વ ર્તમાન સમયમાં ગુજરાતના યુવાન-યુવતીઓમાં યુરોક્રેટ/ ડિપ્લોમેટ બનવાનો ક્રેઝ વધતો જાય છે. આગલા વર્ષોના તમામ રેકોર્ડ બ્રેક કરે તેટલા લોકો આ વર્ષે આ પરીક્ષા આપે છે અને સફળ પણ થાય છે. જો એક ગુજરાતી દેશના પ્રધાનમંત્રી બની શકે તો બ્યુરોક્રસીમાં ગુજરાતીઓનો દબદબો કેમ ન હોય? કોરોના જેવી કટોકટી હોય કે સરહદો પરનું ટેંન્શન હોય એ તમામ ક્રાઇસીસ મેનેજ કરવામાં દેશના ટોપ બ્યુરોક્રેટની સત્તા અને ભૂમિકા વિશે જ્યારે આપણે સાંભળીયે-વાંચીયે ત્યારે આપણને ચોક્કસ એમ લાગે કે જો કોઇ રાહ ચિંધનાર મળે તો આપણે પણ આ રાહ પર આગળ વધી કંઈક કરવાની ખેવના પૂર્ણ કરીયે! આ ક્ષેત્રે કારકિર્દીની કેવી તકો રહેલી છે? આ પરીક્ષા પાસ કરવાથી શું લાભ થાય વગેરે સવાલો વિદ્યાર્થીઓના મનમાં જાગે છે.
યુપીએસસીની આઈ.એ.એસ. પરીક્ષા ખરેખર તો'બિનતકનીકી વર્ગ ૧ પરીક્ષા' તરીકે ઓળખાય છે. આ પરીક્ષા આપીને આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની ૨૦ જેટલી વિવિધ કેન્દ્રીય સેવાઓમાં પસંદગી મેળવી શકાય છે. આ તમામ સેવાઓ કારકિર્દીની સુવર્ણ તક પૂરી પાડે છે.
આઈ.એ.એસ.એટલેકે ભારતીય પ્રશાસનીક સેવા સૌથી ઉચ્ચતમ સેવા છે. આ સેવાનો પસંદગી ક્રમ સૌથી ઊંચો હોય છે. આ સેવામાં પસંદગી પામેલ અધિકારીઓની તાલીમ મસુરી ખાતે ૨ વર્ષ ચાલે છે. ત્યારબાદ પ્રત્યેક ઉમેદવારને જે રાજ્યની કેડર ફાળવવામાં આવી હોય તેમાં સેવા બજાવે છે.
જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી વગેરે ટોચની ભૂમિકામાં તેમની વરણી કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરને જિલ્લાના રાજા તરીકે ઓળખવામાં આવે છે! ફિલ્ડમાં ફરજ બજાવ્યા બાદ નીતિનિર્માણના કામે સચિવાલયમાં કાર્ય કરે છે. જેમાં બઢતી મેળવીને સચિવ, અગ્રસચિવ, મુખ્ય સચિવ તરીકેના હોદ્દા શોભાવે છે. આ ઉપરાંત પ્રતિનિયુક્તિ હેઠળ કેન્દ્ર સરકારમાં પણ કામ કરવાની તક મળે છે. ભારતના સમગ્ર પ્રશાસનિક તંત્રની તે 'સ્ટીલ ફ્રેમ' તરીકે ઓળખવામાં આવે છે.
આઈ.પી.એસ. એટલે કે ભારતીય પોલીસ સેવા કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રે અત્યંત મહત્વની સેવા ગણવામાં આવે છે. આ સેવામાં પસંદગી પામેલ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ ખાતે ૨ વર્ષ ચાલે છે. ત્યારબાદ પ્રત્યેક ઉમેદવારને જે રાજ્યની કેડર ફાળવવામાં આવી હોય તેમાં સેવા બજાવે છે. એ.એસ.પી.થી શરૂ કરીને એસ.પી.(જીલ્લા પોલીસ અધિક્ષક), ડી.આઈ.જી., આઈ.જી., એ.ડી.જી., અને ડી.જી.પી. સુધીના રાજ્ય પોલીસ તંત્રના સુકાની તરીકે આઈ.પી.એસ. અધિકારીઓ કાર્ય કરે છે. આ ઉપરાંત પ્રતિનિયુક્તિ હેઠળ કેન્દ્ર સરકારમાં પણ કામ કરવાની તક મળે છે. જેમાં સી.બી.આઈ., રો, આઈ.બી. તથા અર્ધલશ્કરી દળોમાં પણ અંતે તો આ કેડરના અધિકારીઓ જ કાર્ય કરી શકે છે.
આઈ.એફ.એસ. એટલેકે ભારતીય વિદેશ સેવાના અધિકારીઓ ભારતના વિદેશ સાથેના સંબંધોના ક્ષેત્રે કાર્યરત હોય છે. વૈશ્વિક ધોરણે ભારતનું મહત્વ વધતું જાય છે તેમતેમ આ સેવાની કામગીરી વધુને વધુ ચાવીરૂપ બનતી જાય છે. વિશ્વના અનેક દેશોમાં ભારતના દુતાવાસો આવેલ છે જેમાં આ કેડરના અધિકારીઓ કાર્ય કરે છે. વિદેશમાં વસતા ભારતીયોના પ્રશ્નો, વિદેશનું ભારતમાં મૂડીરોકાણ, અંતરીક્ષ સહકાર, અણુઉર્જા, સંરક્ષણ સંબંધો વગેરે સંકુલ ક્ષેત્રે તેમની કામગીરી હોય છે.
મારા શૈક્ષણિક અનુભવથી મેં નોંધ્યું છે કે ઉમેદવારોની આ સેવા માટેની રૂચી સતત વધતી જાય છે. કારકિર્દીની તકોને જોતા આ સેવા આઈ.એ.એસ. સાથે સ્પર્ધા કરી શકે તેટલી સક્ષમ છે. આ ઉપરાંત આ સેવાના પદાધિકારીઓને લગભગ સમગ્ર વિશ્વમાં ફરવાની તક મળે છે. વિવિધ દેશોમાં ફરવાનો તેની સંસ્કૃતિને જાણવાનો અને માણવાનો લહાવો આ સેવામાં વિશેષ મળે છે.
આઈ.આર.એસ. એટલેકે ભારતીય રાજસ્વ સેવા. આ સેવાના બે પ્રકાર છે. આઈ.એ.એસ.(ઇન્કમટેક્ષ) આવકવેરાના ક્ષેત્રે કાર્ય કરે છે. જયારે આઈ.એ.એસ.(જીએસટી એન્ડ કસ્ટમ્સ) પરોક્ષ કરના ક્ષેત્રે કાર્ય કરે છે. ઇન્કમટેક્ષ કમિશ્નર જેવા અધિકારીઓ આ સેવાના પદાધિકારીઓ હોય છે. કરચોરી પકડવી, કાળુ નાણુ, મનીલોંડ્રિંગ જેવા દુષણો ડામવા, ઉદ્યોગો પર રેડ પાડવી વગેરે કાર્યો તેઓ કરે છે.
આઈ.એ. એ.એસ.(ઇન્ડિયન ઓડીટ એન્ડ એકાઉન્ટ સવસ). આ સેવાના અધિકારીઓ કેગના વિભાગ હેઠળ કાર્ય કરે છે. આ સેવાના અધિકારીઓ હિસાબોની ચકાસણીનું (ઓડિટનું) કાર્ય કરે છે. સરકારી ખર્ચમાં કરકસર કેવી રીતે કરી શકાય તેના સુચન કરે છે તથા સરકારી ખર્ચમાં જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો તેને બહાર લાવે છે. ભારતનો આ વિભાગ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ઓડીટ વિભાગોમાં ગણવામાં આવે છે.
આમ એક જ પરીક્ષા આપીને અનેકવિધ વિભાગોમાં કામ કરવાની, દેશની સેવા કરવાની અને વ્યક્તિત્વનો વિકાસ કરવાની સુવર્ણ તક મળી શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે જે સવસના નામની આગળ આઇ. અને પાછળ એસ. હોય તેમાથી કોઈપણ સવસ મળે કારકિર્દી માટે સફળતાનો રાજમાર્ગ ખૂલે.


