Get The App

ઇગ નોબેલઃ હસાવીને વિચારવા મજબૂર કરતા સંશોધન એવોર્ડસ .

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઇગ નોબેલઃ હસાવીને વિચારવા મજબૂર કરતા સંશોધન એવોર્ડસ                                 . 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- ઇગ નોબેલની મૂળ નોબેલ સાથે સરખામણી થઇ શકે નહી છતાં દર વર્ષે સંશોધન વિષયો તેના પરિણામોના લીધે ચર્ચામાં રહે છે છેલ્લા ૩૫ વર્ષથી આ પ્રકારના સંશોધનો લોકોને હસાવે છે એટલું જ નહી પછી વિચારવા માટે પણ મજબૂર કરે છે.

તા જેતરમાં જાપાનની એક સંશોધન ટીમે ગાયના શરીર પર ઝેબ્રા જેવા સફેદ- કાળા પટ્ટા કરવાથી માખી, મચ્છર કરડવાની શકયતા ઘટે છે તેવું રસપ્રદ સંશોધન કર્યું હતું. આ સંશોધન માટે ટીમનું 'ઇગ નોબેલ' થી સન્માન કરવામાં આવ્યું. જાપાની ટીમના પૂર્વ અભ્યાસ પરથી ફલિત થતું હતું કે સફેદ-કાળા પટ્ટાથી માખીઓ શરીર પર બેસતી વખતે ભ્રમિત થતી હોવી જોઇએ આથી ઝેબ્રા પેર્ટન કુદરતી રીતે જંતુનાશક પણ હોઇ શકે છે.ગાયને માખીઓથી બચાવવા માટેના આ વૈકલ્પિક આઇડિયા વિશે અગાઉ કોઇએ વિચાર્યુ કે જાણ્યું ન હતું. ઇગ નોબેલએ સ્વીડિશ વિજ્ઞાની આલ્ફ્રેડ નોબેલની યાદમાં અપાતો નોબેલ પુરસ્કાર નથી પરંતુ પ્રમાણમાં હળવા, રમુજી અને વિચારતા કરી મુકે તેવા જરાં હટકે સંશોધન માટે અપાતો સાવ જૂદો જ પુરસ્કાર છે જેનો સમારોહ હમણાં બોસ્ટર્ન યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. આ સમારોહને ઇગ નોબેલ ઉપરાંત આઇજી નોબેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આઇ જી નોબેલની પરંપરા મુજબ સમારોહમાં દર્શકો દ્વારા કાગળના વિમાન ઉડાડવામાં આવ્યા હતા. ઇગ નોબેલની મૂળ નોબેલ સાથે કોઇ જ  સરખામણી થઇ શકે નહી તેમ છતાં દર વર્ષે સંશોધન વિષયો તેના પરિણામોના લીધે ચર્ચામાં રહે છે જે છેલ્લા ૩૫ વર્ષથી યોજાય છે. ૧૯૯૧માં આની શરુઆત એક અમેરિકી સાયન્સ હ્વુમર મેગેઝિન' એનલ્સ ઓફ ઇમ્પ્રોબેબલ રિસચ'ર્ દ્વારા થઇ હતી જેનો હેતું નવાઇ પમાડે તેવા સંશોધનોને માન્યતા અપાવવાનો હતો. દર વર્ષે  ભૌતિક રસાયણ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિના ૧૦ જેટલા ઇગ નોબેલ પુરસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાહેર આરોગ્ય, એન્જીનિયરિંગ, જીવ વિજ્ઞાન જેવી કેટલીક કેટેગરીઓ પણ પાડવામાં આવે છે.૨૦૨૦માં કોવિડ મહામારી પછી થિએટર કાર્યક્રમ શકય ના બનતા ૨૦૨૩ સુધી આઇજી નોબેલ પુરસ્કાર સમારોહ સંપૂર્ણ રીતે ઓનલાઇન આયોજીત થયો હતો.

છેલ્લા ૨૦૦ વર્ષમાં માનવજાતની સુખ સમૃધ્ધિ અને આરામ જીવનના મૂળમાં વિજ્ઞાનની શોધો છે. વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં પેઢીઓ ખપી જાય ત્યારે માનવજાતને ઉપયોગી સંશોધનો ક્રમશ આગળ વધતા રહે છે. વિજ્ઞાન ધીર ગંભીર ક્ષેત્ર છે  જયારે આઇજી નોબેલની શરુઆત જ રમૂજથી થાય છે જે પછીથી વિચારતા કરે છે. આ પ્રકારના સંશોધનો લોકોને હસાવે છે એટલું જ નહી પછી વિચારવા માટે પણ મજબૂર કરે છે.વિજ્ઞાનમાં કોમેડી કે પેરોડીને ભલે સ્થાન ના હોય પરંતુ આ એક અલગ વિચાર છે જેનો હેતું આશ્ચર્યજનક સંશોધનની ઉપલબ્ધિની કદર કરીને કલ્પનાશીલ લોકોનું સન્માન કરવાનો  છે. વિજ્ઞાન, ચિકિત્સા અને પ્રાધોગિકીમાં રુચિ વધારવાનો હેતું છે. આઇજી (ઇગ) રોમનલિપિમાં ઇગ્નોબલ શબ્દના પ્રથમ બે અક્ષર છે. ઇગ્નોબલ એટલે કે કનિષ્ટ અથવા તો નીચેના સ્તરનું એવો થાય છે. ઇગ નોબેલ પુરસ્કારથી સન્માનિત સંશોધનોની મજાક પણ ઉડાવાય છે પરંતુ આજના ડિજિટલ જમાનામાં લોકોની જાણવા સમજવાની સમજ વિકસી છે ત્યારે અટપટ્ટા સંશોધનોનું પણ ખૂબ મહત્વ રહે છે. કેટલીક શોધ અને નિરીક્ષણ એવા હોય છે કે રોજબરોજના જીવન સાથે સંકળાયેલ હોવા છતાં કોઇનું ધ્યાન ગયું હોતું નથી.

આ વર્ષે  ગાય પર ઝેબ્રા જેવા પટ્ટા ઉપરાંત બીજા કેટલાક સંશોધન ચર્ચામાં છે જેમાં એક ખાસ પ્રકારની ગરોળી જે ખાસ પ્રકારના પિત્ઝા ખાવાનું પસંદ કરે છે. આ અંગેનો પ્રયોગ ટોગોના એક સમુદ્રકાંઠે આવેલા ઇન્દ્રધનુષી ગરોળીની ખોરાક લેવાની રીત પર આધારિત હતો.પેપરમાં દર્શાવાયું હતું કે શહેરીકરણ પ્રાણીઓના આહારને આશ્ચર્યજનક રીતે પ્રભાવિત કરે છે. ગરોળી પરના સંશોધનમાં નાઇજીરિયા, ટોગો, ઇટાલી અને ફ્રાંસના સંશોધકો જોડાયેલા હતા. મનોવિજ્ઞાન પુરસ્કાર પોલેન્ડના માર્સિન ઝાજેનકોવસ્કી અને ઓસ્ટ્રેલિયાના ગિલ્સ ગિનાકને મળ્યો હતો જેમણે નાર્સિસિસ્ટ(આત્મમુગ્ધ) લોકો પર પરીક્ષણ કર્યુ હતું કે આ લોકોની થતી પ્રશંસા આત્મસન્માન અને વ્યકિતત્વ સાથે જોડાયેલી હોય છે. ભારતના વિકાસકુમાર અને સાર્થક મિત્તલ નામની વ્યકિતને  દુર્ગંધયુકત જુત્તા શૂઝ રેકમાં મુકવાથી સારા અનુભવને તે કેવી રીતે પ્રભાવીત કરે છે તેના પર ઇગ નોબેલ મળ્યો હતો. સમગ્ર સંશોધનને એન્જીનિયરિંગ ડિઝાઇનના એંગલથી મુલવવામાં આવ્યું હતું. 

જુલી મેનેલા અને ગેરીબ્યૂચેમ્પેનો સ્ટડી બાળકની માતા લસણ ખાય છે ત્યારે તેના સ્તનપાન કરવાવાળા શિશુને થતા અનુભવ પર આધારિત હતો. જેમાં સાબીત થતું હતું કે માતૃઆહાર માનવ દૂધના સંવેદી ગુણો અને શિશુના વર્તન પર ચોકકસ અસર કરે છે. આહારની અસરના દાયકાઓ જુના અભ્યાસને આના પરથી પુષ્ટિ પણ મળતી હતી. ટેફલોન જે પ્લાસ્ટિકનું જ એક સ્વરુપ જેને ઔપચારિક ભાષામાં પોલીટેટ્રાફૂલુઓરોએથીલીન કહેવામાં આવે છે. આ ટેફલોનને કેલોરી વધે નહી તેમ છતાં ભરપેટ ભોજન કર્યાની તૃપ્તિ મળે તે રીતે આરોગી શકાય છે જે આંતરડામાં પચ્યા વિના બહાર પણ નિકળી જાય છે આ  એક વિવાદાસ્પદ સંશોધનનો પણ સમાવેશ થતો હતો.

આમ પણ ઇગ નોબેલનો હેતું અજીબો ગરીબ પ્રકારના બિન પરંપરાગત સંશોધનોનો છે. આઇજી નોબેલ અતિ વિશિષ્ટ અને હળવા સંશોધનોને પોષે છે જેના માટે મોટા સંશોધક કે વિજ્ઞાની હોવું જરુરી નથી આથી જ તો કેટલાક તો આવા સમારોહને રિવર્સ નોબેલ પુરસ્કાર તરીકે પણ સંબોધે છે. ગત વર્ષ ૨૦૨૪માં વનસ્પતિ વિજ્ઞાનનો પુરસ્કાર અમેરિકાના જેકબ વ્હાઇટ અને જર્મનીના ફેલિપ યામાશિતાને એક વનસ્પતિના વિકાસ વર્તન પરના નિરીક્ષણ માટે મળ્યો હતો  જેમાં દક્ષિણ અમેરિકી પ્લાન્ટ બોકિવલા ટ્રાઇફોલિયોલાટાને પ્લાસ્ટિક પ્લાન્ટ સાથે રાખવામાં આવેતો તે ઉગવાની નકલ કરી શકે છે.  છેલ્લા ત્રણ દાયકાઓમાં સેંકડો લોકોને ઇગ નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે.  એક ફ્રાંસીસી તબીબ રોમન ખોંસરી અને તેમના સહયોગીઓએ અભ્યાસ કર્યો હતો કે દરેકના માથાના વાળ ઘડીયાળની સોયની દિશામાં ફરે છે એટલે કે 

મોટા ભાગના લોકોના વાળનો ઘૂમાવ દક્ષિણ દિશા તરફનો રહે છે. જો કે આવું દક્ષિણ ગોળાર્ધમાં ઓછું જોવા મળે છે. આ અભ્યાસ ચક્રવાત ઉત્તર અને દક્ષિણ દિશામાં આવતા ચક્રવાત જુદી જુદી દિશામાં ફરે છે તેના પર આધારિત હતો. કેટલાક ટીકાકારો ઇગ નોબલે માટેના વિચિત્ર અભ્યાસને વ્યર્થ ગણાવે છે પરંતુ એ ભૂલવા જેવું નથી કે વિજ્ઞાનમાં ગંભીર સંશોધન કરનારા પણ શરુઆતમાં હાસ્યાસ્પદ ઠર્યા હતા. કેટલાકને તો જેલ અને મુત્યુ દંડ પણ ભોગવવો પડયો હતો. એ ભૂલવા જેવું નથી કે કયારેક નકામું લાગે તે પણ કામનું બની જતું હોય છે. ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક સર આદ્રે ગીમ એક એવી વ્યકિત છે જેમને ઇગ જેવો રમૂજી નોબેલ અને વાસ્તવિક નોબેલ પારિતોષિક પણ મળ્યો છે. સર આદ્ર ગીમને જીવતા દેડકાના ચુંબકિય ઉત્તોલન (મેગ્નેટિક લેવિટેશન) માટે ફિઝિકસનો ઇગ નોબેલ મળ્યો તેના ૧૦ વર્ષ પછી ૨૦૧૦માં વિધૂત ચુંબકિય ગુણ પરના સંશોધન બદલ ફિઝિકસનો અસલી નોબેલ મળ્યો હતો. સર આંદ્ર ગીમ બંને નોબેલ એવોર્ડ મેળવનારા એક માત્ર વિજ્ઞાની છે. ઇગ નોબેલની ગંભીરતાથી વાત થાય ત્યારે ગીમને અચૂક યાદ કરવામાં આવે છે. સામાન્ય  લાગતી બાબતને વિજ્ઞાનની એરણે ચકાસવાની અને પોંખવાની શરુઆત આ પુરસ્કાર જીતનારાને ઝિમ્બાબ્વેના ૧૦ લાખ કરોડ ડોલર આપવામાં આવે છે જેની રકમ ખૂબ મોટી થતી નથી એ પણ એક હળવી મજાક સમાન છે જે પણ આઇજી નોબેલ આયોજનને બિલકુલ અનુરુપ માનવામાં આવે છે.