રશિયા-યુક્રેન યુધ્ધ આગામી 50 દિવસમાં વધશે કે ઘટશે?
- મીડ વીક- હસમુખ ગજજર
- જે ઝેલેંસ્કીને ટ્રમ્પ યુધ્ધ માટે જવાબદાર ગણતા હતા એ હવે આત્મરક્ષા માટે શસ્ત્રો આપવા તૈયાર થયા છે
ટ્ર મ્પ ચૂંટણી પ્રચારમાં રશિયા-યુક્રેન યુધ્ધ ૨૪ કલાકમાં અટકાવી દેવાનું વચન આપ્યું હતું પરંતુ પ્રમુખપદ સંભાળ્યાના ૬ મહિના પછી પણ યુધ્ધ વિરામનો પડાવ દૂર છે. છેલ્લા ૬ મહિનામાં યુક્રેન યુધ્ધ બાબતે ટ્રમ્પના નિવેદનો એટલા વિરોધાભાસી રહયા છે કે તે કોનો વાંક કાઢે છે અને શું કરવા માંગે છે તે જ નકકી થઇ શકયું નહી. એક વાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીનો ઉઘડો લઇને તાનાશાહ જયારે પુતિનને સારા ગણાવ્યા હતા. સાઉદી અરબમાં રશિયા અને યુએસના અધિકારીઓની શાંતિ માટે બેઠક મળી જેમાં યુક્રેનને આમંત્રણ જ મળ્યું ન હતું. ઝેલેંસ્કી સાથેની ઐતિહાસિક જીભાજોડીમાં ટ્રમ્પે યુદ્ધ માટે યુક્રેનને જ જવાબદાર ગણ્યું હતું. ઝેલેંસ્કીના વિદ્વોહી વલણને લાંબા સમય સુધી સહન નહી કરે એવી પણ ચેતવણી આપી હતી. પુરોગામીએ યુક્રેનને કરેલી મદદની કડક ટીકા કરીને અમેરિકા તરફથી મળતી તમામ પ્રકારની સહાય અટકાવી દીધી હતી. છેલ્લા ૩ વર્ષમાં અમેરિકાએ યુક્રેનને કરેલી આર્થિક મદદનો આંકડો જુદો જુદો રહયો છે. સત્તાવાર માહિતી મુજબ રશિયાના આક્રમણ પછી અમેરિકાએ યુક્રેનને ૬૦ અબજ ડોલરથી વધુની લશ્કરી સહાય કરી હતી. એક જર્મન આર્થિક સંશોધન સંસ્થાના જણાવ્યા મુજબ ૨૦૨૨ થી ૨૦૨૪ના અંત સુધીમાં યુએસએ નાણાકીય,માનવતાવાદી અને લશ્કરી સહાય પેટે ૧૧૯.૮ અબજ ડોલર યુક્રેનને આપ્યા હતા. અમેરિકાની સહાય વિના રશિયા સામે યુધ્ધમાં ટકી રહેવું મુશ્કેલ હતું આથી જ તો નવા પ્રમુખ ટ્રમ્પે યુક્રેનમાંથી મળતા રેર અર્થ મિનરલની ૫૦૦ અબજ ડોલર જેટલી કિંમત આંકી હતી. છેલ્લા કેટલાક સપ્તાહથી રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલા શરુ કર્યા છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખૂદ કહેવું પડયું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિન દિવસે શાંતિની વાતો કરે છે આને રાત્રે હુમલા કરતા હોવાથી નાખૂશ છે. તુર્કી ખાતેની શાંતિ મંત્રણામાં પુતિને ઝેલેંન્સ્કી સાથે સીધી શાંતિ વાટાઘાટોને નકારી દીધી હતી.
રશિયા-યુક્રેન યુધ્ધના સમીકરણો બદલાતા ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચેની તકરાર હવે ભૂતકાળ બની ગઇ છે.જે ઝેલેંસ્કીને ટ્રમ્પ યુધ્ધ માટે જવાબદાર ગણતા હતા એ હવે આત્મરક્ષા માટે શસ્ત્રો આપવા તૈયાર થયા છે. શસ્ત્ર મદદમાં પેટ્રીયેટ ડિફેન્સ સિસ્ટમ અને વિસ્ફોટકોનો પણ સમાવેશ થાય છે.૧૪ જુલાઇના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૧૦ અબજ ડોલરના નવા શસ્ત્ર પેકેજની જાહેરાત કરી હતી જે પોતાના નાટો સહયોગીઓને આપશે આ નાટો દ્વારા હથિયારો યુક્રેન સુધી પહોંચશે. રશિયા સામે યુધ્ધ કરવું હોયતો અમારી પાસેથી શસ્ત્રો લઇ જાવ એવું યુક્રેનને ખુલ્લું આહ્વાન કરીને ટ્રમ્પે પોતાની નીતિઓમાંથી યુટર્ન લીધો છે. રશિયાનો વિશાળ વિસ્તાર જોતા દૂર દૂર સુધી પ્રહાર કરી શકાય તેવી લાંબા અંતરની મિસાઇલો યુક્રેનને હવે મળી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર ટ્રમ્પ અમેરિકાની ખતરનાક ગણાતી ટૉમહૉક મિસાઇલ યુક્રેન મોકલવાનો વિચાર કરી રહયા છે જેની મદદથી મોસ્કો અને સેંટ પીટર્સબર્ગ જેવા રશિયન શહેરો પર હુમલા કરી શકાય છે. જો આનો અમલ થાયતો આગામી દિવસોમાં યુક્રેન-રશિયા યુધ્ધ વકરશે એ નકકી છે. ઝેલેંસ્કી ઘણા સમયથી મોસ્કો વિરુધ મજબૂત કાર્યવાહી માટે લાંબા અંતરની મિસાઇલોની જરુરિયાત મહેસૂસ કરે છે. ઝેલેંસ્કીનો ઇરાદો રશિયાની અંદર હુમલો કરીને પશ્ચિમી દેશોેને યુધ્ધમાં ખેંચવાનો પણ રહયો છે. ટૉમહૉક ક્રુઝ મિસાઇલો અમેરિકાના શસ્ત્ર ભંડારના શકિતશાળી હથિયારોમાંનું એક છે. આ મિસાઇલો જમીનની ખૂબ નજીકથી ઉડે છે અને રડારથી બચી જાય છે. ટોમહૉક મિસાઇલ ૧૦૦૦ પાઉન્ડ વિસ્ફોટક લઇને સૈન્ય ઠેકાણાઓ પર સટિક હુમલો કરે છે. આ મિસાઇલને સેટેલાઇટથી નેવિગેટ કરવામાં આવતી હોવાથી સટિકતા ૧૦૦ ટકા હોય છે. વર્ષ ૨૦૨૪માં યુક્રેની અધિકારીઓએ અમેરિકા પાસે ટોમહોક મિસાઇલોની માંગ કરી હતી પરંતુ યુધ્ધ વિનાશક મોડ પર પહોંચી જશે એમ માનીને ના પાડવામાં આવી હતી.
ટ્રમ્પે યુક્રેન માટે નવા શસ્ત્રોની જાહેરાત કરી છે એટલું જ નહી આગામી ૫૦ દિવસમાં શાંતિ કરાર ના થાય ત્યાં સુધી રશિયન નિકાસના ખરીદદારો પર ૧૦૦ ટકા ટેરિફ ગણવાની ધમકી આપી છે. તેમણે બ્રાઝિલ, ચીન અને ભારત જેવા દેશોને ઉદ્દેશીને કહયું છે કે વ્લાદિમીર પુતિનને ફોન કરો અને કહો કે તેમણે શાંતિ વાટો પ્રત્યે ગંભીર બનવું પડશે. ટ્રમ્પ ઇચ્છે છે કે ૫૦ દિવસમાં યુક્રેન અને રશિયાનું યુધ્ધ અટકી જવું જોઇએ પરંતુ તેમણે જે રસ્તો અપનાવ્યો છે તે યુધ્ધ વકરે તેવો જણાય છે. ૫૦ દિવસની મહેતલનો મહત્તમ ઉપયોગ રશિયા યુધ્ધ જીતવા માટે કરી શકે છે. રશિયા યુક્રેનની વધુને વધુ જમીન પડાવીને શાંતિ કરારો કે વાટાઘાટો માટે સારી સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરશે તો આ ગાળો ચિંતા પેદા કરનારો રહેશે.યુક્રેનને પણ યુએસ તરફથી મોટા પાયે શસ્ત્રો, હવાઇ સંરક્ષણ, મિસાઇલો અને દારુગોળો મળવાનો હોવાથી તે પણ વટથી લડશે.
યુક્રેન યુધ્ધના મૂળમાં નાટો (નોર્થ એટલન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) દેશો સાથેના યુક્રેનના જોડાણનો વિવાદ મુખ્ય છે. રશિયાએ ૨૪ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ હુમલો કર્યો કારણ કે યુક્રેનને નાટોનો હિસ્સો બનવા દેવા માંગતું ન હતું. યુક્રેનમાં નાટો પગ પેસારાનો પ્રયાસ કરે તો તેના સૈનિકો પોતાની સરહદની નજીકમાં આવી શકે એવો રશિયાને હંમેશા ભય રહયો છે. રશિયાનો શરુઆતનો ઉદ્ેશ્ય રાજધાની કીવમાં પ્રવેશ કરીને પશ્ચિમી તરફી વોલોડીમીર ઝેલેંન્સ્કી સરકાર ઉથલાવવાનો હતો. જો કે ૨૦૧૯થી યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયેલા ઝેલેંસ્કી આજે પણ અડિખમ છે. ૩૦ દેશોના મિલિટરી સંગઠન નાટોએ રશિયા સાથે યુધ્ધમાં સીધુ ઝંપલાવવાના સ્થાને યુક્રેનને બહારથી સમર્થન અને મદદ આપી છે. છેલ્લા ૩ વર્ષમાં રશિયા સાથેની લડાઇમાં યુક્રેનના શહેરો બરબાદ થઇ ગયા છે. અર્થ વ્યવસ્થા પડી ભાંગી છે, ૭૫૦૦૦થી વધુ સૈનિકોના મુત્યુ થયા છે. ૭૦ લાખથી વધુ નાગરિકોએ વિસ્થાપિત થવું પડયું છે. નાટોમાં જોડાવાની જીદ્થી યુક્રેન કમજોર થયું છે છતાં યુધ્ધમાં ટકી રહયું છે. રશિયા નાટોની રચનાનો ઇતિહાસ જાણે છે આથી જ નાટોના વિસ્તરણને પોતાના સરહદી દેશો માટે ખતરા સમાન ગણે છે. ૨૦૦૮માં જયોર્જિયાએ નાટોમાં જોડાવાની કોશિષ કરી ત્યારે રશિયાએ હુમલો કરી દીધો હતો.
૨૦૧૪માં યુક્રેનના ક્રિમિયા ટાપુ પર નિયંત્રણ મેળવ્યું હતું. ફિનલેન્ડ અને સ્વીડન દસકાઓ સુધી તટસ્થ રહયા પછી ૨૦૨૨માં નાટોમાં જોડાતા બંને રશિયાના ટાર્ગેટ પર આવ્યા છે. નાટો દાવો કરે છે રશિયાની આક્રમકતા સામે રક્ષણ અને શાંતિ જ તેનો મૂળ હેતું છે. નાટોનું વિસ્તરણ જયારે શાંતિ લાવે ત્યારે ખરું પરંતુ હાલમાં સંઘર્ષમાં વધારનારું સાબીત થયું છે.
રશિયા ભલે સરકાર ઉથલાવવામાં નિષ્ફળ રહયું હોય પરંતુ છેલ્લા ૩ વર્ષમાં સમયથી યુક્રેનિયન પ્રદેશના પાંચમા ભાગ પર કબ્જો ધરાવે છે. આક્રમણ પ્રતિ આક્રમણ પછી રશિયન અને યુક્રેનિયન દળો ૧૦૦૦ કિમી (૬૨૯ માઇલ)થી વધુ સક્રિય ફ્રન્ટ લાઇન પર લડાઇમાં છે. બંને પક્ષો પાસે યુધ્ધ જીતવાની વાસ્તિવક સંભાવનાઓ ઓછી છે. જો કે ઝેલેન્સ્કીએ દુનિયાને ચેતવણી આપી છે કે રશિયા ઉત્તર પૂર્વમાં નવા આક્રમણની તૈયારીઓ કરી રહયું છે. રશિયાએ ૨૦૨૨માં કથિત લોકમત લીધા પછી પૂર્વી અને દક્ષિણ યુક્રેનના ચાર પ્રદેશોને પોતાનામાં સમાવી લીધા છે. યુક્રેનિયન દળો ઉત્તરના મોટા વિસ્તારો અને દક્ષિણના ભાગોને મુકત કરવામાં સફળ રહયા છે પરંતુ તાજેતરના વળતા પ્રહારોમાં ખાસ સફળતા મળી નથી. ઓગસ્ટ ૨૦૨૪માં રશિયાના કુર્સ્ક પ્રદેશ પર કબ્જો મેળવ્યા પછી થોડાક ભાગને બાદ કરતા મુખ્ય વસાહતો પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે. રશિયા માને છે કે યુક્રેન પર સંપૂર્ણ નિયંત્રણ અને સુરક્ષા ગેરંટી વિના યુધ્ધમાંથી પાછા ફરી શકાય તેમ નથી. યુક્રેન માને છે કે રશિયાએ ગેર કાયદેસર જીતેલા વિસ્તારો ખાલી કરીને અખંડ યુક્રેનનું સન્માન કરે તો જ યુદ્ધવિરામ શકય છે. આ એક એવું પેચિંદુ યુધ્ધ છે જેમાંથી બહાર નિકળવા બંને પક્ષોએ વાટાઘાટો કરીને જતું કરવાની તૈયારી રાખે તો જ શાંતિ શકય છે. યુક્રેનને અમેરિકા અને નાટોનું નવેસરથી બળ મળશે તો હજુ પણ રશિયા સામે લડતું રહેવાનું છે પરંતુ આ અંતહિન લડાઇ કોઇના હિતમાં નથી. રશિયા અને યુક્રેનની લડાઇ એક બીજાને નફરત કરતા બે બાળકો વચ્ચેની લડાઇ નથી. એમને ખૂબ લડવા દઇને પછી છુટા પાડવાનું વલણ બરાબર નથી. ટ્રમ્પ એક સમયે હું રશિયા અને યુક્રેન યુધ્ધ અટકાવી દઇશ એવી ચુંટણી પ્રચારમાં શેખી મારી હતી આ શેખી તેમને મોંઘી પડી રહી છે. તેઓ યુક્રેનને મદદનું વિચારીને ૫૦ દિવસમાં શાંતિ લાવવાનો માર્ગ કાઢવા પ્રયાસ કરી રહયા છે.હકિકતમાં તો આ માર્ગ અશાંતિનો સાબીત ના થાય તે જોવું જરુરી છે.