ધોરણ 12 પછી'જરા હટકે' યુનિક ચેલેંજીંગ કારર્કિદીની પસંદગી કરો!
- અધ્યયન- હિરેન દવે .
કો રોના અને લોકડાઉનકાળે ખાનગી નોકરીઓની અનેક મર્યાદાઓ લોકો સમક્ષ ઉજાગર કરી છે. આજે આપણે જોઇયે છીયે કે અનેક કહેવાતી મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાના લાખો કર્મચારીઓને પગાર ચુકવ્યો નથી જ્યારે બીજા લાખો વ્હાઇટ કોલર એમ્પ્લોયીઝને કોર્પોરેટ કંપનીઓએ નોકરીમાંથી બરતરફ કર્યા છે.
આવા સમયમાં લોકોને સરકારી નોકરીઓનંુ સાચુ મુલ્ય સમજાય! સરકારી ક્ષેત્ર એક તરફ રોક-સોલીડ ફાઇનાન્સીયલ સ્ટેબીલિટી આપે છે તો બીજી તરફ કોરોના વોરિયર તરીકે કાર્ય કરીને લોકોના જીવનની રક્ષા કરવાની તક પણ આપે છે.- આજની યુવા પેઢી કે જે ચેલેંજ/એડવેંચરની શોધમાં છે તેને સતત ભિન્નભિન્ન પડકારો પુરી પાડતીકારકીર્દી પુરી પાડે છે!
તાજેતરમાં બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ તમામ વિદ્યાર્થીઓ અને માતા-પિતા એવી મૂંઝવણ અનુભવે છે કે આગળ કયા માર્ગે વધવું? આ સમય કારકિર્દીનો એવો ક્રિટીકલ સમય છે કે જો સાચો નિર્ણય ન લઈ શકાય તો આખું જીવન પસ્તાવું પડે છે. મોટા ભાગના લોકો માહિતીને અભાવે સીએ, એમબીએ, એંન્જિનિયરિંગ વગેરે મર્યાદિત વિકલ્પો વિષે જ જાણતા હોય છે. પરંતુ પોલીસમાં જોડાવવું, લશ્કરમાં અધિકારી બનવું, કલેક્ટરની પરીક્ષા પાસ કરવી વગેરે અનેક બાળકોના સ્વપ્નો હોય છે.
પણ રોજબરોજની ભાગદોડમાં તે વિસરાઈ જાય છે. કેવી રીતે પોતાનું આ સ્વપ્ન સિધ્ધ કરી શકાય તેની જાણકારીનો અભાવ હોય છે. કોઈ માર્ગદર્શક મળતું નથી, આ બધી મર્યાદાઓને લીધે કારકિર્દીની રાહ વિસરાઈ જાય છે અને ઘેટા ચાલમાં સહુ જોડાઈ જાય છે!
વેકેશન દરમિયાન તમારા જિલ્લાની કલેક્ટર કચેરી, તાલુકાની મામલતદાર કચેરી, પોલીસ ઈન્સ્પેકટર કે જો આસપાસ કોઈ લશ્કરી છાવણી હોય તો લશ્કરી અધિકારીની મુલાકાત લો અને તેમને કેવી રીતે આ પોસ્ટ પર પહોચી શકાય? કેવી કામગીરી અને સત્તા હોય વગેરે પૂછો.
દરેક માતપિતાએ બાળકને આ તક આપવી જોઇયે. લોકોના મનમાં સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે અધિકારીઓ આવો સમય ન કાઢે પણ જો ખરેખર તમે રસ લઈ તેમની વાત સાંભળો તો મોટા ભાગના અધિકારીઓ તેમાં પ્રોત્સાહિત કરતાં હોય છે. અને પોતાના અનુભવોનું ભાથું પીરસતા હોય છે.
ધોરણ ૧૨ પછી ગ્રેજયુએશનની સાથે સાથે ત્રણ વર્ષ જીપીએસસીની તૈયારી કરવામાં આવે તો ડિગ્રી મળ્યા બાદ થોડા સમયમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સેક્શન અધિકારી બની શકાય છે. હવે આ પરીક્ષાઓ નિયમિત રીતે લેવાતી હોય છે. આ ઉપરાંત તેનાથી બહોળું જ્ઞાાન ઉપલબ્ધ થાય છે. વાંચન અને ચિંતનમાં વધારો થતાં બાળકોના અભિગમમાં ફેરફાર આવે છે. વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે. આ તૈયારીને આધારે વિદ્યાર્થી અનેક ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી શકે છે.
ઘણા લોકો એવી વાતો કરતાં હોય છે કે આ પરીક્ષાઓમાં લાખો લોકોની સ્પર્ધા હોય છે અને થોડી જ બેઠકો હોય છે. જો સફળતા ન મળી તો શું? પણ વાસ્તવિક્તા એવી નથી. હાલમાં ગુજરાત સરકારમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવેલ છે.
જીપીએસસીની પરીક્ષા રાજ્યની સર્વોચ્ચ પરીક્ષા છે જો તેમાં સફળતા ન મળે તો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર, નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસર જેવી પણ અનેક પરીક્ષાઓ જીપીએસસી લે છે જે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ ઉમેદવાર આપી શકે છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇની પરીક્ષા પાસ કરીને સિંઘમ બની શકો.
આ ઉપરાંત વર્ગ-૩ની પરીક્ષાઓમાં પણ અનેક વિકલ્પો અને તકો છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા તલાટી, પંચાયતમાં જુનિયર ક્લાર્ક, હેલ્થ વર્કર વગેરે ભરતી કરવામાં આવે છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ (લોક રક્ષક)ની જગ્યાઓ બહાર પાડવામાં આવે છે.
ગાંધીનગર ખાતે આવેલ સચિવાલયમાં ઓફિસ આસિસ્ટંટ તરીકે અથવા રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં બિનસચિવાલય ક્લાર્કની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારે ભરતી નીતિમાં ફેરફાર કરી એવો નિર્ણય લીધો છે કે વર્ગ-૩ની પરીક્ષાઓ માટે ગ્રેજ્યુએશનબાદજ અરજી કરી શકાશે!
ખરેખર તો પ્રત્યેક શિક્ષકની ફરજ છે કે પોતાના વિદ્યાર્થીઓ અને માતા-પિતાને આ અંગે જાણકારી આપે અને સાચી દિશા દર્શાવી કારકિર્દીનું યોગ્ય ઘડતર કરે. ૭માં પગાર પંચ દ્વારા પગારોમાં ધરખમ વધારો થયા બાદ સરકારી નોકરીમાં જોડાવું ખાનગી નોકરી કરતાં વધુ લાભકારક બને છે.
ઉપરાંત જરા હટકે કઈક કરવાની તક મળે છે. સમાજ માટે કઈક કરી છૂટવાની જેની ઈચ્છા હોય તેને તો ચોક્કસ આ ક્ષેત્રે ઝંપલાવવું જોઇયે. અનેક સામાન્ય લોકો પોતાના પ્રશ્નો લઈને રડતાં-રડતાં આવે અને તમે તેનું નિરાકરણ લાવીને હસતાં-હસતાં પાછા મોકલો તેનો સંતોષ નિરાળો હોય છે. સિસ્ટમમાં ચેન્જ કરવો જોઇયે તેવી વાતો કરવી સહેલી છે પણ તેનો ભાગ બની સુધારો કરવો તે સાચી ચેલેન્જ છે.