Get The App

શિક્ષણનો ક્ષય અને સત્યનો જય : માત્ર વાર્તાથી વિજ્ઞાન ન જડે, ફક્ત આસ્થાથી આવિષ્કાર ન થાય!

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષણનો ક્ષય અને સત્યનો જય : માત્ર વાર્તાથી વિજ્ઞાન ન જડે, ફક્ત આસ્થાથી આવિષ્કાર ન થાય! 1 - image

- અનાવૃત-જય વસાવડા

- આપણે શિક્ષણમાં અહંકાર ભેળવીશું તો ખોજી ચિત્ત બચપણમાં જ મૂરઝાઈ જશે. સહજ કૂતૂહલથી અવિષ્કાર થાય છે. ધર્મ સંશય યાને શંકાને બાજુએ મૂકવા કહે છે

- બધા ધર્મો સત્યનું મહિમાગાન કરે પણ જૂજ અપવાદો બાદ કરતા બાકીના ધર્મધુરંધરો સત્યથી ભડકી જાય !

૧૭ ફેબુ્રઆરી ઈસ્વીસન ૧૬૦૦માં શું થયું હતું? જિઆર્ડાનો બુ્રનો નામના એક ઈટાલીયનને ૮ વર્ષની કેદ બાદ જાહેર ચોકમાં મૃત્યુદંડ દેવાયો હતો, જેથી દાખલો બેસે એના જેવા 'અપરાધી'ઓમાં !

શું હતો એનો અપરાધ ? ખૂની હતો ? બળાત્કારી હતો ? ડાકુ હતો ? ના, દાર્શનિક અને વિજ્ઞાની હતો. ગણિત અને ખગોળશાસ્ત્ર એના રસના વિષયો હતા. એણે સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓનું ખંડન કરીને વટભેર કહેલું કે ''સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ! બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી નથી !''

હવે માણસજાતમાં ઈન્ટેલીજન્સ કરતા ઈગો મોટો હોય છે. બધાને પોતાનો પરિવાર, પોતાનું ગામ, પોતાની જ્ઞાતિ, પોતાની ભાષા, પોતાનો ખોરાક, પોતાનો દેશ બાકીના બધાથી ચડિયાતો હોવાનો અહંકાર પંપાળવો હોય છે. એવું નથી કે ચડિયાતા ન હોય આ કોઈ - પણ અમુક બાબતોમાં શ્રેષ્ઠ હોય, બીજી તમુક બાબતોમાં બીજા શ્રેષ્ઠ હોય. આ વાસ્તવિકતા છે, જે સમજવા કોઈ સાયન્ટિફિક ડેટાની નહિ પણ ખુલ્લા મનની જરૂર પડે છે.

પૃથ્વી પર આપણા અનેક સદીઓ પહેલાના પૂર્વજોની પ્રથમ અનુભૂતિ ધર્મ કે પ્રેમની નહોતી. ભયની હતી ! હજુ જેનું દિમાગ અને વિશ્વ વિકસીત થઈ રહ્યું હતું એવા આદિમાનવે એ ડરને હટાવવા કંઈક કથાઓ રચી, કંઈક દેવતાઓ અને ભગવાનો વિચાર્યા. ધીરે ધીરે ફિલોસોફી આવી, શ્રધ્ધા જે ભયની ઠંડી સામે ભરોસાના ધાબળાનું કામ કરતી હતી, એમાંથી સહઅસ્તિત્વ ટકાવવા અને એને માટે માનવીય નીતિમત્તા જાળવવા ધર્મોનું માળખું અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે બનતું ગયું. દરેકના મસીહાઓ કે યુગપુરૂષો કે અવતારો મૂળભૂત રીતે જૂની રૂઢિઓ સામે ક્રાંતિકારી હતા. મોઝેસે અત્યાચારી ઈશ્વર સામે પડકાર ફેંકી 'પ્રોમિસ્ડ લેન્ડ' તરફ કૂચ કરી. જીસસે એ યહૂદી ધર્મમાં ઘૂસી ગયેલા પાખંડને પડકાર ફેંક્યો. મોહમ્મદ પયગંબરે હૂંસાતૂંસી અને છેતરપિંડી-શોષણ રોકતી વ્યવસ્થા માટે ઈસ્લામનો સંદેશ ફેલાવ્યો. આપણે ત્યાં રામે પિતાની પરંપરા કરતા અલગ એકપત્નીવ્રત સ્વીકાર્યું અને કૃષ્ણે ઈન્દ્રની, કંસની સ્થાપિત હિતવાળી સત્તા ફગાવી દીધી. બુદ્ધ અને મહાવીરે તો પોતાના ઘરને જ છોડી નવો ચીલો ચાતર્યો. ગુરૂ ગોવિંદસિંહે ગ્રંથને ગુરૂ બનાવી ગાદી પરંપરા છોડી. કહાની ગણો કે ઈતિહાસ, પણ કોઈ એવું નથી કે મહાન 'બિલિવર' યાને આસ્થાના પ્રતીક હોવા છતાં બધું જ આગે સે ચલા આતા હૈ કહી સ્વીકારીને ચૂપ બેઠા હોય.

પણ દરેકના નામે એસ્ટાબ્લિશમેન્ટ્સ બન્યા. મૂળ ગ્રંથો પછી પણ અનેક ઉમેરા ને અર્થઘટનો થયા. નવાનવા હોદ્દેદારો-ઠેકેદારો આવતા ગયા. સીમાડા, ટોળા અને કારોબાર વિસ્તારવા ને એ માટે ખુદને બેહતર સિદ્ધ કરી બીજાઓને નબળા, નકામા, નાલાયક વગેરે સાબિત કરવા !

અને પછી એવું થયું કે બધે જ કોઈ તત્વ કે સત્વની સમજૂતી માટે કે સરળસહજ રીતે રસ પેદા થાય એ માટે ઉપયોગમાં લેવાયેલી સર્જકતા જેમકે, સાહિત્ય (વાર્તા, કવિતા) કે કળા (શિલ્પ, ચિત્ર) - આજના સંદર્ભે કહીએ તો કેલેન્ડરથી વેબસીરિઝ સુધી - બધું જ પબ્લિકે સિમ્બોલિક યાને પ્રતીકાત્મક માનવાને બદલે લિટરલી યાને શબ્દશ: માનવાનું ચાલુ કર્યું. એ પણ માનસિક-સામાજીક-સાંસ્કૃતિક જરૂરિયાત ગણીએ, તો પણ બેથી આગળ વધી એને લીધે એકચ્યુઅલ સાયન્સના એવિડન્સ બેઝ્ડ ફેકટસને હસી કાઢવાનું કે જૂઠી ઠેરવી ઉતારી પાડયાનું શરૂ થયું ! બધા ધર્મો સત્યનું મહિમાગાન કરે પણ જૂજ અપવાદો બાદ કરતા બાકીના ધર્મધુરંધરો સત્યથી ભડકી જાય !

સજીવારોપણ એક અલંકાર છે. ગ્રીક માયથોલોજી હોય કે હિન્દુ પુરાણો બધામાં પથ્થરથી પ્રાણી સુધી અને પ્રકાશથી પાણી સુધીને ચહેરો, આકાર ને બેકસ્ટોરી અપાઈ, માણસ જેવી જ ! દરેક ધર્મોમાં દૈવી ગણાતા લોકમાં આપણા જેવી ખટપટો હોય, સ્વર્ગ અને નરક હોય, શ્રાપ અને વરદાન હોય. દેવો ને દાનવો હોય. દગો, અદેખાઈ, મોહ, તૃષ્ણા, ક્રોધ, આવેશ, ભૂલ, ઉત્તેજના, કામના બધું જ માણસ જેવું દેવતાઈ કથાકાવ્યોમાં પણ હોય. તર્ક ને તથ્યની પેલે પાર કલ્પનાઓ પહોંચી. અત્યારે ડીસી-માર્વેલ જેવા કોમિક્સમાં જેમ દરેક કેરકેટરના આગવા ટુનિવર્સ ને મલ્ટીવર્સ રચાય છે, એવું જ કદાચ થતું ગયું. સૂર્ય કે ધરતીને પણ વ્યક્તિ કલ્પી લેવામાં આવી. તારાઓ, પર્વતો, નદીઓ, વૃક્ષોને પણ જાણે વ્યક્તિ હોય એમ સમજી લેવામાં આવ્યા. પશુપંખીઓ પણ બોલતા ને વિચાર કરતા હોય એવો 'પેરેલલ' યાને સમાંતર સંસાર ઉભો થયો. ક્યાંક અશ્વમાનવ સેન્ટોર આવ્યા તો ક્યાંક નર અને સિંહ મળી ગયા.

ઈટ્સ ફાઇન. આ કલર્સ વિના તો દુનિયા કેવી બોરિંગ થઈ જાય ! આ રીતે પણ મનુષ્યને સારપ તરફ કેળવી શકાય તો બધું સાર્થક છે, વસૂલ છે. પણ આસ્થાના અતિરેકમાં ફેન્ટેસી ફેક્ટને જ ફાંકાબાજી ગણી લે, એ જોખમી છે. ઋષિ અંગત્સ્યે ઉત્તમ અને દક્ષિણ ભારતને એકસૂત્રે જોડવાની પ્રથમ યાત્રા કરી એ અગત્યનો બોધપાઠ છે, પણ વિંધ્યાચલ પર્વત બોલવા લાગ્યો ત્યાં જ અટકી જવાય ને અત્યારે પૃથ્વીનો એકે પર્વત વાત ન કરતો હોય તો એ બાળકબુધ્ધિ ગણાય, જેમાંથી મનોરંજન નીપજે પણ નવા સંશોધનો ને શોધનું મનોમંથન નહિ ! પછી મારીમચડીને લોજીક દોડાવી કે અનુવાદોનું મનગમતા તારણ જેવા અર્થ સાથે ક્રિટિંગ કરીને સાયન્સને નીચાજોણ દેખાડવાનો એક લઘુ ભેજાઓનો કુટિર ઉદ્યોગ શરૂ થઈ જાય !

અને એને ધંધો તોડનાર સત્યવાદી ગમે નહિ. બુ્રનોને એટલે જ ચર્ચે જીવતો સળગાવી દીધેલો ! એ શહીદ થયો પણ ગેલેલિયોની જેમ માફી માંગવાની ના પાડી એણે ને સચ્ચાઈ માટે કુરબાન થવા પર ઓક્રેટિસની માફક મુસ્તાક રહ્યો. આવા બલિદાનોના પાયે એ.આઈ.સુધી પહોંચેલી પ્રગતિના ટાવર્સ ટટ્ટાર ઉભા છે. સદીઓ પછી ૧૯૪૪માં અમેરિકાના બુ્રકલીનમાં દસ વર્ષના એક છોકરાને ગ્રહણ નિમિત્તે ચર્ચમાં જઈ પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે ગ્રહણ જોવું તો રોમાંચક અનુભવ છે, જેનો અભ્યાસ કરવાનો હોય કહીને એ બહાર નીકળ્યો અને પછીથી 'કોસ્મોસ' નામના પુસ્તક અને એજ્યુકેશનલ ટીવીસિરિઝના રચયિતા તરીકે પેઢીઓને અવણશવિજ્ઞાન સમજાવવા માટે વિશ્વવિખ્યાત બન્યો !

પશ્ચિમમાં લોહિયાળ આંદોલનો બાદ ધર્મસત્તા ઢીલી પડતા સુધારા થતા ગયા, પણ ઈસ્લામમાં પહેલેથી જ આવા મતભેદના અવાજો માટે ખાસ જોગવાઈ નહોતી. ભારતની શ્રધ્ધા થોડી વિશિષ્ટ સાચે જ હતી, જેનો અંતિમ હેતુ જ 'મુક્તિ' યાને ફ્રીડમ હતો ! જેનાં સવાલો કે તર્ક તો શું, ઈન્કારની પણ આઝાદી જન્મ જાત હતી ! એટલે સુર્યનારાયણને અર્ધ્ય આપો તમારી મરજી, ને એને હાઈડ્રોજન - કિલિયમનું રૂપાંતરણ કરતો અગનગોળો બતાવીને ભણાવો એ ચોઈસ પણ ખુલ્લી. સા વિદ્યા યા વિમુક્તયે ફ્રીડમ ઈઝ ફ્રીડમ - પણ આટલું શુધ્ધ ઘી પચ્યું નહિ એટલે હવે રૂઢિવાદી જડસુ માનસે ખ્રિસ્તી-યહુદી-ઈસ્લામિક યાને અબ્રહાહમિક ધર્મોની ઘેલછાભરી અને પરપીડક, હિંસક એવી વાનરનકલ શરૂ કરી. એટલે બુ્રનોની જેમ જ બ્લાસ્ફેમીના નામે પાકિસ્તાની મંત્રી સલમાન તારીસની હત્યા થાય એમ મહારાષ્ટ્રીયન રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભેળકરની પણ થાય !

આ બધામાં માણસનો પછી, પહેલા ભોગ લેવાય સચ્ચાઈનો ! પછી અમેરિકાની ટેરિફટેરર સામે મોરચાબંધી કરતી વખતે દોઢ અબજમાંથી એક પણને એવો વિચાર ના આવે કે અમેરિકાને ટક્કર આપે એવી યુનિવર્સિટીઓ કે સાયન્સ, આર્ટ, હિસ્ટ્રીને ઈન્ડસ્ટ્રીના મ્યુઝિયમો બતાવીને બ્રાન્ડસને પેટન્ટલના જોરે (જાપાન, જર્મની, સિંગાપોર, ચીન, ફ્રાન્સ, રશિયા વગેરેની જેમ) આગળ નીકળીશું. પણ અમેરિકાની જ ડિજીટલ એપ્સ કે ઓપરેટિંગ સીસ્ટમ થકી બહિષ્કારના બણગા ફૂંકવાની ખંજવાળ શરૂ થાય ! ગપ્પાને જ્ઞાન માનતા પ્રતિષ્ઠિત ગણાય એ ઈકોનોમિક્સ સવારનું કારણ છે, રૂપિયો સ્ટ્રીપટીઝ કરે છે એનું !

***

૨૨ ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે છે એવું કેટલાય પત્રકારોને પણ ખબર નહિ હોય ! પણ હિમાચલમાં પૂર્વ મંત્રી એવા નેતાશ્રી અનુરાગ ઠાકુરે શાળાના બાળકોને જગતમાં પ્રથમ અવકાશયાત્રી કોણ ? એવા સવાલના જવાબમાં 'નીલ આર્મસ્ટ્રોંગ'ને ખોટું પાડીને હનુમાનજીનું નામ લીધું !

પ્રમાણમાં યુવા એવા અનુરાગ ઠાકુર યુવા મોરચાથી આગળ બીસીસીઆઈ પ્રમુખ અને સ્પોર્ટસ, યુથ તથા ઈન્ફોનેશન-બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર રહી ચુક્યા છે, ને ડિજીટલ સિનેમા-સીરિઝ પર અશ્લીલતાના નામે સેન્સર શિપના હિમાયતી રહી ચૂક્યા છે. પણ વસ્ત્રવિહીન પ્રેમ અશ્લીલ ગણી કાઢતા સમાજને જ્ઞાનવિહીન 'નાગાઈ' બિલકુલ વલ્ગર નથી લાગતી. હનુમાનજીની વાત પછી કરીએ, નીલ આર્મસ્ટ્રોગ પણ સાચો જવાબ નથી. એ પ્રથમ ચંદ્રયાત્રી ગણાય (એમાં પણ બીજા બે જોડે હતા) પ્રથમ અવકાશયાત્રી તો રશિયાનો યુરી ગાગરિન ગણાય ! ટ્રમ્પ ને પુતીનના નામે મેસેજો પોસ્ટોના ખાંડા ખખડાવ્યા કરતા નવરી બજારો અમેરિકન આર્મસ્ટ્રેગિ કે રશિયન ગાગરિન બાબતે કંઈક જનરલ નોલેજ મેળવે તો બીજાની મદદ વિના ઈસરો આપણા અવકાશયાત્રીને મોકલે એવું સપનું વહેલું હકીકત બને ! યાદ રહે, કંઈક બુ્રનોએ કાયદેસર જાતે બળીને આ અવકાશયાત્રાનું અજવાળું કર્યું છે !

હનુમાનજી તો પરાણે વ્હાલા લાગે એવા છે. અસીમ લોકપ્રિય છે. તજજ્ઞાો કહે છે કે કાવ્યશાસ્ત્ર મુજબ કૃષ્ણની હજારો રાણીઓ કે હનુમાનજીનો ગગનચૂંબી છલાંગોને શબ્દાર્થમાં લેવાથી કન્ફયુઝન થાય. પણ એ એમનું પ્રચંડ આકર્ષણ (કૃષ્ણ) કે વિરાટ પરાક્રમ (હનુમાન) બતાવવાની મનોહર પ્રસ્તુતિ છે. હનુમંત ચરિત્ર પ્રેરણાદાયી છે. સમર્પણ, ભક્તિ, સૂઝસમજ, કળાપ્રીતિ અને અભય જેવા અનેક ગુણો એમાંથી વિદ્યાર્થી અવસ્થામાં કેળવી શકાય છે. હનુમાન ચાલીસા અસલી રિધમમાં ગવાય તો આત્મવિશ્વાસ છલકાવી દે ! રિયલ સેન્સમાં એ ભારતના પ્રથમ સુપરહીરો છે. ( આ - સરખામણી વધુ મજબૂત છે, ગ્લોબલ એટેન્શન માટે પણ અને વજ્રાગનું બજરંગ કરી નાખ્યું, એમ એમના નામે પ્રેમીપંખીડાઓને રંજાડતી પ્રજાતિઓની જાણ માટે કે એ પ્રેમદૂત પણ છે !

પણ ઘડીઘડી ધર્મના નામે ઘણા ઢબ્બૂજીઓને સાયન્ટિફિક એપ્રૂવલની ખંજવાળ ઉપડે છે, આપણે ત્યાં પરાણે આ માટે ભેળવવા જોઈએ જરૂર વગર ? બે ક્ષેત્રો અલગ છે. એક આત્મકલ્યાણ માટે ભીતરનું છે, બીજું જનકલ્યાણની ખોજ માટે બહારનું છે. એકમાં અનુભૂતિ મહત્ત્વની છે. બીજામાં સાબિતી અગત્યની છે. પૂરી સમજ કે અભ્યાસ વગર 'વિજ્ઞાન પણ હવે તો...' કરીને ચાળુ પડી જવાનો જે રાષ્ટ્રીય ફાંકારોગ આપણને લાગુ પડયો છે, એમાં સાયન્સથી સુપિરિયર રિલિજીયનને દેખાડવાની લાહ્યમાં એના પ્રભાવથી પોતે કેટલા ઈન્ફિરિયર ફીલ કરે છે, એ પ્રગટ થઈ જાય છે. ઠાકુર સાહેબને એમના જેવા આવી વાતો દાયકાઓથી કરે છે, પણ એને લીધે આખી દુનિયા દંગ થાય એવું એક ગ્લોબલ ઈન્વેન્શન આઝાદીના આઠ દાયકે આવ્યું નથી. અજ્ઞાનની સ્પર્ધામાં ઝુકાવતા હોય એમ કેન્દ્રીય મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણે વળી એનો એ પાઠ કર્યો કે આપણી પાસે તો પુષ્પક વિમાન હતું, રાઈટ બ્રધર્સની પણ પહેલા !

એકનું એક સત્ય લખીને પણ કંટાળો આવે છે કે આ વર્ણથી વિજ્ઞાન સિદ્ધ ના થાય. કાર્યકારણના મજબૂત સિદ્ધાંતો જોઈએ જે જગતના પરખંદાઓની નજરમાં અકાટય તથ્ય આપે ! મિસ્ટર ઈન્ડિયા ફિલ્મ બનાવવાને લીધે શેખર કપૂર પાસે અદ્રશ્ય થવાની વિદ્યા હોય એવું સાબિત ન થાય ! હજુ તેજસ માટેના પુરજા કે બોઈગ, એરબસ, રહાએલ, સુખોઈ બધુ જ આપણે આયાત કરવું પડે છે, પુષ્પક બનાવીને નિકાસ નથી થતી ! આમ ને આમ આપણે શિક્ષણમાં અહંકાર ભેળવીશું તો ખોજી ચિત્ત બચપણમાં જ મૂરઝાઈ જશે. સહજ કૂતૂહલથી અવિષ્કાર થાય છે. ધર્મ સંશય યાને શંકાને બાજુએ મૂકવા કહે છે, બટ સાયન્સ ઈઝ કલ્ટ ઓફ ડાઉટ ! પણ લંડન બેરિસ્ટર થયેલા સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજી નહોતું આવડતું એટલે વડાપ્રધાન ન બનાવ્યા, એવું કહેતા સાંસદ કંગનાજીના યુગમાં આપણે જીવતા હોઈએ ત્યારે બુ્રનો થવાના જોખમ ભણી લેવા જોઈએ ! 

ઝિંગ થિંગ

''શિક્ષણને મંત્રી(ઓ)ની જરૂર છે, એના કરતા મંત્રી(ઓ)ને શિક્ષણની વધુ જરૂર છે.'' (દેવાંશી જોશીને આપેલા ઈન્ટરવ્યૂમાં વિજ્ઞાન લેખક નગેન્દ્ર વિજય)