Get The App

ચીન જેના પર દાવો કરે છે એ રશિયાનું વ્લાદિવોસ્તોક કેવું છે ?

- હસમુખ ગજજર .

Updated: Jul 21st, 2020

GS TEAM

Google News
Google News

- વ્લાદિવોસ્તોકમાં ચીનના આર્થિક રોકાણના પગલે ચાઇનિઝ લોકો વધતા જાય છે આથી રશિયાના સ્થાનિક લોકોને ડર છે કે જો ચીનીઓની સંખ્યા વધતી જશે તો આ શહેર પણ એક દિવસે ચીનાઓનું થઇ જશે. 

ચીન જેના પર દાવો કરે છે એ રશિયાનું વ્લાદિવોસ્તોક કેવું છે ? 1 - image

ચી ન દુનિયાનો એક માત્ર એવો દેશ જેને કોઇ પણ પાડોશી દેશ સાથે સારા સંબંધો નથી. વિસ્તારવાદી રણનીતિ ધરાવતા ચીને થોડાક સમય પહેલા રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પર પોતાનો દાવો કરીને ચોંકાવી દીધા હતા. જો કે આ દાવો ચીને સત્તાવાર રીતે નહી પરંતુ સરકારી સમાચાર ચેનલ સીજીટીએનના માધ્યમથી કર્યો હતો.

આમ જોવા જઇએ તો ચીનમાં જેટલા પણ મીડિયા છે તે બધા સરકારી જ છે એમાં જે પણ લખાય કે દર્શાવાય છે તેમાં ચીનની સત્તારુઢ કમ્યૂનિસ્ટ પાર્ટીનું સમર્થન હોય છે આથી ચીની મીડિયાનું વલણ એ જ સરકારી વલણ હોય છે એવો અર્થ નિકળે છે. ચીનનું માનવું છે કે રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર ૧૮૬૦ પહેલા ચીનનો જ એક ભાગ હતું જેને રશિયાએ એકતરફી સંધી કરીને ચીન પાસેથી આંચકી લીધું હતું. ચીન વ્લાદિવોસ્તોકને જુના હેશેનવાઇ નગર તરીકે સંબોધીને મન્ચૂરિયા રાજયના કિંગ સામ્રાજયનો ભાગ ગણે છે. 

વ્લાદિવોસ્તોક રશિયાના પૂર્વ ભાગમાં પ્રશાંત મહાસાગરમાં આવેલું મોટું બંદરગાહ શહેર છે. આ શહેરથી ચીન અને ઉત્તર કોરિયાની દરિયાઇ સરહદ ખૂબ નજીક છે. રશિયાએ વ્લાદિવોસ્તોકમાં નેવીનો સૌથી મોટો કાફલો પોતાના દરિયાઇ હિતોના રક્ષણ માટે ગોઠવ્યો છે.

સોવિયત સંઘના જમાનાથી વ્લાદિવોસ્તોક પ્રશાંત મહાસાગરમાં રશિયાનું સૌથી મોટું નેવી થાણું રહયું છે. રશિયન ભાષાના બે શબ્દો વ્લાદનો અર્થ રાજા અને વોસ્તોકનો અર્થ પૂર્વ થાય છે. ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા પ્રમોર્સ્કી ક્રાય રાજયના વ્લાદિવોસ્તોક પોર્ટ પરથી રશિયાનો મોટા ભાગનો દરિયાઇ વેપાર થાય છે. ઓટોમોબાઇલ્સ સ્પેર પાર્ટસ આયાતનું સૌથી મોટું કેન્દ્ર છે. વ્લાદિવોસ્તોક સાથે જોડાયેલી સિંગ જેવા આકારની જોલોતોય રોગ ખાડી જાપાન સાગરને મળે છે. જાપાનથી ગાડીઓની ખરીદી અને વેચાણ આ શહેરની આવકનો મોટો હિસ્સો છે.

દર વર્ષે ૨.૫૦ લાખ જાપાની ગાડીઓનો સોદો થાય છે જેમાં ૨ લાખ રશિયાના અન્ય ભાગોમાં વેચવામાં આવે છે. વ્લાદિવોસ્તોકમાં ફિશરિઝ અને રશિયન નેવી પણ રોજગારીના મોટા સ્ત્રોત છે. વ્લાદિવોસ્તોક તથા તેની આસપાસનો વિસ્તાર પહાડી છે. ખોેલોદિલનિક નામનો પર્વત સૌથી વધુ ૨૫૭ મીટર ઉંચો છે. જાન્યુઆરીમાં માઇનસ ૧૩.૨ ડિગ્રી જેટલી ઠંડી પડે છે, શિયાળામાં ખૂબ બરફ વર્ષા થાય છે જયારે ઉનાળામાં તાપમાન ૨૦.૬ ડિગ્રી આસપાસ રહે છે. ૨૦૧૯ની ગણતરી મુજબ વ્લાદિવોસ્તોકની વસ્તી ૬૦૫૦૪૯ છે.

પૂર્વથી પશ્ચિમ રશિયાને જોડતા વિશ્વ પ્રસિધ્ધ સાઇબેરિયન રેલવે રુટનું આ છેલ્લું સ્ટેશન છે. મોસ્કોથી ટ્રેનમાં બેસીને ૭ દિવસની સફર ખેડીને વ્લાદિ વોસ્તોક પહોચી શકાય છે. બદલાયેલા સમય સંજોગોમાં ચીન પણ વ્લાદિવોસ્તોકમાં પોતાનું મોટું આર્થિક રોકાણ ધરાવે છે અને હજુ ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું છે. ચીનના આ રોકાણના પગલે ચીનીઓની વસ્તી વધતી જાય છે આથી રશિયાના સ્થાનિક લોકોને ડર છે કે જો ચીનીઓની વસ્તી વધતી જશે તો આ શહેર ચીનાઓનું થઇ જશે. એક અહેવાલ મુજબ વ્લાદિવોસ્તોક અને તેની આસપાસ ૩ થી ૪ લાખ ચીનીઓ રહે છે. 

૨૦ જુન ૧૮૬૦ના રોજ રશિયાના કેપ્ટન એલેકસી શેફનરના આદેશથી ગોલ્ડન હોર્ન ખાડી નજીક એક આઉટ પોસ્ટ ઉભી કરવામાં આવી ત્યારે આ સ્થળે ચીની કામદારો અને વેપારીઓ રહેતા હતા. ઇસ ૧૮૬૮માં માંઝા વોર હેઠળ ચીની રહેવાસીઓને વ્લાદિવોસ્તોક આસપાસના વિસ્તારમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ થયો હતો. જે તે સમયે ચાઇનિઝ મૂળના લોકોએ પ્રતિકાર કરીને રહેવા પ્રયત્ન કર્યો પરંતુ રશિયાના નવા શેટલમેન્ટ સામે કારી ફાવી ન હતી. જયાં વ્લાદિ વોસ્તોક શહેર વિકસ્યું એ સમયે ટુંગ્યૂઝિક નામનો આદિવાસી સમૂદાય પણ રહેતો હતો. રશિયાના વિવિધ ભાગોમાંથી લોકો રહેવા આવતા આ સ્થળે નવી વસાહત ઉભી થઇ હતી.

૨૨ એપ્રિલ ઇસ ૧૮૮૦ના રોજ વ્લાદિવોસ્તોકને ટાઉનનો દરજજો આપવામાં આવ્યો હતો. ઇસ ૧૮૮૩થી રશિયાએ શસ્ત્રો ખડકીને ચોકી પહેરો વધુ મજબૂત બનાવ્યો હતો. ઇસ ૧૮૯૯માં પ્રથમ હાઇસ્કૂલ ખુલી પરંતુ ટ્રાન્સ સાઇબેરિયન રેલ્વે પૂર્ણ થતા શહેરના અર્થતંત્રને ગતિ મળી હતી. ઇસ ૧૯૧૮માં રશિયાના સિવિલ વોર દરમિયાન અમેરિકાના સૈનિકોએ બોલ્શેવિકસે અને વ્લાદિવોસ્તોક સહિત ટ્રાન્સ સાઇબેરિયન રેલવે પર કબ્જો જમાવ્યો હતો. ૧૯૨૦માં જાપાનની આર્મી સામે અહીં વ્લાદિવોસ્તોકના સૈનિકો બહાદૂરથી લડયા હતા. વ્લાદિવોસ્તોક સિટી મધ્યે સેન્ટ્રલ સ્કવેરમાં આજે પણ શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન વ્લાદિવોસ્તોકમાં જર્મની અને રશિયાની સેના વચ્ચે ભીષણ યુધ્ધ થયું હતું.  

Tags :