Get The App

સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રારની ભૂમિકા અને નિમણૂક

Updated: Jun 13th, 2023

GS TEAM

Google News
Google News
સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રારની ભૂમિકા અને નિમણૂક 1 - image


- અધ્યયન-હિરેન દવે

- રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર આઈએએસ કેડરની પોસ્ટ છે. વર્ગ-૧માં નિમણૂક મેળવેલ આ કેડરના અધિકારી કોઈ એક જિલ્લો કે એકથી વધુ જિલ્લાના ચાર્જના કાર્યકર્તા હોય છે.

સ હકારી મંડળીઓ રાજ્ય સુચીનો વિષય છે. તેના અસરકારક અમલીકરણ માટે  'ગુજરાત કો-ઓપરેટીવ એક્ટ' ઘડવામાં આવેલ છે. રાજ્યની કારોબારીમાં 'કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ' આવેલ છે. તેના અંતર્ગત સહકારી મંડળીઓના નિયમનકર્તાની ભૂમિકા રજીસ્ટ્રાર કો-ઓપરેટિવ સોસાયટી ભજવે છે.

રાજ્યમાં સહકારી મંડળીઓનું ફલક ખૂબ જ વિશાળ છે. આમ કોઈપણ ક્ષેત્રમાં ગ્રામલોકો ભેગા થઈ નહીં નફો નહિ નુકશાનના ધોરણે ૧૧ વ્યક્તિઓ મંડળીની રચના કરી શકે. હાલમાં ગુજરાતમાં આવી ૮૫,૦૦૦ જેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે. સહકારી મંડળીઓના વ્યાપક ફલક પર રાજ્યની સુગર ફેક્ટરીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, શરાફી સહકારી મંડળી, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ સર્વિસ સોસાયટી વગેરે હોય છે. દૂધ અને સેવા મંડળીઓ જેવા મોટા ભાગના સહકારી ક્ષેત્રે ત્રિસ્તરીય માળખું હોય છે. જેમકે દૂધના સહકારી માળખા પર એક નજર કરીએ તો ગ્રામસ્તરે દૂધમંડળીઓ આવેલ છે. જે દૂધનું ઉત્પાદન કરે છે. તેની ઉપરના સ્તરે જીલ્લા દૂધસંઘો કે ડેરી હોય છે. દૂધના સહકારી પ્રશાસનમાં જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) રાજ્ય સ્તરે કાર્ય કરે છે. જે અમુલ બ્રાન્ડ હેઠળ દૂધનું દેશ-વિદેશમાં વિતરણ કરે છે.

અન્ય રાજ્યની સાપેક્ષે ગુજરાતમાં સહકારી મંડળીઓનું સેક્ટર ખુબ મોટું અને સફળ છે. દૂધમાં સહકારી મંડળીઓની સફળતાના કારણે ગુજરાતને ભારતનું ડેન્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ સફળતા પાછળના ઘણા કારણો પૈકી એક સબળ અને સક્ષમ સહકાર વિભાગ છે. આવા તમામ ક્ષેત્રે સંસ્થાઓની સ્થાપના કરવી, નિયમન કરી તેને સહકારના ૭ સિધ્ધાંતોને આધારે ચાલે તેવું નિયંત્રણ રાખવું. અને નબળી પડે ત્યારે સંસ્થા બંધ કરવી આ તમામ ભૂમિકા રજીસ્ટ્રારે ભજવવાની હોવાથી તેમને સહકારી મંડળીઓના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમગ્ર તંત્રમાં જિલ્લા રજીસ્ટ્રારની ભૂમિકા પર વડોદરા જિલ્લાના રજીસ્ટ્રાર નીલમબેન પાસેથી મળેલ માહિતી મુજબ વિશેષ વાત કરીએે તો વર્ગ-૧માં નિમણૂક મેળવેલ આ કેડરના અધિકારી કોઈ એક જિલ્લો કે એકથી વધુ જિલ્લાના ચાર્જના કાર્યકર્તા હોય છે. આ હુકુમતક્ષેત્રમાં નોંધાયેલ તમામ સહકારી મંડળીઓનું નિયમન ડી.આર. (ડિસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર) કરે છે. સભાસદોની ફરિયાદો સામે સંતોષકારક પગલાં લેવા વગેરે તેમની મુખ્ય કામગીરી છે. ખાસ કરીને નવી સહકારી મંડળી રચવા કોઈ અરજદાર આવે તો તેને યોગ્ય પ્રક્રિયાનું માર્ગદર્શન આપી મંડળીની નોંધણી કરાવવી. તેને કાયદાનુસાર સમિતિ રચવા, ચૂંટણી યોજવા માર્ગદર્શન આપી કાનુનનું પાલન કરાવવું વગેરે મુખ્ય ભૂમિકા છે. બેંકીંગ સેક્ટર અન્વયે જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કો તથા નાગરિક સહકારી બેંકોની સામાન્ય દેખરેખ તથા નિયંત્રણની કામગીરી કરવાની હોય છે જો પ્રાઈમરી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કે સહકારી બેન્ક ફડચામાં જાય તો તેના લિક્વિડેશનની કાર્યવાહી પણ રજીસ્ટ્રારના દેખરેખ હેઠળ ચાલે છે.

તાલીમ : જીપીએસસી દ્વારા પસંદગી પામ્યા પછી સ્પીપા ઉપરાંત ઉદય ભાણસિંધ ઈન્સ્ટીટયુટ દ્વારા તાલીમ આપવામાં આવે છે. 'હાયર ડિપ્લોમા ઈન કો-ઓપરેટિવ મેનેજમેન્ટ'નો ૬ મહિનાનો રેસિડેન્શિયલ ટ્રેનીંગ કોર્સ આપવામાં આવે છે. આ ઉપરાંત જીડીપીએન્ડએ તથા એકાઉન્ટ ટેસ્ટ તથા સીસીસી પ્લસ જેવી વિવિધ પરીક્ષાઓ પૂર્ણ કર્યા બાદ પ્રોબેશન સમયગાળો પૂર્ણ થતાં નિયમિત નિમણૂક આપવામાં આવે છે.

બઢતીની તકો : રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર આઈએએસ કેડરની પોસ્ટ છે. તેમના તાબા હેઠળ વિવિધ સંવર્ગના અધિકારી જેમકે અધિક રજીસ્ટ્રાર, સંયુક્ત રજીસ્ટ્રાર, જિલ્લા રજીસ્ટ્રાર તથા મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર હોય છે. જે લોકો વર્ગ-૨ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારમાં પસંદગી પામેલ હોય તેમને વર્ગ-૧માં જિલ્લા રજીસ્ટ્રાર તરીકે બઢતી મળે છે. વર્ગ-૧ જિલ્લા રજીસ્ટ્રારનું પ્રમોશન આવતા સંયુક્ત રજીસ્ટ્રાર બને છે. આ કેડરમાં નોમિનેશન દ્વારા આઈ.એ.એસ. બનવાની પણ શક્યતાઓ રહેલી છે. તે અન્વયે વર્ગ-૧માં કુલ ૮ વર્ષની નોકરી બાદ યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા આપી મેરીટના આધારે નોમિનેટેડ આઈ.એ.એસ. થઈ શકાય છે. અન્યથા બઢતી દ્વારા મહત્તમ એડિશનલ રજીસ્ટ્રાર પણ બની શકાય છે.

Tags :