ગરવ કિયો સો ''ગંભીર''હાર્યો! .

- અનાવૃત-જય વસાવડા
- ગૌતમનાં બાળકબુદ્ધિ ઉધામાને લીધે ટીમમાં ભયનું સામ્રાજ્ય છે. પોતાનો ક્રમ નિશ્ચિત હશે કે નહિ, પોતે આવતી મેચમાં સારું રમીને પણ હશે કે નહિ એવો અજ્ઞાત ભય. જેને લીધે ટીમ એકસૂત્રે બંધાઈ નથી શકતી.
મ હાભારતની એક કથા છે. વૃત્રાસુરને માર્યા બાદ બ્રહ્મહત્યારા ઇન્દ્રે સ્વર્ગ છોડવું પડયું. સ્વર્ગનું ઇન્દ્રાસન ખાલી પડયું. ત્યાં કોને બેસાડવો ? અંતે પૃથ્વી પર તેજસ્વી ને ધર્મના જાણનાર મહાન રાજા તરીકે નહુષનું નામ આગળ આવ્યું. નહુષને રંગેચંગે દેવતાઓએ ઇન્દ્ર બનાવ્યો. મનુષ્યને સ્વર્ગના સિંહાસન પર બેસવાનું એના ગુણોને લીધે સન્માન મળ્યું. પણ એમાં તો નહુષને થયું કે હું સર્વશ્રે છું. બધું મારું ધાર્યું થાય. તુમાખીનો પાર ના રહ્યો. એમાં એણે ઇન્દ્રની પત્ની શચી પર જ નજર બગાડી ! શચી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પાસે ગઈ. એમણે નુસખો સૂચવ્યો કે નહુષ કહે કે મિલન માટે આવે ત્યારે પાલખી સપ્તર્ષિઓ પાસે ઉપડાવે. આ દાવ હતો. કારણ કે તપસ્વી ષિઓ અપમાન સાંખે નહિ, ને નહુષ તુંડમિજાજી તોરમાં એમનું અપમાન કર્યા વિના રહે નહિ ! ટાઢે પાણીએ ખસ જાય !
ને થયું પણ એવું જ. અભિમાનમાં પ્રેડીકટેબલ બનેલા નહુષે ઝડપ કરવાનું કહી અકળાઈને એક ષિના ખભે લાત મારી. એ ષિ અગત્સ્ય કોપાયમાન થયા ને નહુષને સર્પ બનવાનો શ્રાપ આપી સ્વર્ગમાંથી ફરી ધરતી પર ટપકાવ્યો !
આ જડબેસલાક લાગુ પડે છે ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગોબર ગડબેશ ગંભીરને !
હવે તો એ સુવિદિત છે કે ટેસ્ટ ક્રિકેટમાં ગૌતમ ગંભીરના કચરા કોચયુગમાં ભારતે ઇતિહાસનો સૌથી કારમો પરાજય વેઠી લીધો છે. જી હા, પાછલા ૬૬ વર્ષમાં ભારત ઘર આંગણે ઉપરાછાપરી આટલી બધી ટેસ્ટ મેચ હાર્યું હોય એવું કદી નથી બન્યું ! ઇન્ફેકટ ભારતને ભારતની ધરતી ઉપર સળંગ હરાવવું એ તો ભારતની ટીમ જ્યારે સાવ નબળી હતી અને અન્ય ટીમો જ્યારે સબળી હતી ત્યારે પણ અસંભવ ગણાતું હતું ! એ એટલું કઠિન હતું કે ૧૭ ટેસ્ટ મેચ એકધારી જીત્યા બાદ પણ ઓસ્ટ્રેલિયા ભારતને ભારતમાં હરાવી શક્યું નહોતું ! એ એવું ટફ હતું કે ૨૦૦૨ના એક અપવાદ સિવાય ભારતમાં આવતી પરદેશી ટીમ બધી જ ટેસ્ટમેચ જીતી જાય એવો 'વ્હાઈટવોશ' પણ કરી શકતી નહોતી.
પણ સ્વભાવે જ ગાંગડા લાગતા ગૌતમ ગંભીરે આ નાલેશી ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમોના હાથે ભારતના લલાટે લખાવી લીધી. એમ તો જરાક માટે ઇંગ્લેન્ડ એક ટેસ્ટ જીતતા રહી ગયું, બાકી ત્યાં પણ બે-બેથી બરાબર થયેલી સિરીઝ ત્રણ-એક થી હારીને આવવાના હતા. પાછું આ બાબતે ભારતને એના ટેસ્ટ ક્રિકેટના સૌથી કારમા ૪૦૮ રનના પરાજય આપનાર સાઉથ આફ્રિકાની ટેસ્ટ પછી બડાઈખોર ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં કોઈ ગમ નહોતો ! ઊલટું ગુમાન હતું કે ઇંગ્લેન્ડ કે ચેમ્પિયન્સ ટ્રોફી વગેરેમાં જીતાડનાર પણ હું જ હતો. જવાબદારી સ્વીકારવાની હોય, ત્યાં દલીલ કરવા બેસે એ પણ અવિવેકનો નાદાર નમુનો કહેવાય.
પહેલા તો આ વિધાન ટેકનિકલી ખોટું છે. ચેમ્પિયન્સ ટ્રોફી અનુભવી કેપ્ટન રોહિત શર્માના વડપણ નીચે રમાઈ હતી અને ત્યારે શાસ્ત્રી દ્રવિડે લાંબા સમયથી ઘડેલી ટીમ એક્ટિવ હતી. એશિયા કપમાં તો ફટીચર ફાલતુ પાકિસ્તાન ફાઈનલમાં આવ્યું એટલા નબળા મુકાબલા હતા. ઇંગ્લેન્ડની વાત તો આગળ લખી જ છે, એટલે આ બધી સિરીઝનો જશ એકલા ગંભીરને જાય નહીં. પણ એણે એકલાએ લેવોજ હોય તો પછી બાકીની ટેસ્ટ સીરીઝમાં જે ધોળકું ધોળાવ્યું છે, એનો અપજશ પણ એણે એકલાએ જ લેવો પડે. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો એવું થોડું ચાલે !
વાસ્તવ પણ એ જ છે કે આ બધી ટેસ્ટ મેચો ગંભીરના ખોટા બહાના મુજબ ટ્રાન્ઝિશન ફેઝ કે યુવા ટીમને કારણે આપણા હાર્યા નથી. પણ ગંભીરના ગાફેલ ગોબરવેડાને કારણે હાર્યા છે. જેને બે આંખ અને એક મગજ હોય એને ઉઘાડું દેખાય એવું આ સત્ય છે. પહેલા તો ગંભીરે સિલેક્ટર અગરકરની સાથે મળીને પોતાને કહ્યા કેપ્ટનો ગોઠવ્યા. જેની સાથે ભળતું નથી એવા વિરાટ રોહિતને બને એટલા દૂર ખેંચાવ્યા. સંપૂર્ણ ફિટ હોવા છતાં મોહમ્મદ શમીને ટીમમાં લીધો જ નહી. જુનિયર કેપ્ટન હોય એટલે આપોઆપ કોચના ગુણગાન વધુ ગવાય એ જ તો એને જોઈતું હતું. વળી ટીમમાં સાવ કંઈ યુવાન ખેલાડીઓ પણ નથી. મોટા ભાગના અગાઉ વારંવાર તક મળી ચૂકેલા ખેલાડીઓ છે. અને ટ્રાન્ઝીશન અગાઉ પણ ધોની કે ગાંગુલી વખતે થયેલું. પણ ત્યારે ટીમનું બેલેન્સ તૂટયું નહોતું. કારણ કે એકસાથે બધા ઝાટકા ન અપાતા.ગંભીરની કોઈ લોજિક વગરની ગંધારી પસંદગી લિમિટ બહાર જવા લાગી. આગલી મેચમાં સારું રમેલાને અચાનક કોઈ દેખીતા કારણ વગર પડતો મૂકી દેવાનો. કોઈ ગણતરીબાજ વ્યૂહ વિના માત્ર મનસ્વી રીતે સરપ્રાઈઝ આપવા બેટિંગના ક્રમ ફેરવ્યા કરવાના. નવા કરવાના નામે તમે શર્ટના કપડામાંથી ઉંધા બટન રાખીને ચડ્ડી સીવી નાખો તો એ ઇનોવેશન નહિ, પણ ગાંડપણ કહેવાય. જ્યાં વધારે કુશળ બેટ્સમેનની જરૂર હોય ત્યાં ધરાર નાઈટ વોચમેન મોકલીને એની પણ વિકેટ પડાવવાની ! જાણે દેશમાં કોઈ સારા બેટ્સમેન કે બોલર હોય જ નહીં એમ નીતીશ કે ધુ્રવ જુરેલ જેવાને રમાડયા કરવાના પણ સંજુ સેમસનની કારકિર્દી ક્રમ બદલાવી ઊંઘીચત્તી કરી નાખવાની અને સરફરાજ ને ડોમેસ્ટિક ક્રિકેટમાં ૬૫ની એવરેજ છતાં ચાન્સ પણ નહીં આપવાનો ! આવા અપરંપાર ગોટાળાઓની પરંપરા સર્જો તો રિઝલ્ટમાં ડિંગો જ મળે અને મળ્યો,
પહેલેથી જ ગંભીરના વાલાદવલા બહુ સ્ટ્રોંગ છે.ગમતા મામકા:ઓને આઇપીએલ સ્ટાઈલમાં રમાડવાના ભૂતમાં ટેલેન્ટેડ ખેલાડીઓને સાઈડટ્રેક કરી કેપેસિટી વગરના ઓલરાઉન્ડર ટીમમાં ઘુસાડી દીધા છે. એમાંનો કોઈ કપિલદેવના શૂઝના મોજાં બરાબર પણ નથી ! ખરેખર જે ઓલરાઉન્ડર વન ડેના કેપ્ટન તરીકે ગુ્રમ થતો હતો એવા હાર્દિક પંડયાને બાજુએ રાખી દીધો અને જે બૂમરાહ ટેસ્ટમાં પુરવાર કરી ચૂક્યો હોવા છતાં રિષભ અને રાહુલ જેવા સારું રમતા પણ સાતત્યમાં સડિયલ અડિયલ ખેલાડીઓને કેપ્ટનશીપ સુધી પહોંચાડી દીધા ! ઢંગધડા વગરના આંચકામાં નથી કોઈ સ્ટ્રેટેજીવાળી પેટર્ન, નથી કોઈ સામી ટીમ કે પીચ મુજબના સ્માર્ટ ચેન્જ.
બસ નાનું છોકરું પિયાનો કે હાર્મોનિયમ હાથમાં આવે અને આડેધડ ચાંપ દબાવવા માંડે રાજી થઈને ઠેકડા મારે અને એનો કર્કશ ઘોંઘાટ આજુબાજુવાળાએ સહન કરવો પડે એવો તાશીરો અત્યારે ભારતીય ક્રિકેટમાં ચાલી રહ્યો છે ! કારણ કે, બીસીસીઆઈ પોતાના લાડકા ચિરંજીવી સિરિયસ કુમારને બદલવા કે ટોકવા તૈયાર જ નથી. ઊલટું એનો તો ઉછળીઉછળીને બચાવ કરે છે. શાસ્ત્રી, શ્રીકાંત, કુંબલે, પ્રસાદ, કૈફ જેવા અનેક ભૂતપૂર્વ ખેલાડીઓએ અવાજ ઉઠાવ્યો. જરાક નબળું રમે તો ખેલાડી ટીમમાંથી ફેકાઈ જાય (ગંભીર યુગમાં તો સારું રમે તો પણ એના તઘલખી તરંગમાં ફિટ ન થાય તો ફેંકાઈ જાય !) પણ આટલી હદે ઉપરાછાપરી સિરીઝો ગુમાવીને નાક કપાવ્યા પછી પણ ગૌતમ ગંભીરને ઉની આંચ ના આવે આ તો પ્રેક્ટીકલ નહિ પણ પોલિટિકલ પોસ્ટિંગ કહેવાય.
ગૌતમનાં આ ગંભીર બન્યા વિનાનાં બાળકબુદ્ધિ ઉધામાને લીધે ટીમમાં દેખીતી રીતે ભયનું સામ્રાજ્ય છે. ના, હોરર ફિલ્મોવાળો ભય નહિ. પણ પોતાનો ક્રમ નિશ્ચિત હશે કે નહિ, પોતે આવતી મેચમાં સારું રમીને પણ હશે કે નહિ એવો અજ્ઞાત ભય. જેને લીધે ટીમ એકસૂત્રે બંધાઈ નથી શકતી. અશ્વિન જેવા જતા રહ્યા પણ હજુ વિકલ્પ નથી એનોસ સ્પિનની ભૂમિ ગણાતા ભારતમાં ! પૂર્વ ખેલાડીઓમાં અજય જાડેજા ને રોબિન સિંહ ક્યાંય વધુ સારા નીવડેલા કોચ બની શકે. અરે, કોહલીના આખરીના દિવસોમાં કેપ્ટનશિપમાં પણ લચ્છા શરુ થયેલા. એટલે તો આઈસીસી ટ્રોફીનો દુકાળ રોહિતથી પૂરો થયો ને ઓસ્ટ્રેલિયા સામે લાજ હજુ રમતા ને કેપ્ટન થવાને લાયક રહાણેએ રાખેલી. પણ એ નબળું રમ્યા તો એમનું સ્થાન ગયું. ધોનીએ તો ઘણાને ઘડયા હોવા છતાં ટીમને ખાતર પોતે ખસી ગયેલો. પણ આ પૂર્વ સાંસદે કેકેઆર જીતાડી એમાં એને હવાલે ટીમ થઇ ગઈ છે. આજે સ્પોર્ટ્સમાં કોચ કોઈ લાલચંદ રાજપૂતની જેમ મેનેજર નથી. એની અસર હોય છે ટીમ માટે આયોજન ઘડવામાં. એના અનુભવનો લાભ મળે યુવાઓને. હવે આપણે આઈસીસી સત્તાવાર ટેસ્ટ તો છેક ઓગસ્ટ ૨૦૨૬માં શ્રીલંકા જેવી નબળી ટીમ સામે રમવાનો છે. ટીટવેન્ટીમાં તો હજુ અનુભવી સુર્યા છે. આઈપીએલ છે. એટલે આ બધું હારના ઠીકરાં ફૂટયા વિના જ ભૂલાઈ જશે !
ગંભીર પાસે અનુભવના નામે માત્ર બખાળા છે. પેલી ઓટલે બેઠેલી કૂથલીખોર ડોશીઓ જેવા. ગ્રેગ ચેપલ જેવા વાયડા કોચના સમયમાં ભારત ૪ ટેસ્ટ હારેલું. ગંભીરના સમયમાં ૧૦ ટેસ્ટ હારી ગયું હોવા છતાં એને હટાવવા કોઈ ગંભીર નથી થતું ! કોહલી ને ધોનીની કપ્તાનીમાં પણ ઘરઆંગણે આપણે માત્ર એક જ સિરીઝ ગુમાવેલી. ગૌતમ ગંભીરનો પોતે રમતો ત્યારનો રેકોર્ડ પણ એવો કોઈ દુનિયા યાદ રાખે એવો જેક કાલીસ કે રિકી પોન્ટિંગ કદી હતો જ નહિ. મહત્વના મેચોમાં બે ત્રણ સારી ઇનિંગ તો કોઈ પણ રમે. એ રીતે તો ષિકેશ કાનિટકર કે ડબ્લ્યુ વી રમણ પણ ગણાય. પણ ભાઈને કાયમી પેટ દુ:ખણું છે, ધોનીને ક્રેડિટ મળ્યાનું. એટલી બધી વાર એણે આ કકળાટ કર્યો છે કે એમાં અન્યાય કરતા અસૂયા ચોખ્ખી દેખાય છે. અસૂયા એટલે ઈર્ષા, જલન, બળતરા. ધોની આજે પણ તોતિંગ બ્રાંડ છે એટલે તો આઈપીએલનો બિઝનેસ એને છોડતો નથી. એ કદી આવા બોગસ પ્રતિભાવોનો જવાબ જ નહિ આપે, જોઈ લેજો.
ગંભીર જે કરે છે એના તો જોક બની ગયા છે કે વાહનમાં એન્જીન ઓઈલ મહત્વનું હોય પણ પેટ્રોલને ક્રેડીટ કેમ જાય ને રોડ મજૂરો બનાવે તો એન્જીનીયર ક્રેડિટ કેમ લઇ જાય એવા બધા. આ સતત પોતાના માટે ક્રેડિટ ઉઘરાવ્યા કરવી એ પણ એ મનોરોગ છે. ઠીક છે. એકવાર કહો, બે વાર કહો. નોંધ લેનારા સમજી જશે. સામેથી યાદ કરશે. પણ ઘડીઘડી કહ્યા કરો, એ પણ માત્ર બીજાની લીટી નાની કરવા તો એમાં બીજા કેવા છે એ વાત પછી, તમે કેવા છો એ ઉઘાડું પડી જતું હોય છે.
આ ગગો ઉર્ફે જીજી સિન્ડ્રોમ આસપાસ જીવનમાં બહુ જડશે. પોતાની હરોળના કોઈ વ્યક્તિને એના સ્વભાવ કે ક્ષમતાને આગળ વધે એમાં ઘણા જોડે રહેનારા કે રમનારાને અંદરથી ઝાળ લાગી જતી હોય છે. પછી એ જે વધુ લોકપ્રિય હોય એમને માટે બ્રેક વગરનો બકવાસ ચાલુ કરી દે છે. શાણપણ આવા ગંદવાડને જવાબ જ આપ્યા વિના આગળ વધવામાં છે, જેથી એની હલકાઈ ઘાટી થઈને દેખાય. અને સમય બચે એ નફો.
ગંભીરને ઇતિહાસમાં પોતાનું નામ ધોનીને બદલે કેમ નથી એનો વસવસો છે. એમાં એને ખુદને ખબર ના હોય એમ એ ક્રેડિટભૂખ્યો અહંકારી થઇ ગયો છે જે બીજાઓને જ જવાબદાર ઠેરવે. ઇતિહાસમાં નામ તો એનું લખાઇ જ ગયું છે ટીમના ધબડકાના આર્કિટેકટ તરીકે. બધા ધોનીવિરોધી ઘુવડગંભીર આવા જ ભાદરવાના ભીંડા હોય છે આ ફ્રસ્ટ્રેટેડ તાંબડી ગરમને હજુ તો વર્લ્ડ કપ ને એવી બધી જીતની ધરાર ક્રેડિટ જોતી હતી. લેતો જ ભાઈ ક્રેડિટ નબળી ટીમો સામે બેફામ ધોબીપછાડની હવે. લોકોના દિલમાં લાંબો સમય સ્થાન જમાવવું એ નાનીમાના ખેલ નથી. બીજા સામે ઇન્ટરવ્યૂ આપીને દાઝેલા ભડથા જેવી વરાળ કાઢયા કરતા કે ઘડી ઘડી પોતાના અન્યાયના એકધારા રોદણાંગાણા ગાતા રહેતા જલનખોર જંતુઓ પોતે એવું માની બેસતા હોય છે કે ખુદ તો ટેલન્ટનો મહાભંડાર છે, ને એમનાથી વધુ લોકપ્રિય ને સફળ છે એ તો ત્યાં ફાલતુમાં ચડી બેઠા છે. હકીકત સાવ ઉલટી હોય છે. એમની અકોણાઇના પાપે એમણે એમનો સમય વેડફ્યો હોય છે. ને એ કબૂલ કરવાને બદલે અદેખાઈ એમનાથી જોજનો ઊંચે જાતમહેનતથી પહોંચેલાની કરે છે !
આ જીજી તો આમે કોઈ મહાન ક્રિકેટિંગ બ્રેઈન કદી હતું જ નહિ. વ્હેમમાં ફરતા આઇપીએલ આઈટમ હતા ખાલી. એ ભવિષ્યમાં જીતે તો પણ એનું લેવલ તો આ જ હતું ને રહેશે. રાજકારણી પોતે છે ને બીજાને રાજકારણી ચીતરવા નીકળી પડે છે. યાદ રાખો, અમિતાભ અમિતાભ જ હોય ને રિશી હોય કે શશી કપૂર - અમર અકબર એન્થની હોય કે દીવાર - મહાન તો બચ્ચન જ રહે. સચિન જે ધોની ટાવરિંગ લીજેન્ડ હતા ને રહેશે.
માણસ કેટલો લાયક કે નાલાયક છે એ ચેક કરવાની ત્રણ કસોટી છે : એને સંકટ/ક્રાઈસિસમાં નાખો, એની પીડા બાબતે એના પ્રતિભાવ ચકાસો અથવા એને અમાપ શક્તિ/સંપત્તિ આપો. મુદ્દો હારજીત નથી. મુદ્દો છે એની કેપેસિટી બહારની પોઝીશનમાં બફાટીયા ભગા. મુદ્દો છે કજિયાખોર માનસ. મુદ્દો છે ફ્રસ્ટ્રેશનમાં ગરમ થઇ જતી તાંબડી. મુદ્દો છે અમાપ અફાટ સત્તા મળે પછી એ જીરવવાને બદલે અહંકારમાં બીજાને દેખાડી દેવાની અધીરાઈ. મુદ્દો છે ગુમાનમાં સતત પોતાનું પ્રભુત્વ જમાવવા જતા અન્યોને થતો અન્યાય અને સરવાળે બીજાને થતું નુકસાન.
કેટલાક અભિમાની અકોણાઓ જાણીતા બને ત્યારે કેવા ના થવું એ શીખવાડી જાય છે !
ઝિંગ થિંગ
શેખ સાદીના ગુલિસ્તાનની એક બોધકથા છે. સફરમાં બંદગી કરવા વહેલા પરોઢિયે બાપે બેટાને ઉઠાડયો. બેટાએ આજુબાજુ જોયું કે બાકીના તો સૂતા છે. એટલે એણે બાપને કહ્યું ''આ જુઓ કેવા નાલાયક આળસુ છે બધા, ઈબાદત માટે સમયસર ઉઠતા પણ નથી.'' બાપે બેટાને શાંતિથી એટલું જ કહ્યું ''દીકરા, તું પણ પાછો સુઈ જા. વહેલા ઉઠીને પ્રભુની પ્રાર્થનાને બદલે બીજા સાથીઓની નિંદા જ કરવી હોય તો એવું જાગવાનો કોઈ મતલબ નથી. એના કરતા નિદ્રા સારી !''

