Get The App

વિશ્વમાં જળ સંસાધનો રાજકીય સંઘર્ષના પણ સ્ત્રોત બનતા રહે છે

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વમાં જળ સંસાધનો રાજકીય સંઘર્ષના પણ સ્ત્રોત બનતા રહે છે 1 - image


- મીડ વીક- હસમુખ ગજજર

- સિંધુ નદી અરબસાગરને મળે તે પહેલા જીવન આપતી જાય છે પરંતુ પાકિસ્તાન જેવા દેશને જળ વ્યવસ્થાપન કરતા આતંકવાદ વ્યવસ્થાપનમાં વધારે રસ છે.

જ મ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિદોર્ષ પ્રવાસીઓની હત્યા કરતા ભારતે ૬૫ વર્ષ જુની સિંધુ જળ સમજુતી તોડીને પાઠ ભણાવવાનું નકકી કર્યુ છે. આ પગલું એટલું આકરું છે કે  ૧૯૬૨ અને ૧૯૭૧માં થયેલા પૂર્ણ કક્ષાના યુદ્ધ અને ૧૯૯૯ની કારગિલ લડાઇમાં પણ સંધી યથાવત રહી હતી. જીવાદોરી સમાન સિંધુ નદીની સંધી તુટવાથી પાકિસ્તાનમાં ડરનો માહોલ ઉભો થયો છે. સરેરાશ પ્રજાના મનમાં ભારત વિરોધી ભાવના ભરીને પાકિસ્તાની શાસકો પ્રજાને સતત ઝનુનમાં રાખે  છે. નવયુવાનોને રોજગારી આપવાના સ્થાને આતંકવાદની ફેકટરીમાં ભરતી થતી રહી છે. ૧૯૯૦થી પાકિસ્તાને ઘર આંગણે આતંકવાદના બીજ વાવ્યા છે તેનો પાક લણી રહયું છે. ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી નદીઓના પાણીનો વિવાદ ટાળવા ૧૯૬૦માં સમજૂતી હેઠળ ૬ નદીઓના પાણીની વહેંચણી થઇ જેમાં પશ્ચિમ ક્ષેત્રની સિંધુ,ચેનાબ અને ઝેલમ પાકિસ્તાન અને પૂર્વક્ષેત્રની રાવી,બિયાસ અને સતલજ નદીઓનું પાણી ભારતને મળ્યું હતું. ભારત પશ્ચિમ ક્ષેત્રની ત્રણેય નદીઓના પાણીનો મર્યાદિત ઉપયોગ કરી શકે તેવી પણ સંધીમાં છુટ હતી. ૩૦૦૦ કિમી લાંબી સિંધુ નદી તિબેટથી નિકળીને ભારત થઇને પાકિસ્તાનમાં વહીને અરબસાગરને મળે છે. સિંધુ અને સહાયક નદીઓએ પ્રાચીન સમયથી ભારતીય ઉપ મહાદ્વીપમાં માનવ સભ્યતાનું પોષણ કર્યુ છે. સિંધુ અને સહ નદીઓ પાકિસ્તાનની ૮૦ ટકા જેટલી કૃષિયોગ્ય ભૂમિનું સિંચન કરે છે. પંજાબ અને સિંધ પ્રાંતમાં કેનાલોનું અત્યંત સુદ્વઢ માળખું અને નેટવર્ક દુનિયાની સૌથી વિશાળ ઇરિગેશન સિસ્ટમ પૈકીની એક ગણાય છે. ઝેલમ અને ચિનાબના પાણીથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સમૃધ્ધ ખેતી થાય છે. પંજાબ પાકિસ્તાનમાં ઉત્પાદિત થતા ઘઉં અને ચોખાના ઉત્પાદનનો ૬૦ ટકા હિસ્સો ધરાવે છે. સિંધુ નદી અરબસાગરને મળે તે પહેલા જીવન આપતી જાય છે પરંતુ પાકિસ્તાન જેવા દેશને જળ વ્યવસ્થાપન કરતા આતંકવાદ વ્યવસ્થાપનમાં વધુ રસ છે.

૨૦ મી સદી ક્રુડ ઓઇલની જયારે ૨૧ મી સદી પાણીની ગણાય છે. પૃથ્વી પર વધતી જતી વસ્તીની સાથે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. વિશ્વમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધી સહિતની ૨૦૦ કરતા પણ વધુ જળ સંધીઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત ૩૧૦ જેટલી આંતરરાષ્ટ્રીય નદીઓ અને ઘાટીઓમાંથી અડધાથી વધુમાં કોઇ આંતરરાષ્ટ્રીય સમજૂતી કે સંયુકત બેસિનનો અભાવ છે. એક કરતા વધુ દેશમાંથી પસાર થતા સહિયારા જળ સ્ત્રોત જેવા કે નદી, ઝરણા સંઘર્ષનું નિમિત્ત બનતા રહે છે.એક માહિતી મુજબ વિશ્વમાં ૪ અબજ લોકો બે કે વધુ દેશોની રાજકિય સરહદો પાર કરીને જતી નદીઓ,ઘાટી કે તેની આસપાસના વિસ્તારમાં રહે છે. પાણી જીવનનું અમૃત અને સતત સામાજિક- આર્થિક વિકાસનો આધાર છે.  પહેલું જળયુધ્ધ ૪૫૦૦ વર્ષ પહેલા મેસોપોટામિયાના ઉમ્મા અને લાગાશ નામના બે વિસ્તારો વચ્ચે ટાઇગ્રીસ નદીના સિંચાઇના પાણી માટે થયું હતું. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન રોયલ એર ફોર્સ સ્કવાડ્રન ૬૧૭ને અમેરિકાના ડેમ બસ્ટર્સનું ઉપનામ મળ્યું હતું. ૧૬ મે ૧૯૪૩ના રોજ ઓપરેશન ચેસ્ટિસ હેઠળ બાઉસિંગ બોંબનો ઉપયોગ કરીને જર્મનીના મોહને અને એડરસી ડેમ તોડયા હતા. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે જોર્ડન નદી પરના જળનું નિયંત્રણ એક લાંબો અને જટિલ સંઘર્ષ રહયો છે. ઇઝરાયેલ જોર્ડન નદી પર અપસ્ટ્રીમ રિપેરિયન (નદી તટ) છે. જોર્ડનની એક સહાયક નદી યાર્મુક સીરિયા અને જોર્ડન વચ્ચે ૩૨ કિમી અને ત્યાર પછી ઇઝરાયેલ અને જોર્ડન વચ્ચે ૧૪ કિમીનો સીમા વિસ્તાર ધરાવે છે. આરબ -ઇઝરાયેલ યુદ્ધ પછી શંકા અને દુશ્મનાવટના માહોલમાં જોર્ડન-યાર્મુક નદીના પાણીની વહેંચણી એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી હતી. એક નવા પ્રકારના ઘર્ષણને ટાળવા યુએસના આઇઝનહોવર પ્રશાસને ૧૯૫૫માં નવી સમજૂતી રજૂ કરી હતી. એરિક જોનસન નામની આ સમજુતી હેઠળ ઇઝરાયેલને ૪૦૦ એમસીએમ પાણી, જોર્ડનને ૭૨૦ એમસીએમ, સીરિયાને ૧૩૨ એમસીએમ અને લેબનોનને ૩૫ એમસીએમ પાણી ફાળવવાનો પ્રસ્તાવ હતો. આ યોજનામાં જળ સંસાધનો વિકસિત કરવા માટે એક સંયુકત પ્રયાસ માટેની પરિકલ્પના પણ કરવામાં આવી હતી.આરબ દેશોએ સંયુકત પ્રયાસમાંથી હાથ ઉંચા કરી લીધા કારણ કે તેઓ આ રીતે ઇઝરાયેલને એક દેશ તરીકે માન્યતા આપવા રાજી ન હતા. આરબ દેશોનું વલણ જોતા અમેરિકાએ જોર્ડન નદીનું પાણી વાળવા માટે ઇઝરાયેલને સમર્થન જાહેર કર્યુ. હુસૈની અને સીરિયાઇ બાથ પાર્ટીની નાસેરવાદી વિંગે ઇઝરાયેલ વિરુધ સૈન્ય કાર્યવાહીનો આગ્રહ કર્યો. ઇઝરાયેલની જળ વિતરણ વ્યવસ્થા રોકવા બનિયાસ અને હસબાની ઉપનદીઓના પાણીને વાળી લેવાની યોજના સમજાવી હતી. જોર્ડન નદીની જળ નિકાસી અને બેઝિનના જળ સ્ત્રોતો પર નિયંત્રણ માટે નવેમ્બર ૧૯૬૪ થી મે ૧૯૬૭ વચ્ચે ઇઝરાયેલ અને અરબ પાડોશીઓ વચ્ચેના સંઘર્ષની જ એક કડી હતી જેને જળ યુધ્ધ કે જળ લડાઇ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. જળવિવાદની વાત નિકળે ત્યારે પ્રાચીન યુફ્રેટીસ અને ટાઇગ્રીસ નદીઓનો પણ ઉલ્લેખ થાય છે. દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતામાંની એક ગણાતી મેસોપોટામિયા આ બે નદીઓના કાંઠે પાંગરી હતી. આ નદીઓ 

તુર્કી,સીરિયા અને ઇરાકમાં થઇને વહે છે. યુફ્રેટીસ (ફુરાત) નદી દક્ષિણી તુર્કીના પહાડોમાંથી નિકળે છે. આ સીરિયાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરતા પહેલા તુર્કીમાં ૧૧૭૮ કિમી વહે છે.દક્ષિણ પૂર્વી તુર્કીમાં યુફ્રેટીસ નદી પર અતાતુર્ક નામનો એક વિશાળ બંધ છે. ઇરાકમાં આ નદી ૧૧૬૦ કિમી જેટલી લાંબી છે. તુર્કીથી ઇરાકના દક્ષિણ ભાગમાં ટાઇગ્રીસ નદી સાથે સંગમ સુધીની કુલ લંબાઇ ૨૯૪૦ કિમી છે. ટાઇગ્રીસ જેને દજલા નદી પણ કહેવામાં આવે છે જે તુર્કીના તોરોસ પર્વતથી દક્ષિણ પૂર્વી ભાગથી નિકળીને ઇરાકમાં દક્ષિણ પૂર્વ બાજુ ૧૮૪૦ કિમી વહીને કુરાના નામના સ્થળે  યુફ્રેટીસ(ફુરાત) નદીને મળે છે. આ બંને નદીઓ દક્ષિણ પૂર્વમાં ૧૯૨ કિમી વહીને ફારસની ખાડીને મળે છે. દજલાના કાંઠે બસરા,બગદાદ અને મૌસુલ જેવા અગત્યના શહેર છે. ૧૯૬૦ થી ૧૯૯૦ના દાયકા સુધી આ નદીઓના અધિકાર ક્ષેત્રને લઇને તુર્કી,સીરિયા અને ઇરાક વચ્ચે વિવાદ ચાલ્યો હતો. તુર્કીએ બંને નદીઓને આંતરરાષ્ટ્રીય જળનો દરજ્જો 

આપવાનો ઇન્કાર કરીને વહેણની નીચેની તરફના દેશોને પાણીનો અધિકાર આપવાની ના પાડી હતી. હજુ પણ આ નદીઓના પાણીને લઇને ત્રણેય દેશો વચ્ચે કચવાટ યથાવત છે. આફિકાની સૌથી મોટી નાઇલ નદી કુલ ૧૦ દેશોમાંથી પસાર થાય છે. દુનિયાની પણ વિશાળ નદી ગણાતી નાઇલ પર ઇથિઓપિયાએ ૪ અબજ ડોલરના ખર્ચે ગ્રેંડ ઇથિઓપિન રેનસાં (જીઇટી) નામનો બંધ બાંધવાની શરુઆત કરી ત્યારે ઇજિપ્ત અને સુદાને વિરોધ કર્યો હતો. બંને દેશોનું માનવું હતું કે ડેમના લીધે નાઇલ નદીનો પ્રવાહ અવરોધાવાથી પોતાના ભાગનો પાણીનો હિસ્સો ઓછો થઇ જશે.આ મુદ્વો યુએનની સુરક્ષા પરિષદમાં પણ ઉઠાવાયો હતો. ઇજિપ્તની એવી પણ દલીલ રહી છે કે કોલોનિયલ કાળથી નાઇલ નદી પરની પરિયોજનાઓ અને પાણીના નિયંત્રણ પર વિટો અધિકાર ધરાવે છે. ડેમમાં પાણી ભરવામાં આવતા પાણીની વહેંચણી થઇ શકે પરંતુ જયારે પાણીની કુદરતી કારણોસર અછત સર્જાય ત્યારે પહેલો અધિકાર તેનો હજુ પણ ઉકેલ જડતો નથી. 

 આતો કેટલાક ઉદાહરણ છે બાકી પાણીને લઇને થતી હિંસાનો એક ઇતિહાસ રહયો છે. તાજેતરના યુક્રેન યુધ્ધમાં રશિયાએ કાખોવકા બંધ તોડી નાખતા લાખો નાગરિકો પ્રભાવિત થયા હતા ઉપરાંત હજારો હેકટર કૃષિભૂમિ યોગ્ય ભૂમિ વેરાન બની હતી. યુક્રેન યુધ્ધમાં અનેક વોટર ડેમ અને જળાશયોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઇઝરાયેલે પણ પેલેસ્ટાઇન અને ગાજામાં જળ પ્રણાલીઓ તોડેલી છે. ઇરાન અને અફઘાનિસ્તાન વચ્ચે હેલમંદ નદીના પાણી માટે લડાઇ થતી રહી છે. બ્રહ્મપુત્ર નદીને લઇને ચીનનું વલણ પણ ભારત સાથે આડોડાઇ ભર્યુ રહયું છે. આફ્રિકાના દેશોમાં જળ સ્ત્રોતોને લઇને જમીન દારો, ખેડૂતો અને પશુપાલકો વચ્ચે લડાઇ ફાટી નિકળે છે જેમાં પાણી માટે લોહી વહેતું રહે છે. ૨૦૨૨માં બુર્કિનાફાસોમાં ૩૨ જેટલી જળ વિતરણ વ્યવસ્થાઓ પર હુમલા થતા ૩ લાખ લોકો પ્રભાવિત થયા હતા.આમ કોઇએ સાચું જ કહયું છે કે આવનારા સમયમાં પાણી માટે હિંસક સંઘર્ષ અને યુધ્ધો થતા રહેવાના છે. 

Tags :