Get The App

IAS ઓફિસરની તાલીમ .

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
IAS ઓફિસરની તાલીમ                                 . 1 - image


- અધ્યયન-હિરેન દવે

- ભારતની પોલાદી ફ્રેમ તરીકે ઓળખાતી બ્યુરોક્રસીની તાલીમ સાચેજ સૌથી સમૃદ્ધ અને યુનિક છે!

યુ. પી.એસ.સી. દ્વારા આયોજીત સિવિલ સેવા પરીક્ષા ટોપ માર્ક સાથે ઉત્તિર્ણ થાય તેવા તેજસ્વી તારલાઓને આઇ.એ.એસ. તરીકે પસંદ કરવામાં આવે છે. અને બ્યુરોક્રસીની આ કારકિર્દિની શરૂઆત અત્યંત રસપ્રદ અને બહુઆયામી તાલીમ દ્વારા થાય છે. આઈ.એ.એસ. તાલીમ માટે મસુરી ખાતે ''લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનીસ્ટ્રેશન''- લબાસ્ના નામની ખ્યાતનામ તાલીમ સંસ્થાની સ્થાપના ૧૯૫૯માં કરવામાં આવેલી છે. જે આઈ.એ.એસ. પ્રોબેશનર્સને ૨ વર્ષની સઘન તાલીમ આપીને તૈયાર કરે છે. આ તાલીમ માત્ર માહિતિપ્રચુર હોતી નથી પરંતુ વ્યક્તિત્ત્વના સમગ્રલક્ષી વિકાસ માટે તૈયાર કરવામાં આવેલ છે. કમ્યુનિટી સર્વિસ એડવેન્ચર સ્પોર્ટ, રોક ક્લાઇમ્બિંગ, રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઈડીંગ વગેરે તેમાં સમાવવામાં આવેલ છે. આ ઉપરાંત સરકારની કોઈ યોજના પર રિપોર્ટ તૈયાર કરવો. બુક રિવ્યુ કરવી જેવા ક્રિએટીવ કાર્યો પણ તેમાં સમાવવામાં આવેલ છે.

ફાઉન્ડેશન કોર્સ

તાલીમની શરૂઆતના ૪ મહિના ફાઉન્ડેશન કોર્સ તરીકે ઓળખાય છે. જેમા નવા આવેલ તાલીમાર્થિને ભારતનો ઇતિહાસ,  ભૂગોળ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા વગેરેના વિવિધ પાસાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. આ કોર્સમાં નવા યુ.પી.એસ.સી. પાસઆઉટ ઓફિસર્સની અનેક કેડર માટે સંયુક્ત તાલીમ યોજાય છે. જેનાથી વિવિધ કેડરના ઓફિસર્સ વચ્ચે સારું નેટવર્કિંગ રચાય છે. આ તબક્કામાં પરીક્ષા પાસ કરીને નવા બનેલા અધિકારીઓને સમ્બોધન કરવા તથા તેમના ઉત્સાહમાં વધારો કરવા અનેક મહાનુભાવો પધારે છે. જેમાં ભારતના પ્રધાનમંત્રી, લોકસભા સ્પિકર, લોકસભામાં વિપક્ષના નેતા, કેન્દ્રિય સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ વગેરે સાથે પ્રત્યક્ષ મુલાકાત કરવાની તક મળે છે. તથા તેમની સાથે ઈંટરેકશનનો લહાવો મળે છે.

વ્યવસાયિક તાલીમ

આ તાલીમનો સમયગાળો ૫ મહિના હોય છે. જેમા લેન્ડ રેવન્યુ, ક્રિમિનલ પ્રોસિજર કોડ વગેરેની તાલીમ આપવામાં આવે છે. આઇ.એ.એસ. અધિકારીને જિલ્લામાં જે કૈ કામગીરી કરવાની હોય છે તેને લગતી કાર્યવાહી નીતિ-નિયમો વગેરેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ચોપડિયા જ્ઞાન જેવી હોતી નથી. તેમાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ પર વધુ ભાર આપવામાં આવે છે. જે તે યોજના કે નીતિના અમલીકરણ માટે જે ક્લેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી દેશમાં પ્રશંસાપાત્ર બની હોય તેઓ અહિ પોતાનો અનુભવો શેર કરવા અને પ્રોબેશનર્સને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપવા આવે છે. આ ઉપરાંત જેને ભારતના શ્રેષ્ઠ ક્લેક્ટરનો એવોર્ડ મળેલ હોય તેઓ અહિ તાલીમ આપવામાં આવે છે. અનુભવો શેર કરે છે.

જિલ્લા તાલીમ

૧ વર્ષની આ તાલીમ દરમિયાન તેને રાજ્યના મુખ્યમંત્રી,ચિફ સેક્રેટરી, ડી.જી.પીને મળવાની તક મળે છે. રાજ્યની ભાષા, સ્થાનિક પ્રશાસનિક તંત્ર વગેરેની તાલીમ આપવામાં આવે છે. પ્રોબેશનર્સને જે રાજ્યની કેડર ફાળવવામાં આવેલ હોય તેમાં જે તે જિલ્લામાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે પોસ્ટિંગ આપવામાં આવે છે. જેથી તેને ફિલ્ડના વાસ્તવિક પ્રશાસનનો અનુભવ મળે છે. સચિવાલયની કામગીરી, પોલિસ વિભાગ, પંચાયતો વગેરે સાથે તેને પરિચય મળે છે. આગળ ભણેલ થિયરી અહિ પ્રેક્ટિકલ જોવા મળે છે.

વ્યવસાયિક તાલીમ (દ્વિતિય તબક્કો) 

૩ મહિનાની આ તાલીમ દરમિયાન ડાઉટ-ડિફિકલ્ટિ સોલ્વ કરવામાં આવે છે. ફિલ્ડમાં કામગિરિ દરમિયાન અનેક નવિન અનુભવો મળે છે તથા પ્રશ્નો-મૂંઝવણો સર્જાય છે. જેના નિરાકરણ માટે આ તબક્કો યોજાય છ.ે ૧૯૬૯માં મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં મળેલી પ્રશાસનિક સુધારા આયોગ દ્વારા આવી ૨ તબક્કાની તાલીમ શરૂ કરવામાં આવી. જેમાં થિયરી-પ્રેક્ટિકલ-થિયરી હોવાથી તેને સેંડ્વિચ કોર્સ તરીકે ઓળખવામાં આવે છે. કોર્સના અંતે ખૂબ જ રસપ્રદ એવી ભારત દર્શન ટુર તેમને આપવામાં આવે છે જેમાં લગભગ ૭-૮ અઠવાડીયાના સમયગાળા માટે દેશદર્શનની સુંદર તક મળે છે.

આઇ.એ.એસ. સર્વિસને સ્વર્ગમાંથી ઉતરેલી સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે, તો ભારતની પોલાદી ફ્રેમ તરીકે ઓળખાતી બ્યુરોક્રસીની તાલીમ સાચેજ સૌથી સમૃદ્ધ અને યુનિક છે ! ગુજરાતમાં પણ રાજ્ય પ્રશાસનિક સેવાઓની તાલીમ સુધારી સંઘ સરકાર જેવું સારું તાલીમ માળખું રચવાની તાતી જરૂર છે.

Tags :