જડેલું ના શોધે, ગોતેલું ના ગોતે....એવો ખારવો ખલાસી ગોતી લો !
- અનાવૃત-જય વસાવડા
- દરેક મરજીવાને, દરેક ડૂબકીમારને મોતી મળે જ એવું જરૂરી નથી. આખી જિંદગી એના હાથ કદાચ ખાલી જ રહી જાય! મોતી તો નથી મળતા, પણ અંદરથી દરિયો તો અનુભવવા મળે છે ને!
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ
એક નમ્ભરજી ડૂબકી વો મારતા...
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ
પર ડૂબકી કા ઇલમ વો જાણતા...
અસલમ જીલાણી તો કહેતા થા ન્યા લગ
કે સિક્કા મેં મોતી ક્યાં થાતે!
મામુ કો જાદુ સે બાંધના હૈ દરિયે કુ,
એટલે આ ડૂબકી લગાતે!
વૈસે તો અસલમ ગપોડી હૈ સાલા
પર લગતી થી સાચી યે વારતા...
મામદ ફકીરે ભી કીધા થા કિસ્સા
જબ મામુ કો મલ્યા તા મોતી,
ગંગાસતી ને જીસે વીંધા થા
ઉસકો હી મામુને લીધા તા ગોતી.
મામદેય વૈસે તો ગંજેરી માણા
પણ મામુ કી તાકત વો માનતા...
અસલી મેં દરિયે કો આદત થી
મામુ કી,
મામુ કો દરિયાથી પ્યાર થા.
મોતી તો આંખુ કે ખીચ્ચેમેં પયડે થે,
દરિયા હી મામુ કા યાર થા.
એક એક ડૂબકી મેં દરિયે કે અંદર
વો અણમૂલે મોતી પધરાવતા...
સિક્કા મેં રહેતા થા મામુ સલીમ
એક નમ્ભરજી ડૂબકી વો મારતા...
મોતી ફોતી તો ઉસે મલતે ન કાંઈ
પર ડૂબકી કા ઇલમ વો જાણતા...
- વિરલ શુક્લ
આ જકાલ ત્રણ ધીંગા પ્રતિભાશાળી ગુજરાતીઓનું ગીત ખલાસી એકદમ ટ્રેન્ડિંગ છે. કેમ ના હોય ? ગુજરાતી ભાષાના ઇતિહાસમાં રત્નજડિત અક્ષરે નામ નોંધાય એવું કામ કરી રહેલા સૌમ્ય જોશીએ લખ્યું છે, સ્કેમ સિરીઝથી છવાઈ જનાર ટેલેન્ટેડ કમ્પોઝર અંચિતે એની ધૂન બનાવી છે અને પહેલેથી જ એની આગવી તાલીમ અને વિશિષ્ટ કંઠને લીધે ગમતા જોશીલા જવાન આદિત્ય ગઢવીએ ગાયું છે. સીમાડા કૂદાવી એની લોકપ્રિયતા હિલોળે ચડી છે, અને ગુજરાતી ના આવડે એવા પરદેશીઓ એની કેચી હૂકલાઈનના તાલે કોક સ્ટુડિયોના માધ્યમે ઝૂમી રહ્યા છે, ત્યારે એ રચાયું એની પહેલા વાંચેલું આ વિરલ શુક્લનું અદ્ભૂત ગીત યાદ આવ્યું. વરસના આરંભના દહાડે માણવા જેવું છે. કાઠિયાવાડી સાગરકાંઠાના મુસ્લિમો જે બોલી બોલે, થોડી કચ્છી કે સિંધીની છાંટમાં વળી ઉર્દૂ ને ગુજરાતી આવે એવી - એમાં જ આ કવિતા અલગ ભાત પાડે છે.
ના સમજાય તો પણ સ્કિપ કરવાને બદલે વાંચો. ૨૦૨૪માં એઆઈ સાથે કામ લેવા માટે આપણી ઇન્ટેલીજ્ન્સ નહિ તો કેમ ધારદાર બનશે ? પહેલા તો એના લેયર્સ ઉકેલી નાખીએ. ગંગાસતી જેવા સંત આત્માના ભજનમાં પ્રતીકાત્મક યાને સિમ્બોલિક રીતે વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે વાળું મોતી મામુ સલીમને જડી ગયું છે, એવી વાત આવે છે. આ મોતી ગળાના હારના નહી, જીવતર પરના વિચારના છે ! મીનિંગ કે મકસદ શું લાઈફનો ? બસ,ત્યાંથી શરુ થાય છે આ મોતીનો ઘાટ. એ મોતી જડી ગયા પછી મામુને દરિયામાં છુપાયેલા ખજાનાની ફિકર નથી. કારણ કે, એનું જગત માત્ર રૂપિયાના સ્વાર્થથી બન્યું નથી. એને મોતી નથી જોઈતા. પણ યમના દરવાજે ઉભેલા નચિકેતાને જેમ અમૃત જેવી વિદ્યા જોઈતી હતી ઝવેરાતને બદલે, એમ આખા દરિયાનો તાગ મેળવવો છે !
જેમ કોઈ માથાફરેલ વિજ્ઞાની આખી જિંદગી કોઈ અતાગ રહસ્યનો છેડો શોધવા આકાશદર્શન કરીને, લેબોરેટરીમાં રાસાયણિક પ્રયોગો કરીને, ગણિતના સમીકરણો સાથે કુસ્તી લડીને કે જમીનના તળિયે દટાયેલા અવશેષો પાછળની કહાની ઉકેલવાની મથામણ કરવામાં જ રોમાંચ અનુભવે એવું કૈંક. આવી કિક લાગે એ એના જીવનની સાર્થકતા છે. સલીમની તો આંખોમાં મોતીની જાણે ખેતી છે. ( મોતી તો આંખુ કે ખિચ્ચે મેં પયડે થે, દરિયા હી મામુ કા યાર થા) મતલબ,જીંદગીમાં એવી થપાટો એણે ખાધી છે, એવું કશું વ્હાલું ગુમાવ્યું છે, એવો ફટકાઓનો આઘાત ઝીલ્યો છે કે એની આંખોની પાછળ આંસુ લપાયેલા છે. પણ એ બહાદૂર જખ્મો બીજાને બતાવતો નથી. પ્રકૃતિના સંતાન તરીકે અફાટ ઘૂઘવતા સમંદરમાં ડૂબકી મારે છે મૌન, અને પોતાનું એવું મોતી રોજ દરિયાને આપે છે કે જે રત્નાકરના પેટાળમાં નથી. આંખનું અસ્સલ આંસુ !
તો મામુ સલીમ મોતી છે જ નહિ ( જામનગર સિક્કા પાસેના સમુદ્રમાં સાચે જ મોતી નથી ! ) એ સમજતો હોવા છતાં રોજ દરિયા સાથે બાથ કેમ ભીડે છે ? એને ખબર તો પડી ગઈ છે કે ધારેલો ખજાનો આ જીવન એની ઝોળીમાં ભેટ તરીકે કદી નાખવાનું નથી, તો ય કેમ જીવ્યે જાય છે ને વળી સાહસ કર્યે જાય છે જોખમી ? બસ, આ જ તો ઊંડાણ છે કાવ્યનું. ડૂબકી કા ઈલમ ! પોતાની હતાશા ખંખેરીને પણ જીવવા માટેની અથાક કસરત માટેનું મક્કમ મનોબળ. મોતી ભલે કદી ના મળે - પણ દરિયામાં ડૂબકી મારવાની અદ્ભૂત અનુભૂતિ તો મળશે ને ! જેમ કે, પ્રિય પાત્ર ભલે જીવનમાં હા પાડી કદી નહિ આવે, પણ પ્રેમ કોને કહેવાય ને એમાં આંતરડામાં કેવી આંટી પડે એનો અણમોલ અહેસાસ તો થશે ને ! પરીક્ષામાં ભલે ટોપર્સ લિસ્ટમાં નામ ના આવે. પણ કોલેજ લાઈફ કેવી હતી એ માણવા તો મળી ને. ભલે બિઝનેસમાં પ્રોફિટ ના થયો, પણ માણસો કેવા હોય એની ફર્સ્ટ હેન્ડ જાણકારી તો આવી ને ! ચૂંટણી ના જીતાઈ, પણ પ્રવાસ તો થયો ને ! આવું કૈંક.
દરેક મરજીવાને, દરેક ડૂબકીમારને મોતી મળે જ એવું જરૂરી નથી. આખી જિંદગી એના હાથ કદાચ ખાલી જ રહી જાય ! મોતી તો નથી મળતા, પણ અંદરથી દરિયો તો અનુભવવા મળે છે ને !
ખલાસી ગીતની બહુ અગત્યની પંક્તિ આ લેખના શીર્ષકમાં છે. મૂળ ગીતમાં બે અવાજ છે. એક કોરસનો ને બીજો આદિત્યનો. જમાનો, જગત , ટોળું તમને સલામતીના નામે સ્થિર રાખવા માંગે છે. રૂટિન માણસને કોઠે પડે છે, માફક આવે છે. કારણ કે, એમાં કોઈ ચેલેન્જ નથી. રિસ્ક નથી. એટલે નવું કશું કરવાના ચાન્સ પણ નથી. એટલે જોજો બરાબર આસપાસ, મોટે ભાગે સમાજ કહીએ એ ટોળું કોઈ પણ પ્રકારની આઝાદીથી ખૌફ અનુભવશે. નવીનતાથી ડરી જશે. કન્ટ્રોલ ફ્રીક થઇ જશે. અધ:પતનની બૂમરાણો કરી સંવિધાને હક આપ્યો છે, એવી નવી પેઢીની મજાઓ પર સેન્સરશિપ મુકવા દબાણ કરશે. પુખ્ત વયની બે વ્યક્તિઓ પોતાની મરજીથી ક્યાંક મળતી હશે ત્યાં કૂતરાને પાણા મારતા હોય એમ ધસી જઈને ભસાભસ કરશે. જ્યાંથી શોધાયેલી તમામ ટેકનોલોજી વાપરવી છે એવા પશ્ચિમને પાપી ગણી એના છાજીયાં લેશે. કારણ કે, ત્યાં જે પ્રાઈવસી અને ઈન્ડીવિંજ્યુઅલ ફ્રીડમ છે, એ અહીં પેસી જાય તો બની બેઠેલા વડીલોના ધરાર અધિકારનો દબદબો તૂટી જાય એનો ભય સતાવે છે.
ટૂંકા વસ્ત્રો ખૂણે શોભે એવા એની મસ્તી અને મરજીથી પહેરતી છોકરીઓથી આવા સામાજિક ઠેકેદારો એટલે સંસ્કૃતિના નામે ભડકે છે. પોતાની મરજીથી લગ્ન વિના ભેગા રહેતા યુગલને જોઇને પણ અકળાય છે, ને પોતાની મરજીથી સિંગલ રહેતા હોય એવા યુવક કે યુવતીને જોઈએ પણ અકળાય છે ! કારણ કે સામસામા છેડેના બેઉ અંતિમોમાં એમની ગોઠવેલી ફ્રેમ તૂટી જાય છે. જેમ રાતના અંધારામાં જંગલમાં અજાણ્યા જીવડાંથી બીક લાગે એમ આ બધા બહાર હાકલાપડકારાગોકીરા કરતા જડસુઓ અંદરથી તો ડરે છે. એમની ધારેલી બાઉન્ડ્રીઓને કૂદાવી સિક્સર મારી શકતી ખુદમુખ્તાર તેજસ્વીતાથી. સત્ય અને જ્ઞાનથી. પ્રેમ અને આનંદથી. પાછલા પેપરોની પ્રેક્ટીસમાં આવી ગયા હોય એવા એકસરખા બીબાંઢાળ પ્રશ્નો પૂછાય તો એક્ઝામ એમને આસાન લાગે છે. કેમ કે, એમાં ગોખેલા જવાબો આપવા સહેલા છે. પણ જરાક ક્રિએટીવ ક્વેશ્ચન આવે જેમાં મૌલિક નવું ને આગવું વિચારી અગાઉ ના જોયો હોય એવો તાજો વિચાર લખવાનો હોય તો પરીક્ષા અઘરી લાગે છે.
એટલે સમૂહ જયારે નથી રે મજામાં, વાવટા ધજામાં એવું કહી હાડનો પ્રવાસી ગોતી લો ગોતી લો કહે છે ત્યારે એમને મૂંઝવણ છે કે આવો સાહસિક કોઈ હોય ? જે સલામત કાંઠેથી દરિયે જાય અને વળી દરિયામાં પણ સપાટીએ લાઈફ બોટનીની જેમ તર્યા કરવાને બદલે છેક એના તળિયે જાય ! પણ એ દરિયો કેવો ? એ ડૂબકી કઈ ? પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી શોધે એ ! જે સંજોગોના તોફાનોથી ડર્યા કે ડગ્યા વિના નવી યાત્રાના થાકથી હાંફયા વિના આગળ ને આગળ ધસતો જાય એ ખરો ખલાસી.
સૌમ્ય જોશીએ જ કહ્યું છે કે આ ગીત બહારના અને ભીતરના પ્રવાસનું છે. એ બેઉ યાત્રા જે કરે છે, એ એવા ને એવા રહેતા નથી. ખરી વાત, એમની નક્કર ધાર નીકળે છે. મોટો તૈયાર માર્ગ મુકીને પોતાની કેડી કંડારી શકે એવી યુવા પેઢીને સલામી આપતું આ ગીત જેટલું ગવાય છે, એટલું જીવાય છે ખરું ? એકલા એકલા જમવા જતા કે પિક્ચર જોતા પણ શરમ આવે એવી જનરેશન હોય, તો પોતાની સફર કેમ ખેડશે ? અણદીઠેલી ભોમ પર યૌવન આંખ કેમ માંડશે ? જ્યાં કોઈ ગયું નથી એવા લોકેશન પર જઈને ફોટા પડાવવાનો જેમ ચાર્મ હોય, એમ અગાઉ નથી થયા એવા નવા વિચાર કે સર્જનનીં પણ લિજ્જત હોય. બેઉ માટે થોડું અલગ પડીને આગળ ચાલવાનું કષ્ટ લેવું પડે. દ્રશ્યો નવા એને જોવા મળે, જે થોડી વધુ યાત્રા કરવા માટે પરસેવો પાડે, સમય આપે.
જરૂરી નથી કે સમયનો દરિયો અને ઘટનાઓનો પવન અનુકૂળ જ હોય. ક્યારેક હાલકડોલક થતી નાવડી થોભાવી દેવી પડે, અને તોફાન શમે એની રાહ જોવી પડે. ક્યારેક વળી ઉછળતા મોજાંઓ અને ઘેરાતા અંધારા વાદળો વચ્ચે હોડી નાખવી ય પડે. થોભવું અને ત્રાટકવું બેઉ યાત્રાનો હિસ્સો છે. પણ મૂળ વાત એ છે કે તમારી આગવી કોઈ યાત્રા છે ? તમારી ખુદની છાપ છે ? છે કોઈ કિસ્સો જે તમારો પોતાનો હોય, જેમાં તમારા અંદર અને બહારના પ્રવાસોના ધબકારનો પડધો હોય ? ક્યાં સુધી બીજાની સ્ક્રિપ્ટ મુજબ જીવતા પપેટ બનશો. ક્યારે ખુદનું કિરદાર જાતે ઘડશો ? કોઈ ઘાટ ના ઘડે તો પોતે પોતાના ઘડવૈયા બનો. એકનું એક વરસ ગયા વરસની કોપી કરીને જ જીવવાનું છે, કે કશુંક નવું માણવાજાણવાનું છે અગાઉ ના અનુભવ્યું હોય એવું આ વર્ષે ? નહિ તો ફેર શું ૨૦૨૩ અને ૨૦૨૪માં ?
મોતી તો બોનસ છે. મૂડી તો છે દરિયો. પ્રસિદ્ધિ કે પ્રભાવ તો બાયપ્રોડક્ટ છે. અસલ તો છે જીવતરમાં ખેડેલો અંદર અને બહારનો પ્રવાસ અને એ માટેના પ્રામાણિક પ્રયાસ.
નવા વર્ષના પહેલા જ લેખમાં મોતની વાત નથી કરવી. પણ જાગૃતિની વાત કરવી છે. આજકાલ સમાજને જાગૃત કરવાના નામે સમાજના માલિક બનવા મથતા થનગનભૂષણોનો રાફડો ફાટયો છે. એમની જાગૃતિ ફોરવર્ડ ગીઅરને બદલે બેકવર્ડ ગીઅર તરફ લઇ જવાની છે. પણ જગાડી દેતી તો અંદરથી આવે તો નીંદર કાયમ માટે ઉડાડી દે ! તો એવી જાગૃતિ આવે એ માટે આ વધુ એક ન્યુ કેલેન્ડર ઈયર પર નાનકડી રમત.
મીડિયામાં અવસાન નોંધ આવે છે. જેમાં સદગતના નામ, સ્વજનોના નામ, આયુષ્ય અને લૌકિક ક્રિયાઓની વિગતો હોય છે. પછી ઘણી વાર નેચરલી સ્વજનો પૂછે કે કેમ કરતા ગુજરી ગયા ? પણ એથી મહત્વનો સવાલ છે - મરતા પહેલા કેવું જીવી ગયા ! જાણીતી વ્યક્તિઓ અવસાન પામે ત્યારે એમની જીવન ઝરમર પણ પ્રિન્ટ-ટીવી-સોશ્યલ મીડિયામાં આવે છે. એમની પ્રાર્થના સભામાં અંજલિરૂપે ગુણગાન ગવાય છે. જેના માટે એ લખાઈ હોય એ કદી એ વાંચી શકવાના નથી. સાંભળી શકવાના નથી.
તો પછી આજથી જ સંકલ્પ લઈએ કે આપણે વિદાય લઈએ એ પહેલા શું કરવાનું ગમે ? બકેટ લિસ્ટ ઈચ્છાઓનું બનાવવું એ જુદી વાત થઇ. આ તો આપણને જગત યાદ કઈ બાબત માટે કરે ? એમાં આપણું યોગદાન શું ? આવી નોંધમાં એક ખૂણો બની જઈએ હંમેશ માટે, એ પહેલા કેટલી સફર ખેડવાની બાકી છે ? શું જોવું છે, માણવું છે, અનુભવવું છે ? મોત તો આખરી મંઝિલ છે. એ પહેલા જીવનની સફરનો કોઈ નકશો છે તૈયાર ? કે પછી જ્યાં હો ત્યાં ગોળ ગોળ ફર્યા જ કરવું છે એકધારું ચીલાચાલુ ?
કોલ યોરસેલ્ફ. ગો ટ્રાવેલ. ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ. બાકી તો મેરી ઓલિવરે કહ્યું છે એમ ''તમે શ્વાસ લો છો થોડા એમાં શું જીવો છો એમ માનો છો ?''યસ, જિંદગી શ્વાસની આગળનું સાહસ છે ! હેપી ૨૦૨૪.
ઝિંગ થિંગ
હીરા-માણેક-રત્ન-ખજાના... બધ્ધું છે, જા, અંદર ગોત!
સૂરજ-ચંદર ધુ્રવ ને તારા... બધ્ધું છે... જા, અંદર ગોત!
આપત્તિના પહાડી કિલ્લા કંઈકને આડા આવ્યા છે,
અટકીશ મા, ધર બુદ્ધિ, સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત!
ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા! તું માટી થા!
છોડ ઢાંકણી, ખાડા-કૂવા-નાળાં છોડ, સમંદર ગોત!
એક જ થાપે-આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ,
પરચૂરણિયા મૂક નકામા, જોગી કો'ક કલંદર ગોત!
શુભ-અશુભ ને સાચ-જૂઠના જગત-ખેલથી ક્યાં ભાગીશ?
કશું ન સ્પર્શે એવું ખાખી-ભગવું એક પટંતર ગોત!
ઊપડયો છો તો કે'દીનો... ને હલેસાં પણ બહુ માર્યાં,
ભલા આદમી! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત!
ભરતી-ઓટ-તૂફાનો.... સઘળું...અનિવાર્ય કુદરતનો ક્રમ,
આસન તારું અડોલ રાખે એવું જબરું લંગર ગોત!
ઝાઝાં થોથાં, ઝાઝી બુદ્ધિ, ઝાઝા વાદ-વિવાદે શું?
જડીબુટ્ટી તો આ સામે રહી : 'સત્ય, શિવ ને સુંદર' ગોત!
મળ્યા અને મળનારા જન્મ... તસુ-તસુ પણ ચડતો જા,
પાછો નહીં પડતો... જોગંદર! અંતર ગોત... નિરંતર ગોત!
( યોગેન્દ્ર વિ. ભટ્ટ )