ધો.12 પછી સરકારી અધિકારી તરીકે કારકિર્દીની તૈયારી કેવી રીતે કરશો?
- અધ્યયન-હિરેન દવે
- યુપી અને બિહાર જેવા રાજ્યો અન્ય રીતે પછાત હોવા છતાં ત્યાંના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરતાં હોય છે જેથી બ્યુરોક્રસીમાં યુપી અને બિહારની લોબી સ્ટ્રોંગ છે.
તા જેતરમાં બોર્ડની પરીક્ષા બાદ તમામ વિદ્યાર્થીઓ અને માતા-પિતા એવી મૂંઝવણ અનુભવે છે કે આગળ કયા માર્ગે વધવું ? આ સમય કારકિર્દીનો એવો ક્રિટીકલ સમય છે કે જો યોગ્ય કેરિયર સિલેક્શન ના થાય તો આખું જીવન પસ્તાવું પડે છે. મોટા ભાગના લોકો માહિતીને અભાવે સીએ, એમબીએ, એન્જિનિયરિંગ વગેરે મર્યાદિત વિકલ્પો વિષે જે જાણતા હોય છે. પરંતુ પોલીસમાં જોડાવવું, લશ્કરમાં અધિકારી બનવું, કલેક્ટરની પરીક્ષા પાસ કરવી વગેરે અનેક બાળકોના સ્વપ્નો હોય છે. સરકારી કારકીર્દીમાં સારા પગાર સાથે જોબ સેટિસ્ફેક્શન પણ મળે છે. અનેક સામાન્ય લોકો પોતાના પ્રશ્નો લઈને રડતાં-રડતાં આવે અને તમે તેનું નિરાકરણ લાઈને હસતાં-હસતાં પાછા મોકલો તેનો સંતોષ નિરાળો હોય છે. પણ રોજબરોજની ભાગદોડમાં તે વિસરાઈ જાય છે અને ઘેટાચાલમાં સહુ જોડાઈ જાય છે !
વેકેશન દરમિયાન તમારા જિલ્લાની કલેક્ટર કચેરી, પોલીસ ઈન્સ્પેક્ટર કે જો આસપાસ કોઈ લશ્કરી છાવણી હોય તો લશ્કરી અધિકારીની મુલાકાત લો અને તેમને કેવી રીતે આ પોસ્ટ પર પહોચી શકાય ? કેવી કામગીરી અને સત્તા હોય વગેરે પૂછો. દરેક માતપિતાએ બાળકને આ તક આપવી જોઈએ.
ધોરણ ૧૨ પછી ગ્રેજ્યુએશનની સાથે સાથે ત્રણ વર્ષ જીપીએસસીની તૈયારી કરવામાં આવે તો ડિગ્રી મળ્યા બાદ થોડા સમયમાં ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સેક્શન અધિકારી બની શકાય છે. હવે આ પરીક્ષાઓ નિયમિત રીતે લેવાતી હોય છે. આ ઉપરાંત તેનાથી બહોળું જ્ઞાાન ઉપલબ્ધ થાય છે. વાંચન અને ચિંતનમાં વધારો થતા બાળકોના અભિગમમાં ફેરફાર આવે છે. વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે. આ તૈયારીને આધારે વિદ્યાર્થી અનેક ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી શકે છે.
ઘણા લોકો એવી વાતો કરતાં હોય છે કે આ પરીક્ષાઓમાં લાખો લોકોની સ્પર્ધા હોય છે અને થોડી જ બેઠકો હોય છે. જો સફળતા ન મળી તો શું ? પણ વાસ્તવિકતા એવી નથી. હાલમાં ગુજરાત સરકારમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવેલ છે. જીપીએસસીની પરીક્ષા રાજ્યની સર્વોચ્ચ પરીક્ષા છે જો તેમાં સફળતા ન મળે તો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર, નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસર જેવી પણ અનેક પરીક્ષાઓ જીપીએસસી લે છે જે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ ઉમેદવાર આપી શકે છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની પરીક્ષા પાસ કરીને સિંઘમ બની શકો.
આ ઉપરાંત વર્ગ-૩ની પરીક્ષાઓમાં પણ અનેક વિકલ્પો અને તકો છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા તલાટી, પંચાયતમાં જુનિયર ક્લાર્ક, હેલ્થ વર્કર વગેરે ભરતી કરવામાં આવે છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ (લોક રક્ષક)ની જગ્યાઓ બહાર પાડવામાં આવે છે. ગાંધીનગર ખાતે આવેલ સચિવાલયમાં ઓફિસ આસિસ્ટંટ તરીકે અથવા રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં બિનસચિવાલય ક્લાર્કની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત સરકારે ભરતી નીતિમાં ફેરફાર કરી એવો નિર્ણય લીધો છે કે વર્ગ-૩ની પરીક્ષાઓ માટે ગ્રેજ્યુએશન બાદ જ અરજી કરી શકાશે !
ધોરણ ૧૨ પછીનો સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરવાનો ગોલ્ડન ટાઈમ છે. ગ્રેજ્યુએશન સાથે તૈયારી કરતાં ત્રણ-ચાર વર્ષનો સમય મળતા જીપીએસસી કે યુપીએસસી પાસ કરવાના સ્કોપ ખૂબ વધી જાય છે.
બોર્ડ કે કોલેજમાં સાધારણ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ૩-૪ વર્ષ તૈયારી કરવાને લીધે આઈ.એ.એસ કે આઈ.પી.એસ સારા સ્કોર સાથે પાસ થયા છે. આમ પણ આજકાલ તીવ્ર સ્પર્ધાને કારણે સરેરાશ ૨-૩ વર્ષ એટેમ્પ્ટ આપ્યા બાદ જ સિલેક્શન થતું હોય છે. આથી જો ગ્રેજ્યુએશન સાથે તૈયારી શરૂ કરવામાં આવે તો ખૂબ યંગ એજમાં પાસ થઈ ડ્રીમ પોસ્ટ પર પહોંચી શકાય છે. યુપી અને બિહાર જેવા રાજ્યો અન્ય રીતે પછાત હોવા છતાં ત્યાંના વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરતાં હોય છે જેથી બ્યુરોક્રસીમાં યુપી અને બિહારની લોબી સ્ટ્રોંગ છે. જો ગુજરાતના માતાપિતા સમયસર નહી જાગે તો પોતાના બાળકોની કારકિર્દીની અમૂલ્ય તક ચૂકી જશે !