Get The App

દિવાળી ઉજવણીની લોકલથી માંડીને ગ્લોબલ સુધીની સફર...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
દિવાળી ઉજવણીની લોકલથી માંડીને ગ્લોબલ સુધીની સફર... 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- દિવાળીમાં મીઠાઇ અને ફટાકડા તો ખાલી માધ્યમ છે હકીકતમાં તો આ એક લાગણીઓ અને ઉર્મિઓનો પ્રગટ ઉત્સવ છે. એક સમય હતો કે  વિદેશમાં લોકો દિવાળી વિશે ભાગ્યે જ કશુંક જાણતા હતા. આજે પ્રકાશનો પર્વ દિવાળી ઓછાવત્તા પ્રમાણમાં ૯૦ થી વધુ દેશોમાં ઉજવાય છે

ભા રતમાં સદીઓથી ઉજવાતો દિવાળી તહેવાર દરેકના મનને ઉમંગ અને ઉલ્લાસથી ભરી દે છે. ૫ હજાર વર્ષ જુની સિંધુઘાટીની સભ્યતામાંના મોહન જો દરો અને હડપ્પાના લોકો પણ દિવાળી ઉત્સવ ઉજવતા હોવાના પુરાવા મળે છે. નાનપણથી માંડીને  વૃધ્ધ થાય ત્યાં સુધી માણસનો તહેવારો સાથે અતૂટ નાતો રહે છે. દિવાળી તહેવારોનું એક આખું ઝુમખું વાઘબારસથી શરુ કરીને ભાઇબીજ સુધી ચાલતું રહે છે. કાળી અમાસના અંધકારને ચિરતો દિપોનો પ્રકાશ આશાનું અજવાળુ ભરી દે છે. જાણે જીવન એક પડાવ પાર કરીને પોરો ખાવા બેઠું હોય એવી આહલાદક અનુભૂતિ થાય છે. જીવન અનુભવને કેટલી દિવાળીઓ જોઇ તેની સાથે જોડવાનો મહિમા છે. વતનથી વછોડાયેલા શહેરીજીવનની ઘટમાળમાંથી બહાર આવીને દિવાળીએ વતનની વાટ પકડે છે અને જે ભૂલાઇ ગયું છે કે જે છૂટી ગયું છે તેને પાંમવા પ્રયાસ કરે છે. દિવાળી સ્વજનો સાથે ઘરે ઉજવાય ત્યારે જ ઉરમાં આનંદ રેડાય છે. દિવાળી તહેવાર નામે એક પરંતુ પરંપરાઓ, માન્યતાઓ અને ઉજવવાની રીત સાવ મૌલિક રહે છે.  ફેસ્ટિવલ નિમિત્તે થતી ખરીદી છૂટક અને થોકબંધ બજારને બૂસ્ટર ડોઝ પૂરો પાડે છે. દિવાળીે હકીકતમાં તો આ એક લાગણીઓ અને ઉર્મિઓનો પ્રગટ ઉત્સવ છે. દિવાળી ઢૂકડી હોય ત્યારે સામુહિક ધોરણે દરેક ઘરોમાં થતી સફાઇ પણ ઉત્સવ બની જાય છે. પરિવારનું દરેક સભ્ય પોતાની અનુકૂળતા મુજબ સફાઇમાં ભાગ લે છે. કેટકેટલીય તસ્વીરો, દસ્તાવેજો, ચીજ વસ્તુઓ સાથે યાદોનો પટારો ખૂલતો રહે છે .  ઘરની ગૃહિણી સફાઇ અભિયાનની કમાન સંભાળે છે જેમાં આખો પરિવાર સૈનિક બનીને જોડાઇ જાય છે. આમ તો ઘર સફાઇ મહેનત અને સમય માંગી લે તેવું કામ છે છતાં તેમાં એક છૂપો આનંદ રહે છે. થાકેલા પરિવારજનો એક બીજાની વિશેષ કાળજી લેવા માંડે છે.  દુનિયા ભલે ડિજિટલ બની જાય પરંતુ લાગણીઓનું ડિજિટિલાઇઝેશન થતું નથી. ફોટા કે સેલ્ફીઓ માત્ર મોબાઇલમાં સંગ્રહની ચીજ નથી તેવું જીવવાનું પણ હોય છે એનો પળેપળે અહેસાસ તહેવાર કરાવી જાય છે. સ્વજનો સાથે રહયા પછી છૂટા પડતી વખતે આંખ ભીની થાયતો જ સમજવું કે દિવાળીનો અજવાસ અંતરમાં પણ ઉતર્યો છે. વર્ષનો અંતિમ દિન એટલે દિવાળી અને દિવાળી પછી બદલતું વિક્રમ સંવત વર્ષ સૌને નવ પલ્લવિત કરે છે.  સમયના વહેતા પ્રવાહને અનુભવતું મન ડૂબકીઓ મારતું રહે છે.  મનને નવું નકકોર કરીને સકારાત્મક પોષણ આપવાનો આ અવસર છે. અંધકારમાંથી અજવાળા તરફની આ ગતિ છે. રોજીંદી ઘટમાળ તોડીને નવા સંકલ્પો અને નવા વિચારો થકી ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાની આ ઘડી છે. 

પૃથ્વીના છેડે માણસ જયાં પણ સ્થળાંતરણ કરે છે ત્યાં પોતાની ચીજ વસ્તુઓ જ નહી  પોતાના તહેવારો, પરંપરાઓ અને સંસ્કૃતિનો પણ વાહક બને છે.  એક માહિતી મુજબ દુનિયાના વિવિધ દેશોમાં ૪ કરોડથી પણ વધુ ભારતીયો રહે છે. બહુમતિ હિંદુધર્મીઓ વિદેશમાં રહીને પણ પોતાના ધર્મ અને સંસ્કારોને જાળવી રાખે છે આથી જ તો દિવાળી જેવા તહેવારોએ લોકલથી આગળ વધીને ગ્લોબલ સુધીની સફર કરી છે. એક સમય હતો કે ભારતમાં ખ્રિસ્તી નવું વર્ષ ઉજવાતું પરંતુ વિદેશોમાં લોકો દિવાળી વિશે ભાગ્યે જ કશુંક જાણતા હતા. આજે પ્રકાશનો પર્વ દિવાળી ઓછાવત્તા પ્રમાણમાં ૯૦ થી વધુ દેશોમાં મનાવાય છે. ભારતીય મૂળના લોકોના વધતા જતા વૈશ્વિક વિસ્તરણના પગલે દિવાળી હવે ખરા અર્થમાં ગ્લોબલ ફેસ્ટિવલ બની ગયો છે. હરદ્વારના ગંગાઘાટથી માંડીને લંડન બ્રીજ સુધી પ્રકાશપર્વનો પૂંજ ફેલાતો રહે છે. લેસ્ટર સહિત બ્રિટનના વિવિધ ભાગોના પાર્કો અને મોટા રસ્તાઓ પર દિવાળીનો માહોલ જોઇ શકાય છે. મલેશિયા, ફિઝી, નેપાળ, મોરેશિયસ, સિંગાપુર અને શ્રીલંકામાં રાષ્ટ્રીય રજા હોય છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં દિવાળી પર્વને તિહાર અને સ્વાન્તિ કહેવામાં આવે છે. ભારતની જેમ નેપાળમાં પણ દિવાળી પાંચ દિવસ સુધી ઉજવાય છે. પ્રથમ દિવસે કાગડાને બીજા દિવસે કૂતરાને ખવડાવવામાં આવે છે જેને કુકર તિહાર કહેવામાં આવે છે. ત્રીજા દિવસે લક્ષ્મી માતાની પૂજા થાય છે. આ સાથે જ નેપાળમાં નવા સંવત વર્ષની શરુઆત પણ થાય છે. ચોથા દિવસે નવા વર્ષની ધૂમ ઉજવણી શરુ થાય છે. પાંચમા દિવસે ભાઇ ટીકા તહેવાર જે ભાઇબીજને મળતો આવે છે.સિંગાપુરની વાત કરીએ તો જાહેર રજાના દિવસે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ચાઇના ટાઉનમાં આવેલા સૌથી મોટા શ્રી મરિઅમ્મન મંદિરમાં લોકો માથુ ટેકવે છે.  મોરેશિયસમાં ૪૮ ટકા જેટલી વસ્તી હિંદુ હોવાથી  દિવાળીના દિવાઓથી આખો દેશ ઝગમગી ઉઠે છે. 

મોરેશિયસની સમૃધ્ધ સાંસ્કૃતિક પરંપરાને ધ્યાનમાં રાખીને ભિન્ન સંસ્કૃતિ ધરાવતા લોકો પણ ઉજવણીમાં જોડાય છે. સૌ પ્રિયજનોને મળીને મીઠાઇ આપીને એક બીજાને શુભેચ્છા પાઠવે છે. ફિજીમાં વિશેષ તો ઇન્ડો ફિજિયન સમુદાયના લોકો આ પર્વને અંધકાર પર અજવાળાની જીતના સ્વરુપે જુવે છે. થાઇલેન્ડમાં બેંગ્કોક અને ચિયાંઇ માઇ જેવા શહેરોના મંદિરોમાં વિશેષ પૂજા અને સામુદાયિક સમારોહનું આયોજન થાય છે. તેલના દીવા અને રંગોળી પુરવામાં આવે છે. થાઇલેન્ડમાં ક્રિયોંધ નામનો તહેવાર પણ દિવાળીને મળતો આવે છે. 

ઇન્ડોેનેશિયામાં બાલી ટાપુની દિવાળી સૌથી યાદગાર હોય છે. બાલીમાં ભારતીય મૂળના લોકો રહેતા હોવાથી દિવાળીએ ભારતમાં હોય તેવો માહોલ જામે છે. વિશેષ પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોનું પણ આયોજન થાય છે. મલેશિયામાં દિવાળી તહેવાર ધાર્મિક સદ્ભાવના અને જાતિય સમૂહો વચ્ચેની કડી બની ગયો છે. કેરેબિયાઇ ટાપુ ત્રિનિદાદ અને ટોબેગોમાં દિવાળીએ રામલીલાનું મંચન થાય છે. કેટલાકનું માનવું છે કે ભારત પછી સૌથી ભવ્ય દિવાળી આ ટાપુઓ પર ઉજવાય છે. ત્રિનિદાદ ક્રેઓલે અને તોબાગોના ક્રેઓલેમાં સ્પેનિશ, ભારતીય, આફ્રિકન અને યુરોપિયન સંસ્કૃતિને ઉજાગર કરે છે. અમેરિકામાં ૨૦૦૩માં વાઇટ હાઉસમાં પ્રથમવાર દિવાળી ઉજવાઇ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ જર્યોજ વૉકર બુશે ૨૦૦૭માં યુએસએ કોંગ્રેસ દ્વારા દિવાળીને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૯માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા વાઇટ હાઉસમાં વ્યકિતગત રીતે દિવાળીમાં ભાગ લેનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રાચીન સમયમાં રાવણનું સામ્રાજય ગણાતા શ્રીલંકામાં લોકો માટીમાંથી તૈયાર કરેલા દીવા પ્રગટાવે છે. સૌ એક બીજાના ઘરે જઇને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. હિંદુ તમિલ સમુદાય ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરીને મીઠાઇઓ વહેંચે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં દિવાળી ભારતીય મૂળના અને સ્થાનિક લોકો ઉત્સાહથી મનાવે છે. ૨૦૦૬માં મેલબોર્નના પ્રતિષ્ઠિત ફેડરેશન સ્કવાયર પર દિવાળી સમારોહની ભવ્ય ઉજવણી થઇ હતી. આ કાર્યક્રમ મેલબોર્નના કલા કેલેન્ડરનો એક ભાગ બની ગયો છે. યહુદીઓમાં હનુક્કાહ નામનો તહેવાર દિવાળીની જેમ જ પ્રકાશનું મહત્વ પ્રગટ કરે છે. હનુક્કાહમાં આઠ દિવસ સુધી મીણબતીઓ સળગાવવામાં આવે છે. ફેસ્ટિવલ જેમ આગળ વધતો જાય તેમ મીણબત્તીઓ પ્રગટાવવાની સંખ્યા વધતી જાય છે.  આમ વિદેશમાં વસતા ભારતીયો પર્વ પરંપરાના સંદેશાવાહક હોવાથી દિવાળી પર્વમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા ઉજાગર થતો રહેવાનો છે.