એર ટ્રાફિક કન્ટ્રોલરની ભરતી કસોટી .
- અધ્યયન-હિરેન દવે
- પૂરતી અવેરનેસના અભાવે ગુજરાતમાંથી ખૂબ ઓછા ઉમેદવારો આ ભરતી કસોટીઓમાં ભાગ લે છે
કા રકિર્દીના ક્ષેત્રે કેટલીક આંગળીના વેઢે ગણી શકાય તેટલી ભરતીકસોટીઓ ગુજરાતીઓમાં ખૂબ પ્રચલિત છે. લાખો લોકો તેના માટે સ્પર્ધામાં ઉતરે છે. પણ આ સિવાય અને 'હિડન જેવેલ' ગણી શકાય તેવી ભરતી પરીક્ષાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેવી જ એક કારકિર્દીની સુંદર તક એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી 'એટીસી કન્ટ્રોલર-જુનિયર એક્ઝિક્યુટિવ' વિષે આપણે ચર્ચા કરીશું.
શૈક્ષણિક લાયકાત : બીએસસી ફિઝીક્સ અને મેથ્સ સાથે ફૂલ ટાઈમ ડિગ્રી તરીકે કરેલ હોવું જોઈએ. અથવા ઇંજિનિયરિંગની કોઈપણ વિદ્યાશાખા કે જેમાં ઓછામાં ઓછા એક સેમેસ્ટરમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિત અભ્યાસક્રમમાં સમાવિષ્ટ હોય. આ ઉપરાંત અંગ્રેજીમાં સારું પ્રભુત્વ હોવું જોઈએ.
વયમર્યાદા : ઉમેદવારની વય ૨૭ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. પરંતુ વિવિધ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા ઉમેદવારો પ્રત્યે વિશેષ સંવેદનશીલતા દાખવી એસિડ એટેક વિકટીમ મહિલાઓ માટે આ ભરતીકસોટીમાં આરક્ષણ પ્રદાન કરવામાં આવે છે.
પગારધોરણ : ગ્રુપ-બી ઇ૧ લેવલ મુજબ ૪૦,૦૦૦ બેઝિક પગાર એટલે સામાન્ય ભાષા અનુસાર રૂ ૧૩ લાખ સીટીસીનો શરૂઆતી પગાર રહેશે. સરકારી ભરતીના અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે. આ ઉપરાંત દેશમાં એરપોર્ટના વિસ્તરણને કારણે ઝડપી બઢતીની તકો પણ મળવાપાત્ર રહેશે.
ભરતીપ્રક્રિયા : સંદગીપ્રક્રિયાના પ્રથમ તબક્કામાં બે કલાક અને ૧૨૦ ગુણની કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે. જે અંગ્રેજી અને હિન્દીમાં લેવામાં આવે છે. જેમાં પાર્ટ-એ અને બી બંને ૬૦ ગુણભાર ધરાવે છે.
પાર્ટ-એ અંતર્ગત અંગ્રેજી ૨૦ ગુણ : રીઝનિંગ ૧૫ ગુણ, એપ્ટિટયુડ ૧૫ ગુણ : જીકે ૧૦ ગુણ પાર્ટ-બી અંતર્ગત ફિઝીક્સ અને મેથ્સ ધોરણ ૧૨ના સ્તરનું- ૬૦ ગુણ. આ ભરતી કસોટીમાં કોઈ નેગેટિવ માર્ક હોતા નથી. આ કસોટીમાં સારો સ્કોર ધરાવનાર ઉમેદવારોને એપ્લીકેશન વેરિફિકેશન- વોઈસ ટેસ્ટ- સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટ- સાયકોલોજીકલ એસેસમેન્ટ- ફિઝિકલ મેડિકલ કસોટી- બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવાનું રહે છે.
સ્યોરિટી બોન્ડ : પસંદગી પામનાર ઉમેદવારોએ તાલીમ બાદ મિનિમમ ૩ વર્ષ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા માટે કામ કરવા બાંહેધરી પૂરી પાડતો રૂ ૭ લાખનો બોન્ડ આપવાનો હોય છે. પસંદગી બાદ ઉમેદવારોએ આઈસીએઓ દ્વારા પ્રસ્થાપિત ઇંગ્લિશ લેન્ગવેજ પ્રોફિશિયનસી ટેસ્ટ લેવલ ૪ મેળવવો ફરજીયાત છે. એર ટ્રાફિક માટે પૂરતી સુરક્ષા જાળવી અકસ્માત નિવારણ માટે એર ટ્રાફિક કંટ્રોલરની ભૂમિકા
ચાવીરૂપ અને પાવરફૂલ છે. બહુ ઝાઝો પબ્લિક કોન્ટેક્ટ ન હોવાથી પોલિટિકલ પ્રેશર વગર કામ કરી શકાય છે. ડયૂટીના કલાકો ફિક્સ હોવાથી પૂરતો રેસ્ટ પિરિયડ મળી રહે છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા સરકારનું મિનિરત્ન(નફાકારક) જાહેર સાહસ હોવાથી પગારધોરણ વગેરેમાં સારા લાભ મળતા રહેશે. ભારતમાં એવિયેશન ક્ષેત્ર ખૂબ ઝડપી વિક્સી રહ્યું છે. જેથી બઢતી ઝડપી થશે. એટીસી કંટ્રોલર એરસ્પેસમાં વિમાની ટ્રાફિકનું નિયમન કરે છે. આમ યુનિક કેરિયર ઓપોર્ચુનિટી ગણી શકાય. આમ કેન્ડીડેટને સર્વાંગી વિકાસ સાથે કારકિર્દીના વિકાસની ખૂબ સારી તક પૂરી પાડે છે. પણ પૂરતી અવેરનેસના અભાવે ગુજરાતમાંથી ખૂબ ઓછા ઉમેદવારો આ ભરતી કસોટીઓમાં ભાગ લે છે. ગુજરાત દેશમાં સૌથી વધુ એરપોર્ટ ધરાવતું રાજ્ય હોવા છતાં બહારના કેન્ડીડેટ આવી પોસ્ટ પર આવી રાજ્યમાં લાભ ભોગવે છે. આ ભરતીકસોટીમાં રસ ધરાવતા ઉમેદવારોએ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈડમાં કેરિયર સેક્શન નિયમિત ચેક કરતાં રહેવું.