Get The App

સુવર્ણ ધાતુની રોકેટ રફતાર, 'સોના કિતના સોના હૈ'!

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
સુવર્ણ ધાતુની રોકેટ રફતાર, 'સોના કિતના સોના હૈ'! 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- દુનિયામાં  200,000 થી 244,000 મેટ્રિક ટન સોનાનું ઉત્પાદન થયું છે જેમાંનું મોટા ભાગનું વર્ષ 1950 પછીનું છે

સો ના અને ચાંદી એક એવી ધાતુઓ જેનું માનવજાતને સદીઓથી આકર્ષણ રહયું છે. કિંમતી ધાતુઓ મેળવવા યુધ્ધો,આક્રમણો, અત્યાચાર, કાવતરા અને હિંસાનો ઇતિહાસ રહયો છે. વેપાર જગતમાં દરેક દેશને પોતાની કરન્સી અને આગવું મૂલ્ય હોય છે પરંતુ સોનાની વાત આવે ત્યારે તે સર્વ સ્વીકૃત છે. કાગળની મુદ્રાનું કોઇ જ આંતરિક મૂલ્ય ન હોવાથી તે છાપી શકાય છે જયારે કાગળની મુદ્રાની જેમ સોનાનું અવમૂલ્યન કરી શકાતું નથી. છેલ્લા કેટલાક સમયથી આ પીળી ધાતુના સતત ઉછળતા ભાવો ગરીબથી માંડીને તવંતર સુધીના સૌ માટે ચર્ચાનો વિષય બન્યા છે. આમ તો સોના જેવી ધાતુઓનો ભાવ વધે તે નવાઇ નથી હોતી પરંતુ જે રોકેટ રફતારથી વધારો થયો તેના પર સૌનું ધ્યાન ખેંચાવા લાગ્યું છે. ગત સપ્તાહ ૧૦ ગ્રામના ભાવ રુપિયા ૧.૯૩ લાખની નજીક પહોંચતા તરખાટ મચી ગયો હતો. ભાવ વધુ ઘટવાની આશા રાખનારા હાથ મસળીને અફસોસ કરતા રહે છે જયારે સસ્તુ ખરીદનારા મોંઘાભાવથી પોરસાય છે. ભારત જેવા દેશમાં સોનાનું આર્થિક જ નહી સાંસ્કૃતિક અને પારિવારિક મહત્વ પણ છે. ભારતીયો થોડીક આર્થિક સ્થિતિ સુધરે ત્યારે સોના-ચાંદીની ધાતુ કે આભૂષણો ખરીદવાની માનસિકતા ધરાવે છે.મહિલાઓ બચત ભેગી કરીને સોના-ચાંદીના દાગીના ખરીદે છે. આથી જ તો ભારતમાં ગરીબ ગણાતા પરિવાર પાસે પણ સોના-ચાંદીનો થોડોક સંગ્રહ અચૂક રહે છે. એક આંકડા મુજબ ભારતીયો પાસે લગભગ ૨૪૦૦૦ ટન જેટલું સોનું છે જે દુનિયાના સોનાના કુલ જથ્થાનું ૧૧ ટકા છે. ભારતીય ઘરોની તિજોરીમાં જોવા મળતા સોનાનું મૂલ્ય અબજો ડોલર આંકવામાં આવે છે. વડીલોએ પણ વારસામાંએ સમજણ આપી છે કે સોનું તો ભૂખ્યાનું ભાથું છે. તિજોરીમાં પડેલા  ઘરેણા માત્ર પહેરવાની વસ્તુ જ નથી પરિવારની આર્થિક સલામતીની ગેરંટી જેવા છે. ભારતીય પરિવારો દિકરા કે દીકરીના લગ્ન જેવા શુભપ્રસંગે સૌથી પહેલા સોનાના દાગીનાનો વિચાર કરે છે. દિકરી અને વહુવારુઓ સામાજિક પ્રસંગોમાં સોનું પહેરીને મ્હાલે છે. સાસરે જતી દીકરીને સોનું આપવામાં ભારતીય પરિવારો પાછી પાની કરતા નથી. ગરીબ હોય કે મધ્યમવર્ગ સૌએ યથાશકિત આ રીત રિવાજ નિભાવવો પડે છે. જેની પાસે સંગ્રહ કરેલા સોનાના જૂના દાગીના હોય તે તોડાવીને તેમાં નવું સોનું ખરીદીને ઉમેરણ કરીને પરંપરા નિભાવે છે. સોનું હોય જ નહી એમને કોઇ પણ કિંમતે ફરજીયાત ખરીદવું પણ પડે છે. દિકરા-દીકરીના અવસરની તૈયારીઓમાં સોનાની સગવડ થાય પછી જમણવાર અને બાકીને ખર્ચાને પહોંચી વળાશે એવો હાશકારો અનુભવે છે. સોનું ચડાવવુંએ એક એવો સામાજિક રિવાજ જે પ્રતિષ્ઠાનો વિષય રહયો છે પરંતુ સોનાના વધતા જતા ભાવ પ્રતિષ્ઠાને પડકારી રહયા છે. સોનાની સરખામણીમાં વજનની દ્વષ્ટીએ સસ્તી ગણાતી  ચાંદીના પણ ભાવ રોકેટ ઝડપે વધવાના શરુ થયા  હતા. પહેલા ૫૦ થી ૭૦ હજારમાં મળતી કિલો ચાંદી એક સમયે ૪ લાખના રેકોર્ડ ભાવને વટાવી ગઇ હતી. સોના ચાંદીના ભાવ બુલિયન માર્કેટનો ઉંબરો ઓળંગીને શેરીઓ,ગલીઓ અને સોસાયટીમાં અમસ્તા મળતા ઓળખીતા કે પાડોશીઓની ચર્ચાનો ચોતરો બન્યા છે.

સોનાનું ઉત્પાદન કરવામાં ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા આગળ પડતા છે. ચીને વર્ષ ૨૦૨૪માં ૩૭૦ થી ૩૮૦ ટન વાર્ષિક સોનાનું ઉત્પાદન કરીને ટોપ ઉપર રહયું હતું. ચીન આજકાલ કરતા વર્ષ ૨૦૦૭થી વિશ્વનો નંબર વન સુવર્ણ ઉત્પાદક દેશ છે. ચીન ઘરેલું ડિમાંડ ઉપરાંત સોનું એકસપોર્ટ પણ કરે છે. ચીનમાં સોનાની ખાણ શેંડોગ,હેનાન ઉપરાંત ફુજિયાન અને લિયાઓનિંગ જેવા પૂર્વી પ્રાંતોમાં આવેલી છે. ગત વર્ષના અંતમાં ચીનને સમુદ્રની નીચે એશિયાનો સૌથી વિશાળ સોનાનો ભંડાર મળ્યો હતો. આ અંગે સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટમાં અહેવાલ પ્રકાશિત થયો હતો કે શેડોંગ પ્રાંતના યાનતાઇમાં લાઉઝોઉના કાંઠે  સોનાનો કુલ ભંડાર ૩૯૦૦ ટન કરતા વધારે છે જે દેશના કુલ ભંડારનો ૨૬ ટકા જેટલો છે.રશિયાએ ૨૦૨૪માં ૨૧૦ થી ૨૩૦ ટન સોનું ઉત્પાદન કર્યુ હતું. ખાસ કરીને સાઇબેરિયાની ઓલિમ્પિયાડા જેવી જાયન્ટ ગોલ્ડ માઇન્સનો મોટો ફાળો છે. ઓસ્ટ્રેલિયા ઓપન પિટ માઇન્સનું અગ્રણી ગણવામાં આવે છે. બોડિન્ગટન વિશ્વની સૌથી મોટી ઓપન પિટ માઇન્સમાં ગણાય છે. કેનેડાએ ૨૦૦ ટનથી વધુ સોનું ઓન્ટારિયો, કયૂબેક અને બ્રિટિશ કોલંબિયામાંથી મેળવ્યું હતું.અમેરિકા વર્ષે ૧૬૦ થી ૧૭૦ ટન સોનું  ઉત્પાદન કરે છે જેમાં નેવાડાનો ફાળો ૭૫ ટકા છે. અલાસ્કા પણ સોના ઉત્પાદનમાં મોટું સ્થાન ધરાવે છે.જો કે જે દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે તેમની પાસે સૌથી વધારે જથ્થામાં સોનું છે એવું પણ નથી જેમ કે અમેરિકા ઉત્પાદનમાં પાંચમા ક્રમે છે પરંતુ સોનાના ભંડારમાં વર્ષોથી પ્રથમ સ્થાન ધરાવે છે. 

૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના એક અહેવાલ અનુસાર યુએસએ પાસે ૮૧૩૩.૪૬ ટન સોનાનો ભંડાર છે. દાયકાઓથી મામૂલી ચડાવ ઉતાર આવે છે પરંતુ સોનાનો સ્થિર સુરક્ષિત ભંડાર તેના આર્થિક પ્રભુત્વને મજબૂત બનાવે છે. જર્મની પાસે ૩૩૫૦.૨૫ ટન જેટલો સોનાનો ભંડાર છે જે ૨૦૦૦ના વર્ષમાં ૩૪૬૮ ટન જેટલો હતો. ૨૫ વર્ષ પહેલાની સરખામણીમાં જર્મની પાસે સોનાનો ભંડાર ઓછો હોવા છતાં મજબૂત ગણાય છે.  ઇટાલી ૨૪૫૧.૮૪ ટન સોના સાથે ત્રીજા ક્રમે જયારે ફ્રાંસ ૨૪૩૭ ટન સોના સાથે ચોથા ક્રમે છે. રશિયા પાસે ૨૩૨૯.૬૩ ટન સોનું છે. ૨૦૨૪માં ૨૩૩૫ ટન થયું જે ઘણા સમય પછી વધ્યું હતું. ઘણા સમયથી રશિયાના રિઝર્વ સોના ભંડારમાં ખાસ ફેરફાર થયો નથી. ચીન સોનાનું ઉત્પાદન કરવામાં મોખરે છે પરંતુ રિઝર્વ ભંડારમાં ૨૨૭૯.૬ ટન સાથે ૬ ઠા ક્રમે છે. સ્વિત્ઝર્લેન્ડ ૧૦૪૦ ટન સોનાના અનામત ભંડાર સાથે સાતમું સ્થાન ધરાવે છે. ભારત અંદાજે  ૮૮૦ ટન સોનાના ભંડાર સાથે વિશ્વમાં ૮ માં ક્રમે છે. વર્ષ ૨૦૦૧માં ભારત પાસે ૩૫૭ ટન સોનું હતું તેની સરખામણીમાં ભારતે પોતાના સોનાના ભંડારમાં ૩ ગણો વધારો કર્યો છે. 

અમેરિકી ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ (યુએસજીએસ) અનુસાર પૃથ્વીના પોપડામાં અંદાજે ૫૦૦૦૦ થી ૬૦૦૦૦ ટન સોનું કાઢવા યોગ્ય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું માનવું છે કે પૃથ્વી પર ૫૪૦૦૦ ટન સોનું ઉત્પાદિત કરી શકાય તેવી સ્થિતિમાં છે. ૨૦૧૯ સુધીમાં લગભગ ૧૯૦૦૦૦ મેટ્રિક ટન સોનાનું ખનન થયું છે.અન્ય સ્ત્રોતો મુજબ દુનિયામાં ૨૦૦,૦૦૦ થી ૨૪૪,૦૦૦  મેટ્રીક ટન સોનું કાઢવામાં આવ્યું છે જેમાંથી મોટા ભાગનું ૧૯૫૦ પછીનું છે. મહાસાગરોમાં અંદાજે ૧૫૦૦૦ ટન સોનું છે પરંતુ પાણીની વિશાળ માત્રાના લીધે એટલું પાતળું છે કે આ સોનું કાઢવા માટેની ટેકનિક નથી.પૃથ્વીની કોરમાં સમગ્ર ગ્રહને ૧.૬ ફૂટ મોટી પરતથી ઢાંકી શકાય તેટલું સોનું છે પરંતુ ઉત્પાદન શકય નથી. 

સોનું અવિનાશી છે આથી જ તો તે મૂલ્યવાન પણ છે. જેટલું કાઢી શકાય છે તેટલું ગણવામાં આવે છે. સમયની સાથે કેટલું  સોનું ખોવાઇ ગયું છે કે અન્ય ધાતુઓ સાથે મિલાવી દેવામાં આવ્યું છે તેનો પણ અંદાજ શકય નથી. નિષ્ણાતોનું માનવું છે કે દુનિયા ભરની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી કરી રહી છે.  છેલ્લા ૩ વર્ષમાં વિશ્વની કેન્દ્રીય બેંકોએ દર વર્ષે ૧૦૦૦ ટન કરતા વધારે સોનું ખરીદયું છે.૨૦૦૭ થી ૨૦૨૫ દરમિયાન ચીનનું ગોલ્ડ રિઝર્વ ૨૮૪ ટકા જેટલું વધ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઘટે ત્યારે ચીન ખરીદી માટે  મેદાનમાં આવે છે. ચીન લાંબા સમય સુધી સોનાના ભંડાર ભરવા માટેની રણનીતિ અપનાવી રહયું છે. તેની ખરીદીની  રફતારમાં વધઘટ થાય છે પરંતુ ખરીદી અટકતી નથી. ૨૦૨૨માં અમેરિકાએ રશિયાની સંપતિ ફ્રીઝ કર્યા પછી કેન્દ્રીય બેંકોએ સોનાની ધૂમ ખરીદી કરવા માંડી છે. રશિયાએ પણ મોટા પાયે સોનું ખરીદવાની નીતિ અપનાવી હતી. ચીન અને રશિયાએ ડી ડોલરાઇઝેશન નીતિ હેઠળ અમેરિકી કર્જમાં પોતાની ભાગીદારી ઘટાડી છે.૨૦૨૫માં રશિયાએ ઘરેલું બજેટ ખાધને પુરી કરવા માટે  પોતાના  સોનાના ભંડારનો એક હિસ્સો કથિત રીતે વેચ્યો હતો.   ભારતની વાત કરીએ તો વર્ષ ૨૦૧૮માં ધીમે ધીમે સોનાના ભંડારમાં વધારો કર્યો છે.સોનું વધતા જતા ભાવના પગલે યૂરો ડોલરને પાછળ રાખીને યુએસ ડોલર પછી  બીજા ક્રમનું સૌથી મોટી રિઝર્વ એસેટ બની ગયું છે. ક્રિપ્ટો કરન્સી અને ડિજિટલ પેમેન્ટના ઉદય પછી પણ સોનું એક સુરક્ષિત સંપતિ તરીકે શિરમોર સાબીત થઇ રહયું છે.