mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણી ચકડોળ : મોડર્ન કોઠી ધોઇને પણ નીકળતો એ જ ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદનો પુરાતન કાદવ!

Updated: Apr 2nd, 2024

ચૂંટણી ચકડોળ : મોડર્ન કોઠી ધોઇને પણ નીકળતો એ જ ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદનો પુરાતન કાદવ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડીને લોકપ્રિયતા મેળવનારા પણ સત્તા મળ્યા પછી ભ્રષ્ટાચારમાં ખરડાઈ શકે છે. આપણા રાજકારણમાં એને શુદ્ધ કરવા આવનાર ખુદ જ ધીરે ધીરે અશુદ્ધ થઈ જાય એ કરૂણાંતિકા હોય છે. તમે પોલિટિક્સ બદલી નથી શકતા, પોલિટિક્સ તમને બદલી નાખે છે

એ ક હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલી કટાક્ષ કવિતા કંઇક આ મતલબની હતી.

એક ગામની શાળામાં અચાનક ઇન્સ્પેકશન આવ્યું. તપાસનીશ એજ્યુકેશન ઇન્સ્પેકટરસાહેબે રેન્ડમલી એક વિદ્યાર્થીને ઉભો કરી કંઇક રામાયણ-મહાભારતનો સવાલ પૂછ્યો. એને આવડયો નહિ તો સાહેબે શિક્ષકને ખખડાવી નાખ્યા. 'આવું ઘોર અજ્ઞાન ! આટલું ય નથી આવડતું તમારા ક્લાસમાં ?' એવું બધું સંભળાવ્યું તો શિક્ષક કહે 'સોરી સાહેબ, હું તો અહીં ટીચર નથી. હું તો સાહેબની ઘેર કામ કરું છું. પણ આજે એ પ્રસંગમાં ગયા તો તમે આવવાના હતા ને મને મોકલી દીધો.'

ઇન્સ્પેકટર ગુસ્સામાં પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા. ત્યાં ધધડાવી નાખ્યા આચાર્યને. તો આચાર્ય કહે કે 'પણ સાહેબ, હું અહીં પ્રિન્સિપાલ નથી. મારો ભાઈ છે. આ તો આજે તપાસણી હતી ને એની તબિયત બરાબર નથી, તો મને બેસાડી દીધો !' ઇન્સ્પેકટર અકળાઈને કહે 'સારું છે ને, મૂળ જે અધિકારી આવવાના હતા, એ મેચ જોવા ગયા એટલે આવ્યા નથી આજે હું તો એનો દોસ્ત છું. બાકી તમારો કેવો રિપોર્ટ થાત ! અહીં વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી જાત !'

પાછળ તમાશો જોવા એકઠાં થયેલા સ્ટુડન્ટસમાંથી એક બટકબોલી છોકરી કહે 'એ તો ભલું થાય કે આજે અમે બધા ખેતરમાં મજૂરી ને ઢોર ચારવા નીકળેલા એને ભણવા બેસાડયા ને આ સ્કૂલમાં અસલ વિદ્યાર્થીઓ નથી. બાકી બિચારાવનું શું થાત !'

સારું છે, સમય સમય પર દેશમાં કોઇને કોઈ ચૂંટણી આવે છે, એટલે નેતાઓમાં નમ્રતા પ્રગટે છે. મોંઘવારી કાબૂમાં રહે છે. પ્રચાર પડઘમને લીધે અમુકને રોજગારી મળે છે. થોડાક સમય માટે નાગરિકોને આદર મળે છે, એ અહેસાસ થાય છે કે તંત્ર આચારસંહિતાવાળી કામચલાઉ સરકારોમાં પણ ચાલતું રહે છે.

પણ આ વખતે 'ઘરણ ટાણે ઘો' (ગ્રહણના અંધારામાં ઘો યાને લિઝાર્ડ જેવું પ્રાણી ઘરમાં ઘૂસી જાય એ દેશી કહેવત) એ નીકળી કે સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે પ્રતિભાસંપન્ન છાપ ધરાવતા ચંદ્રચૂડની દરમિયાનગિરીથી ઇલેકટોરલ બોન્ડની વિગતો જાહેરમાં મૂકવામાં આવી. આમ તો એસબીઆઈએ સરકારી રાહે હમણા ટાઈમ નથી, આ કામ કરવામાં તો મહિનાઓ થશે (ડિજીટલ રેકોર્ડ રેડી હોય ત્યાં સમય શું જોઇએ ?) પણ સુપ્રિમે લાલ આંખ કરતા ફટાફટ ડેટા આપી દીધો. હજુ પૂરેપૂરી વિગતો તો આવી નહિ.

પણ સનસનાટી કરતાં ખાંખાખોળામાં રસ ધરાવતા પત્રકારોએ એટલી પ્રાપ્ય વિગતોમાંથી પણ જોડકાં જોડીને, બિટ્વીન ધ લાઈન્સના તારણો કાઢીને નીર-ક્ષીર ન્યાય તોળવાનો પ્રયાસ કર્યો : થોડુંક તટસ્થભાવે જીજ્ઞાસાપૂર્વક ગૂગલિંગ કરવાથી રસપ્રદ માહિતી મળશે. લોકો હવે આવા કોઈ ઘટસ્ફોટથી ચોંકી જતા નથી, એટલે ચોંકાવનારી નથી લખ્યું. ઇલેક્ટોરલ બોન્ડ યાને નામની ગુપ્તતાની શરતે એક રૂપિયાથી કરોડો સુધીનો ફાળો માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જ પ્રાપ્ય એવો રાજકીય પક્ષોને ફાળો દેવાનો વિકલ્પ. જેમાં કોઇને ખબર ન પડે, પણ એક ઇલેક્ટ્રોનિક નંબર જનરેટ થતો હોઇને એસબીઆઈને કોણે કોને કેટલા આપ્યા એ ખબર તો રહે જ. અને એ રીતે ટોચના પ્રબંધકો નેતાને પણ ખાનગીમાં ખબર રહે કે કોણ કોને કેટલા આપે છે.

ગમે તેટલી આદર્શવાદી વાતો કરીએ, ભારત શું જગતમાં ક્યાંય પણ ધન વિના ઇલેકશન લડાતું નથી. બજેટ તો જોઇએ જ. ને શુધ્ધ ગાંધીવાદી જમાનાથી ફંડ તો રાજકીય લોકો ઉઘરાવે જ. સ્વાભાવિકપણે મોટું દન દેનાર કંઇ પુણ્ય કમાવા રાજકારણમાં દાન ન દેતા હોય. એમને મોટું કામ કરાવવું હોય કે સારા સંબંધો રાખી નાની મોટી ખોટી હેરાનગતિઓ ઘટાડવી હોય. મતલબ એ ડોનેશન ઓછું, ઇન્વેસ્ટમેન્ટ વધુ હોય. આ વણલખ્યોધારો સામાન્ય માણસ પણ સમજી શકે છે. ને એટલે જ એને ઇલેકટરોલ બોન્ડ કોઈ મસમોટા બ્રેકિંગ ન્યૂઝ લાગતા નથી. મનોમન આ પ્રક્રિયા કે કરપ્શન ભારતના સરેરાશ મતદારે સ્વીકારી લીધેલું છે. એ મત આપતી વખતે આના માર્ક આપતો ય નથી ને કાપતો ય નથી. એને અનિવાર્ય અનિષ્ટ સમજી બાજુએ રાખે છે. કારણ કે, આવા ફંડ જ જ્યારે સંભવિત સજામાંથી બચવા અપાતા હોય, ત્યાં એને અપરાધ ગણી દંડ આપે કોણ ?

ચવાઈને ચૂથ્થો થયેલી વિગતો ઓનલાઈન અવેલેબલ છે, ને આમે નાગરિકો આ ન્યુઝ બાબતે તદ્દન ઉદાસીન છે, તો એનું પુનરાવર્તન ટાળીએ. સાર એ છે કે ટોચની સત્તાધારી પાર્ટી તરીકે ભાજપને સર્વાધિક 'અનુદાન' આ માધ્યમે મળ્યું છે તો બીજાઓને પણ મળ્યું તો છે. કેટલાયે થોડુંઘણું બધાને આપ્યું છે. ભારતમાં વેપારીને તો ડગલે ને પગલે કેન્દ્ર સરકાર કે રાજ્યસરકારમાંથી મંજૂરીના પ્રશ્નો નડતા હોય. ઉદારીકરણ પછી પણ લાયસન્સ-પરમિટરાજ સાવ ખતમ નથી થયું. એટલે ખંડણીની જેમ બધાને ધરવવા પડે. એમાં ક્યાંક ખોટું કરતાં ઝડપાઈ ગયા હો, તો બચવા માટે પડખામાં સરકવું પડે, ચરણચંપી કરવી પડે, નાણાકોથળી ઢીલી કરવી પડે. ઇલેક્ટોરોલ બોન્ડનો તાળામેળ દર્શાવે છે કે કોઇને કોઈ ખાતાકીય તપાસની સજાના ભયથી પણ બોન્ડ લેવાયા ને નાણા દેવાયા છે. ફાર્મા કંપનીઓથી લઇને લોટરી કંપની સુધી. કેન્દ્ર ને રાજ્ય બંનેમાં રાજ કરનારાઓને, કારણ કે બેયની મીઠી નજરમાં રહેવાનું થતું હોય.

આ કોઇ નવીન રહસ્ય નથી. પક્ષપલટો થાય એટલે સત્તાધારી પક્ષ જેલમાં જઇ શકો એવી તપાસ અટકાવે, ને ના થાય તો એનું તાપણું ખાસ પેટાવે એ ખેલ આપણે આઝાદીકાળથી આજ સુધી વધુને વધુ પ્રબળ થતો જોયો છે. આનો મુકાબલો કરવાનો દાવો કરવાવાળા પણ ફટકિયા મોતી જેવા નીકળે છે. એટલે જ નિરાશ થઈને પબ્લિક આના કરતા જૂના ને જાણીતા શું ખોટા એવું માનીને મન મનાવે છે. વિપક્ષને મત આપો ને એ એમની કોઈ પોલ ઉઘાડી પડવાના ડરથી કે ખુરશીની લાલચથી જો વંડી ઠેકી જવાના હોય તો કોણ મત બગાડે ?

અરવિંદ કેજરીવાલ અને શરાબકાંડમાં ન્યાય શું છે, સાચુંખોટું શું છે એ તો વડેરી અદાલત નક્કી કરશે. આપણે આરોપ-પ્રત્યારોપમાં નથી પડવું કારણ કે અંદરની વાત ખરીખોટી ખબર નથી. પણ ગઠબંધન કરીને સત્તામાં ન આવવા માટેના બાળકોના સોગંદ ખાઈને પણ અભી બોલા અભી ફોક કરી એ દિલ્હીમાં ગોઠવાઈ ગયા હતા. ભાજપની પીચ પર રન બનાવતા આવડે એવી ઉત્સાદી જોઈ એમના યોગેન્દ્ર યાદવ જેવા જૂના સાથીઓ અળગા થઈ ગયા. ને સુકેશ ચંદ્રશેખર જેવા જેલમાં બેઠેલા ઠગો એમની સામે નિવેદનો દેવા લાગ્યા ! રાહુલ ગાંધી હનુમાન ચાલીસા ના બોલી શકે ને ઈકોનોમી ને ટેકનોલોજી જેવા મુદ્દે વાત કરે. કેજરીવાલ તો આમાં પણ આગળ નીકળી જાય, શિક્ષણ ને આરોગ્ય જેવા મુદ્દાઓ ચગાવે. એની વે, પાઘડીનો વળ છેડે એટલો જ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડીને લોકપ્રિયતા મેળવનારા પણ સત્તા મળ્યા પછી ભ્રષ્ટાચારમાં ખરડાઈ શકે છે. આપણા રાજકારણમાં એને શુદ્ધ કરવા આવનાર ખુદ જ ધીરે ધીરે અશુદ્ધ થઈ જાય એ કરૂણાંતિકા હોય છે. તમે પોલિટિક્સ બદલી નથી શકતા, પોલિટિક્સ તમને બદલી નાખે છે.

એકચ્યુઅલી, ઈલેકટોરલ બોન્ડ જાહેર થયા ત્યારે મુદ્દો જાહેરજીવનની પાદરદર્શકતા હતો. ચૂંટણી માટે પૈસા તો જોઈએ જ. પહેલા બે નંબરના કાળાબજારના વહેવાર થતા. હવે વહેવાર બેન્ક થૂ્ર વ્હાઇટમાં થવા લાગ્યા. પણ જોડે યુનિક નંબરને કારણે એ છતા થઈ જાય એ સીસ્ટમ આવી. સુપ્રિમ કોર્ટના ધુ્રજારાને લીધે ગુપ્તતાની બાહેંધરીનો સંકેલો થઈ ગયો. વાસ્તવમાં તો એની જાહેરાત વખતે જ આ ટ્રાન્સપરન્સીની જોગવાઈ માટે અદાલતી આદેશ આવ્યો હોત તો સારું રહેત. ઈલટોરલ રિફોર્મ ના આવે, ત્યાં સુધી આ વિષચક્ર ચાલવાનું છે. મતદારને આ તો કોઈ એજેન્ડા જ લાગતો નથી. એનો રસ રામમંદિર, કલમ ૩૭૦, હિન્દુ-મુસ્લિમ એ બધા મુદ્દાઓમાં છે. એ તો કોવિડ પણ ભૂલી જાય છે ને સડકના ખાડા પણ, શિક્ષણ પદ્ધતિના પરિવર્તનની નવી પોલિસી કે ક્રિએટીવ બ્રેઈન ડ્રેઇન પણ આપણે ત્યાં કોઈ ચૂંટણીચર્ચાના મુદા નથી. કળા-સાહિત્ય તો જવા દો, પ્રદૂષણ - પર્યાવરણ - સ્વચ્છતા - ટ્રાફિક ડિસીપ્લીન કોઈ ઈલેકશન ઈસ્યુ નથી. વધતા અકસ્માત કે આપઘાત પર ચર્ચા નથી થતી, આવતીકાલના વિજ્ઞાન કે સંસ્કૃતના અધ્યાત્મ પર વાતો નથી થતી. પ્રવાસન કે પ્રેઝન્ટેશનની વાત વડાપ્રધાન અંગત રસથી કરે છે, પણ લોકલ લેવલે એ ય ઈસ્યુ બનતા નથી.

કારણ કે લોકશાહીમાં યથા પ્રજા, તથા પ્રતિનિધિ. લોકોને જ મુખ્તાર અન્સારીઓ કે રાજા ભૈયાઓ કે વોટએવર ટાઇપ હિસ્ટ્રીશીટર્સને વારંવાર ચૂંટી કાઢવા હોય છે. ભ્રષ્ટાચારના જોક્સ પર ભ્રષ્ટાચારીઓ તાળીઓ પાડતા હોય છે, કારણ કે કાર્યક્રમ આયોજનના પૈસા જ એમણે આપેલા હોય છે ! ઈર્ષા અને ઈગો ક્લેશ આપણા લોહીમાં છે. અંદરોઅંદર ભળે નહિ ને માથાકૂટ શરૂ થાય એની કથાઓ ભેગી કરો તો હિમાલય જેવો પર્વત રચાઈ જાય. વાતો બધા રાષ્ટ્રહિત ને માનવતાની કરે, પણ જરાક ખોતરો એટલે જ્ઞાતિ, સમાજનું મમત્વ આવી જાય ! આપણે ત્યાં રિઝલ્ટ તો શું, ટિકિટ પણ જ્ઞાતિવાદના સમીકરણો ઉપર બધા પક્ષો ચૂંટણીમાં આપે છે.

વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીએ પોતાના પ્રભાવથી ગુજરાતમાં જ્ઞાતિવાદ ઉપર વિકાસલક્ષી વાત મૂકી શકાય એ મોડલ બનાવ્યું. પણ તો ય એ વાડાબંધી, આંતરિક જૂથવાદ, પોતાનાઓને જ પાડી દેવાની સોગઠાંબાજી કશું બંધ થતું નથી. જેમ જેમ મોડર્ન ટેકનોલોજી આવે, એમ એ ઘટવાને બદલે વધતું જાય છે. મતલબ પ્રગતિ આપણી વાતોનો વિષય છે, વિચારોનો વિજય નથી. સોશ્યલ નેટવર્ક ને એન્ટીસોશ્યલ નેટવર્ક બનાવી હવે પ્રસિદ્ધ થવા માટેની વિડિયો વોર ચાલુ થઈ જાય છે, ચૂંટણી નજીક આવે એટલે. રોજીંદા જીવનના પ્રશ્નો કે આટલી લાંબી વાત કરી એ ભ્રષ્ટાચાર જેવા મુદ્દે લોકો ક્યારેય ભેગા ના થાય, પણ લાગણી દુભાય કે ધર્મ, કોમ, જ્ઞાતિની વાત આવે ત્યાં તરત વાતાવરણ તંગ થઈ જાય ને ટોળાઓ બહાર નીકળે ! સાવરકર લખી લખીને થાકી ગયા પણ એમની કલ્પનાનો જ્ઞાતિમુક્ત હિન્દુ ન બન્યો.

ઈતિહાસ સાક્ષી છે, કોઈ જ્ઞાતિ આમાંથી બાકાત નથી. એકબીજાનું જોઈને બધા શીખે છે. ચૂંટણીની ચોપાટ આપણે ત્યાં કાસ્ટની કોડીઓથી રમવામાં આવે છે. કાસ્ટિઝમ ન હોય ત્યાં કોમવાદ હોય. ઈસ્લામ ખતરે મેં હૈ, જાગો હિન્દુ જાગો ને એ બધું શરૂ થઈ જાય. એમાં નેકસ્ટ જનરેશનના એજ્યુકેશનની કોઈ વાત જ ના હોય, એમાં જે ક્રીમ હોય એ પરદેશ ભાગી જાય તક મળે તો, ને લુખ્ખાગીરી કરનારા - અભણ વધે એ રાજકારણ કે ધર્મના બેનરમાં જોડાઈ જાય. ગાંધીજીનું મહાપરાક્રમ ત્યારે સમજાય કે આવા અનેક પ્રકારની ભૂતકાળવાદી હુંસાતુંસી ને વાડાબંધીના ખાનાઓમાં વિભાજીત દેશને એમણે એક કર્યો. આઝાદી સિવાય પણ પ્રજામાં શ્રમના ગૌરવથી સાધનશુદ્ધિ સુધીની, કન્યા કેળવણીથી લઈને વ્યસનમુક્તિ સુધીની અહાલેક જગાવી. આપણા સનાતન મૂલ્યો સાથે આધુનિક નવચેતના જોડી.

આપણા વારસાનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે માણસ પોતાના જન્મથી નહિ, પણ કર્મથી ઉંચો બને છે. ભૂતકાળની પરંપરા કરતાં ભવિષ્યમાં કામ આવે એવા ગુણોથી મહાન ગણાય છે. એક જ કૂળમાં પ્રહલાદ પણ હોય અને હિરણ્યકશ્યપુ પણ હોય. રાવણ પણ હોય અને વિભીષણ પણ હોય. કૃષ્ણ પણ પેદા થાય ને કંસ પણ પેદા થાય. યુધિષ્ઠિર પણ હોય ને દુર્યોધન પણ હોય. દરેકમાં સારા ને ખરાબ બંને દાખલા જોવા મળે, અરે એક જ વ્યક્તિના જીવનમાં પણ તળેટી ને શિખર, ભૂલ અને ભવ્યતા બેઉ અંતિમોની આવનજાવન મળે. ગૌરવ સત્કાર્યો ને સદાચારનું, નીતિ અને ન્યાયનું, સત્ય અને સેવાનું, પ્રેમ અને જ્ઞાનનું, સર્જકતા અને મૂલ્યોનું થાય. અહંકારને લીધે રાજકારણમાં ચૂંટણી ઈમેજની ટાંટિયાખેંચની રમત બને છે. જેમાં ઠારવા કરતાં સળગાવવા ને જીતાડવા કરતા હરાવવાવાળા પોતાનાઓ જ વધુ હોય છે. મોટે ભાગે એવા કે જેમને પોતાને કશું મળવાનું ન હોય. રામને વનવાસ અપાવવાથી મંથરાને શું મળવાનું હતું ?

ઝિંગ થિંગ : 

રાજકારણમાં સત્તા ભ્રષ્ટ બનાવતી નથી, પણ ભ્રષ્ટ લોકોને તમારી આસપાસ એકઠાં કરીને તમને લાચાર બનાવે છે. (ફ્રેન્ક હર્બટ)

Gujarat