જુરાસિક કોસ્ટ (ઇંગ્લેન્ડ)
- ઈશ્વરની આર્ટ-ગૅલરી - રીતેશ ક્રિસ્ટી
ઇં ગ્લેન્ડને યુરોપની મૂળ ભૂમિથી અલગ કરતો એટલાન્ટિક મહાસાગરનો સાંકડો પટ્ટો ઇંગ્લીશ ચેનલના નામે ઓળખાય છે. આશરે ૫૬૦ કિલોમીટર લાંબી ઇંગ્લીશ ચેનલની મહત્તમ પહોળાઇ ૨૪૦ કિલોમીટર અને લઘુત્તમ પહોળાઇ ડોવરની સામુદ્રધૂની પાસે માત્ર ૩૪ કિલોમીટર જેટલી છે. ઇંગ્લીશ ચેનલના એક કિનારે સ્વાભાવિક રીતે જ ઇંગ્લેન્ડનો દક્ષિણ ભાગ અને સામેના કિનારે ફ્રાન્સનો ઉત્તર ભાગ આવેલા છે. ઇંગ્લીશ ચેનલ જગવિખ્યાત એ વાતે છે કે અવારનવાર આ દરિયાઇ ક્ષેત્રને તરીને પાર કરવા માટે સાહસિકો ઝંપલાવતા હોય છે.
ઇંગ્લીશ ચેનલના ઉત્તર કિનારે ઇંગ્લેન્ડના એક્સમાઉથ નામના શહેરથી લઇને ડોર્સેટ કાઉન્ટી સુધીનો આશરે ૧૫૪ કિલોમીટર લાંબો દરિયાકિનારો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન પામ્યો છે. આ દરિયાકિનારો જુરાસિક કોસ્ટ નામે જાણીતો છે. નામ વાંચતા જ ડાયનોસોરની યાદ આવે એ સ્વાભાવિક છે પરંતુ આ દરિયા કિનારાને વિખ્યાત જુરાસિક પાર્ક ફિલ્મ સાથે કોઇ લેવાદેવા નથી.
આ દરિયાકિનારાનું નામ જુરાસિક કોસ્ટ એટલા માટે પડયું છે કે અહીંયાનો સમગ્ર વિસ્તાર આશરે ૧૮.૫ કરોડ વર્ષ જૂનો ભૂસ્તરીય ઇતિહાસ ધરાવે છે. જુરાસિક કોસ્ટ ખાતે પથરાયેલા ખડકો ટ્રિયાસિક, જુરાસિક અને ક્રિટેશિયસ યુગના સમયથી સચવાઇ રહ્યાં છે.
એક જમાનામાં આ વિસ્તાર વેરાન રણપ્રદેશ હતો તો બીજા યુગમાં અહીંયા દરિયો હિલોળા લેતો હતો અને એ તમામ સમયમાં અહીંયા વિચરતા પ્રાચીન જીવોના અવશેષો એટલે કે જીવાશ્મો જુરાસિક કોસ્ટની ભૂમિ અને ખડકોમાં સંઘરાયેલા પડયાં છે. પૃથ્વીની ભૂગોળ અને ભૂસ્તરીય ઉથલપાથલોના કરોડો વર્ષોના ઇતિહાસને શાળામાં ભણતા કે એ વિશેના પુસ્તકો વાંચતા ભલે વર્ષો લાગે પરંતુ એ ઇતિહાસને થોડા દિવસમાં નજરોનજર નિહાળવો હોય તો જુરાસિક કોસ્ટ જેવું શ્રેષ્ઠ બીજું કોઇ સ્થળ નથી.
જુરાસિક કોસ્ટ પર થોડા કલાકો ફરતા જ જાણે કરોડો વર્ષોના ઇતિહાસમાં ટાઇમ ટ્રાવેલ કરી આવ્યા હોઇએ એવી અનુભૂતિ થાય છે. ભવ્યતામાં અમેરિકાની ગ્રાન્ડ કૅન્યન અને સુંદરતામાં ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફની સમકક્ષ બિરાજતા જુરાસિક કોસ્ટની મુલાકાત કદીયે ન ભૂલાય એવો લ્હાવો છે.
જુરાસિક કોસ્ટની સફર શરૂ થાય છે ઊંચા નીચા ખડકો ધરાવતા પ્રદેશોથી જે જુદાં જુદાં યુગના જુદાં જુદાં હવામાન અનુસાર ઘાટ પામ્યા છે. ક્યારેક સમુદ્ર તો ક્યારેક રણપ્રદેશ રહી ચૂકેલી અહીંયાની જમીન પણ એ જ રીતે જુદાં જુદાં યુગનું બંધારણ ધરાવે છે. ક્યાંક કાંઠા સાવ દરિયાની સમાંતર પથરાયેલા રેતાળ બીચને સર્જે છે તો ક્યાંક ઊંચી કરાડોનું સર્જન કરે છે. લાખો કરોડો વર્ષો દરમિયાન થયેલી ભૂસ્તરીય ઉથલપાથલોના કારણે ખડકોમાં પણ
જુદાં જુદાં સ્તરો જોવા મળે છે. આ ખડકોનું વિશ્લેષણ કરતા ભૂસ્તરશાસ્ત્રીઓના મતે જુરાસિક કોસ્ટના પશ્ચિમ છેડે પ્રાચીનતમ ખડકો રહેલાં છે તો પૂર્વ છેડા તરફ રહેલાં ખડકો પ્રમાણમાં યુવાન છે.
જુરાસિક કોસ્ટની મુસાફરીમાં જેમ જેમ આગળ વધતા જઇએ તેમ તેમ જુદાં જુદાં યુગના ખડકોના બંધારણમાં રહેલો તફાવત પણ આંખે ઊડીને વળગે છે. જેમકે, ડેવોન શહેર પાસેના રાતા ટ્રિયાસિક યુગના ખડકો ૨૦થી ૨૫ કરોડ વર્ષ જૂના છે. તો લાઇમ રેજિસ નામના રળિયામણા ગામડા પાસે રહેલાં ઘેરાં બદામી રંગના જીવાશ્મોથી ભરપૂર ખડકો ૧૯ કરોડ વર્ષ પુરાણા જુરાસિક યુગની નિશાની છે. ડોર્સેટ તરફના છેડે આગળ વધતા છૂટાંછવાયા ઝૂંડ જાણે જમીનમાંથી ફૂટી નીકળ્યા હોય એવા ક્રિટેશિયસ યુગના સાડા છ કરોડથી ચૌદ કરોડ વર્ષની ઉંમર ધરાવતા ખડકો જોવા મળે છે.
જુરાસિક કોસ્ટના સર્વોત્તમ દરિયાકાંઠા અને અનોખા કોતરણીકામ કરેલા ખડકો પણ આ પ્રદેશમાં જ જોવા મળે છે. કરોડો વર્ષો દરમિયાન સમગ્ર પ્રદેશને ટાઢ, તડકો અને વરસાદ તેમજ પવનનો ઘસારો પહોંચ્યો હોય એ પણ સ્વાભાવિક છે. આ ઘસારાના પરિણામે ખડકોમાં અનેરી ભાત પણ સર્જાઇ છે.
ખાસ કરીને ડોર્સેટમાં લુલવર્થ ગામ પાસે ગોળાકાર દરિયાકિનારો અને થોડે દૂર કમાનાકાર ખડકનો વિશાળ દરવાજો ઊભો કર્યો હોય એવી રચના જગવિખ્યાત છે. લુલવર્થ કોવ અને ડર્ડલ ડોર નામે જાણીતા આ સ્થળોને નિહાળવા રેતાળ કિનારાને ખૂંદવા સહેલાણીઓના ધાડેધાડા ઉતરી આવે છે.
સમગ્ર જુરાસિક કોસ્ટને પગપાળા ખેડીને માણવો હોય તો આઠેક દિવસ લાંબી યાત્રા યોજવી પડે. જોેકે ક્યાંક શ્વેત સુંવાળી રેતીથી છવાયેલા દરિયાકિનારા તો ક્યાંક ગોળાકાર કાંકરાથી આચ્છાદિત ભૂમિ પર ચાલવાની મજા માણવામાં અને સાથે સાથે આસપાસ કુદરતે પ્રાચીન યુગમાં કંડારી કાઢેલા ખડકો નિહાળવામાં આટલો લાંબો સમય પણ ઓછો લાગે. વળી રાત પડયે દરિયાકિનારે રહેલા નાનકડાં રળિયામણાં ગામડાની મહેમાનગતિ માણવાનો અવસર પણ મળી રહે છે.