- મીડ વીક- હસમુખ ગજજર
- રશિયાની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે વિશ્વના દેશોમાં હોડ જામી છે પરંતુ આનાથી વિપરીત તુર્કીયે આ સિસ્ટમ રશિયાને પાછી આપવા ઇચ્છે છે. આના સ્થાને અમેરિકા પાસેથી પાંચમી પેઢીના એફ-35 ફાઇટર જેટની મોટી ડીલ કરવાના મૂડમાં છે
ર શિયાની એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની ઉચ્ચ ટેકનોલોજી અને અસરકારકતાના દુનિયા આખીમાં ખૂબ વખાણ થાય છે. એસ-૪૦૦ રશિયામાં ટ્રાયમ્ફ અને નાટો દેશો ગ્રોવલર તરીકે ઓળખે છે. જમીનથી હવામાં પ્રહાર કરતી આ એર ડિફેન્સ સિસ્ટમના રડાર ૪૦૦ કિમી સુધીના લક્ષ્યને ટ્રેક કરીને મિસાઇલ હુમલો કરી શકે છે. એસ-૪૦૦ની સૌથી મોટી ખાસિયત તો એ છે કે ઓછી ઉંચાઇની સાથે ખૂબ ઉંચાઇએ પણ ઉડતા લક્ષ્યોને પણ ટાર્ગેટ કરે છે. એટલું જ નહી ડિફેન્સ સિસ્ટમ એક સાથે ૮૦ ટારગેટ ટ્રેસ કરી શકે છે. હાઇ સ્પીડ મિસાઇલોનો નાશ કરવા સક્ષમ હોવાથી શસ્ત્રોના બજારમાં રશિયાની એસ-૪૦૦ સિસ્ટમની ખૂબ માંગ રહેે છે. સદ્નસીબે ભારત એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ધરાવે છે જેને સુદર્શન નામ અપાયું છે. ૨૦૧૮માં ભારતે રશિયા સાથેની ૫ અબજ ડોલરની એસ-૪૦૦ની પાંચ યુનિટ ખરીદી હતી. જેમાંથી ૩ મળ્યા જયારે ૨ બાકી રહયા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગત મે મહિનામાં ભારતે પાકિસ્તાન પર 'ઓપરેશન સિંદૂર' હેઠળ સૈન્ય કાર્યવાહી કરી હતી. તુર્કીએ પોતાના મિત્ર પાકિસ્તાનને કેટલાક કિલર ડ્રોન આપ્યા હતા. ભારતે સરહદ પર ગોઠવેલી એસ ૪૦૦ અને અન્ય એર ડિફેન્સ સિસ્ટમની મદદથી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.જુલાઇ ૨૦૧૯માં રશિયાએ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ તુર્કીને પણ આપી હતી. એશિયા અને યુરોપની હદ નજીકનો તુર્કી એક નાટો દેશ છે પરંતુ લક્ષણોની રીતે અરબ ઇસ્લામવાદી રહયું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસપ તૈયપ એર્દોગનને મધ્ય પૂર્વના ખલીફા થવાનો અભરખો જાગેલો છે. તેમની નીતિઓ, વલણ અને નિવેદનો હંમેશા વિવાદાસ્પદ પ્રકારના રહયા છે. તુર્કીએ એસ-૪૦૦ સિસ્ટમ ખરીદયા પછી ઉત્તર ભાગમાં સિનોપની નજીક કાળા સમુદ્રમાં લાઇવ ફાયર ટેસ્ટ માટે નોટામની એક નોટિસ પણ બહાર પાડી હતી. તુર્કીએ રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમ ખરીદતા અમેરિકા ખૂબ નારાજ થયું હતું. રશિયા સાથેનો આ શસ્ત્ર સોદો અમેરિકાના જુના સહયોગી તુર્કી માટે શુભ સંકેત ન હતો. ૧૭ જુલાઇના રોજ અમેરિકાના રક્ષા વિભાગે તુર્કી સાથે એફ-૩૫ સ્ટીલ્થ વિમાન પ્રોજેકટમાંથી ઔપચારિક રીતે જ બહાર ફેંકી દીધું હતું. આ પ્રોજેકટ સાથે સંકળાયેલા તુર્કીના કર્મચારીઓને અમેરિકા છોડવાની ફરજ પડી હતી. અમેરિકાએ તુર્કીની સંરક્ષણ કંપનીઓ પર કાટ્સા કાનુન હેઠળ પ્રતિબંધ લગાવ્યો હતો. તુર્કીની એક કંપની લેન્ડિંગ ગિયર અને અન્ય સ્પરપાર્ટસ સહિતના મહત્વપુર્ણ ઉપકરણો તૈયાર કરી રહી હતી. તદ્ ઉપરાંત તુર્કીના પાયલોટ એરિઝોનાના લ્યૂકમાં એરફોર્સ બેઝ પર તાલીમ પણ લઇ રહયા હતા. વોશિંગ્ટનનું માનવું હતું કે તુર્કી યુએસ સ્ટીલ્થ ફાઇટર પ્રોગ્રામનો હિસ્સો હોવાથી યુએસ નિર્મિત વિમાનો માટે ભયજનક ગણાતી એર ડિફેન્સ સિસ્ટમનું સંચાલન કરે તે બરાબર નથી. રશિયા પાસેથી ખરીદાયેલી એસ-૪૦૦ વાયુ રક્ષા પ્રણાલીથી ઉત્તરી એટલાન્ટિક સહયોગ સંગઠન (નાટો) માટેની પ્રતિબધ્ધતા નબળી પડતી હતી.
રશિયાની એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે વિશ્વના દેશોમાં હોડ જામી છે પરંતુ આનાથી વિપરિત તુર્કી આ સિસ્ટમ હવે રશિયાને પાછી આપવા માંગે છે. થોડાક સપ્તાહ પહેલા તુર્કીના મીડિયા આઉટલેટ નેફેસ ગેઝેટસે પ્રથમ વાર આનો ઘટસ્ફોટ કર્યો ત્યારથી એસ- ૪૦૦નો તુર્કી વિવાદ આંતરરાષ્ટ્રીય ફલક પર ચર્ચાતો રહે છે. તુર્કીની ઇચ્છા અમેરિકાના એફ -૩૫ સ્ટીલ્થ પ્રોજેકટમાં ફરી જોડાવાની હોવાથી રશિયા પાસેથી લીધેલી ડિફેન્સ સિસ્ટમની ઉપેક્ષા કરવા લાગ્યું છે.આ નાટો દેશ તુર્કી હવે અમેરિકા પાસેથી પાંચમી પેઢીના એફ-૩૫ ફાઇટર જેટની મોટી ડીલ કરવાના મૂડમાં છે. તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બરાકે યુએઇના અબુધાબી કબુલ્યું હતું કે રેસેપ તૈયપ એર્દોગનની સરકાર રશિયા પાસેથી ખરીદેલા એસ-૪૦૦ સિસ્ટમને ખતમ કરવા જઇ રહી છે. આ રુસી સિસ્ટમ જ અત્યાર સુધી આ એફ-૩૫ની મોટી ડીલમાં મોટો અવરોધ બની છે.અમેરિકા ઇચ્છે છે કે એસ-૪૦૦ સિસ્ટમનો ઓપરેશન ઇશ્યુ આવનારા સમયમાં ઉકેલાઇ જશે.એક માહિતી મુડબ તો અમેરિકા અમેરિકા એસ-૪૦૦ સિસ્ટમને પોતાના કબ્જામાં લઇને તેની ટેકનીક, રડાર અને ઇલેકટ્રોનિક સિસ્ટમની બારીકીથી તપાસ પણ કરવા માંગે છે.એસ-૪૦૦ ટ્રાયમ્ફ સિસ્ટમ રશિયાની વાયુ રક્ષા પ્રણાલીની કરોડરજજુ માનવામાં આવતી હોવાથી અમેરિકાનો રસ પડવો સ્વભાવિક પણ છે. એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ સોવિયતકાળની એસ -૩૦૦ પ્રણાલીનું એડવાન્સ વેરિએન્ટ છે. જેમાં શકિતશાળી રડાર, લાંબી મારકક્ષમતા અને મલ્ટી ટારગેટ એંગેજમેન્ટ જેવી વિશિષ્ટ ક્ષમતાનો સમાવેશ થાય છે. એસ -૪૦૦ એર સિસ્ટમ બાબતે તુર્કી કરતા ભારતનું વલણ સાવ ભીન્ન છે. તુર્કીને એર સિસ્ટમ પાછી આપવી છે જયારે ભારતને ડીલ અંર્તગત રશિયા પાસેથી એર સિસ્ટમના ૩ યુનિટ બાકી રહી ગયા છે તે મેળવવાની ઉતાવળ છે. પાકિસ્તાન અને ચીન જેવા ભારાડી પાડોશીઓ જોતા વધુ એર ડિફેન્સ સિસ્ટમની સરહદ પણ ગોઠવણ કરવાની જરુરીયાત જણાય છે. એક અફવા એવી પણ છે કે ભારતને એસ-૪૦૦ ની જરુર હોવાથી ભારત તુર્કી પાસેથી ખરીદી શકે છે. રશિયા પણ તુર્કી પાસેથી આ સિસ્ટમ પાછી લઇને અપગ્રેડ કરીને ભારતને આપી શકે છે.
જો કે ભારતને આજે નહી તો કાલે રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ મળવાની જ છે, બીજું કે તુર્કીને ભારત કરતા ડાઉનગ્રેડેડ વર્ઝન મળ્યું છે જેનો ભારતે ખરીદી કરવાનો મતલબ રહેતો નથી. તુર્કી પોતાની પાસે રહેલી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ અત્યંત નિકટ ગણાતા પાકિસ્તાનને આપે તો ભારત માટે મુસિબત બની શકે છે. જો કે આત્મરક્ષા માટે ખરીદેલા શસ્ત્રો બારોબાર બીજા દેશને વેચી શકાતા નથી કે મૂળ દેશને પાછા આપી શકાતા નથી. તુર્કી પાકિસ્તાનને એસ-૪૦૦ આપે તો રશિયા નારાજ થાય આથી કેટલાક માને છે કે એસ -૪૦૦ને ઘર આંગણે યુઝલેસ (નકામી) બનાવી દેવીએ સૌથી સારો વિકલ્પ છે. તુર્કી અમેરિકાના એફ ફાઇટર જેટ પ્રોજેકટમાં ફરી જોડાય તો અમેરિકા તરફથી પાંચમી પેઢીના અત્યંત સજજ ગણાતા એફ ફાઇટર જેટ-૩૫ તુર્કીને મળી શકે છે.એવું માનવામાં આવે છે કે તુર્કીએ કેટલાક એફ ૩૫ ફાઇટર જેટ ખરીદવા અમેરિકાને એડવાન્સમાં ૧.૪ અબજ ડોલર આપેલા છે.
તુર્કી એફ-૩૫ની નકલ કરીને પાંચમી પેઢીના સ્વદેશી કાન ફાઇટર જેટ બનાવવા માટે સંપૂર્ણ સફળ થશે તો તે જેટ પાકિસ્તાનને આપી શકે છે કારણ કે સૌ જાણે છે કે તુર્કી ખુલ્લમ ખુલ્લા પાકિસ્તાનનું સમર્થક રહયું છે. તુર્કીની રાજકિય લોબી માને છે કે અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે તુર્કીએ એસ -૪૦૦માંથી હટી જવું જોઇએ. આ ડીલથી એક તો પ્રથમ તો અમેરિકા સાથે સંબંધો ફરીથી સારા થશે અને બીજુ કે એફ-૩૫ ની સ્ટીલ્થ ટેકનોલોજી બાબતે અમૂલ્ય એવી જાણકારી મળશે. ત્રીજું કે ઇઝરાયેલને એવો મજબૂત મેસેજ જશે તે મધ્ય પૂર્વમાં તુર્કી એક માત્ર દેશ જેની પાસે આ સ્ટીલ્થ ફાઇટર જેટ છે. જો કે આ ફાઇટર જેટ સાઉદી અરબ પણ ખરીદવા ઉત્સૂક છે. ઉલ્લેખનીય છે કે ભારત પાસે કોઇ પણ પ્રકારનું પાંચમી પેઢીનું ફાઇટર જેટ હાલમાં નથી.
ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ એર્દોગાન સાથે વર્ષો પછી દ્વીપક્ષિય મુલાકાત થયા બાદ એફ -૩૫ જેટ ખરીદવાની વાતે જોર પકડયું છે. અમેરિકા અને તુર્કી બંને નાટો દેશોમાં શકિતશાળી સૈન્ય શકિત ધરાવે છે. હવે તે એસ ૪૦૦ વર્સિસ એફ ૩૫ વિવાદને ખતમ કરીને સંબંધો સુધારવા આતૂર છે. જો કે કેટલાક રક્ષા નિષ્ણાતો માને છે કે એફ-૩૫ એ અમેરિકી સૈન્ય ઇતિહાસનો સૌથી મોંઘો અને વિવાદાસ્પદ પ્રોજેકટ હોવાથી તુર્કીે એ એફ-૩૫ નહી પરંતુ એફ-૧૬ પર ધ્યાન આપવું જોઇએ. રશિયાના સ્થાને તુર્કી ફરી અમેરિકા તરફ ઢળી રહયું હોવાનું જણાય છે પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા જેવા રહયા નથી. તુર્કી એક સમયે અમેરિકાનો સૌથી મહત્વપૂર્ણ સહયોગી દેશ માનવામાં આવતો હતો. તુર્કી છેલ્લા કેટલાસ વર્ષોથી બંને મહાસત્તા (અમેરિકા-રશિયા) દેશો વચ્ચે સમાન સંબંધ રાખીને એક ક્ષેત્રિય શકિત તરીકે મજબૂત બનવા પ્રયાસ કરે છે. એર્દોગાન ગાજામાં ઇઝરાયેલની કાર્યવાહી અને અમેરિકાની મીડલ ઇસ્ટનીતિનો અનેક વાર વિરોધ કરતા રહે છે જે દર્શાવે છે કે તુર્કીના સંદર્ભમાં મધ્ય પૂર્વમાં અમેરિકાનો પ્રભાવ ઓછો થયો છે. તુર્કી પણ ત્રિભેટે ઉભું છે જેમાં તેણે રશિયાના એસ-૪૦૦ અને અમેરિકાના એફ-૩૫માંથી એકની પસંદગી કરવાની છે. તુર્કી જે માર્ગે આગળ વધશે તેની અસર માત્ર તુર્કી જ નહી લાંબા ગાળે મીડલ ઇસ્ટ અને દક્ષિણ એશિયાના જીઓ પોલિટિકસ પર થવાની છે તે નકકી છે.


