Get The App

'હોબી'ને આધારે ઈંટરવ્યુમાં પૂછાતા પ્રશ્નો પર એક ઊડતી નજર

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
'હોબી'ને આધારે ઈંટરવ્યુમાં પૂછાતા પ્રશ્નો પર એક ઊડતી નજર 1 - image


અધ્યયન - હિરેન દવે

ફિલ્મો જોવી, નેટ સર્ફિંગ કરવું, મ્યુઝીક સાંભળવું જેવા શોખ અનેક વિદ્યાર્થીઓના હોય છે. ક્યારેક તેમાં ખાસ પ્રશ્નો આવતા નથી. આમ, ઉપરની ચર્ચા પરથી આપણે સમજી શકીએ કે ઉમેદવાર કોઇપણ શોખ પસંદ કરી શકે

વ્યક્તિત્વ કસોટી દરમિયાન 'હોબી' વિષે અનેક પ્રશ્નો પૂછાય છે. બોર્ડ કેવા પ્રશ્નો પૂછી શકે તેનું વિશ્લેષણ કરીએ. કોઇપણ વ્યક્તિ પોતાના નવરાશના સમયમાં કઈને કઈ પોતાને ગમતી પ્રવૃત્તિ કરતો હોય છે - શોખ ધરાવતો હોય છે. જેના વિશે પુછાતા પ્રશ્નો થકી કેન્ડિડેટ કોઇ પણ ક્ષેત્રે કેટલો ઉંડાણમાં ઉતરી શકે છે તથા તેનું વ્યક્તિત્વ વિચારશૈલી વગેરે વિશે ખાસ્સી માહિતી મળે છે ! હોબી વિશે કેવા પ્રશ્નો પુછાઇ શકે તે ઉદાહરણ સહ ચર્ચા કરીએ.

ચાલવાનો શોખ
આ શોખ અનેક વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે. તૈયારી માટે અત્યંત સરળ છે. તેમાં ખાસ જટિલ પ્રશ્નો પૂછી શકાતા નથી. તમે દરરોજ કેટલું ચાલો છો ? એક કલાકમાં કેટલું અંતર કાપો છો ? ચાલવાથી શા ફાયદા થાય ? એક કલાક ચાલવાથી કેટલી કેલેરી બાળી શકાય છે ? ચાલતી વખતે હૃદયના ધબકારના દરમાં શો ફેરફાર થાય ?

ડાયરીનો શોખ
ડાયરી કેમ લખો છો ? તેનાથી શું ફાયદા થાય ? તમે 'મહાદેવભાઇની ડાયરી'નું શું મહત્વ ગણો છો ? ઇતિહાસમાં આ ડાયરી દ્વારા ગાંધી ચરિત્ર કેવી રીતે જાણી શકાયું ? 'એન્ની ફ્રાન્ક' દ્વારા લખાયેલ ડાયરી વિષે તમે શું જાણો છો ? આ શોખથી તમારી કારકીર્દીમાં કાંઇ મદદ મળશે ?

રમતગમત આધારિત પ્રશ્નો
અનેક ઉમેદવારો પોતાના શોખમાં કોઇ ને કોઇ રમતનું નામ આપતા હોય છે. જેમકે ક્રિકેટ, ચેસ, સ્વીમીંગ કે અન્ય કોઇપણ રમત જો તમારો શોખ હોય તો તે રમતના નિયમો, મેદાનના માપ વગેરે બરાબર યાદ રાખવા. આ ક્ષેત્રે યોજાતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ વિષે પ્રશ્નો આવી શકતા હોય છે. તે રમતના રાષ્ટ્રીય કે વિશ્વ કક્ષાના ખેલાડીઓ તેમના પ્રદાન વિશે પ્રશ્નો પુછાતા હોય છે. આ ઉપરાંત શું ક્રિકેટને ભારતની રાષ્ટ્રીય રમત બનાવવી જોઇએ ? ભારત આર્થિક પ્રગતિ કરતું હોવા છતાં ઓલોમ્પિક ક્ષેત્રે કેમ ખાસ પ્રદાન કરી શકતું નથી. આપણે રમતગમત ક્ષેત્રે સુધારા કરવા કેવા વહીવટી પગલા ભરવા જોઇએ ? હાલના બાળકો આઉટ ડોર સ્પોર્ટને ઉપેક્ષિત કરી મોબાઇલ ગેમનું ચલણ વધ્યું છે, તો તેને કેવી રીતે અંકુશમાં લઇ શકો ? તમે સરકારી અધિકારી હો તો તેને અટકાવવા કેવા પગલા ભરો ?

ટ્રાવેલિંગ
અનેક લોકો આ પ્રકારના શોખ ધરાવતા હોય છે. આ પ્રકારનો શોખ ધરાવનાર વ્યક્તિને તમે કયા-કયા સ્થળોની મુલાકાત લીધી છે ? પ્રવાસ દરમિયાન કેવા સારા-નરસા અનુભવો થયા છે ? ભારતમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા શું પગલા ભરવા જોઇએ ? પ્રવાસ દ્વારા તમને શું શિખવા મળ્યું કે તમારા વ્યક્તિત્વમાં શું ફેર પડયો ? જો તમને આ જોબ માટે પસંદ કરવામાં આવે અને તમને પ્રવાસ માટે રજા ન મળે તો શું તેનાથી તમે નાસિપાસ થશો ? જે સ્થળોની મુલાકાત લીધી હોય તેના ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિક બાબતો, સાંપ્રત મહત્વ, અર્થવ્યવસ્થા, જોવાલાયક સ્થળો વગેરેમાંથી પ્રશ્નો રચાય છે. આ ઉપરાંત તમારા જીલ્લા અને તાલુકાના તમામ જોવાલાયક સ્થળો વિષે ખ્યાલ હોવો જોઇએ.

વાંચન શોખ
વાંચન એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ કરેલી પ્રવૃત્તિ હોય છે. પરંતુ શૈક્ષણિક પુસ્તકોનું વાચન એ શોખ ન કહેવાય. વાચન માટે કયા પ્રકારના પુસ્તકો તમે વાંચેલા છે તેને આધારે પ્રશ્નો પૂછાતા હોય છે. સામાન્યતઃ પુછાતા પ્રશ્નોમાં, - તમે છેલ્લે વાંચેલ પુસ્તકનું નામ જણાવો. આ પુસ્તક તમે ક્યારે વાંચેલું અને તેમાં શું વિશેષતા તમે અનુભવી ? તમારા મનપસંદ લેખક કોણ ? સાંપ્રત સાહિત્યના પ્રવાહો, મહત્વના લેખકો અને તેમની કૃતિઓની વિશેષતાઓ કે મર્યાદાઓ.

આ ચર્ચા ઉપરાંત ફોટોગ્રાફી, લેખન, આકાશદર્શન, ફિલાટેલી, નોટાફીલી વિશેષ શોખ તરીકે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે. તમારો શોખ જેટલો હટકે હોય તેટલો વધુ રસ બોર્ડના સભ્યોને પડે છે. જેમકે એક ઉમેદવારે 'સાપ પકડવો' શોખ તરીકે દર્શાવ્યો. તેને સાપ પકડવાની કળા પર સારું પ્રભુત્વ હતું. બોર્ડ આવા ઉમેદવારને સાપના પ્રકાર, ઝેરથી બચવા શું ઈલાજ કરશો વગેરે પ્રશ્નો પૂછે છે. ક્યારેક એકથી વધુ હોબી પણ દર્શાવી શકાય. કેટલાક સાધારણ શોખ જો તમે દર્શાવ્યા હોય તો પ્રશ્નો ન પણ પૂછવામાં આવે. જેમકે ક્રિકેટ હોબી તરીકે એટલા બધા દર્શાવે છે કે તેમાં કદાચ બોર્ડને પ્રશ્ન પૂછવા જેટલો રસ ન પણ પડે ! આ ઉપરાંત ફિલ્મો જોવી, નેટ સર્ફિંગ કરવું, મ્યુઝીક સાંભળવું જેવા શોખ અનેક વિદ્યાર્થીઓના હોય છે. ક્યારેક તેમાં ખાસ પ્રશ્નો આવતા નથી. આમ, ઉપરની ચર્ચા પરથી આપણે સમજી શકીએ કે ઉમેદવાર કોઇપણ શોખ પસંદ કરી શકે પરંતુ તેનો ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી અભ્યાસ થવો જોઇએ. તો જ વ્યક્તિત્વ કસોટીને સફળતાથી પાર કરી શકશે.

Tags :