મહારાણા સંગ્રામસિંહજીની રસધાર!
- ઇતિહાસની અટારીએ
- અનાવૃત - જય વસાવડા
- રાજસ્થાનનો મોટા ભાગનો ઇતિહાસ કર્નલ જેન્સ ટોડ જેવા બહારથી આવેલા એક બ્રિટિશરના પુસ્તક પરથી જ મોટા ભાગના જગતે જાણ્યો છે. એ સમયે અંગ્રેજોના રાજનો સૂરજ તપતો હતો ને ત્યારે એ પુસ્તકનો વિરોધ કોઇએ કર્યો નહિ, સુધારા કરાવ્યા નહિ. હવે એમાંની ઘણી વાતો બાબતે દલીલબાજી થયા કરે છે
પરદેશ કોને કહેવાય ?
પાસપોર્ટની વ્યાખ્યાની બહાર કૂદીને વિચાર કરીે, તો પર યાને પારકો દેશ એજ ગણાય જ્યાં સ્વદેશ યાને આપણા દેશથી અલગ બધું હોય. ખાનપાન, ભાષા, ઉત્સવો, રહેણીકહેણી, વસ્ત્રો, દેખાવ ને મોસમ જુદી હોય. જેના વિશે ત્યાં ગયા વિના આપણને પૂરી જાણકારી મળે નહિ ! જાવ ત્યારે પણ ટુરિસ્ટની જેમ જવાને બદલે ત્યાં જો વધુ રોકાવ તો જ વધુ અસલી સમજણ આવે એ ભૂમિ કે એ પ્રજા વિશેની.
એક્ચ્યુઅલી, ફિલોસાફિકલી ઇતિહાસ પણ એક રીતે પરદેશ છે. જે સમયે આપણી હાજરી નથી, જે પાત્રોને આપણે ઓળખતા નથી, એમના વિશે આપણે ધારણાઓ બાંધી લઈએ છીએ. દસ્તાવેજી આધાર સ્પષ્ટ હોય ત્યાં કામ સહેલું બને છે. એ સ્પષ્ટ હોય ત્યાં સંશોધકોએ તર્ક લડાવીને ખાલી જગ્યાઓ પુૂરી, આખી કહાનીના અંકોડા મેળવવા પડે છે. પોતપોતાના એંગલથી હીરો અને વિલન લોકો નક્કી કરી લે છે. કેટલાક પ્રકરણો જે પુસ્તકના પાના ફાડી નખાયા હોય એમ ઇતિહાસમાં નોંધાતા નથી, ને પાછળથી ચર્ચા કે વિવાદ થાય ત્યારે એની નોંધ લેવાય છે.
આજકાલ જેમ મોડર્ન કલ્ચરના પ્રભાવમાં દેશ-પરદેશ વચ્ચે બહુ મોટા ભેદ રહ્યા નથી. (બધે મોબાઈલની બોલબાલા છે, અમેરિકન ફિલ્મો ને સંગીત ફ્રન્ટરનર છે, વેસ્ટર્ન વસ્ત્રો મેઇનસ્ટ્રીમ છે વગેરે) એમ જ ઇતિહાસમાં પણ તટસ્થ સંશોધન જેવું રહ્યું નથી. ડિજીટલ ફાસ્ટફૂડનો જમાનો છે. ધડાધડ ઇન્સ્ટન્ટ રિપોર્ટિંગ થાય છે, મેસેજ ફોરવર્ડ થાય છે. સોર્સ ચેકિંગ કે ફેક્ટ ચેકિંગની વાતો કરનાર 'વેદિયા' લાગે છે. (આ શબ્દ પણ વાતે વાતે વેદગ્રંથોના સંદર્ભો જોનાર પંડિત પરથી આવ્યો છે !) નજર સામે બનતી ઘટનાઓમાં પણ સાચા ખોટા વર્ઝન્સ એટલા હોય છે કે વર્ષો પહેલાની વાતમાં તો તથ્યપરીક્ષણ માટે કેટલા ઊંડા ઉતરવું પડે !
દેખીતી રીતે જ જે ડ્રગ એડિક્ટનો આપઘાત લાગતો હતો એ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ઇમોશનલ ઉભરાની રોકડી કરવામાં મીડિયાએ મનોરોગીઓની કોન્સ્પિરસી થિયરી ચલાવી ને રાજકીય ફાયદા માટે એને હવા આપવામાં આવી. આપણે ત્યાં એક મોટી હેડલાઈન હોય એ કોઈ ફાલતુની ચટપટી ચર્ચા શરૂ થાય ત્યાં એની નીચે દટાઈ જાય ને લોકો બધું ભૂલી જાય. સીબીઆઈના ક્લોઝરમાં રિયાને ક્લીન ચિટ મળી પછી ઝી ન્યુઝના માલિક સુભાષચંદ્રે એમના એડિટર વતી માફી માંગી. દિશા સાલિયાનના કેસમાં પણ એ જ થયું. જેના પર ભરોસો કરે, એ મીડિયા જ સનસનાટી માટે ઝીંકમઝીંક જોરશોરથી ચિલ્લાઇને મોટે ભાગે કરે છે. એમાં ય કેમ્પ હોય. કોઇને વળી શાસક પક્ષ જે કરે એમાં ખોટું જ લાગે તો કોઇને વિપક્ષો જે કરે એ બધી બદમાશી જ લાગે. ક્રિકેટમાં જેમ સતત કોઈ ખેલાડી સ્કોર ન કરી શકે એમ કોઇના કાયમી વખાણ કે કાયમી ટીકા જે લોકો પરફોર્મન્સ જોયા વગર કર્યા કરે એમની સાથે કાયમી અંતર જાળવવું જોઇએ. પણ એમાં ય ટીઆરપી લાવે એવા સ્ટારની ટીકા કરો તો કોમેન્ટેટર ઘરભેગા થઇ જાય !
આવી રીતે ઇતિહાસના અભ્યાસમાં વાર્તારસથી આગળ જીવ ન પરોવતી પ્રજા મહારાણા પ્રતાપ અંગે તો જાણે છે, પણ એમના પરાક્રમી દાદા મહારાણા સંગ્રામસિંહજી વિશે ઓછી વિગતો જનતા પાસે છે. આમ તો બપ્પા રાવલથી સિસોદિયા વંશ જ શૌર્યની રસગાથાઓની બે કાંઠે વહેતી નદી રહ્યો છે. પણ સંગ્રામસિંહજી યાને રાણા સાંગાની સાથે એમની ફેમિલી હિસ્ટ્રી ને વોર બાબતે પણ જીકે વધારવા જેવું છે. વિવાદને બાજુએ રાખીને વિચારમંથન માટે પણ.
'ગઢને હોંકારો તો કાંગરા ય દેશે, ગઢમાં હોંકારો કોણ દેશે... તારો મેવાડ મીરાં છોડશે...' આવું રમેશ પારેખે જે મીરાંબાઈ માટે લખ્યું એમનું ડાયરેક્ટ કનેકશન રાણા સાંગા સાથે હતું, એ ઘણાને ન્યૂઝમાં આ નામો ચમક્યા ત્યારે ખબર પડી હશે ! રાણા સાંગા એટલે મીરાંબાઈના સસરા ! એમના પુત્ર ભોજરાજસિંહના લગ્ન મીરાંબાઈ જોડે થયેલા. કહેવાય છે કે (આ લેખમાં ઘણું ક્વિદન્તીઓ પર છે, એટલે એ કહેવાય છે કે રેશનલ એપ્રોચથી હિસ્ટ્રી જોનાર માટે જરૂરી છે!) મીરાંબાઈના પતિ ભોજરાજસિંહને પત્નીની અપાર કૃષ્ણભક્તિ સામે એટલો વાંધો નહોતો. પણ રાણા સાંગાના અન્ય પુત્રો વારાફરતી સિંહાસન પર આવ્યા એમને આ કૃષ્ણ પ્રેમ પસંદ નહોતો અને ભોજરાજસિંહના મૃત્યુ બાદ એમના ભાઈઓ રત્નસિંહ દ્વિતીય અને વિક્રમાદિત્ય સિંહને મીરાંબાઈની કૃષ્ણપ્રીતિ અતિરેકવાળી લાગેલી. રાણા સાંગાએ મેવાડ-મારવાડની એક્તાને ધ્યાનમાં રાખી મીરાંબાઈને પુત્રવધૂ બનાવેલા પણ સાસરાપક્ષમાં ખટરાગ વધતા કથા મુજબ ઝેરનો કટોરો મીરાંને આપવામાં આવ્યો. મીરાંબાઈ પછી તો વૃંદાવન અને દ્વારકામાં જ રહ્યા. કોઈ પણ યુદ્ધ વિના કેવળ ચૈતન્યમય પ્રભુને પ્રેમ કરીને જ જનમાનસમાં જગતની કોઈ સત્તા ભૂંસી ના શકે એમ અમર બન્યા !
રાજસ્થાનનો મોટા ભાગનો ઇતિહાસ કર્નલ જેન્સ ટોડ જેવા બહારથી આવેલા એક બ્રિટિશરના પુસ્તક પરથી જ મોટા ભાગના જગતે જાણ્યો છે. એ સમયે અંગ્રેજોના રાજનો સૂરજ તપતો હતો ને ત્યારે એ પુસ્તકનો વિરોધ કોઇએ કર્યો નહિ, સુધારા કરાવ્યા નહિ. હવે એમાંની ઘણી વાતો બાબતે દલીલબાજી થયા કરે છે. ધડો એ લેવાનો કે આપણી બાબતનું યોગ્ય આધારપૂરાવા સહિતનું, વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરવામાં શરમાવાનું નહિ, કે વૈરાગ્યના નામે ઉપેક્ષા રાખવાની નહિ.
તો ટોડના પુસ્તકમાંથી એક કથા બહુ ચાલી, ને રક્ષાબંધન ઉપર હજુ ચમકી જાય છે કે ચિત્તોડના મહારાણી કર્ણાવતીએ ગુજરાતના સુલતાન બહાદૂરશાહે ચિત્તોડ પર હૂમલો કર્યો ત્યારે રાખડી મોકલીને મુઘલ શહેનશાહ હુમાયુની મદદ માંગી. હૂમાયું આવ્યો પણ ત્યાં સુધીમાં રાણીએ અન્ય વીરાંગનાઓ જોડે જૌહર કરી લીધેલું. એ ખરું કે ત્યારે ભારતમાં હિન્દુ મુસ્લિમ રજવાડાઓ વચ્ચે અંદરોઅંદર શત્રુતા ને સંધિ બેઉ ચાલ્યા કરતી હતી, અને ગુજરાતના બહાદૂરશાહની સામે દિલ્હી કબજે કરી બેઠેલા મુઘલોને વાંધો હતો. પણ રાખડીનો વાયદો નિભાવવાની મેલોડ્રોમેટિક વાત લોકકથા વધુ છે. ગુજરાતના બહાદૂરશાહ સાથે હૂમાયુંનો પત્રવ્યવહાર ચાલેલો.
એમાં રંજીશની વાતો છે, લડાઈ ટાળવા શરણે આવવાનો અનુરોધ છે. પણ રાખડીની વાત ક્યાંય ભારપૂર્વક કહેવાઈ નથી. ટુરિસ્ટ ગાઈડો ઘણીવાર રસ જગાવવા કહાની રચે, એવું કંઇક આમાં હશે. બહાદૂરશાહના વજીરે તો એના સુલતાનને કહેલું કે 'એક હિન્દુ રાજ્ય બચાવવા મુસ્લિમ શાસક (હૂમાયું) આપણી સામે નહિ લડે.' મદદ રાખડીના બહાને મંગાઈ પણ હોય, તો તવારીખ મુજબ હૂમાયું મોડો પહોંચ્યો. એ પહેલા બહાદુરશાહે ચિત્તોડનો કબજો કરેલો. હા, એ ખરું કે પછીથી હૂમાયુંએ એને હરાવ્યો.
આ કથાની પેરેલલ જાણીતી કથા પન્નાદાઈની છે. રાણી કર્ણાવતીએ પોતાના નાના દીકરા ઉદયસિંહને સુરક્ષિત રાખવાની જવાબદારી એમને સોંપેલી. ખતરો કેવળ મુસ્લિમોનો નહોતો. રાણા સાંગા રાજગાદીએ આવ્યા એ પહેલા એમના ભાઈ પૃથ્વીરાજ હતા. બીજા એક ભાઈ જયમલ્લ હતા. અંદરોઅંદર એમાં પણ હૂંસાતૂંસી ચાલતી હોવાની કથાઓ મળે છે. પૃથ્વીરાજ અને એક કુલીન ક્ષત્રિય ન ગણાય એવા દાસીના પુત્ર બનબીર (વનવીર)ને રાણા સાંગાના નિધન બાદ ગાદી પર કબજો કરવો હતો. એણે જ રાજ કરવામાં ખાસ સફળ નહિ એવા વિક્રમાદિત્ય (રાણા સાંગાના પુત્ર) જે એના ભાઈ પણ થાય, એની હત્યા કરેલી. પછી નાનકડા ઉદયસિંહની કત્લ કરવા એ સૂતા હતા ત્યારે ગયા, પણ રાજકુમારને બચાવવા બાળકને ધવડાવતી હોઈ 'ધાઈ' (દાઈ) કહેવાય એ પન્નાએ પોતાના એ જ ઉંમરના બાળક ચંદનને સૂવડાવી, બનબીરને તલવારના હાથે એનું બલિદાન આપીને ઉદયસિંહને બચાવી લીધા. જે એમની જોડે કુંભલગઢ ગયા. ચીનની દીવાલનો ભારતીય જવાબ ગણાય એવી દીવાલ આજે પણ જ્યાં છે, એ કુંભલગઢવાળા રાણા કુંભા એટલે રાણા સાંગાના દાદા ઉદયસિંહ સાથે વધુ રાજવીઓ સમર્થન આપવા પછીથી જોડાયા અને એમણે બનબીરને હરાવી મેવાડની ગાદી પાછી મેળવી અને પછી રળિયામણું ઉદયપુર શહેર વસાવ્યું અને આ ઉદયસિંહના જ પ્રતાપી પુત્ર એટલે અકબર સામે આજીવન લડતા રહેલા મહારાણા પ્રતાપ !
સિસોદિયા વંશના શૂરવીરોની રસધાર આ રીતે અપરંપાર છે. રાણા સાંગા શરૂઆતમાં કથિત રૂપથી એક આંખના અભાવે (અંગ ક્ષતિગ્રસ્ત હોય એ રાજવી ના થાય, એવી સામાન્ય પરંપરાને લીધે) ગાદીએ નહોતા. પણ ભાઈઓ કરતા વધુ પરાક્રમ બતાવી એમણે ગાદી મેળવી પછી વિજયનો સિલસિલો રચીને શબ્દશઃ કીર્તિ કેરાં કોટડાંનો મિનાર ચણી દીધેલો. દાદા રાણા કુંભાએ માલવાના સુલતાન મહેમૂદ ખિલજી અને ગુજારાતના કુતુબુદ્દીનને હરાવેલા, એમ રાણા સાંગાએ એ બેઉના શાસકોને ફરી હરાવી રાજ્યનો વિસ્તાર કરેલો. ઉત્તરે છેક આગ્રા સુધી એમની સરહદ વિસ્તરેલી. ૧૫૧૮માં ખટોલીની લડાઈમાં એમણે ત્યારની દિલ્હી સલ્તનતમાં બેઠેલા ઈબ્રાહિમ લોધીને પણ હરાવેલો. જોકે, ખંડણી ચૂકવી લોધી બચી નીકળેલો. એ લડાઈમાં એમનો એક હાથ (અને અમુક સંદર્ભ મુજબ આંખ પણ ત્યારે) ગુમાવવો પડયો. પણ વીરતા જીગરની હોય છે, હાથપગની નહિ !
બાબરે પોતે આત્મકથા બાબરનામામાં ભારતના બે રાજાઓના પ્રભાવ અને બહાદૂરીના વખાણ કર્યા છે. એક દક્ષિણના વિજયનગરના કૃષ્ણદેવરાય ને બીજા રાજપૂતાનાના વીર મહારાણા સંગ્રામસિંહ. આ રાણા સાંગાએ એમની પાસે દૂત મોકલેલો. એવો ઉલ્લેખ એમાં છે. જેના આધારે ઈતિહાસકારો તર્ક લડાવે છે કે શરૂઆતમાં કોઈ ગઠબંધન રચી દિલ્હીમાં લોધીને હરાવવાની વાત હશે. તો મેવાડના પુરોહિતની રોજનીશી પર આધારિત જે સંક્ષિપ્ત ઈતિહાસ લખાયો છે, એમાં નોંધ છે કે બાબરે રાણા સાંગાને (જે આગરા સુધી તો ફેલાયેલા હતા હરિયાણાનો ભાગ જીતીને) જોડાઈ જવા માટે ઓફર કરેલી. જોકે, ઈતિહાસકારો એકમત હોય અને બાબરે પણ ઉલ્લેખ કર્યો હોય એવી હકીકત એ કે ઈબ્રાહીમ લોધીના જ સગાઓને રસ હતો કે કોઈ બહારથી આવીને એને હરાવે. પંજાબના સૂબા દોલત ખાન લોધીએ તો ઈબ્રાહીમ લોધીના કાકા અલાઉદ્દીન લોધી સાથે મળીને ઈબ્રાહિમ લોધીના ભાઈ આલમ ખાનને બાબર પાસે રૂબરૂ મોકલ્યો હતો !
મૂળ ઉઝબેકીસ્તાનનો અને તૈમૂર લંગ-ચંગીઝ ખાન જેવા લડવૈયાનો વારસ બાબર અફઘાનોને હરાવી કાબુલથી આવી લૂંટ મચાવી દિલ્હીથી જતો રહેશે એવું લોધીઓ પણ માનતા હતા ને કદાચ રાણા સાંગા પણ ! (શ્યામ બેનેગલની ડિસ્કવરી ઓફ ઈન્ડિયામાં એ વર્ણવતો આખો સીન હતો !) પણ બાબર તો રાજ કરવા રોકાઈ ગયો. નેચરલી ઉત્તર ભારતમાં પોતાને મજબૂત કરવા રાજપૂતો સામે સંઘર્ષ થાય. રાણા સાંગાની હદમાં આવે એ બયાનાના કિલ્લાને બાબરે જીત્યો, પણ રાણા સાંગાએ વળતો પ્રહાર કરી એને હરાવ્યો.
યુદ્ધ લડવામાં કુશળ બાબરે સેનાનું જોર વધારવા શરાબની બોટલો તોડી નાખી, અને ઈસ્લામની દુહાઈઓ આપી. ૧૬ માર્ચે ૧૫૨૭એ ખાનવાની લડાઈમાં રાણા સાંગાના વિરાટ લશ્કર સામે બાબરે મોરચો માંડયો. આ યુદ્ધ ઐતિહાસિક નીવડયું ભારત દેશ માટે. ૨૧ એપ્રિલ, ૧૫૨૬ના રોજ બાબરે લોધીને હરાવી દિલ્હી જીતેલું, પણ એક વર્ષ બાદ હવે મુઘલ સલ્તનતનો પાયો ખાનવાથી નખાવાનો હતો. અગાઉ બાબરના હાથે હારેલા ઈબ્રાહિમ લોધીના ભાઈ
મહેમૂદ લોધી અને હસનખાં મેવાતી જેવા મુસ્લિમો પણ રાણા સાંગા સાથે હતા. રાણાએ હિન્દુ-મુસ્લિમ રાજવીઓનું મહાગઠબંધન બનાવેલું બાબરને હરાવવા. સંખ્યા પણ ૮૦,૦૦૦ની એમની મોટી હતી. લડાઈમાં શરૂઆતમાં એમનો હાથ પણ ઉપર હતો. છતાં એ યુદ્ધ હાર્યા શા માટે ?
નિષ્ણાતો કહે છે કે મહાગઠબંધનની વધુ સંખ્યા હતી, પણ જેમ બાબરની સેનામાં તૈમૂરના નામે એક અવાજે ફના થઈ જવાની એકતા સેનાપતિ તરીકે એણે ઉભી કરેલી ધાર્મિકતા અને નેતૃત્વથી - એવી એકતા નહોતી ! બધા રાણા સાંગાના નેતૃત્વ નીચે કામચલાઉ એકઠા થયેલા. પણ એમના એજેન્ડા, રજવાડા, ધર્મ ને જ્ઞાાતિમાં ભેદ હતા. એક રસોડે બધા જમે એવા નહોતા. બાબરે ચીપિયા વ્યૂહ રચ્યો એમાં વધુ સંખ્યાને લીધે નિશાન તાકવું આસાન બન્યું. સૌથી અગત્યનું એ કે બાબર યુદ્ધ માટે અપગ્રેડ થઈને આવેલો. હાથીઓ કે તીરકમાનની જૂની ટેકનિક સામે એનું અશ્વદળ તો વધુ તૈયાર હતું, પણ એની પાસે તોપો અને બેહતર બંદૂકો હતી. તોપના નાળચે નવી ટેકનોલોજી અપનાવવામાં આજે પણ ઉદાસીન (ચીને પોતાનું એઆઈ બનાવ્યું, આપણા ક્યાં આઈટીમાં આટલા ભારતીયો હોવા છતાં ઠેકાણા છે ?) માનસિકતાથી રાણા સાંગાની સેનાનો પરાજય થયો એવું ઈતિહાસકારો નોંધે છે. એ પણ નોંધે છે કે બાબર જેને મારી નહોતો શક્યો એ વીરનર રાણા સંગ્રામસિંહને એમના જ વિશ્વાસુ ગણાતા સરદારોએ ઝેર આપ્યું ! કોઈ તર્ક લડાવે છે કે જખમમાં ઈન્ફેકશન થયું ઝેરી. પણ એક ગૌરવવંત અધ્યાય સમાપ્ત થયો !
ઝિંગ થિંગ
''ઘણી વખત જે જૂઠ પર બહુમતી લોકો એકમત થાય, એ ઈતિહાસ બની જાય છે !'' (નેપોલિયન)