કરિઅરને બેસ્ટ એસેટ બનાવવાની લાઇફ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ!
- અનાવૃત-જય વસાવડા
- ફરિયાદો ઓછી કરો ને મક્કમ રહી એને સહન કરતા શીખો. થોડી ધીરજ રાખો. ઉતાવળિયા પ્રતિભાવો ટાળો
દર છ મહિને તમારા બાયોડેટામાં એક નવી સ્કિલ ઉમેરવાની ટેવ રાખવી યુવા ઉંમરે. એક લીટી નવી લખાવી જોઈએ જે અગાઉ ન હોય.
વ ર્ષો પહેલા ઓસ્કાર સુધી પહોંચેલું એક લાજવાબ પિક્ચર આવેલું 'ગુડ વિલ હન્ટિંગ.' એની વાર્તાને ધારાવીમાં સેટ કરીને ગુજરાતી નાટક પણ મેહુલ બુચ- કૃતિકા દેસાઈનું બન્યું છે: 'એકલવ્ય'. ફિલ્મમાં મેટ ડિઝન એક સફાઈ કામદારોનો રોલ ભજવે છે, જે મેઘાવી પણ તોફાની છે. યુનિવર્સિટીમાં કચરા પોતા કરતા કરતાં બોર્ડ પર અધૂરો લખાયેલો મેથ્સનો એક પ્રોબ્લેમ ઉકેલી નાખે છે. એ ટફ પ્રોબ્લેમ પ્રોફેસરો નથી ઉકેલી શકતા એ એક ઝાડૂવાળો ઉકેલે છે મધરાતે એકલા!
આ સીનની પ્રેરણા એક સત્યઘટનામાં હતી. મૂળ કોલંબિયા યુનિવર્સિટીમાં એક ઘટના બનેલી. ગણિતના ક્લાસમાં વિષયથી બોર થયેલો એક વિદ્યાર્થી સૂઈ ગયેલો. ઉંઘ ઉડતા આંખો ચોળી તો પિરીયડ પૂરો થઈ ગયો હતો. બોર્ડ પર બે દાખલા સમસ્યારૂપે લખેલા હતા. જેને હોમવર્ક માનીને એ વિદ્યાર્થી નામે જ્યોર્જ ડેન્ટઝિંગે નોટમાં ઉતારી લીધા.
પછી બ્રેક યાને રજાઓ પડી. નવા સત્રમાં જતા પહેલા જ્યોર્જે પેલું 'લેસન' પૂરું કરવાનું નક્કી કર્યું. પણ પ્રોબ્લેમ સોલ્વ થયા નહિ એને ચટપટી ઉપડી લાયબ્રેરીમાં બેસીને જાતે પુસ્તકો ઉથલાવ્યા ઘણું બધું વાંચ્યું. કોઈ એવા મિત્ર નહિ તો જાતની સાથે ચર્ચા કરી, દિવસોની માથાપચ્ચી પછી બેમાંથી એક પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો.
પછી ફરી મેથ્સના ક્લાસમાં બેઠો ત્યારે એની નીંદર ઉડી ગયેલી, કારણ કે, આ વખતે એની પાસે કશુંક હતું જે બતાવી શકે પણ સાહેબે તો એ હોમવર્કનો ઉલ્લેખ જ કર્યો નહિ. અંતે અધીરા થઈ એણે પૂછી લીધુ કે, 'લાસ્ટ ટાઇમ તમે જે પ્રોબ્લેમનું હોમવર્ક આપેલું એ બાબતે કેમ ના પૂછયું?' પ્રોફેસરને નવાઈ લાગી. વિગતમાં ઉંડા ઉતરતા હસી પડયા. એમણે કહ્યું કે, 'એ કોઈ એસાઇનમેન્ટ નહોતું. જેનો ઉત્તર હજુ કોઈ ગણિતશાસ્ત્રી પાસે નથી, એના ઉદાહરણરૂપે મેં એ બોર્ડ પર લખેલું!' જ્યોર્જ તો ત્યારે સૂઈ ગયેલો એટલે એણે તો કશું સાંભળેલું નહિ! એ ચક્તિ થઈને બોલ્યો કે બેમાંથી એક તો મેં સોલ્વ કર્યો છે, ને ચાર પેપર પણ લખ્યા છે!' ૨૦૦૫માં બે દસકા અગાઉ વિદાય લઈ ચૂકેલા જ્યોર્જ ડેન્ટઝિગનું નામ આજે પણ મહાન ગણિતશાસ્ત્રીમાં આવે છે. પેલું એનું સોલ્યુશન જગવિખ્યાત છે. પણ ત્યારે ગણિતના ક્લાસમાં ઉંઘી જતો એટલે એ કામ કરી શખ્યો કે એણે 'આ બહુ અઘરા દાખલા છે, જેનો કોઈ તોડ જ નથી.' એ વાત સાંભળી જ નહોતી! એણે તો કઠિન એસાઇમેન્ટ માની ઉકેલવાની કોશિષ કરી હતી અને એમાં એ ફાવી ગયો! અને પછી તો એને ગણિત નામનો વિષય જ ભાળી ગયો!
સાર એ છે કે ઘણી વખત પરીક્ષા કે પરિણામનું, લોકોના કે નિષ્ણાતોના અભિપ્રાયોનું પ્રેશર આપણી ક્ષમતા હોય એનો પણ ગૂંચવી-મૂંઝવીને તોડી નાખે છે. ક્યારેક એ વિના આપમેળે અંદરનો રસ ઝરવા લાગે તો તાણ કે દબાણ વિના ખુદ પણ ચોંકી જાવ એવી કામિયાબી મળે છે! આખરે, એક્ઝામના પેપરની જેમ જીવન પણ જાતે જ જીવવાનું છે. બીજાઓ મદદ કરી શકે, મજાક મસ્તી કરી શકે, ટીકા કરી શકે. પણ સંજોગો સામે મુકાબલો તો દરેક પોતાની રીતે જ કરવો પડે છે!
***
વિશ્વવિખ્યાત બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે થોડા સમય પહેલા એવું તારણ છાપેલું કે દુનિયાભરમાં જોબ આપતી વખતે ૬૦% ટોપ મેનેજમેન્ટ ડિગ્રીઝ નથી જોતું. પણ એક જ સિમ્પલ સવાલનો જવાબ જુએ છે: 'આ કામ એનાથી થઈ શકશે?' રાઇટ. ડિગ્રીનું સાવ મહત્ત્વ નથી, એમ નહિ, પણ સ્પેસિફિક પ્રોફેશન સિવાય બધે સ્કિલ એન્ડ એક્સપિરિયન્સ જોવાય છે. ફોર્બ્સે જ છાપેલું કે, ૮૫% જી હા, યાને મોટા ભાગના જોબ કેવળ કનેકશન્સને લીધે મળે છે. યાને સંબંધ, ઓળખાણ, નેટવર્કિંગમાં આવેલી ટિપ. દેશી ભાષામાં કહીએ તો 'છેડા અડાડવા.' હવે આ એક એવી વિદ્યા છે, જેના માર્ક કોઈ એક્ઝામમાં આવતા નથી. કરિઅર બનાવવી હશે, તો આ ગુણ પહેલા કેળવવો પડશે.
ચાર શબ્દો કારકિર્દીની આજની દુનિયાના પાસવર્ડ છે! એડજેસ્ટ, સોલ્વ, એક્ઝિક્યુટ, ટ્રબલશૂટ. સતત બદલાતું જગત સિલેબસ બહારની એક ચેલેન્જ ઉભી કરે છે, નવી ટેક્નોલોજી હોય કે નવો ટ્રેન્ડ બધું એડેપ્ટ કરી લેવાનો! આ એડજસ્ટમેન્ટ જેને ન ફાવે એની માર્કશીટ નકામી. બીજી બધી ફીલોસોફી કરતા દરેકને પોતાનો પ્રોબ્લેમ સોલ્વ થાય એમાં જ રસ હોય છે. ઓનર હોય કે કસ્ટમર. માટે સોલ્યુશન વિચારવાના અભિગમને કેળવો કે પછી એવા સંબંધો રાખો. જે સોલ્યુશન લાવે અને તમે એનો હિસ્સો બનો. એ ઉકેલને મીટીંગો, પ્રેઝન્ટેશન્સ, મેઇલબાજી વગેરેની પેલે પાર અમલમાં મૂકવો પડે. ડુઅર્સ હંમેશા ડ્રીમર્સને હંફાવી દે. અને આમ સોલ્યુશનનું પ્રેક્ટિકલ, એક્ઝિક્યુશન થાય, ત્યારે કોઈને કોઈ પડકાર તો આવે જ. અણધારી કોઈ સિચ્યુએશન ઉભી થાય, વિઘ્નો આવે. નવું કરવા જાવ તો કંઈક ગફલત થાય એ સ્વાભાવિક છે, તે એમ જ વધુ શીખવા માટે. પણ આવી મુશ્કેલીઓને મુકાબલો કરવાની હિંમત અને આવડત જોઈએ. એ છે ટ્રબલ શૂટિંગ! આ ચાર બાબત ફાવતી હોય તો બેકારી નહિ આવે. કારકિર્દી બાબતે ટેન્શન નહિ રહે.
એક્ચ્યુઅલી, કરિઅર યાને કારકિર્દી ઘણે અંશે ફાઇનાન્સ જેવી છે. આમ પણ કરિઅર ઇઝ ધ બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. આખી જુવાની, આખી જિંદગી દાવ પર લગાડવી પડે. સ્ટોક માર્કેટમાં જેમ બ્લ્યુ ચિપ શેર્સ મોટે ભાગે લાંબાગાળે જે રિટર્ન આપે, એનાથી વધુ બીજી સ્મોલ-મિડ કેપની અજાણી સ્ક્રિપમાં મળે. એમ સેફ પ્રેસ્ટીજીયસ કરિઅરને બદલે ક્યારેક થોડોક હટકે રસ્તો લીધો હોય તો પણ કામ આવે!
જેમ ઈન્ટરનેટના આરંભ સાથે મેગેઝીન ઈન્ડસ્ટ્રીની વાટ લાગેલી, હોમ વિડિયો કે સેટેલાઇટ ચેનલે સિનેમાના ગઢમાં ગાબડું પાડેલું, સોશ્યલ મીડિયા બાદ બ્લોગ, વેબસાઇટ, વગેરે આઉટડેટેડ થવા લાગ્યા, સ્માર્ટફોને કેમેરાનો કડૂસલો બોલાવ્યો, વિડિયો ઈન્ફલ્યુએસિર્સે એડવર્ટાઇઝિંગની દિશા ફેરવી નાખી, એ બધું જ પુરવાર કરે છે કે હવે એકધારી એક કારકિર્દી દાયકાઓ સુધી ચાલે, એવા ચાન્સ જૂજ સરકારી નોકરી સિવાય અઘરા છે. ઘરના ધંધામાં પણ નવા નવા પરિવર્તન આવતા જાય છે.
કરિઅર એક લાઈફ ટાઇમ અર્નિંગ એસેટ છે. કમાણીનો કાયમી ઓપ્શન. પણ મની ઉપરાંત એમાં કશુંક સ્પેશયલ આપવાનું, મજા આવવાનું હની ભળે તો ગાડી પાટે ચડે. ઉત્તમ કારકિર્દીનું સોના જેવું છે. સદીઓથી સોનું કેમ બેજોડ ઈન્વેસ્ટમેન્ટ રહ્યું છે? કારણ કે એક તો એની અછત છે, આ ઢગલે ધીંગાણા કહેવાય એમ જથ્થાબંધ રીતે ઉત્પાદિત થતું નથી. લેબગ્રોન ડાયમંડ જેવો એનો બીજો ઓપ્શન નથી. બીજું એનું મૂલ્ય થોડી વધઘટને બાદ કરતા ગમે તેવી કટોકટીમાં આંચકાજનક રીતે ઘટતું નથી. ત્રીજું, એમાં સૌથી વધુ લોકોનો ભરોસો છે. જે એને એકદમ ખાસ તરીકે ટકાવે છે.
ડિટ્ટો કરિઅર. થોડાક બીજાથી અલગ એવા દુર્લભ બનો જેનું તરત રિપ્લેસમેન્ટ ના થાય. એવા મજબૂત બનો કે બદલાતા સંજોગો વચ્ચે પણ તમારા જીવનમૂલ્યો, તમારી સુટેવો, તમારું મનોબળ બધું યથાવત જળવાય. અને શક્ય એટલો ભરોસો જીતો બધાનો!
એવી જ રીતે જેમ ફાઇનાન્સિયલ રિસ્ક આવે ત્યાં ઈન્સ્યોરન્સ લેવાય છે, એમ કરિઅર ઈન્સ્યોરન્સ તૈયાર કરો. ના, વીમાના ફોર્મ ભરવાના નથી. જાતને ઘડવાની છે. અંગ્રેેજીમાં એક શબ્દ છે: વેલ્યુ એડિશન. યાને મૂલ્યો વધારવા. બેન્ક બેલેન્સ નહિ, પણ સોફ્ટ સ્કિલ્સ વધારવી. જમાનો મલ્ટીડિસિપ્લનરી અને ઈન્ટરડિસિપ્લનરી છે. યાને એક જ બાબતમાં એક્સપર્ટ થવા ઉપરાંત એને સાથે જોડાયેલી બીજી બાબતોની ખબર હોવી જોઈએ. લેખક હો તો ખાલી પુસ્તક લખ્યે ન ચાલે. ડિઝાઇનિંગ લેઆઉટ પ્રમોશનની સૂઝસમજ હોવી જોઈએ. સોશ્યલ મીડિયા પર વીડિયો બનાવતા આવડવું જોઈએ. ડ્રાઈવર હો તો માત્ર કાર ચલાવતા આવડે એ પૂરતું નથી. જીપીએસથી લઈને ફૂડ ડિલિવરી એપ સુધીનું જ્ઞાાન કેળવવું પડે. જે ડિગ્રી લો એ તો બીજા ઘણાબધા લેતા હશે. એનાથી અલગ તરીને આગળ કેવી રીતે નીકળશો? તો એનો જવાબ છે - થોડું એકસ્ટ્રા બીજું આપણામાં ઉમેરીને વધારાનું વાંચીને. પોલિસમાં ભર્તી થઈ જાય તો ફિઝિકલ ફિટનેસ જ નહિ, ક્રાઈમની સાયકોલોજીનો પણ અભ્યાસ કરીને. ડોક્ટર થાવ તો પોતાની બ્રાન્ચ જ નહિ, બીજે બધે લેટેસ્ટ શું ચાલે છે, અરે ઓલ્ટરનેટિવ થેરાપીઝના રિસર્ચ શું છે, એની પણ ખબર રાખીને.
વર્ષો પહેલા લખેલું. આજે પણ રિલેવન્ટ છે. દર છ મહિને તમારા બાયોડેટામાં એક નવી સ્કિલ ઉમેરવાની ટેવ રાખવી યુવા ઉંમરે. એક લીટી નવી લખાવી જોઈએ જે અગાઉ ન હોય. લાખો રૂપિયાની ફી ભરીને એડમિશન માટે દોડાદોડી કરાવતી જે-તે ઈન્સ્ટિટયુટની બ્રાન્ડ વધવાની છે. પણ એને નીચોવી લો તો તમારી બ્રાન્ડ થવાની છે. નીચોવવું કેવી રીતે? જ્યાં, જે ભણતા શીખતા હો, એ બાબતના સવાલો પૂછવાના શરૂ કરો. સાહેબો મેડમોને ખબર ન હોય તો, ઈન્ટરનેટના રત્નાકરમાં ધુબાકા મારો, એઆઈને પૂછો. પૂછતા નર (કે નારી!) પંડિત!
આ વેલ્યુ એડિશનમાં એકસ્ટ્રા નોલેજ કે સ્કિલ સાથે ત્રણ માનસિક બાબતો પણ બેસ્ટ ફ્યુચર માટે ઉમેરવી જોઈએ: ફર્સ્ટ, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, અનુભવ વધારો, આત્મવિશ્વાસ વધતો જશે. ઉંઘુ ઘાલીને ઝૂકાવવાની બેવકૂફી આત્મવિશ્વાસ નથી. ગમે સ્થિતિમાં પણ ભયભીત થયા વિના સ્થિરતા ટકાવી રાખવી અને બીજાઓના અભિપ્રાયથી વિચલિત થયા વિના ખુદ પર ભરોસો અકબંધ રાખી, ખુદા યાને ભગવાન, ઈશ્વર કે શક્તિ સ્વીકારો કે કુદરત એના પર ભરોસો મતલબ આસ્થા રાખવી તે.
બીજું, હ્યુમિલિટી, નમ્રતા, ખોટું સહન કરી લેવામાં આપણે વિનયી હોઈએ છીએ, પણ વ્યક્તિગત વ્યવહારમાં ઉગ્ર અને અહંકારી બનીએ છીએ. કનેકશન્સ નહિ, તો કરિઅર નહિ એ આ લેખમાં જ આગળ છે. ભૂલી ગયા? તો સંબંધો કેમ બનશે? લોકોની નજરમાં કેવી રીતે આવશો? સારી રીતે વિવેકી વર્તન કરીને, સૌમ્યતાથી વાત કરીને, ચૂપચાપ સાંભળીને સમજવાની ટેવ પાડીને. માત્ર ડોકું ધૂણાવી હાજીહા કરવી એ નમ્રતા નથી. બીજાને નડવું નહિ ને તરત મદદરૂપ થવું એ પણ નમ્રતા છે. ઘડિયાળના કાંટે જીવવાને બદલે થોડો વધારાનો સમય ફાળવવો એ પણ નમ્રતા છે.
ત્રીજું ટોલરન્સ, સહનશક્તિ, બધું જ આપણું ધાર્યું કાયમ નથી થવાનું. પેઈન ઈઝ પાર્ટ ઓફ લાઈફ. ફરિયાદો ઓછી કરો ને મક્કમ રહી એને સહન કરતા શીખો. થોડી ધીરજ રાખો. ઉતાવળિયા પ્રતિભાવો ટાળો. સહનશક્તિ એટલે નબળા બનીને કોઈની વાયડાઈ સહન કરવી એવું નહિ. સહનશક્તિ એટલે જે અભય આપે એવી જાત ઉપરની કેળવણી. આપણને અચરજ થાય એવા ખેલ હઠયોગીઓ કે સર્કસ આર્ટિસ્ટ કરી શકે છે, કારણ કે ઠંડી ગરમી વજન વળાંક વગેરે બાબતોમાં સહન કરી કરીને ધીરે ધીરે એમણે શરીરને કેળવ્યું છે. પછી સાહસ કરતા કે કૂદકા મારતા એમનો ડર નીકળી જાય છે. સહનશક્તિ માણસને મજબૂત બનાવે છે, ડિપ્રેસ્ડ નહિ. વેઇટ. રાહ જોતા શીખો. રાહ જોવાના સમયમાં કર્મ કરવાનું ચાલુ રાખો. પરિણામ આવશે.
ખબર છે ? રશિયન સાહિત્યકાર અને જમીનદાર ટોલ્સટોય પાસે એક ઉમેદવાર નોકરી માટે ગયો. એણે પોતાની લાયકાતના ઘણા કાગળો ને અંગત ભલામણ કરતા વગદાર લોકોના પત્રો રજૂ કર્યા. ટોલ્સટોયે કહ્યું 'મારા માટે આ નકામું છે. હું તું શું લખીને લઈ આવ્યો છો કે કેવા જવાબો આપે છે, એન સાચજૂઠ કરતા તું કઈ રીતે વર્તે છે, એ તારું મૂલ્યાંકન સાચું છે. હું તને એના આધારે રાખવાનો નિર્ણય કરી ચૂક્યો છું.'
હા, વર્તન વાત કરતા મોટો ભલામણપત્ર હોય છે ! બાયોડેટા સાથે બિહેવિઅર અસરકારક બનાવો. કારકિર્દી શૈક્ષણિક પરીક્ષાઓના પરિણામથી અડધી બને છે, બાકીની અડધી કરિઅર તો કેરેક્ટર બિલ્ટ અપ કરવાથી બને છે! ઓલ ધ બેસ્ટ.
ઝીંગ થીંગ
'સારી કારકિર્દી માટે તમારે બે બાબત જ શોધવાની છે ? એક તમે શ્રેષ્ઠ શું કરી શકો છો એ આવડત અને બીજું કોઈ વ્યક્તિ જે એ કરવા માટે તમને પૈસા આપી શકે તે !'
( કેથરીન વ્હાઈટહોર્ન)