ડોનબાસ: યુક્રેન માટે અસ્તિત્વ તો રશિયા માટે વટનો સવાલ?
- મીડ વીક- હસમુખ ગજજર
- ડોનબાસ વર્ષોથી યુક્રેન અને રશિયા વચ્ચેના જીયો પોલિટિકસનો એક ભાગ રહયું છે. અહીં અનેક વિસ્તારો એવા છે જયાં યુક્રેનનો વિરોધ થતો રહે છે જેનો રશિયાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે
અ મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના વોલોદિમેર ઝેલેન્સ્કી વચ્ચે પ્રત્યક્ષ બેઠક થાય તેનો તખ્તો ગોઠવી રહયા છે. યુક્રેન-રશિયા યુધ્ધ પાછળનું ગણિત અને હિતોનો ટકરાવ એટલો ઉંડો છે કે કોઇ એક પક્ષ ખૂબ નમતું જોખે તો જ શાંતિ શકય છે. રશિયા અને યુક્રેન એમ બંને પક્ષો સમાન રીતે ખૂશ રહે તેવું સમાધાન શોધવું પડકાર સમાન છે. યુરોપ અને અમેરિકા યુક્રેનની પડખે રહયા હોવાથી છેલ્લા ૩ વર્ષમાં રશિયા યુક્રેન જંગ જીતી શકયું નથી. હવે મંત્રણાના મેજ પર સમાધાનની વાત નિકળે ત્યારે રશિયા યુક્રેનના જીતેલા ક્ષેત્ર ખાસ તો ૫૩૨૦૧ ચો.કિમી વિસ્તાર ધરાવતા ડોનબાસ પરનો કબ્જો છોડવા તૈયાર નથી. તાજેતરમાં અલાસ્કા ખાતેની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણામાં પુતિને યુદ્ધ વિરામ માટે કેટલીક શરતો મુકી હતી જેમાં યુક્રેનને નાટોનું સભ્યપદ ના મળે, ડોનબાસમાં યુક્રેન પોતાનો દાવો છોડી દે અને ત્રીજું કે યુક્રેનમાં રશિયન ભાષા બોલનારાને ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો મળે વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. પુતિનનો પ્લાન ડોનબાસને યુક્રેન પાસેથી પૂર્ણ રીતે આંચકીને પોતાના તાબા હેઠળ રાખવાનો છે. જયારે યુક્રેન ટકાઉ શાંતિ માટે રશિયા સૈન્ય ખસેડીને પૂર્વસ્થિતિ લાવે તેવું ઇચ્છે છે. યુક્રેનને લાગે છે કે હજારો સૈનિકોના બલિદાન અને લાખો લોકોના વિસ્થાપન પછી ખંડિત યુક્રેનનો કોઇ અર્થ નથી. રશિયા સાથેની આવી કોઇ પણ પ્રકારની સોદાબાજી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની નિડર અને રાષ્ટ્રવાદી હોવાની છબીને નુકસાન પહોંચાડનારી હશે. અમેરિકા અને યુરોપીય દેશોએ શાંતિ માટે પ્રયાસ ઝડપી બનાવ્યા છે ત્યારે ઝેલેન્સ્કી યુક્રેનની સુરક્ષા ગેરંટીની પણ માંગણી કરી રહયા છે.
૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ યુક્રેન પર સૈન્ય હુમલો કર્યા પછી રશિયા ૨૦ ટકા જેટલા વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે જેમાં ડોનબાસમાં સમાવિષ્ટ ડોનેત્સ્કનો ૭૦ ટકા જયારે લુહાન્સ્કના પુરેપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. વ્યૂહાત્મક અને ખનિજ સંપતિની રીતે મહત્વના ડોનબાસને લઇને પેચ ફસાતો રહે એવા સ્પષ્ટ અણસાર મળી રહયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ડોનબાસનો ટંટો આમ તો જૂનો છે. ૨૦૧૪માં ક્રીમિયા પર કબ્જો મેળવ્યા પછી વ્લાદિમીર પુતિને યુક્રેનના ડોનબાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ડોનબાસમાં એક એવો મોટો વર્ગ જે યુક્રેન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો નથી. યુક્રેનનો આ એક એવો હિસ્સો છે જયાં ૩૦ લાખથી વધુ લોકો રશિયન ભાષા બોલે છે. અહીં અનેક વિસ્તારો એવા છે જયાં યુક્રેનનો વિરોધ થતો રહે છે આનો રશિયાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. યુક્રેનના જણાવ્યા અનુસાર ૨૦૧૪થી ડોનબાસમાં જે આંતરિક યુધ્ધ શરુ થયું જેમાં ઓછામાં ઓછા ૧૪૦૦૦ લોકોના મુત્યુ થયા છે. ૨૦૧૪ પછી ૧૫ લાખ યુક્રેનિયન ડોનબાસ છોડીને જતા રહયા છે. રશિયાએ ડોનબાસના ક્ષેત્રો પર પ્રભુત્વ વધારીને નાગરિકોને રશિયન પાસપોર્ટ આપવા માંડયા છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં હુમલા પહેલા પુતિને ડોનબાસના બંને ક્ષેત્રો લુહાન્સ્ક અને ડોનેત્સ્કનેે સ્વાયત સ્ટેટ તરીકે માન્યતા આપી હતી. યુક્રેનનો આક્ષેપ રહયો છે કે રશિયા અહીં નકલી જનમત સંગ્રહ યોજીને પોતાની કથપૂતળી સરકાર ચલાવે છે. ડોનબાસમાં લુહાન્સ્ક અને ડોનેત્સ્ક ઉપરાંત ઔધોગિક ક્ષેત્ર યુક્રેનિયન ઓબ્લાસ્ટીનો પણ સમાવેશ થાય છે. ડોનબાસના રસાયણ ઉત્પાદક ઔધોગિક શહેરો જેમકે સ્લોવિયાંસ્ક અને ક્રામાટોર્સ્ક હજુ પણ યુક્રેનના નિયંત્રણમાં છે. યુક્રેને વિદેશી શસ્ત્રોની મદદથી આ બંને શહેરોને અભેદ કિલ્લામાં ફેરવી નાખ્યા છે.
યુક્રેનના દક્ષિણ પૂર્વ ભાગમાં યુરોપનો મોટો ખનિજ વિસ્તાર ડોનેટ્સ નદીના દક્ષિણ ભાગમાં ૨૩૩૦૦ ચોરસ કિમી વિસ્તારને આવરી લે છે આનાથી આગળ લિગ્નાઇટ, કોલસાનો ભંડાર પશ્ચિમ તરફ મોટા ડોનેટ્સ બેસિનમાં ડિનીપર નદી સુધી પણ વિસ્તરેલો છે જેમાંનો મોટા ભાગનો કોલસો ઉચ્ચ ગુણવત્તાવાળો છે. ઇસ ૧૭૨૧માં ડોનબાસમાં સૌ પ્રથમવાર કોલસો મળી આવ્યો હતો પરંતુ ૧૮૬૯માં રેલવેનો વિસ્તાર થયા પછી મહત્વ વધ્યું હતું.૧૮૭૨માં વેલ્શ એન્જિનિયર જોન હ્વુજીસ દ્વારા હાલના ડોનેત્સ્કના સ્થળે એક લોખંડનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. ૧૯૧૩ સુધી રશિયન સામ્રાજયમાં ૮૭ ટકા કોલસો અને ૭૪ ટકા લોખંડનું ઉત્પાદન ડોનબાસમાંથી થતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની શરુઆતમાં ડોનેત્સ્ક બેસિન રશિયન સામ્રાજય માટે લોખંડ અને સ્ટીલ ઉત્પાદક ક્ષેત્ર તરીકે વિકસિત થયું હતું. સોવિયત નેતા જોસેફ સ્ટાલિનની પંચવર્ષિય યોજનાઓએ ડોનબાસમાં ઔધોગિક વિકાસને ખૂબજ વેગ આપ્યો હતો. પ્રથમ વિશ્વયુધ્ધ, ૧૯૧૭ની રશિયન ક્રાંતિ, બીજુ વિશ્વયુદ્ધ સહિતની અનેક રાજકીય ઘટનાઓમાં ચડતી પડતીનું ડોનબાસ સાક્ષી રહયું છે. લુહાન્સ્ક અને ક્રેમેટોર્સ્ક વિશાળ ભારે એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. આર્ટેમિવસ્ક અને સ્લોવયાન્સકમાં રાસાયણિક ઉધોગનો ખૂબ સારો વિકાસ થયો છે.
સોવિયત સંઘના જમાનામાં આ વિસ્તાર ઔધોગિક શકિતનું પ્રતિક હતો. સોવિયત સંઘને શકિતશાળી બનાવવામાં ડોનબાસનો ફાળો રહયો હતો પરંતુ ૧૯૯૨માં સોવિયત સંઘના પતન પછી નવા દેશ યુક્રેનનું નિર્માણ થતા ડોનબાસ યુક્રેનને મળ્યું હતું. આજે ડોનબાસ માટે રશિયાની જીદ્ અને યુક્રેનના મમત્વનું કારણ કોલસા અને લોખંડ સહિતના ખનિજો છે. ખનિજ અને ઔધોગિક સમૃધ્ધિ ઉપરાંત ડોનબાસ આજોવસાગરના કાંઠે આ ભૂભાગની નદીઓ અને રેલ્વે નેટવર્કની રીતે વ્યૂહાત્મક સ્થાન પણ ધરાવે છે. ડોનબાસ વર્ષોથી યુક્રેન અને રશિયા વચ્ચેના જીઓ પોલિટિકસનો એક ભાગ રહયું છે. આથી જો ઝેલેન્સ્કી ડોનબાસ છોડી દે તો ભવિષ્યમાં યુક્રેનમાં આગળ વધવા માટે રશિયાને મોકળું મેદાન મળી શકે છે. યુક્રેનિયનો જાણે છે કે ડોનબાસ પોતાના આત્મા સમાન છે તેના વગર યુક્રેન મૃતપાય સમાન છે. યુક્રેન માટે ડોનબાસ સંપ્રભુતા અને રાજકીય અસ્તિત્વનો સવાલ હોવાથી ગુમાવવાનો સોદો કરી શકશે નહી.પશ્ચિમી દેશો પણ ડોનબાસમાં હાર સ્વીકારી લે તો ખાલી યુક્રેનની જ નહી તેમની પણ સામૂહિક હાર હશે જે રશિયાને પણ નવેસરથી બળ આપશે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે રશિયાના મોનરો ડોકટ્રીન (સિધ્ધાંત)ને ભૂલવાની જરુર નથી જેમાં લાતવિયાથી માંડીને કઝાકિસ્તાન પણ આવી જાય છે. સોવિયત સંઘની માનસિકતામાં જીવતા પુતિનનો ઇરાદો યુક્રેનમાં માત્ર જીત નહી પરંતુ રશિયાને સોવિયત સંઘ જમાનાની આબરુ પાછી અપાવવાનો પણ છે. મોનરો ડોકટ્રીન મુજબ તો જયાં રશિયન ભાષીઓના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારો પર ભય હશે ત્યાં રશિયા આક્રમણ કરવા મજબૂર બનશે. એ રીતે જોઇએ તો યુક્રેન પછી ભવિષ્યમાં લાતવિયા, એસ્ટોનિયા, કઝાકિસ્તાન, મોલ્દોવ, બેલારુસ અને કિર્ગિજસ્તાન જેવા દેશો પણ રશિયાના અતિક્રમણનો ભોગ બની શકે છે કારણ કે લાતવિયામાં ૩૩ ટકા, એસ્ટોનિયામાં ૩૦ ટકા, કઝાકિસ્તાનમાં ૨૫ ટકા અને બેલારુસમાં ૮૦ ટકા રશિયન ભાષી લોકો રહે છે. આમ પણ જુદા જુદા ભાષા સમૂહો વચ્ચે નાના મોટા પ્રશ્નો તો રહેતા જ હોય છે. ભાષા અને સાંસ્કૃતિક ભેદભાવની આગને અલગાવની હવા આપીને હસ્તક્ષેપ કરવો એ જ રશિયાના મોનરો મિશનનો ઉદ્દેશ રહી ગયો હોવાનું સ્પષ્ટ થઇ રહયું છે. રશિયાએ જયારે વર્ષ ૨૦૦૮માં જર્યોજીયા પર હુમલો કર્યો ત્યારે તત્કાલિન રશિયન રાષ્ટ્રપતિ અને પુતિનના ખાસ ગણાતા દિમિત્રી મેદવેદેવે સ્પષ્ટ કહયું હતું કે રશિયાના પાડોશી દેશોમાં રશિયાનો પ્રભાવ રહેવો જ જોઇએ. ૨૦૨૩માં રશિયન વિદેશ મંત્રાલયે અધિકારિક રીતે આ કન્સેપ્ટને પોતાની વિદેશનીતિ સાથે જોડી દીધો હતો.ઉલ્લેખ પ્રમાણે રશિયાનું મૂળ લક્ષ્ય યુરેશિયામાં એકીકૃત આર્થિક અને રાજનીતિક ક્ષેત્ર બનાવીને બહારની શકિતઓના પ્રભાવને રોકવાનું છે. આથી નિષ્ણાતોને શંકા છે કે જો ડોનબાસ રશિયા પોતાનામાં ભેળવી દેશે તો આજ આધાર પર બીજા દેશો પર હુમલા નહી થાય તેની કોઇ જ ગેરંટી નથી.જમીન વિવાદ ધરાવતા દુનિયાના બીજા દેશોને પણ આમાંથી પ્રેરણા મળે તો વિશ્વમાં અશાંતિની જવાળાઓ ઉઠતા વાર લાગે નહી. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સોદાગર કમ રાજકારણીના સમજાવવા છતાં ઝેલેંસ્કી ડોનબાસના ભોગે કોઇ પણ પ્રકારની સમજુતી માટે હાલ તો રાજી જણાતા નથી. ટ્રમ્પ પુતિન કરતા ઝેલેંન્સ્કીને નમતું જોખવા પર વધારે દબાણ સર્જી શકે છે. આવનારા સમયમાં યુક્રેન યુદ્ધ શાંત પાડવા શાંતિની જોરશોરથી જેટલી ચર્ચા ચાલશે એટલું જ ડોનબાસનું નામ પણ ગુંજતું રહેશે.