એરલાઇન પાઇલોટ કેવી રીતે બની શકાય?
- અધ્યયન-હિરેન દવે
- કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ માટે ક્લાસ-2 મેડિકલ પૂરતું નથી. ક્લાસ-2 બાદ ક્લાસ-1 મેડિકલ પણ કરાવવું આવશ્યક છે
સાં પ્રત સમયમાં ભારતના એવીયેશન સેક્ટરનો વૃદ્ધિદર વિશ્વમાં સૌથી વધુ છે. આપણે વિવિધ એરલાઇનમાં મુસાફરી કરીયે ત્યારે એવો વિચાર અવશ્ય આવે કે એરલાઇનના પાઇલોટ કેવી રીતે બની શકાય? અફસોસ કે ગુજરાતના યુવાનોએ અનેક ક્ષેત્રોમાં કાઠું કાઢયું હોવા છતાં એવિયેશન ક્ષેત્રે આપણાં રાજ્યના ખૂબ જ ઓછા લોકોએ સફળ કારકિર્દી ઘડી છે. સમગ્ર વિશ્વમાં મુસાફરીને તક આપતી, ખૂબ સારા પગાર ધોરણો આપતી આ કારકિર્દી કેવી રીતે ઘડી શકાય તેની ચર્ચા આપણે કરીએ.
લાયકાત : કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ (સીપીએલ) માટે ડીજીસીએ દ્વારા ઠરાવવામાં આવેલી ન્યૂનતમ લાયકાત વયમર્યાદા : ૧૬ વર્ષ; શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૨ સાયન્સમાં ફિઝીક્સ અને મેથ્સ વિષયમાં ૫૦%થી વધુ ગુણ હોવા જોઇયે. જો કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પ્રવેશવા માંગે તો એનઆઇઓએસ દ્વારા લેવાતી ધોરણ ૧૨ની કસોટીમાં ફિઝીક્સ અને મેથ્સમાં ૫૦%થી વધુ ગુણ મેળવીને પાઇલોટ બની શકાય. આ ઉપરાંત તાજેતરમાં કોમર્સ કે આર્ટ્સના ઉમેદવારોને સીધો પ્રવેશ આપવા માટે પણ ડીજીસીએ દ્વારા વિચાર વિમર્શ હેઠળ છે.
મેડિકલ : પાઇલોટ બનવા ઇચ્છતા ઉમેદવારોની ફિટનેસ ખૂબ જરૂરી છે. આ માટે માત્ર ડીજીસીએ દ્વારા મંજૂર કરેલા ડોક્ટરો દ્વારા મેડિકલ ફિટનેસની મંજૂરી આપી શકાય છે. જેને ક્લાસ-૨ મેડિકલ કહેવાય છે. ગુજરાતમાં માત્ર ૩ ડોક્ટરો આ સેવા માટે ઉપલબ્ધ છે. જેમાં એક અમદાવાદ, એક વડોદરા અને એક સુરત ખાતે ઉપલબ્ધ છે. ડીજીસીએની વેબસાઇટ પરથી તેમની વિગતો મેળવી ક્લાસ-૨ મેડિકલ કરાવી આપ પાઇલોટ બનવા લાયક છો કે નહીં તે જાણી શકો છો. ક્લાસ-૨ મેડિકલ પ્રમાણપત્ર થકી સ્ટુડન્ટ પાઇલોટ તરીકે વિમાન ઉડાડવાના પ્રિવિલેજ પ્રાપ્ત થાય છે. પણ કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ માટે ક્લાસ-૨ મેડિકલ પૂરતું નથી. ક્લાસ-૨ બાદ ક્લાસ-૧ મેડિકલ પણ કરાવવું આવશ્યક છે. ક્લાસ-૧ મેડિકલ માત્ર એરફોર્સ દ્વારા ઇશ્યૂ કરી શકાય છે. આ પ્રક્રિયા પૂર્ણ કરીને આપ પાઇલોટ બનવા માટેની લાયકાત સિદ્ધ કરી શકો છો. પરંતુ એવિયેશન ક્ષેત્રમાં ફિટનેસ ખૂબ જરૂરી છે. ક્લાસ-૨ મેડિકલની અવધી ૨ વર્ષની છે. દર ૨ વર્ષે રિન્યૂ કરાવવું પડે. અને ક્લાસ ૧ મેડિકલ દર વર્ષે રિન્યૂ કરાવવું પડે.
પાઇલોટની તાલીમ : કોમર્શિયલ પાઇલોટ બનવા માટેની તાલીમ મુખ્યત્વે ૨ ભાગમાં વહેંચી શકાય. સૌપ્રથમ ગ્રાઉન્ડ ટ્રેનીંગ અંતર્ગત એવિયેશન ક્ષેત્રના વિવિધ વિષયોનો અભ્યાસ કરી ડીજીસીએની પરીક્ષા પાસ કરવાની હોય છે. જેમાં પાસિંગ માર્ક ૭૦% હોય છે.
એર નેવિગેશન (નૌવહન) : વિવિધ પદ્ધતીઓ દ્વારા હવાઈ નૌવહનનો અભ્યાસ, કોકપિટમાં તેના માટેના કેવા ઉપકરણો હોય છે અને તેનો સુચારું ઉપયોગ કેવી રીતે કરી શકાય?
એર રેગ્યુલેશન : હવાઈ નિયમો, કાયદા, ભારતનો એરક્રાફ્ટ એક્ટ વગેરે
એર મેટીઓરોલોજી : હવામાનશાસ્ત્રનો અભ્યાસ, હવામાન ઉડયનને કેવી રીતે પ્રભાવીત કરે છે, તેના વિવિધ રિપોર્ટ વગેરે
ટેકનિકલ જનરલ અને સ્પેસિફિક : વિમાન કેવી રીતે ઊડે છે, એરોડાયનામિક્સના સિધ્ધાંતોનો અભ્યાસ, એન્જીન અને વિવિધ કોકપીટ ઉપકરણોનો અભ્યાસ; જે વિમાન પર તાલીમ લેવાની હોય તેના તમામ તકનીકી પાસાનો અભ્યાસ
રેડિયો ટેલિફોની (એરોનોટિકલ) : હવાઈ ઉડાનમાં ઉપયોગમાં આવતા રેડિયો સંચારની તાલીમ
દ્વિતીય તબક્કામાં ઉડાનની પ્રેકટીકલ તાલીમ ૨૦૦ કલાક લેવાની હોય છે આ તાલીમ ડીજીસીએ દ્વારા મંજૂર કરેલ ફ્લાઇંગ ટ્રેનીંગ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ) આપી શકે. ભારતમાં મંજૂર થયેલ એફટીઓની સૂચી તેમની પાસે રહેલા વિમાનો વગેરેની વિગત ડીજીસીએને વેબસાઇટ પર છે. આ તાલીમમાં ૧૮૫ કલાક સિંગલ એન્જીન વિમાન અને ૧૫ કલાક મલ્ટી એન્જીન વિમાન પર તાલીમ લેવાની હોય છે. આ સમગ્ર તાલીમ બાદ એક અંગ્રેજી ભાષાની કસોટી આવે છે. સમગ્ર વિશ્વમાં એવીએશન ક્ષેત્રની પરીભાષા અંગ્રેજી છે. પાઇલોટ, એર ટ્રાફિક કંટ્રોલર, રડાર ઓપેરેટર વગેરે વચ્ચેનો પરિસંવાદ માત્ર અંગ્રેજીમાં થાય તેમાં કોઈ ગફલત પોસાય નહીં. આથી ઇંગ્લિશ લેન્ગ્વેજ પ્રોફિશિયનસી (ઇએલપી) કસોટી આપવાની હોય છે. આ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ તેના નિર્ધારિત દસ્તાવેજો ડીજીસીએને મોકલવામાં આવે છે. તેની ચકાસણી કરીને સીપીએલ લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયાનો અંદાજીત ખર્ચ ૫૦-૬૦ લાખ જેટલો આવે છે.