આજની ડિજિટલ દુનિયામાં 1 અબજ યુવાઓ પર તોળાતું બહેરા થઇ જવાનું જોખમ


- મીડ વીક-હસમુખ ગજજર

- ભૌતિક સાધનો ભલે ડિજિટલ થઇ ગયા પરંતુ  તન અને મન તો એ જ રહેવાના છે. મગજ સાથે આંખ-કાન જેવા શરીરના અવયવોને વધારાનો લોડ પડવા લાગ્યો છે. ભૌતિક સાધનો તો બજારમાંથી ખરીદી શકાય છે પરંતુ શરીરના અવયવો બજારમાં મળતા નથી

પે ઢી દર પેઢી માણસની રહેણી કહેણી અને સુખ સુવિધા બદલાતી રહેવાની છે. આજના ડિજિટલ જમાનામાં ગીત સંગીત આંગળીનું એક ટેરવું ઘુમાવીને સાંભળી શકાય છે એ પહેલા શકય ન હતું. ફિલ્મ સંગીતના ત્રણ ગીત સાંભળવા માટે રેડિયો ટયૂન કરવાનો કે કેસેટની પટ્ટી ચડાવવાનો યુગ કયારનોય આથમી ગયો છે. ૪૦ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા લોકો કે જેમને મિડલ એજ વાળા કહેવામાં આવે છે તે નસીબવાળા છે. આ મીડલ એજ એક ભવમાં બે ભવ જીવી રહયા છે. એક ફોન માટે પોસ્ટ ઓફિસ કે ગ્રામ પંચાયતમાં કલાકો સુધી રાહ જોનારા માટે તો આજની ડિજીટલ દુનિયા જેકપોટ સમાન છે. ધાર્યુ ન હતી એવી સુવિધાઓ અને સવલતોની વચ્ચે જીવવા મળી રહયું છે.વિજ્ઞાનની શોધખોળો અને સાધનો જૂના થતા જશે તેમ નવા શોધતા રહેવાના એના પર કોઇનું નિયંત્રણ નથી. એક સમજવા જેવું છે કે કોઇ પણ ભૌતિક શોધનો હેતું જીવન કાર્યને સરળ બનાવીને આનંદ આપવાનો હોય છે. ભૌતિક સાધનો ભલે ડિજીટલ થઇ ગયા પરંતુ  તન અને મન તો એ જ રહેવાના છે. મગજ સાથે આંખ-કાન જેવા શરીરના અવયવોને વધારાનો લોડ પડવા લાગ્યો છે. ભૌતિક સાધનો તો બજારમાંથી ખરીદી શકાય છે પરંતુ શરીરના અવયવો અને તેની રચના બજારમાં મળતી નથી. સતત ઓન સ્ક્રીન રહેવાથી આંખોની તકલીફ વધી રહી છે તેમ ઇયર ફોન, હેડ ફોન પર મ્યુઝિક સાંભળવાની લત લાગવાથી દુનિયાના એક અબજ યુવાઓ પર બહેરાશનો ભય તોળાઇ રહયો છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વમાં હાલમાં ૪૩ કરોડ લોકો બહેરાશની સમસ્યા ધરાવે છે. ઉપરાંત પર્સનલ લિસનિંગ ડિવાઇસ જેવા કે હેડફોન,ઇયરફોન વગેરેના અનિયંત્રિત ઉપયોગથી યુવાઓમાં હિયરિંગ લોસ (શ્રવણશકિત ઘટાડો) વધતો જાય છે. આથી સ્માર્ટફોનમાં વપરાતા ઇયરફોન જેવા ઉપકરણોમાં અવાજની મર્યાદા રાખવાનું સ્વૈચ્છાએ પાલન કરવું જરુરી બની ગયું છે. ૯૦ ડીબી (ડેસિબલ) થી ઉપરનો અવાજ લોનમાં ઘાસ કાપવાના મશીનના અવાજ જેટલો હોય છે. અમૂક કલાકો સુધી આટલી તિવ્રતા ધરાવતો ધ્વની અથડાયા કરે એનાથી કાનના પડદાને નુકસાન થાય છે. અસુરક્ષિત શ્રવણથી શ્રાવણેન્દ્રીય સિસ્ટમમાં હંગામી કે કાયમી ધોરણે સાંભળવાની ક્ષમતામાં ફેરફાર થવા લાગે છે. આમ તો આંખની દ્વષ્ટિક્ષમતા હોય કે કાનની શ્રવણક્ષમતા વધતી જતી વયની સાથે કુદરતી રીતે ઘટતી હોય છે પરંતુ યુવાઓમાં અકાળે ઘટતી જશે તો કારર્કિદીને પણ નુકસાન કરશે. બહેરાશની સમસ્યાથી દુનિયામાં વર્ષે ૯૮૦ અબજ ડોલરની ખોટ જાય છે. આમાં આરોગ્ય અને સારવાર પાછળ થતા ખર્ચથી માંડીને ઉત્પાદકતમાં ઘટાડો તેમજ સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે. હિયરિંગ ઇન્સ્ટુમેન્ટ પાછળનો ખર્ચ ગણવામાં આવેતો ખોટનો આંકડો ખૂબ વધી જાય છે. શરીર કુદરતે આપેલી અણમોલ ભેટ છે એ ભૂલવા જેવું નથી. જેમ સતત ઓન સ્ક્રીન રહેવાથી આંખોની તકલીફ વધી રહી છે તેમ સતત ઇયર હેડ ઇયર ફોન પર મ્યુઝિક સાંભળવાની ટેવ વધતી જાય છે.

યુ એસમાં યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિના ખાતે વિદ્વાનોની આગેવાની હેઠળ વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૧ સુધી વ્યકિતગત સાંભળવાના ઉપકરણો (પર્સનલ લિસનિંગ ડિવાઇસ) અને સંગીતના જાહેર સ્થળો પર અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. પર્સનલ લિસનિંગ ડિવાઇસમાં ૨૩ ટકા યુવાઓ અને ૨૦ ટકા સગીરો અતિશય અવાજ રાખીને સંગીત સાંભળે છે. સ્માર્ટફોનમાં મ્યુઝિક હાથવગુ હોવાથી આ સમસ્યા કોઇ એક દેશ કે ખંડની નહી દુનિયા ભરમાં જોવા મળે છે. ડિજિટલ ક્રાંતિ પછી દુનિયાના પરીવારોની મૌલિક જીવનશૈલી અને વિવિધતા ખતમ થઇ રહી છે. એક ધાર્યા રગશિયા ગાડા જેવા કૃત્રિમ જીવનમાં મોટે ભાગે રાત્રિનો સમય સોશિયલ મીડિયાની પોસ્ટ જોવામાં અને જાત ભાતના વીડિયો સંગીત સાંભળવામાં પસાર થવા લાગ્યો છે. આખો પરીવાર સ્માર્ટફોનના સ્ક્રીન પર આંગળીઓ ઘૂમાવતો હોય એવું પણ જોવા મળે છે. રાત્રે સોશિયલ સાઇટસ પર ટ્રાફિક કિડીયારુની જેમ ઉભરાય છે. કેટલાકને તો ઇયરફોન પર કલાકો સુધી સંગીત સાંભળે નહી ત્યાં સુધી ઉંઘ આવતી નથી. યુ ટયૂબ જેવી સાઇટસ પર સંગીત સાવ સરળતાથી મળી રહે છે. કેટલાક યુવાઓ તો બેડરુમ તરફ સુવા જાય છે પરંતુ હકીકતમાં સુવાને સ્થાને પડયા રહીને ઉજાગરા કરતા રહે છે. ધીમે ધીમે આ એક લત જેવું બનતું જાય છે. સંગીતનો આનંદ ભલે મફત જેવા ભાવમાં મળી રહેતો હોય પરંતુ ઉજાગરા આપણા થાય છે. બીજા દિવસે અભ્યાસ અને નોકરી માટે વહેલા ઉઠવાનું છે એ પણ યાદ રહેતું નથી. મ્યુઝિક પારકુ છે કાન પારકા નથી એવું કહેવાનો સમય પાકી ગયો છે. સંગીત ભલે તન મનને ડોલાવે પરંતુ કાન બગાડે છે એની કાળજી પણ રાખવી જરુરી છે. 

મોબાઇલને હેન્ડસ ફ્રી રાખવા ઇયરફોનનો ઉપયોગ કોમન થઇ ગયો છે. ઉપયોગ પણ પાછો ખપપૂરતો નથી કેટલાક તો ટુ વ્હિલર પર ડ્રાઇવ કરતી વખતે મ્યુઝિક સાંભળતા જ રહે છે. કેટલાક તો કાનમાં સંગીતનું ભુંગળુ ભરાવેલું હોય ત્યારે પાગલની જેમ રસ્તો ક્રોસ કરી નાખે છે. આ વર્તન ખૂદના માટે જોખમી અને બીજાને પણ પીડા આપનારું છે. ટ્રેન કે બસની કલાકોની મુસાફરી દરમિયાન માત્ર શરીર જ હાજર હોય છે મન તો સંગીતના ડિવાઇસમાં ખોવાયેલું રહે છે. કેટલાક માતા પિતા બહાર જાય ત્યારે પોતાના સંતાનને સ્માર્ટફોનમાં ઇયરફોન નહી લગાડવાની સૂચના આપે છે. પાછા આવે ત્યારે ડોર બેલ પણ સંભળાતો નથી. વાલીઓ કાન બગડી જશે, બહેરા જઇ જશો એમ ટોકતા પણ હોય છે પરંતુ બહેરા કાને આ વાત અથડાતી નથી. આ બાબતે ખાસ તો યુવાપેઢીને ડિજિટલ વર્તનના સંસ્કાર રેડવાની જરુર છે. એ વાત સાચી છે કે સ્માર્ટફોનના સ્પીકરનો અવાજ તીણો હોય છે. આવા સમયે રોજબરોજના લાંબા ટુંકા વીડિયો ખુલ્લામાં સાંભળેતો બીજા ડિસ્ટર્બ થતા હોય છે. રેડિયા જેવો અવાજ ખાસ ગમે તેવો હોતો નથી. તેના સ્થાને ઇયરફોન લગાડીને સાંભળવાથી સંગીતની મૂળ ઇફેકટ મળે છે પરંતુ સંશોધકો માને છે કે તેની ઉંચ્ચ ધ્વની આવૃતિ સાથે સતત સાંભળવાના સ્થાને કાન પાકવા લાગે છે. કોઇ પણ વ્યકિતને દરરોજ એક કલાકથી વધુ ૮૦ ડેસિબલ અવાજમાં મ્યુઝિક સાંભળવાની ટેવ હોયતો શ્રવણશકિત નબળી પડી શકે છે. એક સ્ટડી મુજબ તો ઇયર ફોનમાંથી નિકળતા વિધુત ચૂંબકિય તરંગો મગજના કોષને પણ ક્ષતિ પહોંચાડે છે. 

સૌથી સારી સલાહએ છે કે ઇયરફોનની જરુર પડતી જ હોયતો થોડોક સમય ગીત-સંગીત સાંભળીને વચ્ચે વિરામ લો.અવાજની તિવ્રતા કોઇ બાજુમાં આવીને કશીક વાત કહે કે બહારનો અવાજ સંભળાય એટલી રાખો. ઇયર પ્લગની સરખામણીમાં ઓવર ધ હેડ ઇયરફોન પ્રમાણમાં સુરક્ષિત છે. કાનમાં દર્દ થતું હોય કે ખંજવાળ આવતી હોયતો મ્યુઝિક ડિવાઇસ સાંભળવાનું બંધ કરી દો. કાનની સાફ સફાઇ રાખો, સારી ગુણવત્તાવાળા ડિવાઇઝનો ઉપયોગ કરો. નાની ઉંમરે યુવાઓમાં બહેરાશ આવી જશે તો આખું જીવન જીવવામાં તકલીફ પડી શકે છે. આથી અમેરિકા જેવા દેશમાં તો વધતી  જતી હિયરિંગ લોસની સમસ્યાને લઇને નીતિ ઘડવાની પણ માંગ થઇ રહી છે. આજના વિજાણુયુગમાં નોકરીઓ અને બિઝનેસમાં બેક ટુ બેક મીટિંગ્સ, વર્ક કોલ્સ અને વર્ક લોડમાં ઇયરફોનનો ઉપયોગ અનિવાર્ય બનતો જાય છે ત્યારે આ એક નવી સમસ્યા સામે પણ સૌએ જાગૃત થવાની જરુર છે. 

City News

Sports

RECENT NEWS