- અધ્યયન-હિરેન દવે
આ જકાલ 'ઓપરેશન સિંદુર'ની ઝળહળતી સફળતા બાદ અનેક યુવાઓનો એરફોર્સમાં જોડાવવાનો રસ વધતો જાય છે. આ ઉપરાંત ભારતીય વાયુસેના પાસે રહેલા મિગ, સુખોઈ, રાફેલ કે સ્વદેશી તેજસ વિમાનને જોઈને આવી થ્રિલિંગ કારકિર્દી ઘડવાની આકાંક્ષા ઘણાના મનમાં જાગે છે પણ યોગ્ય માર્ગદર્શનને અભાવે તે ફળીભૂત થઈ શકતી નથી. ૮ ઓક્ટોબર 'એર ફોર્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એર-ફોર્સમાં કારકિર્દીના ક્ષેત્રે ચર્ચા કરીયે.
યુપીએસસી દ્વારા યોજાતી 'નેશનલ ડિફેન્સ એકેડેમી' પરીક્ષા પાસ કરી લશ્કરની ત્રણેય પાંખોમાં ઉચ્ચ અધિકારી બની શકો છો. સૌથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સમાન્યત: પ્રથમ પસંદગી ભારતીય વાયુસેના હોય છે આ ઉપરાંત નૌસેના માટે 'નેવેલ એકેડેમી' અને દેહરાદુન ખાતે 'ઇંડિયન મિલીટરી એકેડેમી'ની પસંદગી પણ આ કમબાઇન્ડ પરીક્ષા દ્વારા જઈ શકાય છે. એનડીએમાં પસંદ પામનારા ઉમેદવારોએ એર-ફોર્સમાં 'ફ્લાઇંગ' કેટેગરીમાં પસંદગી મેળવવી રહી. પસંદગી પામનારા ઉમેદવારોને પૂના નજીક 'ખડકવાસલા' ખાતે તાલીમની શરૂઆત થાય છે. જેમાં ફ્લાઇંગ ટ્રેનીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩ વર્ષ બી. એસ. સી.ની તાલીમ પણ સમાવિષ્ટ છે. સંપૂર્ણ તાલીમ સરકારી ખર્ચે રહેશે. આ તાલીમ સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારને એર ફોર્સમાં અધિકારી તરીકે જોડાવવાની સીધી તક મળશે.
લાયકાત : આ પરીક્ષામાં ૨૦૦૭થી ૨૦૧૦ની વચ્ચે જન્મતારીખ ધરાવતા અપરણિત પુરુષ/મહિલા ઉમેદવાર અરજી કરી શકે. નેશનલ ડીફેન્સ એકેડેમીની ખુશ્કીદળ પાંખમાં જોડાવવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જોઈએ. નેશનલ ડીફેન્સ એકેડેમીની વાયુદળ અથવા નૌકાદળ પાંખમાં જોડાવવા માંગતા તથા ઇન્ડિયન નેવેલ અકેદેમીની કેડેટ એન્ટ્રી સ્કીમમાં જોડાવવા માંગતા ઉમેદવારોએ ધોરણ ૧૨ ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતશાસ્ત્ર વિષય સાથે પાસ કરેલ હોવા જોઈએ. આ ઉપરાંત શારીરિક રીતે તંદુરસ્તીના માપદંડોનું પાલન નોટિફિકેશનના એપેન્ડીક્ષ ૪માં આપેલ ધારાધોરણ મુજબ હોવું જોઈએ.
અરજીની પ્રક્રિયા : આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ યુપીએસસી-ઓનલાઇન વેબસાઈટ પર અરજી કરવાની હોય છે. અરજી માટે સમાન્યત: ડિસેમ્બર મહિનામાં ફોર્મ બહાર પડતાં હોય છે.
પરીક્ષાનું માળખું : આ પરીક્ષા બે તબક્કાની પરીક્ષા છે. પ્રથમ તબક્કો એક દિવસની ઓબ્જેક્ટીવ (MCQ) પ્રકારની પરીક્ષા છે. આ પરીક્ષામાં ઉત્તરો માત્ર કાળી શાહીની બોલપેનથી જ ટીક કરી શકાય છે. અન્ય કોઈપણ રંગનો ઉપયોગ કરનાર ઉમેદવાર ગેરલાયક ગણવામાં આવશે. પરીક્ષામાં ખોટા ઉત્તર આપનાર ઉમેદવારના ૦.૩૩ ગુણ નેગેટીવ માર્ક તરીકે કાપી લેવામાં આવશે. આ પરીક્ષા ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર ખાતેથી આપી શકાય છે.
પ્રશ્નપત્ર ૨ અંતર્ગત સામાન્ય બુદ્ધિકસોટીમાં ૨૦૦ ગુણનું અંગ્રેજી અને ૪૦૦ ગુણનું સામાન્ય જ્ઞાન હોય છે. સામાન્ય જ્ઞાન અંતર્ગત ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભૂગોળ અને સમસામયિક ઘટનાઓ અનુક્રમે ૨૫% ૧૫% ૧૦% ૨૦% ૨૦% ૧૦%ના ગુણભાર મુજબ પૂછવામાં આવે છે.
લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ સર્વિસ સિલેકશન બોર્ડ (એસએસબી) તરીકે ઓળખવામાં આવે છે. આ ઇન્ટરવ્યુંમાં પ્રથમ વખત ભાગ લેતા ઉમેદવારોને સરકાર તરફથી પરિવહન ભથ્થું આપવામાં આવશે. જે ૯૦૦ ગુણનો હોય છે. ભારત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં એસએસબી ઇન્ટરવ્યુ તદ્દન અલગ પ્રકારનો ઇન્ટરવ્યુ છે. ૫ દિવસ જેટલો સમય ચાલતી આ પરીક્ષામાં ઉમેદવારના વ્યક્તિત્વના અનેક પાસા ઊંડાણપૂર્વક ચકાસવામાં આવે છે. વળી તેમાં મનોવૈજ્ઞાનિક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે.
આમ કુલ ૯૦૦ ગુણનો પ્રથમ તબક્કો અને ૯૦૦ ગુણનો ઇન્ટરવ્યુના આધારે ૧૮૦૦ ગુણના અંતિમ મેરીટ પરથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.
|
ક્રમાંક |
વિષય |
સમય |
કુલ પ્રશ્નો |
ગુણ |
|
૧ |
ગણિત |
૨:૩૦ કલાક |
૧૨૦ |
૩૦૦ |
|
૨ |
સામાન્ય બુદ્ધિકસોટી |
૨:૩૦ કલાક |
૧૫૦ |
૬૦૦ |
|
- |
કુલ |
- |
૨૭૦ |
૯૦૦ |


