- મીડ વીક- હસમુખ ગજજર
- અમેરિકાની ઓળખ ગણતા ન્યૂયોર્ક શહેરે ઉંદરો સામે હવે અતિ આધુનિક પધ્ધતિથી લડાઇ શરુ કરી છે. સડક ગલીની સાથે લોકોનાં ઘરમાં પણ ઉંદરોનું આવન જાવન વધી ગયું છે
હે નલી એન્ડ પાર્ટનર્સ અને ન્યૂ વર્લ્ડ વેલ્થ ૨૦૨૫ના અહેવાલ અનુસાર દુનિયાના ૧૦ અમીર શહેરોમાં વોશિંગ્ટન અને લંડન અને ટોક્યો સાથે ન્યૂયોર્કનો પણ સમાવેશ થાય છે. ચમકતી ગગનચુંબી ઇમારતો, ડિઝાઇન સ્ટોર્સની હારમાળા અને ઉપનગરોમાં સમૃધ્ધિની છોળો છતાં ન્યૂયોર્ક શહેર ઉંદરનો અસરકારક ઇલાજ કરી શકયું નથી. ધનાઢયો અને રોકાણકારોના મનપસંદ શહેરમાં ઉંદરોએ પણ પોતાના ડેરા તંબુ તાણેલા છે. અગાઉ પ્રગટ અનેક અહેવાલો અને રિપોર્ટ પરથી માલૂમ પડે છે કે ન્યૂયોર્કની ગલીઓ અને સબ વેથી લઇને તમામ જગ્યાઓએ ઊંદરોનો આતંક ફેલાયેલો રહે છે. ઉંદરના ડરથી કયારેક બાળકો ફૂટપાથ પર ચાલવામાં ડર અનુભવે છે. કેટલાક સ્થળોએ તો એવી સ્થિતિ છે કે ખૂદ વાલીઓ ફર્શ પર પોતાના બાળકોને એકલા જવા દેતા નથી. ગલીઓ અને ફૂટપાથ પર ઉંદર બાળકોને બાઇટ ના કરી લે તેનો ડર સતાવે છે. ન્યૂયોર્ક આમ તો ઘણા સમયથી ઉંદરથી પીડિત છે પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતિ પછી આ સમસ્યા વકરી છે. ઉંદર મારવા અને પકડવા માટે મોંઘાદાટ પગારથી માણસોની ભરતી કરવામાં આવી, વિવિધ પ્રકારના પ્રયોગો અને અખતરાઓ પણ થતા રહયા છે. એક વાર તો ઉંદર મારીને લાવનારાને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગના ૭૦ જેટલા ઇન્સ્પેકટર શહેરમાં ઉંદરોને શોધી રહયા છે. જે ઘર, દુકાન અને દફતરોમાં ઉંદર જોવા મળે છે ત્યાં સફાઇ કરીને ઉંદરથી છુટકારો કેવી રીતે મેળવવો તેના ઉપાય જણાવે છે. ઉંદરના સફાયા માટે ઉચ્ચ ટેકનીક ધરાવતા મેપિંગ ટુલનો ઉપયોગ થઇ રહયો છે. જુની ટેકનીકનો પણ ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે જેમાં કેટલાક સ્થળોએ ઉંદરને ફસાવીને નસબંધી કરવામાં આવે છે. રસ્તા અને ગલીઓની સાથે લોકોના ઘરોમાં પણ ઉંદરોનું આવન જાવન વધી રહયું છે. કારના અને વીજળીના વાયરને કતરતા રહે છે. રાત્રે ફૂટપાથ પર ઉંદર બહાર નિકળી જાય તેના માટે ઘણા લોકો ડરીને ફૂટપાથ પરથી ઉતરીને ઉંદરને પહેલા નિકળવા દે છે. ૮૫ લાખની વસ્તી ધરાવતા ગીચ શહેરમાં જયાં ત્યાં વેરાયેલું ભોજન ઉંદરને પોષણ માટે પુરતો ખોરાક આપે છે. ઉંદરને સરેરાશ ૨૮ ગ્રામ જેટલા ભોજનની જરુર પડે છે. સામાન્ય રીતે માણસ જેનો ખોરાક માટે ઉપયોગમાં લે છે એવી તમામ ચીજવસ્તુઓમાંથી પોતાનું ભોજન મેળવી લે છે. કચરામાં ફેંકવામાં આવેલી સોડાકેન અને કબૂતરોના નાખવામાં આવતા દાણામાંથી પોતાની ભૂખ સંતોષે છે. ઉંદર એક સમયે દિવસો સુધી તરી શકે છે. પાણીની અંદર ઘણી મિનિટો સુધી શ્વાસ રોકી શકે છે આથી ગટરની પાઇપલાઇનમાં પણ ફરતા રહે છે.
શહેરનું પ્રશાસન ઉંદરના નિયંત્રણ માટે લોકોની મદદ ઇચ્છે છે. લોકોને કહયું છે કે ખુલ્લામાં ખાવા પીવાની ચીજ વસ્તુઓ છોડશો નહી. ઉંદર માટે આહાર બની જાય એવી ચીજ વસ્તુઓ કચરાના ડબ્બામાં ફેંકશો નહી. ખુલ્લામાં કચરો ફેંકીને ઉંદરને આમંત્રણ આપશો નહી. ઉંદર જેવા જીવોના ખોરાકના સ્ત્રોતોને દૂર કરવાએ તેના ઉપદ્રવને નિવારવાનો શ્રેષ્ઠમાર્ગ છે. ખોરાક ઉંદરને મુશ્કેલીથી મળશે તો તેને ખોરાક શોધવા માટે વધારે મુસાફરી કરવી પડશે. આવા સંજોગોમાં ઉંદરને પકડવા માટેની તક વધારે મળશે. ઉંદર નિયંત્રણ માટે મોબાઇલ એપ્લીકેશનનો પણ ઉપયોગ કરાય છે. હજારો રહેવાસીઓ અને મકાન સંચાલકોને ઉંદરોનો સામનો કેવી રીતે કરવો તેની તાલીમ પણ અધિકારીઓ આપે છે. એક અનુમાન મુજબ ન્યુયોર્ક શહેરમાં ૩૦ લાખ જેટલા ઉંદર છે. ન્યૂયોર્કમાં રેટ પેક નામની ઉંદર વિરોધી એક કલબ છે. એક ટી શર્ટ અને ટોપી પહેરીને કાર્યકર્તાઓ નિકળી પડે છે. તેઓ માને છે કે પોતાના દુશ્મનને ખૂબ ભાવ આપીને ખૂબસૂરત બનાવી દીધો છે.ઉંદરના દરમાં કાર્બન મોનોકસાઇડ નાખીને ગેસથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો. એક ઉંદર વિરોધી સ્વૈચ્છિક સંગઠને કુત્તરાની મદદથી ઊંદરોનો શિકાર કરવાનો પ્રયોગ અજમાવીને ધ્યાન ખેંચ્યું હતું. નિષ્ણાતો માને છે કે ઉંદરથી પ્લેગની શકયતા ઓછી રહે છે પરંતુ લેપ્ટોસ્પાયરોસિસ ફેલાવી શકે છે. ૨૦૨૩માં રેકોર્ડ ૨૪ ન્યૂયોર્કવાસીઓ આ બીમારીનો ભોગ બન્યા હતા. ન્યૂયોર્કવાસીઓ પોતાના શહેરને ખૂબ પ્રેમ કરે છે પરંતુ ઉંદર શહેરને છોડવા તૈયાર નથી. ૨૦૨૨માં તત્કાલિન સ્વચ્છતા અધિકારી જેસિકા ટિશે ઉંદરને સાર્વજનિક દુશ્મન જાહેર કર્યો હતો. ઉંદર આ શહેરને નહી આપણે ચલાવીએ છીએ એ વાત પર જોર મુકયું હતું. સત્તાવાર માહિતી અનુસાર ઉંદરોની પ્રવૃતિ વિશેની ફરિયાદોમાં ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે.
જોકે અત્યાર સુધી મેનહટન ચાઇના ટાઉન જ ઉંદરોની વસ્તીને નિયંત્રણમાં લાવવામાં સફળ રહયું છે. કોરોનાની મહામારી પહેલા ઉંદર નિયંત્રણ માટે એક મોટું અભિયાન ચાલ્યું હતું. ઉંદરોને ગુંગડાવી નાખવા માટે ખાડાઓમાં ગેસ નાખવામાં આવતો હતો. કહેવાય છે કે આ દરમિયાન ૯૦ ટકા જેટલા વિસ્તારમાંથી ઉંદરો ખતમ થઇ ગયા હતા. કોરાના મહામારી દરમિયાન ઊંદરોને રહેવા અને વિકસવાની તક મળી હતી. કોરોના સામે લડવામાં આરોગ્યતંત્ર અને લોકોએ ધ્યાન આપ્યું એમાં ઉંદરોને સૂમ સામ મેન હોલ અને ગટરોમાં રહેવાનો મોકો મળી ગયો હતો.
ઉંદરના પ્રજનનદર પણ ઉંચો હોવાથી તેમની વસ્તી વધતા વાર લાગતી નથી. સામાન્ય રીતે ઉંદરોની ગર્ભાવસ્થા ૨૦ થી ૨૪ દિવસની હોય છે. એક વારમાં તે ૭ થી ૧૨ જેટલા બચ્ચા પેદા કરે છે. ૧ થી ૨ વર્ષ જીવનકાળ ધરાવતા ઉંદરનું શરીર માત્ર ૬ સપ્તાહમાં જ ગર્ભધારણ કરવા લાયક બની જાય છે. નાનકડા જીવનકાળ દરમિયાન માદા ૫ થી ૭ વાર બચ્ચાઓને જન્મ આપે છે. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન ઉંદરના ઉદ્ભવ પછી ઓકટોબર ૨૦૨૨માં ફૂટપાથ પરથી કાર્બનિક કચરાના કાળા કોથળા દૂર કરવા માટે સીલબંધ કન્ટેનર સ્થાપિત કરવામાં આવ્યા હતા. કચરાના કન્ટેનર સિલબંધ હોયતો ઉંદર પ્રવેશીને ખોરાક મેળવી ના શકે તેવો હેતું હતો. જો કે આ એક સામાન્ય ઉપાય છે પરંતુ તેને અમલમાં મુકવામાં કેમ આટલા વર્ષો લાગ્યા એવી ટીખળ પણ થઇ હતી. ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે ૧૨ એપ્રિલ ૨૦૨૩માં કેથલીન કોરાડીની રેટ કંટ્રોલ માટે નિયુકિત કરી હતી.ગત જુન મહિનામાં ઉંદર વિરુધ નવા ચરણમાં ઉંદરથી લડવા માટે નવી ટીમની જાહેરાત કરી હતી. કેથલીન કોરાડીના અનુભવી નેતૃત્વ હેઠળ ન્યૂયોર્ક શહેર ઉંદરો સામે રીતસરનું
યુધ્ધ ચડી રહયું હતું ત્યારે ગત સપ્ટેમ્બરમાં કેથલીન કોરાડીએ રાજીનામુ ધરી દેતા ફરી રેટ સામેની ફાઇટમાં ઝાટકા સમાન ગણવામાં આવે છે. જો કે તેમ છતાં ૧૬૨૪માં સ્થાપિત થયેલા ન્યૂયોર્ક શહેરમાં ઉંદરો સામેની લડાઇ ચાલું જ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
ન્યૂયોર્ક તો એક ઉદાહરણ છે સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે એક દાયકાથી વધુ સમય દરમિયાન અમેરિકાના ૧૧ શહેરોમાં ઉંદરોની પ્રવૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં વોશિંગ્ટન ડી.સીમાં ૪૦૦ ટકા,સાન ફ્રાન્સિસ્કોમાં ૩૦૦ ટકા,ટોરેન્ટોમાં ૧૮૦, ટકા જેટલો વધારો ચિંતાજનક છે. અમેરિકના ફલોરિડામાં દુનિયાના સૌથી લાંબા ઉંદર ગેમ્બિયન પાઉચ રેટ પ્રજાતિની લંબાઇ ૩ ફૂટ જયારે વજન ૪ કિલો હોય છે. એક સમયે અહીં ઉંદરને કેટલાક શોખથી પાળતા હતા પરંતુ હવે વસ્તી વધવાથી આતંક મચાવે છે. અમેરિકા જ નહી તાજેતરના વર્ષોમાં વિશ્વભરના વિવિધ શહેરોમાં ઉંદરની વસ્તીમાં પ્રચંડ વધારો થયો છે. વિશ્વમાં ઉંદરની ૨૫૦૦ થી વધુ પ્રજાતિઓ છે. ભૂરા ઉંદર ( રેટસ નોર્વેજિકસ) સૌથી સર્વ વ્યાપી અને પરિચિત છે. ઉંદરની વસ્તી સ્વાસ્થ્ય, પર્યાવરણીય અને માળખાકીય અસરોના કારણે વિચારવું જરુરી છે. એક માહિતી મુજબ યુકેમાં પણ ૧૨૦ મિલિયન જેટલા ઉંદરો ઉત્પાત મચાવી રહયા છે. ભારત અને ચીનમાં સૌથી વધુ ઉંદરો છે. ઉંદરની ૧૭ થી ૧૮ પ્રજાતિ ખેતરમાં અનાજના પાક અને અનાજ સંગ્રહના ભંડારણ સ્થળોએ ભારે નુકસાન કરે છે.લાખો ગરીબોને બે ટંક ભોજન મળતું નથી ત્યારે ઉંદરથી અનાજના થતા બગાડને અટકાવવામાં આવે તે જરુરી છે. ઉંદર મારવા માટે તેજ ઝિંક ફોસ્ફેટ અને ધીમા ઝેર તરીકે બ્રોમોડાઇનનો ઉપયોગ પ્રચલિત છે. ઉંદર સ્તનધારી જીવ છે.તેનું મસ્તિષ્ક માનવની જેમ જ તેજ હોય છે. ઉંદર ઘણી વાર ઝેરના એક બે દાણા ખાઇને ઝેર પાંમી લે છે અને બચી જાય છે આવા સંજોગોમાં ધીમું ઝેર જ વધુ અસરકારક સાબીત થાય છે. ન્યૂયોર્ક રાહ ચિંધે છે કે ઉંદરનો ભલે સંપૂર્ણ સફાયો શકય નથી, ઇકો સિસ્ટમ માટે પણ બરાબર નથી પરંતુ તેનું નિયંત્રણ ચોકકસ કરી શકાય છે.


