Get The App

પાકિસ્તાનીઓ યુરોપના ગરીબ દેશ બેલારુસ કેમ જઇ રહયા છે?

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનીઓ યુરોપના ગરીબ દેશ બેલારુસ કેમ જઇ રહયા છે? 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- બેલારુસમાં અકુશળ અને કુશળ પાકિસ્તાની કામદારોના વીઝા યુરોપિયન યુનિયનના દેશો માટે ખતરાની ઘંટડી સમાન છે

આ ર્થિક તંગી અને બેરોજગારીના ઉંચા દરથી પીડાતું પાકિસ્તાન પોતાના ૧.૫૦ લાખ નાગરિકોને બેલારુસ દેશમાં મોકલવા ઉત્સુક છે. બેલારુસ પૂર્વી યુરોપનો સૌથી ગરીબ દેશ જેને બીજા ગરીબ (પાકિસ્તાન)દેશના લોકોને રોજગાર માટે આમંત્રણ આપ્યું છે. યુરોપના દેશો આમ તો લોકશાહીમાં શ્વાસ લે છે પરંતુ બેલારુસ એક અપવાદ છે. બેલારુસમાં છેલ્લા ૩૦ વર્ષથી તાનાશાહ એલેકઝાન્ડર લુકાશેંકોનું રાજ ચાલે છે. લુકાશેંકો દર વખતે ચુંટણી તો યોજે છે પરંતુ મારી મચેડીને બહુમતિ મેળવીને વિજેતા બને છે. લુકાશેંકોના આંધળા અનુયાયીઓ માને છે કે દેશમાં જે પણ અશાંતિ જોવા મળે છે તેમાં વિદેશી શકિતઓનો હાથ હોય છે, બેલારુસમાં પાડોશી યુક્રેન અને આર્મેનિયાની સરખામણીમાં શાંતિ અને સ્થિરતા જોવા મળે છે. સમર્થક ભલે માનતા હોય પરંતુ હકિકતએ પણ છે કે લુકાશેંકો વિરોધીઓનો અવાજ દબાવવામાં એટલા પાવરધા છે કે જેને વિરોધ ઉઠાવ્યો તે ફાવવાના સ્થાને પરેશાન થાય છે. પોતાના માણસોને સાચવે છે બાકી બીજાની ખાસ પરવા કરતા નથી. ૨૦૨૦માં થયેલી ચૂંટણીમાં સ્વેતલાના તિખાનોવસ્કયા નામની મહિલાએ લુકાશેંકોને પડકાર્યા હતા. ઘરની ચાર દિવાલ છોડીને મજબૂતીથી એક લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવેલી મહિલાને દેશમાં વ્યાપક સમર્થન મળ્યું હતું પરંતુ ચુંટણી પરિણામમાં ૮૩ ટકા મતો સાથે લુકાશેકોં વિજેતા બન્યા હતા.ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિ આચવામાં આવી હોવાના આક્ષેપો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લુકાશેંકોથી ડરી ગયેલી હરિફ મહિલા સ્વાતલેના પોતાના પરિવાર સાથે બેલારુસ છોડીને લ્યૂથેનિયા જતી રહી હતી. બેન્કર બાર્બરિકોએ લુકાશેંકોની તાનાશાહી સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેની બેંક પર આવકવેરાના દરોડા પાડીને ૧ કરોડ યૂરોના મની લોન્ડરીંગ કેસમાં ફીટ કરી દીધો હતો. બેલારુસના તુંડ મિજાજી અને આપખૂદ રાષ્ટ્રપતિ કમ તાનાશાહને પાકિસ્તાનથી હજારો લોકોને પોતાના દેશમાં રોજગાર માટે વસાવવાનું ચાનક ચડયું છે. લુકાશેંકોએ નવેમ્બર ૨૦૨૪માં ઇસ્લામાબાદની મુલાકાત લીધી ત્યારે આ પ્રસ્તાવ મુકયો હતો.ગત એપ્રિલ મહિનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે બેલારુસની રાજધાની મિંસ્કનો પ્રવાસ કર્યો ત્યાર પછી પાકિસ્તાની કામદારોને બોલાવવાની સત્તાવાર ઘોષણા થઇ હતી. ખુદ લુકાશેંકોએ પોતાના મીડિયાને જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ૧.૨૫ થી ૧.૫૦ લાખ જેટલા કામદારો લાવવાની એક સમજૂતી થઇ છે. બેલારુસને આશા છે કે પોતાના ઉત્પાદન,નિર્માણ,ખાણકામ અને ટેકનિક સેકટરોમાં યોગ્ય માણસો મળશે. બેલારુસ પાકિસ્તાનીઓને પ્રાથમિક બેઝ પર નોકરી પર રાખવાનો કાર્યક્રમ શરુ થઇ ચુકયો છે. મે ૨૦૨૫ સુધીમાં ૨૫૦ પાકિસ્તાની શ્રમિકો કામ કરતા હતા. પાકિસ્તાનમાં સરેરાશ માસિક વેતન ૩૦૦ ડોલરથી પણ ઓછું છે. જયારે બેલારુસ યુરોપનો સૌથી ગરીબ દેશ ગણાતો હોવા છતાં વેતન દર ૮૦૦ ડોલર આસપાસ છે. આ  વેતનદર કુશળતા અને સ્થળના હિસાબે બદલાયેલો પણ હોય છે. પાકિસ્તાનના મુખ્ય વેપાર ભાગીદારોમાં ચીન,સાઉદી અરેબિયા અને ઉપરાંત બેલારુસનો પણ હવે સમાવેશ થાય છે. ૨૦૨૦ સુધીના દ્વીપક્ષિય વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે બંને દેશો વચ્ચે ૨૦૨૫ સુધીમાં વેપાર ૧ બિલિયન સુધી પહોંચાડવાનો છે. ૨૦૨૫ થી ૨૦૨૭ માટે પાકિસ્તાન અને બેલારુસ વચ્ચે વ્યાપક સહકાર માટેનો એક રોડમેપ તૈયાર થયો છે.

૧૯૯૦ના દાયકા પહેલા બેલારુસ સોવિયત સંઘનો ભાગ હતું. વર્તમાન તાનાશાહ લુકાશેંકો એ સમયે સોવિયત આર્મીમાં સૈનિક હતા.વેસ્ટર્ન બોર્ડર પર તેમની ભૂમિકા પોલિટિકલ ઇન્સ્ટ્રકટર જેવી હતી.૧૯૯૧માં સોવિયત સંઘનું વિઘટન થયું ત્યારે તેઓ બેલારુસની સુપ્રિમ કાઉન્સિલમાં સભ્ય તરીકે ચુંટાયા હતા.૧૦ જુલાઇ ૧૯૯૪ના રોજ બેલારુસ ગણરાજયના રાષ્ટ્રપતિ તરીકે ગાદી સંભાળી હતી.૭ સપ્ટેમ્બર ૨૦૧૧માં બીજી વાર, ૨૦૦૬માં ત્રીજી વાર,૨૦૧૦માં ચોથી વાર,૨૦૧૫માં પાંચમી વાર અને ૨૦૨૦માં છઠ્ી વાર જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે બેલારુસ સોવિયત સંઘથી છુટું પડયું ત્યારે ઘણા ઔધોગિક સાહસોમાં  બેલારુસ મૂળના ભાગીદારો હતા.૯૦ લાખની વસ્તી ધરાવતા બેલારુસની જનસંખ્યા ધીમે ધીમે ઓછી થઇ રહી છે.૨૦૨૦માં લુકાશેંકોની સરકાર વિરુધ પ્રદર્શન થયા ત્યારે લાખો લોકો દેશ છોડીને જતા રહયા હતા.૨૩ ઓગસ્ટ ૨૦૨૦માં નાનકડા દેશના પાટનગર મિંસ્કમાં દોઢ લાખ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. લુકાશેંકોની લોકો વિરોધી નીતિઓ અને માનવાધિકાર ભંગની અગણિત ફરિયાદો ઉઠી હતી.બેલારુસ સોવિયત સંઘથી છુટું પડયું ત્યારે ઘણા ઔધોગિક સાહસોમાં બેલારુસીયન ભાગીદારી ધરાવતા હતા. બટાટા, પશુપાલન અને માંસનું સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. એક સમયના અતિ સમૃધ્ધ અને વિકસીત બેલારુસને લુકાશેન્કોએ મનસ્વી શાસન ચલાવીને બરબાદ કરી નાખ્યું છે. બેલારુસનો જીડીપી દર ૭ હજાર ડોલર આસપાસ છે જે એક સમયે ખૂબ ઉંચો હતો. લુકાશેંકો ગેરરીતિ આચરીને સત્તા પર ટકી રહેતા હોવાથી સારી આંતરરાષ્ટ્રીય છબી ધરાવતા નથી.

કોરોના વાયરસ મહામારીએ યુરોપને સકંજામાં લીધું ત્યારે લુકાશેન્કોએ આને એક મનોવિકૃતિ સાથે સરખાવી હતી. વોડકાનો એક પેગ, પુરતી ઉંઘ અને ટ્રેકટર ચલાવવાથી કોરોના મટી જાય છે એવું વાહિયાત સમજાવ્યું હતું. જો કે લોકોએ જાતે જ બેલારુસ અને તેની આસપાસના દેશોની સરહદો સિલ કરી હતી. શાસનનો કોઇ જ આદેશ નહી છતાં માસ્ક પહેરવો, સામાજીક અંતર જાળવવું અને બાળકોને સ્કૂલ નહી મોકલવાનું વલણ અપનાવ્યું હતું.  લુકાશેંકોનું નામ પડે ત્યારે યુરોપિયન દેશો નાક ચડાવે છે પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિન સાથે સારા સંબંધો ધરાવે છે. બેલારુસ નાટો દેશનું સભ્ય નથી આથી રશિયાએ યુક્રેન પરના હુમલા માટે બેલારુસની સરહદનો ઉપયોગ કરેલો છે. રશિયાની પ્રાઇવેટ આર્મી વેગેનરના એક જૂથને બેલારુસમાં તાલીમ અને સંરક્ષણ મળતું હતું. પાકિસ્તાનની કામદારોને વીઝા આપવાની ઓફરને બેલારુસના પાડોશી નાટો દેશો પોલેન્ડ, લાતવિયા અને લિથુઆનિયા ચોકકસપણે શંકાની નજરે જોઇ રહયા છે. પોતાના દેશમાં લાખો બેકાર હોવા છતાં બહારથી એમાં પણ પાકિસ્તાન જેવા આતંકી દેશમાંથી કેમ શ્રમિકો બોલાવે છે તે સમજાતું નથી. પાકિસ્તાનીઓ માટે આ જેકપોટ સમાન છે કારણ કે તેનાથી નજીકના યુરોપિયન દેશોમાં ભવિષ્યમાં સ્થળાંતરણ કરવાના વિક્લ્પો ખુલી શકે છે.

બેલારુસ પાસપોર્ટ ધારકોની યાદીમાં રશિયા,યુક્રેન અને સીઆઇએસ દેશોનો સમાવેશ થાય છે. યુરોપના રોજગાર કાયદામાં પણ વિદેશી કામદારોનું પુરતું સંરક્ષણ કરે છે. જો કે આ સંરક્ષિત કાયદા સામે યુરોપમાં સ્થાનિક સ્તરે વિરોધ પણ થતો રહે છે.પાકિસ્તાનના કુશળ અને અકુશળ કામદારો માટે બેલારુસ યુરોપની એન્ટ્રીનો ગેટ ના બની જાય તે પણ જોવું જરુરી છે. આથી લાંબા ગાળે બેલારુસનો નિર્ણય યુરોપિયન યુનિયનના દેશો માટે પણ ખતરાની ઘંટડી સમાન છે. એ ભૂલાવું જોઇએ નહી કે બેલારુસ અને પાકિસ્તાન વચ્ચે કામદારો મોકલવાના આર્થિક કરારો ઉપરાંત લશ્કરી સહયોગનો પણ સમાવેશ થાય છે.

સૌ જાણે છે કે બેલારુસની સરકાર વિદેશી સ્થળાંતરણનો હથિયારની જેમ ઉપયોગ કરવા પંકાયેલી છે. ભૂતકાળમાં ઇયુ સાથેના રાજકિય અવરોધો દરમિયાન પ્યાદાની જેમ ઉપયોગ થયો હતો.સ્થળાંતરણ કરનારા હજારો લોકો પોલેન્ડ,લાતવિયા અને લિથુઆનિયા સાથેની બેલારુસની સરહદ પર જંગલમાં ફસાયેલા રહયા હતા. એ સમયે માનવીય અને સુરક્ષાની કટોકટી ઉભી થઇ હતી. યુક્રેન યુધ્ધ પછી રશિયા અને યુરોપિયન દેશોના સંબંધો કથડયા છે બીજી બાજુ બેલારુસના તાનાશાહ લુકાશેંકોને રશિયા સાથે સારા સંબંધો છે એ જોતા કટોકટીમાં વિદેશી કામદારોનો દુરોપયોગ થઇ શકે છે. પાકિસ્તાન જેવા દેશોના નાગરિકો દારુણ ગરીબીમાં જીવતા હોવાથી અનેક દેશોમાં ઘૂસણખોરી માટે પંકાયેલા છે. એક ચોંકાવનારા આંકડા મુજબ ૨૫ કરોડની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં ૩ કરોડ અને ૮૦ લાખ લોકો ભીખ માંગવા મજબૂર છે. ઘર આંગણે જ નહી કેટલાક તો ભીખ માંગવા માટે કાયયદેસર વિઝા લઇને ખાડી દેશોમાં જાય છે.મક્કા,મદીના,દુબઇ,શારજહા અને અબુધાબી જેવા મોટા શહેરોમાં રહે છે. આ દેશ દર વર્ષે મોટા પાયે પાકિસ્તાની ભીખારીઓને પકડીને ડિપોર્ટ કરતા હોવાના અહેવાલો મળતા રહે છે. આવી સ્થિતિમાં બેલારુસમાં ૧.૫૦ લાખ લોકોને નોકરીનું આમંત્રણ પાકિસ્તાન માટે સારી બાબત હશે પરંતુ સરહદ પરના યુરોપિયન દેશોએ ચાંપતી નજર રાખવી પડશે.