે છે, પણ પોતાની કરિયરને લીધે કાળજી લેવામાં થાકી જાય છે. પણ નાની પૌત્રીને દાદા બહુ વહાલા છે અને એ એકલી દાદાને લઇ પ્રવાસે નીકળે છે, એવી શિયાળાની સવારના કૂણા તડકા જેવી હુંફાળી મધુરી વાર્તા છે. 

એમાં એક ભલા ડોક્ટર દાદાની દીવાની ગ્રાન્ડડોટરને હેતથી સમજાવે છે કે, એક ઉંમર પછી માણસને જીવવા માટે કોઈ પર્પઝ જોઈએ છે કોઈ મહત્વનો હેતુ, જેને લીધે એને રસ ટકી રહે. તો યાદશક્તિ અને મૂડ પણ જળવાઈ રહે. અને ઉમેરે છે ઃ 'આમ તો વધતી ઉંમરની કોઈ દવા નથી. પણ એક ઉપચાર છે. જોય. આનંદ. માણસ પ્રસન્ન ચિત્ત રહે તો ઘણી વાર વગર દવાએ પણ સાજો થઇ જાય છે. આજની નબળાઈ કાલ પર ટાળી શકે છે. અમુક રોગ કે મૃત્યુ સામે બીજું કશું થઇ શકતું નથી. પણ જો સમય આપણો અને આપણા સ્વજનોનો મોજમાં વીતે તો તબિયતમાં ફેર પડી જાય છે અને ના પડે તો ય અફસોસ ઓછો થાય છે, વિદાયનો. 

'હું એક દિવસ બધું ભૂલી જાઉં ને બેટા, ત્યારે આ લખાવું એ વાંચીને યાદ કરજે કે તું મારી સૌથી વહાલી રાજકુમારી છે!' એવું પૌત્રીને પ્રેમથી લખાવતા દાદા જોડે પૌત્રીએ માંદા માણસ સમજીને હાંસિયામાં રાખવાને બદલે હૃદયમાં રાખી મમ્મી-પપ્પાને પણ જીવનના પાઠ ભણાવતી દીકરીને એ ફિલ્મમાં સમજાયંા (દાદાનો રોલ ભજવનાર નિક નોલ્ટેની જ એ દસ વર્ષની રિયલ લાઈફ ડોટર છે !) એ દરેક વર્ષ પૂરું થવા આવે અને નવું શરુ થાય ત્યારે આપણે સમજવાનું છે. 

જીવનનો મૂળ હેતુ મોક્ષ નથી, એ મૃત્યુનો હેતુ હોઈ શકે. જીવનનો અસલી અર્થ કે હેતુ છે, આનંદ. એકલો નહિ, પણ પરસ્પરનો આનંદ. એટલે અત્યાચાર કે અનૈતિકતાને સ્થાન ના હોય એવો આનંદ. શોષણ, છેતરપિંડી, નફરત વિનાનો. જયારે બધું અઘરું લાગે તો ખાસ વર્તમાનને વ્હાલ કરી લેવું. 

જલસા કરો, જલસા કરાવો ને કોઈ જલસા કરતું હોય એમાં બળતરા કરીને, સંકુચિત ચિત્ત લઈને આડા નડવા ના આવો !

હેપી ૨૦૨૩. 

ઝિંગ થિંગ 

'શૂન્ય'  શિખરની તમન્ના અંત છે પુરુષાર્થનો

એટલે તો ખેલમાં મનમસ્ત  થઈ ફરવું  ભલું.

(શૂન્ય પાલનપુરી)

Tags :