- મીડ વીક- હસમુખ ગજજર
- થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રસત પ્રેહ વિહાર શિવ મંદિર સહિતના ધાર્મિક સ્થળ વિવાદના મૂળિયા કોલોનિયલ કાળમાં પડેલા છેે
૮૦૭ કિમી લાંબી સરહદ ધરાવતા થાઇલેન્ડ અને કંબોડિયા બાખડી પડયા છે. વિવાદના મૂળમાં બંને દેશોની સરહદે ડેન્ગરેક માઉન્ટેન રેંજમાં આવેલું ૧૧ મી સદીનું પ્રેહ વિહાર હિંદુ મંદિર છે.૪૬ બાય ૩૮ મીટરનો ઘેરાવો ધરાવતું મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પ્રાચીન વાસ્તુકલાના નમૂનેદાર મંદિરનું નિર્માણ ખ્મેર (અંગકોર) સામ્રાજયના સુવર્ણકાળમાં થયું હતું. રાજા સૂર્યવર્મને (૧૦૦૨ થી ૧૦૫૦) આ મંદિર બાંધવાની શરુઆત કરી હતી તેમનું અધૂરું કાર્ય સૂર્યવર્મન બીજાએ (૧૧૧૩ થી ૧૧૫૦) આગળ ધપાવ્યું હતું. આ ધાર્મિક સ્થળ ખ્મેર સામ્રાજયના પ્રાચીન ખ્મેર રાજમાર્ગ પર એક મહત્વપૂર્ણ પડાવ હતું. આ પ્રાચીન માર્ર્ગ કંબોડિયાની રાજધાની અંગકોરથી ઉત્તર પશ્ચિમ તરફ તેના મુખ્ય પ્રશાસનિક કેન્દ્ર ફિમાઇ (થાઇલેન્ડ) સુધી જતો હતો. પ્રેહ વિહાર હિંદુ મંદિરને ખ્મેર આર્કિટેકચરની ઉત્કૃષ્ટ કૃતિ ગણવામાં આવે છે. આ મંદિર ૮૦૦ મીટર લાંબી ધરી ઉપર સળંગ પાંચ કરતા વધારે ગોપુરા ધરાવે છે. કેટલાક ગોપુરામાં પથ્થરની છત તો કેટલાકમાં લાકડાની છે, દરેક ગોપુરામાં એક નાની સીડી છે. થાઇલેન્ડ અને કંબોડિયાના પ્રાચીન મૂળિયા ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એની સાબીતી આપે છે. પ્રસત પ્રહ વિહાર ઉપરાંત પ્રસત તા મુએન થોમ અને પ્રસત તા મુએન એમ બે મંદિર આવેલા છે જેમાંથી પ્રસત તા મુએન થોમ પણ હિંદુ મંદિર છે. પ્રાચીન પ્રસત તા મુએન થોમ મંદિર થાઇલેન્ડના સુરિન પ્રાંત અને કંબોડિયાના ઓડર મીંચે પ્રાંતની સરહદ પર નજીક છે. પ્રસત તા મુએન થોમ સરહદની થાઇ બાજુએ ગણાય છે અને પ્રસત પ્રેહ વિહાર (શિવ મંદિર) સરહદની કંબોડિયન બાજુએ છે. એક બીજાની સહદ નજીક આવેલી ત્રણ ઇમારતોનું બનેલું ખ્મેર પુરાતત્વીય સ્થળ થાઇલેન્ડ અને કંબોડિયા બંને માટે ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન છે. થાઇલેન્ડ અને કંબોડિયા બંને દેશો આ વિવાદિત ધાર્મિક સ્થળોની પૂર્ણ માલિકીનો દાવો કરે છે.૨૦૦૮માં પુરાતત્વીય સ્થળને કંબોડિયા યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરવામાં સફળ રહયું હતું. એ સમયે થાઇ રાષ્ટ્રવાદીઓએ વાંધો ઉઠાવતા હિંસા ફાટી નિકળી હતી જેમાં ૧૫ લોકોના મુત્યુ થયા હતા. પ્રહ વિહાર હિંદુ મંદિર સહિતના પરિસરને વિશ્વવિરાસત ગણવામાં આવવાથી કંબોડિયાનું નિયંત્રણ કાયદેસર ગણાયએ થાઇલેન્ડને મંજુર ન હતું.
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રેહ વિહાર શિવ મંદિર સહિતના ધાર્મિક સ્થળોનો વિવાદ આજકાલનો નહી દાયકાઓથી ચાલે છે આના મૂળિયા કોલોનિયલ કાળમાં પડેલા છેે.૧૯૦૭માં ફેન્ચ વસાહતીઓએ પ્રહ વિહાર મંદિરને કંબોડિયન પ્રદેશની અંદર દર્શાવતો નકશો તૈયાર કર્યો હતો. થાઇલેન્ડએ સમયે સિયામ તરીકે ઓળખાતું હતું. શરુઆતમાં સિયામે સત્તાવાર વાંધો ન લીધો પરંતુ પછીથી દલીલ કરી કે ૧૯૦૭ના ફેંચ નકશો ૧૯૦૪ની એક સંધીની ઉપેક્ષા કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. આ સંધીમાં ડાન્ગેરેક પર્વતની કુદરતી જળરેખાને અનુસરવાનો ઉલ્લેખ હતો જે થાઇલેન્ડની સરહદમાં આવે છે. કંબોડિયા વસાહતી યુગના નકશાઓ બતાવીને પરિસર પર પોતાનો દાવો કરતું હતું. ૧૯૫૦ના ગાળામાં થાઇલેન્ડે પ્રહ વિહાર શિવ મંદિર સહિતના સમગ્ર વિસ્તાર નજીક સૈનિકોનો ચોકી પહેરો ભરવાનો શરુ કર્યો. કંબોડિયાએ ૧૯૬૧માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયને ફરિયાદ કરી હતી કે થાઇલેન્ડે ધર્મ અને આસ્થાના કેન્દ્ર પ્રેહ વિહાર શિવ મંદિરના ખંડેરોથી ઘેરાયેલા ભાગ પર કબ્જો કરી લીધો છે. થાઇલેન્ડે કોર્ટના અધિકાર ક્ષેત્ર પર વાંધો ઉઠાવ્યો પરંતુ ન્યાયાલયે વાંધાને ૨૬ મે ૧૯૬૧માં ફગાવી દીધો હતો. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ૧૫ જુન ૧૯૬૨ના રોજ કંબોડિયાના પક્ષમાં પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. થાઇલેન્ડને સૈનિકો પાછા ખેંચવાનો અને સ્થળ પરથી લેવામાં આવેલી દરેક કલાકૃતિઓ પરત કરવાનો આદેશ અપાયો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટે પ્રાચીન મંદિર કંબોડિયાઇ ક્ષેત્રમાં ગણાવતા થાઇલેન્ડમાં હોબાળો મચી ગયો હતો. થાઇલેન્ડ સરકારે ચુકાદા અને નકશાનો સ્વીકાર પોતાની સમજ મુજબ કરતા કંબોડિયા સાથેના રાજદ્વારી અને સાંસ્કૃતિક ઘર્ષણનો વ્યાપ વધવાની શરુઆત થઇ હતી.
કંબોડિયા પોતાના દાવાને મજબૂત કરવા પ્રાચીન ખ્મેર સામ્રાજયની સરહદને પણ ટાંકે છે પરંતુ તેનો કેટલોક ભાગ થાઇલેન્ડમાં પણ હોવાથી થાઇલેન્ડ મંદિરને પોતાના સુરિન પ્રાંતમાં ગણે છે. નિષ્ણાતોનું માનવું છે કે વારંવાર સર્જાતી અશાંતિના મૂળમાં માત્ર જમીન વિવાદ નથી તેની સાથેની ઐતિહાસિક ધરોહરનું મમત્વ હોવાથી મુદ્વો પેચિંદો અને વણઉકેલાયેલો રહે છે. થાઇલેન્ડ અને કંબોડિયા ખાસ તો પ્રાચીન સભ્યતાના પુરાવા તરીકે ઉભેલા પ્રેહવિહાર મંદિરને ખ્મેર વારસો અને સાંસ્કૃતિક ગૌરવનું ગૌરવપૂર્ણ પ્રતીક માને છે. આ બાબતે બંને દેશની પ્રજા સંવેદનશીલ હોવાથી રાજકીય નેતૃત્વ અડગ રહે છે. થાઇલેન્ડના રાષ્ટ્રવાદીઓ માને છે કે આ સમગ્ર વિસ્તાર કંબોડિયા દ્વારા છીનવી લેવામાં આવ્યો છે.કંબોડિયાનું વલણ પહેલેથી જ થાઇલેન્ડના સાર્વભૌમત્વને જોખમમાં મુકનારું છે.
થાઇલેન્ડ અને કંબોડિયાનો ઇતિહાસ આ મામલે શ્રેણીબધ્ધ હિંસક અથડામણોથી ભરેલો છે. કંબોડિયાએ ૨૦૧૦માં તા મુએન થોમ મંદિર સુધી ૨૪ કિમી લાંબો પ્રવેશ માટે રસ્તો તૈયાર કર્યો હતો. જેમાં અડધો કિમી અંતર પહાડ પરની કોંકિટ સડક પર ચાલીને જવું પડે છે જેમાંનો કેટલોક ભાગ અતિ ઢોળાવવાળો છે. ૧૯૮૦ થી ૧૯૯૦ના દસકામાં ડેમોક્રેટિક કંપુચિયાના શાસનમાં વાસ્તુશિલ્પીય કૃતિઓ અને મૂળ મૂર્તિયો ચોરી કરીને કંબોડિયાથી બહાર લઇ જઇને કાળા બજારમાં વેચવામાં આવી હતી. ૨૦૦૮ અને ૨૦૧૧માં સરહદ પર બંને દેશો વચ્ચે મોર્ટાર શેલિંગ અને રોકેટ ફાયર થતા ૨૦ લોકોના મુત્યુ થયા હતા. આ છેલ્લી મોટી અથડામણ ૧૧ મી સદીના પ્રહ વિહાર હિંદુ મંદિર નજીક થઇ હતી. એ સમયે પણ બંને દેશોની સરહદ નજીક રહેતા હજારો લોકો ડરના માર્યા વિસ્થાપન કરવા મજબૂર બન્યા હતા.
૨૦૧૧માં થાઇલેન્ડે જુના ચુકાદા અંગે સ્પષ્ટીકરણ માંગવા આંતરરાષ્ટ્રીય અદાલતના દ્વારા ખખડાવ્યા હતા.ખાસ તો રકતપાત નિવારવા માટે અદાલતમાં ૧૯૬૨ના ચુકાદાના પુર્ન વિચાર પર ભાર મુકાયો હતો. ૨૦૧૩માં આંતરરાષ્ટ્રીય કોર્ટે ૨૦૧૩માં ફરી પુષ્ટિ કરી કે આ વિસ્તાર કંબોડિયાનો છે એટલું જ નહી મંદિર આસપાસના વિસ્તારોમાંથી તેના સૈનિકોને હટાવી લેવાનો પણ આદેશ આપ્યો. બાકી કોઇ મુદ્વા રહી જતા હોયતો બંને પક્ષો વાતચીત કરીને ઉકેલે તેવી પણ સલાહ આપી હતી. ગત ૨૮ મે ના રોજ વિવાદિત વિસ્તાર નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયું હતું અને થાઇ સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી બંને દેશો વચ્ચે તણખા ઝરવા લાગ્યા હતા જેને હવે આગનું સ્વરુપ પકડયું છે. થાઇલેન્ડના વડાપ્રધાન પૈતોંગટાર્ન શિનાવાત્રા કંબોડિયાના પૂર્વ વડાપ્રધાન સાથે ૧૭ મીનિટની ટેલિફોનિક વાતચીત લીક થતા શિનાવાત્રાએ રાજીનામુ આપવાની ફરજ પડી છે. થાઇ વડાપ્રધાન પર સાંસદોએ કંબોડિયાઇ નેતા પ્રત્યે નરમ અને સન્માનજનક વલણ અપનાવવાનો આરોપ મુકયો હતો. તાજેતરમાં થાઇલેન્ડે કંબોડિયા પર હવાઇ હમલા કરતા લડાઇ ફાટી નિકળી છે. સરહદે ગોળીબાર અને રોકેટ હુમલાનો ભોગ નિદોર્ષ નાગરિકો બની રહયા છે. તોપો અને રોકેટ ફાયર થવાથી સરહદ પર રહેતા ૮૦૦૦ કંબોડિયન અને ૧૪૦૦૦ થાઇઓએ પોતાના ઘર છોડી દીધા છે. સરહદની અસ્પષ્ટતા અને સીમાંકનનો અભાવ કેવી સમસ્યા ઉભી કરે છે તેના ઉદાહરણો દુનિયામાં બધે જ મળે છે પરંતુ ઐતિહાસિક પ્રાચીન હિંદુ મંદિરના લીધે બે બૌધ્ધ દેશો યુધ્ધ ચડયા હોય એવું પહેલીવાર બન્યું છે. ગમે તેટલું યુદ્ધ લડાય પરંતુ શાંતિ માટે તો મંત્રણાના મેજ પર જ આવવું પડે છે. યુધ્ધથી સમસ્યાઓ ઉકેલાતી નથી કારણ કે યુધ્ધ પોતે જ એક સમસ્યા છે બંને પક્ષોએ આ સત્ય વહેલા કે મોડા સમજવું જ પડશે.


