Get The App

હંગેરીમાં અજેય ગણાતા વિકટર ઓર્બનનો પરાજય 'હરખ હવે તું યુરોપિયન યુનિયન'

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
હંગેરીમાં અજેય ગણાતા વિકટર ઓર્બનનો પરાજય 'હરખ હવે તું યુરોપિયન યુનિયન' 1 - image

- મીડ વીક- હસમુખ ગજજર

- વિકટર ઓર્બનના રાજકીય વિચારો અને શૈલીએ ટ્રમ્પને અમેરિકામાં 'માગા' અભિયાન માટે પ્રેરિત કર્યા હતા. આથી જ તો ઓર્બનને ટ્રમ્પ બીફોર ટ્રમ્પ એટલે કે ટ્રમ્પ પહેલાના ટ્રમ્પ કહેવામાં આવતા હતા

આ મ તો ચૂંટણી યોજાવીએ જે તે દેશની આંતરિક બાબત છે પરંતુ મધ્ય યુરોપમાં આલ્પસ પર્વતમાળાની  પૂર્વમાં નાનકડા હંગેરી દેશની ચૂંટણી અને તેના પરિણામોએ દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું છે.૧ કરોડથી ઓછી વસ્તી ધરાવતા હંગેરીમાં છેલ્લા ૧૬ વર્ષથી (કુલ ૨૦ વર્ષ) શાસન કરનારા કદાવર વડાપ્રધાન વિકટર ઓર્બનની સરકારને લોકોએ ઉખાડીને ફેંકી દીધી છે. દોઢ દાયકાના લાગલગાટ શાસનમાં ઓર્બને સંવિધાનિક સંશોધન કરીને વિપક્ષો બળશાળી ના બને તેનું  બરાબર ધ્યાન રાખ્યું હતું.  દેશના સ્વતંત્ર મીડિયામાંથી મોટા ભાગનાનું પાર્ટીકરણ કરી નાખ્યું હતું. હંગેરીના ૮૦ ટકા મીડિયા પર સરકાર સાથે સારા સંબંધો ધરાવતા કારોબારીઓનું  નિયંત્રણ હતું.  જાયન્ટ કિલર પીટર મેગ્યારેએ ૨૦૨૪માં તિસ્ઝા નામની રાજકીય પાર્ટીની રચના કરી હતી. મેગ્યાર વિશે માનવામાં આવે છે કે ગત વર્ષોમાં વિપક્ષને મળેલી નિષ્ફળતામાંથી પાઠ શીખીને રણનીતિ નકકી કરી હતી. વિજેતા પીટર મેગ્યાર મે મહિનામાં વડાપ્રધાન પદ સંભાળે તેવી શકયતા છે. યુરોપિયન યુનિયનના દેશો હંગેરીની નવી સરકાર સાથે સંબંધો બાંધવા આતૂર બન્યા છે. 

 હંગેરીનું ચૂંટણી પરિણામ માત્ર હંગેરી જ નહી  પશ્ચિમી જગત અને ખાસ કરીને યુરોપિયન દેશોની રાજનીતિમાં  મોટું પરિવર્તન કેમ માનવામાં આવે છે તેના માટે ઓર્બનના રાજકીય કિરદારને સમજવો જરુરી છે. હંગેરીમાં ૨૮ વર્ષ પહેલા ૧૯૯૮માં થયેલી સંસદીય ચૂંટણીમાં વિજેતા બનીને વિકટર ઓર્બન માત્ર ૩૫ વર્ષની સૌથી નાની  ઉંમરે વડાપ્રધાન બન્યા હતા.  એ સમયે કોઇએ વિચાર્યુ પણ ન હતું કે ઓર્બન આટલી લાંબી રાજકીય ઇનિગ્સ રમશે. વિકટર ઓર્બન દક્ષિણપંથી રાજનીતિના પોસ્ટર બોય બની ગયા હતા  જે માત્ર યુરોપ જ નહી એટલાન્ટિક પાર અમેરિકામાં ટ્રમ્પના પણ પ્રિય હતા. કેેટલાક નિષ્ણાતો માને છે કે વિકટર ઓર્બનના રાજનીતિક વિચારો અને શૈલીએ ટ્રપને 'માગા 'અભિયાન માટે પ્રેરિત કર્યા હતા.  ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં કેટલાક સમય સુધી મુખ્ય રણનીતિકાર રહેલા સ્ટીવ બેનને એક વાર ઓર્બનને ટ્રમ્પ બીફોર ટ્રમ્પ એટલે કે ટ્રમ્પ પહેલાના ટ્રમ્પ કહયા હતા.  ચૂંટણી પર મત પ્રભાવ પાડવા માટે માર્ચ ૨૦૨૬માં ઓર્બને પાટનગર બુડાપેસ્ટમાં એક કોન્ફરન્સનું આયોજન કર્યુ જેમાં યુરોપ જ નહી દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાના લીડરોનો જમાવડો કર્યો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના વ્લાદિમીર પુતિન ઓર્બનની વધુ એક વાર જીત થાય તેવું ઇચ્છતા હતા. ચૂંટણી પહેલાના મતદાર સર્વેક્ષણોમાં હારની આગાહી થતા  યુરોપની જમણેરી લોબી દ્વારા ઓર્બનના સમર્થનમાં અપીલ થઇ હતી. હંગેરીમાં મતદાનના બે સપ્તાહ પહેલા ટ્રમ્પના દૂત બનીને યુએસના ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ બુડાપેસ્ટ પહોંચ્યા હતા. વિકટર ઓર્બનનું હંગેરીની સત્તામાં રહેવું માત્ર અમેરિકા જ નહી રશિયાના પણ હિતમાં હતું. હંગેરી યુરોપિયન યુનિયન(ઇયુ) દેશ હોવા છતાં ઓર્બન વીટો વાપરીને યુક્રેનને મદદ કરવામાં અવરોધ ઉભા કરતા હતા. યુરોપિયન યુનિયન  સાથે ઓર્બનને ખાસ મેળ ન હતો આથી ઓર્બનની હારથી યુરોપમાં ખૂશીની લહેર દોડી ગઇ છે. યુરોપિયન આયોગની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હંગેરીએ યુરોપની પસંદગી કરી છે. યુરોપે હંમેશા હંગેરીને પસંદ કર્યુ છે હવે હંગેરી ફરી યુરોપની રાહ પર જઇ રહયું છે.

ફ્રીડમ હાઉસના અહેવાલમાં જણાવાયું હતું કે હંગેરીમાં બધા રાજકીય પક્ષોને એક સરખી તક મળતી નથી. પહેલા તો  વિકટર ઓર્બને હંગેરીમાં બંધારણીય અને કાયદેસરતાના ઓથા હેઠળ ઇલેકટ્રોરલ ઓટોક્રેસી વિકસાવી હતી. ઓર્બને  ખુલ્લેઆમ  પક્ષપાત કરતી ચૂંટણી સિસ્ટમનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. સત્તાને ગંભીર રીતે પડકાર  ફેંકનારા,  ટીકાકારો અને વિરોધીઓને ચૂંટણી પ્રક્રિયામાં સ્થાન મળતું ન હતું. વિરોધીઓ માને છે વિકટર ઓર્બન ૨૦૧૦માં બે તૃતિયાંશ બહુમતિ સાથે સત્તામાં પાછા ફર્યા તે હંગેરીનું સૌથી છેલ્લું અને 'ફ્રી એન્ડ ફેર ઇલેકશન' હતું. દર ચાર વર્ષે ચૂંટણીઓ તો યોજાતી પરંતુ ઓર્બને વિપક્ષો માટે 'લેવલ પ્લેઇંગ ફિલ્ડ' ખતમ કરી નાખ્યું હતું. પ્રચંડ બહુમતિના જોરે એક જ વર્ષમાં મનગમતા બંધારણીય સંશોધનો  કરવાની નીતિ અપનાવી હતી. ખાસ કરીને  ચૂંટણી સુધારાના નામે ઓર્બન એક નવો ઇલેકટોરલ કાયદો લાવ્યા પછી તો ચૂંટણી પ્રક્રિયાના નિયમો જ બદલાઇ ગયા હતા. હંગેરીમાં એક જ ગૃહ એટલે કે સંસદ છે જેને નેશનલ એસેમ્બલી કહેવામાં આવે છે.   પહેલા સંસદની ૩૮૬ જેટલી બેઠકો હતી જેને ઓર્બને ઘટાડીને ૧૯૯ કરી નાખી હતી. ૧૯૯માંથી ૧૦૬ ચૂંટણી વડે જયારે ૯૩ પાર્ટીની યાદી મુજબ નકકી થતી હતી.  બે તૃતિયાંશ બહુમતિના જોરે  ૨૦૧૧માં મતદાર વિસ્તારનું સીમાંકન બદલવાની પ્રક્રિયા આદરી જે તદ્ન અપારદર્શક અને પૂર્વગ્રહથી ભરેલી હતી. જે મતદાન ક્ષેત્રમાં વિપક્ષીઓને મજબૂત સમર્થન હતું તેનો આકાર મોટો કરવામાં આવ્યો જયારે પોતાની સત્તાધારી ફીડેસ પાર્ટીને સમર્થન કરતા મત વિસ્તારોનો આકાર નાનો રાખવામાં આવ્યો હતો. મતલબ કે એક સીટ જીતવા માટે વિપક્ષી ઉમેદવારોએ વધુ મતો અને પ્રચારની જરુર પડતી હતી. સત્તારુઢ પાર્ટી ઓછા મત મેળવીને પણ બેઠક જીતી જતી હતી જયારે વિપક્ષો વધુ મતો મેળવીને પણ હારી જતા હતા.  ૨૦૧૪માં ચૂંટણી પહેલા મતદાન ક્ષેત્રોમાં હારવાવાળા ઉમેદવારોને જે મત મળતા હતા તે પાર્ટી લિસ્ટમાં જોડવામાં આવતા હતા જેને લૂઝર કમ્પનસેશન કહેવામાં આવતું હતું. પહેલા વિજેતા ઉમેદવારને એક મત ક્ષેત્રમાં જીતવા માટે જે મતો જોઇએ તે ઉપરાંત જે મતો બચતા હતા તેને સરપ્લસ ગણવામાં આવતા હતા. ઓર્બને આ સિસ્ટમમાં પરિવર્તન લાવીને હારવાવાળાની સાથે વિજેતા ઉમેદવારના મતો પણ પાર્ટીમાં ફાળવી દેતા પોતાની સત્તાધારી પાર્ટીની બેઠકોમાં પણ ફાયદો થતો હતો. 

અનેક પાર્ટીઓ સાથે મળીને એક ગઠબંધનથી ચૂંંટણી લડતી હોવા છતાં વિપક્ષને ફાયદો મળી શકતો ન હતો. ઉદાહરણ તરીકે ૨૦૨૨ની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર પીટર માર્કી અને વિકટર ઓર્બન વચ્ચે કાંટાની ટક્કર હતી પરંતુ ચૂંટણી પરિણામોમાં ઓર્બન ૫૪ ટકા મતો સાથે જીત મેળવી હતી જેમાં પાર્ટી લિસ્ટના 

મતોની ગણતરીમાં ખામી જવાબદાર હતી. યુરોપમાં લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાય તેનું ધ્યાન રાખતા ઓફિસ ફોર ડેમોક્રેટિક ઇન્સ્ટિટયૂશન્સ એન્ડ હ્મુમન રાઇટ્સ (ઓડીઆઇએચઆર) એ ની ટીમે ૨૦૨૨માં અહેવાલ આપ્યો કે હંગેરીના ચૂંટણીતંત્રને સ્વતંત્ર કે નિષ્પક્ષ ગણી શકાય નહી. ઓર્બનેે ડિઝાઇન કરેલા ચૂંટણી તંત્રમાં નવી નવી યુકિતઓથી પ્રચંડ બહુમતિ મેળવવામાં આવતી હતી. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, લોકતાંત્રિક અને નાગરિક અધિકારોની સ્થિતિ, મીડિયાની સ્વતંત્રતા, સંસ્થાનિક સ્વાયત પદનો દુરોપયોગ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્વાઓ ચર્ચાતા રહેતા હતા. ઓર્બન દ્વારા  પોતાના સમર્થક વર્ગને ખૂબ પ્રલોભનો અને ભેટ સોગાતો મળતી હતી. મીડિયા પર સરકારનું એવું કડક નિયંત્રણ કે વિપક્ષને એર ટાઇમ ના મળે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું. સરકારી મીડિયા ઓર્બનના સંદેશાને જ મતદારો સુધી પહોંચાડતા હતા.  વિપક્ષી નેતાઓના નિવેદનોને તોડી મરોડીને દેખાડવા અને દુષ્પ્રચાર કરવાનું કામ હતું. જેમ કે ૨૦૨૨ની ચૂંટણીમાં હરીફ  ઉમેદવાર પીટર માર્કીના યુક્રેનને સમર્થન આપવાના નિવેદનને ઓર્બને તોડી મરોડીને રજૂ કરીને ચૂંટણી જીતી હતી. 

૧૯૯૮માં વડાપ્રધાન બન્યા પછી  વર્ષ ૨૦૦૨માં ચૂંટણીમાં ઓર્બનનો પરાજય થતા હંગેરિયન સોશિયલિસ્ટ પાર્ટી સત્તામાં આવી હતી. ૨૦૧૦માં ઓર્બન  હંગેરીના પીએમ પદે પરત ફર્યા ત્યારે તેમની ફિડેસ પાર્ટી સેન્ટર રાઇટિસ ( મધ્યમ જમણેરી) ગણાતી હતી. આ ચૂંટણીમાં હંગેરીની અત્યંત કટ્ટર જમણેરી પાર્ટી યોબિક (મૂવમેન્ટ ફોર ધ બેટર હંગેરી) ૧૭ ટકા મત મેળવીને પ્રથમવાર સંસદમાં પ્રવેશી હતી. ઓર્બને જે વિચારો અને વલણ અપનાવ્યું તે કંઇક અંશે યોબિક પાર્ટીનું હતું. ફિડેસ એટલી બધી જમણેરી પાર્ટી બની ગઇ હતી કે બાકીની રાઇટ પાર્ટીઓ માટે અવકાશ રહયો ન હતો. કટ્ટરવાદી યોબિક પાર્ટીમાં ભાગલા પડવાથી ધીમે ધીમે જનાધાર ખતમ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુતિન અને નેતન્યાહુ જેવા વિશ્વ નેતાઓ જેમના પર ઓવારી જતા હતા તે વિકટર ઓર્બનનું હારવું તે યુરોપ અને પશ્ચિમના જમણેરી જગત માટે સામાન્ય ઘટના નથી. આર્જન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિઅર ગેરાર્ડો મિલેઇએ તો પહેલાથી જ આગાહી કરી હતી કે  હંગેરી જે નકકી કરશે તેની ગૂંજ સમગ્ર યુરોપમાં સંભળાશે જે છેવટે સાચું પડયું છે.