- મીડ વીક- હસમુખ ગજજર
- દક્ષિણ એશિયા સહિતના અનેક ક્ષેત્રોમાં વર્ષમાં 250 દિવસ સુધી ગરમી પડવાથી જનજીવન પર અસર થવા લાગી છે. જો આમ ને આમ ગરમી વધતી જશે તો ખેતીના પાકોનું શું થશે તે મોટી સમસ્યા છે
શિ યાળો, ઉનાળો અને ચોમાસાના ઋતુ કેલેન્ડર મુજબ માનવીઓનું સામાજિક અને આર્થિક જીવન સદીઓથી ગોઠવાયેલું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુઓના આગમનનું સમયપત્રક ખોરવાઇ ગયું છે. ચોમાસુ હોય ત્યારે વરસાદ ખેંચવા લાગે છે. શિયાળામાં અચાનક ઠંડી ગાયબ થઇ જાય છે. ખેતીના કામકાજ દરમિયાન અચાનક વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડે છે. દિવાળી પછીનો સમય રવીપાકોનો હોય છે જેમાં તાપમાન હળવું હોય તો રવીપાકોની વાવણી અને ઉત્પાદન માટે સારુ રહે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળાનું જલદી આગમન થતું નથી. પરાગરજનું વહન કરતા કીટકો સક્રિય થાય તે પહેલા ફૂલ અને પરાગરજ બેસી જવાથી બીજ ઉત્પાદનમાં રુપાંતરણ થઇ શકતું નથી. ૨૦૨૪માં કલાયમેટ સેન્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું કે ભારતમાં ઋતુચક્રના ફેરફાર માટે જળવાયુ પરિવર્તન જવાબદાર છે. ખાસ કરીને શિયાળામાં કયાંક તાપમાન ઘણું ઉંચું જોવા મળે છે તો કયાંક ઘણું નીચું થઇ જાય છે. ઘણા લોકો અનુભવવા લાગ્યા છે કે શિયાળા પછીની ફૂલ ગુલાબી વસંતઋતુ સાવ ગાયબ જ થઇ ગઇ છે. જાન્યુઆરી મહિનામાં ઠંડી પડે એ પછી ફેબુ્રઆરીમાં ક્રમશ ઓછી થવી જોઇએ તેના સ્થાને અચાનક જ ઉનાળા જેવો શેક લાગવા માંડે છે. જાન્યુઆરીથી ફેબુ્રઆરીમાં તાપમાનમાં થતો આ વધારો પહેલા સામાન્ય રીતે માર્ચ મહિનામાં જોવા મળતો હતો. એક સમય હતો કે હવામાનમાં નાટયાત્મક પરિવર્તન અપવાદ ગણાતું હતું જે હવે સામાન્ય બની ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આવી પરિસ્થિતિ લાંબો સમય સુધી રહેશે તો સામાજિક,આર્થિક જીવન પર ખૂબ મોટી નકારાત્મક અસર જોવા મળશે. આ રિપોર્ટમાં ભારતના ૩૩ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશનાં માસિક સરેરાશ તાપમાનની ગણના કરવામાં આવી હતી. કુલ ૯ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાન્યુઆરીથી ફેબુ્રઆરીની વચ્ચે તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસથી વધારે જોવા મળ્યું હતું જેમાં રાજસ્થાન, હરિયાણા,દિલ્હી, ઉતરપ્રદેશ, લડ્ડાખ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને ઉતરાખંડનો સમાવેશ થતો હતો.૧૯૭૦ પછી મણીપુરનું તાપમાનમાં સૌથી વધુ ૨.૩ ડિગ્રી જયારે જમ્મુ કાશ્મીરમાં તાપમાન વૃધ્ધિ ૩.૧ ડિગ્રી સેલ્સિયસ થયું છે. દર વર્ષના અમુક મહિનાઓમાં ગરમીનો નવો રેકોર્ડ સર્જાય છે. ગરમીની સીધી અસર ઉર્જા સંસાધનો,જળ સંસાધનો અને મોટા શહેરની બુનિયાદી સુવિધાઓ પર પડે છે.
યુનિવર્સિટી ઓફ કોલંબિયા સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ ૧૯૯૦ થી ૨૦૨૩ સુધી દુનિયાના અનેક ભાગોમાં પ્રત્યેક દાયકામાં ગરમીની દિવસો ૬ જેટલા વધ્યા છે જેનો ગાળો એક સમયે પ્રતિ દશક ૪ દિવસનો હતો. વિશ્વના કેટલાક શહેરોમાં આ પરિવર્તન અત્યંત ચોંકાવનારું છે. ઉદાહરણ તરીકે સિડનીમાં ૧૯૯૦માં ગરમીના દિવસો ૮૦ હતા જેનો ગાળો વધીને ૧૩૦ થયો છે. કેનેડાના ટોરન્ટોમાં પણ ગરમી એક દાયકામાં ૮ દિવસ વધી છે. પહેલા ઋતુઓ વચ્ચેનો સંધિકાળ અનુભવી શકાતો હતો. ઠંડી પછી ગરમીનું આગમન ધીમે ધીમે થતું તેના સ્થાને હવે તાપમાનનો પારો અચાનક જ ઉંંચે ચડી જાય છે. પૃથ્વીના ઉતર ગોળાર્ધમાં જૂન મહિનામાં ગરમીની શરુઆત થાય છે. આ ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને જે તે દેશની સરકારો યોજનાઓ અને નીતિઓ તૈયાર કરે છે. લાંબા સમય સુધી રહેતું ગરમ હવામાન સરકારી આયોજનો ખોરવી નાખે છે. ભારતમાં પણ આ વિષય પર થયેલા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે શિયાળાની અસર પુરી થાય પછી ફૂલ ગુલાબી ખૂશનૂમા હવામાનનો ગાળો ઘટયો છે.કેટલાક સ્થળોએ શિયાળામાં પણ તાપમાન ઉંચું રહે છે તો કયાંક સાવ ઓછું પણ થઇ જાય છે. યુરોપીયન એન્વાર્યમેન્ટ એજન્સીના મૌસમ સ્ટેશનો પરના દૈનિક સરેરાશ તાપમાન ડેટા અને ઉપગ્રહો સાથેના મૌસમ સંબંધી આંકડા મુજબ દરેક ઋતુમાં પૃથ્વી પરનું તાપમાન વધી રહયું છે. જળવાયુ પરિવર્તનની રીતે જોઇએ તો ૧૮૫૦ પછી વૈશ્વિક તાપમાનમાં ૧.૩ ડિગ્રીનો વધારો થયો છે. ૧૯૭૦ પછી વિશ્વમાં ગ્લોબલ વોર્મિગનું પ્રમાણ સૌથી વધારે છે. દુનિયા ભરમાં વધતી જતી ગરમી (એકસ્ટ્રીમ હીટ) એક વૈશ્વિક સંકટનું સ્વરુપ લઇ રહી છે. સંયુકત રાષ્ટ્રસંઘ અને કૃષિ સંગઠન (એફઓ) અને વિશ્વ મૌસમ સંગઠનના સંયુકત અહેવાલ અનુસાર આ સંકટ એક અબજ કરતા વધુ લોકોની આજીવિકા, આરોગ્ય અને શ્રમ ઉત્પાદનને પ્રભાવિત કરશે જેમાં સૌથી વધુ અસર ખેતી અને ખેત ઉત્પાદન પર થશે. એકસ્ટ્રીમ હીટ એન્ડ એગ્રીકલ્ચરમાં જણાવાયું છે કે છેલ્લા ૫૦ વર્ષમાં વધતી જતી ગરમીના પગલે કૃષિ ક્ષેત્ર પર વિપરિત અસર થઇ રહી છે. અતિ ગરમીના લીધે પાક ઉત્પાદન, પશુધન, વન્ય સંપતિ અને તેના પર નિર્ભર અર્થ વ્યવસ્થાઓ અને સમુદાયો પર દબાણ ઉભું કરે છે.
જો આમ ને આમ ગરમી વધતી જશે તો ખેતીના પાકોનું શું થશે તે મોટી સમસ્યા છે. સતત ૩૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન રહે તો મોટા ભાગના પાકોની ઉત્પાદકતા ઘટવા લાગે છે. ગરમીની વિપરિત અસર ખેતી અને ખેતી આનુસંાગિક કામો કરતા શ્રમિકોની કાર્યક્ષમતા પર થાય છે. પહેલાની સરખામણીમાં હવે ગરમી, ઠંડી, ચક્રવાત અને વરસાદની સટિક આગાહી થવા લાગી છે પરંતુ કમોસમી પરિસ્થિતિને કોઇ આડો હાથ કરીને રોકી શકે તે શકય નથી. માનવીયોએ ઉભી કરેલી આફત છે જેનાથી કુદરતનો કોપ વધુને વધુ વરસવા લાગ્યો છે. દક્ષિણ એશિયા સહિતના અનેક ક્ષેત્રોમાં વર્ષમાં ૨૫૦ દિવસ સુધી ગરમી પડવાથી કૃષિ અને જનજીવન પર અસર થવા લાગી છે. ગરમી સામે રક્ષણ માટે વધુને વધુ પાણીની જરુર પડતી હોવાથી માથાદીઠ પાણીનો વપરાશ વધી રહયો છે. ૨૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાનમાં મોટા ભાગના પશુઓ હીટ સ્ટ્રેસનો અનુભવ કરે છે. વધુ ગરમીથી દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને પશુઓનું આરોગ્ય બગડે છે. ૨૦૨૫માં મહાસાગરોમાં ૯૦ ટકાથી વધારે ભાગોમાં સમુદ્રી હીટવેવ નોંધાયું હતું. દરિયાની માછલીઓ ગરમીમાં ઓકસીજનની કમીના લીધે જીવતી રહેવાની ક્ષમતા ગુમાવી દે છે.
ભારતના કૃષિક્ષેત્રની વાત કરીએ તો અડધા કરતા પણ વધુ વિસ્તારની ખેતી વરસાદ આધારિત છે. સારા અને ખરાબ ચોમાસાની સીધી અસર કૃષિ વાવેતર અને ઉત્પાદન પર થાય છે. અતિ વરસાદ અને ઓછા વરસાદની હવામાન પેટર્નના લીધે ખેતીવાડીને સૌથી વધુ નુકસાન ચોમાસામાં થતું હોય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી જો ભારે વરસાદ પડે તો પૂરની સ્થિતિમાં બીજ તણાઇ જવાથી વારંવાર વાવણી કરવી પડે છે.એક સમયે એવું મનાતું કે ખેતીમાં ચોમાસું સચવાઇ જાય
એટલે ભયોભયો પરંતુ હવે આખું વરસ ખેતીએ હવામાનના પડકારોનો સામનો કરવો પડે છે. ચોમાસામાં અતિ વૃષ્ટિ- અના વૃષ્ટિના પગલે ખરીફ સિઝન સંઘર્ષથી ભરેલી રહે છે. ખરીફ સિઝન પુરી થાય ત્યાર બાદ રવી સિઝનમાં તાપમાન ઉંચું રહેવાથી રવી પાકોની વાવણી અને માવજત પર વિપરિત અસર થવા લાગી છે. છેલ્લા ૩ વર્ષથી ફેબુઆરીથી એપ્રિલ સુધીનો સમયગાળામાં વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થાય છે. માર્ચ અને એપ્રિલમાં ઘઉ, સરસો,ચણા,કઠોળ,દાળ અને જીરુ તથા વરિયાળી જેવા મહત્વના મસાલા પાકોની કાપણીનો સમય હોય છે. ફળઝાડની ખેતીમાં મંજર કે મોર બેઠેલા હોય તે ખરી પડે છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે માર્ચ - એપ્રિલમાં વ્યાપક વરસાદ અને કરા પડયા જે સામાન્ય રીતે પહેલા જોવા મળતું ન હતું. મધ્ય ભારત, અને ઉત્તર પૂર્વ , ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રાયદ્વીપ પણ નુકસાનથી બાકાત રહયા ન હતા. કમસેકમ ૧૩ રાજયોની ૬.૨૭ લાખે હેકટર જમીન પ્રભાવિત થઇ જેમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર જેવા મોટા રાજયોનો સમાવેશ થતો હતો. દેશના કૃષિક્ષેત્રનો એક મોટો હિસ્સો કમોસમી વરસાદના પગલે પ્રભાવિત થઇ રહયો છે. ખેતીની દ્રષ્ટીએ માર્ચ અને એપ્રિલ સલામત મહિના ગણવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જોખમી બની રહયા છે. વધતી જતી ગરમીના લીધે સિઝનના અંતે પાક ઉત્પાદન ગુણવત્તા બગડે છે. ઠંડીની સિઝનમાં સરેરાશ તાપમાન ઉંચું રહેવાથી મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ઘઉ,સરસો, ચણા અને કઠોળ પાકોને નુકસાન થાય છે. રવી પાક ઘઉંને સારા ઉત્પાદન માટે ૨૦ થી ૨૨ ડિગ્રી તાપમાન વધુ અનૂકૂળ આવે છે જે તે ના જળવાય તો ઉત્પાદન પર અસર પડે છે. એપ્રિલમાં વધુ ગરમી અને કમોસમી વરસાદના પગલે થતું નુકસાન વધતું જાય છે. સીઝનના અંતિમ ચરણમાં અચાનક થતા નુકસાનની કોઇ જ ભરપાઇ કરી શકતું નથી. જળવાયુ પરિવર્તનના પગલે ખોરંભાયેલા ઋતુચક્રમાં ખેડૂત સમુદાય પિસાય છે. ગ્લોબલ વોર્મિગથી જંગલ સંકટ, આગ, દુષ્કાળ, અતિ વરસાદ અને કીટ રોગોના પ્રસારનો પણ ખતરો રહેલો છે. જળવાયુને અનુકૂળ હોય તેવા પાકોની પસંદગી, વાવણીનો સમય બદલાવાની પણ ફરજ પડશે. કૃષિનું ભવિષ્ય સુરક્ષિત હશે તો બાકી સમસ્યાને પહોંચી વળાશે એ ભૂલવા જેવું નથી.


