Get The App

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીની ભરતી કસોટી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીની ભરતી કસોટી 1 - image

- અધ્યયન-હિરેન દવે

- અંદાજીત 2 વર્ષના સમયમાં સીપીએલ લાઈસન્સ મેળવી શકાય છે. સાથે બીએસસી એવિયેશન ડિગ્રી પણ મળે છે

ભા રત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત દેશના યુવાઓને વિમાની ઉડ્ડયનની તાલીમ આપતી વિશ્વની શ્રેષ્ઠતમ ગણી શકાય તેવી આ તાલીમ સંસ્થા ૧૯૮૫થી કાર્યરત છે. ઉત્તર પ્રદેશના અમેઠી જીલ્લામાં ફુરસતગંજ એરફિલ્ડ ખાતે દેશના યુવાઓને વિમાની ઉડ્ડયન શીખવવા આ સંસ્થા ખાતે ૨૪ વિમાનો, ૧૭૨૨ મીટર લંબાઈનો રનવે, વિવિધ સમ્યુલેટર અને વિવિધ રેડિયો આધારિત નૌવાહન ઉપકરણો સહિત દેશનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઈગુ્રઆને - 'આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ. ઓફ એવિયેશન ટ્રેનીંગ' કહેવામાં આવે છે.

લાયકાત : ઈગુ્રઆની ભરતી કસોટીમાં ભાગ લેવા માટે ન્યૂનતમ વયમર્યાદા ૧૭ વર્ષની ઠરાવવામાં આવેલ છે. મહત્તમ વયમર્યાદા જનરલ કેટેગરી માટે ૨૮ વર્ષ, ઓબીસી માટે ૩૧ વર્ષ અને એસસી/એસટી માટે ૩૩ વર્ષ હોવી જોઈયે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ફિઝીક્સ, મેથ્સ અને અંગ્રેજીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ ન્યૂનતમ ૫૦ % માર્ક મેળવેલ હોવા જોઈએ. અને આરક્ષિત વર્ગના ઉમેદવારોએ ૪૫ % ગુણ મેળવેલ હોવા જોઈયે. ઓછામાં ઓછી ઊંચાઈ ૧૫૮ સેમી જરૂરી છે. મેડિકલ : કેડેટ પાઈલોટ બનવા સક્ષમ છે કે નહીં તે માટે ડીજીસીએ દ્વારા નિર્ધારિત એવિયેશન મેડિસિનના નિષ્ણાત ડોક્ટર પાસેથી વર્ગ-૨ મેડિકલ પ્રમાણપત્ર.

ઓનલાઈન એપ્લીકેશન : ઈગુ્રઆ દ્વારા દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં અંદાજીત ૧૨૫ કેડેટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. જે 'એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ' વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરીને બરતી કસોટીમાં જોડાઈ શકાય છે. જેની અરજી માટેની ફી રૂપિયા ૧૨૦૦૦/- હોય છે. આ ૧૨૫ બેઠકો પૈકી આરક્ષણ નીતિ અંતર્ગત બેઠકોને વહેંચવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા : સૌપ્રથમ તબક્કો ઓનલાઈન કમ્પ્યુટર બેઝ એંટરન્સ ટેસ્ટ તરીકે ઓળખાય છે. આ કસોટી ધોરણ ૧૨ના સ્તરની એમસીક્યુ આધારીત કસોટી છે. જેમાં નેગેટીવ માર્ક હોતા નથી. તેના અભ્યાસક્રમમાં ફિઝીક્સ, મેથ્સ, ઈગ્લિશ, રીઝનીંગ, કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કસોટી ગુજરાતમાં અમદાવાદ સેન્ટર પર યોજાય છે.

પ્રથમ તબક્કામાં સારા ગુણ મેળવનાર કેડેટને દ્વિતીય તબક્કામાં ઈન્ટરવ્યુ માટે જૂન-જુલાઈ મહિનામાં બોલાવવામાં આવે છે. અંતિમ તબક્કામાં પાઈલોટ એપ્ટિટયુડ ટેસ્ટ / સાયકોમેટ્રિક ટેસ્ટ યોજાય છે. આ ટેસ્ટમાં સારા ગુણ મેળવનાર કેડેટ્સને ૨ વર્ષની તાલીમ માટે પસંદ કરવામાં આવે છે.

તાલીમ : વિમાની તાલીમની શરૂઆત હમેશા ગ્રાઉન્ડ સ્કૂલ દ્વારા થાય છે. જેમાં એર નેવિગેશન, રેડિયો એઈડ, એર રેગ્યુલેશન, એવિએશન મેટ્રોલોજી, ટેકનિકલ જનરલ જેવા વિષયોની તાલીમ ૪૮૫ કલાકની હોય છે. સિમ્યુલેટર તાલીમ : સિંગલ એન્જીન વિમાન પર ૨૦ કલાક કોકપિટ પ્રોસીજર તાલીમ અને ટ્વીન એન્જીન સિમ્યુલેટર પર ૨૦ કલાક તાલીમ આપવામાં આવે છે.

ત્યારબાદ ફ્લાઈંગ ટ્રેનીંગ શરૂ થાય છે. જેમાં ડીજીસીએ દ્વારા પ્રસ્થાપિત ધારાધોરણ મુજબ ૨૦૦ કલાક ઉડ્ડયન તાલીમ આપવામાં આવે છે. અંદાજીત ૨ વર્ષના સમયમાં સીપીએલ લાઈસન્સ મેળવી શકાય છે. સાથે બીએસસી એવિયેશન ડિગ્રી પણ મળે છે.

તાલીમ ફી : ઈગુ્રઆની ૨ વર્ષની તાલીમ ફી રૂ ૪૫ લાખ છે. આ ઉપરાંત ૨.૫ લાખ વિવિધ પુસ્તકો, એસેસરી પેટે સંસ્થા કેડેટ્સ પાસેથી ચાર્જ કરે છે. આ ઉપરાંત અહી હોસ્ટેલ ખાતે રહેવા જમવા અને વિવિધ સુવિધાઓ માટે મહિને રૂ ૧૫૦૦૦ જેવો વધારાનો ખર્ચ પણ થાય છે.

ગુજરાતમાં વિજ્ઞાાન પ્રવાહ તરફ ગાડરિયો પ્રવાહ હોવા છતાં આપણાં રાજ્યના યુવા-યુવતીઓ આવા ક્ષેત્રે ખુબ જ નહિવત પ્રતિનિધિત્વ ધરાવે છે. ડૉક્ટર, એંજીનીયર સિવાય કોઈ કારકિર્દી વિષે માતા-પિતા, શિક્ષકો વગેરેના અજ્ઞાાનને પરિણામે વિદ્યાર્થીઓ સારી કારકિર્દીના વિકલ્પોથી વંચિત રહી જાય છે.